← અકલની કસોટી ? બીરબલ અને બાદશાહ
સત્યનો જય
પી. પી. કુન્તનપુરી
ઉદારતા →



વારતા ઓગણીસમી
-૦:૦-
સત્યનો જય
-૦:૦-
કદી ન કરો કોઇ ભુલીને, વણીક તણો વિશ્વાસ.

પોતાની વૃદ્ધાંવસ્તામાં કામ આવે, અને પોતાના છોકરા ન જાણી શકે તેમ એક વણીકે બીજા વણીકને ત્યાં એક હજાર રૂપીયા અનામત મુક્યા હતા. કેટલોક વખત વિત્યા પછી કંઇ કારણને લીધે આ વૃધ્ધ વણીકે તે વણીકની પાસે ઉઘરાણી કરી. પણ તેણે તો ' સાકરના હીરાની પેઠે ગળી જઇને કહ્યું કે કેમ ? સાંઠે બુધ્ધિ નાઠી ? ગામમાં કોઇ ન મળ્યુ તો હુંજ મળ્યો.' આમ બંને જણ લાંબા લાંબા હાથ કરી લડતા લડતા અકબરની કચેરીમાં જઇ બીરબલ જેવા ન્યાયાધીશની આગલ પોતાની ફરીયાદ નોંધાવી. પ્રતિવાદીને પુછતાં જણાવ્યું કે, 'આ બુઢો મને ગળે પડે છે ! રૂપીઆ કેવા ને વાત કેવી ! એ માટે આપે આપની ખાત્રી કરી લેવી હોય તો બોલાવો એના ત્રણે છોકરાઓને, જો તેઓ કહેકે આ વાત સાચી છે તો હું રૂપીઆ આપવાને તૈયાર છું, બીરબલે તરત સીપાઇને મોકલી ત્રણ છોકરાઓને બોલાવી પુછી જોયું તેના ઉત્તરમાં આ ત્રણમાંના એક વડીલ છોકરાએ કહ્યું કે, 'ન્યાયધીશ શાહેબ, હમણા અમારા બાપનું ચિત્ત ઠેકાણે નથી. તેથી તેના બોલવા પર કોઇ જાતનો ઇતબાર રાખશો નહીં, તેની ડાગલી ચશકી જવાને લીધે નાહક. કોઇની આબરૂ ઉપર હુમલો કરે છે, માટે તેમ ફરી ન કરે, અને તેની ચશકી ગયેલી ડાગરી ફરી ઠેકાણે આવે એવી એને શીક્ષા કરવી ઘટે છે ! ફરીયાદીના છોકરાનું આવું બોલવૂં સાંભળી બીરબલે બુઢાને પુછ્યું કે, 'આ વીશે હવે તમે શું કહેવા માગો છો ? બુઢાએ કહ્યું કે, હું દીવાનો નથી કે નથી બુધ્ધિ નાઠી. જે કહું છું તે સત્ય છે. છોકરાઓ પૈસાના સગાજ છે, પણ મારા નથી, છોકરાઓને કાંઇ પણ ન આપવાથી મને તજી દીધો છે. દુનિયા લોભી અને સ્વાર્થ જેટલોજ સંબંધ રાખે છે એ આપ સાહેબની જાણીતી બહાર નહિ હોયે ? મારા ઘડપણમાં કામ આવે એવા હેતુથી આ વણીક વેપારીને છોકરાઓ ન જાણે તેમ મેં એક આંબાના ઝાડ નીચે રૂપીઆ ગણી આપ્યા હતા. ત્યારે હવે આનો સાક્ષી કોણ હોય ? બીરબલે કહ્યું કે, આમ છે તો પછી શી હરકત છે. તમે જાઓ અને આંબાને જઇને કહો કે, નામદાર સરકાર મારાં વતી તમને સાક્ષી પુરવા ફરજ પાડેલ છે માટે તે વીશે તારો શું વીચાર છે. અને તું કેવી રીતે સાક્ષી આપવા ઈચ્છે છે. બીરબલનું આ અજાયબ જેવું બોલવું સાંભળી સકળ દરબાર જનોને કાંઈક નવાઇ જેવું લાગુ. આંબા આગળ જવાને વાદીને હજી બહુ વખત થયો નથી એટલામાં બીરબલ બોલી ઉઠ્યો કે, હજી સુધી વાદી ઝાડ પાશે જઇ આવ્યો નથી ? કેટલી બધી વાર ? આ સાંભળતાંજ પ્રતિવાદી બોલી ઉઠ્યો કે, તે ઝાડતો ઘણું દુર છે એટલે વાર તો લાગવાનીજ ? આનું આવું બોલવું સાંભળતાજ બીરબલે તરત તેનો હાથ પકડી લઈને કહ્યું કે, ડાહી માનો દીકરો થઇને લીધેલા રૂપીઆ આપી દે નહીં તો સખ્ત શિક્ષાને પાત્ર થઇશ. તેજ થાપણ ઓરવી છે-એમ તારા બોલવા પરથી મારી ખાત્રી થઇ છે. જો તે રૂપીઆ લીધા નથી તો પછી ઝાડ બહુ દુર છે તેની તને શી ખબર ? બીરબલના આ વાક્યો સાંભળતાજ તે પ્રતિવાદી ગભરાઇ જઈને પોતાના અપરાધની ક્ષમા માગી પચાવી પાડેલા રૂપીઆ વાદીને સ્વાધીન કીધા. આ જોઇ તમામ કચેરી બીરબલની ચાલાકીના વખાણ કરવા લાગી.

સાર--અંતે સત્ય હોય તેજ તરે છે. પારકાની દોલત પચાવી જતા શી દશા થાય છે તેનો વીચાર કરીનેજ દરેક માણસે આ માયીક જગતમાં પોતાનો વ્યવહાર પ્રમાણીકપણાથી ચલાવવો. તોજ જશ અને આબરૂ વધે છે. પોતાની દાનત ન બગડે અને શુદ્ધ રહે તેટલા માટે કોઈની પણ દોલત એકલે હાથે ન રાખતા પાંચની સમક્ષ રાખવી.

-૦-