ભટનું ભોપાળું/અંક ૧ લો/ પ્રવેશ ૧ લો

← પરિચય ભટનું ભોપાળું
અંક ૧: પ્રવેશ ૧
નવલરામ પંડ્યા
અંક ૧: પ્રવેશ ૨  →


અંક ૧ લો.

પ્રવેશ ૧ લો.

(સ્થળ – રસોડું)

શિવ૦ – સાંભળોછ કે ? મેકું સાંભળોછ કે ?

ભોળા૦- (આગલી પડસાળમાંથી લ્હેંકો કરી) ના-આ-અં-

શિવ૦ – રાંડની પેઠે ચાળા કરતાંજ આવડેછ.

ભોળા૦- ત્યારે રાંડ તું. મ્હેં તો ત્હારા ચાળા પાડ્યા.

શિવ૦ – બક્યા ! હું રાંડ કહારે કહેવાઊં વારૂ?

ભોળા૦- ત્હારો બાપ મરે ત્યારે.

શિવ૦ – (ચ્હીડવાઈને,) ખબડદાર ! બાપ લાગી ન જતા. જુઓ ! નોકરી ચાકરી કરવી નહિ ને –

ભોળા૦- રાંડ, મ્હેં તો બહુએ સાહેબી કીધીછ.

શિવ૦ – કીધી ! ત્રણ દહાડા તો કોઈ ઠેકાણે ટાંટીયો ટક્યો નહિ ! અંગ્રેજીનું ઉકાળ્યુંછ તોએ કોઈ હવે રૂપિયાની નોકરી ઠોકેછ ?

ભોળા૦- છટ ! ભોળાભટ શું ગુલામગીરી કરશે ? કદી નહિ.

શિવ૦ – પતરાજ ન કરો. આમ લોકોની થોડી ખુશામત કરવી પડેછ!

ભોળા૦- આહા ! એ તો લોકોને હસાવી રમાડીને પૈસા કહાડી લઊંછ.

શિવ૦ – એજ આવડેછ તો. જે મળ્યું તેની સાથે મજાક ઠઠ્ઠાની વાત ! નહિ જોવો મહેતો કે નહિ જોવો મહેતર, કે નહિ જોવી બહેન કે નહિ જોવી વહુ ! છોકરાંઓ સાથે પણ ધીંગામસ્તી !

ભોળા૦- જન્મીને શું લઈ જવુંછ? આનંદમાં રહ્યા ને બીજાને બે ઘડી રાખ્યા તે ખરૂં.

શિવ૦ – ને બૈરાં છોકરાં મુઆં તો ધુળ લાખી.

ભોળા૦- છાનીરહે, ભજન સાંભળ. હું તો પ્રભાતિયાં ગાઉંછું.

(ગાય છે.)

પરભાતના પ્હોરમાં, ઊઠવું આળસ તજી,
કદી ન બે પ્હોર દેવાજ થાવા;
ઉઠીને ચોટલી, ઝપટ છટકારીને,
તાણી સીંગોડું સટ, બેસવું ખાવા.
કામિની કકળી રહી, ત્યાં શી સંધ્યા પૂજા,
નીકર ધંધા બીજા શા છે ભટને?
ભાંગને ભસ્મ ભાવે ધરી ભીખવું,
ભીખી ભીખાડવું જગત જડને.

રંડા, - આ ગામમાં ત્હારા જેવું તો બીજા કોઈને ખાવા પીવાનું સુખ નહિ હોય. શિવ૦ – ને વખતે કડાકા કરવાનુંએ કોઈને નહિ હોય. મળ્યા તો મીર નહિ તો ફકીર, એજ સુખ તમારે ઘેર કની ?

ભોળા૦- ગાંડી, સુખ દુઃખતો મનનું કારણ છે. મ્હારા જેવો કોઈ સવાદીઓ નથી, પણ વખત પડે ત્રણ દહાડાનો લુખો રોટલોએ ચાલે.

શિવ૦ – ને તે એ ન મળે તો રઝળતા મુકી કીધું પરદેશમાં કાળું. વરસમાં છ મહીના તો બારણે રખડવું

ભોળા૦- કુંભારજા, બહુ બેહેકી કે? પૂજા કરૂં ?

શિવ૦ – વારૂં હવે તેલ આપવું છે કે નહિ ? હા કે ના કહો. સાંભળોછકે ?

ભોળા૦- ના. એકવાર ના કહી કે હું નથી સાંભળતો.

શિવ૦ – ત્યારે બોલે છે કોણ ? બાળ્યો એ વઘાર કરવો, ને મુઈ હું ! (કડછી અફાડે છે).

ભોળા૦- બોલછ કોણ ? હું નહિ તો તારો બાપ બોલેછ ?

શિવ૦ – મુઆં મ્હારાં માબાપ ! મ્હને આવા વરને દીધી તે કરતાં પીપળાને કાં ન દીધી ?

ભોળા૦- તારી માએ તને જણતી વખતે ટુંપો કાં ન દીધો કે મ્હારે કર્મે આવી કુભારજા ચોંટી.

શિવ૦ – તમારા ધનભાએગ કે મ્હારા જેવી કન્યા મળી; બાકી કાગડાની કોટે દહીંથરૂં ક્હાંથી? તમારે તો રોજ રાંડ વિધાત્રીને સ્હો સ્હો વખત દંડવત કરવા જોઈએ કે આ કાળા કપાળમાં મને લખી. વિધાત્રી અજુગતું કીધું, એની તો તમારાથી પણ ના નહિ કહેવાય.

ભોળા૦- ના , હું પણ રાંડ વિધાત્રી અજુગતું કીધું તેમાં રોજ તેને ગાળો દઊંછું.

શિવ૦ – હું તે કેવી છઊં? મ્હારા જેવી કોઈ બીજી બૈરી તો બાતાવ. સાંજ સવાર તું પગ ધોઈને પીએ તોપણ એવી બીજી કોણ ત્હારે ત્હાં રહે?


(ગરબી.)
મ્હારા જેવી રે બૈયર ફુટડી રે, જે પામે તેનાં ધન ભાગ્ય; મ્હારા૦ ૧
તારા જેવા તો કાળા ભૂતડારે. નહિ જોગ ધોઈ પીવા પાગ; મ્હારા૦ ૨
મ્હારી એક પલક પાંચ શેંહનીરે, જારી હસ્યાના હેંસી હજાર; મ્હારા૦ ૩
મ્હારા બોલ તો બબ્બે લાખનારે, મુલ બીજાનું અપરમપાર; મ્હારા૦ ૪
મ્હારૂં રૂપ દેખીને ભૂખ ભાગતીરે, પછી ગુણ તણી શી દરકાર? મ્હારા૦ ૫
રહું મ્હેર કરીને ત્હારે ઘેર હૂંરે, બાકી જોગ હું રાજદરબાર; મ્હારા૦ ૬
અલ્યા પાડ નથી તું કેમ માનતોરે, લઈ નિત્ય ચંદન ફુલહાર? મ્હારા૦ ૭
કાર સાંજસવારે મધ રાત્રિયેરે, પૂજા મ્હારી માની ઉપકાર; મ્હારા૦ ૮

ભોળા૦- કેમ તને ધોઊં ? પૂજા કરૂં ? શિવ૦ – કીધી કીધી ! ઘરમાંખાવાને સ્હૂકો રોટલોએ મળે નહિ, ને બકરકુદી સ્હુજે છ. ભૂખે ભુખેતો મ્હારા પેટમાં કોયલી પડી ગઈ છે.

ભોળા૦- સારૂં, તેથી તો ત્હારો સ્વર કોયલ જેવો થયો છ.

શિવ૦ – સુવાને ફાટી તળાઈ પણ ન મળે.

ભોળા૦- સવારે ઉઠવાનું મન વ્હેલું થશે.

શિવ૦ – અફીણનાં તારમાં ઘરની તો કાળજીજ નહિ.

ભોળા૦- એતો ભાગ્યશાળી રાવણ રાણાનાં કામછે.

શિવ૦ – પીટયા, કોઈ દહાડો દુનીઆમાંથી નીકળી જવાનો છે. જો ત્હારી મોહોકણ આ સીસા પડ્યાછે તે.

ભોળા૦- રાંડ, આજકાલ એમાં તો સુધારો આવી રહ્યો છ.

શિવ૦ – પણ મ્હારા પોર્યાનું સ્હૂં કર્યું તે કહેની અફીણિયા.

ભોળા૦- તારી મરજીમાં આવે તેમ કરની.

શિવ૦ – બચારાં બાઊં બાઊં કરીને રડયાં કરેરે.

ભોળા૦- માર બે ચાર તમાચા. ચૌદમું રતન વિના પોર્યાં રડતાં રહેજ નહિ.

શિવ૦ – પીટ્યા અફીણિયા, ત્હારે તો બધે હસવાનીજ વાત છે.

ભોળા૦- સમાલજે હો, તું મ્હારો સ્વભાવતો જાણે છે.

શિવ૦ – જાજા, ત્હારા જેવા બહુ જોયાછ. ત્હારા મારથી હું બ્હીતી નથી તો, છાકટા.

ભોળા૦- મ્હારી ગુલેબંકાવલી ! ત્હારા ગુલાબ જેવા ગાલ પર મ્હારા હાથ લોભાય છે હો.

શિવ૦ – અરે જાની બાયલા, અડકતો ખરો મને, છાકટા, ત્હારામાં દમ હોયતો. પીટયો અફીણિયો.

ભોળા૦- રંડા, લે? ત્યારે, લે? (મારે છે.)

શિવ૦ – મારેછ રે ! મારેછ રે ! મારેછ રે !

(વસનજી દેશાઈ આવે છે.)

વસ૦- સ્હું છે ? સ્હું છે રે ? આ તે સ્હારૂં કે ભટ ? દુબળાની પેઠે મારામારી કીધામાં સ્હોભા છે?

શિવ૦ – દેસ્હાઈ, મ્હારે માર ખાવાનું મન છે, પછી?

વસ૦ – ઓ ? ભટાણી, ત્યારે તો મ્હારી તરફના બે વધારે.

શિવ૦ – બે નાં ચાર દેસ્હાણને મારોની જઈને. અમારા ઘરની તમારે સ્હી પંચાત?

વસ૦ – કાંઈ નહિ બાઈ મને જવા દે એટલે થિયું.

શિવ૦ – આ દોઢ ડાહ્યો જોયો કે ? પોતાના મનખને મારે તેમાં ના કહે છે.

(ઠુમરી)
જા જારે મુરખા વચમાં ન પડિએ, વર વહૂની હવ્ડવ્હાડેરે;
પક્ષ ના કીજે ચંચળા કેરો, દોષ સકળ જન કહાડેરે. જા જારે૦ ૧

પક્ષ કરે જે પરુષ તણો તે, કામિનીને કોપાવે રે;
ઢોલાને ભરમાવી તે કો દી, નિશ્ચય વેર કરાવેરે જા જારે૦ ૨

મૂળ વ્હડનારી નિત્યજ નારી, ચાળા કરનારી ભારીરે;
વેદ પુરાણ ને ગાથા ભજન સૌ, સાખ પુછેછે સારી રે. જા જારે૦ ૩

પક્ષ કરે જે સાંખીણી કેરો, તેનિ સ્ત્રિ સંખિણી હોજોરે;
વેચજો તેને વેશ્યા થઈ તે, શ્યામવદન મુઢ કરજોરે. જા જારે૦ ૪

ઊને પાણિયે આગ ન લાગે, અડકે તે અમથો દાઝે રે;

બંન્યોને મન અંતે દુશ્મન, જેને જોઈ ચિત્ત લાજેરે. જા જારે૦ ૫

વસ૦ – ભટ, માફ કરજો, હુંજ સ્હસ્હરો બેવકુફ કે મુકાવવા આવ્યો. આ ધોકો લઈને બઝાડો એને. “બુધે નાર પાધરી.”

ભોળા૦- ના, મ્હારે મારવી નથી તો.

વસ૦ – ઓ! તારે તમારી મરજી.

ભોળા૦- દેસ્હાઈ, મ્હારી મરજીમાં આવસ્હે તારે અને મારા, અને નહિં આવે ત્યારે નહિં મારા; એ મ્હારી બૈયર છે, તમારી તો નથી ?

વસ૦ – ના મ્હારા ભોગ નથી લાગ્યા તો.

શિવ૦ – મ્હારા ફાંકડા, મને લાકડી આપો તો પાછી.

વસ૦ – ધણી ધણિયાણી વ્હાડતાં હોય તેમાં જો હવે હું મુકાવવા જાઊંતો મ્હારી માને હુંજ પરણું !! (જાય છે.)

ભોળા૦- શાબાસરે ! મ્હારી ફાંકડી, રંગ છે તને. જોઉં ! આવ તો.

શિવ૦ – મ્હારી કંમર બેવડી વાળી નાંખ્યા પછી કે !

ભોળા૦- એ એમજ હોય. હું તો મજાક કરતો તો.

શિવ૦ – હવેથી મજાક કરવી હોય તો તમારાં વાંસા પર કરજો.

ભોળા૦- જા જા ! ઘેલી. ઓરત તો મરદનું અરધું અંગ કહેવાય છે. તેથી હું જ્યારે તને મારૂં, ત્યારે મ્હારા અડધા અંગને જ મારૂં છું એમ સમજવું.

શિવ૦ – પણ હવેથી તમારી પાસેનાજ અડધા અંગને મારજો.

ભોળા૦- ચલ ચલ એમ ન કરીએ, મ્હારી મીઠડી.

શિવ૦ – મીઠડી બીઠડી કહેતા નહિ. મીઠડી તો રાંડ ઢેયડીનું નામ હોય.

ભોળા૦- મૃગલોચની, ગજગામની, બહુ કામની, કહે તે કહું.

શિવ૦ – મ્હારે એવાં એવાં નામ નથી જોઈતાં. બધા બોલાવતા હોય તેમ બોલાવો, બોલાવવી હોય તો.

ભોળા૦- ત્યારે આવો મ્હારાં શિવકોર ભટાણી? એમાં કે શિવકોર વહુ કહું ?

શિવ૦ – બળ્યાં મ્હોં, એમ કરીને મને હસાવો નહિં. હજી લાકડીના સપાટા મ્હારા વાંસા પર સાલે છે.

ભોળા૦- તે વાત સંભારેછ શું કામ? એતો મ્હારા શરીરમાં ભૂત ભરાયુંતું તેનો વાંક. હવે હું જ પસ્તાઊંછું, તો, મ્હારા સ્હમ જો હવે એ વાત મનમાં રાખે તો.

શિવ૦ – વારૂ આજ તો જવા દઊંછ, પણ ફરીથી -

ભોળા૦- છટ ! છટ ! રસશાસ્ત્રમાં એમ કહ્યું છે કે થોડી ઘણી લડાઈથી તો પ્રેમ વત્તો વધે છે. મહીને પંદર દહાડે લુગડાંને ધોયાંથી જેમ તેનું આવરદા વધે છે, તેમ બૈરીને તો આંતરે આંતરે ધબોવ્યાથી ધણી ધણિયાણી વચ્ચે હેઠા વધતું જાય છે. ચાલ, હવે તેલ આપું ?

શિવ૦ – તેલ તો કહારનું લીધું. અમારા હાથ પગ કંઈ ભાગ્યા નથી તો, પણ ખાશો શું ડૈયાં ! મ્હાને મારવાની લાહેમાં આ રોટલા અભડાવ્યા.

ભોળા૦- પાણી છાંટીને ટીચકાવવા માંડિયે. ન્યાતમાં કુતરૂં ફરી જાય છે ત્યારે પાણી છાંટીને શુધ કરેછ કની? હું સ્હસ્હરો બ્હામણ કુતરાથી ગયો?

શિવ૦ – પેલો દેસ્હાઈડો જોઈ, ગયો તે નાતમાં વાત કરે ત્યારે ?

ભોળા૦- તારે તો તને સૂઝે તે કર, પણ વ્હેલી થા. ખાઈને ખેતરમાંથી ઘાસ વ્હાડી મુક્યું છે તેના ભારા લઈ આવવા છે. ડોબાં બચારાં ભૂખે મરછ.

શિવ૦ – વારૂ, દેસ્હાઈએ કી દહાડાની હા કહીછ. ખેતરેથી બળ્યું ઘાસ ઉંચકાવી લાવોની. બચારાં ઢોર ભૂખે મરછ.

ભોળા૦- અરે પ્યારી, ત્હારાં શુકનના ઉપર માથે મુકીને લાવુંછ.

શિવ૦ – તમને ક્યાં તેનીએ લાજ છે.

ભોળા૦- ગંડુડી, ઘરધંધાની લાજ શી?