બુદ્ધ અને મહાવીર/બુદ્ધ/સંપ્રદાય

← તપશ્ચર્યા બુદ્ધ અને મહાવીર
સંપ્રદાય
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા
ઉપદેશ →







સંપ્રદાય

પ્રથમ શિષ્યો
૧. પોતાની તપશ્ચર્યા દરમીયાન એ અનેક તપસ્વીઓના સંસર્ગમાં આવ્યા હતા. એ બધા સુખની શોધમાં શરીરને અનેક પ્રકારનું કષ્ટ આપી બાળી રહ્યા હતા. બુદ્ધને એ રીત ભૂલભરેલી લાગી હતી, તેથી એમણે એ તપસ્વીઓ પૈકી કેટલાકને પોતાને પ્રાપ્ત થયેલા સત્યનો ઉપદેશ કર્યો. એમાંથી જે બ્રાહ્મણોએ બુદ્ધે અન્ન ખાવા માંડવાથી એનો ત્યાગ કર્યો હતો તે એમના પ્રથમ શિષ્ય થયા.
સંપ્રદાયનો
વિસ્તાર
૨. જે શાંન્તિ એમને પ્રાપ્ત થઇ હતી એ એકલા ઉપગ કરે એવો બુદ્ધનો સ્વભાવ ન હતો. પોતાના સાડા ત્રણ હાથના દેહને સુખી કરવા એમણે આટલો પ્રયાસ કર્યો ન હતો. તેથી જેટલા વેગથી એમણે સત્યની શોધ માટે રાજયનો ત્યાગ કર્યો, તેટલા જ વેગથી એમણે પોતાના સિદ્ધાન્તોનો પ્રચાર કરવા માંડ્યો. જોતજોતામાં હજારો માણસોએ તેમનું શિષ્યત્વ સ્વીકાર્યું. કેટલા યે મુમુક્ષુઓ એમનો ઉપદેશ સાંભળી સંસારનો ત્યાગ કરી એમના ભિક્ષુસંઘમાં દાખલ થયા. મગધનો રાજા બિંબિસાર, એમના પિતા શુદ્ધોદન, કોસલનો રાજા પસેનદિ તથા અનાથપિંડક વગેરે ધનાઢ્ય ગૃહસ્થોએ એમનો ધર્મ સ્વીકાર્યો. સ્ત્રીઓ પણ એમનો ઉપદેશ સાંભળી ભિક્ષુણી થવા પ્રેરાઈ. પ્રથમત: સ્ત્રીઓને ભિક્ષુણી કરવા બુદ્ધ નારાજ હતા, પણ એમની માતા ગોતમી અને પત્ની યશોધરાએ ભિક્ષુણી થવા અત્યંત આતુરતા બતાવી અને એમની આગ્રહપૂર્વક વિનંતિથી બુદ્ધને એમને પણ સંન્યાસાશ્રમ લેવાની છુટ આપવી પડી.
સમાજસ્થિતિ
૩.બુદ્ધના સમયની સામાજિક સ્થિતિ*[] નીચે પ્રમાણેની હોય એમ લાગે છે : એક વર્ગ ઐહિક સુખમાં રચ્યોપચ્યો રહેતો. મદ્યપાન અને વિલાસમાં જ એ વર્ગ જીવનની સાર્થકતા માનતો. બીજો એક વર્ગ ઐહિક સુખની કાંઈક અવગણના કરતો, પણ સ્વર્ગમાં એવાં જ સુખો પ્રાપ્ત કરવાની લાલસાથી મુંગાં પ્રાણીઓનાં બલિદાન દેવોને પહોંચાડવાના કામમાં રોકાયેલો હતો. ત્રીજો એક વર્ગ એથી ઉલટે જ માર્ગે જઈ શરીરનો નાશ થાય ત્યાં સુધી તેનું દમન કરવામાં રોકાઇ ગયો હતો.


મધ્યમમાર્ગ
૪.આ ત્રણે માર્ગમાં અજ્ઞાન રહ્યું છે એમ બુદ્ધે શીખવ્યું. સંસાર અને સ્વર્ગના સુખની તૃષ્ણા તથા દેહદમનથી પોતાનો નાશ કરવાની તૃષ્ણા એ બન્ને છેડા પરની ઈચ્છાઓનો ત્યાગ કરીને મધ્યમ માર્ગનો એમણે ઉપદેશ આપ્યો. એ મધ્યમ માર્ગથી દુ:ખનો નાશ થાય છે.


આર્યસત્યો
૫.' મધ્યમ માર્ગ એટલે ચાર આર્યસત્યોનું જ્ઞાન. આ ચાર આર્યસત્યો તે આ પ્રમાણે:



  1. *'સમાજસ્થિતિ'પર પાછળ નોંધ જુઓ.
(૧) જન્મ, જરા, વ્યાધિ, મરણ, અપ્રિય વસ્તુનો યોગ અને પ્રિય વસ્તુનો વિયોગ - એ પાંચ દુ:ખરૂપી ઝાડની ડાળીઓ છે. એ પાંચ જ દુ:ખો ખરાં છે - એટલે એ અનિવાર્ય છે, પોતાની ઇચ્છાને આધીન નથી; એ સહન કર્યે જ છુટકો છે. આ પહેલું આર્યસત્ય છે.

(૨) એ સિવાયનાં બીજાં દુ:ખો માણસે પોતે જ ઉપજાવી કાઢેલાં છે. સંસારનાં સુખોની તૃષ્ણા, સ્વર્ગનાં સુખોની તૃષ્ણા અને આત્મનાશની તૃષ્ણા - એ ત્રણ પ્રકારની તૃષ્ણા પહેલાં દુ:ખોને પાછાં ઉપજાવવાનું તથા બીજાં બધાં દુ:ખોનું કારણ છે. એ તૃષ્ણાથી પ્રેરાઇને મનુષ્ય પાપાચરણ કરે છે અને પોતાની તથા જગતને દુઃખી કરે છે. તૃષ્ના એ દુઃખોનું કારણ છે એ બીજું આર્યસત્ય.

(૩) એ તૃષ્ણાનો નિરોધ થઇ શકે છે. એ ત્રણ તૃષ્ણાઓને નિર્મૂળ કરવાથી જ મોક્ષપ્રાપ્તિ થાય છે. આ ત્રીજું આર્યસત્ય.

(૪) તૃષ્ણાઓનો નિરોધ કરી દુ:ખનો નાશ કરવા માટેનાં સાધનનાં આઠ અંગ છે :

સમ્યક્*[] જ્ઞાન - એટલે ચાર આર્યસત્યોને સારી પેઠે વિચાર કરી જાણવાં તે.

સમ્યક્ સંકલ્પ - એટલે શુભ કર્મો કરવાનો જ નિશ્ચય.

સમ્યગ્ વાચા - એટલે સત્ય, પ્રિય અને હિતકર વાણી.

સમ્યક્ કર્મ - એટલે સત્કર્મોમાં જ પ્રવૃત્તિ.

સમ્યગ્ આજીવ - એટલે પ્રામાણિકપણે જ આજીવિકા પ્રાપ્ત કરવા માટેનો ઉદ્યમ.

સમ્યક્ પ્રયત્ન - અથવા કુશળ પુરુષાર્થ.

સમ્યક્ સ્મૃતિ - એટલે હું શું કરૂં છું, શું બોલું છું, શું વિચારૂં છું એનું નિરન્તર ભાન.

સમ્યક્ સમાધિ - એટલે પોતાના કર્મમાં એકાગ્રતા, પોતાના નિશ્ચયમાં એકાગ્રતા, પોતાના પુરુષાર્થમાં એકાગ્રતા, પોતાની ભાવનામાં એકાગ્રતા.*[]


  1. *સમ્યક્ એટલે યથાર્થ અથવા શુભ.
  2. *ભાવનામાં એકાગ્રતા એટલે કદીક મૈત્રી -કદીક દ્વેષ, કદીક અહિંસા- કદીક હિંસા, કદીક જ્ઞાન - કદીક અજ્ઞાન, કદીક વૈરાગ્ય- કદીક વિષયેચ્છા એમ નહિ; પણ નિરન્તર મૈત્રી, અહિંસા,જ્ઞાન, વૈરાગ્યમાં સ્થિતિ એ સમાધિ છે.જુઓ ગીતા અ.૧૩-શ્લોક ૮થી ૧૧: જ્ઞાનનાં લક્ષણ.

આ અષ્ટાંગ માર્ગ એ બુદ્ધનું ચોથું આર્યસત્ય છે.

આને મધ્યમ માર્ગ કહ્યો છે, કારણકે આમાં અશુભ પ્રવૃત્તિઓનો સ્વીકાર નથી અને શુભ પ્રવૃત્તિઓનો ત્યાગ નથી. જે અશુભ, અથવા શુભ અને અશુભ બન્ને પ્રવૃત્તિઓમાં પડે છે તે એક છેડે છે; જે બન્ને પ્રવૃત્તિથી દૂર રહે છે તે બીજે છેડે છે. બુદ્ધનો અભિપ્રાય શુભના સ્વીકાર અને અશુભના ત્યાગનો છે.

બૌદ્ધશરણત્રય
૬. બુદ્ધને જે ઇષ્ટ તરીકે સ્વીકારે, એણે ઉપદેશેલા ધર્મને માન્ય રાખે અને એના ભિક્ષુસંઘનો સત્સંગ કરે એ બૌદ્ધ કહેવાય. बुद्धं शरणं गच्छामि | धर्मं शरणं गच्छामि | संघं शरणं गच्छामि | આ ત્રણ શરણો લઇ બુદ્ધધર્મમાં પ્રવેશ થાય છે.*[]


બુદ્ધધર્મ
૭. ચાર આર્યસત્યોમાં મનુષ્યને પોતાની ઓછીવત્તી શક્તિ પ્રમાણે મન, કર્મ વચને નિષ્ઠા થાય અને અષ્ટાંગમાર્ગની સાધના કરતાં કરતાં તે બુદ્ધદશાને પામે એ હેતુને અનુકૂળ આવે એવી રીતે બુદ્ધે ધર્મનો ઉપદેશ કર્યો છે. એણે



  1. *પાછળ 'શરણત્રય' પર નોંધ જૂઓ.
શિષ્યોના ત્રણ ભેદ પાડ્યા છે. ગૃહસ્થ, ઉપાસક અને ભિક્ષુ.

૮. ગૃહસ્થે નીચેની પાંચ અશુભ પ્રવૃત્તિમાંથી દૂર્ રહેવું જોઇયે : (૧)પ્રાણઘાત, (૨) ચોરી, (૩) વ્યભિચાર, (૪) અસત્ય અને (પ) વ્યસનો.

તે ઉપરાંત એણે નીચેની શુભ પ્રવૃત્તિઓમાં તત્પર રહેવું જોઇયે : (૧) સત્સંગ, (૨)ગુરુ, માતા, પિતા અને કુટુંબની સેવા, (૩) પુણ્યમાર્ગે દ્રવ્ય સંચય, (૪) મનની સન્માર્ગમાં દૃઢતા, (૫) વિદ્યા અને કળાની પ્રાપ્તિ, (૬) સમયોચિત સત્ય, પ્રિય અને હિતકર ભાષણ, (૭) વ્યવસ્થિતતા, (૮) દાન, (૯) સંબંધીઓ ઉપર ઉપકાર, (૧૦) ધર્માચરણ, (૧૧) નમ્રતા, સંતોષ, કૃતજ્ઞતા અને સહનશીલતાના ગુણોની પ્રાપ્તિ અને છેવટે (૧૨) તપશ્ચર્યા, બ્રહ્મચર્ય વગેરેને માર્ગે જઇ ચાર આર્યસત્યોનો સાક્ષાત્કાર લઇ મોક્ષપ્રાપ્તિ.

ઉપાસકના ધર્મો
૯. ઉપાસકે ગૃહસ્થના ધર્મો ઉપરાંત મહિનામાં ચાર દિવસ નીચેનાં વ્રતો પાળવાં જોઇયે : (૧) બ્રહ્મચર્ય, (૨) મધ્યાહ્‌ન પછી જમવું નહિ, (૩) નૃત્ય, ગીત્, ફુલ, અત્તર વગેરે વિલાસોનો ત્યાગ અને (૪)ઉંચા અને મોટા બિછાનાનો ત્યાગ.
ભિક્ષુના ધર્મો
૧૦. બિક્ષુ બે પ્રકારના છે : શ્રામણેર અને ભિક્ષુ. વીશ વર્ષની અંદરના શ્રામણેર કહેવાય છે. એ કોઇ ભિક્ષુના હાથ તળે જ રહે, એટલો જ એમાં અને ભિક્ષુમાં ફરક.

ભિક્ષા પર આજીવિકા કરવાની, ઝાડ નીચે રહેવાની, ફાટેલાં કપડાં ભેગાં કરી તે વડે શરીર ઢાંકવાની અને ઔષધાદિક વિના ચલાવવાની ભિક્ષુની તૈયારી હોવી જોઇએ. એણે સોનારૂપાનો ત્યાગ કરવો જોઇયે અને નિરંતર ચિત્તના દમનનો અભ્યાસ કર્યા કરવો જોઇએ.*[]



  1. * નીચેના શ્લોકોમાં બુદ્ધનો ધર્મ ટુંકામાં આપ્યો છે :
    प्राणाघातान्निव्रुत्ति परधनहरणे संयमः सत्यवाक्यं
    काले शत्तया प्रदानं युवतिजनकथामूकभावः परेषाम्
    तृणास्रोतो विभंग्नो गुरुषु च विनयः सर्वभूतानुकम्पा
    सामान्यः सर्वशास्रेग्वनुपकृतविधिः श्रेयसामेष पन्थाः ॥
    सव्व पापस्यं अकरणं, कुसलस्स उपसंपदा ।
    सचित्तपरियो दमनं एतं बुद्धान सासनम् ॥
    સર્વ પાપથી નિવૃત્તિ, કુશલમાં પ્રવૃત્તિ અને પોતાના ચિત્તનું દમન એ બુદ્ધનો ઉપદેશ છે.
સંપ્રદાયની
વિશેષતા
૧૧. બુદ્ધના સંપદાયની વિશેષતા એ છે કે સામાન્ય નીતિપ્રિય મનુષ્યની બુદ્ધિમાં ઉતરી શકે તેવા જ વિષયો ઉપર એ શ્રદ્ધા રાખવાનું કહે છે.

પોતાના જ બળે બુદ્ધિમાં સત્ય તરીકે પ્રતીત ન થાય એવાં કોઇ દૈવત, સિદ્ધાન્તો, વિધિઓ કે વ્રતોમાં એ શ્રદ્ધા રાખવાનું કહેતા નથી. કોઈ કલ્પના અથવા વાદ પર પોતાના સંપ્રદાયનો પાયો એણે રચ્યો નથી. જો કે સર્વ સંપ્રદાયોમાં થાય છે તેમ સત્ય કરતાં સંપ્રદાયનો વિસ્તાર કરવાની ઇચ્છાવાળા જનોએ પાછળથી એ સર્વે વસ્તુઓ એમાં નાખી દીધી છે.