મહાદેવભાઈનું પૂર્વચરિત/રમતગમતનો શોખ નહીં

← મુંબઈ પ્રયાણ મહાદેવભાઈનું પૂર્વચરિત
રમતગમતનો શોખ નહીં
નરહરિ પરીખ
ખેલદિલી અને વિનોદવૃત્તિ →




રમતગમતનો શોખ નહીં

અહીં એમના જીવનની એક ખાસ હકીકત નોંધી લઉં. વૈકુંઠભાઈ એ લખ્યું છે કે રમતગમતનો ચડસ મેં એમનામાં જોયો ન હતો. ચડસ તો શું, એક પણ રમત – બેઠી કે મેદાની – એનો એમને શોખ ન હતો અને આવડતી પણ નહીં. પાનાં ન રમ્યો હોય એવો ભાગ્યે જ કોઈ માણસ મળી આવે. પણ એ કદી પાનાં પણ રમ્યા નહોતા. દોડવાકૂદવાની કે ક્રિકેટની કે એવી બીજી કસરતી રમતો પણ તેઓ રમ્યા ન હતા. મૅચો કે સ્પૉર્ટ્સ જોવા જવાનું પણ તેમને કદી મન થતું નહીં. અમદાવાદમાં સાધારણ રીતે બધા વકીલો ગુજરાત ક્લબના મેમ્બર થાય છે અને ત્યાં પાનાં, ચેસ, બિલિયર્ડ, ટેનિસ વગેરે રમતો રમે છે. મહાદેવ વકીલાત માટે અમદાવાદમાં વરસ ઉપર રહ્યા હશે પણ ગુજરાત ક્લબના મેમ્બર નહીં થયેલા. તેને બદલે ભદ્ર પાસે હીમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ છે તેના મેમ્બર થયેલા. એની લાઈબ્રેરીમાં ચોપડીઓ જુનવાણી વધારે હતી. એનું વાર્ષિક બજેટ પણ નાનું હતું. એટલામાંથી પણ મહાદેવે મેમ્બર થયા પછી સારી સારી ચોપડીઓની ભલામણ કરીને મંગાવરાવેલી. એ અમદાવાદ રહ્યા તે અરસામાં મેં પણ ક્લબમાં જવાનું બહું ઓછું કરી નાખેલું. કોર્ટમાંથી અમે હીમાભાઈ ઈન્સ્ટિટ્યૂટમાં જઈએ અને ત્યાંથી ફરવા જઈએ.

સાબરમતી નદીમાં ચોમાસામાં પૂર ઊતરી ગયા પછી પાણી વધારે હોય અને સ્વચ્છ થયાં હોય ત્યારે તરવાની બહુ મઝા આવતી. એક ચોમાસામાં તો બાપુજી પણ નિયમિત તરવા આવતા. પણ મહાદેવે તરવાનું શીખવાનો પ્રયત્ન પણ કદી કર્યો નહીં.

એક માત્ર ચાલવાની કસરત

રોજ નવજીવનમાં અને પ્રાંતિક સમિતિમાં ચાલતા જતાઆવતા ત્યારે મેં એમને બહુ આગ્રહ કર્યો કે તમે સાઇકલ શીખી જાઓ, હું તમને ચાર દિવસમાં શિખવાડી દઈશ. પણ માત્ર એક જ દિવસ શીખવા આવ્યા અને સહેજ વાગ્યું એટલે બીજે દિવસથી બંધ કર્યું. કહે કે વખતે કાંઈ કથોલું લાગી જાય અને લાંબો વખત અટકી પડવું પડે તેવું જોખમ ખેડવા કરતાં ચાલતા જવાનું જ સારું છે, એમાં વ્યાયામ પણ મળી રહે છે. ચાલવાનો એમને સારો શોખ હતો. કોઈ જાતનો પદ્ધતિસર વ્યાયામ નહીં કરેલો એટલે એમનું શરીર સ્નાયુલ ન હતું પણ કસાયેલું નહોતું એમ ન કહી શકાય. અમદાવાદમાં જ્યારે પાનકોરને નાકે અને સારંગપુર દરવાજે નવજીવન હતું ત્યારે આશ્રમમાંથી ઘણી વાર ત્યાં જવા આવવાનું થતું. તેમની ચાલ તેજ હતી. કલાકના ચાર માઈલ સુધીની ગતિથી એ ચાલી શકતા. ૧૯૧૮ના સૈન્યભરતીના વખતમાં લાંબી કૂચનો અભ્યાસ પાડવા ખાતર, નડિયાદમાં હિંદુ અનાથાશ્રમમાં રહેતા ત્યાંથી સવારે વહેલા ઊઠી દરરોજ નવ માઈલ જતા અને નવ આવતા એમ અઢાર માઈલ ચાલતા અને પછી આખો દિવસ બાપુનું બધું કામ કરતા. બાપુજી વર્ધા મગનવાડીમાંથી સેવાગ્રામ રહેવા ગયા ત્યારે પહેલાં તો એમનો વિચાર ત્યાં એકલા જ રહેવાનો હતો. એટલે મહાદેવભાઈ મગનવાડીમાં જ રહેલા. ત્યાંથી લગભગ બારેક વાગ્યે સેવાગ્રામ સાડાપાંચ માઈલ જતા અને સાંજે પાછા આવતા. કોઈ કોઈ વાર કોઈ વિશેષ કામ હોય ત્યારે તો બે વાર અને તેય બપોરના તાપમાં જવાઆવવાનું થતું. તેવા દિવસોએ તો અગિયારને બદલે બાવીસ માઈલ થતા. એમની તબિયત લથડવામાં, બ્લડ પ્રેશર વગેરે થવામાં આ વસ્તુ કારણરૂપ બન્યાનો સંભવ છે. કારણ એમનું શરીર તાપ સહન કરી શકતું નહીં.

નાજુક છતાં ખડતલ

આટલું ચાલવા છતાં સવારે અને રાતે એમના લખવાવાંચવાના અને કાંતવાના કામમાં ન્યૂનતા આવતી નહીં. એમનો મુખ્ય વ્યાયામ જ ચાલવાનો હતો અને એ વ્યાયામ દ્વારા તેઓ પોતાનું શરીર બરાબર દુરસ્ત રાખતા. મહાદેવભાઈ દેખાવ ઉપરથી કોમળ અને નાજુક લાગતા. પણ બાપુજી સાથે કેટલીક વાર સતત પ્રવાસમાં હમાલીથી માંડીને લેખનપ્રવૃત્તિ અને બાપુજીના એલચી બનવાનું શરીર અને મન ઉપર ઠીક ઠીક તાણ પડે એવું કામ કરવા છતાં બીજા વધારે મજબૂત દેખાતા માણસો માંદા પડી જતા અને ભાંગી જતા ત્યારે તેઓ હમેશાં ટકી રહેતા. આમાં ચાલવાની ટેવ ઉપરાંત ખાવામાં સંયમ, હંમેશાં થોડું ઓછું ખાવાની ટેવ એ મુખ્ય કારણ હતાં. બાપુ સાથેના પ્રવાસમાં દરેક સ્ટેશને એમના રસાલા માટે ઢગલા ખાવાનું આવે. તેની સામે રક્ષણ તરીકે દિવસમાં ત્રણ વાર ખાવાનો નિયમ તેમણે વરસોથી રાખ્યો હતો અને પાળ્યો હતો. ત્રણ વાર ખાવું એટલે તે ઉપરાંત ચા દૂધ તો નહીં જ પણ મોંમાં એલચીનો દાણો પણ ન મૂકવો અને ભૂલમાં મૂકી જવાય તો એને એક વેળ ગણી લેવાની. ગોકુળદાસ તેજપાળ બોર્ડિંગમાં રોટલી ભાખરી બહુ સારાં થતાં નહીં અને ઘણી વાર છોકરાએ બદહજમીથી માંદા પડી જતા, પણ મહાદેવ કૉલેજમાં ચાર વરસમાં કદી માંદા નહોતા પડ્યા. તેનું મુખ્ય કારણ એમની ખૂબ ચાલવાની અને પેટ ઊણું રાખી ભાણા ઉપરથી ઊઠી જવાની ટેવ એ હતું. પેટ તણાય એટલું જમેલા મેં એમને કદી જોયા નથી. અને ગમે તેવું ભોજન હોય તોપણ ભોજનના મદથી શરીરમાં આળસ ભરાઈ હોય એવા પણ જોયા નથી. કોમળ અને નાજુક દેખાતા હોવા છતાં મજબૂત અને ખડતલ દેખાતા શરીરવાળા કરતાં પોતાના શરીર પાસેથી તેમણે ઘણું વધારે કામ હમેશાં લીધું છે.

રમતનો શેખ પોતાને ન હતો, છતાં એ કેળવણીનું બહુ ઉપયોગી અંગ છે અને જીવનવિકાસમાં તેનું ઘણું મહત્ત્વ છે એ તેઓ બરાબર સમજતા અને સ્વીકારતા. તેથી પોતાના દીકરા નારાયણને તથા બીજાં બાળકોને જુદી જુદી રમતો રમવાનું બહું પ્રોત્સાહન આપતા. કોઈ રમતમાં નારાયણ પ્રવીણતા બતાવે તો તેથી બહુ ખુશ થતા. એક વાર સિમલામાં આરામ માટે એક મહિનો રહેલા ત્યારે નારાયણ બૅડમિન્ટન રમવાનું શીખે એ ખાતર પોતે તેની સાથે રમતા. તેમને માટે તો રમવાનો પ્રયોગ આ પહેલો અને છેલ્લો જ હતો. નારાયણને ઉત્તમ તરતાં આવડે, ઉત્તમ સાયકલ આવડે તેને માટે પણ બહુ કાળજી રાખતા. અને એ કોઈ પણ રમતમાં કે કામમાં પ્રવીણતા બતાવે ત્યારે બહુ ખુશ થતા.