મહાદેવભાઈનું પૂર્વચરિત/પિતાશ્રીનું અવસાન

← યુક્ત પ્રાંતની જેલમાં મહાદેવભાઈનું પૂર્વચરિત
પિતાશ્રીનું અવસાન
નરહરિ પરીખ
મહાદેવભાઈની સંપત →




૨૨
પિતાશ્રીનું અવસાન

પિતાશ્રી મહાદેવનું શરીર નાજુક છે એમ માને છે એ બાપુજી જાણતા હોવાથી જ્યારે જ્યારે બાપુજી એમને મળે ત્યારે પૂછતા કે : કેમ, મહાદેવની તબિયત કેવી છે ? તમે મહાદેવને મને ધીર્યો છે એટલે એની તબિયતની તમારે ચિંતા કરવાની હોય જ નહીં. છતાં પિતાશ્રીને આ એક ખટકો હતો એ મહાદેવ બરાબર જાણતા. પિતાપુત્રનો એકબીજા પ્રત્યે કેવા અલૌકિક પ્રેમ હતા તે પિતાશ્રીના અવસાન પ્રસંગે મને લખેલા નીચેના કાગળમાં વ્યક્ત થાય છે.

દિહેણ (જિ. સુરત)
તા. ૬ જુલાઈ, ’૨૩
 

વહાલા ભાઈ,

તમારો આશ્વાસક પત્ર મળ્યો. મારા હૃદયની સાથે તમારું પણ રડે છે તે મને ખબર છે, તમારી ખોટ આશ્રમમાં જ્યારે તાર આવ્યો ત્યારે જ લાગી હતી.*[]

અવસાન અણધાર્યા સંજોગોમાં થયું. સુરત પ્રાં. સમિતિની બેઠક વખતે સુભાગ્યે મને ઘેર આવી જવાનું મન થયું. તે વેળા જે મળી ગયેલો તે છેલ્લી મુલાકાત. તે વેળા એમની તબિયત પણ બહુ સરસ હતી. મરણ પહેલાં ચારપાંચ દહાડા અગાઉ એક કાગળ આવેલો તેમાં લખેલું કે તબિયત નરમ થઈ છે, અને છાતીમાં દુખાવો છે. મેં તરત લખેલું કે રવિવારે હું ધિયા ડૉક્ટરને સુરતથી લઈને આવીશ. પાછો રવિવારે લખેલો તેમનો કાગળ આવ્યો તેમાં મને ડાક્ટરની સાથે આવવાની ના લખી, અને નવજીવન પ્રકાશન મંદિરની ચોપડીઓ મંગાવી, દેશી રંગનું પુસ્તક મંગાવ્યું. આથી હું છેતરાયો. મને થયું કે તબિયત સુધરી હશે, અગાઉની માફક ગભરામણની જ નબળાઈ હશે. સોમવારે એટલે મરણને દિવસે લખેલો કાગળ મને મરણના તાર પછી મળેલ તેમાં લખેલું કે “આ નબળાઈથી જ પ્રાણ જશે એવું લાગે છે. સારો થઈશ તો અમદાવાદ આવી જઈશ.” તે જ દિવસે સાંજે ‘નવજીવન’ કે કાંઈક વાંચતા હતા, બીજા ભાઈ બેઠેલા તેમણે કહ્યું કે “તમે વાંચવાનું છોડો, તમારી તબિયત નબળી, આરામ લો.” બાપુજી બોલ્યા, સાચી વાત છે ભાઈ,” આ શબ્દ પૂરા થયા અને એમનું જીવન પૂરું થયું. એ શબ્દની સાથે જ ગરદન નમી ગઈ; અને આંખ બંધ થઈ ગઈ.

મેં ધીરજ બહુ રાખી છે, પણ વારંવાર તેમનો પ્રેમ, નાની બાબતમાં પણ મારે વિષેની ચિંતા, બધુ યાદ આવે છે ત્યારે આંસુ ખળાતાં નથી. એ આંસુ તો તેમનું સ્મરણ રહેશે ત્યાં સુધી રહેવાનાં. છેલ્લે જ્યારે મળેલા ત્યારે કહે, “આ વખતે તારી છાતી પુરાઈ. નિયમિત જીવનનું એ પરિણામ છે. પણ તું ચંપલ પહેરે તે ઠીક નહીં, સ્લીપર પહેર. પગનાં તળિયાં ફાટી જાય.” હું બાળક જ છું એવો ભાવ એમના મનમાંથી ગયો જ નહોતો. ‘નવજીવન’નાં મારા ધૂળ જેવાં લખાણો એમના જેટલી મમતાથી વાંચનારું હવે કેાઈ રહ્યું નથી. ‘મહાદેવ’ની સહીવાળું લખાણ એટલે એમને માટે જાણે કોઈ ચમત્કારિક વસ્તુ. એમની પરમ ઇચ્છા એટલી જ હતી કે હું એમની સાથે લાંબો વખત રહું. એ ઈચ્છા મેં કદી નહીં પૂરી કરી. એક દિવસ પણ મારી સેવા એમણે લીધી નથી. આખી જિંદગીમાં મારી માતા મરી ગઈ ત્યારથી મારી માતા અને પિતા બંને એ જ થયેલા. પિતાનો પ્રેમ કેટલો હોઈ શકે છે તેનું માપ મને એમના પ્રેમથી જ મળેલું. આજે તો એઓ ૬૨ વર્ષના હતા, પણ ૮૨ વર્ષના હોત તોયે મારી આંખમાંથી આજે જેટલાં નીકળે છે તેટલાં જ કૃતજ્ઞતાનાં આંસુ નીકળત.

‘નવજીવન’નો વધારો ગુરુવારે ન હોત, અને એમનો ડૉક્ટરની સાથે ન આવવાનો અને ચાપડીઓ મંગાવવાને કાગળ ન હોત, તો હું રવિવારે જરૂર મળી જાત. મને એમ થયા જ કરે છે કે ‘દેશસેવા’ના વિચિત્ર ખ્યાલને લીધે એમના આખરના કાળમાં એમની સાથે રહી એમની આંતરડી ઠારવી જોઈએ, તે મારાથી ન થયું. આ પશ્ચાત્તાપ એક કાયમનો જખ્મ મારી જિંદગીમાં રહી જશે.

તમે મારી પાસે હોત તો તમને મોટાભાઈ *[] માની તમારા ખોળામાં માથું મૂકી રોઈ મારો ભાર હલકો કરત. પણ હવે કાંઈ નહીં. તમારે એ કારણે ત્યાંથી આવવાની કશી જ જરૂર નથી. વરસાદ તો આ બાજુએ હજી નથી આવ્યો પણ હવે એકાદ દહાડામાં આવવાનો જ. હું ૧૫-૧૬મીએ આશ્રમ જઈશ, તે પહેલાં તમને કાગળ લખીશ, ત્યારે જો બને તો સુરત આવી જજો. પણ કાગળ ન લખાય તો ચિંતા કરશો નહીં. એટલા ખાતર આશ્રમ તો ન જ આવશો. તમારી લાગણી કાંઈ મળીને તમે વધારે બતાવી શકવાના છો ?

હાલ દુર્ગાને દિવાળી સુધી અહીં રહેવું પડશે. વરસાદ પછી પાછો અહીં આવીશ ત્યારે કદાચ લઈ જાઉં. વરસાદ પછી તમારાથી બને તો એક વાર ઈચ્છાને * [] તમારે મળી જવું જોઈએ ખરું. તમારી તેણે વારંવાર ખબર પૂછી હતી. મારા પિતાના તેજને લીધે તે પણ સામાન્ય કરતાં વધારે ઊંચી વૃત્તિની સાવકી મા છે.

મરણ પછી અમારામાં દહાડો થાય છે. મને એ વસ્તુની દુષ્ટતા વિષે ઇચ્છાને સમજાવતાં વાર નહીં લાગી. મારા પિત્રાઈ છોટુભાઈ અને ભીખાભાઈ બંને મળતા થયા. એટલે એક પણ દિવસ સગુંવહાલું કે બ્રાહ્મણ કોઇ ન જમે. શ્રાદ્ધ તો કરીશ જ. કારણ તેમાં મારી વૃત્તિ અજ્ઞાનની છે. જે વસ્તુ સમજી શકતો નથી તે વસ્તુને હું પાખંડ તરીકે નહીં ફેંકી દઈ શકું. પણ શ્રાદ્ધ કરાવ્યા પછી બ્રાહ્મણને બ્રહ્મભોજન જેવી કશી જ વસ્તુ નહીં એમ રાખ્યું છે. બ્રાહ્મણને જોઈએ તો પોતાને ઘેર સીધું લઈ જઈ રાંધી લે. બીજા લોકોને આ વસ્તુ નથી ગમી, પણ મારે તે મારા નિશ્ચય અમલમાં મૂકવાને આ પ્રથમ પ્રસંગ. મારાથી કેમ ડગાય ?

  1. * આ વખતે હું બારડોલી તાલુકાના સરભણ આશ્રમમાં રહેતો હતો.
  2. * હું મહાદેવ કરતાં ઉંમરમાં ત્રણ જ મહિને મોટો હતો.
  3. * મહાદેવનાં સાવકાં માતુશ્રી.