મહાદેવભાઈનું પૂર્વચરિત/સુરત હાઈસ્કૂલમાં

← દિહેણમાં થયેલું સંસ્કારસિંચન મહાદેવભાઈનું પૂર્વચરિત
સુરત હાઈસ્કૂલમાં
નરહરિ પરીખ
લગ્ન →




સુરત હાઈસ્કૂલમાં

એટલામાં પિતાશ્રીની બદલી અડાજણ ગામે થઈ. એ તાપીને પેલે પાર સુરતથી અઢી માઈલ જ દૂર થાય. એટલે અડાજણમાં રહી સુરત હાઈસ્કૂલમાં જઈ શકાય એમ હોઈ મહાદેવ તથા એમના કાકાના બે દીકરા એમ ત્રણે ભાઈઓને ચોથી પૂરી થયા પછી જુનાગઢથી બોલાવી લીધા. અહીં ૧૯૦૩ની આખરમાં મહાદેવ અંગ્રેજી પાંચમાં ધોરણમાં દાખલ થયા. શ્રી જીવણલાલ દીવાન ગણિત શીખવતા અને રોજ પહેલો સમય એમનો રહેતો. રોજ અડાજણ ગામથી આવવાનું અને શિયાળાના દિવસ એટલે વર્ગમાં પહોંચતાં પંદરવીસ મિનિટ મોડું થતુ. તે માટે દીવાન માસ્તર એમને બાંકડા ઉપર ઊભા કરતા. મહાદેવ બિનતકરારે ઊભા રહેતા. પણ દીવાન માસ્તરે થોડા જ દિવસમાં જોયું કે છોકરો બહુ સાલસ છે અને ભણવામાં તે ભારે હોશિયાર છે એટલે આઠદસ દિવસમાં જ બાંકડા ઉપર ઊભા રાખવાનું બંધ કર્યું. મહાદેવ ઘણીવાર કહેતા કે દીવાન માસ્તર ભૂમિતિ બહુ સરસ શીખવતા તે હજી યાદ છે. ૧૯૦૬ના નવેમ્બરમાં પંદર વરસ પણ પૂરાં નહોતાં થયાં ત્યારે સુરત હાઈસ્કૂલમાંથી મૅટ્રિક પાસ થયા.

અડાજણના જીવનની આનંદમય બાજુ

ત્રણ વરસના અડાજણ ગામના વસવાટ દરમ્યાન સારામાઠા અનેક અનુભવ થયા. રોજ અડાજણથી સુરત જવા આવવાનું એટલે ખેતરોમાં ફરવાનું બહુ મળ્યું. જતી વખતે તા સીધા નિશાળે જતા પણ પાછા જતી વખતે ખેતરોમાં રસળતા રસળતા ઘેર જતા. અડાજણ સુરતની પાસે હોઈ ત્યાં ભાત અને જુવારનાં ખેતરોમાં વગર પીતનાં શાક લોકો કરે, તેમાં ખાસ કરીને સુરતી પાપડી. વળી નદીના ભાઠાનો લાભ પણ એને મળતો; તેમાં વેંગણ, મરચી, ચીભડાં વગેરે થતું. પ્રસિદ્ધ રાંદેરી બોરની બોરડીઓનાં ઝુંડ ને ઝુંડ રસ્તામાં આવે. ઘેરથી પડીકામાં મીઠું લેતા જાય અને કાકડી અને ચીભડાં મીઠા સાથે ખાતા ખાતા અને ફરતા ફરતા મોડા ઘેર પહોંચે. એપ્રિલ મહિનામાં સવારની નિશાળ થાય ત્યારે બોરની મોસમ હોય. નિશાળે જતી વખતે બાર વીણતા આવે તે શહેરના પોતાના દોસ્તદાર છોકરાઓને વહેંચે અને પાછા જતી વખતે બોર ખાતા ખાતા સાડા બાર એક વાગે ઘેર પહોંચે. પાપડીની મોસમમાં ગાંસડે ગાંસડા પાપડી સુરત વેચાવા જાય. મહાદેવ વગેરે ભાઈઓ ખેડૂતોને પાપડી વીણવામાં કોઈ કોઈ વાર મદદ કરતા. જ્યારે વીણવા જતા ત્યારે દસ શેર પાપડી એમને મળતી.

તાપીના પુલ ઉપર તે વખતે ટોલનું નાકું હતું. જવાઆવવાની છડા માણસ પાસેથી એક પાઈ અને પોટલાંવાળા પાસેથી બે પાઈ લેવામાં આવતી. નિશાળે જનારાઓ અને સરકારી નોકરોને ટોલનો ઈજારદાર માફી આપતો. પણ રવિવારને દિવસે કે મેળામાં આ લોકો સુરત જાય ત્યારે ટોલવાળો રોકતો. છોટુભાઈ તો પહેલેથી જ ખેપાની. તે  પેલાને કહે : “રજાને દિવસે નિશાળે નથી બોલાવ્યા તેની તને શી ખાતરી ? અમારી પાઈ લઈને તારો ઈજારો પૂરો થવાનો કે ?” ત્યાંથી દિહેણ સાતઆઠ માઈલ થાય તે કોઈ કોઈ વાર ચાલતા જતા. સુરતના પુલથી રાંદેર સુધીના ટાંગાવાળો બે પૈસા લેતો પણ એવા બે પૈસા તેઓ કદી ખર્ચતા નહીં. બે પૈસાનો માવો કે ચણા લઈને ખાઈશું એમ વિચાર કરતા. એક વાર ફળિયામાં પટેલના છોકરાને ટાઈફૉઈડ થયો. મહાદેવને એ છોકરા સાથે દોસ્તી એટલે મહાદેવ એને જોવા જાય અને શાહ પોરવાળા ડૉ. ચંદુલાલ (દાક્તર કાકા)ની દવા ચાલે. એક દિવસ મોડી રાતે એની તબિયત વધારે બગડી આવી. મહાદેવ એને જોવા ગયા. આવીને છોટુભાઈને કહે : “દાક્તરકાકાને બોલાવી લાવવા જોઈએ. પણ અત્યારે રાતે બાર વાગ્યે જાય કોણ ? હું બાપુજીને કહું. તું જશે ?” છોટુભાઈએ કહ્યું : “રસ્તે વડ આગળ ભૂત છે, તેથી અત્યારે કોઈ જાયબાય નહીં. પણ પટેલ એમની ઘોડી આપે તો ઘોડી પૂરપાટ મારી મૂકું અને એક સાસે સુરત જાઉં.” મહાદેવે પિતાશ્રીને વાત કરી અને છોટુભાઈને ઘોડી અપાવી. છોટુભાઈ દાક્તરને બોલાવી લાવ્યા. તેમણે દવા આપી અને પેલા છોકરાને કરાર વળ્યો. મહાદેવ કહે : “કેવું સારું થયું ? આપણને શા પૈસા પડ્યા ?”

૧૯૦૪માં સુરતમાં — ગુજરાતમાં લગભગ બધે જ — પ્લેગ ચાલ્યો એટલે નિશાળ બંધ થયેલી. દિહેણમાં પણ પ્લેગ ચાલતો. બાપુભાઈ કાકા હજીરાની નજીક ડામકા નામના ગામે તલાટી હતા, એટલે બધા છોકરાઓ બે મહિના ત્યાં રહેવા ગયેલા. એક વાર ત્યાં રામલીલા આવી તે પાંચછ દિવસ ચાલી. મહાદેવ, છોટુભાઈ વગેરે રેજ જેવા જતા. આ છોકરાઓ અંગ્રેજી નિશાળમાં ભણનારા એટલે ગામના કેટલાક કોળી લોકોએ દારૂતાડી સામે એમનાં ભાષણ ગોઠવ્યાં. મહાદેવ કહે: “હું તો પડદા પાછળ ઊભો રહીને ભાષણ કરું. બધાની સામે ઉભા રહીને બોલતાં તો મને શરમ આવે.” પછી એ પ્રમાણે મહાદેવનું ભાષણ થયું. છોટુભાઈ તો સામે ઊભા રહીને જ બોલેલા. લોકોને એ ભાષણો ગમેલાં.

એક વાર અડાજણના પટેલનો છોકરો કહે: “આ મહાદેવ કોલો કોલો (ગોરો ગોરો) છે, એને કોટ પાટલૂન અને ટોપો પહેરાવીએ તો ખરેખરા સાહેબ જેવા લાગે. વળી એને અંગ્રેજીએ ફક્કડ બોલતાં આવડે છે. ખજૂરામાં તાડીનો માંડવો છે ત્યાં જઈને એના પારસીને ગભરાવીએ. હું પટેલ થઈશ, (છોટુભાઈને) તમે કારકુન થજો અને મહાદેવ સાહેબ થાય.” પછી તો મહાદેવને શણગારીને સાહેબ બનાવ્યો, હાથમાં ફેન્સી સોટી આપી અને તાડીને માંડવે ગયા. સાહેબ આવે છે જાણી માંડવાવાળો ગભરાયો. પાણી ભેળવેલી તાડી હશે તે એણે ઢોળી નાખી. પટેલે સાહેબને માંડવો બતાવ્યો. સાહેબ તો ફડફડ અંગ્રેજીમાં બોલે અને છોટુભાઈ ગુજરાતીમાં બધું પૂછે. આમ પાંચેક મિનિટ ચાલ્યું. એટલામાં સાહેબને માથામાં ખજવાળ આવવાથી ટોપો ઉંચકવો પડ્યો. તેમાંથી ચોટલી બહાર નીકળી આવી. બધાને થયું કે ભેદ ઉઘાડો પડી જવાનો અને માંડવાવાળા પારસીનો માર ખાવાના. છોટુભાઈએ હિંમત રાખી કહ્યું : “સાહેબ વિલાયતના નથી, મદ્રાસ તરફના છે. હમણાં જ તાજા પાસ થઈને આવેલા છે.” એમ કહી વધુ થોભ્યા વિના ઝટપટ ત્યાંથી ચાલતી પકડી. પણ નિશાળે જવાનો રોજનો રસ્તો એ માંડવા પાસેથી હતો. એટલે મહાદેવ કહે: “હવે એ રસ્તે નહીં જવાના, આપણને એ પારસી હવે ઠોકવાનો છે.” થોડા દહાડા મોટી સડકને રસ્તે ચકરાવો ખાઈને જવાનું રાખ્યું.

અડાજણના માઠા અનુભવ

આમ અડાજણના દિવસો આનંદમાં પસાર થતા હતા. જોકે તેની સારી બાજુની સાથે થોડી નબળી બાજુ પણ હતી. ગામમાં કેટલુંક વાતાવરણ અતિશય અસંસ્કારી અને મલિન હતું, તેના થોડા છાંટા ઊડ્યા વિના ન રહ્યા. જમીન બહુ ઉપજાઉ અને લોકો શહેરમાં શાકભાજી અને દૂધ વેચે એટલે બે પૈસા કમાય પણ ખરા. પણ એ ધનની સાથે શહેરના નજીકપણાને લીધે શહેરના સડા પણ ગામમાં આવેલા. કોઈ કોઈ છોકરા તો શહેરમાં જઈને બગડી આવે અને જાણે મોટું પરાક્રમ કરી આવ્યા હોય તેમ એની વાતો કરે. એક પર બીજી કરવાની, બૈરાંને કાઢી મૂકવાની, એવી બધી વાતો પણ સાંભળવાની મળે. પોંકની મોસમમાં સુરતથી સહેલાણીઓ પોંક ખાવા આવે તેઓ પણ સાથે શહેરનો કંઈક ગંદવાડ લાવે. આ બધું તે વખતે પૂરું સમજેલા નહીં. પણ તેની અસર કુમળા મન ઉપર પડ્યા વિના ન રહે. એક વખત તો એક છોકરાએ મહાદેવને રાતે કઈ છોકરી પાસે લઈ જવાનું ગોઠવ્યું. ઉનાળાના દિવસ એટલે ફળિયામાં ખાટલા નાખી બધા સૂઈ રહે. પેલો છોકરો મહાદેવને બોલાવવા આવ્યો. પણ રાતે ઊઠીને જવાની મહાદેવની હિંમત ન ચાલી. મને તો ઊંઘ આવે છે, હું તો નહીં આવવાનો, એમ કહી મહાદેવે પેલા છોકરા સાથે જવાની ના પાડી. આમ હિંમતને અભાવે બચવા પામ્યા. ત્યાર બાદ લગભગ બાવીસ વર્ષે સને ૧૯૨૮માં બારડોલીચાર્યાશી તાલુકાની જમીનમહેસૂલ તપાસ કમિટી આગળ ખેડૂતોનો કેસ રજૂ કરવા મહાદેવ અને હું સાથે ફરતા અને અમારે અડાજણ ગામે પણ જવાનું થયેલું ત્યારે તે વખતની આ અને બીજી કેટલીક વાતો દુઃખ સાથે યાદ કરીને મહાદેવે કહેલું, “આવા ગંદવાડની વચ્ચે રહીને શુદ્ધ રહેવા પામ્યો તે મારો દહાડો પાધરો અને ઈશ્વરની મારી ઉપર મોટી મહેર તેથી જ.”