← હુઝૂર ! ગધે આતે હૈં ? બીરબલ વિનોદ
સમશ્યા પૂર્તિ
બદ્રનિઝામી–રાહતી
ચોરકી ડાઢી મેં તિનકા →


વાર્તા ૭૬.

સમશ્યા-પૂર્તિ.

એક દિવસે શરદ્ઋતુમાં બાદશાહ સ્હવારે મહેલની છત ઉપર તડકામાં બેઠો હતો, એવામાં એકાએક તેની દૃષ્ટિ યમુના જળમાંથી નીકળતી બાષ્પ-વરાળ-ઉપર પડી. બાદશાહ બહુજ આશ્ચર્ય પામ્યો અને મનોગત્ કહેવા લાગ્યો “આ સમય તો બરફ પડવાનો છે ને કે વરાળ નીકળવાનો !? તો પછી કયા કારણે આ વરાળ નીકળતી હશે ?!!” બીરબલ આવે એટલે એની પાસેથી ખુલાસો મેળવવા માટે બાદશાહે વિચાર કરી એક ચરણ બનાવી કાઢ્યું “બીરબલ આવ્યો એટલે બાદશાહે પૂછ્યું “બીરબલ ! મ્હેં કવિતાનું ચરણ બનાવ્યું છે તેની સમશ્યાપૂર્તિ કરો.”

બીરબલ બોલ્યો “ફરમાવો, એટલે પછી મારી અલ્પ સ્વલ્પ બુદ્ધિ અનુસાર બનશે તો પાદપૂર્તિ કરી આપીશ.”

બાદશાહે કહ્યું:- “કહી કારણ પ્રાતઃ બફાત હે પાની?”

બીરબલે પાંચ દસ સેકન્ડ વિચાર કરી કહ્યું "નામદાર ! સાંભળો:-

લંકપતી તરિબે અપને હિત, જાય હર્યો જબ રામકી રાની;
કોપિ ચઢે દશુરત્થકે નન્દન, અંજનિ પૂત ભયો અગવાની;
બાંધિ લંગોટ કંગૂર ચઢ્યો, અરૂ લંક જરી ધરતી અકુલાની.
જાય સમુદ્રમેં પૂછ બુઝી, તેહી કારણ પ્રાતઃ બફાત હે પાની.

બાદશાહે અત્યંત પ્રસન્ન થઈ પોતાના હાથની વીંટી તેને ઈનામ તરીકે આપી કહ્યું “બીરબલ ! તારા જેવા મિત્રને મેળવી, હું ખરેખર ભાગ્યશાળી થયો છું.”