ભટનું ભોપાળું/અંક ૩ જો/ પ્રવેશ ૨ જો
← અંક ૩: પ્રવેશ ૧ | ભટનું ભોપાળું અંક ૩ જો / પ્રવેશ ૨ જો નવલરામ પંડ્યા |
અંક ૩: પ્રવેશ ૩ → |
આનંદ- (ચ્હીડવાએલો હાથ અફાળતો.) ધીક્કાર છે આ દુનિયાને કે જેનો પરમેશ્વર એક ફક્ત પૈસોજ છે. પૈસાને સૌ પૂજે અને સાચાને લાત મારે છે. પૈસો પરમેશ્વર છે એમાં મ્હેં શું ખોટું કહ્યું? એનેજ જગતે લક્ષ્મીદેવી ઠેરવી છે? ધિક્કાર છે જગતની બુધ્ધિને! હું કદી તને દેવી કહેનાર નથી ધિક્કાર છે લક્ષ્મીને! ધિક્કાર!
અરે! લક્ષ્મિ! ધિક્કાર! ધિક્ ! રાક્ષસી દુઃખકરણી!
તને દેવી કહેનાર કોણ મૂરખ ઉચરની!
અગણિત પાપો, માત! રમે તું તેને રમાડી!
ખૂન, કતલ, લુટફાટ, ચોરિ, જારી છળ, ચાડી.
છહર, મૂર્ખઇ, પતરાજ, મનસ્વી નિર્દય ચાળા,
ગર્વ, ધર્મ, નીતિતાજ :- બાળ કાળાં વિકરાળાં!
હોય સમીપ કે દૂર ઊર દુર્મતિ ઉપજાવે
પુનઃ સમૂદર પૂર સૂર કોણ નાંખી આવે
(તું) સતી સ્વૈરિણી કરે, કરે નિર્મળને ખળ તું,
ટેક ટેકિના હરે-ખરે નિપજી નીચ કૂળ તું!
નીચ કૂળનિ ઓ નાર! નીચસું યારી ત્હારે!
ગુણિ પંડિતપર ખાર-કેમકે તે ઊંચા રે.
મનાઇ મ્હોટા ઝટ શૂર, જ્ઞાની, સાધુથી
કાયર મુરખા શઠ:- પૂજાયે તે તો તૂંથી.
કિધ ભાટ, કવિ ભટ્ટ: ભિખારૂ, બ્રાહ્મણ સાધૂ;
સમ સ્વારથ, ઘરવટ્ટ; પ્રીતિ, તનધનનું સાટું;
અસત્ય તે, વિવેક; પુજન તે, વૈત્રું પરનું-
તુંથી તોબા છેક! કિધું રણ વન મનહરનું!
ધિઃક! દધિજા! ધિઃક ડૂબીજા પાછી!
વિષ્ણુવલ્લભા ધિઃક! ચૌદમાં વિખ તું સાચી!
નીચ કુળમાં પણ નીચ! ચંચળા! ત્હેં કુળ લજવ્યું!
બકે શું વળ્યું? (આસપાસ જોઇને) અહીંયા બેસું કે વૈદ જે તરફથી આવે તે જણાય અરે! પણ મ્હારે તો ઘડીએ ઘૂંટ ભરાય છે? આજનો સુરજ આથમ્યો કે મ્હારૂં નશીબ આથમ્યું ! અરે ! ભગવાન ! આ શો જુલમ? સૌ પૈસાનુંજ સગું. મ્હારી દાદ કોઇ સાંભળતું નથી. શાબાસ, શાબાસ, ચંદા તને. તું એકલી ભરદરીએ મને વળગી રહીછે. પણ તેના વિકરાળ મોજામાંથી શી રીતે છોડાઉં? મથીમથીને થાક્યો! અરે! હું શું કરૂં? શું કરૂં.
શુંરે કરૂં ને હુંક્યાં હવે જાઉં, જ્યાં જાઉં ત્યાં હું હારજ ખાઉં;
સાચો છતાં હું જુઠાથી જિતાઉં, હરિ હું અતિશય મનમાં મુઝાઉં,
હાય! બિચારી મારી રાંકડી ગાય, ખાટકી હાટે આજ વેચાય;
ચિતડું તેનું તો ચિરાઈ જાય! હાય! હુંથી કંઈ સ્હાય ન થાય!
કોટિ પ્રયત્ને ન કાંઇ વળેરે, યુક્તિ પ્રયુક્તિ ન એકે ફળેરે;
દુષ્ટ દગાને ફતેહજ મળેરે, દુનિયા દગામાં સઘળી ભળેરે.
જગત છે જુધ્ધ જુઠાને સાચાનું, જેમાં જણાયજ જોર જુઠાનું,
શુંરે આમ હંમેશ થવાનુ? ઇશ્વર તારું શું રાજ કહેવાનું?
મુરખ મનુષ હું બકું છું પીડાતો, પુરષ પ્રયત્નની મૂકીરે વાતો;
ભોળાo - (મનમાં બોલતો આવે છે) બચ્ચા, આ ધંધો તો બહુજ સારો છે. હવે તો આપણે એજ કરવાના. બધા વૈદને કેટલું આવડેછ તે તો હું જાણું છું; ઢોંગ કરતાં આવડ્યો જોઇએ.
આનંદo - વૈદરાજ, તમારીજ હું ક્યારનો વાટ જોયા કરૂંછ. એક તમારૂં કામ પડ્યુંછ તે જો કૃપા કરીને –
ભોળાo - મ્હારૂં કામ પડ્યુંછ? (હાથ ખેંચીને નાડ પકડે છે) કેવી નાડ ચાલે છે. ભાઇ તું આવે શરીરે બહાર કેમ નિકળ્યો. રોગ ભરપુર ફેલી ગયોછ.
આનંદo- મહારાજ, તમે ઊંધું સમજ્યા. હું કંઈ માંદો નથી.
ભોળાo - શું ! તું માંદો નથી? તું મ્હારા કરતાં વધારે સમજેછ કે? હું એવો છું, કે માણસ જાતે નહિ જાણે કે હું માંદો છું, પણ હું જાણું તો.
આનંદo - તમારે જ્યારે રોગીજ ઠેરવવો છે તો ઠીક, પણ તેનું ઓસડ તો તમે જ્યાંથી આવોછો તેજ કમળમુખી છે.
ભોળાo - કેમરે કમ્બખત? તું મને ભાખુ બાખુ જાણેછ કે શું?
આનંદo - વૈદરાજ, કૃપા કરીને બુમ નહિ પાડો.
ભોળાo - તારા મનમાં તું મને શું જાણેછ? બુમ તો એવી પાડવાનો, કે આખું ગામ સાંભળશે.
આનંદo- મહારાજ, ધીમે બોલો, ધીમે બોલો.
ભોળાo - વૈદને તું ભાખુ જેવો ગણેછ? હમણાં તો તને બતાવી આપુંછું કે તું કોણ, કમ્બખત. સ્હસ્હરા હરામખોર, - (આણંદલાલ રૂપિયા આપે છે) મહેરબાન, હું તમને નથી કહેતો, પણ દુનિયામાં કેટલાએક એવા માણસ હોય છે, કે બીજાની આબરૂનો વિચારજ કરતા નથી.
આનંદo- મહારાજ, મ્હેં કંઇ અપરાધ કીધો હોય તો ક્ષમા કરો.
ભોળાo - નારે સાહેબ, કંઇ નહિ, કંઇ નહિ. અપરાધ કેવો? વારૂ, સેઠ, સો હુકમ છે? આનંદo- મહારાજ, મ્હારે ને એને પૂરી મ્હોબત છે. મ્હારે સારૂ તો એ મુંગી થઇને બેઠી છે. બચારી રાંક બહુ દુખ-એને ગમે તે ઓસડ કરશો, પણ બોલવાની નથી.
ભોળાo - કહેવત છે કની કે, "ઊંધતો બોલે, પણ કંઇ જાગતો બોલવાનો છે." મ્હેં તો નાડ જોઇ ત્યાંથીજ ઢોંગ પકડી કહાડ્યોતો, પણ કોણ કહે? વૈદનો અને વેશ્યાનો ધંધો બરાબર, સઘળાનાં મન જુઠ્ઠું સાચું કરીને રાખવાં પડે.
આનંદo - વૈદરાજ, તમે તો અશ્વિનિકુમાર જેવા સર્વજ્ઞ છો, પણ મારા દુખ તરફ કૃપા દૃષ્ટી કરો.
ભોળાo - કીધી. માગ માગ જે માગે તે આપું; હું તુષ્ટમાન થયોછઉં.
આનંદo - ત્યારે, મહારાજ, ચંદા સાથે એક પાંચ મિનિટ મ્હારે વાત થાય એવું કરો.
ભોળાo - તારી મતલબ શી છે તે કહે. શાસ્ત્રમાં કહ્યું છે કે વૈદ્ય, ગુરૂ, ને રાજા આગળ પડદો રાખવો નહિ.
આનંદo - મહારાજ, મ્હારે એટલું કહેવુ છે કે સરકારમાં જાઉં તો ત્યાં તું ખુલ્લું કહેજે મ્હારો બાપ મને પરાણે પરણાવે છ. ત્યાં આ અરજી બરજી સઘળું તૈયાર છે, અને માજીસ્ટ્રેટની સ્વારી પણ આ ગામની પાસે જ પડી છે.
ભોળાo - એવાં કામમાં તે સરકાર વચ્ચે પડે?
આનંદo - શા માટે નહિ? પીનાલકોડની કલમ બરબર લાગુ પડે છે. પુખ્ત ઉંમરની છોકરીને મરજી ઉપરાંત પરણાવવી એમાં ને ગુલામ વેંચવામાં શો ફેર?
ભોળાo - અરે ઓ કામાંધ મનુષ્ય, અહીયાં તો ગાયકવાડ સરકારનું ધર્મરાજ છે.
આનંદo - પણ એ તમારા અધર્મ રાજથી અંગ્રેજી રૈયતપર અધર્મ નહિ થાય તો.
ભોળાo - ભલું ત્હારૂં અંગરેજી રાજ કે ત્યાં અરજી નોંધાતાં નોંધાતાં તો નથ્થુકાકા પરણી પણ બેસશે અને અઘરણી પણ આવશે.
આનંદo - (માથું અફાળી) ત્યારે હું શું કરૂં? બધે ઠેકાણેથી હું હારીને આવ્યો છઉં, તમે મળ્યા તે પણ દુઃખ મટાડવાને બદલે વધારો છો.
ભોળાo - (હસીને) વૈદ્ય તો એમ જ કરે. (વિચાર કરીને) વારૂ, હું તારા અંગરેજ કે રંગરેજ વગર જ તને પરણાવી આપું તો.
આનંદo - ત્યારે તો હું તમને પરમેશ્વર પ્રમાણે પૂજૂં. કહો તે આપું, પાંચશે પહોળીયાં રોકડા. ખૂશબખ્તી જૂદી.
ભોળાo - પણ હું જેમ કહું તે પ્રમાણે કરવું પડશે હો.
આનંદo - હહેશો તે કરીશ. હું જીવ જવાથી પણ ડરતો નથી. ગમે તેમ પણ ચંદા મળેછ?
ભોળાo - ઘેલા, જીવગયા પછી ચંદાને શું કરવાનો હતો? પણ વારૂ, પેલા ઠુમગશાહ તને ઓળખે છે?
આનંદo - હા, ચંડાળ ઓળખે છે તો ખરો. ભોળાo - ફિકર નહિ. ફિકર નહિ. એમજ જાણ કે ત્હારું કામ થયું. ચાલ, ચાલ મારી જોડે અને હું કહું તેમ કર.
આનંદo - તમારો આજ્ઞાંકિત સેવક તમારી પછાડી યમદ્વાર સુધી આવવાને તૈયાર છે.
ભોળાo - ખરેખર ત્યાં સુધીજ જવુંછે, પણ અંદર પેસવું નથી. વારૂ, તું પછાડી છેટે છેટે ચાલ્યો આવ કે કોઇને વહેમ નહિ આવે.
આનંદo - ચાલો આગળ ચાલતા થાઓ. (મનમાં) આ કોઇ વિચિત્ર માણસ મળ્યું છે, પણ મારા મનમાં એમ લાગેછે કે એનાથીજ મ્હારું કાર્ય સિધ્ધ થશે, અગર જો કેમ તેનો તો મને એણે એક શબ્દ પણ કહ્યો નથી. પણ ઇશ્વરના હાથ સદાજ અદૃશ્યછે.
ભોળાo - (મનમાં ખડખડ હસીને ) હવે હું પૂરો વૈદ્ય થયો, કે ભાખુપણાનું પણ મળ્યું. હા! હા! હા! (હસેછે.)