← અકબરનો પ્રપંચ બીરબલ અને બાદશાહ
મનની મહોટાઈ
પી. પી. કુન્તનપુરી
અવગુણ ઉપર ગુણ →



ભાગ આઠમો


વારતા અડસઠમી
-૦:૦-


મનની મહોટાઈ
-૦:૦-

સુજ્ઞ રાયના રાજ્યની, પ્રજા હોય પણ સુજ્ઞ.
તાજો તેનો દાખલો, વાંચો વિવેકી તજ્ઞ.

એક દીવસે શાહ નગરની ચરચા નીહાળતો નીહાળતો નગરના મધ્ય ભાગમાં આવેલા ચોકમાં આવી લાગ્યો. તે વખતે એક ઘરડી ડોસી પોતાના હાથમાં એક તરવાર પકડી, પોતાની સાથેનાં હથીઆરબંધ માણસો સાથે ઊભી હતી. તે જોઇ, શાહ તરત તે ડોશીની આગળ જ‌ઇને પુછ્યું કે, 'બાઇ ! આ હથીઆરબંધ માણસો સાથે તરવાર પકડી શા માટે ઉભાં છો ?' ડોશીએ કહ્યું કે હજુર ! મારી તરવાર મને આ માણસોના હાથમાંના હથીઆરો વેચવા માટે ઉભી છું.' આ સાંભળી શાહે કહ્યું કે, 'જોઊ એ તરવાર કેવી છે ?' ડોશીએ તરત પોતાની તરવાર શાહને આપી. શાહે તરત મ્યાનમાંથી બહાર કાઢીને જોઇ તો, કટાયલી અને બુઠી લાગી. તેથી શાહે તરત તરવારને મ્યાનમાં નાખી, ડોસીને પાછી આપી. તરવારને હાથમાં લેતાજ ઝડપ કરતાં મ્યાનમાંથી બહાર કાઢીને જોવા લાગી. જાણે આ તરવાર મારી છે કે બીજાની, એવા ભાવથી તે ડોસી વારંવાર તરવારને આમથી તેમ ફેરવીને જોવા લાગી. આ જોઇ શાહે પુછ્યું કે, 'અરે ડોસી ! સશંક મુદ્રા વડે તરવાર તરફ ધારી ધારીને શું જુઓ છો ! તે સાંભળી ડોસીએ શાહને કહ્યું કે, 'હજુર હું મારી તરવાર બદલાઇ છે એવી શંકા લાવી જોતી નથી. પણ હું તો એ જોઉં છું કે પારસ સરખા આપના હાથનો મારી તરવારને સ્પર્શ થયો છતાં સોનાની કેમ ન બની ? હું કેવી ભાગ્યહીણ છું ? તેજ તપાસું છું. ડોસીનું આવું ચમત્કારીક બોલવું સાંભળી, શાહે તરત તે ડોસીની તરવારની ભારોભાર સોનું આપવાનો હુકમ કર્યો. શાહનો આ હુકમ સાંભળી ડોસી આનંદ પામી. શાહને આશીશ દેતી પોતાના ઘરનો રસ્તો લીધો !

સાર--ડોસીના મનનો હેતુ જાણનાર શાહ, ડોશીની ઉપર જરા પણ રીસ ન ચડાવતા કેવી ઉદારતા બતાવી ? પ્રજાની દાઝ જાણનાર અકબર જેવા શાહ તો આ જગતમાં થોડાજ જન્મનાર છે.


-૦-