બીરબલ વિનોદ/અક્કલથી ઇશ્વરને ઓળખવો
← તેરીભી ચુપ મેરીભી ચુપ | બીરબલ વિનોદ અક્કલથી ઇશ્વરને ઓળખવો બદ્રનિઝામી–રાહતી |
તોરમાં મોર → |
વાર્તા ૩
અક્કલથી ઈશ્વરને ઓળખવો.
અકબર બાદશાહના સમયમાં એક ચિત્રકાર ઘણોજ પ્રવીણ હતો.તે પ્રત્યેક ચિત્ર બનાવવાના પાંચ હઝાર રૂપીયા લેતો હતો.એક વેળા કોઈ દેવતા શાહુકારના રૂપમાં તે ચિત્રકાર પાસે આવ્યો અને કહેવા લાગ્યો 'જો તૂં મારું ચિત્ર મારી આકૃતિને બરાબર રીતે મળતું બનાવી આપે તો તને પચીસ હઝાર રૂપીયા હું આપીશ."
ચિત્રકારે તે વાતનો પ્રસન્નતા પૂર્વક સ્વિકાર કરી લીધો. થોડા દિવસ પછી એક ઉત્તમ ચિત્ર બનાવી ત શાહુકારે બતાવેલે ઠેકાણે લઈ ગયો. શાહુકારે પોતાની આકૃતિ સાથે ચિત્ર સરખાવતાં એક કાન વાંકુ જણાયું.બીચારા ચિત્રકારે બીજું ચિત્ર અધિક પરિશ્રમથી તૈયાર કર્યું અને શેઠ પાસે ગયો પરંતુ આ વખતે હાથોમાં વિષમતા જણાઇ.એવી જ રીતે જ્યારે જ્યારે તે ચિત્ર બનાવી લાવતો ત્યારે પેલો દેવતા કાંઈ ને કાંઈ દોષ સિધ્ધ કરી આપતો.અંતે બીચારો ચિત્રકાર થાક્યો, તેણે પોતાની અપકીર્તિ હોવાના ભયથી યમુનાના જળમાં ડૂબી મરવાનું ઉચિત્ ગણ્યું. દૈવ સંયોગે તે પ્રસંગે બીરબલ નામનો એક ગરીબ બ્રાહ્મણ છોકરો ત્યાં ઉભો હતો. તે છોકરાએ ચિત્રકારને ઉદાસ અને વ્યાકુળ જોઈ પૂછ્યું “કેમ ભાઈ ! તમે ઉદાસ કેમ દેખાવ છો ? તમને કાંઈ ચિંતા લાગી હોય એમ જણાય છે? !”
ચિત્રકારે તેને બધી હકીકત કહી સંભળાવી એટલે બીરબલે કહ્યું “તમે કોઈ પણ રીતે ચિન્તા કરશો નહીં, હું તેની ઇચ્છા મુજબનું ચિત્ર તેને બનાવી આપીશ. તમે એકવાર તે શાહુકાર જોડે મારી મુલાકાત કરાવો.” ચિત્રકાર પ્રસન્ન થતો તેને સાથે લઈ પેલા શાહુકાર પાસે ગયો. જતી વખતે બીરબલે રસ્તામાંથી એક દર્પણ ખરીદ કર્યું હતું. શાહુકાર જોડે મુલાકાત થતાં જ શાહુકારે પૂછ્યું “કેમ, નવીન ચિત્ર તૈયાર થયું કે?” બીરબલ બોલી ઉઠ્યો “જી હા, તૈયાર થઈ ગયું છે.” એમ કહી તેણે પેલા શાહુકારના મ્હોં આગળ દર્પણ ધર્યું જેમાં તેનું આબેહુબ ચિત્ર દેખાતું હતું. શાહુકારે આ ચાલાકીથી લાચાર બની ચિત્રકારને ઠેરવેલી રકમ આપી વિદાય કર્યો, તેના ગયા બાદ બીરબલે તરત જ શાહુકારના પગ પકડી લીધા અને કહ્યું “મહારાજ ! આપ અવશ્ય કોઈ દેવતા છો, હવે હું તમને નહીં મૂકું” આ સાંભળી દેવતાએ તેને દર્શને આપ્યાં અને તેની વિશેષ બુદ્ધિ વધવાનો આશિર્વાદ આપ્યો. એના જ પ્રસાદે બીરબલની એટલી બધી ખ્યાતિ થઈ.
ચિત્રમાં વારંવાર દોષ કાઢવા ઉપરથી પેલા દેવતાને બીરબલે અક્કલથી ઓળખ્યો હતો. એ દિવસથીજ ‘અક્કલથી ઈશ્વરને ઓળખવો’ એ કહેવત પ્રસિદ્ધ થઈ છે.