બીરબલ વિનોદ/વંતાકનું શાક
← પાશેર ચુનો ને અડધો શેર ઘી | બીરબલ વિનોદ વંતાકનું શાક બદ્રનિઝામી–રાહતી |
કૃતજ્ઞ અને કૃતઘ્ન → |
વાર્તા ૯.
વંતાકનું શાક
એક દિવસે બાદશાહે બીરબલને કહ્યું “બીરબલ વંતાકનું શાક બહુજ સ્વાદિષ્ટ હોય છે!!” બીરબલે ઉત્તર આપ્યો "હુઝૂર ! એ કારણથી જ તો સૌ કોઈ તેને ખાય છે.”
ત્યાર પછી કેટલેક દિવસે અકબરે વંતાકની નિંદા કરી એટલે બીરબલે કહ્યું “ જહાંપનાહ ! એના જેવી ખરાબ વસ્તુ એક પણ નથી. એનું શાક વાયુકારક હોય છે.”
આ સાંભળી બાદશાહ બોલ્યો “બીરબલ ! તું બહુજ જુઠું બોલે છે. પેલે દિવસે તો તેં એનાં વખાણ કર્યા હતાં અને આજે વળી તેને ખરાબ બતાવે છે ?!”
બીરબલે બન્ને હાથ જોડી કહ્યું "હઝૂર ! આપજ ન્યાય કરો કે, હું આપનો સેવક હતો યા કે વંતાકનો?!!” આ જવાબ સાંભળી બાદશાહ ખડખડાટ હસવા લાગ્યો.