બુદ્ધ અને મહાવીર/બુદ્ધ/તપશ્ચર્યા

બુદ્ધ અને મહાવીર
તપશ્ચર્યા
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા
સંપ્રદાય →





તપશ્ચર્યા

ભિક્ષાવૃત્તિ
૧. ઘર છોડી સિદ્ધાર્થ દૂર નીકળી ગયા. ચમારથી લઇને બ્રાહ્મણ પર્યંત સર્વ જાતિના માણસો પાસેથી મેળવેલી ભિક્ષાને એક પાત્રમાં ભેગી કરીને તે ખાવા લાગ્યા. પહેલવહેલાં એને આમ કરવું બહુ જ આકરૂં લાગ્યું. પણ એણે વિચાર કર્યો, "અરે જીવ, તને કોઇએ સંન્યાસ લેવાની જબરદસ્તી કરી ન હતી. રાજીખુશીથી તેં આ વેષ લીધો છે; રાજસંપત્તિનો આનંદથી ત્યાગ કર્યો છે. હવે તને આ ભિક્ષાન્ન ખાવામાં શાનો કંટાળો આવે છે ? મનુષ્ય મનુષ્ય વચ્ચે ભેદભાવ જોઇને તારૂં હૃદય ચિરાઈ જતું; પણ હવે તારી પોતાની ઉપર હીન જાતિના માણસનું અન્ન ખાવાનો પ્રસંગ આવતાં જ તારા મનમાં એ લોકો વિષે અનુકમ્પા ન આવતાં કંટાળો ઉત્પન્ન થયો ! સિદ્ધાર્થ, છોડી દે આ નબળાઇ. સુગંધી ભાતમાં અને હીન લોકોએ આપેલા આ અન્નમાં તને ભેદભાવ ન લાગવો જોઇએ. આ સ્થિતિ તું પ્રાપ્ત કરીશ તો જ તારી પ્રવજ્યા સફળ થશે." આ પ્રમાણે પોતાના મનને બોધ આપી વિષમદૃષ્ટિના સંસ્કારોનો સિદ્ધાર્થે દૃઢતાપૂર્વક ત્યાગ કર્યો.*[૧]
ગુરુની શોધ
કાલામ મુનિને
ત્યાં
૨. હવે એ આત્યંતિક સુખનો માર્ગ બતાવનાર ગુરુને શોધવા લાગ્યા. પહેલાં એ કાલામ નામે એક યોગીના શિષ્ય થઈ રહ્યા. એણે પહેલાં સિદ્ધાર્થને પોતાના સિદ્ધાન્તો શીખવ્યા. સિદ્ધાર્થ એ શીખી ગયા અને એ વિષયમાં કોઈ પણ કાંઈ પૂછે તો બરાબર એનો ઉત્તર આપી શકે તથા એની જોડે ચર્ચા કરી શકે એવા કુશળ થયા. કાલામના ઘણા શિષ્યો આ પ્રમાણે કુશળ પંડિતો થયા હતા, પણ સિદ્ધાર્થને કાંઇ આટલેથી સંતોષ થયો નહિ. એને કાંઇ અમુક સિદ્ધાન્તો ઉપર વાદવિવાદ કરવાની શક્તિ જોઇતી ન



  1. *પાછળ 'સિદ્ધાર્થની ભિક્ષાવૃત્તિ' એ નોંધ જૂઓ.
હતી. એને તો દુ:ખનું નિવારણ કરવાનું ઓસડ જોઈતું હતું. એ કેવળ વાદવિવાદથી કેમ મળે ? તેથી એણે પોતાના ગુરુને વિનયપૂર્વક કહ્યું કે "મને આપના સિદ્ધાન્તોની માત્ર સમજણ નહિ જોઇએ, પણ જે રીતે એ સિદ્ધાન્તો અનુભવાય તે રીત શીખવો." આ ઉપરથી કાલામમુનિએ સિદ્ધાર્થને પોતાનો સમાધિમાર્ગ બતાવ્યો. એ માર્ગની સાત ભૂમિકાઓ હતી. સિદ્ધાર્થે એ સાતે ભૂમિકાઓ ઝટ ઝટ સિદ્ધ કરી.પછી એણે ગુરુને કહ્યું : "હવે આગળ શું ?" પણ કાલામે કહ્યું : "ભાઇ, હું આટલું જ જાણું છું. મેં જેટલું જાણ્યું તેટલું તેં પણ જાણ્યું છે; એટલે હવે તું અને હું હવે સરખા થયા છીએ. માટે હવે આપણે બે મળીને આ મારા માર્ગનો પ્રચાર કરીએ." એમ કહી એણે પોતાના શિષ્યને ઘણું માન આપ્યું.
અસંતોષ
૩. પણ આટલેથી સિદ્ધાર્થને સંતોષ થયો નહિ. એણે વિચાર્યું કે "આ સમાધિથી*[૧] કેટલોક વખત દુ:ખનાં કારણોનો નાશ થશે, પણ તેનો સમૂળગો ઉચ્છેદ નહિ થાય. માટે મોક્ષનો માર્ગ મારા ગુરુ કહે છે તેના કરતાં કાંઇક જુદો હોવો જોઇએ."
  1. *પાછળ 'સમાધિ' વિષે નોંધ જુઓ.
પાછી શોધ
ઉદ્રક મુનિને ત્યાં
આથી એણે કાલામનો આશ્રમ છોડ્યો અને ઉદ્રક નામે એક બીજા યોગીને ત્યાં ગયા. એણે સિદ્ધાર્થને આઠમી ભૂમિકા બતાવી. સિદ્ધાર્થે એ પણ સિદ્ધ કરી, એટલે ઉદ્રકે એને પોતાના જેવો જ થયેલો કહી બહુમાન આપ્યું.


પુનઃઅસંતોષ
૫. પણ સિદ્ધાર્થને હજુ સંતોષ થયો નહિ. આથી પણ દુ:ખરૂપ વૃત્તિઓને કેટલોક કાળ દબાવી શકાય, પણ સમૂળગો નાશ તો નહિ જ થાય.


આત્મપ્રયત્ન
૬. સિદ્ધાર્થને લાગ્યું કે હવે સુખનો માર્ગ એણે જાતે જ પ્રયત્ન કરીને શોધવો જોઇશે. એમ વિચારી એ ફરતા ફરતા ગયા પાસે ઉરુવેલા ગામમાં આવ્યા.


દેહદમન
૭. ત્યાં એણે તપ કરવાનો નિશ્ચય કર્યો. તે વખતમાં એમ મનાતું કે તપ એટલે ઉગ્રપણે શરીરનું દમન. એ પ્રદેશમાં ઘણા તપસ્વીઓ રહેતા હતા. એ સર્વેની રીત પ્રમાણે સિદ્ધાર્થે પણ ભારે તપ કરવા માંડ્યું. શિયાળામાં ટાઢ, ઉનાળામાં તાપ અને ચોમાસામાં વરસાદની ધારાઓ સહન કરી, ઉપવાસો કરી એણે શરીરને અત્યંત કૃશ કરી નાખ્યું. કલાકના કલાક શ્વાસોચ્છ્શ્વાસને રોકી લઇ તે કાષ્ટની માફક ધ્યાનસ્થ થઇ બેસતા. આથી એના પેટમાં ભયંકર વેદના અને શરીરમાં દાહ થતાં. એનું શરીર કેવળ હાડકાનું ખોખું થઈ રહ્યું. છેવટે ઉઠવાની પણ એનામાં તાકાત ન રહી અને એક દિવસ મૂર્છાથી ઢળી પડ્યા, ત્યારે એક ભરવાડણે દૂધ પાઇને એને જાગ્રત કર્યા. પણ આટલું કષ્ટ વેઠતાં યે એમને શાન્તિ ન થઇ.
અન્નગ્રહણ
૮. સિદ્ધાર્થે દેહદમનનો પૂર્ણ અનુભવ લઇ લીધો અને જોયું કે કેવળ દેહદમનથી કશી પ્રાપ્તિ નથી. જો સત્યનો માર્ગ શોધવો હોય તો તે શરીરની શક્તિનો નાશ કરીને તો ન જ મળી શકે એમ એને લાગ્યું. તેથી એણે પાછું અન્નગ્રહણ કરવા માંડ્યું. સિદ્ધાર્થની ઉગ્ર તપશ્ચર્યાથી કેટલાક તપસ્વીઓ એના શિષ્ય સમાન થઇ રહયા હતા. સિદ્ધાર્થને અન્ન લેતા જોઈ એમને એને માટે હલકો અભિપ્રાય બંધાયો. સિદ્ધાર્થ યોગભ્રષ્ટ થયા, મોક્ષને માટે નાલાયક થયા વગેરે વિચારો બાંધી એમણે એનો ત્યાગ કર્યો. પણ સિદ્ધાર્થને કેવળ સારપ-કીર્તિ મેળવવા ન હતાં. એને તો સત્ય અને સુખ શોધવાં હતાં. એને વિષેના અન્યના અભિપ્રાયો બદલાશે એ વિચારથી જે માર્ગ એને ભૂલ ભરેલો લાગે તેને તે કેમ વળગી રહી શકે ?
બોધ પ્રાપ્તિ
૯. આ પ્રમાણે સિદ્ધાર્થને રાજ્ય છોડ્યાને છ વર્ષ વીતી ગયાં. વિષયોની ઈચ્છા, કામાદિક વિકારો, ખાવાપીવાની તૃષ્ણા, આળસ, કુશંકા, ગર્વ, માનેચ્છા, કીર્તિની ઇચ્છા, આત્મસ્તુતિ, પરનિન્દા વગેરે અનેક પ્રકારની ચિત્તની આસુરી વૃત્તિઓ સાથે એમને એ વર્ષો દરમીયાન ઝગડવું પડ્યું. આવા વિકારો એ જ મનુષ્યનો મોટામાં મોટો શત્રુ છે એવી એમને પૂર્ણપણે ખાત્રી થઈ. છેવટે એ સર્વ અસુર સૈન્યને જીતી એમણે ચિત્તની અત્યન્ત શુદ્ધિ કરી. જ્યારે ચિત્તની સંપૂર્ણ શુદ્ધિ થઇ ગઇ ત્યારે એમના હૃદયમાં જ્ઞાનનો પ્રકાશ થયો. જન્મ અને મરણ શું, સુખ અને દુ:ખ શું, દુ:ખનો નાશ કેમ થાય એ સર્વે વાતોનો ખુલાસો થઇ ગયો; શંકાઓની નિવૃત્તિ થઇ ગઇ; જીવનનું રહસ્ય સમજાઇ ગયું; શોધતા હતા તે મળી ગયું; મનની ભ્રમણાઓ ભાંગી; ચિત્તના ઝગડા મટી ગયા; અશાન્તિ હતી ત્યાં શાન્તિનું સામ્રાજ્ય બેઠું. સિદ્ધાર્થ અજ્ઞાન નિદ્રામાંથી જાગી બુદ્ધ થયા. વૈશાખ સુદ પૂનેમને દિવસે એમને પ્રથમ જ્ઞાન સ્ફુર્યું માટે એ જ દિવસે બુદ્ધજયન્તિ મનાય છે. કેટલાએક દિવસો સુધી એમણે ફરીફરીને પોતાને સ્ફુરેલાં જ્ઞાન પર વિચાર કર્યો. જ્યારે સર્વ સંશયોની નિવૃત્તિ થઈ ગઈ અને પોતાને પ્રાપ્ત થયેલા જ્ઞાનની યથાર્થ પ્રતીતિ થઈ, ત્યારે પોતે શોધેલું સત્ય જગતને બતાવી પોતાની શાન્તિમાં જગતને ભાગીદાર કરવા એમની જગત પ્રત્યેની મિત્રત્વ અને કારુણ્યની વૃત્તિએ એમને પ્રેર્યા.*[૧]



  1. *ટીપ : બૌદ્ધ ગ્રન્થોમાં લખ્યું છે કે બ્રહ્મદેવે એમને જગદુદ્ધાર કરવા પ્રેર્યા. પણ મૈત્રી, કરુણા, મુદિતા (પુણ્યશાળી લોકોને જોઇને આનંદ અને પૂજ્યતાની વૃત્તિ) અને ઉપેક્ષા (હઠપૂર્વક પાપમાં રહેનાર પ્રત્યે) એ ચાર ભાવનાઓને જ બુદ્ધધર્મમાં બ્રહ્મવિહાર કહ્યો છે; એટલે રૂપકને તોડી સાદી ભાષામાં જ ઉપર સમજાવ્યું છે. ચતુર્મુખ બ્રહ્મદેવની કલ્પનાને વૈદિક ગ્રન્થોમાં અનેક રીતે સમજાવી છે તેમ આ બીજી સમજુતી છે. સાદી વસ્તુને સાદા રૂપમાં ન કહેતાં કવિઓ રૂપકોમાં કહે છે. કાળાન્તરે રૂપકનો અર્થ ભૂંસાઈ જાય છે, સામાન્ય જનો રૂપકને જ સત્ય માની પૂજે છે અને નવો કવિ પોતાની કલ્પના દોડાવી એ રૂપક ઉપર પોતાને રુચે એવો અર્થ બેસાડે છે, છતાં રૂપકને રાખી જ મૂકે છે અને રૂપકને રૂપકનાં રૂપમાં પૂજવાનું છોડતો નથી. મારામાં કાવ્યવૃત્તિ કમતી છે એ આરોપને સ્વીકારીને પણ મારે કહેવું જોઇયે કે મને આ પરોક્ષપૂજા રુચતી નથી. અનેક સાદા જનોને ભ્રમણાઓમાં નાંખવાનો આ સીધો રસ્તો છે. આ પ્રત્યક્ષ ભૌતિક માયા કરતાં શાસ્ત્રીઓ અને કવિઓની વાઙ્ માયા વધારે વિકટ હોય છે.