મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/તકીઉદ્દીન મા'રૂફ

← ઉમર અલ ખૈયામ મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
તકીઉદ્દીન મા'રૂફ
સઈદ શેખ
અલી ઇબ્ને રબ્બન અલ તબરી  →


તકીઉદ્દીન મા'રૂફ
તકીઉદ્દીન અબુબક્ર મુહમ્મદ બિન કાઝી મારૂફ ઇબ્ને અહમદ અલ શામી અલ અસ્અદી અલ રાશીદનો જન્મ દમાસ્કસ (સીરીયા)માં ઈ.સ. ૧૫૨૬માં થયો હતો. તેઓ એક પ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી તરીકેની નામના ધરાવે છે. આ ઉપરાંત ગણિત, ઈજનેરી, યંત્રશાસ્ત્ર અને પ્રકાશવિજ્ઞાનમાં પણ ફાળો આપ્યો. ઘણા પુસ્તકોના લેખક હતા. હાલમાં ઉપલબ્ધ વિજ્ઞાનના ઇતિહાસ વિષયક પ્રસિદ્ધ પુસ્તક 'અલ તરૂફ અલ સાનીયા ફિલ આ'લાત અલ રૂહાનીયા' (the sublime method of spiritual machines)માં પ્રારંભિક કક્ષાના વરાળયંત્ર અને સ્ટીમ ટર્બાઈનની ચર્ચા વિચારણા કરવામાં આવી છે. જીઓવાની બ્રેન્કા એ સ્ટીમ પાવરની શોધ ૧૬ર૯માં કરી એના ઘણા વર્ષો પહેલાં તકીઉદ્દીન મારૂફે આ વિષે લખ્યું હતું. તકીઉદ્દીન 'મોનોબ્લોક' છ સિલીન્ડરવાળા પંપના શોધક તરીકે પણ ઓળખાય છે અને ઈસ્તંબૂલની વેધશાળાના બિલ્ડર તરીકે પણ.

સીરીયા અને ઈજીપ્તમાં તકીઉદીને ન્યાયધીશ તરીકે અને પેલેસ્ટાઈનના નેબ્લૂસમાં શિક્ષક તરીકે ફરજ બજાવી હતી. ઈજીપ્ત અને દમાસ્કસના રોકાણ દરમિયાન ખગોળશાસ્ત્ર અને ગણિતમાં ઘણા મહત્વના કાર્યો કર્યા. ઈ.સ. ૧પ૭૦માં કેરો (ઈજીપ્ત)થી ઈસ્તંબૂલ (તુર્ક) આવ્યા અને એક વર્ષ પછી વેધશાળાના મુખ્ય ખગોળશાસ્ત્રી મુસ્તુફા બિન અલી અલ મુવકી ના અવસાનથી ખાલી પડેલું સ્થાન પૂર્યું. રાજકીય માણસો સાથે સારા સંબંધો રાખ્યા. મુખ્ય વઝીર સેકલુ મોહમ્મદ પાશાએ સુલતાન મુરાદ સાથે ઓળખાણ કરાવી હતી.

ખગોળશાસ્ત્રમાં રસ ધરાવતા સુલતાનને તકીઉદ્દીને વાત કરી કે ઊલૂગબેગના ખગોળીય કોષ્ટકોમાં કેટલાક સુધારા વધારા જરૂરી છે એ માટે વેધશાળા બાંધવામાં આવે તો અવલોકનો ફરીથી લઈ કોષ્ટકો સુધારી શકાય. સુલતાને વેધશાળા બાંધવાનો હુકમ કર્યો. આ વેધશાળા ‘દારૂલ રસાદ અલ જદીદ' (નવી વેધશાળા) તરીકે ઓળખાવા લાગી. ઈ.સ. ૧૫૭૯માં બંધાઈ ગઈ ત્યારે વિશ્વની મોટામાં મોટી વેધશાળાઓમાંની એક હતી. તકીઉદ્દીને અહીં પારંપારિક ઉપરાંત નવા સાધનો પણ વિકસાવ્યા હતા. ટાયકો બ્રાહે (૧૫૪૬-૧૬૦૧) નામક ખગોળશાસ્ત્રીએ પણ તકીઉદ્દીન જેવા જ સાધનો વાપર્યા હતા એ જોગાનુજોગ છે. કેટલાક રાજકીય કારણોસર ઈ.સ. ૧૫૮૦માં આ વેધશાળાને તોડી પાડવામાં આવી. તકીઉદ્દીને કેટલાક નવા સાધનો વિકસાવ્યા હતા.

(૧) મુશબ્બીલ મનાતિક (sextan) :- આ ષષ્ટાંક યંત્ર દ્વારા તારાઓ વચ્ચેના અંતરને માપી શકાતું હતું. તકીઉદ્દીન અને ટાયકો બ્રાહેના ષષ્ટાંક યંત્રો ૧૬મી સદીના ખગોળીય વિશ્વમાં મહાન શોધ ગણવામાં આવે છે. તકીઉદ્દીને શુક્રગ્રહની ત્રિજ્યા માપવાનો પ્રયત્ન કર્યો હતો.

(૨) જાત અલ અવતર :- આ સાધન તકીઉદ્દીનની મૌલિક શોધ હતી. લંબચોરસ પાયા ઉપર ચાર સ્તંભો હતા જેમાંથી પાયામાં બે સ્તંભો સાથે દોરી જોડાયેલી હતી. એક સ્તંભ જે તે ૪દેશના મૂલ્ય જેટલી હતી. દરેક ભાગઉપર કાણા પાડવામાં આવ્યા હતા. આ કાણામાંથી દોરી વડે ઓળંબો લટકાવવામાં આવતો હતો.

(૩) ખગોળીય ઘડીયાળ :- ટોલેમીએ કહ્યું હતું કે જો “હું સમયને વધારે ચોક્સાઈથી માપી શકું અથવા જાણી શકું તો વધારે ચોક્સાઈ પૂર્વકની પધ્ધતિઓ શોધી શકું.” ટોલેમીના આ સ્વપ્નને તકીઉદ્દીને પૂરું કર્યું, અને એકદમ ચોક્સાઈવાળી ખગોળીય ઘડીયાળનું જાતે નિર્માણ કર્યું. લાકડાના ડાયલવાળી આ ઘડીયાળ દ્વારા કલાક, મીનીટ અને સેકન્ડસમાં સમય જાણી શકાતો હતો. આ શોધ ૧૬મી સદીની મોટી શોધોમાંની એક ગણાતી હતી.

તકઉદ્દીન અને ટાયકો બ્રાહેના સાધનો લગભગ મળતા આવતા હતા પરંતુ તકીઉદ્દીનના કેટલાક સાધનો બ્રાહે કરતા મોટા અને વધુ ચોકસાઈ ધરાવતા હતા. દા.ત. સૂર્ય અને તારાઓના વિષુવલંબ (declination) શોધવા માટે મુરલ ક્વાડ્રન્ટ (ઊંચાઈના કોણ માપવાનું યંત્ર)નો ઉપયોગ બંનેએ કર્યો હતો. પરંતુ તકીઉદ્દીનના કોણમાપક યંત્રમાં પિત્તળના છ મીટરની ત્રિજ્યાવાળા ક્વાડ્રન્ટ હતા જેને દિવાલ સાથે જડવામાં આવ્યા હતા. જ્યારે આવું જ સાધન ટાયકો બ્રાહે પણ વાપર્યું હતું. પરંતુ એની ત્રિજયા માત્ર બે મીટર હતી.

તકીઉદ્દીને ષાષ્ટિક પધ્ધતિ (Sexagesimal) પધ્ધતિને બદલે દશાંશ પધ્ધતિનો ઉપયોગ કર્યો અને દશાંશ અપૂર્ણાકોના પાયા પર રચાયેલા ખગોળીય કોષ્ટકોનો ઉપયોગ કર્યો. તકીઉદ્દીને પૃથ્વીનું નમણ ૨૩° ૨૮' ૪૦” શોધ્યું હતું જે આધુનિક શોધના મૂલ્ય ૨૩° ૨૭' થી એકદમ નજીક છે. આ ઉપરાંત તકીઉદ્દીને સૂર્યની વાર્ષિક (apogee) નું મૂલ્ય ૬૩ સેકન્ડસ શોધ્યું છે આજના પ્રમાણે શોધયેલ ૬૧ સેકેન્ડસથી એકદમ નજીક છે. તો પણ કોપરનિકસ (૨૫ સેકન્ડસ) અને ટાયકો બ્રાહે (૪પ સેકન્ડસ)થી વધુ ચોકસાઈવાળુ મૂલ્ય તકીઉદ્દીનનું હતું. વેધશાળાના ટૂંકા ગાળામાં પણ ઘણી પ્રવૃત્તિઓ થઈ હતી. જે અવલોકનો નોંધવામાં આવતા તેને 'સિદરત મુન્તહા અફકાર ફી મલકૂત અલ હલક અલ દવાર' નામક સંગ્રહમાં સંગ્રહિત કરવામાં આવ્યા છે. આમાં તકઉદ્દીને પોતે ત્રિકોણમિતિય ગણતરીઓ કરી છે. ખગોળીય ઘડીયાળ અને બીજા અવકાશી પદાર્થો વિશે પણ ચર્ચા કરવામાં આવી છે.

તકઉદ્દીને રચેલા પ્રબંધ ગ્રંથો :−

ખગોળશાસ્ત્ર :-

(૧) 'રેહાનત અલ રૂહ ફી રસ્મ અલ સાઅત અલા મુસ્તવા અલ સૂતુહ' (Fragrance of spirit on drawing of horary (lines) on plane surfaces.) આમાં સૂર્યઘડીયાળ વિશે ચર્ચા કરવામાં આવી છે.

(ર). ‘જરીદાત અલ દૂર્ર વખરીદાત અલ ફિકર' (Non perforates pearls and Roll of reflections) આમાં કેરો (ઈજીપ્તના, ખગોળીય કોષ્ટકોના ઉલ્લેખ છે. Sine અને tangent ના કોષ્ટકો દશાંશ પધ્ધતિમાં છે. આ પ્રબંધ તકીઉદ્દીનની વૈજ્ઞાનિક ક્ષમતાઓ અને મૌલિકતાના દર્શન કરાવે છે. આમાં સૌ પ્રથમ વખત આપણને ત્રિકોણમિતિમાં દશાંશ પધ્ધતિના અપૂર્ણાક જોવા મળે છે. એણે સ્પર્શરેખા (angent) અને સહ સ્પર્શ રેખા (cotangent) ના કોષ્ટકોની પણ રચના કરી હતી. તકીઉદ્દીનના જણાવ્યા મુજબ ગણિતશાસ્ત્રી ગિયાસુદીન અલ કાશી (ઈ.સ. ૧૩૯૦-૧૪૫૦) એ આ પ્રશ્નો ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સફળતા મળી ન હતી, જ્યારે કે તકીઉદ્દીને સફળતાપૂર્વક આ પ્રશ્નોને ઉકેલ્યા.

ગણિતશાસ્ત્ર :-

(૧) ‘કિતાબ અલ નિસાબ અલ મતશાક્કલ ફીલ જબર વલ મુકાબલા'(Book on coinciding rations in algebra) બીજગણિત બાબતે છે.

(૨) 'બુગાયાત અલ તુલાબ ફી ઈલ્મ અલ હિસાબ' (Aim of pupils in the science of Arithmetic) અંકગણિત બાબતે છે.

(૩) ‘કિતાબ વસ્તીહ અલ ઉકર” (Book on Projecting spheres on to plane) સમતલ સપાટી ઉપર ગોળાનું ઉપસવું. (૪) 'શર્હ રિસાલત અલ તજનીસ ફીલ હિસાબ' (commentary on treatise on classification in Arithmetic) અંકગણિત બાબતે ભાષ્ય અથવા વિવેચન.

(૫) રિસાલા ફી તહકીકી મા કાલહૂલ આલિમ ગિયાસુદ્દીન જમશેદ ફી બયાનીલ નિસ્બા બયનલ મુહિત વલ કુત્ર તકીઉદ્દીને આમાં ગિયાસુદ્દીન જમશેદ અલકાશીના ગ્રંથ 'અલ રિસાલત અલ મુહિતીયા' બાબતે ચર્ચા કરી છે.

(૬) તહરીર કિતાબ અલ ઉકર લી થવા ધૂસી યસ (Exposition of book on sphere of theodosius) થિયોડોસીયસના 'ગોળા’ વિશેના ગ્રંથની સમીક્ષા.

આમ, તકીઉદ્દીન મારૂફને ખગોળશાસ્ત્રમાં પોતાના મૌલિક સંશોધનો અને યોગદાન માટે હંમેશા યાદ રાખવામાં આવશે.