બીરબલ વિનોદ/ફરીયાદ ! ફરીયાદ ! ફરીયાદ !
← તેરીભી ચુપ મેરીભી ચુપ | બીરબલ વિનોદ ફરીયાદ ! ફરીયાદ ! ફરીયાદ ! બદ્રનિઝામી–રાહતી |
અક્કલથી ઇશ્વરને ઓળખવો → |
વાર્તા ૨.
ફરિયાદ ! ફરિયાદ ! ફરિયાદ !
એકવેળા બીરબલે વિચાર કર્યો “મ્હેં બહુ મહેનત વડે અધિક ગુણો રૂપી રત્નોનો સંગ્રહ કર્યો છે, પરંતુ તે રત્નોને પારખી શકનાર જો મળે તો જ તેની અપાર ખૂબી અને કીંમત આંકી શકે. માટે હાલમાં તેવો ઝવેરી દિલ્લીપતી અકબર બાદશાહ વિદ્યમાન છે. તે ગુણીજનોને પોષક હોવા સાથે ગુણગ્રાહી, ઉદાર અને કદરદાન હોવાથી ત્યાં અવશ્ય જવું જોઈએ.” એમ વિચારી ચરિતાર્થની આશાએ દિલ્લી પહોંચ્યો. તે વખતે તેની પાસે માત્ર પાંચ રૂપીયા હતા, વળી પોષાક પણ સાધારણ જ હતો એટલે દિલ્લી શહેરની રચના અને ત્યાંના માણસોના પોષાકો, મકાનો અને દબ- દબો જોઈ અંજાયો. એક ધોબીને અમુક પૈસા આપી ભાડુતી પોષાક પરિધાન કરી દરબારમાં જવા નીકળ્યો. રાજદ્વાર આગળ પહોંચતા દ્વારપાળે તેને અટકાવ્યો અને કાંઈક રકમ મળે તો જ અંદર જવા દેવાની હઠ પકડી. બીરબલ પાસે એવી સારી રકમ પણ ન હતી. એટલે બહુ આજીઝી કરી, પરંતુ ફોકટ. મનમાં દુઃખી થતો, અનેક પ્રકારના તર્ક વિતર્ક કરતો ધર્મશાળામાં પહોંચ્યો અને ત્યાં આશ્રય લઈ વિચારમાં પડયો. ગમે તેમ કરીને પણ એકવાર બાદશાહને મળવું તો જોઈએ જ, તે શિવાય પાછા જવું એ તો મૂર્ખનો ધર્મ છે !” એમ નકકી કરી તેણે લોકોમાં પૂછપરછ ચલાવી એટલે માલુમ પડયું કે 'બાદશાહ દરરોજ સ્હવારે બે કલાક રાજમહેલના ઝરોખામાં બેસી નેકીદાર પાસે પોકાર કરાવે છે અને તે વેળા ગમે તેની પણ ફરીયાદ જા સાંભળે છે.’
બીરબલ બીજે દિવસે અંગે ભસ્મ ચોળી, લંગોટ લગાવી, ફાટેલી ગોદડી, ફુટેલું તુંબડું અને ત્રિશુળાદિ લઇ વિચિત્ર વેશે રાજમહેલના ઝરોખા આગળ જઈ પોકારવા લાગ્યો “ફરિયાદ! ફરિયાદ! ફરિયાદ!” એ સાંભળતા શાહે તેને પોતા પાસે બોલાવી ફરીયાદનું કારણ પૂછયું જેના ઉત્તરમાં બીરબલે કહ્યું: —
પાયા હીરા લાખકા, આયા બેચન કાજ,
છિના લીયા છક્કડ લગા, ગવહરી દગાહીબાજ.
આ દુહો સાંભળી શાહે વિસ્મયતા સાથે પૂછયું “મારા શહેરમાં એવો દગાબાજ સિતમગાર કોણ છે?”
સાધુરામે જવાબ આપ્યો “આલમપનાહ! એનું નામ દીધામાં સાર નથી. મને જવાદો, મારે હવે ફરીયાદ કરવી નથી, મોટા સ્હામે ફરીયાદ કરવામાં ન ફાવીયે. ”
બાદશાહે કહ્યું “એવું નહીં બને. મારા રાજ્યમાં અન્યાય ને હું કદિ પણ ચાલવા દેનાર નથી માટે તને જે ઝવેરી લૂંટ્યો છે તેનું ઝટ નામ બતાવ.”
એટલે સાધુરામે હાથે પગે લાગતાં કહ્યું “ જહાંપ નાહ! નામ દીધાથી હું પોતેજ માર્યો જઈશ, માટે હું આપની ક્ષમા માગીને અરજ કરું છું કે મને જવા દો હું ભૂલ્યો."
બાદશાહ એકનો બે ન થયો અને તેણે હઠ પકડી એટલે બીરબલે કહ્યું “જો મને આપ અભયવચન આપો તો હું તે દગાબાઝ ઝવેરીનું નામ આપને બતાવું.”
બાદશાહે અભયવચન આપતાં તેણે કહ્યું “નામદાર: –
દુહો.
જો પૂછો સચ બાત તો, સાચે મેં કહા શોર;
સુનિયે શાહ સુલ્તાન તુમ, આપહિ મેરા ચોર,
સ્વાભાવિક રીતે જેવી અસર એ દુહાની થવી જોઈયે એવીજ અસર બાદશાહ ઉપર થઈ, તે ક્રોધથી રાતેાચોળ બની ગયો, તલવાર ઉપર હાથ ગયો. બાદશાહના અંગર- ક્ષકો પણ હુકમની જ વાટ જોવા લાગ્યા. પણ બાદશાહને આપેલા વચનનો ખ્યાલ આવતાં તલવાર પરથી હાથ ખસ્યો, ક્રોધ મનમાં જ સમાયો. બાદશાહે ધાર્યું કે “એ સાધુ ગાંડો હશે, નહીં તો એવું બકેજ કેમ? પણ તેનું બોલવું ગાંડા જેવું ન હતું,' એટલે ખાત્રી કરવા બાદશાહે પૂછયું “સાધુજી! તમને લાખ ટકાનો હીરો ક્યાંથી જડયો હતો ? અને મેં તે કયારે છીનવી લીધો?
બીરબલે વિચાર્યું કે આ વખતજ ખરું ચાતુર્ય દેખ- ડવાનો છે, તેથી તે બહારથી જે ગાંડપણ દેખાડતો હતો તેનો તેણે ત્યાગ કર્યો અને રાજદરબારી વિનય વિવેક વાપ- રવા માંડ્યો, બાદશાહ સ્હામે ઘૂંટણીએ પડી હાથ જોડીને તે બોલ્યો “જહાંપનાહ ! મેં આપને જે કાંઈ કહ્યું તે સત્ય જ કહ્યું છે. આપની આગળ જુઠું કોણ બોલી શકે? આપ જાણો છો, કે હીરા જુદી જુદી જાતના હોય છે: —
દુહો.
જવહરીકા હીરા હીરા, કવિકા હીરા કવન,
તરૂની હીરા તન અરૂ, પદ્મની મન પાવન.
એવો જે એક મારા લાયકનો હીરો મારી પાસે હતો. એ હીરાનો જે ખરો પરિક્ષક હોય તેજ તેના ગુણ જાણી શકે છે અને જે એનો પરિક્ષક નથી એને મન એ કોડીના મૂલ્યનો પણ નથી. રત્નના ગ્રાહક સૌ કોઈ હોતા નથી. જુઓ સાંભળોઃ-
દુહો.
ગૌરી ગ્રાહક રત્નકી, ગુન ગ્રાહક રાજન;
કવિતા ગ્રાહક કો રસિક, ભૂપતિ ભોજ સમાન.
આપ પણ ભોજ સમાન કવિઓના ગુણગ્રાહક છો, એમ જાણી હું અત્રે આવ્યો હતો, પણ તેમાં હું ઠગાયો. હવે આપ પણ મારા બકબકાટથી ગભરાયા હશો, તેમ હું પણ ધરાયો છું, માટે હવે મને રજા આપો એટલે મારે રસ્તે પડું.”
આટલું કહી તે ઉભો થયો. બાદશાહને તેની વાતમાં રસ પડ્યો હતો, તેના ચાતુર્યથી તે અંજાયો હતો. તેણે બીરબલને કોઇ ઉત્તમ કવિ જાણી લીધો હતો એટલે વિચાર કર્યો કે “બ્હારથી ક્રોધ બતાવી એના મનનો એહવાલ જાણી લેવો જોઈયે.” પછી તેણે કહ્યું “ જવાનું ક્યાં છે? તેં જે શબ્દો કહ્યા છે તે બધા પુરવાર કર્યા વગર એક ડગલું પણ ભરાય તેમ નથી.”
બાદશાહ બહારથી ક્રોધ દર્શાવે છે, પરંતુ મનમાં તેને આનંદ થયો છે એવું બીરબલ કળી ગયો અને પોતાની બધી વાત બાદશાહને કહી સંભળાવવા વિચાર કર્યો. તેણે કહ્યું “જહાંપનાહ ! હું જાતે બ્રાહ્મણ છું, ઘણા વર્ષો સુધી મેં સરસ્વતીની સેવના કીધી. એક દિવસ સરસ્વતી દેવીએ મને સ્વપ્નામાં દર્શન આપી પોતાને હાથે લખેલું એક ભોજપત્ર આપીને કહ્યું “આ લે અને સુખી થા.” મેં દેવીની તે પ્રસાદી માથે ચઢાવી, પણ દેવીએ કહ્યું “આ ભોજપત્રમાંની એક એક કવિતા એક એક લાખ ટકાની કીંમતની છે, માટે કોઈ પણ દરબારમાં એકથી વધારે કવિતા કહેવી નહીં.” મેં તે આજ્ઞા શિરોસાધ્ય ગણી અને એક કવિતા લઈ હું તેનો ગ્રાહક શોધવા નીકળ્યો, મારા ન્હાનકડા ગામમાં સરસ્વતીનો એવો તે ઉપાસક ક્યાંથી હોય, જે તે કવિતાની કીંમત આંકી શકે ? કહ્યું છે કે: –
દુહો.
હીરા ગિરાકી ગંઠડી, ગંવારમે મત ખોલ;
જવહરી બિન કોરી ન મિલે; કૌસ્તુભ કાભી મોલ,
હથ્થી હીરા કાવ્ય હે, દે જાકે દરબાર;
મા કર મૂલ અમૂલકા, મૂલ ન મિલે બાઝાર.
એ ઉપરથી હું મારા ગામમાંથી નીકળ્યો અને કોઈ મોટા મહારાજાને ત્યાં જઈ એની કીંમત મેળવવા ઉત્સુક બન્યો. આપની કીર્તિ ચારે દિશાઓમાં ફેલાયેલી મ્હેં અનુભવી એટલે આપની સેવામાં જ હાજર થવાનું ઉચિત્ ગણી હું અત્રે આવ્યો. રસ્તામાં મને તરેહવાર વિચારો આવ્યા. આપની ગુણગ્રાહકતા મારો કેવો ઉત્તમ પ્રકારે સત્કાર કરશે એ ખ્યાલ મને સ્વર્ગનું આનંદ પમાડતો હતો; પરંતુ, હું તેમાં ઠગાયો, મારા એ વિચાર-સ્વપ્નો સ્વપ્ના જ ઠર્યા. કોઈ હીંદુ મહારાજાને ત્યાં ગયો હોત તો આવી હેરાનગતી અને મુશી- બત વેઠવાનો વારો ન આવત, પણ ખેર, ભાગ્યમાં લખ્યું થાય છેજ, એને કોઈ હાથ દઈ શકે એમ નથી. મેં મૂર્ખ બની સરસ્વતીની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું અને ગ્રાહક વગર એક દુહો લખી આપના દરવાનને આપ્યો અને આપ નામ- દારને પહોંચાડવા માટે તેની આજીજી કરી, પણ આપનો દરબાન એટલે ખામી શેની જ હોય? એણે એ દુહો રોષે ભરાઈ ફાડી નાખ્યો. એ ફાડી નાંખે એમાં મને કાંઈ ખોટ જાય તેમ હતું નહીં, પણ મેં એ દુહો ગોખેલો ન હોવાથી સ્મરપટપરથી ભુંસાઈ ગયો અને હું રડતો જ રહ્યો.”
બાદશાહે કહ્યું “એક દુહાના એક લાખ ટકા મેળ- વવા એ કાંઈ સ્હેલી વાત નથી, એ તો લોઢાના ચણા છે. છે.જો તારો દુહો તેટલી કીંમતનો હોય, તો તે એક જુદી વાત હતી.
બીરબલ બોલ્યો “ હઝૂર! મને અફસોસ એટલા માટે જ થાય છે. જો એ દુહો મને યાદ હોત અને હું કોઈ લાયક- ગુણગ્રાહક રાજવંશી પાસે લઈ ગયો હોત તો અવશ્ય મને લાખ ટકા મળત. પણ એ તો મેં અહીં જ ગુમાવ્યો, દગાબાઝ ઝવેરીએ છક્કડ મારી છીનવી લીધો. હશે, વિધાતાના લેખપર કોણ મેખ મારી શકે? હવે હું આપની રજા લઉં છું અને આપને જે તસ્દી આપી છે તે માટે ક્ષમા યાચું છું.”
આમ કહી બીરબલે જાણે ત્યાંથી જતો હોય એવો દેખાવ કર્યો, બે ત્રણ ડગલા ભર્યા, પણ એવામાં જાણે કોઈ વાત યાદ આવી હોય એવો ડોળ કરી તેણે પાછા ફરી કહ્યું 'જહાંપનાહ! હાલ મને એના ત્રણ ચરણ તો યાદ આવ્યાં છે, માટે લગાર યાદ કરી જોઉં એટલે કદાચ ચોથુંએ ચરણ યાદ આવી જાય? !
બાદશાહે કહ્યું “જો તને ત્રણ ચરણ યાદ હશે તો મારા દરબારમાંથી કોઈ પણ માણસ તેનું ચોથું ચરણ બનાવી તારો દુહો પૂર્ણ કરશે, માટે એ ત્રણ ચરણ તો બોલ? ”
બીરબલ બોલ્યો “હઝૂર ! સાંભળો—
દુહા.
અહોરાત્ર જાગૃત ખડે, મમ રક્ષક મહા શક્ત;
યોં કેહ સુખે સૂવે સદા,
જહાંપનાહ ! આ ત્રણ ચરણ યાદ છે, આપના દરબારમાંથી જે કોઈ ચોથું ચરણ બનાવશે tઓ મને પણ કદાચ સરસ્વતીનું ચોથું ચરણ યાદ આવી જશે”
બાદશાહે કહ્યું “ઠીક, આજે તું દરબારમાં આવજે.”
બીરબલે જવાબ આપ્યો “નામવર ! મને દરબારમાં પેસવા કોણ દે? આપના હુકમ વગર દરબાનો જોડા મારી હાંકી કાઢે એવા છે.”
બાદશાહ બોલ્યો “તારે માટે હું દરબાનને આજ્ઞા આપી દઉં છું.”
પણ બીરબલ કાંઈ કાચે પાયે કામ કરે એવો નહતો તેણે કહ્યું “જહાંપનાહ ! દરવાનને મોઢેથી હુકમ કરવાને બદલે મને દરબારમાં દાખલ થવાનો પરવાનો જ લખી આપો તો એ વધારે યોગ્ય થઈ પડશે.”
બીરબલની કવિતાએ બાદશાહનું મન આકર્ષ્યું હતું, તેને એમાં રસ પડ્યો હતો, તેમજ વળી બીરબલને ચતુર અને દરબારને લાચકના પુરૂષ તરીકે પારખી લીધો હતો એટલે તેને તેવો પરાવાનો આપવામાં હરકત ન જણાઈ અને તેણે તરતજ પરવાનો લખી આપ્યો અને પોતાની સહી કરી તે ઉપર પોતાની મોહોર પણ લગાવી આપી.
દરબાનને કાંઈ પણ દસ્રતુરી આપ્યા વગર હવે પોતે દરબારમાં જઈ શકાશે જાણી બીરબલ અતિશય આનંદ પામ્યો અને દરબારી રીવાજ પ્રમાણે બાદશાહને સલામ કરી પોતાને ઉતારે ગયો.
બાદશાહે તે દિવસે ખાસ દરબારનો હુકમ ફેરવ્યો સ્હાંજે દરબાર ભરાયો, ખાસ દરબાર હોવાથી સૌ કોઇ હાજર હતા. બીરબલને પણ આ વખતે દરબાન અટકાવી શકે એમ ન હતું, તે પણ પોતાને પોષાક પહેરીને ત્યાં હાજર થઈ ચુક્યો હતો. બધા દરબારીચો આવી રહ્યા પછી શાઇ ફયઝીએ કહ્યું “ જહાંપનાહ!
દુહો.
ચલત ચમકત શમશીર શત, જલજા જડ હો જાત
એસી જીનકી સૈનઇક (સૈનિક), કહા બૅનકી બાત.
ફયઝીના મ્હોંમાંથી હજી તો છેલ્લા શબ્દો પુરા નીક ળ્યા પણ ન હતા તેવામાં તો ખુશામતીયા દરબારીયોએ ૨ જ પણ સમજ્યા વગર “હાંજી, હાં, સચ બાત હૈ.” કહે તાં જ માથું ધુણાવ્યું. ફયઝીએ બાદશાહના વખાણ કર્યા હશે ધારી તેમણે પાંચશેરી ધુણાવી હતી. કેટલાક બીજાઓએ પણ પોતાની અજ્ઞાનતા પ્રકટ ન થઈ જાય એની સંભાળ રાખવા મોઢું મલકાવ્યું.
બીરબલ એ દુહો સાંભળી મનોગત્ કહેવા લાગ્યો આવા રત્નો બાદશાહના દરબારમાં હોય, ત્યાં કોઈ સાધા રણ કવિનું ટટ્ટું ચાલેજ ક્યાંથી ?” તેણે વિચાર્યું કે “હું આપણે આ કવિતાથીજ શરૂઆત કરીએ.” તે તાઝીમ બજાવી લાવી બોલ્યો “ વાહ, વાહ, ઘણીજ ઉત્તમ વાત કહી, જેની એકજ દૃષ્ટિથી સેંકડો ચકચકિત્ તલવારો ચાલવા માંડે છે અને (જલજા એટલે પાણીમાંથી પેદા થયેલી) લક્ષ્મી જડ થઈ જાય (અર્થાત્ તેની કૃપાથી લક્ષ્મી તેને ત્યાં વાસ કરે છે) એવી જેની સેના છે (એટલે ચતુર દરબારીયો છે.) તેની પાસે વેણની તે શી વાત કરવી ? અર્થાત્ તેને ત્યાં કવિઓ ઉત્તમ કાવ્ય રચે એમાં આશ્ચર્ય શેનો?!”
આ નવીન આગંતુકે (બીરબલે) ફયઝી શાઇરના વખાણ કર્યા એ જગન્નાથ પંડિતથી ન ખમાયું, તેણે કહ્યું “પણ એ કવિતામાં રસ ક્યાં છે?”
બાદશાહે જોયું કે કવિતાના કયા શબ્દોમાં રસ છે એ જગન્નાથ જાણવા માગે છે, તેથી તેણે જે શબ્દોમાં રસ હોય તે બતાવવા ફયઝીને હુકમ કર્યો. ફયઝી કાવ્ય અને ન્યાયમાં ઘણોજ કાબિલ હતો, છતાં પંડિતજી આગળ ટકવું એ તેને માટે મુશ્કેલ હતું. પણ આ પ્રસંગે બાદશાહના કહેવાથી તેણે જવાબ આપવોજ જોઈએ, બીજી તરફ પંડિતજી તેને હેરાન કરશે એ ખ્યાલ આવતાં તેના મોઢા ઉપર કાંઈક ચિંતા ફેલાઈ બીરબલે ફયઝીની મુંઝવણ જાણી લઈ તે કાંઈ ઉત્તર આપે તે પહેલાં તેની મદદે આવી ઉભા થઈ હાથ જોડી બાદશાહને કહ્યું “હઝૂર ! જો આપની આજ્ઞા હોય તો હું એમાંનો રસ બતાવી આપું.”
બાદશાહે હા પાડી એટલે તે બોલ્યો “જહાંપનાહ ! એ કવિતામાં તો પદેપદે રસ રહેલો છે. લોઢા જેવા પદાર્થો પણ આપની આજ્ઞાથી ચાલે અને લક્ષ્મી જેવી ચંચલ વસ્તુ પણ જડ થઈ જાય. આપનો હુકમ સર્વમાન્ય છે એવા પ્રકારની આ કવિતામાં આપની સ્તુતિ કરાઈ છે.”
એક મુલ્લાં સાહેબને સંસ્કૃત અને હીંદી ભાષા પ્રત્યે કટ્ટો વેર હતો, એ તો બસ ફારસી અને અરબી ભાષામાંજ બોલવાનું પસંદ કરતા એટલે ફયઝી જેવા શાઈરને મોઢે હીંદી કવિતા સાંભળતાં જ તે ચીડાઈ જઈ બોલી ઉઠ્યા આવા ફારસી અને અરબીના ઉસ્તાદ કહેવાતા શાઇર હીંદી જેવી ફીકી ભાષામાં કવિતા કરે એતો હદ થઈ ! ખેર, પરંતુ એમાંયે વળી સંસ્કૃત ભાષાના શબ્દો વાપરવાની શી જરૂર હતી? તેમજ જલજા એવા શબ્દો શા માટે જોઈએ? શું આ દરબારમાંના બધા દરબારીયો એ શબ્દોનો અર્થ સમજ્યા છે? બોલો જોઇએ ?”
આ સાંભળીને કેટલાક દરબારીયોએ પોતાની નજર ફેરવી લીધી, તેમના મનમાં બ્હીક હતી કે, રખેને કદાચ એ શબ્દનો અર્થ પૂછવામાં આવતાં અજ્ઞાનતા જાહેર થઈ જાય, બીરબલ કાંઈ એથી ગભરાય એવો ન હતો, તેણે ધાર્યું કે લગાર દબારને હસાવવાનો ઠીક લાગ મળ્યો છે એથી તે બોલ્યો “જહાંપનાહ ! મુલ્લાં સાહેબને સ્હેજ પણ વિચાર નથી. જલજા શબ્દનો અર્થ પોતાને ન આવડે એ બીજાઓને પણ અજ્ઞાન ગણી કાઢે છે ? ! જલજા એટલે પાણીમાંથી ઉત્પન્ન થયેલું અને લક્ષ્મી પાણીમાંથી ઉત્પન્ન થઈ છે એથી તેને જલજા કહેવામાં આવે છે અને એથી જ તે ચંચલ છે. મુલ્લાં સાહેબ ! લગાર વિચાર કરીને વાત કરો.”
મૂલ્લાં સાહેબે તો આ જવાબ સાંભળીને માથુજ નમાવી લીધું, બધા દરબારીયો હસી પડ્યા અને બાદશાહે પણ મહા મહેનતે પોતાનું હસવું દબાવ્યું એટલે બધા ચુપ થઈ ગયા.
બીરબલના બોલવાથી બીજા બધાને આનંદ પડ્યો પણ પંડિતજી તો મુંગાજ બેસી રહ્યા. તેમના કપાળ ઉપર કરચલીયો પડતી જોઈ બધાયે જાણ્યું કે પંડિતરાજ કોઈક નવીન કલ્પનામાં જ રોકાયા છે. બાદશાહે પણ એમજ ધારી પૂછ્યું “પંડીતજી ! શું ફયઝીની કવિત્વ શક્તિથી તમે નાખુશ થયા છો?”
પંડિતજીએ કહ્યું “નામદાર ! અમે બ્રાહ્મણ એટલે કોઈનું એઠું અંગિકાર ન કરીયે.”
જગન્નાથની આ નવી વાત સાંભળી બધા વિચારમાં પડી ગયા કે ફયઝીએ આવી શીઘ્ર કવિતા બનાવી એ એંઠી શી રીતે થઈ? પણ કોઈથી એનો ભાવાર્થ સમજી ન શકાયો. આખરે જગન્નાથ પંડિતે સ્મિત હાસ્ય કરી કહ્યું “નામદાર ! આ કવિતા ફયઝીએ કોઇક વેળા પોતાની પત્નીને માટે બનાવી હશે તે આજે આપને ભેટ કરવા લાવેલ છે. એટલે એ એંઠી નહીં તો શું કહેવાય?”
સૌએ ધાર્યું કે પંડિતરાજે વળી કાંઈ નવોજ અર્થ ઘડી કાઢ્યો છે, તેથી બધા એ અર્થ શો છે તે જાણવા ઉત્સુક બન્યા. એટલે ધીમે રહીને પંડિતજી બોલ્યા “જહાંપનાહ! એનો અર્થ એમ થાય છે કે:- આ સ્ત્રીની એક કટાક્ષ એવી છે કે જેમાંથી સેંકડો તલવારો નીકળી પડે છે અને ચાલી જાય છે એટલે કે ત્યાં ઉભેલાના કાળજાને વીધીં નાખે છે. તેમજ એને જોતાં લક્ષ્મી કે જે અતિ સ્વરૂપવાન છે, તે પણ પોતાની સુંદરતાનું અભિમાન મૂકી દઈ પોતાને એ (સ્ત્રી)ની આગળ કદરૂપી ગણીને જડ થઇ જાય છે. આવી જેના કટાક્ષમાં ખૂબી છે તે જો બોલે તો પછી તેની વાણીની તે વાતજ શી કહેવી?!! ફયઝી કેવા સરસ શૃંગારી છે એ તોઆ કવિતા ઉપરથી જ સ્પષ્ટ થઈ જાય છે, માટે એણે પોતાની સ્ત્રી માટે બનાવેલી કવિતા આપને લાવી ભેટ કરે એને તે એંઠી કહેવાય નહીં?”
બધા આ અર્થ સાંભળી ખુશ થયા. અને આ નવી કલ્પના ઉભી કરી તેથી પંડિતની અપૂર્વ બુદ્ધિ જણાઈ આવી અને ચારે તરફથી પંડિતને આનંદના ઉદ્ગારોથી વધાવી લેવામાં આવ્યા. પણ હવે ફયઝી શો જવાબ આપે છે તે જાણવા બધા આતુર બન્યા. ફયઝી પણ રસાલંકારમાં પ્રવીણ હતો, તે બોલ્યો “પંડિતરાજ ! મારી કવિતાનો રહસ્ય શૃંગાર ભાવ તમે પ્રકટ કર્યો તેથી હું તમારો મોટો ઉપકાર માનું છું. પણ આપ કદાચ એ નહીં જાણતા હો કે અમે અમાસ પેદા કરનાર (પરમેશ્વર) ને મા’શૂક (પ્રિયા) રૂપેજ ભજીયે છીયે.”
ફયઝીએ આપેલા જવાબથી બાદશાહ બહુજ ખુશ થયો, છતાં પણ પંડિતે જે કલ્પના ઉભી કરી હતી તેને એણે વખાણી. લગાર વધુ ગમ્મત કરવાને ઈરાદે તેણે બીરબલ સ્હામે જોઈ કહ્યું “આ કવિતાનો ત્રીજો અર્થ શો થાય છે તે કોઈ કહી શકશે?”
બીરબલની ચતુરાઈ જોવાનો આ ખરેખરો સમય હતો. તે લગાર ગભરાયો, પણ તેનો ગભરાટ કોઈ કળી શકે એમ ન હતું. એકાદ પળ પછી તેને કાંઈ યાદ આવી જતાં આનંદ થયો. થોડીવાર સુધી આસપાસ જોયા પછી એણે હાથ જોડી કહ્યું આલમ પનાહ ! આપની આજ્ઞા હોય તો ત્રીજો અર્થ હું કહી સંભળાવું.”
બાદશાહે કહ્યું “ઘણી ખુશીથી. કહે જોઈએ?”
બીરબલ બોલ્યો “નામદાર ! સાંભળો. આપ ખરેખર પંડિતોના અને વિદ્વાનોના કદરદાન છો, આપે આ પંડિત જગન્નાથજીની જે સ્તુતિ કરી તે અવશ્ય યથાર્થ જ છે, કારણકે એ કવિતામાં પણ એમના બુદ્ધિચાતુર્યનો જ ચમત્કાર રહેલો છે. ચલત ચમકત શમશીર સત્ ” સત એટલે સાચું. સાચું એટલે શાસ્ત્રીય કઠિન વચન, તેની અંદર તલવારની પેઠે ચમકતી ચાલે છે (એવી તેની બુદ્ધિ) તેને કોઈ પણ ઠેકાણે કઠિનતા નડતી નથી. કઠિનતાની સાથે કોમળતા અને મૃદુતાનો સમાવેશ થયેલો હોય છે. તે આ પ્રમાણે “જલજા અજર હો જાત” એની સંધી તોડતાં આ પ્રમાણે થાય છે “ જલજ અજર હો જાત જલજ એટલે કમળ, તે અજર કહેતાં અમર થઈ જાય છે અર્થૉત તેની કોમળતા કદિપણ જતી નથી. “એસી જીનકી સૈન ઈક” એવી બુદ્ધિરૂપી જે સરસ્વતીની એક માત્ર નજર છે તો “કહા બૅનકી (બીનકી) બાત” તો પછી વીણા લઈને ગાવા બેસે ત્યારે તેની કેમળતાની શી વાત કરવી ?
બીરબલનો આ ખુલાસો સ્હેજ લંબાણ ભરેલો હતો, છતાં બધાએ ધ્યાનપૂર્વક સાંભળ્યો. સૌ કોઈયે તેની વિચિત્ર કલ્પનાશક્તિ માટે તેને શાબાશી આપી અને “ વાહવાહ” ના પોકારોથી તેને વધાવી લીધો. બાદશાહ પણ બહુ જ આનંદ પામ્યો. પંડિત જગન્નાથે પણ એ કલ્પના વિશેષ ઉત્તમ હોવાનું કબુલ કર્યું. બાદશાહે એજ વખતે ભારે શિરપાવ મંગાવીને બીરબલને આપ્યો અને શીવદાસને બદલે બીરબલ નામ પાડ્યું અને દરરોજ દરબારમાં આવવાની પરવાનગી બક્ષી. બીરબલની સમસ્યા તો અધુરી જ રહી જેથી તે બીજા દિવસ માટે બાદશાહે મુલ્તવી રાખી અને દરબાર બરખાસ્ત થયો.
બીરબલ પોતાને ઉતારે ગયો, પણ આજે તે કીમતી સર૫ાવથી સજ્જ થઈને આવ્યો હતો એટલે એવી રીતે ધર્મશાળામાં રહેવું તેને યોગ્ય ન જણાયું. તેણે પોતાના લાયકનું એક મકાન રાત પડતાં પહેલાં ભાડે રાખી લીધું અને તેમાં જઈ રહ્યો
બાદશાહ દરબારમાંથી ઉઠી જનાનખાનામાં ગયો અને આજે સલીમની માતાના મહેલમાં જવાની ઈચ્છા થતાં ત્યાં જ પાધરો ગયો રાણીને બાદશાહના આગમની ખબર થતાં જ તે ફુલનો થાળ ભરી સ્હામે આવી અને બાદશાહને પુષ્પોથી વધાવી રંગમહેલમાં લઈ ગઈ. બાદશાહ એક આસન ઉપર જઈ બેઠો અને રાણી પણ એક રત્નજડિત બાજોઠ ઉપર બાદશાહની પાસે બેઠી. તરતજ ચાંદરણા જેવા મુખડાવાળી દાસીઓએ મીઠાઈના થાળ લાવી હાજર કર્યા. બાદશાહે મનપસંદ ચીજોને તેમાંથી ખાધી. આજે દરબારમાં ઘણો જ આનંદ મળેલો હોવાથી બાદશાહ ખુશમિઝાજમાં હતો. ખાતાં ખાતાં તેણે નવા આવેલા કવિના વખાણ કરવા માંડ્યા અને દરબારમાં બનેલો સર્વ બનાવ કહી સંભળાવ્યો. તેમજ બીરબલે આપેલા ત્રણ ચરણ સંભળાવી તેણે કહ્યું આ કવિતાનું ચોથું ચરણ મારા દરબારમાંથી કોઈ પણ પૂર્ણ કરશે એવી મારી ખાત્રી છે, પણ મારી રસિક રાણી યોમાંથી કોઈ એ ચોથું ચરણ બનાવે તો એ વધુ આનંદની વાત કહેવાય. તું પણ કવિતાની રસિક છે માટે બોલ, તું એ ચોથું ચરણ બનાવી શકીશ?”
રાણીએ સ્હેજ વિચાર કરી કહ્યું “હું વિચાર કરી જોઈશ. પણ હા, હું તો ભૂલી જ ગઈ, ઘણીવાર થઈ મેં આપણા બાળકુમારને જોયો નથી માટે લગાર જોઈ આવું. ચાલે આપ પણ ત્યાં પધારો.”
બાદશાહ અને રાણી બન્ને જણ બાજુમાં રાજકુમારનો ઓરડો હતો ત્યાં ગયા. બાળકુમાર અત્યારે પોતાના સોનાના પલંગ પર સૂતો હતો, તેની ખાસ દાયા તેનાથી થોડે અંતરે બેઠી હતી.
રાણીએ પાસે આવીને જોયું તો રાજકુમાર સૂઈ રહ્યો હતો અને ઉંઘમાં જ તે હસતો પણ હતો. માતા- પિતા તેની તરફ ઉભરાતી છાતીએ જોવા લાગ્યા. થોડીવારમાં જ તેણે પાસું ફેરવ્યું અને તે વખતે તે રડતો જણાયો. રાણીએ તુરતજ તેને પાસામાં લીધો એટલે તે પાછો હસ્તો થયો. બાદશાહ ત્યાં થોડી વાર ઉભો રહ્યો એટલામાં તો રાણીએ તે ઉંઘતા રાજકુમારને પાંચસાત વખત પાસામાં લીધો. પછી રાણીએ કહ્યું “મારા સરતાજ ! હવે આપે કહેલી કવિતાનું ચોથું ચરણ આપને જણાય છે કે નહીં ?
બાદશાહ કાંઈ સમજી ન શક્યો તેથી બોલ્યો “તું શું કહેવા માગે છે?
રાણી બોલી “ જુઓ, તે ચોથું ચરણ બાળક માતા સક્ત” એ છે. હવે તે આખી કવિતા મળે છે કે નહીં? જુઓ સાંભળો: -
અહોરાત્ર જાગૃત ખડે મમ રક્ષક મહા શક્ત;
યોં કેહ સુખે સૂવે સદા, બાળક માતા સક્ત.
- અર્થાત બાળક પોતાની માતાને સૌથી બળવાન માને છે, એતો પોતાને થતું દુ:ખ પોતાની માતાને દૂર કરશે જાણી ચિંતા રાખતું નથી. મારૂં રક્ષણ કરનાર અહોરાત્રિ મારે માટે જાગે છે જાણી તે નિરાંતે ઉંઘે છે. મુજ અબળાની બુદ્ધિ અનુસાર મેં આ સમશ્યા પૂર્ણ કરી છે.”
બાદશાહ આ ચોથું ચરણ સાંભળી ખરેખર ખુશ થયો. તેણે કહ્યું “મારા દરબારનો કોઈ પણ માણસ આવું સરસ ચરણ બનાવી શકનાર નથી. સમશ્યા તો પૂર્ણ થઈ એમાં તો ના નથી. કદિ બીરબલને સરસ્વતી દેવીએ આપેલી કવિતાનું ચોથું ચરણ એ નહીં હોય તો પણ અડચણ નથી. હું આ ચરણને સૌથી સરસ ચરણ ગણું છું.'
બીરબલની આ નવી સમશ્યાવાળી કવિતાથી બાદશાહના મનમાં વધારે આતુરતા વધી. રાણીએ તો તે સમશ્યા પૂર્ણ કીધી પણ દરબારીયો શું કહેશે તે જાણવા તે બહુજ ઉત્સુક બન્યો. રાત પણ તેને મન બેવડી લાંબી થઈ પડી. બીજે દિવસે દરબાર ભરાયો. બાદશાહ આવી તખ્ત ઉપર બેઠો એટલે સૌ દરબારીયોએ એક પછી એક આવી સલામ બજાવી પોતાની બેઠક લીધી. અગત્યનું કાર્ય પતાવી દઈ બીરબલ આવ્યો છે કે નહીં એ જોવા બાદશાહે નજર ફેરવી. બીરબલ નવો આવેલ હોવાથી તેને કોઈ અધિકાર મળ્યોન્યો ન હતો. એતો એક ખૂણામાં બેઠો હતો. બાદશાહે તેને જોતાં જ પોતાની પાસે બોલાવ્યો. બીરબલે આવી તાઝીમથી સલામ કરી. બાદશાહે કહ્યું, “બીરબલ! તારી કવિતાના ત્રણ ચરણ કહી સંભળાવ.”
બીરબલે તે ચરણ કહી સંભળાવ્યા એટલે બાદશાહે કહ્યું “હવે આ કવિતાને કોઈ પુર્ણ કરો. ”
સૌ કોઈ એક બીજાનું મોઢું જોવા લાગ્યા, આખરે એક “હાજીયો” ઉભો થઈને બોલી ઉઠ્યો “લ્યોને, એનું ચોથું ચરણ તો મેં બનાવીએ નાખ્યું. “ અકબરશાહ અબજક્ત” કેમ બીરબલ ! એજ ને ? હાલ આખું જગત્ નિરાંતે ઊંઘે છે, કેમકે જહાંપનાહ જેવા બળવાન અને સાવધ બાદશાહ તેમની ઉપર રાજ્ય કરે છે. કહો, આપ નામદારનો એવો પ્રતાપ નથી ?”
તેનું ખુશામદથી પરિપૂર્ણ બોલવું શાહને પસંદ ન પડયું. રાણીએ કહેલું ચરણજ તેના મનમાં રમી રહયું હતું, છતાં એ ખંધા દરબારીના બોલવા ઉપર તેણે ચલાવેલી યુક્તિ માટે બાદશાહના મનમાં હસવું આવી ગયું. કેમકે તેણે બધાને ચુપ કરી દીધા હતા. બાદશાહનો એવો પ્રતાપ નથી, એમ કોણ કહી શકે એમ હતું ? જે જે લોકોએ મનમાં ચરણ ગોઠવી રાખ્યા હતા તેઓ પણ એથી ગભરાટમાં પડયા. બાદશાહ એ ગભરાટને પામી જઈ બોલ્યો “કેમ બીરબલ ! તારી સરસ્વતી પણ આ દરબારીની પેઠે મારી તારી ખુશામદ જ શીખી છે કે ?”
બીરબલ પ્રત્યુત્તર આપે એટલામાં તો પેલો હાજીયો બોલી ઉઠયો “આપકી તો એસીહી ખૂબી હે.” એમ કહીને તેણે વધારે મર્મમાં ઉથળો માર્યો. બીરબલ ગભરાયો, પેલા દરબારીયાએ તો મોકાણ માંડી એમ તેને લાગ્યું, પણ આવે સમયે તેણે જગન્નાથ પંડિતની મદદ લેવાનું ઉચિત્ ધાર્યું, તેણે પંડિતજી સ્હામે ઈશારો કરી બાદશાહને કહ્યું "નામદાર ! આપ જેવા કદરદાન બાદશાહ અને જગન્નાથજી જેવા પંડીતરાજ જ્યાં હોય ત્યાં મારા જેવાએ બોલવું વાજબી ન ગણાય. પણ સરસ્વતીનું કહેલું ચરણ એ નથી જ."
પંડિતરાજે જોયું કે આ વખતે બીરબલની મદદે આવ્યા વગર છૂટકો નથી, તેમ વળી બીરબલ પણ પંડીત રાજને ઘેર જઈ પોતાની આધીનતા તેમને એવી તો બતાવી આવ્યો હતો કે તેમણે તેને સ્હાય કરવાની મનથી કબુલાત આપી હતી. આ પ્રસંગે તેમણે બીરબલની તરફદારી કરવાનો લાગ જોઈ કહ્યું “ જહાંપનાહ ! બીરબલનું કથન સત્ય છે. આવું અર્થરહિત બોલતાં એને (દરબારીને) તો શરમ ન આવી, પણ એના દોષ બતાવી આપનારે પોતે જ શરમાવું ઘટે છે.”
પંડિતરાજના આ શબ્દો સાંભળી બધા ચમક્યા. એમણે તો બાદશાહનો એ પ્રતાપ નથી એમ કહેવાની હામ ભીડી. એથી ચરણ પુરું કરનાર હાજીયાએ ઉછળીને પૂછયું “પરંતુ, હું શું ખોટું છે તે તો કહો ?”
પંડિતજી બેલ્યા “નામવર બાદશાહ જો રજા આપે તો હું કહેવાને તૈયાર છું.” બાદશાહે રજા આપવાથી જગન્નાથજી બોલ્યા “પૃથ્વિપતિ! આ હાજીયો તે શું કહેનાર હતો. પણ આખી પૃથ્વિ આપના પ્રતાપથી વાકેફ છે અને આપના રાજ્યમાં આપની સર્વ પ્રકારે સુખી છે એ જાણે છે. પણ આ અર્થ અહીં બંધ બેસ્તો નથી. જો આ કવિતા પ્રજાને લગતી હોય અને આપણે કદાચ એમ ગણીએ તે “મમ રક્ષક"ને ઠેકાણે “અમ રક્ષક" જોઈએ.
આ સાંભળી હાજીયો તો ચુપ જ થઈ ગયો, તેનાથી પાછો એક શબ્દ પણ ન બોલાયો. બીજી થોડીક ટપાટપી પછી બાદશાહે આસપાસ જોતાં માનસિંહ ઉપર નજર પડી એટલે તેની તરફ જઈ બાદશાહે કહ્યું “કેમ રાજા સાહેબ! આપ એ કવિતા પૂર્ણ કરી શકશો ?”
ઉપર મુજબની વાત થતી હતી તેટલામાં કેટલાકને મનમાં ગોઠવણી કરવાનો અવકાશ મળ્યો હતો, માનસિંહે પણ તે અવકાશનો લાભ લીધો હતો એટલે ઝટ બોલી ઉઠયો “ નામદાર!બાદશાહ બડબખ્ત બધાતો એમજ સમજ્યા કે “હે ભાગ્યશાળી બાદશાહ.” આમ કહીને તે આગળ બોલવા જાય છે પણ તેમ તે ન થયું એટલે સૌને ખાત્રી થઈ કે એણે કવિતાનું ચરણ મેળવ્યું. પરંતુ બાદશાહને એ ચરણ ન રૂચ્યું, તેણે કહ્યું “રાજા સાહેબ! એ આપના જેવા વિશ્વાસુ સરદારોનું વર્ણન છે. એ કાંઈ રાજનીતિ બાબતમાં સાફ ન ગણાય. જોઈયે બીજો કોણ્ બનાવી શકે છે?”
એટલે અબુલ ફઝલે કહ્યું “ આલમપનાહ! આવા વિદ્વાનોમાં મારા જેવા મુસાફરનો શો ભાર ? પણ્ આપની આજ્ઞા છે તો હું બોલવા યત્ન કરું છું. મને તો લાગે છે કે અહીં બાદશાહ બદબખ્ત જોઈયે, પછી તે આપની ઈચ્છા."
અબુલ ફઝલે આ પ્રમાણે એક અક્ષરનો ફેર કરતાં બધો અર્થ ફેરવી નાંખ્યો તેથી તેના શબ્દ ચાતુર્યથી બધા ખુશ થયા, પણ માનસિંહને તે પસંદ ન પડયું. તેણે જરા મોઢું બાગાડી કહ્યું “મારા શબ્દોમાં ઉત્તમ રાજની- તિનો સમાવેશ થયેલો છે. જો કોઇથી એનો અર્થ ન સમજાતો હોય તો હું સમજાવવા તૈયાર છું.”
બાદશાહ જાણી ગયો કે માનસિંહને ખોટું લાગ્યું છે અને તેનું મન દુખાચું છે, તેથી કઈ રીતે એનું સ- માધાન કરવું. એમ ધારીને બાદશાહે કહ્યું “રાજા સાહેબ! આપ શા માટે એટલી બધી તસદી લો છો! આ દરબા- રમાંથી જ કોઈ આપના બોલવાનો ભાવાર્થ કહી સમજાવશે.”
બધા એક બીજા સ્હામું જોવા લાગ્યા, પણ બીરબલે આ પ્રસંગે પોતાના ચાતુર્યની પુરેપુરી પરિક્ષા આપી. તેણે હાથ જોડી કહ્યું “નામદાર ! આજ્ઞા આપે તો આ દાસ એનો અર્થ સમજાવે.” બાદશાહે રજા આપી એટલે તે બોલ્યો “નામદાર ! એક સમયે મહારાજા વિક્રમાદિત્ય અંધાર પછેડો ઓઢીને રાતને સમયે નગરચર્ચા જોવા પધાર્યા. અંધાર પછેડો ઓઢેલો છતાં પગનો લગાર અવાજ થતાં જ દરવાજા ઉપરના ચાકીદારે બુમ પાડી “કોણ છે? ” પણ તેને જવાબ ન આપતાં તેઓ આગળ વધ્યા અને બારે દરવાજે ફરી ચોકીદારોને સાવધ જોયા. એથી તેઓ બહુજ ખુશ થઈને બોલ્યા “ અહોરાત્ર જાગૃત ખડે, મમ રક્ષક મહા શક્ત” હજી તો છેલ્લા શબ્દો મહારાજાના મુખમાંથી નીકળ્યા ન હતા, એટલામાં તો તે શબ્દ અનુસાર ચોકીદારો તેમની ઉપર તુટી પડયા અને તેમને બાંધવાની તૈયારી કરવા લાગ્યા. એટલે પોતે રાજા છે એવું સુચવવાને માટે ફરીથી બોલ્યા “ અહોરાત્ર જાગૃત ખડે મમ રક્ષક મહા શક્ત” ચાકીદારો કાંઈક સમજ્યા ખરા, પણ વધારે સ્પષ્ટ બોલવાની મતલબથી બોલ્યા "યોં કેહ સુખે સૂવે સદા, બાદશાહ બડબખ્ત.” અર્થાત્ અમારા મહારાજા તો અમારી ઉપર વિશ્વાસ રાખી સુખે સૂતા હશે. મહારાજા ખુશી થયા અને બીજે દિવસે તેમને દર- બારમાં બોલાવી સરપાવ આપ્યો. માટે એ અર્થમાં પણ કાંઈ રાજનીતિનો દોષ નથી આવતો.”
એ અર્થ સાંભળીને બાદશાહે આનંદ પામીને કહ્યું શાબાશ ! બીરબલ, શાબાશ ! ધન્ય છે તને” રાજા સાહેબ! તમને પણ ધન્ય છે !! તમે તો ગૂઢ અર્થમાંજ બોલ્યા, એટલે આ બીરબલ જેવા ચતુર પુરૂષ વિના બીજાથી એનો અર્થ સમજાવી શકાય એમ નથી. હવે કોઈ બીજો એવો ચતુર પુરૂષ છે જે આ કવિતા પૂર્ણ કરી શકે?”
આ સાંભળી એક બે જણે જુદા જુદા જવાબ આપ્યા, પણ બાદશાહના ધ્યાનમાં તે ન ઉતર્યા. એવામાં રાજા ટોડરમલ દરબારમાં આવી પહોંચ્યો. એ દિવાન પણ મહા વિદ્વાન હતો, છતાં તે પોતાને સોંપાયેલા કાર્યમાં એટલો બધો તલ્લીન રહેતો હતો કે આવા દરબારોમાં તે ઘણો થોડોજ વખત હાજર થઈ શકતો હતો. આજે પણ તે દરબારમાં મોડો આવ્યો, બાદશાહે તેને આવકાર આપી ત્યાં ચાલતો બધો પ્રસંગ તેને સમજાવી તે સમશ્યા કહી સંભળાવી અને તે કવિતા પૂર્ણ કરવા કહ્યું. એટલે ટોડ- રમલે કહ્યું “મારી એટલી બધી યોગ્યતા નથી કે એ કવિતા પૂર્ણ કરી શકું.”
પણ બાદશાહ એથી અજ્ઞાન હતોજ કયાં કે તેને 3 આવી રીતે છટકી જવા દે? આખરે થોડીવાર આનાકાની કર્યા પછી ટોડરમલ બોલ્યો “ આપની જ્યારે એવીજ ઈચ્છા છે કે, એ વિષે મારે પણ કાંઈક બોલવું તો જોઇયે જ. એટલે હું તો: –
બાલક ભૂ૫ સુભક્ત.
એ ચોથું ચરણ યોગ્ય ગણું છું. પછી તે સૌને જે યોગ્ય લાગે તે ખરુ.”
બાદશાહ તેનું આવું બંધ બેસતું ચરણ સાંભળી આનંદ પામીને બોલી ઉઠયો “ શાબાશ, રાજાજી! આપના શિવાય અન્ય કોણ આ સરવાળો બાંધે ? આપે તો અહીં બોલાયલા ચરણોને એકઠા જ કરી નાંખ્યા. હવે કોઈની તકરાર રહી નથી. કેમ બીરબલ ! તારી સરસ્વતીએ કહેલું ચરણ એ ખરું કે નહીં ?
બીરબલે નમ્રતાપૂર્વક જવાબ આપ્યો “ ઝિલ્લે ઈલાહી ! જ્યાં આવા વિદ્વાન રત્નો હોય ત્યાં તો સરસ્વતી દેવી સદા સર્વદા હાજર જ હોય, તેથી તેમના બોલવાને મારાથી ખોટુ કેમ કહેવાય ? પણ મારી કવિતાના છેલ્લા ચરણમાં જરા ફેર છે. રાજાજીએ “બાળક” શબ્દ વાપર્યો છે ત્યાં મારી કવિતામાં “બાળકુ” શબ્દ છે.”
બાદશાહે પૂછયું “ ત્યારે શું એ બે શબ્દોમાં કાંઈ ફેર છે ?”
રાજાએ જવાબ આપે છે "જહાંપનાહ ! અર્થમાં તો ફેર નથી પણ “બાળકુ શબ્દ વધારે સારો દેખાય છે એથી મારા કરતાં કાંઈક વધારે રસિક લાગે છે.”
બીરબલે રાજાજીને પ્રણામ કરતાં કહ્યું “ રાજાજી ! આપ વિવેક કરો છો. (પછી બાદશાહ પ્રત્યે જોઇને) આલમપનાહ! મારું ચરણ દેવીકૃત છે તેથી એમાંથી કાંઈ વધારે ચમત્કાર દેખાવો જોઈયે. ”
બાદશાહે ચારે તરફ જોઈ કહ્યું “આ દરબારમાંથી કોઈ પણ એમાંનો ચમત્કાર બતાવી શકશે ? ”
ફયઝી શાઈર બોલ્યો “ જીહાં, જહાંપનાહ ! એમાં વધારે ચમત્કાર છે ખરો, અહીંયા બોલાયલી બધી કવિ- તાઓનો એમાં સમાવેશ થયેલો છે. "બાળકુ, ભૂપ,સુભક્ત” એને જો પદ તોડીને વાંચીયે તો:--
બાળ, કુપ, સુભક્ત.
એમ થાય છે. પહેલી રીતે બધાને પસંદ પડતો અર્થ થાય છે, જયારે બીજી રીતે થતો અર્થ ઘણાકને રૂચે તેમ નથી.”
બાદશાહ આ સાંભળી આનંદ પામી બોલી ઉઠયો "શુક્ર છે તે પરવર દિગારનો કે જેણે મારા દરબારમાં આવા અમૂલ્ય રત્નો લાવીને એકઠા કર્યા છે. વારુ, પંડિ- તરાજ ! આજે આટલા બધા ચરણો બોલાયા એમાં સૌથી વધારે રસિક કયું? તમે કાવ્ય-શાસ્ત્રી છો તેથી એ વાતનો નિર્ણય સારી રીતે કરી શકશો.”
પંડિતજી બોલ્યા “કૃપાનાથ! એમ તો સૌ ચરણો રસિક છે, છતાં સરસ્વતીકૃત તો બીરબલનુંજ ચરણ છે જેથી એજ વધુ રસિક કહી શકાય.
આદશાહ તરત જ સરપાવ મંગાવી બીરબલને આપ્યો અને તેને દરબારી તરીકે મુકરર કર્યો. તેમ જ કવિરાયનો ખિતાબ પણ આપ્યો. પોતાની ચતુરાઈથી બી- 46 -રબલ બધાનો માનીતો થઈ પડ્યો અને ધીમેધીમે ઉંચી પાયરીએ ચઢતો ગયો.અને આખરે તે મુખ્ય મંત્રીને દરજ્જે આવી પહોંચ્યો. તેની અગાઉ નોકરીએ રહેલા તેના હાથ નીચે આવ્યા. સાથે જ “રાજા”નો ખિતાબ અને મોટી જાગીર પણ તેના ભાગે આવ્યાં.
આવી રીતે ગરીબ સ્થિતિમાં જન્મેલો બીરબલ પોતાના ચાતુર્યથી સૌથી મોટો દરજ્જો પ્રાપ્ત કરી શક્યો.