← એક સંતપુરુષનો સમાગમ મહાદેવભાઈનું પૂર્વચરિત
ભોળાશંભુ
નરહરિ પરીખ
એક આકરી કસોટી →




૧૦
ભોળાશંભુ

મહાદેવના જીવનમાં આવી ભગવદ્ભક્તિ અને સંત સમાગમની તમન્ના હોવાની સાથે એક પ્રકારનું ભોળપણ હતું તેની પણ અહીં નોંધ લેવી જોઈએ. શરૂઆતમાં મહાદેવ ‘ભોળાશંભુ’ના તખલ્લુસથી લખતા અને સાચે જ એ ભોળાશંભુ હતા. આમ તો દુર્ગાબહેન પણ ભોળાં છે. પણ એમનેય મહાદેવભાઈ વધારે ભોળા લાગતા. અમે હાઈસ્કૂલમાં અને કૉલેજમાં ભણતા તે વખતે મહમદ છેલ નામનો જાદુગર પ્રસિદ્ધ હતો. એક દિવસ આગગાડીમાં મહાદેવને એનો ભેટો થઈ ગયો. એણે એક પૅસેંજરની વીંટી જોવા લીધી અને ટ્રેનની બારીમાંથી બહાર ફેંકી દીધી. પેલો તો રડવા લાગ્યા. એટલે પાસેના બીજા માણસને મહમદ છેલ કહે : “ જો, તારા ખીસામાં હાથ ઘાલ તો.” પેલાએ ખીસામાં હાથ નાખ્યો તો ધૂળથી ખરડાયેલી વીંટી તેના હાથમાં આવી. આટલા ઉપરથી મહાદેવભાઈ મહમદ છેલ ઉપર મુગ્ધ થઈ ગયા ! તે વખતે એક ‘હિન્દુ સ્પિરિચ્યુઅલ મૅગેઝિન’ નીળકતું. તેમાં અધ્યાત્મવાદના લેખો સાથે ભૂતની વાતો, પ્રત્યક્ષ ભૂત મળ્યાના પ્રસંગો, તથા બીજા ચમત્કારોની વાતો આવતી. આવી વાતો ઉપર મહાદેવ શ્રદ્ધા બતાવતા એટલું જ નહીં પણ એમણે તો એ માસિક કલકત્તાથી મંગાવવા માંડયું. તેમાં એક વખત જાહેરખબર આવી કે તમારા બંને હાથના પંજાની છાપ પાડીને મોકલો અને તેની સાથે જન્મનાં તારીખ, સ્થળ અને સમય લખી જણાવો એટલે તમારી જિંદગીનો આખો અહેવાલ લખી મોકલીશું. મહાદેવે તો બધું મોકલાવ્યું અને રૂા. ૨-૨-૦નું વી. પી. આવી રહ્યું. ગમ્મત એ છે કે મહાદેવને એ પાછું ગજબ લાગ્યું અને કહેવા લાગ્યા કે સાથેમાં સાથે રહેનાર માણસ પણ આવી વિગતો ન કહી શકે.

એ વખતે એક રાણે કરીને માણસ જુહુમાં રહેતો. તે કુદરતમાં મળી આવતી વસ્તુઓને સહેજસાજ કાપીકૂપી બહુ કળામય રીતે સજાવતો. તેના આખા નાના બંગલાની અને તેની આસપાસના બગીચાની રચના અને સજાવટ કુદરતી રૂપમાં મળી આવતી વસ્તુઓથી તેણે સુંદર કળામય રીતે પોતાની જાતમહેનતથી કરી હતી. અમે વિદ્યાર્થીઓ એ ખાસ જોવા જતા. તે દર ગુરુવારે મુલાકાત આપતો અને હાથની રેખાઓ, માથું તથા ચહેરો જોઈ ભૂત અને ભવિષ્ય કહેતો. એનો બંગલો અને બગીચો ખરેખર જોવાલાયક હતાં અને એ જોવા જવાનું મન થાય એ સ્વાભાવિક હતું. પણ મહાદેવ તો બેત્રણ વાર પોતાનું ભવિષ્ય પૂછવા પણ તેને મળી આવેલા. ત્રિકાળદર્શી આયનામાં પણ મહાદેવ નાના હતા ત્યારે ગજબ ગજબની વાતો એમને દેખાતી ! આવી વસ્તુઓ ઉપર શ્રદ્ધા રાખતા છતાં એટલું સારું થયું કે તેમણે પોતાના જીવનનો કાર્યક્રમ આવા કશા ઉપર ઘડ્યો નહીં. એક વખત સીમલામાં (સને ૧૯૩૮માં) મહાદેવભાઈ એમના દીકરા નારાયણ સાથે ફરવા જતા હતા. ત્યાં કોઈ વૈરાગી જેવો માણસ કોઈક વિચિત્ર રીતે અનિમેષ દૃષ્ટિએ જોઈ રહેવાના અને એવા બીજા ચાળા કરતો જોવામાં આવ્યો. મહાદેવ તો રોકાઈને એનું નિરીક્ષણ કરવા લાગ્યા. નારાયણ આગળ ચાલવાનો આગ્રહ કરવા લાગ્યો. મહાદેવભાઈ કહે, “પેલો સાધુ કોઈ ચમત્કારી હોવો જોઈએ. એ ત્રાટક કરતો લાગે છે. આપણે એને મળવું જોઈએ.” નારાયણ કહે, “કાકા, તમને તો જેના તેના ઉપર શ્રદ્ધા બેસી જાય છે. આપણે કાંઈ ત્યાં જવું નથી.” એમ કહી એ એમને આગળ ઘસડી ગયો. છેવટે મહાદેવે બીજા કોઈની મારફત એની તપાસ કરાવી અને એ કોઈ ધૂર્ત નીકળ્યો. કોઈ સિદ્ધિની અને ચમત્કારની, ચમત્કારી દવાના પ્રયોગોની કે મંત્રતંત્રની વાત કરે તો એમાં પણ મહાદેવભાઈ લેવાઈ જતા. એમનામાં કદી પોતાનો અંગત સ્વાર્થ સાધવાની વૃત્તિ હતી જ નહીં તેથી જ આવામાં ફસાઈ જતા બચ્યા છે અને કશું માઠું પરિણામ નથી આવ્યું.