બીરબલ વિનોદ/જૂતોંકે મારે ખડે હેં

← રામનામને બદલે મ્હારૂં નામ લખો બીરબલ વિનોદ
જૂતોંકે મારે ખડે હેં
બદ્રનિઝામી–રાહતી
એકને બદલે હઝાર →


વાર્તા ૧૨૪.

પનઘટની વાતો.

એક પ્રસંગે બારશાહ અને બીરબલ થોડાક સિપાહીયો સાથે લઈ શિકાર રમવા ગયા. જ્યારે શિકાર ખેલતાં ખેલતાં જંગલમાં ઘણે દૂર જઈ પહોંચ્યા, એટલે બાદશાહને ઘણીજ તરસ લાગી. બાદશાહ અને બીરબલ બંને પાણીની શોધમાં નીકળ્યા અને લગભગ અડધા એક કલાકની રખડ પછી એક પનઘટ પાસે આવી પહોંચ્યા. બાદશાહે ત્યાં મર્યા પડેલા ગરૂડપક્ષીના જોડલાને જોઈ બીરબલને પૂછયું:-

દોહા

ઝુક્યો ન દેખે પારધી, લગ્યો ન દીખે બાણ;
મેં તોહે પૂછોં બીરબલ ! કેસે ત્યાગે પ્રાણ ?

બીરબલે એ પ્રશ્ન સાંભળી ચારે બાઝૂ નઝર ફેરવી જોયું તો ઘડા વગેરે મૂકવા માટે બનાવેલા ખાડાઓમાં થોડુંક પાણી ભરેલું દેખાયું. એટલે તેણે વિચાર કર્યો કે “આ ખાડાઓમાં પાણી થોડું હતું એટલે બન્નેમાંથી એકે પણ પરસ્પરના અતિ પ્રેમને કારણે પીધું નહીં હોય અને એ કારણેજ બન્ને મરી ગયાં.” આમ વિચાર કરી તેણે બાદશાહને કહ્યું “ હુઝૂર :-

દોહા

જલ થોડો નેહા ઘણો, લગે પ્રીતિકે બાણ;
તૂ પી, તૂ પી કર મરે, યા વિધિ ત્યાગે પ્રાણ.

બાદશાહે આ ઉત્તર સાંભળી આનંદમાં આવી જઈ બીરબલને બગલગીર કર્યો અને તેને એક અમૂલ્ય રત્નજડિત વીંટી ઈનામ તરીકે આપી.