મહાદેવભાઈનું પૂર્વચરિત/મહાદેવભાઈની સંપત
← પિતાશ્રીનું અવસાન | મહાદેવભાઈનું પૂર્વચરિત મહાદેવભાઈની સંપત નરહરિ પરીખ |
૨૩
મહાદેવભાઈની સંપત
પણ હવે હું આ લેખ બંધ કરું. મારે તો મહાદેવના જીવનનો આશ્રમમાં એ દાખલ થયા ત્યાર પહેલાંનો વૃત્તાંત આપવો હતો. એમના પિતાશ્રીનો દેહાંત ૧૯૨૩માં થયો એટલે એમને વિષે લખતાં કેટલીક આગળની વાતો આવી ગઈ. બાકી આ લેખમાં તો મહાદેવભાઈ બાપુજી પાસે કેવી અને કેટલી સંપત—ચારિત્ર્યબળની, ભક્તિપૂર્ણ હૃદયની, બુદ્ધિની, વિદ્યાકળાની અને હોશિયારીની—લઈને આવ્યા હતા એ જ બતાવવું હતું, એમનું આગળનું જીવનચરિત્ર તો એમની ડાયરીઓમાં ક્રમે ક્રમે વિકસતું આપણે જોઈશું. અને ભાઈ પ્યારેલાલ, જેઓ ૧૯૨૦થી તે છેક મહાદેવભાઈના દેહાંત સુધી બધી પ્રવૃત્તિઓમાં એમની સાથે જ હતા તેઓ વિગતવાર જીવનચરિત્ર લખવાના જ છે. ઉપર જણાવી છે એવી સંપત લઈને મહાદેવ બાપુજી પાસે આવ્યા અને તેમાંથી કિશોરલાલભાઇએ લખ્યું છે તેમ, “એક વિદ્વાન ફિલસૂફ, સાહિત્યિક, કવિ, મધુર ગાયક અને કલારસિક હોવા છતાં કેવળ પોતાના સ્વામીને માટે જ નહીં, પણ પોતાના મિત્ર, પત્ની તથા નોકરને માટેયે અને જરૂર પડે તો ગમે તેને માટે તેનાં મળમૂત્ર સાફ કરનાર ભંગી; પરિચર્યા કરનાર નર્સ; કપડાં ધોનાર ધોબી, રાંધીને ખવડાવનાર રસોઈયા; સાફ નકલ કરી આપનાર કારકુન; લખેલું સુધારી આપનાર શિક્ષક, અધૂરું કામ પૂરું કરી આપનાર સહાયોગી; આપણા વિચારો સમજી લઈ તેને બરાબર કલમબંધ કરી આપનાર મંત્રી; આપણા તરફથી કોઈ નાજુક કામને કુનેહથી પાર પાડી આપનાર એલચી; આપણા પક્ષનો બરાબર અભ્યાસ કરી આપણે માટે લડત ચલાવનાર વકીલ; પોતાના સ્વામી અને આપણી વચ્ચે કાંઈ ગેરસમજૂતી ઊભી થઈ હોય તો તેને દૂર કરાવનાર વિષ્ટિકાર; પિતૃભક્તિ, સ્વામીભક્તિ, મિત્રભક્તિ, પત્નીપ્રેમ, પુત્રપ્રેમ એવા સર્વે સંબંધોને યથાયેગ્યપણે સંભાળવામાં પરાકાષ્ઠાનો પ્રયત્ન કરનાર તુલાધાર; કરુણાજનક પરિસ્થિતિમાં આવી પડેલાં સ્ત્રીપુરુષને આશ્વાસન અને શરણ આપનાર બંધુ; અને આ બધાં સંબંધો સાચવતાં છતાં વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાના, ધનયશ આદિ લોભના, કામાદિ વિકારના, કલાસૌન્દર્ય વગેરેના શોખને પરિણામે અને સ્વભાવસહજ દાક્ષિણ્યને કારણે પેદા થનાર માયા, મોહ વગેરેનાં પ્રલોભનો સામે પોતાની જાતને બચાવતા રહેનાર સાવધ સાધક;” —એવા એ બન્યા,