મહાદેવભાઈનું પૂર્વચરિત/એક આકરી કસોટી
← ભોળાશંભુ | મહાદેવભાઈનું પૂર્વચરિત એક આકરી કસોટી નરહરિ પરીખ |
ઓરિયેન્ટલ ટ્રાન્સલેટરની ઑફિસમાં તાલીમ → |
૧૧
૧૯૧૦માં બી. એ. પાસ થયા પછી એમ. એ.નો અભ્યાસ કરવાનો વિચાર થયો. એમને સંસ્કૃત લઈ શાંકર ભાષ્યનો પાકો અભ્યાસ કરવો હતો પણ તે વરસે રામાનુજ ભાષ્ય ચાલવાનું હોવાથી એમણે એમ. એ.નો વિચાર જ છોડી દીધો અને એલએલ. બી.નો વિચાર કર્યો. પિતા ઉપર તો ભારરૂપ થવું જ નહોતું એટલે એમણે નોકરી લઈને ભણવાનો વિચાર રાખ્યો. એરિયેન્ટલ ટ્રાન્સ્લેટરની ઑફિસમાં માસિક રૂા. ૬૦ની નોકરી મળી. પરેલમાં એારડી રાખી દુર્ગાબહેનની સાથે રહેવાનું શરૂ કયું. રામનારાયણ વિ. પાઠક અને ગિજુભાઈ બધેકા એમના પડોશી હતા. એમની સાથે સારી મૈત્રી બંધાઈ.
એક આકરી કસોટી
બીજી એલએલ. બી.ની પરીક્ષા વખતે એક કડવો અનુભવ થયો. ‘ઈક્વિટી’ (નૈતિક ન્યાય)ના વિષયમાં તેમનો અભ્યાસ બીજા વિષયોને મુકાબલે વધારે પાકો હતો. છતાં બીજે દિવસે એ જ વિષયમાં વહેલા ઊઠી આવ્યા. મિત્રોએ ધાર્યું કે ધાર્યા પ્રમાણે લખાય એમ નહીં લાગ્યું હોય એટલે ગભરાઈ ને ઊઠી ગયા હશે. જોકે જેટલું આવડે તેટલું લખ્યું હોત તોપણ પાસ તો થઈ જતે. ઘેર આવીને પોક મૂકીને રડવા લાગ્યા. એમના મોટાભાઈ છોટુભાઈએ પોતાના સ્વભાવ પ્રમાણે આશ્વાસન આપ્યું : “ગુજરાતી નિશાળના પોરિયાની પેઠે રડવા શું બેઠો છે ? શરમ નથી આવતી, લોકો જોશે તો શું કહેશે ? વળી બીજી પરીક્ષા. ઘેરથી પૈસા તો મંગાવવા પડતાં નથી. કોણ બોલવાનું છે ?” પણ વહેલા ઊઠી આવવાનું અને રડવાનું કારણ જુદું જ હતું. દુર્ગાબહેન તે વખતે મુંબઈમાં ન ન હતાં. મહાદેવ પોતાની ઓરડીમાં મોડી રાત સુધી સૂતા સૂતા વાંચતા હતા. ચાલીમાં રહેતી એક બહેન, જે એમના પર મોહિત થયેલી હશે તે આ એકાંત જોઈ એમની ઓરડીમાં આવી અને એકદમ એમની પથારીમાં સૂતી. તેણે મહાદેવ ઉપર રીતસર આક્મણ જ કરવા માંડ્યું એમ કહેવાય. મહાદેવ તો ગભરાઈ ગયા અને ઠંડાગાર થઈ ગયા. દુર્ગાબહેન પ્રત્યેની વફાદારી અને પાપભીરુ પ્રકૃતિને લીધે મહાદેવને માટે આવો વ્યવહાર શારીરિક રીતે જ અશક્ય હતો. થોડી વારે સ્વસ્થ થયા પછી પેલી બહેનને સમજાવી, તેના ધર્મનું ભાન કરાવ્યું અને ઝટપટ ચાલી જવા કહ્યું. પણ પછી મહાદેવને આખી રાત ઊંઘ ન આવી. બીજ દિવસે પણ ખૂબ અસ્વસ્થ રહ્યા અને પરીક્ષાના મંડપમાં તે બધું ચકરચકર ફરતું જ લાગ્યું એટલે કાંઈ લખ્યા વિના ઊઠી આવ્યા. આ વાત દુર્ગાબહેન સિવાય બીજા કોઈ ને એમણે નહીં કરેલી. બીજે વરસે એલએલ. બી.ની પરીક્ષા વખતે અમે સાથે રહેતા ત્યારે એક વાર સૂતા સૂતા અમે અમારા આ પ્રકારના અનુભવની વાત કરતા હતા ત્યારે મને આ વાત કહેલી.
મહાદેવ અને હુંં એલએલ. બી. સને ૧૯૧૩માં સાથે પાસ થયેલા. તેમની સાથે મારી મૈત્રી પ્રથમ તો પરોક્ષ થયેલી. ઇન્ટર પાસ થયા પછી મારા એક બહુ ઘનિષ્ટ મિત્ર મનુભાઈ મહેતા સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ભણવા અમદાવાદથી મુંબઈ ગયા અને તે પણ ગોકુળદાસ તેજપાળ બોર્ડિંગમાં રહેતા. ત્યાં તેમને મહાદેવ સાથે ગાઢ મૈત્રી થઈ. હું તો અમદાવાદ ગુજરાત કૉલેજમાં જ હતો. મિત્રના મિત્ર તરીકે મહાદેવ સાથે મારે પત્રવ્યવહાર શરૂ થયો. અમે પ્રત્યક્ષ મળ્યા ૧૯૧૧ની આખરમાં બાદશાહ પંચમ જ્યૉર્જ હિંદ આવેલા અને તેમનું સ્વાગત કરવા એપૉલો બંદર ઉપર વિશાળ એમ્ફિથિએટર બાંધવામાં આવેલુ ત્યાં. એ થિયેટરમાં જવાનો મારે માટેનો પાસ પણ ભાઈ મહાદેવે જ આણી આપેલો. ત્યાર પછી હું એલએલ. બી.ના અભ્યાસ માટે મુંબઈ ગયો. એક વીમા કંપનીમાં નોકરી કરતો અને ઓરડી રાખી સાન્તાક્રૂઝ રહેતો. મહાદેવ પરેલ રહેતા. અમે અવારનવાર લૉ કૉલેજમાં અને ઘેર જતાં લોકલ ટ્રેનમાં મળતા. સેકન્ડ એલએલ. બી.ની છેલ્લી ટર્મમાં અમે ઘણા વિદ્યાર્થીઓ ગ્રાન્ટરોડ સ્ટેશન પાસે પાર્વતી મેન્શન જે તે વખતે નવું બંધાયેલું ત્યાં રહેવા ગયેલા. છેલી ટર્મમાં વાંચવા ખાતર મેં નોકરી છોડી દીધેલી, પણ ઓરડી ચાલુ રાખેલી અને એકલો જ રહેતો. મહાદેવે તો ઓરડી પણ કાઢી નાખી હતી. મનુભાઈ સહકુટુંબ પાર્વતી મેન્શનમાં રહેતા. એમને ત્યાં અમે બંને જમતા. આ વખતે મહાદેવ અને હું બહુ જ ગાઢ પરિચયમાં આવ્યા અને અમારો સંબંધ સગાભાઈ કરતાં પણ અધિક થઈ ગયો.
કસોટીના બીજા પ્રસંગો
પોતાની બધી વાતો તેમણે બાપુજીને કહેલી તેમાં એલએલ. બી.ની પરીક્ષા વખતની આ કસોટીની વાત પણ કરી હશે. ભવિષ્યમાં આવા ચાર અનુભવ મહાદેવને થયેલા–બે હિંદી બહેનો સાથે અને બે યુરોપિયન બહેનો સાથે. હિંદી બહેનો સાથે કંઈક ઊંડા પાણીમાં ઊતરી ગયેલા, પણ શરીરની શુદ્ધિ જાળવી શકેલા. મનને લાગેલો મેલ પશ્ચાત્તાપના આંસુ વડે ધોઈ નાખવા એ શક્તિમાન થયા હતા એમ મારો આત્મા સાક્ષી પૂરે છે. યુરોપિયન બહેનો સાથેના પ્રસંગમાં તો તેઓ આરંભથી જ પૂરા જાગ્રત રહી શકેલા. આ ચારે બહેનોને તેમણે સન્માર્ગે વાળી છે. આ વિષે કિશોરલાલભાઈએ બહુ સુંદર ભાષામાં લખ્યું છે એટલે એમના જ શબ્દો ઉતારું છું :
“મહાદેવભાઈનાં સૌજન્ય, સ્ત્રીદાક્ષિણ્ય, સાહિત્ય–સંગીત–કલા વગેરેમાં નિપુણતા, કોમળ ભાવનાઓથી ભરેલો સ્નેહવશ થનારો સ્વભાવ, હૃષ્ટપુષ્ટ અને મનહર તારુણ્ય —આ બધાં કારણોથી એમને એકથી અધિક વાર બહુ નાજુક પરિસ્થિતિનો મુકાબલો કરવો પડેલો. સાધારણ રીતે સ્ત્રીઓ આક્રમણશીલ નથી હોતી પણ એમ લાગે છે કે ક્યારેક ક્યારેક જીવનથી અસંતુષ્ટ થયેલી, દુઃખી અને કોઈના હાથમાં ફસાઈ ચૂકેલી બહેનો સમભાવી અને સમર્થ પુરુષનો આશ્રય ખોળવામાં આક્રમણશીલ પણ થઈ જાય છે. મહાદેવભાઈને બે ચાર વાર આવો અનુભવ થયેલો. હનુમાન જેવા નૈષ્ઠિક બ્રહ્મચર્યનો તે દાવો કરી શકે તેમ નહોતું. પણ એમની વફાદારીની ભાવના હનુમાનથી ઓછી નહોતી અને વફાદારી કેવળ સ્વામી પ્રત્યે જ નહીં, પત્ની પ્રત્યે પણ એટલી જ તીવ્ર હતી. એ વફાદારીએ એમને બચેલા રાખ્યા, અને બહુ કુનેહથી એમણે એવી બહેનોને સીધા માર્ગ પર રાખી તથા ચઢવામાં મદદ કરી અને સાથે સાથે પોતાના ચારિત્ર્યની પણ રક્ષા કરી.
“હનુમાનના નૈષ્ઠિક બ્રહ્મચર્યનું એમને સૌભાગ્ય ન હતું. પરંતુ પરસ્ત્રીના મોહથી બચવામાં સફળ થવાનું ચારિત્ર્ય એમણે સિદ્ધ કર્યું. એમાં એમને ઘણી મુસીબત, માનસિક ક્લેશ તથા પરિતાપનોયે અનુભવ કરવો પડેલો. એ અનુભવોથી એમની સ્વભાવસિદ્ધ નમ્રતામાં ઓર વધારો થયો.”