મહાદેવભાઈનું પૂર્વચરિત/મુંબઈ પ્રયાણ
← લગ્ન | મહાદેવભાઈનું પૂર્વચરિત મુંબઈ પ્રયાણ નરહરિ પરીખ |
રમતગમતનો શોખ નહીં → |
૫
મહાદેવ મૅટ્રિક ક્લાસમાં હતા ત્યારે જ પિતાશ્રીની બદલી વલસાડ થઈ. પણ છેલ્લા વર્ષમાં છોકરાઓને સ્કૂલ બદલી ન કરાવવી એ વિચારથી અડાજણનું ઘર ચાલુ રાખ્યું. એટલે સુરત હાઈસ્કૂલમાંથી જ ૧૯૦૬ની આખરમાં મહાદેવ મૅટ્રિક થયા. એ કહેવાની જરૂર નથી કે નિશાળમાં તેઓ પહેલો નંબર રાખતા અને મૅટ્રિકની પરીક્ષામાં પોતાની હાઈસ્કૂલના વિદ્યાર્થીઓમાં પહેલે નંબરે આવ્યા હતા. પરીક્ષા આપવા મુંબઈ જવું પડેલું. મહાદેવની ઉંમર બહુ નાની એટલે પિતાશ્રી એમને મુંબઈ મૂકવા ગયેલા. મુંબઈમાં પોતાના પિત્રાઈ બનેવીને ત્યાં ગ્રાન્ટરોડ પર ઊતરેલા, પિતાશ્રીને નોકરી રહી એટલે એ તો મૂકીને તરત પાછા ફર્યા. મહાદેવ પરીક્ષાના મંડપમાંથી ઘેર આવતા રસ્તો ભૂલી ગયા અને સડક પર ઊભા ઊભા રડવા લાગ્યા. છેવટે પોલીસે તેમને બતાવેલ સરનામે ઘેર પહોંચતા કર્યા. મહાદેવ ઘણી વાર કહેતા કે નાની ઉંમરમાં મૅટ્રિક પાસ થવું એમાં કશો મોટો ગુણ તો નથી જ પણ સર્વાંગી વિકાસની દૃષ્ટિએ ઇષ્ટ પણ નથી. હું પણ એ જ સાલમાં મૅટ્રિક પાસ થયેલો. અમે પાસ થયા એને બીજે જ વરસેથી સોળ વર્ષ પૂરા કર્યા વિના મૅટ્રિકની પરીક્ષામાં ન બેસી શકાય એવો નિયમ થયેલો.
કૉલેજની હૉસ્ટેલમાં
સને ૧૯૯૭ના જાન્યુઆરીમાં એલ્ફિન્સ્ટન કૉલેજમાં દાખલ થયા. પિતાશ્રીને તે વખતે માસિક રૂા. ૪૦ પગાર મળતો એટલે ઘરને ખર્ચે તો મુંબઈમાં રહી ભણી શકાય એવી સ્થિતિ ન હતી. ગોકુળદાસ તેજપાળ બોર્ડિંગમાં ફ્રી બોર્ડર તરીકે દાખલ કરવા અરજી કરેલી, તેમાં જગ્યા મળવાની પૂરી આશા હતી પણ જવાબ મળતાં દસેક દિવસની વાર થઈ. એટલો વખત એલ્ફિન્સ્ટન કૉલેજની હૉસ્ટેલમાં રહ્યા. હૉસ્ટેલના પહેલા દિવસનું વર્ણન કરતાં મહાદેવ કહેતા કે ત્યાંના છોકરાઓની સાહેબી વાતવાતમાં નોકરોને હુકમ કરવાની અને પૈસા ખરચી નાખવાની ટેવ, રસોડામાં વિવિધ વાનીઓ, બબ્બે શાક, દૂધપૂરીનાં વાળુ અને ખાવા કરતાં તો પાર વિનાનો વધારે બગાડે, એ બધું જોઈ હું તો હેબતાઈ જ ગયો. પહેલે દિવસે તો મોંમાં કોળિયો જ ન પેસે. આવા ખર્ચના પૈસાનો બોજો પિતાશ્રી ઉપર નંખાય જ કેમ ? પિતાશ્રી ઘેર શું ખાય છે અને કેવી રીતે રહે છે અને હું આવી મોજ ભોગવું ! જોકે પિતાશ્રી કોઈ વાતની ના પાડે તેવા નહોતા તેની પણ ખાતરી જ હતી. પણ પિતાશ્રી ના પાડે એવા નહોતા, જમીન વેચીને પણ ભણાવે એવા હતા, તેથી તો તેમની સ્થિતિના વિચાર ઊલટા વધારે આવતા હતા. પહેલી રાત આખી રોઈ રોઈ ને કાઢી. ગોકુળદાસ તેજપાળ બોર્ડિંગની આશા હતી તેથી જ હૈયું કઠણ કરી ત્યાં રોકાયા અને દસ દિવસ દુઃખે પાપે વિતાવ્યા.
ગરીબાઈનો અનુભવ
એટલામાં બોર્ડિગમાં પ્રવેશ મળ્યો. તેની સાથે કૉલેજની એક સ્કૉલરશિપ પણ મળી એટલે પિતાશ્રી ઉપર જરા પણ બોજો નાખવાપણું ન રહ્યું. લગભગ આવી જ મૂંઝવણ ઈન્ટર પાસ થયા પછી અનુભવેલી. ગો. તે. બોર્ડિંગમાંથી રહેવાનું, ખાવાનું, કપડાં તથા કૉલેજની લગભગ અડધી ફી (મુંબઈમાં જે કૉલેજની ઓછામાં ઓછી ફી હોય તેટલી બોર્ડિંગ તરફથી મળતી. વિદ્યાર્થીને ભારે ફી વાળી કૉલેજમાં જવું હોય તો વધારાની ફી પોતે આપવી પડતી.) એટલું મળતું. પણ ચોપડીઓનું, ટ્રામલોકલનું, ચાનાસ્તાનું એમ બીજું પરચૂરણ ખર્ચ થાય તે સ્કૉલરશિપમાંથી કાઢતા. ઇન્ટરની પરીક્ષામાં સ્કૉલરશિપ મેળવવા માટે જોઈએ તે કરતાં એક નંબર નીચે આવ્યા. એટલે અભ્યાસ ચાલુ રાખવો કે કેમ તેની મૂંઝવણમાં પડ્યા. પિતાશ્રીને ખબર નહીં આપેલી. કારણ કે તેઓ તો કોઈ પણ ભોગે અભ્યાસ ચાલુ રાખવાનો આગ્રહ કરે એમ હતા. પહેલા વર્ષથી જ શ્રી વૈકુંઠભાઈ લલ્લુભાઈ મહેતા મહાદેવભાઈના સહાધ્યાયી હતા, એને બેને સારી દોસ્તી બંધાઈ ગઈ હતી. એ મહાદેવ કરતાં ઉપલે નંબરે પાસ થયેલા એટલે એમને સ્કૉલરશિપ મળતી હતી. પણ મહાદેવની મૂંઝવણની ખબર પડી એટલે પોતાના પિતાશ્રીની પરવાનગી મેળવીને, જે એમણે સહર્ષ આપી હતી, મહાદેવને તેમ કૉલેજમાં બીજા કોઈને કશી જાણ કર્યા વિના મહાદેવભાઈના લાભમાં પોતાની સ્કૉલરશિપ જતી કરી. સર લલ્લુભાઈ જેમને એમના દીકરાઓની જેમ મહાદેવભાઈ પણ લલ્લુકાકા કહેતા તેઓ મહાદેવભાઈ ઉપર વાત્સલ્યભાવ રાખતા અને તેમનું આખું કુટુંબ મહાદેવભાઈને કુટુંબીજન ગણતું.
ગર્ભશ્રીમંત સ્વભાવ.
ગરીબાઈનો આવો અનુભવ થતાં કેટલાક માણસોના દિલમાં થોડીઘણી કટુતા આવી જાય છે, ધનનું મહત્વ તેમને વધારે ભાસે છે અને ધનની ઝંખના પણ રહ્યા કરે છે. પણ આ જાતની કોઈ પણ વૃત્તિ મહાદેવના દિલમાં કદી પ્રવેશ મેળવવા પામી નહોતી. ગોવર્ધનરામે ગર્ભશ્રીમંતનો જે ખાસ અર્થ ‘સરસ્વતીચંદ્રમાં’માં કર્યો છે કે અર્થની જે ઝંખના ન કરે અને આર્થિક ન્યૂનતાને કારણે જેનું મન જરા પણ ઉદ્વેગ ન પામે, એ અર્થમાં તેઓ સ્વભાવે જ ગર્ભશ્રીમંત હતા. કૉલેજમાં હતા તે વખતે મહાદેવભાઈના વ્યક્તિત્વની પોતાની ઉપર કેવી છાપ પડી હતી તેનું વર્ણન કરતાં શ્રી વૈકુંઠભાઈ લખી જણાવે છે :
“કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સંબંધ મીઠો હોય છે તેમ કડવાશનો અનુભવ પણ થાય છે. ચાર વર્ષ મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં સાથે ગાળ્યાં તે દરમ્યાન એક્કે આકરો અથવા કઠોર શબ્દ તેમની પાસેથી સાંભળ્યાનું સ્મરણ નથી.
“ગાંભીર્ય શરૂઆતથી જ તેમનું મુખ્ય લક્ષણ હતું. વિદ્યાર્થીઓના જીવનમાં વિનાદ હોય છે તેનાથી તેઓ રહિત હતા એમ હું સૂચવતો નથી. પણ અધ્યાપકો અગર સહાધ્યાયીઓની નિંદા અથવા તો રમતગમતનો ચડસ તેમનામાં મેં જોયાં નહોતાં. જ્યારે મળવા અને વાત કરવાનો પ્રસંગ આવે ત્યારે અભ્યાસની અને દેશના જીવનની જ વાતો કરવાની ઉત્સુકતા તેમનામાં હતી. વાર્તાલાપનો શોખ તેમનામાં પહેલેથી જ હતો પણ તેમાં પ્રવીણતા તો જેમ જેમ તેમના વ્યક્તિત્વનો વિકાસ થયે તેમ તેમ વધતી ગઈ.”