બીરબલ વિનોદ/પાશેર ચુનો ને અડધો શેર ઘી

← ગંગનું ચાતુર્ય બીરબલ વિનોદ
ગંગનું ચાતુર્ય
બદ્રનિઝામી–રાહતી
વંતાકનું શાક →


વાર્તા ૮.

પાશેર ચૂનો ને અડધો શેર ઘી.

બીરબલ અને બાદશાહના પ્રથમ મિલાપ વિષે કેટલીક વાર્તાઓ આગળ આવી ગઈ છે, છતાં આ એક બીજી વાર્તા પણ અત્રે અમે રજુ કરીયે છીયે.

એક દિવસે બાદશાહના પાનમાં કોઈ ચાકરે વધારે ચુનો લગાડી દેવાથી બાદશાહના મોઢામાં ચીરા પડી ગયા અને ભારે વેદના થઈ. એથી ગુસ્સે થઈ બાદશાહે પેલા ચાકરને બજારમાંથી પાશેર ચૂનો ખરીદી લાવવા જણાવ્યું. ચાકરે બજારમાં જઈ ચૂનો ખરીદ કર્યો એવામાં બીરબલ ત્યાંથી પસાર થતો હતો, તેણે પેલા ચાકરને કહ્યું “અરે, મૂર્ખ ! પહેલાં પાશેર ઘી પીધા પછીજ બાદશાહ પાસે જજે અને ત્યારબાદ પણ પાશેર ઘી પી લેજે.” ચાકરે તે પ્રમાણે જ કર્યું અને બાદશાહ પાસે ગયો. બાદશાહે કહ્યું બદમાશ ! વધારે ચુનો પાનમાં લગાડી મારૂં મ્હોં ફાડવા માટે તને એ શિક્ષાજ બસ થશે કે આ ચૂનો પાણીમાં ઘોળી પી જા.” ચાકર બીચારો ગભરાયો, પણ બાદશાહની આજ્ઞા આગળ માથું નમાવી ચૂનો પી ગયો અને ફરી બીરબલના જણાવ્યા મુજબ બીજું પાશેર ઘી પી ગયો. એટલે તેને કોઈ પણ પ્રકારનો વિકાર ન થતાં ચાર છ ઝાડા થઈ પેટ સાફ થઈ ગયું. આ જોઈ બાદશાહે વિસ્મય પામી ચાકરને તે કેવી રીતે બચી ગયો તેનો ખુલાસો પૂછ્યો, ત્યારે પેલા ચાકરે બીરબલે આપેલી સલાહ કહી સંભળાવી. બાદશાહે બીરબલને બોલાવી પૂછ્યું “તમે મારા ચાકરને ઘી પીવાની સલાહ કેમ આપી હતી?”

બીરબલે હાથ જોડી અરજ કરી “હઝૂર આપનો ચાકર અને બજારમાંથી ચૂનો ખરીદે એ અસંભવિત જેવું હોવાથી મેં અનુમાન કર્યું કે એ ચાકર પાન ખવરાવવા માટે નિયત હોવો જોઈએ અને તેણે આપ નામદારને પાનમાં વધારે ચૂનો ખવરાવી દેવાથી આપે તેને શિક્ષા આપવા એ ચૂનો મંગાવેલો હોવો જોઈએ. જો એ ચૂનો એને પાવામાં આવે તો તે મરી જાય એટલા માટે મ્હેં પહેલાં પાશેર ધી પીધા પછી આપની હઝૂર હાઝર થવા જણાવ્યું અને જો આપ નામદાર તેને પેલો ચૂનો પી જવાનો હુકમ કરો તો તે બાદ પણ પાશેર ઘી પીતાં એનો જીવ ઉગરી જાય, એમ ધારીને એ સલાહ આપી હતી.”

બીરબલની ચતુરાઈ જોઈ બાદશાહ ઘણોજ ખુશ થયો. અને તેને પોતાનો દરબારી બનાવ્યો.