મહાદેવભાઈનું પૂર્વચરિત

મહાદેવભાઈનું પૂર્વચરિત
નરહરિ પરીખ
૧૯૫૦




મહાદેવભાઇનું પૂર્વચરિત








નરહરિ દ્વા. પરીખ











સંસ્કા૨ સાહિત્ય મંદિર

પો. બો. નં. ૩૪ : ભાવનગર


પ્રકાશક :

જયન્તીલાલ મણિલાલ શાહ
સંસ્કાર સાહિત્ય મંદિર

પો. બો. નં. ૩૪ : ભાવનગર
 








સવા રૂપિયો
બીજી આવૃત્તિ–૧૯૬૨
પ્રત : ૨૧૫૦








મુદ્રક :
ચંદુલાલ લ. ભટ

અપના છાપખાના

દરબારગઢ : ભાવનગર
 





પ્રાસ્તાવિક

મહાદેવભાઈના જીવનના ૨પ–રપ વર્ષના બે ભાગ સ્વાભાવિક રીતે જ પડે છે; એક ૧૮૯૨ થી ૧૯૧૭ નો પૂર્વભાગ અને બીજો ૧૯૧૭ થી ૧૯૪૨ ને ઉત્તરભાગ. અહીં મેં પૂર્વભાગનું જ ચરિત્ર આપ્યું છે. જો કે મહાદેવભાઈના પિતાશ્રીના અવસાન સુધીની વિગતો આપવા જતાં ઉત્તરભાગની આરંભની કેટલીક વિગતો આવી ગઈ છે.

મહાદેવભાઇના કાકાના દીકરા શ્રી છોટુભાઈ પાસેથી ભાઈ ચંદ્રશંકરે મહાદેવભાઈના પૂર્વજીવનની કેટલીક નોંધ કરી લીધેલી, તેના તથા શ્રી વૈકુંઠભાઈએ પોતાનાં સંસ્મરણો લખી મોકલ્યાં છે તેનો આ લખવામાં મેં છૂટથી ઉપયોગ કર્યો છે. આ ત્રણે મિત્રોનું ઋણ સ્વીકાર કરવાની આ તક લઉં છું.

તા. ૫-૬-’પ૦
નરહરિ પરીખ
 






શુક્રતારક સમા

મોગલ ગાર્ડનના ગુલાબ, ઢાકાની શબનમ કે મોના લીસા જેવી કલાકૃતિઓની હરોબરી કરે એવી સંપૂર્ણતા લઈને દેવોને ય અદેખાઈ આવે એવી કામગીરી બજાવવા અવની પર ઊતરી આવેલા સ્વ. મહાદેવ દેસાઈ ગાંધીજીના જ્યેષ્ઠ શ્રેષ્ઠ પુત્ર સમા મંત્રી હતા. મિત્રો આગળ વિનોદમાં પોતાને ગાંધીજીના ‘હમાલ’ તરીકે, ને ક્યારેક ‘પીર બબરચી ભિસ્તી ખર’ તરીકે ય ઓળખાવવામાં ગૌરવ લેતા !

અને આમ છતાં સ્વ. મશરુવાળા જેવા ગાંધીયુગના સર્વતોશ્રેષ્ઠ સમતોલ વિચારવંતે એમના પ્રત્યેના પોતાના ઊંડા માનઆદરને વ્યકત કરવા એમને ‘સર્વેશુભોપમા-યોગ્ય’ કહ્યા. એટલું જ નહિ પણ જે બધી દૈવી સંપત બંધાવીને દેવોનું કાર્ય કરવા કિરતારે એમને આપણી વચ્ચે મોકલેલા તે દૈવી ગુણોની લાંબી ટીપ પણ એમણે આપી.

આવી આ અપૂર્વ મહિમાવંત વિભૂતિ આપણા દેશની આઝાદીના આખરી જંગમાં ગાંધીજીની જોડે આગાખાન મહેલની જેલમાં પહોંચતાંવેંત જ્યારે અચાનક આથમી, ત્યારે દેશપરદેશનાં હજારો માનવીઓએ પાછળથી ગાંધીજીની હત્યા સાંભળીને અનુભવેલો તેવો જ કંઈક આંચકો અનુભવેલો.

ઇતિહાસની એ કરૂણ ઘટનાને આજે તો હવે પૂરા બે દાયકા વીતવા આવ્યા; ને પાછળ પૂ. કસ્તુરબા, ગાંધીજી, સરદાર પણ આપણી વચ્ચેથી વિદાય થયાં. છતાં શુક્રતારકની શોભા અને રૂડપની યાદ અપાવે એવા તેજસ્વી અને વહાલસોયા ભાઈ મહાદેવની પાવન સ્મૃતિ આજે પણ એમને જોયેલ જાણેલ કોઈની પણ આંખ ભીની કરાવે.

ગીતાજીમાં યોગભ્રષ્ટ આત્માનું વર્ણન આવે છે. શ્રેષ્ઠ પુરુષાર્થ કરતાં કરતાં અધવચ રસ્તે અચાનક તૂટેલો મહાન આત્મા જન્મથી જ દૈવી સંપતિનો ખજાનો ગાંઠે લઈને સંસારમાં આવે છે, અને જોતજોતામાં મહાન સિદ્ધિઓની પ્રાપ્તિ કરી (क्षिप्रं भवति धर्मात्मा) ચાલ્યો જાય છે. ભાઈ મહાદેવ તે જ પ્રમાણે એકએકથી ચડિયાતા એવા દૈવી ગુણોની સંપત લઈને કોઈ અધૂરો રહેલો યોગ પૂરો કરવા આ ધરતી પર આવ્યા હતા એમ માની શકાય.

સ્વ. નરહરિભાઈ પરીખ કૉલેજ વકીલાત અભ્યાસના કાળે ભાઈ મહાદેવના સમાગમમાં આવ્યા. અને જોતજોતામાં બેઉ એકબીજાના જીવલગ સહૃદ સાથી અને કુટુંબી બન્યા. સાથે રહ્યા, સાથે જરા જેટલી વકીલાત કરી, સાથે ગાંધીજી પાસે ગયા અને સેવા જીવનમાં સમર્પણ કરી એમના આજીવન અનુયાયી અને સેવક બન્યા. અંત લગણ એ ગાંઠ એવીને એવી અટૂટ રહી.

ગાંધીજી પાસે આવ્યા પછીની ભાઈ મહાદેવની જ્વલંત કારકિર્દી અને ચરિત્ર તો દેશને ચારે ખૂણે હજારો હજારોએ નિકટપણે જાણ્યાં. પણ એમના પૂર્વચરિતની ઓળખ કરાવીને એમનો ઉછેર અને વિકાસ કઈ રીતે થયો એની સુખદ ઝાંખી તો નરહરિભાઈ એકલા જ કરાવી શકે એમ હતું. એ કામ

આજથી બાર વર્ષ અગાઉ એમણે આ ખંડચરિત્ર લખીને દેશને કરાવ્યું. આ પ્રકાશન એની જ નવી આવૃત્તિ છે.

કાળને સંસારનો ધન્વંતરી કહ્યો છે. કાળા માથાના માનવીને કિરતારની એ શ્રેષ્ઠ દેણ છે. કાળની ગાંઠે વિસ્મૃતિની જડીબુટી છે, જેની મદદથી એ માનવી અંતરના વસમામાં વસમા વિયોગને સહ્ય કરી દે છે; ને એના ઊંડામાં ઘા રૂઝવે છે. પણ આ નાનકડા ચરિત્રને છેડે ભાઈ મહાદેવની દૈવી સંપતની સ્વ. મશરૂવાળાએ ગણાવેલી જે પેલી ટીપ ટાંકવાનું ઔચિત્ય સ્વ. નરહરિભાઈએ દાખવ્યું છે તે યાદી કાળના પ્રવાહ જોડે વિસ્મૃતિની ગર્તમાં ગરક થાય એવી નથી. એ તો સંસારની તેમ જ કાળની ગતિવિધિથી નિરપેક્ષ રહીને કોઈ દેવમંદિરના ગર્ભાગાર હેઠળ ઊંડાણે બળતા અખંડ દીપની જેમ અસંખ્ય નવાં નવાં નવલોહિયાં માનવીઓનાં અંતરને સદાય ઉજાળશે.

ક્રોસબાડ હિલ,જિ. થાણા
તા. ૧૫ મી ફેબ્રુઆરી, ૧૯૬૨
સ્વામી આનંદ
 



અનુક્રમ

૧. માતાપિતા
૨. દિહેણમાં થયેલું સંસ્કારસિંચન
૩. સુરત હાઈસ્કૂલમાં ૧૭
૪. લગ્ન ૨૩
૫. મુંબઈ પ્રયાણ ૨૫
૬. રમતગમતનો શોખ નહીં ૩૦
૭. ખેલદિલી અને વિનોદવૃત્તિ ૩૫
૮. અભ્યાસપરાયણતા ૩૮
૯. એક સંતપુરુષનો સમાગમ ૪૧
૧૦. ભોળાશંભુ ૪૬
૧૧. એક આકરી કસોટી ૪૯
૧૨. ઓરિયેન્ટલ ટ્રાન્સલેટરની ઑફિસમાં તાલીમ ૫૪
૧૩. અમદાવાદમાં વકીલાત ૫૮
૧૪. સહકારી મંડળીઓના ઈન્સ્પેક્ટર ૬૧
૧૫. બાપુજી સાથેનો પહેલો પ્રસંગ ૬૮
૧૬. ગિરમીટ પ્રથા રદ કરાવવાનું આંદોલન ૭૩
૧૭. હું આશ્રમમાં જોડાયો ૭૫
૧૮. બાપુજીએ મહાદેવને માગી લીધા ૭૮
૧૯. બાપુજી સાથે ચંપારણ ગયા ૮૪
૨૦. સારવાર કરનાર અને દરદી તરીકે ૮૮
૨૧. યુક્ત પ્રાંતની જેલમાં ૯૨
૨૨. પિતાશ્રીનું અવસાન ૯૬
૨૩. મહાદેવભાઈની સંપત ૧૦૨



Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.