← સત્યનો જય બીરબલ અને બાદશાહ
ઉદારતા
પી. પી. કુન્તનપુરી
ઊતરનો જવાબ →



વારતા વીસમી
-૦:૦-
ઉદારતા
-૦:૦-
ઉત્તમ પાપી ઉચ્ચ પદ, નમ્ર બંને નિરંધાર,
દયા ક્ષમા સુ ઊદારતા, અધિક કર ઉપકાર


કળા કૌશલ્યતામાં જે માણસ પ્રવીણ હોય છે તેને લક્ષ્મી અનુકુળ ન રહેવાથી તે માણસ સદા દારિદ્રવસ્થા ભોગવે છે. આવો એક માણસ એક દીવસે બીરબલની પાશે જ‌ઇને કહ્યું કે, મારા આ ઘડપણને લીધે મારો ધંધો મારાથી બરાબર ચાલી શકતો નથી. આપ જાણો છો કે વીધા અને લક્ષમીની વચ્ચે બાપા માર્યા જેવું વેર ચાલે છે ? વળી જ્યાં વિધા ત્યાં લક્ષમી નહીં અને લક્ષમી ત્યાં વિધા કવચીતજ વાસ કરે છે, તોપણ તેથી દીલગીર ન થતાં હું એમ માનુ છું કે, હુન્નર એજ સાચો કીંમતી હીરો છે ? અને આપ જેવા કદરદાનો તેની કદર જાણો છો ? દયાવંત ! ઓછામાં પુરૂં પંદર દીવસ થયા મારા કમનશીબે મારો એકનો એક કમાઉ દીકરો ગુજરી ગયો છે, તેથી મારા હાથપગ ભાંગી પડવાને લીધે મારી મતી મુઝાઇ જવાથી મહા મુશીબતમાં આવી પડ્યો છું અને તે દુર કરવા માટે આપની પાશે આવ્યો છું માટે મને થોડા ઘણા ધનની સહાયતા અપાવશો તો ઇશ્વર આપનો સદા જય કરશે ! આ સાંભળી બીરબલે થોડાક રૂપીઆ અને એક સાકરનો કાંકરો તે કારીગરને આપી કહ્યું કે, હાલ તમારા પોષણ માટે આ જુજ રકમ લઇ જાઓ અને આ સાકરના કાંકરાનો આપ આપની કારીગરીને કેળવી સુંદર ન પારખી શકાય તેવો હીરાને ટક્કર મારે એવો એક હીરો બનાવી લાવો એટલે બધી ઉપાધી મટી જશે. કારીગરે કહ્યું કે, ચાર દીવસની અંદર તેનો હીરો બનાવી આપને લાવીને બતાવીશ. એટલું કહીને પોતાને ઘેર આવી તે સાકરના કાંકરાનો એવો સરસ હીરો બનાવ્યો કે જે જોતાં એકવાર ઝવેરી લોકો પણ ગોથું ખાઇ જાય !

આ બનાવતી હીરો લ‌ઇ તે ત્રીજે દીવસે બીરબલને જ‌ઇ બતાવ્યો. આ જોતાંજ બીરબલ ઘણો ખુશી થ‌ઇને તે કારીગરને બાદશાહ પાસે લાવ્યો, પણ આ વખતે બાદશાહ કાંઇ કારણથી એકાંતમાં રોકાયા હતા, તે તકનો લાભ લ‌ઇ, કારીગરને બહાર બેસાડીને પોતે શાહ પાશે જ‌ઇને કહ્યું કે, 'એક જવેરી એક નવી તરેહનો હીરો લ‌ઇ આવેલ છે, અને તે આપને રાખવા લાયક છે માટે હું તે હીરો લ‌ઇને આપને બતાવવાને લાવ્યો છું,' એટલું કહી બીરબલ તે બનાવટી હીરાને બાદશાહના હાથમાં મુક્યો. તે જોઇ બાદશાહ ઘણો ખુશી થ‌ઇને બોલ્યો કે, 'હમણા આ હીરાને તમારી પાશે રાખો, અને તમે બંને જણ બાર વાગ્યા પછી દરબારમાં આવજો.' આના ઉત્તરમાં બીરબલે કહ્યું કે, 'જહાંપના ? એક અંગતનાં કામ માટે બહાર જવાનો છું. તેથી આવતા વાર લાગી તો જવેરી આવી પાછો ન જાય તેટલા માટે આ હીરો આપની પાશેજ રાખો.' બાદશાહે તરત હીરો લ‌ઇને પોતાની કમ્મરમાં નાખ્યો. આ જોતાંજ બીરબલ રજા માગી પોતાને ઘેર ગયો અને કારીગરને કેટલીક યુક્તી બતાવી બાર વાગે કચેરીમાં આવવાને ભલામણ કરી.

બાર વાગ્યા પછી તે કારીગર દરબારમાં આવી બીરબલને ભેટ્યો, તે જોઇ બીરબલે બાદશાહને કહ્યું કે, 'હજુર હીરાવાળો જવેરી આવ્યો છે, માટે હવે શું હુકમ છે ?'

બાદશાહને હીરાની સુરતા ન રહેવાથી પોતાના લુગડા ઉતારી સ્નાન કીધું તે વખતે હીરાને જળનો સ્પર્શ થતાંજ તે સાકરનો હીરો પ્રવાહી રૂપ બની પાણીના પ્રવાહમાં તણાઈ ગયો. ઝવેરી આવવાની ખબર મળતાંજ બાદશાહે બીરબલને કહ્યું કે, ' બીરબલ ! લાવો તે હીરો ?'

બીરબલે કહ્યું કે, 'નામદાર ! મારી પાસેથી લ‌ઇને આપે આપની કમરે ખોસ્યો હતો.' તે સાંભળતાંજ શાહને યાદ આવવાથી તેણે તરત તેની હમામખાનામાં ખબર કહાડી લાવવાની માણસોને તાકીદ આપી. પણ તપાસ ચલાવતાં તે હીરાની કશી શોધ લાગી નહીં.

છેવટે સ‌ઉ થાકીને બાદશાહની આગળ આવીને કહ્યું કે 'નામદાર ! બહુ તપાસ કરવા છતાં હીરો હાથ આવ્યો નહીં.' આવી રીતે હીરાને ગુમ થયેલો જાણી મનમાં વીચાર કરયો કે, 'મારી ભુલનો ભોગ મારે આપવો જોઇએ ? એમાં બીરબલ કે બીજા શું કરે ? માટે એ હીરાની ઝવેરી જે કીંમત માગે તે આપવી જોઇએ.' આવો વીચાર કરીને શાહે જવેરીને પુછ્યું કે 'તમારા હીરાની શી કીંમત થાય છે !' જવેરીએ કહ્યું કે, ' નામદાર ! ઇરાનના શાહે આ હીરાના ત્રણ હજાર રૂપીઆ આપવાની માગણી કરી હતી, પણ મને તે કીંમતે પોશાણ ન થવાથી મે તેમને ન વેંહેંચતાં આપની આગળ આવ્યો છું. માટે હવે આપ આપો તે ખરૂં.' તે સાંભળી શાહે કહ્યું કે, 'એ તે બધુએ ઠીક. પણ હવે તમે તેના કેટલા રૂપીઆ લેવા માંગો છો ?' બીરબલના આશ્રીત કારીગરે કહ્યું કે, 'હજુરના ? એની પાંચ હજાર કીંમત બજારમાં અંકાણી છે.' માટે તેજ કીંમત મુજબનું ધન આપ આપશો એવી મારી વીનંતી છે.' શાહે તરત તે જવેરીને પાંચ હજાર રૂપીઆ ખજાનચીને આપવા હુકમ આપ્યો.

આધાર વગરના કારીગરે ખજાનચી પાસેથી રૂપીઆ લઈ પોતાને ઘેર આવી બીરબલની ઉદારતાના ગુણ ગાઇ પોતાના ધંધામાં સાવધાન બની હોંસથી કામ કરવા લાગ્યો.

સાર--ગરીબ માણસ ઉંચી સ્થિતિની ટોચે પહોંચતા પણ અભિમાન ન રાખતાં ગરીબની કેવી કદર બુજે છે ? માટે બીરબલની આવી ઉદારતાનો દાખલો લ‌ઇ ધનવાનો એ ધનની માયામાં અંધ ન બનતાં પોતાના દેશની ઉન્તી કરવા માટે નીરધન દશામાં રબડતાં કારીગરોને સહાયતા આપી, અપાવી અમર કીરતી સંપાદન કરવી.

-૦-