બીરબલ અને બાદશાહ/સવા ગજની ચાદર
← ભાટનો દીકરો જન્મથીજ ભાટ | બીરબલ અને બાદશાહ સવા ગજની ચાદર પી. પી. કુન્તનપુરી |
મુર્ખની મીત્રતાઈ → |
એક વખતે શાહે સવા ગજની લાંબી પહોળી ચાદર તૈયાર કરાવી. તે ચાદર થઈ આવી એટલે પોતાના કેટલાક હાજી હા કરનાર દરબારીને પાસે બોલાવીને કહ્યુંકે, 'હું બીછાના ઉપર સુઈ જાઉં છું. આ ચાદર મને ઓઢાડી દો. એમાંથી મારૂં આખું શરીર ઢંકાવું જોઈએ.' આમ કહી શાહ બીછાંના ઉપર સુતો, અને એક દરબારીએ આવીને અંગ ઉપર ચાદર ઓઢાડી. જો પગની તરફ ચાદર ખેંચી તો છાતી અને મોઢું ઉઘાડું રહી ગયું. અને માથા તરફ ખેંચી તો પગ ઉઘાડા રહી ગયા, તરેવાર યુક્તિઓ કરી. બીજા દરબારીઓએ હીકમત કરી જોઈ પણ કાંઈ વળ્યું નહીં. આખરે બીરબલ આવ્યો. તેને એક દરબારીએ કહ્યું કે, 'શાહને આ ચાદર ઓઢાડવી છે તેનું શું કરવું?'
બીરબલે થોડીવાર વિચાર કર્યા પછી કહ્યું કે, 'એ ચાદર મારા હાથમાં આપો એટલે હું પણ જરા મહેનત કરી જોઉં.'
જેના હાથમાં ચાદર હતી તેણે બીરબલને આપી. પોતે આટલી મહેનત કીધી તે છતાં ચાદર શાહને ઓઢાડી ન શક્યા તો આ બીરબલ શી રીતે ઓઢાડશે તે વીશે તેમને વીચાર થયો.
બીરબલે પોતાના હાથમાં ચાદર લઈ શાહના પગ બેવડા વાળી દીધા અને ચાદર ઓઢાડી દીધી. તેનાથી શાહનું આખું અંગ ઢંકાઈ ગયું પછી શાહે બીરબલને કહ્યું કે, 'બીરબલ ! મારા પગ વાંકા કેમ વાળ્યા ? એનું કારણ શું ?'
બીરબલે કહ્યું કે, 'હજુર ! એનો પગ જોઈ પાથરણું તાણવું જોઈયે ? લાંબે પગે કાંઈ ટુંકી ચાદર ઓઢાય ?' બીરબલની આ યુક્તિ જાણી શાહે તેને ખુબ શાબાસી આપી.