મહાદેવભાઈનું પૂર્વચરિત/એક સંતપુરુષનો સમાગમ

← અભ્યાસપરાયણતા મહાદેવભાઈનું પૂર્વચરિત
એક સંતપુરુષનો સમાગમ
નરહરિ પરીખ
ભોળાશંભુ →





એક સંતપુરુષનો સમાગમ

કૉલેજમાં હતા તે વખતે ગોધરાના એક ભગતજીનો સમાગમ થયેલો, જે ભગતજીના અવસાન સુધી ચાલુ રહ્યો. તેમણે એમના જીવનને ભક્તિરસથી તરબોળ કરેલું એમ કહેવામાં અતિશયોક્તિ નથી. મહાદેવ મૅટ્રિક કલાસમાં હતા ત્યારે જ પિતાશ્રીની બદલી વલસાડ થયેલી એ કહેવાઈ ચૂકયું છે. વલસાડમાં ગોધરાના આ ભગતજી—પુરુષોત્તમ સેવકરામ—આવતા. તેઓ જુવાન હતા ત્યારે તેમને કોઈ અવધૂતની સેવા કરવાનું સૂઝ્યું અને તેની કૃપાથી તેમની દૃષ્ટિ ફરી ગઈ. ઘેલા જેવા ભટકવા લાગ્યા. અનેક તીર્થોમાં ખૂબ પર્યટન કર્યું અને ઘણા લાંબા તીર્થાટન પછી શાંત થઈ ઘેર રહી પોતાના બાપીકો કુંભારનો ધંધા કરવા લાગ્યા. નાનાં ઘાટીલાં વાસણો ઘડવાનો તેમનો ધંધો સારો ચાલતો. ધંધામાંથી બચતો બધો વખત તેઓ ભજનમાં ગાળતા. તેમનું ગુજરાતી ભાષાનું જ્ઞાન સાધારણ લખતાં વાંચતાં આવડે એટલું જ હતું. સંસ્કૃત તો જરાયે આવડતું નહીં. ગીતા કે ઉપનિષદો ગુજરાતીમાં પણ તેમણે વાંચેલાં નહીં. આપણા સંતોનાં ભજનો એ જ તેમનાં ગીતા અને ઉપનિષદો હતાં. પોતાના ધંધામાં અને ભજનની ધૂનમાં તેઓ દિવસ નિર્ગમન કરતા ત્યાં એમની પાસે જનારા ગોધરાના કોઈ માણસ મારફત ભૂલા પડેલાને રસ્તો દેખાડનાર આ કોઈ સંત છે એમ બહારના માણસોના જાણવામાં આવ્યું. તેથી તેમની શાંતિ તૂટી હશે કે કેમ તે તો કહી શકાય નહીં પણ ગુજરાતના ઘણા માણસોને શાંતિ આપવાનું કામ ઈશ્વરે જ જાણે એમના ઉપર નાખ્યું. અનેક વિદ્વાનો, તત્ત્વવેત્તાઓ અને ભક્તોને સેવનાર સ્વ. શેઠ વસનજી ખીમજીને તેમની જાણ થઈ અને તેમણે તેમની પાસે વાસણ ઘડવાનો ધંધો છોડાવી માણસો ઘડવાનો ધંધો આદરાવ્યો.

મહાદેવભાઈ લખે છે કે : “મારો એ સંતપુરુષનો પરિચય મારા પિતા મારફતે થયેલો. કૉલેજમાં અભ્યાસ કરતા તે વેળા સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો અને તે દ્વારા રામકૃષ્ણ પરમહંસનો કંઈક પરિચય મને થયો હતો. એ પરમહંસની પ્રતિમૂર્તિ આ પુરુષમાં મને જોવાની મળી. એ પરમહંસનાં વચનોનું રહસ્ય આ સંતપુરુષનાં વચનોથી મને સમજાયું.”

પિતાશ્રી વલસાડ હતા ત્યારે આ ભગતજી તેમના એક મિત્રને ત્યાં વલસાડ પ્રસંગોપાત્ત આવતા અને પંદરવીસ દિવસ રહેતા. મંડળી ભેગી થાય અને તેમાં ભજનો ગવાય. રજાઓમાં મહાદેવ વલસાડ ગયા હોય અને ભગતજી ત્યાં આવ્યા હોય ત્યારે મહાદેવ પણ આ મંડળીમાં ભળતા. ભગતજી એની પાસે ભજન ગવડાવતા. મુંબઈમાં શેઠ વસનજી ખીમજીને ત્યાં ભગતજી આવ્યા હોય ત્યારે ભગતજીને મળવા મહાદેવ એમને ત્યાં વસનજી પાર્ક—દાદર જતા. ૧૯૧૨માં એક વાર પોતાના ભાઈ છોટુભાઈની સાથે મહાદેવ ભગતજીને મળવા એમને ઘેર ગોધરા ગયેલા. તેનું વર્ણન છોટુભાઈ આ પ્રમાણે આપે છે : “રાતે દસ વાગ્યે સ્ટેશને ઊતર્યા. ભગતજી સામા મળ્યા. મહાદેવ કહે : ‘બાપજી તો સામા મળી ગયા.’ અમને ઘેર લઈ ગયા અને ભગતજી કહે ‘સંત આવ્યા.’ બીજે દિવસે તળાવે નાહ્યા પછી ધોતિયાં પણ જક કરીને ભગતજીએ ધોયાં એટલું જ નહીં પણ ઘેર પાછા જતાં ઊંચકવા પણ ન દીધાં. કહે : ‘સંતની સેવા કરવાનો લાભ કાંઈ ઘડી ઘડી મળે છે ?’ પછી ભજન ચાલ્યાં. ભજન થઈ રહ્યા પછી મહાદેવ કહે: ‘મારો તો ઓશિયાળો અવતાર છે. ભણ્યો તે પણ લોકોને પૈસે. લોકો પરમાર્થ કરે છે, અને હું તેનો લાભ ઉઠાવું છું.’ ભગતજી કહે : ‘એનો સંતાપ કરવાનો હોય નહીં. નાટક જોવા જાઓ છો ને ? કોઈ રાજા થઈને આવે છે, કોઈ સિપાઈ થઈને આવે છે. પણ તેમને પોતાનો પાઠ જ ભજવવાનો હોય છે. રાજા પણ જાણે કે હું તો નટ છું. ભૂલ પડી ને પાછળ પડી ગયા તો મૅનેજરના કોરડા પડે છે. તેમ આપણને દુનિયામાં પ્રભુએ પાઠ ભજવવા મોકલ્યા છે. જે પાઠ એણે આપ્યો હોય તે બરાબર ભજવવો જોઈએ. બીજો ત્રીજો વિચાર કરવાનો ન હોય. ગમે તેવી જગ્યા ઉપર હોઈએ તો પણ એમ જ માનવું કે આપણને નાટક ભજવવા જ મોકલ્યા છે. ધણી તો પ્રભુ છે. તેણે સોંપ્યું છે તે આપણે કરવાનું છે. માટે આવા વિચાર ન કરવા.’ ભગતજીએ આગ્રહ કરીને એક દિવસ વધારે રોક્યા. જતી વખતે સ્ટેશને મૂકવા આવ્યા, ને મહાદેવના હાથમાં વિદાયગીરીના બે રૂપિયા મૂક્યા, એમ કહીને કે ‘તમે બચ્ચાંને, સંતને ખાલી હાથે પાછા મોકલાય ?’ આખી ગાડીમાં મહાદેવ કહે ; "સંત તો આનું નામ. બે દિવસમાં એમની હાલતમાં કશો ફેરફાર જોયો ? આપણે ગમે તેટલા વિચાર કરીને જઈએ, પણ એમની હાજરીમાં પહોંચતાં જ કેવા તદ્રૂપ અને શાંત થઈ જઈએ છીએ ! કેટલા નમ્ર છે. નાનામાં નાનું કામ પણ જાતે કરે છે. અને સેવાભાવ કેટલો છે ? આપણને કશું કરવા દીધું ? શીખવાનું આ જ છે." આ ભગતજીનોના દેહાંત ૧૯૨૬માં થયો ત્યારે એમને વિષે ‘નવજીવન’ (વર્ષ ૮, અંક ૧૧, તા. ૧૪–૧૧–૧૯૨૬)માં ‘એક સંતનો દેહત્યાગ’ એ નામનો લેખ મહાદેવે લખેલો. તેમાં એ લખે છે : “સામાન્ય રીતે ગૂઢ લાગતી વસ્તુ સમજાવવાની તેમની રીત અજબ હતી. તેમને અક્ષરજ્ઞાન તો બહુ હતું નહીં એટલે બધું પ્રાકૃત રીતે જ એ સમજાવતા. . . . ગીતાનો સિદ્ધાંત શો ? એમ સવાલ પૂછીને પોતે જ કહે, ‘જુઓને ગીતાનું રટણ કરો તો ગીતા–ગીતા–તાગી–તાગી એમ સમજાય છે ને ! જેણે દેહબુદ્ધિ ત્યાગી છે તેણે ગીતાને જાણી . . .’ એક વાર એક સમર્થ પંડિતને મોક્ષનો અર્થ સમજાવતાં તેમણે ચોંકાવ્યા હતા. 'મોક્ષમાં બે શબ્દ છે – મોહ અને ક્ષય, મોહનો ક્ષય એટલે મોક્ષ જ છે.' ” પણ મુખ્યત્વે તેઓ ભજન દ્વારા જ ઉપદેશ કરતા. તેમાં ખૂબી એ આવતી કે મળવા આવનાર માણસની જેવી જિજ્ઞાસા હોય અથવા જેવા ઉપદેશની એને જરૂર હોય એવું ભજન અનાયાસે જ તેમના મુખમાંથી નીકળતું. અહંકાર અને દેહાધ્યાસ ટાળવાનું સાધન નમ્રતા અને સેવા છે એ તેઓ ઠોકી ઠોકીને કહેતા.

નમિયા સો તો સાહેબને ગમિયા પ્યારે,
નમિયા સોઈ નર ભારી રે જી.
નારદ નમિયા ને આવી ગરીબી ત્યારે
મટી ગઈ દિલડાની ચોરી રે જી.
ઢીમર ગુરુએ ઉપદેશ આપ્યો, ત્યારે
મટી લખચોરાશીની ફેરી રે જી.

વળી કહે :

ઊંચા ઊંચા સૌ ચલે, પણ નીચા ન ચલે કોઈ
જો નીચા નીચા કોઈ ચલે તો સબસે ઊંચા હોઈ,
રામરસ ઐસા હૈ મેરે ભાઈ !

ધ્રુવે પિયા, પ્રહલાદે પિયા, પિયા પીપા ને રોહીદાસ
પીતાં કબીરાં છક રહ્યા, ઔર ફેર પીવનકી આસ.
રામરસ ઐસા હૈ મેરે ભાઈ !

મહાદેવ લખે છે : “આ ‘રામરસ’વાળું ભજન ગાતાં તેમનામાં જે મસ્તી અને ખુમારી મેં જોઈ છે તેવી ભાગ્યે જ બીજે ક્યાંયે જોઈ છે.” લગભગ પંદર વર્ષ આ ભગતજીનો સત્સંગ વખતોવખત કરવાનું સદ્‌ભાગ્ય મહાદેવને સાંપડ્યું હતું.