મહાદેવભાઈનું પૂર્વચરિત/અમદાવાદમાં વકીલાત
← ઓરિયેન્ટલ ટ્રાન્સલેટરની ઑફિસમાં તાલીમ | મહાદેવભાઈનું પૂર્વચરિત અમદાવાદમાં વકીલાત નરહરિ પરીખ |
સહકારી મંડળીઓના ઈન્સ્પેક્ટર → |
૧૩
અમદાવાદમાં વકીલાત
૧૯૧૩ની આખરમાં એલએલ. બી. પાસ થયા. એ વર્ષમાં કોઈ જ ફર્સ્ટ ક્લાસમાં આવ્યું ન હતું. જે ‘ઇક્વિટી’ના પેપરમાંથી મહાદેવ આગલે વર્ષે ઊઠી ગયા હતા તેમાં આ વર્ષે એ પહેલે નંબરે આવ્યા. પદવીદાન સમારંભ (કૉન્વોકેશન) થઈ ગયા પછી શું કરવું એનો વિચાર કરતા હતા એટલામાં પિતાશ્રીની બદલી અમદાવાદ વીમેન્સ ટ્રેનિંગ કૉલેજમાં હેડમાસ્તર તરીકે થઈ. એટલે અમદાવાદમાં વકીલાત કરે તો ઘરખર્ચનો સવાલ રહેતો ન હતો. હું પણ તેમને અમદાવાદ ખેંચતો હતો. એટલે છેવટે ૧૯૧૪ના જૂનમાં નોકરીમાંથી રાજીનામું આપી અમદાવાદ આવ્યા અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટની સનદ લીધી. બધું મળીને સવા કે દોઢ વર્ષ અમદાવાદ રહ્યા હશે. વકીલ તરીકે એમના હાથમાં એક જ કેસ આવેલો. મહીકાંઠા એજન્સી નીચેના કોઈ દરબારની મુંબઈના ગવર્નરને અરજી કરવાની હતી. રામનારાયણ પાઠક તે વખતે સાદરામાં વકીલાત કરતા, તેમની મારફત આ અરજી લખી આપવાનું કામ તેમને મળેલું. તેની ફીના રૂા. ૧રપ તેમને મળેલા.
પંડ્યાજીને અરજી ઘડી આપી
આ ઉપરાંત શ્રી મોહનલાલ પંડ્યાને મુંબઈના ગવર્નરને એક અરજી લખી આપવાનું કામ તેમણે કરેલું. એમની નનામી ચોપડી વિષે મહાદેવભાઈ એ જ રિપોર્ટ કરેલો એ કહેવાઈ ગયું છે. તેઓ વડોદરા રાજ્યના ડેરી સુપરિન્ટેન્ડેન્ટ હતા. સને ૧૯૧૨માં હિંદ સરકારની ગાયકવાડ ઉપર ખફામરજી થયેલી ત્યારે પંડ્યાજીને વડોદરા રાજ્યની નોકરીમાંથી રજા આપવાની તેણે ફરજ પાડેલી. પછી રાજ્યદ્રોહના ગુનામાં સંડોવવા ભારે પ્રયત્નો પોલીસે કરેલા. એકાદ વરસ તો પોલીસને પત્તો ન લાગે એ રીતે પંડ્યાજી છૂપા રહ્યા પણ પછી ખુલ્લા રહેવા લાગ્યા. સરકારને તેમની સામે કશો પુરાવો તો ન મળ્યો પણ તેમની પાછળ સી. આઈ. ડી.ની ચોકી રાખીને તેમની ખૂબ કનડગત શરૂ કરી. સી. આઈ. ડી.ને થાપ આપીને એક જગાએથી બીજી જગાએ ચાલ્યા જવામાં તે વખતે પરાક્રમ ગણાતું એટલે પંડ્યાજી સી. આઈ. ડી.વાળાને પણ ઓછા હેરાન કરતા નહીં. પંડ્યાજી અને હું એક જ ગામના અને અમારો કૌટુમ્બિક સંબંધ ગાઢ હતો. હું વકીલ થયો એટલે પંડ્યાજી મને કહે કે મારું આ સી. આઈ. ડી.નું લફરું તું કઢાવે ત્યારે ખરો. અમે વિચાર કરી મુંબઇના ગવર્નરને અરજી કરવાનો નિર્ણય કર્યો. એટલામાં મહાદેવ અમદાવાદ આવ્યા એટલે આ અરજી તેમની પાસે જ ઘડાવી. આ એમનું વકીલાતનું બીજું કામ. કહેવાની જરૂર નથી કે આ અરજીનું તો કશું પરિણામ ન આવ્યું. પણ બાપુજી અમદાવાદ આવ્યા અને તેમને પંડ્યાજીએ પોતાની કહાણી સંભળાવી ત્યારે બાપુજીએ તેમને સલાહ આપી કે તમે સી. આઈ. ડી.ને જ ભૂલી જાઓ. તમારી હિલચાલ અને પ્રવૃત્તિઓ બધી ખુલ્લેખુલ્લી કરો, એ તમને પૂછે તો એને તમારી અવરજવરની બધી ખરી વિગત આપો, એટલે એને કશી બાતમી મેળવવાપણું રહેશે જ નહીં. તેમ છતાં તમને હેરાનગતિ લાગતી હોય તો અહીં આશ્રમમાં મારી પાસે આવીને બેસી જાઓ.
‘ચિત્રાંગદા’નું ભાષાંતર
મહાદેવભાઈ અમદાવાદમાં રહ્યા તે દરમ્યાન અમે બેએ મળીને રવીન્દ્રનાથ ઠાકુરની ‘ચિત્રાંગદા’ એ નાટ્યકૃતિનું ભાષાન્તર કર્યું. તે વખતે રવીન્દ્રનાથની તમામ બંગાળી કૃતિઓ ગુજરાતીમાં ઉતારવાનો મનોરથ અમે ઘડેલો. ‘નૌકા ડૂબી’નું ભાષાન્તર કરવાનું નક્કી કરી તેના પાનાં પણ વહેંચી લીધેલાં પણ અમારી પ્રવૃત્તિનાં વહેણ બીજી દિશામાં વળ્યાં અને મનોરથ મનમાં જ રહી ગયો. તેના યત્કિંચિત ફળરૂપે ‘વિદાય અભિશાપ’ અને ‘પ્રાચીન સાહિત્ય’ એ બેનાં ભાષાન્તરો અમે કર્યા.