મહાદેવભાઈનું પૂર્વચરિત/દિહેણમાં થયેલું સંસ્કારસિંચન
← માતાપિતા | મહાદેવભાઈનું પૂર્વચરિત દિહેણમાં થયેલું સંસ્કારસિંચન નરહરિ પરીખ |
સુરત હાઈસ્કૂલમાં → |
૨
ગરીબ પણ સંસ્કારી અને બુદ્ધિમાન પિતાના હોશિયાર દીકરાની કેળવણી જે રીતે થાય એ રીતે મહાદેવની કેળવણી થઈ. માતુશ્રી નાની ઉંમરમાં ગુજરી ગયાં એટલે દાદીમા તેમની સંભાળ રાખતાં. ગુજરાતી પાંચ ચોપડી (અમારા વખતમાં ગુજરાતી પાંચ પૂરી કર્યા પછી અંગ્રેજીમાં જઈ શકાતું) પિતાની પાસે જે ગામમાં એમની નોકરી હોય તે ગામમાં ભણ્યા. પછી અંગ્રેજી ક્યાં ભણવું એનો વિચાર આવ્યો. તે વખતે આખા ઓલપાડ તાલુકામાં એક્કે અંગ્રેજી નિશાળ નહીં. નજીકમાં નજીકની અંગ્રેજી નિશાળ સુરતમાં જ. ત્યાં પિતાશ્રીના પરમ સ્નેહી શ્રી ચંદુલાલ ઘેલાભાઈ દાક્તર શાહપરમાં રહેતા. એમને ઘેર મહાદેવને મૂકી શકાય એમ હતું. પણ આવડા નાના દીકરાને સુરત જેવા શહેરમાં મૂકવાને પિતાને જીવ ચાલ્યો નહીં. (આ ચંદુલાલ દાક્તર જેમને મહાદેવની સાથે હું પણ દાક્તર કાકા કહેતો તેમનો મહાદેવ પ્રત્યેનો પ્રેમ અને મમતા એટલાં હતાં કે સને ૧૯૨૦માં જ્યારે મહાદેવને આશ્રમમાં ટાઈફૉઈડ થયેલો ત્યારે સુરતથી આશ્રમમાં આવીને દોઢેક મહિના રહેલા અને દવા આપવા ઉપરાંત જાતે સેવા ચાકરી પણ કરતા.)
દિહેણમાં થયેલું સંસ્કારસિંચન
એટલામાં દિહેણ ગામમાં ગામના જ એક વતની, નૉન–મૅટ્રિક શ્રી મણિશંકર નામના ઔદીચ બ્રાહ્મણે અંગ્રેજી નિશાળ કાઢી. પોતાના જ ગામમાં નિશાળની સગવડ થઈ એટલે મહાદેવને ત્યાં જ ઈ. સ. ૧૯૦૧ની સાલમાં અંગ્રેજી ભણવા બેસાડ્યા. એ વખતે મહાદેવને નવ વરસ પૂરાં થઈને દસમું ચાલતું હતું. આ શિક્ષક બહુ મહેનતુ, કર્તવ્યનિષ્ઠ પણ ક્રોધી હતા. જરા જરામાં ગુસ્સે થઈ જાય. તોફાની અને અટકચાળા વિદ્યાર્થીઓને પીલવણની સોટી મંગાવીને મારવા માંડે તે સેટી પૂરી થાય ત્યારે છોડે. પાંચછ છોકરાઓ, જેમાં મહાદેવના કાકાના દીકરા છોટુભાઈ પણ હતા, તેઓ તો પીલવણની સોટીને પણ ગાંઠતા નહીં; એટલે એમનાં તો માથાં પકડી ભીંત સાથે અફાળતા, અને ભીંત સાથે નાક ઘસાવતા. છતાં આ માસ્તર કેટલા સરળ અને પ્રેમાળ હતા તેનો એક દાખલો આપું. નાથુ નામના પોતાના એક ભાણેજને પોતાને ઘેર ભણવા રાખેલો. એને ગમે તેટલી સોટીઓ મારે પણ આંખમાંથી આંસુનું ટીપું ન પડે અથવા માં પણ કસાણું ન થાય. ભીંત સાથે માથું અફાળવાના પ્રયોગો કરી માસ્તર થાકે એટલે બરાડા પાડે : “ભણ્યો, ભણ્યો ! તારો બાપ મંદિરમાં સુખડવટો ઘસી ઘસીને મરી ગયો અને તું શું ભણવાનો !” થોડાં વરસ પછી પ્લેગ ફાટી નીકળ્યો તેમાં આ ભાણેજ ગુજરી ગયો. તે વખતે માસ્તરે જમીન પર આળોટીને નાના બાળકની માફક આક્રંદ કરેલું : “આ મારા નાથ ! મેં તને કેટલો મારેલો ! મને શી ખબર કે તું આમ મરી જવાનો !” એમને કાંઈ સંતાન ન હતાં. ઘરમાં બૈરી સાથે ખીજવાય ત્યારે પણ આવું જ નાટક કરતા. પણ બે ઘડી પછી દિલમાં કશું રાખતા નહીં. મહાદેવ તો માસ્તરની આ મારપીટ જોઈને જ થથરતા. જોકે એમને આ માસ્તરનો માર ખાવાનો પ્રસંગ કદી નહીં આવેલો. આ માસ્તર અંગ્રેજી ત્રણ ધોરણ સુધીના ત્રણે વર્ગો સાથે ચલવતા. મહાદેવ પહેલા ધોરણમાં હતા ત્યારે પોતાના પાઠ તો એમને આવડતા જ પણ તે ઉપરાંત બીજા અને ત્રીજા ધોરણના પાઠો ચાલતા સંભળાય તે ઉપરથી બીજા અને ત્રીજા ધારણના પાઠો તે તે ધોરણના વિદ્યાર્થીઓ કરતાં પણ સારા આવડતા. એટલે શિક્ષક એમના ઉપર બહુ પ્રસન્ન રહેતા. પાછળથી જ્યારે મહાદેવભાઈ અંગ્રેજી ભાષા અને સાહિત્યના વિદ્વાન તરીકે પ્રસિદ્ધિ પામ્યા ત્યારે પોતે મહાદેવને અંગ્રેજી ભણાવવાનો આરંભ કરેલો તેનું બહુ અભિમાન લેતા. મહાદેવ પણ તેમના પ્રત્યે હમેશાં કૃતજ્ઞતાભાવ રાખતા. પોતાની કોઈ પણ ચોપડી તેમને ભેટ મોકલવાનું ચૂકતા નહીં. પોતે સંપાદન કરેલી ‘અર્જુનવાણી’ ભેટ મોકલેલી તેમાં લખેલું: ‘આંગ્લભાષાના આદ્યગુરુને સપ્રણામ ભેટ’. ઉત્તરાવસ્થામાં શ્રી મણિશંકરભાઈ રાંદેર રહેવા ગયેલા. મહાદેવને સુરત જવાનું થાય ત્યારે ઘણું ખરું રાંદેર જઈ તેમને મળી આવતા. આ નિશાળ શ્રી મણિશંકરભાઈ એ લગભગ ત્રીસ વર્ષ ચલાવી એટલે એ નિશાળ અને એના માસ્તરને જોવાનો લાભ મને પણ મળેલો. એક વખત હું દિહેણ ગયેલો અને માસ્તરને ખબર પડી કે મહાદેવનો એક દોસ્તદાર અમદાવાદથી આવ્યો છે એટલે એમણે અંગ્રેજીનો વર્ગ બહુ ચગીને લીધેલો. કેટલાક અંગ્રેજી શબ્દોની વ્યુત્પત્તિઓ મહાદેવ પાસેથી જ જાણી હશે તે વિદ્યાથીઓને સમજાવવા માંડી અને ધાત્વર્થમાં રૂઢ અર્થ કેવી રીતે નીકળે છે તે સરસ રીતે વિદ્યાર્થીઓને શીખવ્યું. તે વખતે શાળામાં વિદ્યાથીઓની સંખ્યા વધેલી અને ત્રણે ધારણ પોતે એકલા ચલાવી શકે નહીં તેથી એક જ વર્ગને ત્રણ વરસ સુધી શીખવતા અને પહેલા ધોરણમાં દાખલ કરેલા વિદ્યાર્થીઓ ત્રીજું ધોરણ પાસ થઈ જાય ત્યારે નવા વિદ્યાર્થીઓને પહેલા ધોરણમાં લેતા. મહિનાનો એક રૂપિયો ફી લેતા. ત્રીસથી પાંત્રીસ વિદ્યાથીઓનો એમનો વર્ગ રહેતો. એ ફીની આવકમાંથી એમનું ગુજરાન ચાલતું. ગામમાં ઘણા છોકરાઓ એમને લીધે જ અંગ્રેજી શીખવા પામેલા.
રાતે જમ્યા પછી વર્ગના વિદ્યાર્થીઓને વાંચવા માટે ઘેર બોલાવે. કલાકેક ધર્મની વાતો કરે, સંધ્યા ગોખાવે અને નથુરામ શર્માએ કરેલા તેના અર્થ સમજાવે અને ત્યાર પછી લેસન કરાવે, એ એમનો ક્રમ હતો.
ફળિયામાં એક જીવણરામ વૈદ્ય કરીને સજ્જન રહેતા. એમનાં છોકરાંઓ એમને દાજી કહેતાં. તે ઉપરથી ગામનાં બધાં છોકરાં પણ દાજી કહેતાં. આ વૈદ્ય કઈ વિદ્વત્-સમાગમમાં આવેલા હતા અને છોકરાઓને ધર્મ તરફ વાળવાનો તેમનો શોખ હતો. તે ગામનાં છોકરાંઓને ભેગાં કરી ઉપનિષદોની નચિકેતા, ઉપમન્યુ, ઉદ્દાલક વગેરેની વાતો મોઢેથી કહેતા.
આ ઉપરાંત ચોમાસામાં હેલી હોય ત્યારે ખેતરમાં કામે જવાય નહીં તે વખતે ઘરડેરાઓ હાથે લખેલાં રામાયણ, મહાભારત કે ભાગવત વાંચતા. ચોમાસું પૂરું થયે ગાગરિયા માણભટો આવતા તે મહાભારતમાંની કથાઓ લલકારતા અને રામલીલાવાળાઓ આવી રામાયણના નાટક દ્વારા રામકથાના રસ લગાડતા.
ગામમાં એક સુરભાઈ શંકરજી કરીને ડિગ્રી વિનાના દાક્તર હતા. તેમને સંગીતનો શોખ હતો. તેમની પાસે મહાદેવ સંગીત શીખવા જતા. અને થોડા રાગ શીખેલા.
મહાદેવને સાત વરસની ઉંમરે જનોઈ દીધેલું. તે વખતે એમનાં બા જીવતાં. કાકાના બે દીકરાઓ જે મહાદેવ કરતાં સહેજ મોટા હતા તેમને પણ સાથે જ જનોઈ દીધેલું. પેલા મણિશંકર માસ્તરે જ ગાયત્રી મંત્ર ગોખાવેલો. એ મણિશંકરના એક ભાઈ અંકલેશ્વરનાં માસ્તર હતા. તે સંસ્કૃત સારું જાણતા. ઉનાળાની રજાઓમાં જ્યારે દિહેણ આવતા ત્યારે રાતે છોકરાઓને લઈને બેસતા અને કાલિદાસ કવિના કાવ્યોમાંથી શ્લોકો લઈને સમજાવતા તથા સંસ્કૃત સાહિત્યમાંથી વાતો કહેતા. આમ દિહેણમાં દોઢેક વરસમાં ત્રણ અંગ્રેજી ચોપડી પૂરી કરી તે દરમ્યાન ધર્મ અને સાહિત્યના સંસ્કારનું મહાદેવને સારું સિંચન મળ્યું.
જૂનાગઢના અનુભવ
હવે આગળ અંગ્રેજી ભણવાનું શું કરવું એ વિચાર થયો. નાના કાકા જૂનાગઢમાં હતા ત્યાં મોકલવાનું નક્કી થયું. જીજા (બાપુભાઈ કાકા) લવાછા નામના ગામમાં તલાટી હતા. ત્યાંથી દાંડી બંદર એક માઈલ થાય. દાંડી અને ઘેાઘા વચ્ચે મછવાની રોજની પેસેંજર સર્વિસ જતી. તેનો કંટ્રાક્ટર ઓળખીતો હતો, તે ભાડું ન લે એટલે ઘોઘા સુધી મફત જવાય એમ હતું એટલે મછવામાં જ ઘોઘા જવાનું ઠરાવ્યું. કાકાના દીકરાઓ છોટુભાઈ વગેરેને પણ સાથે જ મોકલ્યા. ઘાસતેલને દીવે વાંચે તો આંખ બગડે એમ કરી ઘેરથી દિવેલનો એક ડબો ભરી આપ્યો. દરિયામાં ઊલટી કે બેચેની ન થાય તે માટે ખાવા સારુ સૂંઠ અને ગોળની ગોળીઓ કરી આપી. અને બે દહાડાનું ભાતું બાંધી આપ્યું. બપોરે ખાઈને દિહેણથી નીકળ્યા. ૧૯૦૨ની આખરનો ભાગ અથવા ૧૯૦૩ની શરૂઆત હશે. કાકી, કાકાના બે દીકરા, મહાદેવ તથા રાંદેરના એક ગૃહસ્થ જૂનાગઢમાં સર્વેયર હતા તેમનાં ધણિયાણી અને દીકરી એટલાં હતાં. ત્રણેક વાગ્યે દાંડી પહોંચ્યા. દાંડીથી મછવો સાંજે ઉપડ્યો. સામાન્ય રીતે મછવો દાંડીથી બાર કલાકે ઘોઘા પહોંચે. પણ રસ્તે અનુકૂળ પવન ન લાગ્યા એટલે બીજે દિવસે સવારે પહોંચવાને બદલે મછવો સાંજે ઘોઘા પહોંચ્યો. ઘેરથી પીવાના પાણીનો ઘડો ભરી લીધો હતો પણ મછવામાં ચઢતાં ઘડો ફૂટી ગયેલો અને ખારવાનું પાણી પીએ તો તો વટલાવાય એટલે છેક ઘોઘા પહોંચીને પાણી પીધું. ઘોઘામાં રાતે ધર્મશાળામાં સૂઈ રહ્યા. સવારે ટાંગો કરીને ત્યાંથી બાર માઈલ દૂર ભાવનગર પહોંચ્યા. ભાવનગરમાં પહેલી જ વાર હાથી જોયો. તેથી અમે બધાં છોકરા ખૂબ ખુશ થયેલાં એમ મહાદેવ કહેતા. હરગોવિંદભાઈ જેમને દક્ષિણામૂર્તિ સંસ્થાએ મોટાભાઈ તરીકે જાણીતા કર્યા છે એ ભાવનગરમાં સ્ટેશન માસ્તર હતા. આ હરગોવિંદભાઈ, રામનારાયણ પાઠકના પિતાશ્રી વિશ્વનાથભાઈ તથા જૂનાગઢવાળા ખંડુભાઈ કાકા એ બધા નથુરામ શર્માના શિષ્યો હોઈ ગુરુભાઈઓ હતા. હરગોવિંદભાઈએ ભાવનગરમાં એમનું સ્વાગત કર્યું અને એક ખાનું રિઝર્વ કરી આપી રાતની ગાડીમાં બેસાડી દીધા. ધોળા તથા જેતલસર જંક્શનોએ ગાડી બદલી બીજે દિવસે બે વાગ્યે જૂનાગઢ પહોંચ્યા.
દિહેણવાળા માસ્તરે સર્ટિફિકેટ સાદા કાગળ ઉપર આટલું ભણ્યા છે એવું લખી આપ્યું હતું. એટલે પરીક્ષા લઈને જૂનાગઢ હાઈસ્કૂલમાં ચેાથીમાં બેસાડ્યા. કાકી જરા કપરાં હતાં, ત્રણે છોકરાઓને સવારે પાંચ વાગ્યે ઉઠાડતાં. કાકા નથુરામ શર્માના શિષ્ય એટલે નિત્યકર્મથી પરવારી નાહી ધોઈને પહેલું કામ સંધ્યા કરવાનું રહેતું. પછી કુંડ ઉપર જઈ પોતપોતાનાં કપડાં ધેાઈ આવવાનાં, ઘેર આવી દાળચોખા વીણી આપવાના ને પછી વાંચવા બેસવાનું. મહાદેવે કોઈ દિવસ કપડાં ધોયેલાં નહીં અને પાણીમાં ઊતરેલા નહીં. કુંડનાં પગથિયાં ઊતરતાં જ બીક લાગે. નીચે ઊતરતાં એટલા ગભરાય કે બેઠે બેઠે પગથિયાં ઊતરે. એટલે છોટુભાઈ એને ઉપર જ બેસાડી રાખતા અને પોતે કપડાં ધેાઈ આપતા. કાકીને આની ખબર પડી એટલે ખિજાયાં કે જાતે કેમ કપડાં ધોતો નથી ? પછી તો છોટુભાઈએ કુંડમાં ધુબકા મારવા માંડ્યા. મહાદેવ રોતા રાતા ઘેર જઈ કહે : “ છોટુ કૂવામાં ગબડી પડ્યો છે તે ડૂબી જવાનો.” કાકી દોડતાં કૂવે પહોંચ્યાં, ત્યાં તો છોટુભાઇને તરતા જોઈ બોલ્યાં : “મૂઆને તરતાં આવડતું દેહું (દેખું).’ વાત કાકા પાસે ગઈ એટલે તેમણે છોકરાઓને કુંડે કપડાં ધોવા મોકલવાનો કાર્યક્રમ બંધ કરાવ્યો. કાકીએ કૂવા ઉપ૨ કપડાં ધોવાં અને છોકરાઓએ વારાફરતી પાણી ખેંચી આપવું એમ નક્કી થયું. મહાદેવે કોઈ દહાડો પાણી ખેંચેલું નહીં, વારો આવે ત્યારે હાથ લાલચોળ થઈ જાય અને મોં રડવા જેવું થઈ જાય. એટલે છોટુભાઈએ એને પાણી ખેંચવામાંથી મુક્તિ અપાવી અને દાળાચોખા એણે એકલાએ વીણવા એમ નક્કી થયું. ત્યાંની કૉલેજના કમ્પાઉન્ડમાં એક આંબો હતો. તેના મરવા તોડીને છોકરાઓ ખાઈ જતા. એક દિવસ છોટુભાઈ ઉપર ચઢેલા, તોડીને મરવા નાખે તે મહાદેવ તથા બીજો ભાઈ નીચે ઊભા ઊભા ખાય. એટલામાં રખેવાળ આવ્યો. તેણે નીચે ઊભેલા એ બેને પકડ્યા. છોટુભાઈને પકડવા આંબા ઉપર ચડ્યો એટલે એ કૂદીને નાસી ગયા. પેલા બેને હેડમાસ્તર આગળ હાજર કર્યા. તેમણે બંનેના ચાર ચાર આના દંડ કર્યો. ખંડુભાઈ કાકા દંડ માફ કરાવવા હેડમાસ્તર પાસે ગયા પણ તેમણે કહ્યું, ‘હું જાણું છું કે આ છોકરાઓ તોફાની નથી, પણ પકડાયા છે એટલે મારે નિયમ ખાતર દંડ કરવો જ પડે.’ જૂનાગઢમાં એક વરસ રહ્યા. તે આખું વરસ દરરોજ સંધ્યા, એકાદશીના તથા બીજા વ્રતના દિવસોએ ફરજિયાત ઉપવાસ, દર પખવાડિયે એરંડિયાનો જુલાબ એ કાર્યકમ નિયમિત ચાલ્યો. નથુરામ શર્મા જૂનાગઢ આવ્યા હોય ત્યારે એમને દર્શને જવાનું. એ પૂછે : ‘કેમ બંને વારની સંધ્યા કરો છો કે ?’ આમ જૂનાગઢમાં કાંઈક કડક શિસ્તનો અનુભવ થયો.