મહાદેવભાઈનું પૂર્વચરિત
માતાપિતા
નરહરિ પરીખ
દિહેણમાં થયેલું સંસ્કારસિંચન →







માતાપિતા

મહાદેવભાઈનો જન્મ ઈ. સ. ૧૮૯૨ના જાન્યુઆરીની પહેલી તારીખે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસ નામના ગામડામાં થયેલો. પિતાશ્રી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ત્યાં નોકરી કરતા હતા. તેમનું વતનનું ગામ દિહેણ. તે પણ ઓલપાડ તાલુકામાં સુરતથી દસ માઈલ દૂર છે. મહાદેવના પહેલા ત્રણભાઈ માતાનું દૂધ ન આવવાથી નાનપણમાં જ ગુજરી ગયેલા. મહાદેવ પેટ રહ્યા ત્યારે પહેલેથી એમનાં બાને દવા વગેરે આપી તંદુરસ્તી સાચવવાની તજવીજ પિતાશ્રીએ કરેલી. તેમનાં બાએ તે વખતે સરસથી એકાદ માઈલ દૂર સિંહનાથ મહાદેવનું મંદિર હતું તેની પૂજા કરવાનો નિયમ રાખ્યો હતો અને સંકલ્પ કરી રાખ્યો હતો કે છોકરો આવશે તો મહાદેવ નામ રાખીશ અને છોકરી આવશે તો પાર્વતી રાખીશ. ભાઈ મહાદેવનું રાશિ ઉપરથી નામ ‘જ’ ઉપર આવેલું પણ આ સંકલ્પ પ્રમાણે માતુશ્રીએ મહાદેવ નામ રાખ્યું અને તે જ ચાલુ રહ્યું.

મહાદેવનું કુટુંબ ટીલવાના નામથી ન્યાતમાં ઓળખાતું. બાપદાદા ભગત અને ટીલાંટપકાં કરતા તેથી ટીલાવાળા— ટીલવા એમ કહેવાતું હશે. કુટુંબની એક શાખા દિહેણથી ઓલપાડ જઈને રહેલી અને ત્યાં એણે જમીન તથા પૈસા સારા સંપાદન કરેલા તેથી ન્યાતમાં એ શાખા વધારે કુલીન ગણાતી. દેસાઈગીરીનો મોટો ભાગ એ લોકોને મળેલો. દિહેણવાળાને તો નામની જ દેસાઈગીરી મળેલી અને બહુ ગરીબ સ્થિતિમાં રહેલા. મહાદેવના દાદા સૂરભાઈ ભગત ગણપતિના ભક્ત હતા. તેઓ ગણેશચતુર્થીને દિવસે ગણપતિનો મોટો ઉત્સવ કરતા, સરઘસ કાઢતા અને જમણ પણ કરતા. જો કે એમની ગરીબાઈ એવી હતી કે વરસમાં કોઈ કોઈ દિવસ એવા પણ જતા જ્યારે ઘરમાં કશું ખાવાનું ન હોય. છતાં ગણપતિ ઉત્સવ કરવાનું તેઓ કદી ચૂક્યા નથી. સૂરભાઇને ચાર દીકરા હતા. તેમાંના મોટા બચપણમાં જ ગુજરી ગયેલા. બાકીના હરિભાઇ, બાપુભાઈ અને ખંડુભાઈ એ ત્રણને નાની ઉંમરના મૂકીને સૂરભાઈ ગુજરી ગયેલા. દાદીમા ઘેર ગાય રાખતાં. તેનુ દૂધ ઘી વેચી ત્રણે છોકરાને એમણે ગામમાં નિશાળ હતી ત્યાં ભણાવેલા. ઘરની થોડી ક્યારી હતી તે માટે એક બળદ રાખતાં અને સૂંઢલ કરીને તે ખેડતાં. પણ બળદ મરી ગયો ત્યારે એક વરસ બે ભાઈઓએ — હરિભાઈ અને બાપુભાઈએ જાતે હળે જુતાઈને તે ખેડેલી અને તેમાં ભાત (ડાંગર) રોપેલું. આમ છતાં તે વખતે, પૈસા સસ્તા થવાને કારણે આજના જેવી મોંઘવારી નહોતી અને લોકોમાં જાતમહેનત અને કરકસરના સદ્‌ગુણ જીવન્ત હતા એટલે આજે જોવામાં આવે છે એ જીવનકલહ તે વખતે હતો જ નહીં. ગરીબ સ્થિતિના ગણાતા લોકોને પણ સારો ખોરાક ભરપેટે મળી રહેતો. હા, આજના જેવી બીજી આળપંપાળ તે વખતે નહોતી. બાપુભાઈને ગુજરાતી સાત ચોપડી પાસ થયા પછી માસિક રૂા. ૪)ની નોકરી મળી ત્યારે તો ઘરમાં આનંદ આનંદ થઈ ગયેલો. પછી એમને તલાટીની રૂા. ૧૨)ની નોકરી મળેલી. પિતાશ્રી હરિભાઈ સાત ચોપડી પાસ થયા પછી અમદાવાદ ટ્રેનિંગ કૉલેજમાં સ્કોલર તરીકે દાખલ થયા અને સીનિયર ટ્રેન્ડ થયા. નાના કાકા ખંડુભાઈએ રાજપીપળા સ્ટેટમાં સર્વેયરની નોકરી લીધી. પાછળથી તેઓ જુનાગઢ સ્ટેટની નોકરીમાં દાખલ થયેલા અને આખર સુધી ત્યાં જ રહેલા.

પિતાશ્રી હરિભાઈને સીનિયર થયા પછી તુકવાડા (તા. પારડી)માં નોકરી મળી, પછી સરસ (તા. ઓલપાડ)માં જ્યાં મહાદેવનો જન્મ થયેલો. મહાદેવનાં બાનું નામ જમનાબહેન. એ દિહેણ ગામનાં જ હતાં. પિયેરની સ્થિતિ પ્રમાણમાં સારી ગણાય. તેઓ બુદ્ધિમાં અને સ્વભાવમાં બહુ તેજ હતાં. આખું ગામ તેમની આમન્યા રાખતું. મહાદેવના શરીરનું કાઠું પિતાશ્રી જેવું હતું. રૂપ માતુશ્રીનું મળેલું. મહાદેવને સાત વરસના મૂકી સને ૧૮૯૯ના જૂન માસમાં લગભગ ૩ર વર્ષની ઉંમરે માતુશ્રી ગુજરી ગયેલાં. માતાપિતા બંને મહાદેવભાઈને બહુ લાડથી રાખતાં. બીજુ કોઈ ધમકાવે તો માતુશ્રી તેને લડતાં અને કહેતાં કે છોકરાંને બિવરાવીએ તો એ બગડી જાય. મહાદેવભાઈએ માતુશ્રીનાં બીજાં કાંઈ સંસ્મરણો તો મને કહેલાં નહીં પણ માતુશ્રી પોતાને બહુ લાડથી ઉછેરતાં, પિતાશ્રીને માસિક પંદર રૂપિયા પગાર મળતો તેમાં પણ બાદશાહની જેમ રાખતાં, એની વાતો બહુ વાર મારી આગળ તેમણે કરેલી. માતુશ્રી ઘણીવાર શીરો કરીને ખવડાવતાં એ મહાદેવને ખાસ યાદ રહી ગયેલું.

પિતાશ્રી સ્વભાવે બહુ સરળ અને સીધા હતા. કોઈ પણ માણ સ ઉપર વિશ્વાસ મૂકતાં તેમને વાર લાગતી નહીં. તેમની સ્મરણશકિત અને બુદ્ધિ બહુ તીવ્ર હતાં અને અક્ષર મોતીના દાણા જેવા હતા. ટ્રેનિંગ કૉલેજમાં ભણતા તે વખતની ઝીણા કાગળની સુંદર અક્ષરે લખેલી નોટો પછીના સ્કૉલરો પોતાના અભ્યાસ માટે લઈ જતા. તેમનું તેમ જ બાપુભાઈનું ગણિત બહુ જ સારું હતું. તેમાંયે બાપુભાઈ તો ગણિતમાં એટલા એક્કા હતા કે મહાદેવ કહેતા કે તેમને તક મળી હોત તો સિનિયર રૅંગલર થાય એવા હતા. અંગ્રેજી કૉલેજોમાં ભણતા વિદ્યાર્થીઓ અને હાઈસ્કૂલના માસ્તરો રજાઓમાં ગામ આવે ત્યારે અઘરા દાખલા તેમને પૂછવા આવતા. અને તેઓ તે ગણી આપતા, એક વખત ઘેર કાંઈ વરો હતો તે માટે સુરતથી બે ગાડાં ભરીને સામાન લાવેલા તેની યાદી દરેક સામાનની કિંમત અને વજન અથવા નંગ સાથે તેમણે ઘેર આવીને મોઢેથી જ લખાવેલી. હરિભાઈ રાતે બધા છોકરાઓને એકઠા કરી મોઢેથી જ લેખાં અને ગણિત શીખવતા. શિક્ષક તરીકેની આખી કારકિદી દરમ્યાન તેમણે કોઈ દિવસ ગણિતની ચોપડી હાથમાં પકડી નહોતી. બધી રીતો મોઢેથી જ શીખવતા અને નવા નવા દાખલા બનાવીને મોઢેથી જ લખાવતા. મહાદેવને પણ ગણિતમાં નિપુણતા વારસામાં મળી હતી. નામું તેઓ કદી પદ્ધતિસર શીખ્યા ન હતા પણ તેની ઝીણવટમાં તેઓ સહેલાઈથી ઊતરી શકતા. બાપુની સાથે પાછળના વખતમાં તેમને મદદનીશો મળ્યા હતા પણ ઘણાં વર્ષો સુધી તેઓ એકલા જ બાપુનું કામ કરતા ત્યારે બધા ખર્ચનો અને રસ્તામાં મળેલાં દાન તથા ભેટનો પાઈએ પાઈનો હિસાબ રાખતા.

પિતાશ્રીનું ગુજરાતી વાચન બહુ વિશાળ હતું. સારાં સારાં ગુજરાતી પુસ્તકો સઘળાં જ તેઓ ચીવટથી વાંચી લેતા. સંસ્કૃત આવડતું નહીં પણ રામાયણ, મહાભારત તથા ગીતા અને ઉપનિષદો તે ઉપરની ટીકાઓ સાથે તેમણે વાંચ્યાં હતાં. ભજન ગાવાનો પણ બહુ શોખ હતો. પરોઢિયે ઊઠીને પથારીમાં બેઠા બેઠા ભજનો ગાતા. શિક્ષણશાસ્ત્રમાં પણ એમને બહુ ઊંડો રસ હતે. આશ્રમમાં આવતા ત્યારે અમારી સાથે રાષ્ટ્રીય શિક્ષણની તેઓ ચર્ચા કરતા, અમારા વર્ગો જોવા આવતા, તે વિષે અમને સૂચનાઓ આપતા અને અમારી સાથે વાતો કરતા. ગામડા ગામમાં પ્રાથમિક શાળાના સામાન્ય શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરી તે અમદાવાદની વીમેન્સ ટ્રેનિંગ કૉલેજના હેડમાસ્તરપદેથી નિવૃત્ત થયા. એમ જૂની ઘરેડમાં જ શિક્ષક તરીકે જિંદગીભર કામ કર્યું છતાં શિક્ષણની નવી દૃષ્ટિ સમજતાં અને સ્વીકારતાં તેમને વાર લાગતી નહીં. વિદ્યાર્થીઓને મારવામાં આવે તો જ તેઓ સારા થાય અને ભણે, એ માન્યતા જે વખતે મોટા મોટા શિક્ષણશાસ્ત્રીઓમાં પણ પ્રચલિત હતી તે વખતે પણ એ કદી વિદ્યાર્થીને મારતા નહીં પણ પોતાના પ્રેમથી વિદ્યાર્થીઓનાં દિલ જીતી લેતા. સુરત જિલ્લાનાં ગામડામાં ગાળ બોલવાનો રિવાજ બહુ હોવા છતાં—આજે પણ છે—તેઓ કદી ગાળ બોલતા નહીં, એટલું જ નહીં પણ તેમની હાજરીમાં બીજા બોલે તેની એમને ભારે ચીડ હતી. જે જે ગામમાં શિક્ષક તરીકે ગયા તે તે આખા ગામ ઉપર તેમણે બહુ સારી છાપ પાડી હતી, અને પ્રેમ સંપાદન કર્યો હતો. વળી તેઓ એટલા સ્વતંત્ર મિજાજના અને સ્વમાની હતા કે ઈન્સ્પેક્ટરોને પણ તેમની સાથે અદબથી વર્તવું પડતું. અમદાવાદમાં બનેલો એક પ્રસંગ મને બરાબર યાદ રહી ગયો છે. રજાઓમાં ટ્રેનિંગ કૉલેજની વિદ્યાર્થીનીઓનો એક દસબાર દિવસનો નાનો પ્રવાસ ત્યાંની ઍગ્લોઇંડિયન લેડી સુપરીન્ટેન્ડેન્ટે ગોઠવેલો. જવાને આગલે દિવસે તેના કોઈ મિત્રે એને મળવા બોલાવી એટલે એણે હરિભાઈને ચિઠ્ઠી લખીને જણાવ્યું કે કાલે વિદ્યાર્થિનીઓ સાથે પ્રવાસમાં તમારે જવું. એમનો તો પિત્તો ઊછળ્યો. તરત જ લેડી સુપરિન્ટેન્ડેંટને જવાબ આપ્યો કે વિદ્યાર્થિનીઓ સાથે પ્રવાસમાં જવાનું કામ મારું હોય નહીં. હું આ ઉંમરે આવી રખડપટ્ટી કરી શકું નહીં, એટલું જ નહીં પણ તમે સાથે જાઓ એ જ શોભે, એ તમારી ફરજ છે. પેલી બિચારી ટાઢી થઈ, અને જવાનું કહેવા માટે દિલગીરી દર્શાવી. આમ કોઈ પણ પ્રસંગે અને જ્યાં જાય ત્યાં એમના સ્વમાનીપણાનો અને સંસ્કારિતાનો પ્રભાવ પડ્યા વિના રહેતો નહીં. એમનો ચળકતો ચહેરો અને પ્રેમાળ આંખો આજે મનઃચક્ષુ આગળ ખડાં થાય છે.