બીરબલ વિનોદ/નઝરે જાયેલી વાત પણ ખોટી પડે

← મૂર્ણ શિરોમણિ બીરબલ વિનોદ
નઝરે જાયેલી વાત પણ ખોટી પડે
બદ્રનિઝામી–રાહતી
ડાહીમાના દીકરા →


વાર્તા ૯૯.

નઝરે જોયલી વાત પણ ખોટી પડે.

એક પ્રસંગે એવો બનાવ બન્યો કે જે ખોજાના હાથમાં બાદશાહી બિછાનું સોંપેલું હતું, તે એક દિવસ એવો વિચાર કરવા લાગ્યો કે બાદશાહ હંમેશ ઠપકો આપે છે કે બિછાનું બરાબર થતું નથી, માટે આજે તો બરાબર ધ્યાન રાખીને સાફ કરવું.” એવો વિચાર કરી તેણે બિછાનું બરાબર ચોકસાઈથી સાફ કર્યું. ત્યારપછી તેને એવો વિચાર આવ્યો કે “આજે તો મ્હેં ઘણીજ કાળજીથી બિછાનું કર્યું છે, છતાં બાદશાહને તેની ઉપર સારી ઉંઘ આવશે કે નહીં ?’ વળી પાછો થોડી વાર વિચાર કરી તે મનમાં કહેવા લાગ્યો “લાવને હુંજ જરા સૂઈ જોઉં !?"

એમ કહી તે શાહી બિછાના પર ચઢી ચાદર ઓઢીને સૂતો. એક તો થાકેલો પાકેલો અને વળી એવા કોમલ બીછાના ઉપર કોઈ દિવસ સૂતેલો નહીં, એટલે સૂતા વેંતજ નિદ્રાદેવીના ખોળામાં પડ્યો અને ઘસઘસાટ ઉંઘ લેવા લાગ્યો.

તે દિવસે બાદશાહ લગાર કામમાં રોકાયેલો હોવાથી તે સૂઈ રહેવા આવ્યો નહીં. રાણી વખત સર સૂવા આવી તો બિછાના ઉપર કોઈને સૂઈ રહેલ જોઈ મનમાં કહેવા લાગી “બાદશાહ સલામત આજે કાંઈ કામના વધારે બોજને કારણે થાકી પાકી આવેલા હશે અને સૂઈ રહ્યા છે. માટે તેમને જગાડવા એ ઉચિત્ નથી.” એમ વિચાર કરી રાણી તેની બાજુમાં ધીમેથી સૂઈ રહી અને તે પણ વારમાં ઉંધી ગઈ.

બાદશાહ પોતાના કામમાંથી પરવારીને સૂઈ રહેવાના ઓરડામાં દાખલ થયો અને રાણીને પડખે કોઈને સૂતેલ જોઈ તેને ઘણો જ ક્રોધ ચઢ્યો. પાસે પડેલી તલવાર તેણે ઉપાડી, પરંતુ એવામાં તેને બીરબલના શબ્દો યાદ આવી ગયા કે “નઝરે જોયલી વાત પણ કોઈ વખત ખોટી પડે છે.” તેણે વિચાર કર્યો કે “લાવ, અત્યારે જ બીરબલ ને બોલાવી આ પ્રત્યક્ષ દાખલો બતાવી કહું કે, એને ખોટો કરી દેખાડ” તરતજ તેણે બીરબલને (જે હજી થોડુંક કામ બાકી હોવાથી મહેલમાંજ હતો) પાસેના ઓરડામાં બોલાવ્યો અને તેને બધી બીના કહી સંભળાવી. બીરબલે કહ્યું “ જહાંપનાહ! ચાલો આપણે અને એ બાબતની તપાસ કરીયે.”

બન્ને જણ સૂવાના ઓરડામાં આવ્યા. બીરબલે બાદશાહને એક પડદા પાછળ ઉભો રાખી ધીમેથી રાણીને જગાડી. રાણીને સૂઈ રહેતાં વાર થઈ ન હતી, એટલે તે તરતજ ઝબકી ઉઠી. બીરબલે પેલા ખોજા પ્રત્યે ઈશારો કરી રાણીને પૂછ્યું “એ કોણ સૂતું છે ? ” રાણી બોલી “બીરબલ ! આ પ્રસંગે આપ આવી રીતે સૂવાના ઓરડામાં આવો એ તમને શરમ ભરેલું ગણાય. અને વળી ઉપરથી “આ કોણ સુતું છે?” એ સવાલ પણ ઠીક કર્યો છે !! બાદશાહ સલામતને માથે તમે લોકોએ એવો કામનો બોજો નાંખી દીધો છે કે, બીચારા આજે થાકી પાકીને કોણ જાણે ક્યારથીએ આવીને સૂઈ રહ્યા છે ! મ્હેં પણ તેમને જગાડવાનું યોગ્ય ન ગણ્યું અને છાનીમાની સૂઈ રહી. પણ હવે તમે કહો કે, અત્યારે તમને અહીં આવી આવો સવાલ કરવાની શી જરૂર પડી ? નહીં તો બાદશાહ સલામતને કહી તમને દંડ અપાવીશ.”

બીરબલે કહ્યું “ના ના, મ્હારા આવવાનું કારણ એટલુંજ માત્ર છે કે, એક અગત્યની બાબતનો મ્હારે અત્યારે ને આ પળેજ જહાંપનાહ પાસેથી ખુલાસો મેળવવાનો છે. અને તે બાબત ખાનગી હોવાથી આપ પાસેના દીવાનખાનામાં પધારો તો મહાકૃપા થશે.”

રાણી તરતજ બીજા ઓરડામાં ચાલી ગઈ. બીરબલે પેલા ખોજાના મોઢા ઉપરથી ચાદર ખેંચી લીધી, પણ તેતો ઘસઘસાટ ઉંઘતો હોવાથી જાગ્યો નહીં. એટલે બીરબલે તેને હલાવીને જગાડ્યો. ખોજો બીચારો ગભરાઈને ઉઠ્યો અને બીરબલને જોતાંજ ગભરાઈ ગયો.

બીરબલે પૂછ્યું “કમબખ્ત અહીંયાં શું કરતો હતો?”

ખોજાએ કહ્યું “મહારાજ ! હું જે કાંઈ બોલીશ તે સાચે સાચું જ બોલીશ. હંમેશ મ્હને ખુદાવિંદ બિછાનું સારૂં નહીં હોવા બાબત ઠપકો આપતા હતા, એટલે આજે મ્હેં ઘણીજ સફાઈ અને કાળજીથી બિછાનું પાથર્યું. ત્યાર પછી મ્હને એવો વિચાર થયો કે એવા બિછાના ઉપર બાદશાહ સલામતને ઉંઘ આવશે કે કેમ? એમ ધારીને હું બીછાના ઉપર સૂતો, પણ થાકેલો પાકેલો હોવાથી આવા કોમળ બિછાનામાં તરતજ ઉંઘ આવી ગઈ. આપ નામદાર મારી આટલી કસૂર માર્ફ કરો.”

બીરબલે તેને ત્યાંથી ચાલ્યા જવાનો હુકમ કર્યો. બાદશાહ આ બધો તમાશો જોઈ બીરબલની વાત ખરી પડેલી જાણી તેની બુદ્ધિમત્તાના વખાણ કરવા લાગ્યો.