મહાદેવભાઈનું પૂર્વચરિત/અભ્યાસપરાયણતા

← ખેલદિલી અને વિનોદવૃત્તિ મહાદેવભાઈનું પૂર્વચરિત
અભ્યાસપરાયણતા
નરહરિ પરીખ
એક સંતપુરુષનો સમાગમ →





અભ્યાસપરાયણતા

એ કહેવાની જરૂર નથી કે કૉલેજમાં પોતાના પ્રોફેસરોમાં અને હોશિયાર સહાધ્યાયીઓમાં તેઓ બહુ પ્રિય થઈ પડેલા હતા. એમના સહાધ્યાયીઓમાં એમનો વિશેષ સંબંધ શ્રી વૈકુંઠભાઈ ઉપરાંત ‘બોમ્બે ક્રોનિકલ’વાળા શ્રી બ્રેલવી અને તેમાં કળાવિવેચનની કતારો લખનાર શ્રી કે. એચ. વકીલ સાથે હતો. એ સંબંધ જિંદગી પર્યંત રહ્યો.

તેઓ જ્યુનિયર બી. એ.ના ક્લાસમાં હતા ત્યારે કૉલેજ મૅગેઝિન માટે અંગ્રેજીમાં એક કાવ્ય લખ્યું હતું. તે ઉપરથી અંગ્રેજીના પ્રોફેસરે તેમને બોલાવીને કહેલું કે તમારું કાવ્ય સારું છે પણ તમને અંગ્રેજીમાં કે બીજી ભાષામાં આ ઉંમરે કાવ્યો ન લખવાની મારી સલાહ છે. ખૂખ વાંચો, મોટા મોટા કવિઓનાં ઉત્તમ કાવ્યોનું પરિશીલન કરો અને પછી લખવાની ઊર્મિ થઈ આવે તો લખજો. એ સલાહ એમણે તરત જ માની લીધી. પરિસ્થિતિનું ચોક્કસ નિરીક્ષણ અને ઊંડો અભ્યાસ કર્યા વિના આપણા જુવાનિયાઓ વૃત્તવિવેચન અથવા પત્રકારિત્વમાં પડે છે તે વિષે તો મહાદેવભાઈ ઘણી વાર પોતાનું દુઃખ પ્રગટ કરતા. અભ્યાસ વિના લખવા જતાં પ્રામાણિકતા જળવાતી નથી અને વિચારો સ્થિર અને પરિપક્વ થયા પહેલાં લખવા  માંડવાથી પોતાની પ્રગતિ અટકી જાય છે અને નકામું અને હીન પ્રકારનું સાહિત્ય ઊભરાય છે, એવી ચેતવણી તેઓ ઊગતા લેખકોને વારંવાર આપતા.

વિવિધ વિષયોમાં રસ

વાચનનો શોખ તો તેમને પહેલેથી હતો. કૉલેજનાં તે તે વિષયનાં પાઠ્યપુસ્તકો ઉપરાંત એ વિષયને લગતું અને બીજું પણ ઘણું સાહિત્ય તેઓ વાંચતા. એમનો શોખનો વિષય બીજાને સાહિત્યનો લાગે કારણ ગુજરાતી, અંગ્રેજી અને સંસકૃત ઉપરાંત બંગાળી, હિંદી અને મરાઠી સાહિત્યનું તેમનું વાચન વિશાળ હતું. ભણતા ત્યારે પણ કાવ્યો, નાટકો અને નવલકથાઓ ઘણી વાંચતા. છતાં બી. એ.માં ઐચ્છિક વિષય તરીકે તેમણે ફિલસૂફી લીધી હતી. તેમાં પણ ઔચિત્ય હતું. કારણ એ વિષયમાં પણ તેમને ઊંડો રસ હતો. એક વખત તમને કેવી ચોપડીઓ વાંચવી ગમે એ પ્રશ્નના જવાબમાં તેમણે કહેલું કે વ્યક્તિ તથા સમાજનાં જીવનના પ્રશ્નોની છણાવટ કરતા તમામ પ્રકારના સાહિત્યનો મને શોખ છે. છેક બાલ્યાવસ્થામાંથી તેમના ઉપર ધાર્મિક ભાવનાઓનું સિંચન થયેલું એ આપણે જોયું છે. તેને લીધે તેમની જન્મજાત ધાર્મિક વૃત્તિને પોષણ મળેલું. એમણે ઐચ્છિક વિષય ફિલસૂફીનો લીધેલો એ વિષે શ્રી વૈકુંઠભાઈ કહે છે : “આરંભથી જ ભાઈ મહાદેવમાં ધાર્મિક વૃત્તિ હતી. તત્ત્વજ્ઞાનના અભ્યાસથી તે જાગ્રત થઈ એમ માનવા કારણ નથી. પણ તે વિષયના ઊંડા અભ્યાસને કારણે તેમની ધાર્મિક ભાવનાઓ દૃઢ થઈ એમાં સંશય નથી. જુદા જુદા દેશનાં તત્ત્વજ્ઞાનનાં શાસ્ત્રો વાંચવા સમજવાની જે તક તેમને કૉલેજના અભ્યાસ દરમ્યાન મળી તેની પૂર્ણ અસર તેમના જીવન ઉપર થઈ અને તેનો લાભ તેમણે જનતાને પહોંચાડ્યો.” પૂર્વના અને પશ્ચિમના ધર્મ, તત્ત્વજ્ઞાન તથા કાવ્યના ગ્રંથોનો તેમનો અભ્યાસ કેટલો વિશાળ અને ઊંડો હતો તેને ખ્યાલ ગાંધીજીના ‘અનાસક્તિયોગ’ના અંગ્રેજી ભાષાન્તરની ‘માય સબમિશન’ (મારૂં નિવેદન) એ નામની તેમણે જે વિદ્વત્તાપૂર્ણ પ્રસ્તાવના લખી છે તે ઉપરથી આવે છે.