← સમો વરતે તે સાવધાન બીરબલ અને બાદશાહ
પાપનો પ્રકાશ
પી. પી. કુન્તનપુરી
બોલનો તોલ →



વારતા સોલમી
-૦:૦-
પાપનો પ્રકાશ
-૦:૦-


ભલે હોય બહાદુર પણ અંતે ચોર તણા પગ કાચા.

દીલ્લીમાં રહેતા એક મહોટા ધનાઢ્યના ઘરમાં ચોરી થ‌ઇ, તેની બારીક તપાસ કરવા છતાં કશી શોધ ન મળવાથી લાચાર બની તે ધનાઢ્યે બીરબલની સમક્ષ પોતાની ફરીઆદ રજુ કરી. બીરબલે પણ તે ચોરીની તપાસ ચલાવી પણ તેમાં તે ન ફાવવાથી બીરબલે પોતાના તે વિશાળ બુદ્ધિવાળા મગજમાંથી એક સરસ યુક્તિ શોધી કહાડીને ચાર વાંસની સરખાં માપની લાકડીઓ મંગાવીને તે ધનાઢ્યના ચાર સરદાર ચાકરોના હાથમાં અકેક આપીને કહ્યું કે, 'તમોને આપેલી અકેક (લાકડી) રાત્રી પોતાની પાસે રાખી બીજે દીવસે મને આપી જવી. એટલે હું મારા ઇલમથી તુરત તે ચોરને પકડી કાઢીશ. એ ઇલમના જોરથી ચોરી કરનારની લાકડી એક રાતમાં ચાર આંગળ વધી જશે.' આમ કહી ચારે જણને રવાના કીધાં. જેણે ચોરી કરી હતી તેણે પોતાની ચોરી પકડાઇ ન જાય તેટલા માટે પ્રથમથી ચાર આંગળ કાપી નાંખી બીજે દીવસે ચારે જણ સાથે મળીને બીરબલની પાસે ચારે લાકડીઓ લ‌ઇ આવી ઉભા. ચોર પોતાના ડહાપણથી ચોર બને છે. જારી અને ચોરી કરનાર ગમે તેટલી ચાલાકી વાપરી પોતાના અપરાધને ઢાંકવાની યુક્તીઓ રચતો હોય તો પણ તે સપાટામાં આવ્યા વગર રહેતો નથી ? પાપ પોતાની મેળેજ પ્રકાશી નીકળે છે. આ ચારે જણને લાકડી પકડી ઉભેલા જોઇને બીરબલે એક પછી એકની લાકડી લ‌ઇ માપી જોવા લાગ્યો. ચાર આંગળ ઓછી લાકડી હાથમાં આવતાંજ તેનો તરત હાથ પકડીને તેને એકાંતમાં લ‌ઇ જ‌ઇને કહ્યું કે. 'ચોરીનો માલ ક્યાં છે ? લાવી હાજર કર, નહીં તો ચામડી ઊતારી લુણ ભરવામાં આવશે ? જાણતો નથી કે આ અદલ રાજ અકબર શાહનું છે ?' આ સાંભળી ચોર ગભરાઇ જ‌ઇને ચોરેલો માલ બીરબલની સમક્ષ તે ધનાઢ્યને આપી ક્ષમા માગી.

સાર--ચોરીનો ધંધો કરી પોતાના પાપી પેટનું પોષણ કરનારા ચોરો પોતાની ચોરી છુપાવવા જતાં છતાં બુદ્ધિમાન ન્યાયાધીશોની યુક્તિમાં કેવી રીતે સપડાઇ જાય છે ? માટે આ દાખલાથી સાવધાન થ‌ઇ અનીતિ તજી નીતી ગ્રહણ કરવી.

-૦-