મોત્સાર્ટ અને બીથોવન/બીથોવન વિશે લેવ ટૉલ્સ્ટૉય

← બીથોવન મોત્સાર્ટ અને બીથોવન
બીથોવન વિશે લેવ ટૉલ્સ્ટૉય
અમિતાભ મડિયા
બીથોવન વિશે રિચાર્ડ વાગ્નર →





પ્રકરણ – ૧૨
બીથોવન વિશે લેવ ટૉલ્સ્ટૉય

લૅવ ટૉલ્સ્ટૉયે જેટલી કડક ટીકા શેક્સપિયરની કરી છે એટલી જ કડક ટીકા બીથોવનની પણ કરી છે; કારણ કે લાગણીઓના હેતુહીન ઉદ્દીપનમાં ટૉલ્સ્ટૉય નહોતો માનતો. ટૉલ્સ્ટૉયની માન્યતા અનુસાર ખેડૂતો અને શ્રમજીવીઓ દ્વારા સર્જાતું સંગીત અર્થપૂર્ણ છે કારણ કે તે જીવન સાથે મેળ ખાય છે અને એ સિવાયનું બધું જ સંગીત માનવમનને બહેકાવનાર છે. પોતાની વાર્તા ‘ક્રુત્ઝર સોનાટા’માં કથાનાયકની સ્વગતોક્તિ દ્વારા ટૉલ્સ્ટૉયે પોતાનું મનોગત ઠાલવ્યું છે :

હંમેશની માફક બધી જ ડિનરપાર્ટીની માફક એ ડિનરપાર્ટી પણ કૃત્રિમ અને કંટાળાજનક હતી; પણ સંગીત ધાર્યા કરતાં વહેલું શરૂ થઈ ગયું. એ સાંજની દરેક વિગત મારા મગજમાં છપાઈ ગઈ છે. ખોખું ખોલીને વીંટાયેલું કપડું દૂર કરીને વાયોલિનિસ્ટે વાયોલિન બહાર કાઢ્યું. કોઈ મહિલાએ એ કપડા પર ભરતગૂંથણ કર્યું હોવું જોઈએ. વાયોલિન હાથમાં લઈને એણે તાર મેળવવા શરૂ કર્યા. એ અવાજથી ઉત્તેજિત થયેલી મારી પત્નીએ પોતાની ઉત્તેજના છુપાવવા પોતાના મોં પર ઉદાસીનતા અને ઔપચારિકતાના ખોટા ભાવ લાવવા મથામણ કરી. પછી વાયોલિનિસ્ટે વાયોલિન પર થોડા સ્વરો વગાડ્યા; અને એ જ વખતે એણે અને મારી પત્નીએ આંખોમાં નજર મેળવી. એકઠા થયેલા મહેમાનો તરફ જોતાં જોતાં બંનેએ થોડી ગુસપુસ કરીને સંગીત શરૂ કર્યું. મારી પત્નીએ જેવો પિયાનો વગાડવો શરૂ કર્યો કે તરત જ વાયોલિનિસ્ટનું મુખ ધીરગંભીર બની ગયું. વળી સહેજ તણાવનો ભાવ પણ એ મુખ પર ઊતરી આવતાં એ સુંદર દેખાવા માંડ્યું. એણે વાયોલિન વગાડવું શરૂ કર્યું. એમણે બીથોવનનો ‘ક્રુત્ઝર સોનાટા’ વગાડવો શરૂ કરેલો. એની પહેલી ગત ‘મૅસ્ટ્રો’ યાદ છે તમને ? ઉફ ! કેટલું ત્રાસરૂપ, કંટાળાજનક અને અસહ્ય સંગીત એ છે !? સંગીત પોતે જ કેટલી ખતરનાક ચીજ છે ! સંગીત શું છે એ હજી સુધી હું સમજી શક્યો નથી. સંગીતનો હેતુ શો છે ? એક માણસ પર એની શી અસર છે ? એવી અસર એ શા માટે કરે છે ? કહે છે કે સંગીત આત્માનું ઊર્ધ્વગમન કરવાની તાકાત ધરાવે છે. તદ્દન જુઠ્ઠાણું ! નર્યો બકવાસ ! અક્કલ વગરની વાત ! સંગીતની અસર છે, પણ એ ભયંકર ખતરનાક છે. (હું મારી જાત પરની અસરની વાત કરી રહ્યો છું.) એનાથી આત્માનું ઉત્થાન કે ઊર્ધ્વગમન થતું જ નથી. સંગીત આત્માનું અધઃપતન પણ કરતું નથી. માત્ર ક્ષણિક ઉત્તેજના પ્રેરવાનું જ કામ સંગીત કરે છે. આ હકીકત હું કેવી રીતે સમજાવું ? સંગીત મને મારી સાચી પરિસ્થિતિ ભુલાવી દે છે અને એવી પરિસ્થિતિમાં મને મૂકી દે છે જે મારી સાચી પરિસ્થિતિ નથી. સંગીતની અસર નીચે મને અજાયબ, વિચિત્ર લાગણીઓ થવા માંડે છે. સંગીતની અસર બગાસાં હાસ્ય જેવી છે. કોઈને બગાસાં ખાતો જોઈ આપણે બગાસાં ખાવા માંડીએ, પછી ભલે ને ઊંઘ આવતી ન હોય અથવા કોઈને હસતા જોઈ કારણ જાણ્યા વિના જ હસવા માંડીએ એવી જ અસર સંગીતની છે.
સંગીત સર્જતી વખતે કંપોઝર જે હાલતમાં હોય એ હાલતમાં હું પણ એ સંગીત સાંભળીને મુકાઈ જાઉં છું. એ કંપોઝર એ વખતે જે મૂડમાં હોય એ મૂડમાં હું પણ મુકાઈ જાઉં છું. એક પછી એક જે જે મૂડમાં તે વિહાર કરે તે પ્રત્યેક મૂડમાં હું પણ મુકાતો જાઉં છું. માત્ર કંપોઝર (આ દાખલામાં ‘ક્રુત્ઝર સોનાટા’નો કંપોઝર બીથોવન) જ જાણે કે એ તે મૂડમાં શા માટે હતો ! મને તેનાં કારણોની ગતાગમ નથી પડતી; તેથી એ બધા મૂડમાં તણાવું મારે માટે નિરર્થક બને છે. આમ, કોઈ હેતુ કે ઉદ્દેશ વિના જ સંગીત આપણને ઉત્તેજિત કરે છે. લશ્કરે કવાયત કરવાની હોય તો લશ્કરી કૂચનું સંગીત વાગે તે ઉદ્દેશપૂર્ણ છે, નાચવાનું હોય ત્યારે નૃત્યસંગીત વાગે તે ઉદ્દેશપૂર્ણ છે અને પ્રાર્થના કરવાની હોય ત્યારે માસ વાગે તે પણ ઉદ્દેશપૂર્ણ છે. પણ આટલા અપવાદો સિવાય સંગીત આપણને ઉશ્કેરી મૂકે છે પછી એ ઉત્તેજના કે ઉશ્કેરાટને ક્યાં વાળવાં તેનું કોઈ દિશાસૂચન કરતું નથી. સંગીત ભયંકર જોખમકારક બની શકે છે. ચીનમાં સંગીત શાસનની સત્તા હેઠળ છે. સર્વત્ર આમ જ હોવું જોઈએ. કોઈ પણ માણસ બીજાને (બીજાબધા ઘણાને) સંગીત વડે સંમોહન કરી ગમે તે દિશામાં વાળી શકે એ કેવી રીતે ચલાવી લેવાય ? ઘણી વાર તો આવી રીતે સંમોહન કરનારાને કોઈ જ નૈતિક સિદ્ધાંતો હોતા નથી.
‘ક્રુત્ઝર સોનાટા’ની જ વાત લો ને ! એની પહેલી ‘પ્રૅસ્ટો’ ગતને મહિલાઓની હાજરીમાં કેવી રીતે વગાડી શકાય ? અને એ વગાડ્યા-સાંભળ્યા પછી પાછા આઇસક્રીમ ખાવાના અને થોડી કૂથલી પણ કરી લેવાની ? એ સાંભળીને ઉશ્કેરી મૂકેલી લાગણીઓને કેવી રીતે શાંત કરવી ? એ ઉશ્કેરી મૂકેલી લાગણીઓને શાંત કરવા માટે જો યોગ્ય પ્રવૃત્તિ કરવામાં આવે નહિ તો એ લાગણીઓ પ્રલય સર્જી શકે. મારી પર તો સંગીતે ખૂબ જ ખતરનાક અસર કરીને મારી દુર્દશા કરી છે. હું જાણતો પણ નહોતો તેવી મારી સુષુપ્ત વાસનાઓને જગાડીને અને પછી એને ભડકાવીને મારું નિકંદન કાઢી નાંખ્યું છે. આ સંગીત મને કહેતું જણાય છે : “તું જેવો તને માનતો હતો તેવો નહિ, પણ ખરેખર આવો છે !” સંગીતની આવી નાપાક અસર હેઠળ મેં મારી પિયાનિસ્ટ પત્ની અને પેલા વાયોલિનિસ્ટની ઉપર નજર ફેંકી ત્યારે એ બંને સાવ જુદાં જ – અજાણ્યાં – જણાયાં !

એ બંનેએ ‘પ્રૅસ્ટો’ વગાડી લીધા પછી અશ્લીલ સ્વરઝૂમખાં અને નબળો અંત ધરાવતી બીજી ગત ‘આન્દાન્તે’ વગાડી. એ ગતની અસર હેઠળ હું સાવ નફિકરો, મોજીલો, લહેરી લાલો બની ગયો; મારી પત્નીની આંખોમાં મને અપૂર્વ ચમક અને જીવંતતા દેખાયાં. સાંજ પૂરી થઈ અને સૌ સૌને ઘેર ગયાં. બે જ દિવસમાં હું બહારગામ જતો રહેવાનો હતો એ જાણી વાયોલિનિસ્ટ ત્રુખેમેવ્સ્કીએ છૂટાં પડતાં મને કહ્યું : “આજ સાંજના જલસાથી મને ખૂબ જ આનંદ આવ્યો છે. ફરી વાર તું જ્યારે ઘરે હોય ત્યારે આવો આનંદ આપવાની તક તું ફરી ઊભી કરે એવી આશા રાખું છું.” એના બોલવાનો અર્થ મેં એમ કર્યો કે હું ઘરે નહિ હોઉં ત્યારે એ મારે ઘરે કદી નહિ આવે, અને આવું વિચારીને મને ખૂબ જ શાંતિ થઈ. વળી અમારા બંનેનું એકસાથે શહેરમાં હોવું અસંભવ જણાતાં મને ખૂબ જ સંતોષ પણ થયો; મને આનંદ થયો કે હવે પછી ફરીથી એને મળવાનું કદી નહિ બને. પહેલી જ વાર મેં આનંદપૂર્વક હસ્તધનૂન કર્યું, અને એનો સાચો આભાર માન્યો. જાણે લાંબા ગાળા માટે દૂર જઈ રહ્યો હોય એવી રીતે એણે મારી પત્નીની પણ રજા લીધી. હું ખૂબ જ પ્રસન્ન થયો....