મહાદેવભાઈનું પૂર્વચરિત/હું આશ્રમમાં જોડાયો
← ગિરમીટ પ્રથા રદ કરાવવાનું આંદોલન | મહાદેવભાઈનું પૂર્વચરિત હું આશ્રમમાં જોડાયો નરહરિ પરીખ |
બાપુજીએ મહાદેવને માગી લીધા → |
૧૭
હું આશ્રમમાં જોડાયો
આ અરસામાં જ એટલે ૧૯૧૭ના એપ્રિલમાં બાપુજીએ ચંપારણમાં સત્યાગ્રહનો પ્રયોગ કર્યો. તેમને ચંપારણ જિલ્લો છોડી જવાની નોટિસ આપવામાં આવી હતી અને તેનો ભંગ કર્યા બદલ તેમની ઉપર જે તારીખે કેસ ચાલવાનો હતો તેની આગલી રાતે તેમણે ઘણા મિત્રોને કાગળો લખેલા અને પોતાના હાથ પરનાં કામકાજની ભાળવણી કરેલી. આશ્રમમાં મગનલાલભાઈ ગાંધી ઉપર સૂચનાઓથી ભરેલો કાગળ લખેલો તેમાં મારે વિષે લખેલું કે ભાઈ નરહરિને આશ્રમના જેવા જ ગણશો. તેના ઉપર મારી આંખ ઠરી છે. અમદાવાદનું કાંઈ પણ કામ એને સોંપવામાં સંકોચ ન રાખશો. આ કાગળ મને મગનલાલભાઈ એ વંચાવ્યો ત્યારે મારા હરખનો પાર ન રહ્યો. એ ઉનાળાની રજાઓ દરમ્યાન મેં આશ્રમમાં રહેવા વિચાર કરેલો અને તે માટે બાપુની રજા મેળવી લીધેલી. હું આશ્રમમાં રહેવા ગયો તે વખતે ગુજરાત કૉલેજના પ્રો. સાંકળચંદ શાહ અને કાકાસાહેબ આશ્રમમાં હતા. આશ્રમમાં રાષ્ટ્રીય શાળા સ્થાપવાનો તેમણે બાપુજી સાથે વિચાર કરી રાખેલો અને તેના અભ્યાસક્રમની તથા બીજી બધી વિગતોની ચર્ચાઓ તેઓ કરતા તેમાં હું ભાગ લેતો. છેવટે તેમણે વૈશાખ સુદ ૧૫ એટલે બોધિજયંતી, તા. ૭મી મેનો દિવસ શાળાના મંગળમૂહુર્ત માટે નક્કી કર્યો. બે દિવસ અગાઉ જ તેમને મેં કહ્યું કે બાપુજીની સંમતિ મળી જાય તો હું પણ શાળામાં જોડાવા તૈયાર છું. મગનલાલભાઈ ગાંધીએ કહ્યું કે બાપુજીની સંમતિ છે જ એમ તમે માની લો.
મેં આ નિર્ણય તત્કાળ જ કરી લીધેલો. મારાં કુટુંબીજનોને કે સ્નેહીસંબંધીઓને પૂછેલું કરેલું નહીં. પૂછવા જાઉં તો સંમતિ ન મળે એવી મારી ખાતરી હતી. મારા નિર્ણયની જાણ થઈ ત્યારે મારા કુટુંબમાં ભારે ખળભળાટ થયો. સ્નેહીઓ તથા કેટલાક વકીલો જેઓ મુરબ્બી તરીકે મારામાં રસ લેતા તેમને પણ લાગ્યું કે આણે આપણી સલાહ પણ ન પૂછી ! એક સબ-જજે તો મને મળી જવાનો સંદેશ પણ મોકલ્યો. તેઓ મને સમજાવીને મારો નિર્ણય ફેરવાવવા ઇચ્છતા હતા. ફક્ત એક દાદાસાહેબ માવળંકર આ વાત સાંભળી મને અભિનંદન આપવા આશ્રમમાં આવેલા. મહાદેવ અને હું તો ઘણા વખતથી આવા વિચાર સેવતા જ હતા. પણ છેવટનો નિર્ણય મેં તો અચાનક જ કરી નાખેલો એટલે તેઓ હર્ષિત થયા અને પહેલી તકે મને મળવા આશ્રમમાં આવ્યા.
મહાદેવના અંગ્રેજીએ બાપુજીનું ધ્યાન ખેંચ્યું
તેઓ આવ્યા તે વખતે બાપુ પણ આશ્રમમાં હતા. બાપુજીએ સત્યાગ્રહનું સ્વરૂપ સમજાવનારી એક પત્રિકા ગુજરાતીમાં લખી હતી. તેનું અંગ્રેજી કરવાનું કામ તેમણે અમને શિક્ષકોને સોંપ્યું. અંગ્રેજી ભાષાની બાપુજીની કસોટીમાંથી અમરામાંથી કોઈ પાસ થાય તેમ નહોતું તે અમે જાણતા હતા એટલે અમે કાંઈક મૂંઝવણમાં હતા. તે જ દિવસે મહાદેવ આવી પહોંચ્યા એટલે મેં એમને જ અનુવાદનું કામ સોંપી દીધું. સાંજે ચાર વાગ્યે એ લઈને અમે બાપુજી પાસે પહોંચ્યા. આ અનુવાદ બાપુજી સુધારતા હતા તે વખતે મહાદેવે બાપુજી સાથે તે વિષે ઠીક ઠીક ચર્ચા કરી. મહાદેવના આ અનુવાદ અને સુધારવા દરમ્યાન તેમની ચર્ચાએ બાપુજીના હૃદયમાં મહાદેવભાઈને વિશેષ સ્થાન અપાવ્યું.