ભદ્રંભદ્ર
પ્રસ્તાવના
રમણભાઈ મહિપતરામ નીલકંઠ
અર્પણોદ્‌ગાર →


પ્રસિદ્ધ કરનારની પ્રસ્તાવના


પહેલી આવૃત્તિ

રા. રા. અમ્બારામ કેવળરામ મોદકીઆ વિશે મુખપૃષ્ઠમાં જે હકીકત લખી છે તે કરતાં વધારે જાણવાની વાંચનારને જિજ્ઞાસા રહેશે અને તેમની ઉંમર તથા ઉંચાઇ જાણવા કરતાં તેમનું રહેઠાણ તથા ધંધો જાણવાથી વધારે ઉપયોગી માહિતી મળે એમ વાંચનારને લાગશે. પરંતુ, તેમની ખાયેશથી આટલી જ હકીકત લખી બાકીની મૂકી દેવામાં આવી છે.

આ ઇતિહાસનો લેખ પ્રસિદ્ધ કરવા સારુ રા. અમ્બારામે આપ્યાથી પ્રથમ કકડે કકડે માસિક પત્ર 'જ્ઞાનસુધા'માં તે છાપવામાં આવેલો. હાલ આખું પુસ્તક કરતાં તેમણે કૃપા કરી પ્રકરણો પાડી આપ્યાં છે તથા રચનામાં કેટલોક સુધારોવધારો કરી આપ્યો છે.

આ લેખ પુસ્તકના આકારમાં 'દેશભક્ત' પત્ર માટે બહાર પાડવાની યોજના રા. રા. દોલતરામ મગનલાલ શાહે સૂચવી અને પૂર્ણ કરી તે માટે તેમનો તથા 'દેશભક્ત' પત્રમાં તેમના સહભાગીદાર રા. રા. વસંતલાલ સુંદરલાલ દેસાઈનો આ સ્થળે આભાર માનવો ઘટે છે.

પુસ્તકમાં કેટલાંક ચિત્ર મૂકવાનો વિચાર હતો. પરંતુ ગ્રંથમાંની કલ્પના પ્રમાણે છબી ચીતરાવવાની મુશ્કેલી બહુ નડી. ફોટોગ્રાફ પડાવી એ ઉપરથી બીબાં કરાવી ચિત્ર છપાવવાની ધારણા કરી, એકબે ફોટોગ્રાફ લેવડાવ્યા, પણ તેમાંએ અડચણો આવી પડી અને બહુ વિલંબ થવાથી આખરે આ પ્રથમ આવૃત્તિ વગર ચિત્રે બહાર પાડવી પડી છે.


અમદાવાદ,
સપ્ટેમ્બર, ૧૯૦૦

ર. મ. ની.
 

બીજી આવૃત્તિ

પહેલી આવૃત્તિ ખપી જવાથી આ બીજી આવૃત્તિ રા. રા. દોલતરામ મગનલાલ શાહના સંબંધમાં રા. રા. મોહનલાલ મનસુખરામે પબ્લિશર તરીકે પ્રસિદ્ધ કરી છે.

આ પુસ્તકમાં ચિત્ર મૂકવાની યોજના આ બીજી આવૃત્તિ માટે થઈ શકી નથી.

અમદાવાદ,
એપ્રિલ, ૧૯૧૦

ર. મ. ની.
 


ત્રીજી આવૃત્તિ

આ ત્રીજી આવૃત્તિ છાપતાં દરમ્યાન રા. રા. મોહનલાલ મનસુખરામ મરકીથી અવસાન પામ્યા છે એ નોંધ કરતાં ખેદ થાય છે.

પુસ્તકમાં ચિત્ર મૂકવાની યોજના આખરે સફળ થઈ શકી છે. રા. રવિશંકર મ. રાવળની કુશળ ચિત્રકલાથી એ સિદ્ધિ થઈ છે.

અમદાવાદ,
જુલાઈ, ૧૯૧૮

ર. મ. ની.
 

ચોથી આવૃત્તિ

ત્રીજી આવૃત્તિ ખપી જવાથી આ ચોથી આવૃત્તિ પ્રસિદ્ધ કરવામાં આવી છે.

અમદાવાદ,
જૂન, ૧૯૧૮

ર. મ. ની.
 

પાંચમી આવૃત્તિ

ગુજરાતી સાહિત્યક્ષેત્રમાં આ પુસ્તકે તેના લેખકને અમર કીર્તિ પ્રાપ્ત કરાવી છે. એક જમાનાથી વધારે સમય તેની પ્રથમ પ્રસિદ્ધિને થઈ ગયો છે. છતાં તેનું સ્થાન અજોડ રહ્યું છે, એ નિર્વિવાદ છે. એમાં રહેલા નર્મહાસ્યને સમજનાર વર્ગ ધીમેધીમે વધતો જાય છે અને બહુ લાંબે અંતરે પણ એની આવૃત્તિઓ કાઢવાનો પ્રસંગ આવે છે એ હકીકતના આનંદ અને સંતોષનો અનુભવ કરવા આજે તે લેખકની હયાતી નથી, એ બાબત તેમનાં કુટુંબીઓને સ્વાભાવિક શોક થાય જ. એ પુસ્તકમાં કરેલા કટાક્ષો એક જમાના પૂર્વે કેટલાકને ખેંચતા, પરંતુ હવે એ જમાનો આવ્યો છે કે આક્ષેપોનું વાસ્તવિકપણું મોટે ભાગે સ્વીકારાઈ ગયું છે અને દેશહિતની શુદ્ધ બુદ્ધિ તેમાં રહેલી છે એ વાત માન્ય થાય છે. ગુજરાતી ભાષામાં ‘ભદ્રંભદ્ર’ એ શબ્દ અમુક સંજ્ઞા પ્રાપ્ત કરી છે. અને જૂની રૂઢિઓને વળગી રહેવામાં, શુદ્ધિનો અનાદર કરનાર જડ માનસવાળા તે ભદ્રંભદ્રો એ અર્થ રૂઢ થયો છે. ગુજરાતી ભાઈબહેનોની સામાજિક ઉન્નતિનો શુભ ઉદ્દેશ જે આ પુરતકમાં અંતર્ભૂત રહેલો છે તે સફળ થાઓ અને તેના લેખકની સાક્ષરી કીર્તિ કાયમ માટે એ દ્વારા સચવાઓ એવી શુભેચ્છા સહિત એ સદ્‌ગત મહાનુભાવને નિવાપાંજલિ અપ કૃતાર્થ થાઉં છું.

અમદાવાદ,
તા. ૯-૪-'૩૨

વિદ્યાબહેન ર. નીલકંઠ
 


છઠ્ઠી આવૃત્તિ

ગુજરાતી ભાષામાં છેલ્લાં કેટલાંક વર્ષથી પુસ્તકપ્રકાશનનો ઠીક ઠીક વધારો છે. નવાં પુસ્તકોના પ્રચાર સાથે કેટલાંક જૂનાં પુસ્તકો અદૃશ્ય થતાં જણાય છે. વાંચનારની રુચિ બદલાય, પુસ્તકોની સામયિક ઉપયોગિતા પૂરી થાય વગેરે અનેક કારણો આ વસ્તુસ્થિતિ માટે હોય છે. જગતનાં તમામ સાહિત્યમાં આવું જોવામાં આવે છે. છતાં કેટલુંક સાહિત્ય બીજા કરતાં ચિરસ્થાયી બને છે અને કેટલુંક તો એવું છે કે જે સદાકાળ જીવંત રહેવાનું. ભદ્રંભદ્રની નવી આવૃત્તિ પ્રકટ કરવાનો પ્રસંગ ફરી પ્રાપ્ત થયો છે તે જ તેમાં રહેલા ચિરસ્થાયિતાના અંશોની સાબિતીરૂપ છે. એ પુસ્તકના ‘નર્મહાસ્ય’ની કદર કરનાર વર્ગ ચાલુ છે એ આનંદની વાત છે. ગુજરાતી સાહિત્યમાં તેના લેખકનું જે અજોડ સ્થાન છે તે આ પુસ્તક દ્વારા તથા લેખકની બીજી કૃતિઓ મારફત ભવિષ્યની ગુજરાતી સાહિત્યની દુનિયા સમક્ષ કાયમ રહેશે એ આશા અસ્થાને નથી.

અમદાવાદ,
તા. ૧૪-૧૦-'૩૯

વિદ્યાબહેન ર. નીલકંઠ
 


સાતમી આવૃત્તિ

ભદ્રંભદ્રની નવી આવૃત્તિ વાચકવર્ગ સમક્ષ રજૂ કરતાં આનંદ થાય છે. લંબાણ ખચકાને અંતરે પણ આ પુસ્તકની છ આવૃત્તિઓ પચાસ વર્ષના ગાળામાં નીકળી ગઈ એ પુસ્તકની ગુણવત્તાનું પ્રમાણ છે.

ગુજરાતી સાહિત્યના વર્તમાન સમયના હાસ્યરસના અગ્રગણ્ય પ્રણેતા શ્રી જ્યોતીન્દ્ર દવેએ શ્રમ લઈ તુલનાત્મક સમાલોચનાવાળો ઉપોદ્‌ઘાત લખી આપ્યો છે તે માટે તેમનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. હાસ્યરસની ગંગા વહેતી રાખવાનું માન જો કોઈને ઘટતું હોય તો ભાઈ જ્યોતીન્દ્રને છે. આ રસગંગા એવી છે કે એને નીચાણમાં અનિષ્ટ માર્ગે ઢળી જવાનો ભય છે. તેવાં ભયસ્થાનોથી દૂર રહી જે વિરલ વ્યક્તિઓ હાસ્યનીરને નિર્મળ, નિર્દોષ રાખી જનતાનાં મન બહલાવી શકે છે તે કોટીના શ્રી દવે છે એ નિર્વિવાદ છે. તેમનો સહકાર એ આ આવૃત્તિનું સુભાગ્ય છે.

સને ૧૯૫૧માં આ પુસ્તકની નકલો ખલાસ થઈ ગયેલી અને તેના. પ્રકાશકશ્રી અંબાલાલ મોહનલાલ શાહે ફરી તે છપાવવા પ્રબંધ કરેલો. દરમિયાન તેમનું એકાએક અવસાન થયું અને એ ખેદકારક બનાવથી આ કામ અટકી પડ્યું.

તેમના ઉત્સાહી ભાઈઓએ પોતાના ભાઈના કામને ઉપાડી લઈ તેમની ઇચ્છા પરિપૂર્ણ કરવા બનતો પ્રયત્ન કર્યો છે. આ પુસ્તકની પ્રથમ આવૃત્તિના પ્રકાશકમાંના એક, અંબાલાલના પિતા હતા અને પુસ્તકપ્રકાશન એ ભાઈઓનું કાર્ય ન હોવા છતાં આ પુસ્તક પ્રત્યેની તેમની મમતાને કારણે વર્ષોથી તે કર્યો ગયા છે.

આ આવૃત્તિમાં સ્વ. સર રમણભાઈની છબી તેમ જ સ્વ. શ્રી અંબાલાલની છબી, તેમના ભાઈ કાન્તિલાલની ખાસ ઈચ્છાથી મૂકવામાં આવી છે.

ગુજરાતી વાચકવર્ગ આ પુસ્તકને હંમેશ મુજબ આવકાર આપશે એવી આશા છે.*[]


અમદાવાદ,
તા. ૨૬-૬-'૫૩

વિદ્યાબહેન ૨. નીલકંઠ
 
  1. આ પુનર્મુદ્રણમાં તસવીરો તેમ જ ૨. મ. રા.નાં ચિત્રો ઉપલબ્ધ ન હોવાથી આપવામાં આવ્યાંનથી.