← જૂતોંકે મારે ખડે હેં બીરબલ વિનોદ
એકને બદલે હઝાર
બદ્રનિઝામી–રાહતી
ચોબાની હાઝરજવાબી →


વાર્તા ૧૨૬.

એકને બદલે હઝાર.

એક પ્રસંગે એક અમીરને ત્યાં તેના પુત્રના લગ્ન- પ્રસંગે મેહફિલ રાખવામાં આવી હતી. બાદશાહ તેમજ સૌ દરબારીયો પણ હાઝર હતા. પેલા અમીરે બીરબલના જોડા સંતાડી દીધા. જ્યારે મેહફિલ ખલાસ થઈ, ત્યારે બીરબલને જોડા ન જડ્યા. બાદશાહ, દરબારીયો અને પેલો અમીર પણ પાસેજ ઉભા હતા. અમીરે બીરબલને પૂછ્યું “કેમ, રાજાજી ! શું શોધો છો?”

બીરબલ બોલ્યો “મ્હેં અહીં જોડા ઉતાર્યા હતા, પણ કોઈ અહીંથી ઉપાડી ગયું લાગે છે. ”

અમીરે કહ્યું “ચાલો, ખેર.” એમ કહી તેણે પોતાના એક સેવકને આજ્ઞા કરી કે “ જાવ, આજે મ્હારા તરફથી રાજાજીને જોડા આપો.”

બાદશાહ અને અન્ય દરબારીયો એ દ્વિઅર્થી વાક્ય સાંભળી સહેજ હસ્યા. એવામાં ચાકરે બીરબલને નવા જોડા લાવી આપ્યા, જે પહેરતાં બીરબલે આશિર્વાદ રૂપે પેલા અમીરને કહ્યું “ખુદા તમને આલોક અને પરલોકમાં, આ પરોપકારને કારણે, આવા આવા હઝાર જોડા આપે.”

આ લાજવાબ ઉત્તર સાંભળી બધા હસી પડ્યા અને પેલો બીચારો અમીર બહુજ ઝંખવાણો પડી ગયો.