ભટનું ભોપાળું/અંક ૩ જો/ પ્રવેશ ૩ જો

←  અંક ૩: પ્રવેશ ૨ ભટનું ભોપાળું
અંક ૩: પ્રવેશ ૩
નવલરામ પંડ્યા
અંક ૩: પ્રવેશ ૪ →


પ્રવેશ ૩ જો

(સ્થળ-ઝુમખાશાહનો ઉતારો)

કમા૦-સેઠ ઓ હકીમ આયા.

નથ્થુ૦- મુવો, સાળો. મોતીની ગોળી કહીને પચાસ રૂપિયા લઈ ગયો, પણ કંઈ ગુણ તો જણાયો નહિ. મારોજ વાંક કે મ્હેં આપ્યા; લેનાર તો જુગતી કરેજ તો. હુંડીનો ભાવ વત્તો લેવા સારૂ ઠાકોરજીનાએ સમ ખાઈયેછ; પણ સામો ધણી પક્કો હોય છે, તો તે એક પઈ પણ કંઈ વત્તી આપેછ? અરરર! હુંજ સાળો કાચો, વરસ કુતરાને નાંખ્યા !(ભોળાભટ આવે છે.)

ભોળા૦-કેમ, સેઠ તમારૂં મ્હોડું ઉતરેલું દેખાય છે? જોઊં તમારી નાડ, હાથ લાવો તો.

નથ્થુ૦-મ્હારે નાડ નથી દેખાડવી. આ પચાશ રૂપિયા મ્હેં એને આપ્યા તે કરતાં કોઈ ગોરા દાક્તરને બોલાવ્યો હોત તોએ સારૂં. પચાશ રૂપિયા તે કંઈ કહેતાં થાયછ? કેટલાનો સર થયો?

ભોળા૦-સેઠ ગોરો દાક્તર ગોરો દાક્તર સું કરોછ? તેને એકબે વૈદકશાસ્ત્રના પ્રશ્ન પુછું તો મારી સામો ફરીથી નહિ આવે. એકવાર હું સ્હુરતમાં એક પારસીને ત્યાં ઓસડ કરવા ગયેલો, ત્યાં તેને ધીરજ નહિ રહી તેથી જાંગલાને બોલાવ્યો. હું ત્હાં બેઠેલો ને પેલો ગોરો દાક્તર આવ્યો. પેલા પારસીએ કહ્યું કે આ અમારા ગુજરાતી વૈદ છે. તે સાંભળી તરત તેણે ટોપી ઉતારી, મ્હેં મારા જોડા હાથમાં લઈને સલામ કીધી. (તમને ખબર છે? અંગ્રેજ લોકોને ખાસડાંનું માન બહુ ગમેછ.) પછી મ્હેં તે દાક્તરને એક સવાલ પુછ્યો, સેઠ તમને અંગ્રેજી આવડેછ?

નથ્થુ૦-ના. અમારા સા ભોગ લાગ્યાછ કે અંગ્રેજી ભણિયે?

ભોળા૦-સેઠ, તમે શહેરમાં રહોછ, ને અંગ્રેજી નથી શિખ્યા એ તો નવાઈ છે.

નથ્થુ૦-અમે શેઠિયા લોક અંગ્રેજી શિખતાજ નથી. કાગડાનું પીછું કાનમાં ખોશી અમારે નોકરી કરવા તો કંઈ જવું નથી? અમારૂં અંગ્રેજી અમારૂં શાસ્તર તે સ્હાડાસાતનો પા.

ભોળા૦-ઝુમખાશાહ, તમને તો એનો અભ્યાસ નહિ હોય?

ઝુમ૦-ના, મહારાજ. મને તો લખતાંએ નથી આવડતું. ધારણ તોળતાં આવડી એટલે અમે બધું શિખ્યા.

ભોળા૦-અરે ! ત્યારે તમને કોઈને અંગ્રેજી નથી આવડતું?

ઝુમ૦-ના.

ભોળા૦-ત્યારે સાંભળો. મ્હેં તેને અંગ્રેજીમાં આ પ્રશ્ન પુછ્યો.

ટિવંકલી ટિવંકલી લિટલી ઈસ્ટાર્,

હાઊ આઈ વોંડેર્ વ્હાટ્ યૂ આર્;
અપ્ એબોવ્ ધી વરલડ્ સો હાય,

લાઈક્ એ ડાયમોંડ ઈન ધી ઈસ્કાય.

આ પ્રશ્ન પુછ્યો કે દાકતર તો મારા સામુંજ જોઊ રહ્યોની. મને કહે કે, 'તમે તો અમ લોક જેવું શુધ અંગ્રેજી બોલોછો ! એ કોની પાસે શિખ્યા?' મ્હેં કહ્યું, કે સાહેબ અમે કાળા લોકને તમારા જેવું અંગ્રેજી તો કહાંથી બોલતાં આવડે? પણ ઠીક છે, કામ ચલાઊં, હવે સેઠ, એનો માએનો તમે સમજ્યા? એમાં એમ પૂછ્યું કે વાલની કેવી ખાશિયત છે? ચટાણી ગરમી કરે કે સરદી? માંદાને ક્યું શાક ખવડાવ્યું હોય તો અવગુણ નહિં કરે? વાયુના કેટલા પ્રકાર છે? એ ચાર સવાલ સાંભળતાંજ, સાહેબે તો પહોંચા કરડ્યાં ! પછી મને કહે કે,"બૈડરાજ, ટુમતો-બડા-ખબડદાર હો. તુમેરા જૈસા-મેને-ડુસરા-બૈ-બૈડ-કબુ-ડેખા નહિ હૈ. અમકુ-ટુમ લોક્કા-ખાનપાનકી-ખાશીએટકી-ક્યા ખબર?"

ઝુમ૦-ત્યારે ગધેડીનો ઓશડ કરવા શેનો આવ્યો તો?

ભોળા૦-એજ પુછવાનું છે તો. દાક્તર લોક હોંશિયાર હોય છે તેની હું ના નથી કહેતો, પણ આપણ લોકને તેની દવા માફક નહિ આવે. દાકતર નહિ આપણા ખાનપાન સમજે, કે નહિ આપણા શરીરની ખાશિયત જાણે. દાક્તરને એટલું જ પુછજોની, દુધી ચણાદાળનું શાક કેમ થાય છે? તરત કહેશે કે મને નથી માલમ. તારે સાળો ઓસડ સ્હું કરવાનો? બાપનું તોરડું ! પણ આપણા લોક એવા બેવકુફ છે કે હાથે કરીને તેની પાસે મરવાને જાય છે.

નથ્થુ૦- એ તો ખરૂં. દાકતર લોકો તો એવા નિર્દે હોયછે, કે પાંચ દશ દહાડા દવા કરે, ને સારૂ નહિ થાય, તો પલાષ્ટર મારીને ટપ મારી નાંખે.

ભોળા૦-પછી મ્હેંદાક્તરને કહ્યું, કે તમે અમારા ખાનપાનમાં નથી સમજતા તો ચાલ્યું, પણ પેટમાં દુખતું હોય ત્યારે નાડ કેમ ચાલે તે તો કહો. ત્યારે શો જવાબ દીધો જાણોછ કે? કહે કે "અમલોકકું-નારીકી-સમજ-નહિ."

નથ્થુ૦-હા, રે. પેટમાં ગોદા મારે. 'જીભ બટૌ, જીભ બટૌ' કરે, ને પછી હકીગત પુછે. પણ આપણા વૈદની પઠે નાડી પકડીને તમને આમ થયું છે, તેમ થયું છે- એવું તો કદી કહે નહિ . ઝુમ૦-મહારાજ, વાતજ કર્યા કરશો કે? રાત થોડી ને વેષ ઘણા.

ભોળા૦- ઠુમકશાહ, ધધણવા ન માંડો. આજ સાંજે તમારા લગનની વેળાએ એને ઘોડા જેવી કરી આપવી. અમારેતો સૌની ફિકર, તે જો તમારી પઠે રડતા ફરીએ તો મરી ન જઈએ?

ઝુમ૦-ચંદા, આમ આવ. (આવે છે.)

ભોળા૦- (નાડ જોઈને)નાડમાં કાંઈ રોગ નથી. સારૂં થઈ ગયું.

નથ્થુ૦-શું ધૂળ સારૂં થયું? બોલેછે ક્યાં?

ભોળા૦-હજી નથી બોલતી? (વિચાર કરીને) ઝુમખાશાહ, તમને કાંઈ બીજો વહેમ નથી? અંગરોગ તો હવે બાકી કાંઈ નથી જો.

ઝુમ૦-હું તો ધરથી કહું છું કે વૈદનું કામ નથી.

ભોળા૦-ના, હતું તો ખરૂં, પણ હવે વૈદનું કામ થઈ રહ્યું. વારૂ, હવે થોડા ચોખા લાવો.

નથ્થુ૦-મહારાજ, તમને દાણા જોતાં આવડેછ?

ભોળા૦-થોડું ઘણું. વૈદલોકને એ વગર ચાલે નહિતો. પણ અહીંયાં એક બ્રહ્મચારી આવ્યા છ. તે તો મંત્રશાસ્ત્રમાં કીટ છે.

ઝુમ૦-ક્યાં ઉતર્યા છે?


ભોળા૦-તમારે ગમે તો તેને બોલાવો. મને કાંઈ રીસ નથી.

ઝુમ૦-ના, ના, વૈદરાજ. એકથી ભલા બે. તમારું પરઠેલું તો તમને આપીશું. તમે પ્હેલા ને પછી તે. કહોની ક્યાં ઉતર્યા છે, જરા તેનું પાણી તો જોઈએ.

ભોળા૦-ના, ના. શેઠ હું તો ખુશજ એ વાતે. બોલાવો, મહાદેવના દહેરામાં ઉતર્યાં છ.

નથ્થુ૦-હરિયા, હરિયા. (આવે છે.) મહાઢેવના ડેહેરામાં નવા ભમચારી બાવા આવ્યા છે તેને દોડતા તેડી લાવતો.

હરિ૦-આ દોડ્યા ! (દોડે છે.)

ભોળા૦-હવે મંડળનો સામાન લાવો કે માંડતા થઈએ.

નથ્થુ૦- કહો તે કમાલ આણી આપે. બોલો.

ભોળા૦-(કમાલને) એક મોટો પાટલો લાવ. ચાર શેરેક ચોખા લાવ. પાંચ નાળિયેર, વીસ સોપારી, પઈનું કંકુ, પઈનું સિંદૂર, ને એક કોરૂ ધોતીઉ લાવ. સેઠ, તમે વીસ પૈસા કહાડોને પંચાયત દેવના આગળ મૂકવાનો અકેકો રૂપીઓ.

નથ્થુ૦- મહરાજ, રૂપિઆની જગોપર બે આની મેલીશું તો ચાલશેકની?

ભોળા૦-નારે ! એતો રાંડ થઈ. રૂપિઓ એતો મરદનું નામ.

નથ્થુ૦-ત્યારે અડધો અડધો.

ભોળા૦- અરે ! એ શું શુકનમાં બોલ્યા? અડધે તો અડધું કામ થાય.

નથ્થુ૦-લો, એ તો કમાલ લાવ્યો. હવે કાંઈ બીજું?

ભોળા૦-ના હમણાંતો કાંઈ નહિ. તે તો ઉપચાર વેળા. (પાટલા પર ચોખાની ઢગલીઓ હારબંધ મૂકે છે તે ઉપર પૈસોને સોપારી મૂકે છે, અને ચાર ખૂણે મોટી ઢગલી પર નાળિયેર મૂકે છે.) વચમાં કળસ તો ભૂલી જ ગયા. એક અજવાળીને ચોખું પાણી ભરી કળસિયો લાવ તો. ઉપર લોટી પણ લેતો આવજે. (લાવે છ, તેને વચમાં મૂકી ઉપર ધોતિઊં હોરાડે છે.) એક આરતી ને અગરબત્તી, થોડું કપૂર. પરસાદને સારૂ કંઈ ફળ ફળોદ્રી, ને શેઠ દક્ષણા.

નથ્થુ૦- શું આપું?

ભોળા૦-યથાશક્તિ, પણ રૂપાનાણું જોઈએ. (પૂજન કરીને મોટો ઘાંટો કહાડી આરતી ઉતારે છે.) ચંદા, તું આમ સામી બેસ, એનું જનમ નામ ચંદાજછે કે બીજું?

ઝુમ૦- મહારાજ એજ.

ભોળા૦-ચંદા, આ ચપટી ચોખા તારા હાથમાં લે, ને આ વચલા કલશ સામું જોયા કર. (મંડળની આસપાસ એક પ્રદક્ષિણા કરી મંત્ર ભણતો હોય તેમ ચંદાના કાનમાં) હું તારા ભલામાં છઊં. તારો બાપ ઝખ મારેછ. (મોટેથી) છૂ ! (બીજી પ્રદક્ષિણા કરી) ગભરાતી નહિ, ચમકતી નહિ. હું તને આજે આનંદરાય સાથ મેળવું છું. (મોટેથી) છૂ ! છૂ ! (ત્રીજી પ્રદક્ષિણા કરી) આજે હમણા બ્રહ્મચારીને વેષે આવે છે. તું છાની રહેજે. ને હું કહું તેમ કરજે. (મોટેથી) છૂ ! છૂ ! છૂ !

હવે આ ચોખા પાટલાપર મેલ. શેઠ, હવે બ્રહ્મચારીબાવા આવે એટલી વાર.

ઝુમ૦-વૈદરાજ, એ હોંશિયારછે ખરા?

ભોળા૦-જેછે તે તમે જોશો. તમારી મરજી થઈ તો તેમ. મારેતો એની સાથે બે ઘડીનું ઓળખાણ છે, પણ એટલામાં મારી નજરમાં ઉતર્યા. સ્વભાવ શું ગંભીર છે જો. હું જેમ લવારો કર્યે જાઉંછું તેમ તે કરે એવા નથી. કોઈ મહા તપસ્વી છે. ઝાઝું તમારે એને પૂછ પૂછ નહિ કરવું. પૈસાને તો એ અડકતા જ નથી. પછી એમને કોઈની શી નિશબત.

હરિયો૦- આવ્યા વૈદરાજ, તમારું નામ દીધું ત્યારે કેમ કેમ કરતા આવ્યા. (આનંદરાય બ્રહ્મચારીને વેષે આવે છે.)

નથ્થુ૦- પધારો, મહારાજ. (પગે લાગે છે.)

ભોળા૦-બ્રહ્મચારી બાવા, બહુ કૃપા કીધી. જરા તમારૂં અહીંયા કામ પડ્યું છે.

આનંદ૦-અચ્છા!

ભોળા૦-(આનંદરાયના કાનમાં) બધો પાઠ બરાબર ગોખી મુક્યોછે કે?

આનંદ૦-બોલે બોલ.

ભોળા૦-તે એ ઝાઝું બોલવું નહિ, (મોટેથી) મહારાજ તે આ બાઈ.

આનંદ૦-(ચંદા તરફ જોઈને) અબલા, સબ અચ્છા હોયગા. ફિકર મત રખ.

ભોળા૦-મહારાજ, આ ચોખાછે તે તમે જુઓ.

આનંદ૦-વૈદરાજ, તુમ દેખો, મ્હેં બેઠા હું.

ભોળા૦-ના, ના, મહારાજ તમેજ જુઓ. આનંદ૦-ના હા કી બાત હમેરી પાસ નહિ. તુમ દેખો. કુચ ચૂક હોઈગી તો મ્હેં કહુંગા.

ભોળા૦-મહારાજ, તમારા પ્રતાપથી ચૂક તો નહિ પડે. જુઓ (પેલા ચોખાને હાથમાં ન્યાળી ન્યાળી જોયછે.) અહો ! આતો પિશાચ ને પિશાચણી વળગ્યાં છે ! કેમ, મહારાજ?

આનંદ૦- (ડોકું ધુણાવી) સચ.

ભોળા૦-ચંદા, તું પંદર વીસ દહાડા ઉપર આમલીના ઝાડ તળે બેઠીતી?

ચંદા૦-(ઈશારતથી હા કહે છે.)

ઝુમ૦-હમારા વાડામાંજ છેની.

ભોળા૦-તે ઝાડ ઉપર એક કાગડો ને કાગડી હતાં?

ચંદા૦-(ઈશારતથી હા કહે છે.)

ભોળા૦-તારો ચોટલો છૂટો હતો?

ચંદા૦-(ઈશારતથી ના કહે છે.)

ભોળા૦-તને તે યાદ નથી. એક લટ તારી છૂટી અહ્તી. એ કાગડો ને કાગડી તે પિશાચ ને પિશાચણી હતાં. તેને ત્હેં કાંકરો મારી ઉરાડી મૂક્યાંતાં?

ચંદા૦-(ઈશારતથી હા કહે છે.)

ભોળા૦-શેઠ, તે દહાડાનું એ વળગણ છે. તે બન્ને ક્રીડા કરતાં હતાં, તેમાં એને ભંગ પડાવ્યો, તેથી કોપાયમાન થઈને વળગ્યાં છે. ઝુમખાશાહ, તમે આ લગનની વાત કહાડી તે દહાડાની એ મૂંગી થઈછે કની?

ઝુમ૦-હા, મહારાજ.

ભોળા૦-તેની ક્રીડામાં ભંગ પડાવ્યો તે કેમ એને ક્રીડા કરવા દે. બ્રહ્મચારી બાવા, હવે શિવ પ્રયોગ ચલાવીએ કેમ? બે ત્રણ દહાડાનું કામ છે.

નથ્થુ૦-હમણાં ને હમણાં બોલતી કરો ત્યારે ખરી વાત.

ઝુમ૦- અરે આજ સાંજનું મુરત જાય તે!

આનંદ૦-શિવપ્રયોગકા ક્યા કામ હૈ? એક રાગ સુનાયા કે હો રહી?

ભોળા૦- હા. રાગપ્રયોગ તાત્કાલિક તો ખરા પણ હાલ તે કોને આવડેછ. તેમ સતયુગમાં થતું.

આનંદ૦-વૈદરાજ, ભલાભલી પૃથ્વી હૈ!

ઝુમ૦-હા, હા, તેજ કરો.

નથ્થુ૦-બ્રહ્મચારી બાવા તેજ કરો.

ભોળા૦-ચલો, ત્યારે આજે એક નવી વિદ્યા શિખીશું. મહારાજ, એ પ્રયોગ અહીંયાજ થશેકે? આનંદ૦-ય્હાંતો સિરપર છપરા હૈ.

ભોળા૦-ત્યારે આ પછાડી મોટો બાગ છે.

આનંદ૦-અચ્છા.

ભોળા૦-ત્યારે પધારો ત્યાં મહારાજ. ચંદા તું એમની પછાડી ચાલી જા. જોકે તારો બેડો પારછે. હરિયા, દોડતો, બાગના ખુણામાં બે ખુરસી મૂકી આવ.

ઝુમ૦-ચાલો ને આપણે પણ જોઈએ તો ખરા.

ભોળા૦-ખબડદાર ! એનો એક અક્ષર જેના કાનમાં પડ્યો તે હાથથીજ ગયો એમ જાણજો. અહીયાં ઉભા ઉભા જોવું હોય તો જોયા કરો. (ચંદા ને આનંદરાવ બાગમાં જાયછે.)

નથ્થુ૦-રાગથી તે, મહારાજ, ભૂતડાં જાય ખરાં?

ભોળા૦-શેઠ, મંત્ર તે શુંછે ? રાગ, રાગ. બીજું કાંઈ નહિ. પણ હાલના સમામાં ફક્ત રાગથી કામ કરવું એ અઘરી વાત છે.

ઝુમ૦-આ ભ્રમચારી બોલતી કરશે?

ભોળા૦-ભાઈ, તેતો પરમેશ્વર જાણે. તમે બોલાવ્યા છે તે હવે જે કરે તે જુઓ.

નથ્થુ૦- એમ, ન બોલો, એની સાથે અમે કાંઈ બોલચાલ કીધી છે? પરઠ્યું છે તે ને બીજું જે અમારે આપવું હશે તે અમે તમને આપીશું કે એને?

ભોળા૦-તેતો ઠીક જ છે તો. વૈદના પૈસા ભગાય. ભૂવાન ભગાય નહિતો. નહિ આપો તો અમે પાછું તમારૂં ભૂત તારે ત્યાં ન મોકલીએ?

નથ્થુ૦- ત્યારે કહો કે મારે બોલતી કરવી.

ભોળા૦-તે કાંઈ હું ચુકવાનો છ? આતો જોઈએ છઈએ કે નવા આવેલા છે તેમાં કેટલું પાણી છે. જુઓ તો ખરા એમના મ્હોં તરફ? શું રાગમાં લે લીન થઈ ગયાછ?

(ગઝલ) ખરી ટેકી તું તો પ્રમદા, પ્યારી ચંદા ! પ્યારી તું સદા, ભમું પૂઠે ચકોરો હું, પલક એકે નહીં ખોઊં; કીધો ખુબ ખેલ ! તને શાબાસ ! ઈશક જંગે થયો હું દાસ, પણ સુંદરી ! સ્હેવાં શિદ દુઃખ ? ધરી હિંમત કહી દે મુખ. લીધું દર્દ તેં પ્રીતિ પેચે, ટળે તેતો ત્રિયા સ્હેજે. મને દર્દ જે પિડે આઠ જામ, તેને ટાળે એવો કોણ? રામ; નથી કો તબીબ નથી ઈલ્લમી ઢુંડી થાક્યો! વસી દિલ ગમી, તું તબીબ રે તું ઈલ્લમી દવા દે પરી કહું છું નમી.

ઝુમ૦-હમણાં તો શાંત બ્રહ્મ જેવા દેખાતાતા ને આમ કેમ?

ચંદા૦-(એકદમ બેઠી હતી ત્યાંથી ઉઠીને) ગભરાશો નહિ, હું હવે એ પાપી માથામાં મારીને તમારી સાથે પરણુંછું

નથ્થુ૦-ઓ ! એના હોઠ હાલતા દેખાય છે. આનંદ૦-હમણાં છાની રહે. ઘરની બહાર નીકળ્યા પછી.

ચંદા૦- શા માટે દગો રાખીએ? ચાલો ચાહન ચાલ્યાં જઈએ.

ભોળા૦-(મનમાં) મોંકાણ મંડાઈ!

ચંદા૦- (બધાં બેઠાંછે ત્યાં આવીને) હુંતો એની સાથે જાઉંછં. શું કરો છો?

આનંદ૦-(જુસ્સાથી) આવો, જેની તાગાદ હોય તે મારી સામા (ચંદાનો હાથ પકડી) ચાલ પ્યારી, મારી જોડે. મારી સ્ત્રીને મારી પાસેથી દૂર કરવાને કોણ સમર્થ છે.

ઝુમ૦-રાંડ શું લવે છે? કોની સાથે જાયછે ? (પછાડી મારવા દોડે છે.)

આનંદ૦-ઊભો રહે ગધેડીના! (એમ કહી ઝુમખાશાહને મારેછે.)

ભોળા૦-(મનમાં) બાજી ગઈ હાથથી ! મુરખને ભરોસેં હુંફજેત થયોને માર્યો જવાનો. જરા ધીરજ ન રખાઈ . કંઈ ઉપાય?

નથ્થુ૦-વૈદરાજ આ શું? કમાલિઆ, પકડતો એ ભંમચારીને.

ભોળા૦-(હાથમાંથી એક લીંબુ આનંદરાય તરફ ફેંકે છે. પાણીની એક અંજલી છાંટી) હનુમાન વીરની આણ કે તું બોલે તો છુ! છુ ! છુ! (કાનમાં જઈને) કેમ અધીરો થઈ ગયો ? રહે છાનો, નહિતો. માર્યો જઈશ, અને કન્યા બળત્કારે ડોંસાને પરણાવી દેશે એનો બાપ. (મોટેથી) છુ ! છુ! છુ! (ચંદાના કાનમાં) રહે છાંની, નહિ તો પેલા મડા સાથે હમણાં પકડીને સિપાઈઓ પરણાવીજ દેશે. હું હમણા રસ્તો કહાડુંછું?

નથ્થુ૦- ઝુમખા (સાથે) આશું? આશું?

ભોળા૦-શું શું, તમારા બ્રહમચારી બાવાએ મોંકાણ માંડી. પિશાચણી ચંદામાં રહીને પિશાચ આવીને એનેજ વળગ્યો. સ્ત્રી પુરુષના બંને ભાવ કરે છે તે જોયાકની?

આનંદ૦- (ભોળાભટને પગે લાગી) મહારાજ અબકુચ ઉપાય? મ્હેંતો હેવાન હો ગયા!

ભોળા૦-સાંસતા પડો, મહારાજ, સાંસતા પડો. મ્હેં ના નહોતી કહી કે એ પ્રયોગ નહિ ચાલે?

નથ્થુ૦-કાંઈ કરો મહારાજ. કાંઈ કરો.

ભોળા૦-હજરા હજૂર, અંબિકા માત, સેવકની લાજ રખેતું આજ, જયજય બિરદાલી, પાવાગડવાલી, સહાય કર મ્હારી, હુંરૂછે તારી બેઠિ તું, જાયછે નોક, આવ આવ બે ચંડી ઝટ ! (એમ કહીને મ્હોંમાંથી રાળના ભડકા કાઢછ) લાવ, બે લીંબુ, જરા સિંદૂર. એક કાજળનું કોડીયું, એક નાડા છડી. (લીંબુમાં સિંદૂર ભરીને તથા ઉપર કાજળ ચોપડી મંત્રેછે.) જુઓ, આ લીંબુ કેવું ઉછળે છે? જમણાની પછાડી, બ્રહ્મચારી, તું ચાલ્યો જા; અને ડાબાની પછાડી, ચંદા, તું. એ જ્યાં લગી જાય ત્યાં લગી એની પછાડી ચાલ્યા જાઓ. પાછું ફરીને જોતાં નહિ, મ્હોંએ બોલતાં નહિ. આ નાડાછડી હાથમાંની હાથમાં રહેવા દેજો. છોડી કે માર્યાજ ગયાં જાણજો. મસાણકાંઠે એ બંને લીંબુ અટકશે. ત્યારે બ્રહ્મચારી બાવા, તમે જાઓ. સાવચેત થશો. સાવચેત થયા કે તુરત પલાયન મંત્ર ભણીને માંગલ્ય કાર્ય આરંભજો. અધરામૃતનું પાણી પીજો, અને ભોળાભટનું ભજન કરજો. જાઓ. વાર લાગે છે. આપણામાંથી રખે કોઈ એમની તરફ જોતા. (મેસના ચાંલ્લા નથ્થુ કાકાને તથા ઝુમખાશાહને કરેછે.) આવો હું રક્ષા કરૂં. જઓ બ્રહ્મચારી બાવા, તમને જશછે, અને તમારા શત્રુનાં મ્હોં કાળાં છે.

(ચંદાને આનંદરાય જાયછે.)

ઝુમ૦-ક્યારે પાછાં આવશે?

ભોળા૦-અડધા કલાકમાં, જાઓ તમે તમારે હવે લગનનો આરંભ કરવા માંડો. પાછલો પહોર તો થવા આવ્યો છ ને સાંજે મુરતછે.

નથ્થુ૦-હવે એ બોલશે ખરી?

ભોળા૦-સાંભલ્યું કે નહિ? એતો જરા પેલા મૂર્ખાએ ઓડને ઠેકાણે ચોડ વેતર્યું તેને લીધે આટલી પંચાત પડી. હવે મ્હારૂં પરઠ્યું આપશો કે નહિ?

નથ્થુ૦-ઈનામ સાથે, ચાલો મ્હારે ઉતારે.