બીરબલ અને બાદશાહ/બ્રજ ભાષાની બલીહારી

← મુર્ખની મીત્રતાઈ બીરબલ અને બાદશાહ
બ્રજ ભાષાની બલીહારી
પી. પી. કુન્તનપુરી
વગર વિચાર્યું કરનાર પસ્તાય છે →


વારતા એકસો એક
-૦:૦-
બ્રજ ભાષાની બલીહારી
-૦:૦-

એક સમે શાહ પોતાના એકાંત ભુવનમાં બેઠો હતો તે વખતે તાનસેન ત્યાં હાજર હતો. તેણે કેટલાક પદો ગાયા પછી સુરદાસજીનું પદ ગાયું.

 જસોદા બાર બાર યું ભાખે,
હય કો બ્રજમેં હેતુ હમારો,
ચલત ગોપાલહી રાખે.

શાહે આ પદ સાંભળીને તાનસેનને પુછ્યું કે, 'આ પદનો શ્યો અર્થ થાય છે તે તો જરા કહો ?'

તાનસેને કહ્યું કે, 'ખાવીંદ ! જસોદા વારંવાર કહે છે કે, આ બ્રજમાં કોઈ અમારો એવો હેતુ છે કે, ગોપાળને જતા અટકાવે ?' આ પ્રમાણે શાહને સમજાવી થોડી વાર પછી તાનસેન સલામ ભરી ચાલતા થયા.

એટલામાં બીરબલ આવ્યો. તેની સાથે શાહે નહીં જેવી વાતો કરી. કારણકે તેનું લક્ષ તો સુરદાસના પદમાં ભરાયું હતું. તાનસેને સમજાવેલો અર્થ તેના મગજમાં બરાબર બેઠો ન હતો. તેથી તેણે બીરબલને તે પદ સંભળાવી તેનો અરથ પુછયો. બીરબલે કહ્યું કે, ‘હજુર ! બાર બાર એટલે ઘેરે ઘેર . જસોદા ઘેરેઘેર ફરીને એમ કહે છે, આ બ્રજમાં અમારો એવો કોઈ હેતુ છે કે, ગોપાલને જતા અટકાવે ?’

બીરબલના કહેવા પછી થોડી વારે રાજા ટોડરમલનું ત્યાં આવવું થયું. તેને પણ શાહે આ પદનો અરથ જાણવા માગ્યો. તોડરમલે કહ્યું કે, ‘ હજુર ! એનો એવો અર્થ થાય છે કે, ‘બાર એટલે પાણીનો દરવાજો. જસોદા ઘાટે ઘાટે ફરીને એમ કહે છે કે, આ બ્રજમાં અમારો એવો કોઈ હેતુ છે કે, ગોપાલને જતાં અટકાવે.’

આ પ્રમાણે એક બીજાથી થોડાં જુદા પડતાં અરથ સાંભળીને શાહ વીચારમાં પડ્યો. એમાંથી કયો અરથ સાચો તે વીશે તેને કાંઇ નીશ્ચય થયો નહીં. એટલામાં કવિ આબુ ફઈઝીનું ત્યાં આવવું થયું. શાહે તેને પણ તેજ પદનો અરથ પુછયો, અબુ ફઈઝીએ કહ્યું કે, ‘ખલકે ખાવીંદ ! બાર એટલે પાણીનો દરવાજો અથવા આંખોમાંથી પડતાં આંસુ, જસોદા રડતી રડતી એમ કહે છે કે, આ બ્રજમાં અમારો એવો કોઈ હેતુ છે કે, ગોપાલને જતા અટકાવે !’

આતો વળી ચોથો અરથ નીકળ્યો. કોઈનો અરથ એક બીજાના અરથને મળતો આવ્યો નહીં. આમ વીચાર કરતાં હતા એટલામાં સોદાગર ખાજા જંગ આવ્યો, તેને શાહે આ પદ પુછતાં તેણે કહ્યું કે, ‘સરકાર ! બાર એટલે મહેલ. જસોદા મહેલે મહેલે ફરીને કહે છે કે, આ બ્રજમાં મારો એવો કોઈ હેતુ છે કે, ગોપાલને જતા અટકાવે ?’

તે સાંભળી શાહ પાછો વીચારમાં પડ્યો. આમાંથી કયો અરથ સાચો માનવો તે તેને સૂઝયો નહીં. એટલામાં નવાબ ખાનખાનાની સ્વારી ત્યાં પધારી. નવાબ સાહેબ એ પદનો અરથ કેવો કરે છે તે જાણવાનું શાહ્નું મન થયું તેથી તેણે તેને પણ એ પદનો અરથ પુછયો. શાહનું પદ સાંભળી નવાબ સાહેબે થોડીવાર વીચાર કરીને પૂછ્યું કે, ‘હજુર ! આ પદનો અરથ મને પહેલાં પુછયો છે કે, બીજા કોઈને પુછયો હતો ?’

શાહે કહ્યું કે, ‘તમારા પહેલા બીજાઓને પણ તે પુછવામાં આવ્યો હતો.’

નવાબે પુછ્યું કે, ‘તેમણે શો અરથ કર્યો હતો?’

શાહે દરેકનો અરથ કહી સંભળાવ્યો. તે સાંભળી નવાબ ખાનખાનાએ કહ્યું કે, ‘સરકાર ! સઉ સઉ પોત પોતાની જાત ઉપર ગયા છે. તાનસેન જાતે ગવૈયો. તેના ગાયનની અંદર વારંવાર ટોમ ટોમ થયા કરે છે તેથી તેણે બારબારનો અરથ ઘડી ઘડી કીધો. બીરબલ જાતનો બ્રાહ્મણ તે ઘરોઘર ફરનારો તેથી તેણે બારનો અરથ ઘર કીધો. રાજા ટોડરમલ મુત્સદી પડ્યો તેથી બારનો અરથ ઘાટ કીધો. પછી તો આપના શાહેર ફઈઝી. કવિને કરૂણા વધુ પસંદ હોય છે તેથી તેને તો રડવુંજ યાદ આવે છે. સોદાગર ખાજાજંગ તો આખો દીવસ અમીર ઉમરાવો અને શાહના મહેલમાં જનાર તેથી તેણે મહેલ અરથ કીધો. એનો અરથ તો જુદોજ છે.’

શાહે કહ્યું કે, ‘ત્યારે તું કહે.’

નવાબે કહ્યું કે, ‘બાર એટલે શરીરના બાલ-રૂંવા થાય છે. જસોદાના રૂંવે રૂંવા એમ કહે છે કે, આ બ્રજમાં અમારો એવો કોઈ હેતુ છે કે, ગોપાલને જતાં અટકાવે ?’

અકબરે કહ્યું કે, ‘નવાબ સાહેબ ? એ તો બ્રજભાષાની બલીહારી છે. આ પદના બીજા પણ જેટલા અરથ કરશો તેટલા થશે. આમાંથી કોઈનો પણ અરથ ખોટો છે એમ કહેવાય નહીં.’

આમ કહી શાહ ત્યાંથી ઉઠીને જનાનામાં ગયો, અને ત્યાં પણ રાણીઓ આગળ બ્રજભાષાના ઉપલા પદના થયેલા અરથ સમજાવી તે ભાષાની બલીહારી ગાઈ.


-૦-