મહાદેવભાઈનું પૂર્વચરિત/ગિરમીટ પ્રથા રદ કરાવવાનું આંદોલન

← બાપુજી સાથેનો પહેલો પ્રસંગ મહાદેવભાઈનું પૂર્વચરિત
ગિરમીટ પ્રથા રદ કરાવવાનું આંદોલન
નરહરિ પરીખ
હું આશ્રમમાં જોડાયો →




૧૬
ગિરમીટ પ્રથા રદ કરાવવાનું આંદોલન

મારું આશ્રમમાં જવાનું વધતું ગયું. આફ્રિકા, ફિજી વગેરે વસાહતોમાં હિંદી મજૂરોને પાંચ વર્ષની બંધણીથી ગોરા જમીનદારોનાં વિશાળ વાવેતરો ઉપર મજૂરી કરવા લઈ જવાની પ્રથા જે ‘ઍગ્રીમેન્ટ’ શબ્દના અપભ્રંશ ઉપરથી ગિરમીટ પ્રથાને નામે ઓળખાતી તે બંધ કરવાનો ઠરાવ મોરલી–મિન્ટો સુધારા પ્રમાણે નવી રચાયેલી દિલ્હીની વડી ધારાસભામાં ગોખલેજીએ સને ૧૯૧૨માં રજૂ કર્યો હતો પણ સરકારે તેનો કશો અમલ કર્યો ન હતો.

૧૯૧૬ના માર્ચમાં પંડિત માલવીયજી વડી ધારાસભામાં ફરી એ ઠરાવ લાવ્યા. વાઈસરૉય લૉર્ડ હાર્ડિંગે ઠરાવનો સ્વીકાર કરતાં કહ્યું કે સરકાર એ પ્રથાને વખત આવ્યે (in due course) રદ્દ કરવાનું વચન આપે છે. બાપુજીને આથી સંતોષ થયો નહીં અને તેમણે સરકાર સાથે પત્રવ્યવહાર ચલાવ્યો. ‘વખત આવ્યે’નો અર્થ વાઈસરૉયે એ કર્યો કે ‘બીજી વ્યવસ્થા દાખલ કરી શકવા માટે જેટલા વાજબી વખતની જરૂર પડે એટલા વખતમાં.’ આથી નેતાઓને સંતોષ ન થયો અને ૧૯૧૭ના ફેબ્રુઆરીમાં આ પ્રથાને તુરત બંધ કરવાનું ‘બિલ’ ધારાસભામાં રજૂ કરવા પરવાનગી માગવામાં આવી. તે વખતે વાઈસરૉયપદે લૉર્ડ ચૅમ્સફર્ડ આવ્યા હતા. તેમણે પરવાનગી ન આપી. બાપુજીને લાગ્યું કે આની સામે દેશવ્યાપી આંદોલન કરવું જોઈએ અને જરૂર પડે તો સત્યાગ્રહની લડત માટે આ યોગ્ય મુદ્દો હોઈ લડત આપવી જોઈએ. નેતાઓની સાથે મસલતમાં તેમણે જણાવ્યું કે ‘તુરત બંધ કરવો’ એ શબ્દનો પણ આપણે એક અર્થ કરીએ અને સરકાર જુદો જ અર્થ કરે, તેથી આપણો ઠરાવ ‘૧૯૧૭ના જુલાઈની ૩૦મી પહેલાં પ્રથા બંધ થવી જોઈએ’ એવો હોવો જોઈએ. આ આંદોલનને અંગે બાપુજીને વાઈસરૉય સાથે તથા નેતાઓ સાથે વાતો થતી તેમાંથી જાહેર કરવા જેવી વાતો તેઓ આશ્રમની પ્રાર્થના પછી કરતા. જ્યારે બાપુજી અમદાવાદમાં હોય ત્યારે પંડ્યાજી અચૂક આશ્રમમાં જતા અને હું પણ ઘણી વાર તેમની સાથે જતો. આશ્રમમાં મળવા આવનારને બાપુજી એ પણ પૂછતા કે સત્યાગ્રહ થાય તો જેલમાં જવા તૈયાર છો ને ? પંડ્યાજીએ અને મેં હા કહેલી. મહાદેવ તે વખતે બૅંકના ઈન્સ્પેક્ટરની નોકરીમાં જ હતા. આશ્રમમાં થતી બાપુજીની બધી વાતોના લાંબા લાંબા કાગળો હું મહાદેવને લખતો અને મુંબઈના અમારા મિત્રમંડળમાં તે રસથી વંચાતા. કહેવાની જરૂર નથી કે દેશવ્યાપી આંદોલન અને બાપુજીના દૃઢ વલણને પરિણામે વાઈસરૉયે ગિરમીટ પ્રથા ૩૦મી જુલાઈ પહેલાં નાબૂદ કરવાનું જાહેર કર્યું.