બીરબલ વિનોદ/મૂર્ણ શિરોમણિ
← કહેવા કહેવામાં ફેર | બીરબલ વિનોદ મૂર્ણ શિરોમણિ બદ્રનિઝામી–રાહતી |
નઝરે જાયેલી વાત પણ ખોટી પડે → |
વાર્તા ૯૭.
બીરબલને ગાળો.
એક દિવસે બીરબલના કેટલાક શત્રુઓએ મળીને બીરબલના નામની ગાળો એક મોટા કાગળ ઉપર લખી, તેને જાહેર રસ્તા ઉપર લગાડ્યો. આ બાબતની ખબર બીરબલને મળતાં તે પોતાના કેટલાક માણસોને લઈને તે સ્થળે ગયો. બીરબલને ત્યાં ઉભેલો જોઈ તેના મિત્રો તેમજ શત્રુઓ તેની આસપાસ ટોળે વળી ઉભા રહ્યા. બીરબલે પોતાના એક માણસને તે ગાળો લખેલો કાગળ ઉંચે લગાડેલે હોવાથી ત્યાંથી ઉતારીને થોડે નીચે લગાડવાની સુચના કરી. પેલા માણસે તે પ્રમાણે કર્યું એટલે બીરબલ બોલ્યો કે “ અત્રે બધા એકઠા મળેલા લોકો ! સાંભળો ! ! આ લખાણને હું આપણી વચ્ચેનો કરાર થયેલો ગણું છું. એ કરારનામું ઉંચે હોવાથી લોકો બરાબર રીતે વાંચી શકતા ન હતા, માટે મ્હેં એને લગાર નીચે લગાડ્યો, જેથી બધા બરાબર રીતે વાંચી શકશે. આ ઉપરથી લોકોએ એમ સમજવું કે, હવેથી તેમણે પોતાના મનને જેમ ગમે તેમ વર્તવું અને અમારા તરફથી પણ અમને જે ઠીક લાગશે તેવી ચાલ ચાલીશું.”
આટલા શબ્દો ઉચ્ચારી બીરબલ ત્યાંથી જતો રહ્યો. પણ તેના એ વિચિત્ર અને રહસ્યપૂર્ણ શબ્દો સાંભળીને લોકોના મનમાં ભારે ધાસ્તી ઉત્પન્ન થઈ એટલે તેમણે તરતજ તે કાગળ ફાડી નાંખ્યો. ત્યાર પછી બીરબલ સ્હામે શત્રુતા જાહેર કરવાનું લોકોએ પડતું મૂક્યું.