બીરબલ વિનોદ/માનો ચંદકો છીર કસુંબ ચુવાયો

← ૬૮ તીર્થનું રક્ષણ બીરબલ વિનોદ
માનો ચંદકો છીર કસુંબ ચુવાયો
બદ્રનિઝામી–રાહતી
રોગનું મૂળ ખાંસી ને વિનાશનું મૂળ હાંસી →


વાર્તા ૩૦.

માનો ચંદકો છીર કસુંબ ચુવાયો.

એક સમયે બાદશાહ પોતાની બેગમ સાથે આનંદ ભુવનમાં આનંદ ક્રિડા કરતો હતો. તે પ્રસંગે પ્રેમમાં મસ્ત બનેલા પ્રેમી બાદશાહે પોતે અત્યંત પ્રેમભાવ વડે પાનનું એક બીડું પોતાને હાથે બેગમને ખવડાવ્યું જેથી તે માન આપવા ઉભી થઇ. પરંતુ બાદશાહ એથી કાંઈક જુદું જ સમજ્યો, તેણે ધાર્યું કે ‘બેગમ રીસાઈ ગઈ ! એટલે તેણે એકદમ રાણીના હાથ પકડી પ્રેમાલિંગન આપી પોતાના અંક (ખોળા) માં બેસાડી તે ચંદ્રમુખીના મુખ પ્રત્યે નિહાળ્યું. એ જોઈ બેગમે કટાક્ષ નેત્રે નિહાળી મંદ હાસ્ય કર્યું એટલે તેના મુખમાંથી તંબોળ રંગનું બુંદ નીકળી હડપચી ઉપર પડ્યું. તે લાલ રંગનું બુંદ ગૌર મુખચંદ્ર ઉપર અત્યંત શોભા આપતું હતું તેથી શાહે તેજ સમયે એક પાદપુર્તી સમશ્યાનું ચરણ રચ્યું—

‘માનો ચંદકો છીર કસુંબ ચુવાયો.’

ત્યાર પછી તે દંપતિ જુદાં પડી સ્નાન, મંજન, ભોજન, શૃંગાર કરી પોત પોતાના કામમાં પરવર્યા. બાદશાહ જ્યારે દરબારમાં આવ્યો ત્યારે સર્વ સભાસદોને તેણે ઉક્ત સમશ્યાના અર્ધચરણ માટે પાદ પુરતી કરી આપવા કહ્યું. સર્વ કોઈએ પોતાપોતાની તર્કશક્તિ મુજબ પાદ પુરતી કાવ્ય રચ્ચાં, પણ બાદશાહના નિદાનોને મળતો એકે કવિતનો ભાવ ન હતો, છેવટે બીરબલ પ્રત્યે નિહાળી સમશ્યા કહી સંભળાવી એટલે બીરબલે તરત જ નીચે પ્રમાણે કાવ્ય રચી સંભળાવ્યું:—

એક સમે પિયૂને મુખમેં, કર ખોલકે આપ તંબોલ ખવાયો;
ચંદ્રમુખી નુખરે અપના, કર જોરહી કે જ્યોંહીં શીશ નવાયો;
લોલનલાલ જીયે હિતસોં, ઉમંગી છતિયાં જીયરા હુરસાયો;
મુસકાતે ગિરી મુખમેં પીકસે, માનો ચંદકો છીર કસુંબ ચુવાયો

એ કવિત સાંભળી શાહ અત્યંત ખુશ થયો અને બીરબલના બુદ્ધિબળની પ્રશંસા કરી ઉત્તમ સરપાવ આપ્યો.