← મોત્સાર્ટની કૃતિઓ મોત્સાર્ટ અને બીથોવન
બીથોવન
અમિતાભ મડિયા
બીથોવન વિશે લેવ ટૉલ્સ્ટૉય →








બીથોવન
- - - - - -


When Beethoven's soul soars over this sacred choir, what fervent prayer rises toward God.

– George Sand (Letters d’un Voyager)
 

The sounds living in his (Beethoven's) mind were no more than memories, spactres of dead sounds, and his later work had on their forehead a stamp of death that makes one shiver.

– Heinrich Heinrich Heine (Lutefia, 1841)
 



પ્રકરણ – ૧૧
બીથોવન

બીથોવન કુટુંબ

નેધર્લૅન્ડ્સમાં પિતૃપક્ષે બીથોવનના વડવાઓ પહેલાં લૂવેઈન અને પછી એન્ટ્‌વર્પમાં વસતા હતા. બીથોવનના જાડા કાળાભમ્મર વાળ અને ઘેરી ઘઉંવર્ણી ત્વચાને કારણે મિત્રોમાં એ ‘સ્પૅનિયાર્ડ’ તરીકે ઓળખાતો. સત્તરમી સદીમાં નેધર્લૅન્ડ્સ પરના સ્પેનિશ રાજને ગણતરીમાં લેતાં એ વાતને નકારી શકાય નહિ કે એની નસોમાં સ્પૅનિશ લોહી પણ વહેતું હતું. બીથોવનના દાદા લૂઈ ફાન બીથોવનનો જન્મ 1712ના ડિસેમ્બરની ત્રેવીસમીએ એન્ટ્‌વર્પમાં થયેલો. ઓગણીસ વરસની ઉંમરે એણે ઘર છોડેલું અને પછી બે વરસ રઝળપાટ કરીને એકવીસ વરસની ઉંમરે એ જર્મની જઈ બૉનમાં સ્થિર થયો. એ શહેરમાં કોલોનના ઈલેક્ટરના દરબારની સેવામાં બાસ (મંદ્ર સપ્તકોમાં) ગાયક તરીકે એ જોડાયેલો. બેતાળીસ વરસ સુધી એ નોકરી કર્યા પછી ત્યાં જ તે અવસાન પામ્યો. પોતાની બાવીસ વરસની ઉંમરે એણે લગ્ન કરેલું. સંતાનોમાંથી માત્ર એક જ છોકરો બાળપણ વળોટીને મોટો થયેલો. એ હતો 1739 કે 1740માં જન્મેલો જોહાન. જોહાન પણ કોલોનના ઈલેક્ટરના દરબારમાં ટેનર (પ્રમાણમાં ઊંચાં સપ્તકોમાં ગાનાર) ગાયક તરીકે જોડાયેલો. પણ ફાન લૂઈની પત્ની (એટલે કે જોહાનની માતા અને મહાન સંગીતકારની દાદી) દારૂની લતે ચઢી ગયેલી; અને જોહાનને પણ એ લત વારસામાં મળેલી. માદીકરો બંને મોટે ભાગે ઢીંચીને ટલ્લી થઈને પડેલાં હોય. 1763માં ત્રેવીસચોવીસ વરસની ઉંમરે જોહાને મારિયા મૅગ્ડેલીના હેઇમ નામની અઢાર વરસની એક વિધવા સાથે લગ્ન કર્યાં. એની પિયરની અટક હતી કૅવેરીચ. મારિયાનો પિતા ઍહ્રેન્બ્રીટ્સીન મહેલમાં મુખ્ય રસોઈયો હતો. જોહાન અને મારિયાનાં ત્રણ બાળકો બાળપણ વળોટી મોટાં થયાં. 1770ના ડિસેમ્બરની સોળમીએ મહાન સંગીતકાર લુડવિગ ફાન બીથોવન જન્મ્યો. 1774ના એપ્રિલની આઠમીએ કાસ્પર ઍન્ટોન કાર્લ જન્મ્યો અને 1776ના ઑક્ટોબરની બીજીએ નિકોલસ જોહાન જન્મ્યો. આ બે ભાઈઓની વિગતોમાં પછીથી ઊતરીશું.

બીથોવનની માતા હંમેશાં વિશાદગ્રસ્ત, ચિંતાગ્રસ્ત અને તણાવગ્રસ્ત રહેતી. એની એક સહેલીના કહેવા મુજબ તો એણે એને કદી પણ હસતી જોયેલી જ નહિ. ઓગણીસ વરસની ઉંમર પહેલાં જ એ પોતાનાં પિતા, માતા અને પતિના મૃત્યુની સાક્ષી બનેલી. કદાચ તેથી એ હંમેશાં હતાશ, દુઃખી અને ગંભીર જ રહેતી. વળી જોહાનની અપૂરતી કમાણીમાં ત્રણ છોકરાને ઉછેરવાની જવાબદારીને કારણે એની તબિયત કે મૂડમાં સુધારા માટે કોઈ અવકાશ નહોતો. એ ઉપરાંત બીજાં ત્રણ બાળકો પણ જન્મેલાં પણ એ ઝાઝું જીવેલાં નહિ. એક છ દિવસ, બીજું પાંચ દિવસ તથા ત્રીજું અઢી વરસ જીવીને મરી ગયેલાં. દારૂ ઢીંચી ઢીંચીને બીથોવનની માતા ચાળીસ વરસની ઉંમરે ગુજરી ગયેલી.

બીથોવનનું બાળપણ

અનન્ય સંગીતપ્રતિભાના જે ચમકારા મોત્સાર્ટે ચાર વરસની ઉંમરથી બતાવવા શરૂ કરેલા એવા કોઈ ચમકારા બીથોવને બાળપણમાં બતાવેલા નહિ. એટલું જ નહિ, પિતા જ એને બળજબરીથી સંગીતના વ્યવસાયમાં ઢસડી લાવ્યો. ઈલેક્ટરે જોહાનને પોતાના કોયર અને ઑર્કેસ્ટ્રાના કપલમેઇસ્ટરના પદ ૫૨ ગોઠવ્યો. ઈલેક્ટરના દરબારી સંગીતકારની પદવી પર નજર રાખીને પિતાએ એને સંગીતનું છૂટુંછવાયું થોડું શિક્ષણ આપ્યું. વ્યવસ્થિત શિક્ષણ તો એણે પછીથી મેળવ્યું : બાળપણમાં બીથોવને મુખ્યત્વે વૃદ્ધ દરબારી ઑર્ગેનિસ્ટ ફાન ડૅન ઈડન અને એના મૃત્યુ પછી એના અનુગામી નીફે પાસેથી સંગીતના પાઠ ગ્રહણ કર્યા. બીથોવન સાત વરસનો થયો ત્યારે 1777માં તેના પિતાએ તેને એક પ્રાથમિક શાળામાં ભણવા મૂકેલો. પણ ભણવામાં તેનું દિલ ચોંટ્યું નહિ. એક જ વરસમાં બીથોવને શાળા છોડી દીધી. એને ગાવાનો શોખ હતો. 1778ના માર્ચની છવ્વીસમીએ પિતા જોહાને તેની પાસે પહેલી જ વાર કોલોન શહેરના એક જાહેર જલસામાં ગવડાવ્યું. બાળ બીથોવનની સંગીતની આવડતથી પ્રભાવિત થઈને ઈલેક્ટરે તેને સંગીતનું શિક્ષણ આપવાની ગોઠવણ કરી. દરબારી ઑર્ગેનિસ્ટ હીન્રીખ ફાન ડેર ઈડન અને તેનો મદદનીશ ટોબિયાસ ફ્રીડિરિખ ફીફર બીથોવનના ઑર્ગન શિક્ષકો બન્યા. ફ્રાન્ઝ જ્યૉર્જ રેવાન્તિની બીથોવનનો વાયોલિન શિક્ષક બન્યો. સાત વરસની ઉંમરથી જ બીથોવન પિયાનોવાદનના જાહેર જલસા કરી શકે તેટલો નિષ્ણાત થઈ ચૂકેલો. થોડો વખત તો તેણે નીફેના મદદનીશ તરીકે પણ કામ કરેલું, અલબત્ત, પગાર વગર જ. 1784માં ચૌદ વરસની ઉંમરે બીથોવનની નિમણૂક ઈલેક્ટરના ઑર્કેસ્ટ્રા અને કોયરમાં આસિસ્ટન્ટ કોર્ટ ઑર્ગેનિસ્ટ તરીકે થઈ. પણ એવામાં જ ઈલેક્ટર મૅક્સ ફ્રીડરિખનું મૃત્યુ થયું અને એની જગ્યા લેનાર નવો ઈલેક્ટર મૅક્સિમિલિયન ફ્રાન્ઝ ભારે કરકસરિયો જીવ નીકળ્યો. સંગીત અને નાટકની સેવા આપતા બધા જ કર્મચારીઓને એણે ચાર અઠવાડિયાંનો ઍડ્‌વાન્સ પગાર ચૂકવીને છૂટા કરી દીધા; તેથી થિયેટર અને ઑર્કેસ્ટ્રા બંધ પડ્યાં. પણ બીથોવનની આસિસ્ટન્ટ ઑર્ગેનિસ્ટની નોકરીને આંચ આવી નહિ. વળી એણે હવે ક્વચિત જ ઑર્ગન વગાડવાનું હોવાથી એની પાસે ફાજલ સમય પુષ્કળ હતો. એમાં એણે સંગીતનો અભ્યાસ જાતે જ કર્યો.

વિયેનાયાત્રા અને મોત્સાર્ટ સાથે મુલાકાત

એ વખતે પણ એને વિકાસ માટે બૉન નાનું પડેલું. 1787માં સત્તર વરસની ઉંમરે બીથોવને થોડા મહિના વિયેનામાં ગાળ્યા. એ માટેનાં નાણાં એણે ક્યાંથી મેળવ્યાં એની માહિતી નથી મળતી, પણ એટલું ચોક્કસ છે કે એ મોત્સાર્ટને મળ્યો અને એની પાસેથી થોડા સંગીતપાઠ પણ ગ્રહણ કર્યા. મોત્સાર્ટના પિયાનો કન્ચર્ટોના જાહેર જલસામાં મોત્સાર્ટને પિયાનો વગાડતો પણ સાંભળ્યો. મોત્સાર્ટનું પિયાનોવાદન એને સહેજ ખચકાતું જણાયું. મોત્સાર્ટે પોતાના મિત્રો આગળ જે ભવિષ્યવાણી કરી તે સાચી પડીને જ રહી : “એક દિવસ આખી દુનિયાને મોઢે બીથોવનનું નામ રમતું થશે.” પણ બંને પરસ્પર કોઈ પ્રભાવ પાડી શક્યા નહિ.

ડિપ્રેશન-મેલાન્કોલિયાનો પહેલો હુમલો

થોડા મહિનામાં જ માતાની માંદગીના સમાચાર આવ્યા તેથી બીથોવને તરત જ બૉન પાછા જવું પડ્યું. ત્યાં એને એ વખતે વ્યગ્રતા, ખિન્નતા, હતાશા અને અકળામણથી પીડતો ડિપ્રેશન–મેલાન્કોલિયાનો પહેલો હુમલો આવ્યો. ભવિષ્યમાં એના હુમલા તો અવારનવાર આવનાર હતા. એની માતાને પણ એ રોગ હતો. એની પાસેથી જ એ વા૨સો એને મળેલો. પણ માતા તો દારૂડિયણ પણ હતી તેથી પોતે પણ દારૂડિયો થઈ જાય એવી ચિંતા અને દહેશત બીથોવનને પેઠી. પણ ડિપ્રેશન–મેલાન્કોલિયા સાથે ભલે દારૂની લત ના વળગી પણ (અસ્મા) અસ્થ્માનો વ્યાધિ તો વળગ્યો જ.

1788માં ઈલેક્ટરે થિયેટર અને ઑર્કેસ્ટ્રાનું પુનર્ગઠન કર્યું. ઑર્કેસ્ટ્રામાં બીથોવનને વાયોલિનિસ્ટનું સ્થાન મળ્યું. એ નોકરીમાં એણે ચાર વરસ વિતાવ્યાં એ દરમિયાન બધા જ પ્રકારના અને બધી જ શૈલીના ઑપેરાથી એ પૂરો પરિચિત થઈ ગયો. પણ ત્યાં સુધીમાં એનો પિતા તો દિવસરાત ઢીંચી ઢીંચીને સાવ જ દારૂડિયા થઈ ગયેલો તેથી ઘરમાં પૈસા જ આપી શકતો નહિ. બીજે જ વર્ષે 1789માં પિતા ઈલેક્ટરની નોકરીમાંથી નિવૃત્ત થતાં એના પગાર જેટલું જ પેન્શન મળવું શરૂ થયું. પણ સમજદાર ઇલેક્ટરે પેન્શનની અડધી રકમ એ પિતાને તથા બાકીની અડધી ૨કમ પરિવારના નવા વડા તરીકે બીથોવનને આપવી શરૂ કરી. પણ એ અડધી રકમમાં બીથોવન પોતાનો પગાર ઉમેરતો ત્યારે ઘરના ખર્ચા ચૂકવી શકાતા. ઓગણીસ-વીસ વરસની આટલી નાની ઉંમરે કુટુંબના ભરણપોષણની જવાબદારી આવી પડતાં એની જિંદગી તણાવગ્રસ્ત અને કઠિન બની. છતાં એ જ વખતે એને એની પોતાની મૌલિકતા, પ્રતિભા અને શક્તિનો પરચો થઈ ગયેલો. એણે આત્મીય મિત્રો પણ બનાવી લીધા. આ મિત્રોએ માત્ર એ વખતે જ નહિ, પણ ભવિષ્યમાં પણ ખૂબ મદદ કરી.

ફ્રૉઉ ફૉન બ્રૂનિન્ગ અને સ્ટેફાન

બૉનમાં એ સમયે એક ખૂબ સંસ્કારી અને પ્રતિષ્ઠિત મહિલા રહેતી હતી. એનું નામ ફ્રૉઉ ફૉન બ્રૂનિન્ગ. અઠ્ઠાવીસ વરસની ઉંમરે એ વિધવા થઈ હતી. એનો પતિ ફૉન બ્રૅનિન્ગ દરબારી સલાહકાર હતો અને મહેલમાં લાગેલી આગમાં બળીને ખાખ થઈ જઈને અવસાન પામેલો. ફ્રૉઉ ફૉન બ્રૂનિન્ગ પૈસેટકે ખૂબ સંપન્ન હતી અને એક સરસ ઘરમાં પોતાનાં ચાર બાળકો સાથે રહેતી હતી. એ ચારમાંથી એક સ્ટેફાન વાયોલિનિસ્ટ રીઝનો શિષ્ય હતો અને એ જ વખતે બીથોવન પણ રીઝનો શિષ્ય હતો. આ બંને શિષ્યો તરત જ પાક્કા દોસ્ત બની ગયા. સ્ટેફાન 1774માં જન્મેલો એટલે બીથોવન કરતાં ચાર વરસ નાનો હતો. ફ્રૉઉ ફૉન બ્રૂનિન્ગને ઘરે હવે બીથોવનની અવરજવર રોજિંદી થઈ પડી. ઊંડી અને કેળવાયેલી રુચિ ધરાવતી ફ્રૉઉ સંયમશીલ અને ચારિત્ર્યવાન હતી. એનો બીથોવન પર ઊંડો પ્રભાવ પડ્યો. એ બીથોવનને દીકરો જ ગણતી. પહેલી વાર કોઈ ઉમદા ચરિત્ર ધરાવનાર બુઝુર્ગનાં વાત્સલ્ય અને હૂંફ બીથોવનને મળ્યાં. મૂડી, જિદ્દી અને અક્કડ બીથોવનને કૂણી કુમાશનો અનુભવ પહેલી વાર થયો.

કાઉન્ટ વૉલ્સ્ટીન

એ દિવસોમાં બીથોવનને બીજો પણ એક દિલોજાન દોસ્ત મળ્યો. એ હતો ઉદાર દાનેશ્વરી ફર્ડિનાન્ડ ઍર્ન્સ્ટ ગૅબ્રિયલ કાઉન્ટ વૉલ્સ્ટીન. ઑસ્ટ્રિયાના એક ખૂબ શ્રીમંત-અમીર ખાનદાનનો એ યુવાન નબીરો હતો. એ 1762માં જન્મેલો એટલે બીથોવનથી આઠ વરસ મોટો હતો. ઑસ્ટ્રિયાથી 1787માં એ બૉન આવેલો ત્યારે એનો બીથોવન જોડે ભેટો થઈ ગયેલો. એ સંગીતના ગાઢ પ્રેમમાં હતો એટલું જ નહિ, એ એક ઉત્તમ ગાયક અને વાદક હતો અને બીથોવનની કલાનો મહા આશિક હતો. બીથોવનમાં આકાર લઈ રહેલી અસાધારણ પ્રતિભાનો સૌ પહેલાં અણસાર એને જ આવેલો. સત્તરથી એકવીસ વરસની ઉંમરના બીથોવનની કારકિર્દીને ઘાટ આપનારાં ચાર વરસો દરમિયાન એણે જ પોતાના પાકીટમાંથી નાણાંની નદીઓ વહેવડાવીને અને પોતાની ઓળખાણો દ્વારા બીથોવનની સફળતાના માર્ગમાં પથરાયેલા કંટકો દૂર કર્યા. અને તેથી જ ગરીબ અને દારૂડિયા કુટુંબના સંતાન બીથોવનને શ્રીમંતો પોતાને ત્યાં માનપૂર્વક નોતરતા.

પ્રથમ વાર પ્રેમમાં અને પ્રારંભિક પ્રતિભા

પોતાની બે શિષ્યાઓ જિનીટ હોન્રાથ અને મારિયા ફાન વેસ્ટર્હોલ્ડ સાથે બીથોવન ઊંડા પ્રેમમાં પડ્યો. પણ જિનીટ ગ્રેથને પરણી ગઈ અને મારિયા બૅરોન ફ્રિડરિખ ફૉન એલ્બર્ફેલ્ટને પરણી ગઈ.

1791માં વીસ વરસની ઉંમરે જ એક અસાધારણ પિયાનિસ્ટ તરીકે બીથોવનની મોટી નામના થઈ. પણ હજી સુધી એની મૌલિક કૃતિઓ – કમ્પોઝિશન્સ – માત્ર મૅન્યુસ્ક્રિપ્ટ્સમાં જ કેદ હતી; એનું ગાયન-વાદન-મંચન થયેલું નહિ. છતાં વિચારવંત સંગીતરસિયાઓથી એ સાવ અજાણી નહોતી કારણ કે ઘણા હાથોમાં એ ફરી આવેલી. એ રસિયાઓને તો એ સંગીત સાંભળ્યા વિના માત્ર એ મૅન્યુસ્ક્રિપ્ટ્સ વાંચીને જ ખાતરી થઈ ગયેલી કે એ જ વર્ષે અવસાન પામેલા મહાન મોત્સાર્ટનો આત્મા બીથોવનમાં પ્રવેશ્યો છે.

ઇલેક્ટર પાસેથી મંજૂરી મેળવીને કાઉન્ટ વૉલ્સ્ટીન 1792ની પાનખરમાં બીથોવનને બૉનથી વિયેના લઈ આવ્યો અને બુઝુર્ગ હાયડન હેઠળ સંગીત-શિષ્ય તરીકે એને ગોઠવ્યો. પણ વિયેનામાં બૉનનો ઘરઝુરાપો બિચારા બીથોવનનો પીછો નહોતો છોડતો. ‘હું બૉન પાછો આવીને જ જંપીશ’ એવા કાગળો એ લખતો રહેલો. તેથી એનું મનોબળ મક્કમ કરવા માટે વૉલ્ટીને એને લખ્યું :

પ્રિય બીથોવન,
લાંબા સમય સુધી નહિ ફળેલી તમન્ના પૂરી કરવા તું વિયેના ગયો છું. મોત્સાર્ટના મૃત્યુને કારણે એની રખડી પડેલી પ્રતિભા પનાહ મેળવવા માટે રડી અને કકળી રહી છે. હાયડનમાં એને કામચલાઉ હંગામી આશરો મળ્યો છે પણ એ કાયમી મુકામ નથી. હાયડન પાસેથી તાલીમ મેળવીને મોત્સાર્ટની પ્રતિભાને તારા વ્યક્તિત્વમાં મુકામ આપવાનું ધ્યેય તારે પાર પાડવાનું છે.
– તારો સાચો મિત્ર વૉલિસ્ટન
 
બૉન, ઑક્ટોબર 29,1792
 

બીથોવને વિયેનામાં વસવાટ શરૂ કર્યો ત્યારે કોલોનનો ઇલેક્ટર એને એના પિતાના પગારનો અડધો હિસ્સો પેન્શન તરીકે અને બાકીનો અડધો હિસ્સો ખુદ પિતાને પેન્શન તરીકે આપતો હતો. પણ પિતા તો બીથોવનના વિયેના આવ્યા બાદ બે મહિનામાં જ 1792ના નવેમ્બરની અગિયારમીએ અવસાન પામ્યા. પિતાના અવસાન પછી પણ ઇલેક્ટરે પિતાના પેન્શનમાંથી અડધી રકમ 100 થેલર્સ બીથોવનને આપવી ચાલુ રાખેલી. પણ જર્મની આપત્તિઓથી ઘેરાઈ રહ્યું હતું. નવા ફ્રેંચ રિપબ્લિકે જર્મની સાથે યુદ્ધની ઘોષણા કરી. 1794ની પાનખરમાં ર્‌હાઇન નદી ઓળંગીને ફ્રેંચ સૈન્ય આગળ ધસી ગયું. બધા જ જર્મન રાજકુમારો મુશ્કેલીમાં મુકાઈ ગયા. અચોક્કસ મુદત સુધી બૉનનગરની બહાર રહેવાની બીથોવનને આપેલી પરવાનગી કોલોનના ઇલેક્ટરે પાછી ખેંચી નહિ, પરંતુ 100 થેલર્સનું પેન્શન આપવું બંધ કર્યું, કારણ કે એ પોતે જ પૈસાની તંગીમાં ફસાઈ ગયેલો.

બીજી સૂચના મળે ત્યાં સુધી બૉન બહાર રહેવા માટે બીથોવનને છુટ્ટી હતી. પોતાના પગ પર ઊભા રહેવા જેટલો અડીખમ એ હવે થઈ ચૂકેલો. કોલોનના ઇલેક્ટરનો ભત્રીજો ઑસ્ટ્રિયાનો સમ્રાટ હતો. એ સમ્રાટે અને પ્રિન્સ લિખ્નોવ્સ્કીએ બીથોવનના સંગીત- જલસાઓ ગોઠવી આપ્યા. વિયેનામાં ઘણા લાંબા સમય સુધી લિખ્નોવ્સ્કીના મહેલમાં લિખ્નોવ્સ્કીની સાથે જ બીથોવન રહ્યો. ઑસ્ટ્રિયાના ટોચના શ્રીમંતોમાંનો એક લિખ્નોવ્સ્કી સંગીત પાછળ તો રીતસર ગાંડો જ હતો. જોકે એ પોતે ગાયક, વાદક કે કંપોઝર નહોતો. પણ એ જમાનાની રસમ મુજબ એણે અંગત ઑર્કેસ્ટ્રા, કોય૨ અને થિયેટરની માવજત કરેલી. સમગ્ર ઑસ્ટ્રિયામાં એ ત્રણે પ્રકારના સંગીતની બહુ જ બોલબોલા હતી, પણ કલાઇતિહાસમાં વિયેનાનું નામ અમર કરનાર સંગીતપ્રકાર (બિનધાર્મિક) ઑર્કેસ્ટ્રલ છે. વિયેનાનગરીએ આ સંગીતપ્રકારને એટલું બધું તો ઉત્તેજન આપ્યું કે હાયડન, મોત્સાર્ટ અને બીથોવનના ઢગલાબંધ શ્રેષ્ઠ ઑર્કેસ્ટ્રલ માસ્ટરપીસ આકાર લઈ શક્યા.

1796-97થી બીથોવનની મૌલિક કૃતિઓ મૅન્યુસ્ક્રિપ્ટ્સ સુધી મર્યાદિત નહિ રહેતાં છપાવા માંડી. તેથી એક પિયાનિસ્ટ ઉપરાંત એક કંપોઝર તરીકે પણ તેની માંગ ઊભી થઈ. સંગીતપ્રેમીઓ એની કૃતિઓની મૌલિકતા અને માધુર્યથી આકર્ષાયા. એ પ્રારંભિક કૃતિઓમાં ખાસ ધ્યાન ખેંચનારી કૃતિઓ છે : થ્રી ટ્રાયોઝ (ઓપસ 1), ક્વિન્ટેટ ફૉર સ્ટ્ર્રિન્ગ્સ (ઓપસ 4), બે ચૅલો સોનાટાઝ (ઓપસ 5),

પિયાનો સોનાટા ઇન ઇ ફ્‌લૅટ (ઓપસ 7), ગીત ‘એડેલેઇડે’ તથા ગુરુ હાયડનને અર્પણ કરેલા ત્રણ પિયાનો સોનાટા.

‘ગાંડો’

1793માં લિસીસ્ટરમાં વિલિયમ ગાર્ડિનરના હાથમાં બીથોવનની કૃતિ ‘ટ્રાયો ઇન E ફ્‌લૅટ’(ઓપસ 3)ની મૅન્યુસ્ક્રિપ્ટ આવી. (1797) સુધી એ કૃતિ છપાઈ નહોતી. ત્રણ વાદકો માટેની એ કૃતિનું ત્યાં પહેલી વાર વાદન થયું અને એમાં વિલિયમ ગાર્ડિનરે વાયોલા વગાડેલું. પ્રભાવિત ગાર્ડિનરે લખ્યું :

મેં અગાઉ સાંભળેલી કોઈ પણ કૃતિ કરતાં આ કૃતિ એટલી બધી અલગ હતી કે તરત જ મારામાં એક નવી અનુભૂતિ અને એક નવી બુદ્ધિનો ઉદ્‌ભવ થયો. અવાજની દુનિયાના જાણે કે એક નવા જ પ્રદેશમાં હું ઉડ્ડયન કરી રહ્યો હોઉં એવું લાગ્યું... પછી લંડન જઈને એ કૃતિના લેખકની મેં તપાસ કરી. તો માત્ર એટલું જ જાણવા મળ્યું કે એ સાવ જ ગાંડો, પાગલ હતો ! અને એનું સંગીત પણ પાગલ હતું !

વિયેનામાં બીથોવને સારી કમાણી રળવા માંડી. જીવનનાં આરંભનાં વર્ષોમાં જે અભાવ, ગરીબી, તંગી અને લાચારી વેઠેલી એના પ્રત્યાઘાત રૂપે એણે ખર્ચાળ જીવનશૈલી અપનાવી. સવારી માટે એક ઘોડો અને એક ચોવીસ કલાકનો અંગત નોકર એણે રાખ્યા. પોતાના બે નાના ભાઈઓની જવાબદારી પોતાને ખભે હોવા છતાં આ વૈભવ એને પરવડતો કારણ કે એ બંને હવે ધીમે ધીમે પગભર થઈ રહ્યા હતા. 1795માં એ બંને વિયેના આવી સ્થિર થયેલા. બેમાંથી મોટો કાર્લ સંગીતનાં ટ્યૂશનોમાંથી ખાસ્સી એવી કમાણી કરીને પોતાનો ગુજારો આરામથી કરતો હતો. નાના જોહાને બૉનમાં કેમિસ્ટ ઍન્ડ ડ્રગિસ્ટની તાલીમ લીધેલી. એણે વિયેનામાં કોઈ દવાની દુકાનમાં કેમિસ્ટની નોકરી લીધી. વર્ષો વીતતાં ગયાં એમ એની સમૃદ્ધિ વધતી ગઈ અને પછી તો એણે સફળતાપૂર્વક સ્વતંત્ર વ્યવસાય કર્યો.

બીથોવનનું વ્યક્તિત્વ

બાવીસત્રેવીસ વરસની ઉંમરે બીથોવનનું મજબૂત જિસમ પ્રચંડ તાકાત ધરાવતું થયું. એની મહત્ત્વાકાંક્ષા તો દાબ્યે દબાવી શકાય નહિ એટલી ઉછાળા મારતી અને એનો આત્મવિશ્વાસ પણ એટલો જ છલકાતો. એનું મનોબળ પણ મક્કમ અને અડગ બન્યું. પણ આ બધાં કારણે તે માત્ર અક્કડ અને જિદ્દી જ નહિ પણ અહંકારી અને તુંડમિજાજી પણ બન્યો. વિયેના આવીને તરત જ વૃદ્ધ હાયડન પાસે સંગીતના પાઠ ગ્રહણ કરવા તો માંડ્યા પણ આથમતા તારા અને ઊગતા તારા વચ્ચે મેળ જામ્યો જ નહિ ! સંગીતના ટેક્નિકલ શિક્ષણની પોતાને જરૂર છે એની પ્રતીતિ તો બીથોવનને પહેલેથી જ થયેલી અને તેથી તો એણે હાયડનનું શિષ્યત્વ સ્વીકારેલું. છતાં કંપોઝર તરીકેની પોતાની શક્તિથી એ એટલો બધો વાકેફ થઈ ગયો કે ગુરુએ આપેલી કોન્ટ્રાપુન્ટલ એક્સર્સાઇઝ (કાઉન્ટરપૉઇન્ટની કસરત) એ કરવા ખાતર માત્ર કમને કરતો અને ગુરુના ઘોંચપરોણાને એ ધૂત્કારી કાઢતો. વળી, હાયડન આ સમયે એટલો બધો વ્યસ્ત હતો કે શિક્ષણની ઔપચારિક સીમારેખા ઓળંગી બીથોવનના વ્યક્તિત્વમાં એ વ્યક્તિગત રસ લઈ શકે એમ નહોતો. પછીનાં વર્ષોમાં બીથોવને કબૂલેલું કે હાયડન પાસેથી પોતે સંગીતના પાઠ ભલે ગ્રહણ કર્યા, પણ એની પાસેથી પોતે કશું જ શીખવા પામેલો નહિ. હાયડનને પડતો મૂકીને બીથોવને બીજો ગુરુ કર્યો : ઍલ્બ્રૅક્ટ્સ્બર્ગર. પણ આ પ્રયોગમાં પણ કોઈ જ ભલીવાર વળ્યો નહિ. પછી ઑપેરા કંપોઝર સાલિયેરીને ગુરુ બનાવ્યો. એની પાસેથી બીથોવને માનવકંઠ માટેની કૃતિઓ લખવાના પાઠ ગ્રહણ કર્યા. બીથોવનના બાળપણના ગુરુ રીઝે ઘણા વખત પછીથી લખેલું :

એના એ સમયના એ ત્રણે ગુરુઓને હું સારી રીતે જાણતો. ત્રણે બીથોવનની શક્તિઓની બહુ ઊંચી મુલવણી કરતા. એના અભ્યાસની આદતો અંગે પણ એ ત્રણે સહમત હતા : બીથોવન એટલો બધો તો જિદ્દી, અક્કડ અને આત્મનિર્ભર હતો કે એ માત્ર કડવા અનુભવોમાંથી પસાર થઈને ઠોકરો ખાઈને જ શીખી શકતો, કારણ કે ઔપચારિક અભ્યાસના મુદ્દા તરીકે કોઈ પણ વિષય એની સામે ધરવામાં આવતાં એને સમજવાનો એ તરત જ ધરાર ઇન્કાર કરતો.

પ્રથમ જાહેર જલસો

1795ના માર્ચની ઓગણત્રીસમીએ વિયેનાની જનતા સમક્ષ બીથોવન પ્રથમ વા૨ જાહેર જલસામાં કંપોઝર તેમ જ વર્ચુઓસો (શ્રેષ્ઠવાદક) પિયાનિસ્ટ તરીકે રજૂ થયો. ત્યાં એની મૌલિક કૃતિ પિયાનો કન્ચર્ટો ઇન બી ફ્લૅટ વગાડવામાં આવી જેમાં સોલો પિયાનો એણે જાતે જ વગાડ્યો. એક જ દિવસ પછી એકત્રીસમીએ બીથોવન ફરી જાહેર જલસામાં રજૂ થયો અને એણે પેલી કૃતિ ફરી વાર વગાડી. એ પછી ત્યાં જ એ વખતે મોત્સાર્ટનો કોઈ એક (મોટે ભાગે D માઇનોર) પિયાનો કન્ચર્ટો વગાડવામાં આવ્યો અને એમાં પણ એણે પિયાનો વગાડ્યો. 1796માં એ પ્રાહા અને બર્લિનની કૉન્સર્ટયાત્રાએ નીકળી પડ્યો. પુરાવા નથી મળતા પણ વાયકા એવી છે કે પ્રુશિયાના રાજા ફ્રેડેરિખ વિલિયમ બીજાએ એને દરબારી સંગીતકાર તરીકેની નિમણૂકની દરખાસ્ત કરી અને બીથોવને તેની ના પાડી.

તુંડમિજાજ અને ઘમંડ

આ વર્ષોથી બીથોવન ઘણો ઘમંડી અને તુંડમિજાજી બની ગયો હતો. વિના કારણે એ ગુસ્સે થઈ જતો. બદનસીબી અને પીડાને કારણે એની વિરાટ પ્રતિભા હજી કૂણી પડી નહોતી. એની રીતભાત તદ્દન ઉદ્ધત અને વર્તણૂક તદન તોછડી હતી. પણ એના બેહૂદા અને કઢંગા વર્તનથી ઝઘડા ઊભા થાય એ પહેલાં જ એના શુભેચ્છક મિત્રો બાજી સંભાળી લઈ આપત્તિને ટાળી દેતા. એના દિલોજાન મિત્રોને એને માટે ખરેખર ખૂબ આદર અને પ્યાર હતો. બીથોવને જેના ઘરમાં મહેમાન બનીને ધામા નાંખેલા એ પ્રિન્સ લિખ્નોવ્સ્કી પણ ઘણો જ સમજદાર અને સહનશીલ હતો. એના ઘરમાં તો બીથોવનનાં નખરાંએ ઉધમપાત મચાવેલો. પણ નમતું જોખીને લિખ્નોવ્સ્કીએ નોકરને આદેશ આપેલો કે જો બીથોવનનો અને પોતાનો કૉલબેલ એક જ સાથે વાગે તો બીથોવનની સેવામાં એણે પ્રથમ હાજર થવું. ફાટ ફાટ થતી વિરાટ પ્રતિભાને કારણે બીથોવનનું અભિમાન પણ એટલું બધું હતું કે પોતાના મિજાજ પર કાબૂ રાખવાનું એને પોતાને માટે જ મુશ્કેલ થઈ પડેલું. એ હંમેશાં ગુના આચરવાની તાકમાં જ રહેતો અને સામેના માણસની લાગણીનો તો વિચાર સુધ્ધાં કરતો નહિ. પણ બીજી જ ક્ષણે એને પ્રખર ક્રોધ જેટલો જ ઊંડો પસ્તાવો થતો. મિત્ર વૅજિલર સાથે પણ આમ જ બન્યું. પેટ ભરીને પસ્તાયા પછી બીથોવને એને કાગળ લખ્યો :

હે પ્રિય ! હે શ્રેષ્ઠ ! મારી કેવી ધૃણાસ્પદ અને હલકટ બાજુને તેં ખુલ્લી પાડી છે ! હું સ્વીકારું છું કે તારી મિત્રતાને હું લાયક જ નથી. તું કેટલો ઉમદા છે ! કેટલો દયાળુ છે ! આ પહેલી જ વાર હું તારી સમકક્ષ થવા ગયો અને મને ભાન થઈ ગયું કે હું કેટલો નીચ છું, અને તું કેટલો મહાન છે ! તને લાગતું હશે કે મેં મારા હૃદયની માનવતા ગુમાવી દીધી છે. પણ ઈશ્વરની કસમ ખાઈને કહું છું કે જાણી જોઈને કે હેતુપૂર્વકના દ્વેષભાવને કારણે મેં તારી સાથે આવું વર્તન કર્યું નથી; પણ મારી વિચારહીનતા આ વર્તન માટે જવાબદાર છે, જેને કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય જ નહિ. એ વિચારહીનતાને કારણે મારી બુદ્ધિ બહેર મારી ગઈ હતી. માત્ર તારી સામે આવતાં જ નહિ, પણ મને મારી જાત સામે આવતાં પણ શરમ આવે છે. પહેલાં તો હું સારો હતો, હંમેશાં સાચી વર્તણૂક કરતો અને સાચાં મૂલ્યો અનુસાર ચાલતો. નહિતર તું મને કેવી રીતે પ્રેમ કરી શક્યો હોત ? શું આટલા જ ટૂંકા ગાળામાં હું આટલો બધો ખરાબ થઈ ગયો ? અશક્ય ! વાજબીપણા માટેની અને ન્યાયપ્રિયતાની લાગણી મારી અંદર ક્ષણાર્ધમાં જ કાંઈ મરી પરવારે નહિ ! પ્રિય વૅજિલર ! તારા આ બીથોવનની મિત્રતા ફરી એક વાર સ્વીકારવાનું સાહસ કર ! હું સાચા દિલથી તારી માફી માંગું છું, ભીખ માંગું છું. હું બે હાથ પહોળા કરીને ઊભો છું. તું એમાં ઝંપલાવ. વિશ્વાસ રાખ, પહેલાં તેં જોયેલા એ જ સદ્‌ગુણો ફરી એક વાર મારામાં જોવા મળશે. પવિત્ર મિત્રતાનું નિષ્કલંક મંદિર ફરી એક વાર તું બાંધ. હું તને ખાતરી આપું છું કે તે હંમેશાં અક્ષુણ્ણ રહેશે. કોઈ પણ અકસ્માત કે છે. કોઈ પણ વાવાઝોડું એના પાયા હચમચાવી શકશે નહિ. મારો ગુનો માફ કર. ગઈગુજરી ભૂલી જા. ફરીથી દોસ્તી માટે લંબાવેલા મારા આ હાથને પકડી લે. બસ, માત્ર એક જ વાર તારી જાતને મારામાં મૂકીને જો. મારા ગુમાવેલા મિત્રને પાછો મેળવવા હું તારી પાસે આવું છું. હું મારી જાતને તારામાં સોંપી દઈશ અને તું તારી જાત મને સોંપી દેજે.
– તને પ્રેમ કરતો, તને કદી નહિ ભૂલનારો તારો
પસ્તાયેલો બીથોવન
 

ધ ગ્રેટ મોગલ

એ હવે ત્રીસ વરસનો થવા આવેલો અને એની મહત્તા વધતી જ જતી હતી. વિયેનામાં એના ચાહકો વધતા જતા હતા તો સાથે સાથે એના હરીફો અને દુશ્મનો પણ વધતા જતા હતા. વિયેનાના ડ્રૉઇન્ગરૂમ્સમાં સંગીતકારો ગાયનવાદનની હરીફાઈ કરી પોતાની ચઢિયાતી શ્રેષ્ઠતા પુરવાર કરતા રહેતા. વળી વિયેના બહારથી આવેલા સંગીતકાર માટે એવો વણલખ્યો નિયમ જ હતો કે સ્થાનિક સંગીતકારોને હરીફાઈમાં પછાડીને જ લોકોનું ધ્યાન ખેંચી શકાય. બીથોવન મૂળ તો વિયેના બહારથી આવેલો, પણ એ હરીફાઈઓમાં હરીફોને પછાડીને જ રહ્યો. એના સંગીતમાં જે તાકાત અને અગ્નિ પ્રજ્વળી રહેલાં એની મિસાલ જડવી મુશ્કેલ હતી. પણ હરીફોના સંગીતમાં પણ એક ગુણ હતો જે કેટલીક વાર બીથોવનના સંગીતમાં ઓછો હતો. એ ગુણ હતો લાવણ્યનો. પણ હરીફો તેમ જ મેજબાનો અને શ્રોતાઓ તરફ બીથોવનનું વર્તન એટલું ઉદ્ધત રહેતું કે એના તરફ પ્રેમ કે દોસ્તીનો ભાવ ભાગ્યે જ કોઈને જાગે !

1799માં એક સમકાલીન મૅગેઝિનમાં બીથોવન અને એના યુવાન હરીફ પિયાનિસ્ટ જૉસેફ વુલ્ફલની હરીફાઈ વિશે એક રિપોર્ટ છપાયેલો. બીથોવનથી બે વરસે નાના વુલ્ફલના મધુર પિયાનોવાદને અગણિત શ્રોતાઓને એના ફૅન બનાવી દીધા. આખી વિયેનાનગરી વુલ્ફલ અને બીથોવનના ફૅન્સ-ચાહકોમાં વહેંચાઈ ગઈ. એ મૅગેઝિનના લેખકે વુલ્ફલના પિયાનોવાદનની તારીફમાં એની લાવણ્યમય અભિવ્યક્તિ, ચોકસાઈ, સ્પષ્ટતા અને આભાસી પ્રયાસહીનતાના ગુણ ચીંધી બતાવ્યા. પણ બીથોવનના પિયાનોવાદનમાં તેજસ્વી બૌદ્ધિકતાના અસધારણ ચમકારા જોવા મળે છે એમ કહ્યું; અને લેખના અંતમાં છેલ્લું વાક્ય મૂક્યું : “વુલ્ફલ ચડિયાતો એટલા માટે છે કે એની વર્તણૂક નમ્ર, વિનયપૂર્ણ અને વિવેકી છે. બીથોવન અહંકારી અને ઉદ્ધત છે.”

બીથોવને ખરેખર કબૂલ કરેલું કે જે લોકો એને ઉપયોગી થઈ શકે એમનું જ એને મન થોડુંઘણું, અને તે પણ તત્કાળ પૂરતું જ, મહત્ત્વ છે : “જે લોકો મને ઉપયોગમાં આવતા હોય તેમનું જ મારે મન મૂલ્ય છે. મને કંટાળો આવે ત્યારે એમની સાથે બે ઘડી દિલ બહેલાવી શકું એ માટેના રમકડાથી વિશેષ એ લોકો કશું નથી.” પોતાને એ એટલો તો મોટો ખાંસાહેબ સમજતો કે વૃદ્ધ હાયડન મશ્કરીમાં પૂછતો : “આપણો ગ્રેટ મોગલ કેમ છે ?” વિયેનાના બધા જ નાગરિકો એના સુપરઈગોથી વાકેફ હતા.

ડ્રૉક્ટ્રાઇન ઑફ વિલ ટુ પાવર

એના જમાનાનો એક શ્રેષ્ઠ પિયાનિસ્ટ હોવા ઉપરાંત બીથોવને પોતાની અંદર એક જબરજસ્ત સર્જનાત્મક તાકાત મહેસૂસ કરેલી. આ કારણે એની કૃતિઓ છાપવા માટે પ્રકાશકોએ પડાપડી કરવી શરૂ કરી. એ માટેની એમની અંદર અંદરની હરીફાઈને કારણે પણ બીથોવનનો સુપ૨ઈગો વધુ ને વધુ ફૂલતો ગયો. એ વારંવાર મગજનો પારો ગુમાવતો. તે છતાં પણ એના ઍરિસ્ટ્રોક્રેટિક શ્રીમંત આશ્રયદાતાઓ અત્યંત સહનશીલ નીકળ્યા. એનાં પ્રખર ક્રોધ, તોછડાઈ અને ઘમંડ તેમ જ તુંડમિજાજને એમણે હંમેશાં હસતે મોઢે વેઠી લીધાં. એ બધા એની સર્જનાત્મકતાનું મૂલ્ય સમજતા તો સાથે સાથે એ પણ સમજતા હતા કે એમની અને એની વચ્ચે જે આર્થિક-સામાજિક અસમાનતાની ખાઈ છે તે એટલી ઊંડી-પહોળી છે કે ક્યારેય પુરાવી શક્ય નથી. પણ એના હરીફ સંગીતકારો એનો અણઘડ તોછડો સ્વભાવ અને તુંડમિજાજ શાને સહન કરે ? એ તો એને નીચો અને હીન સાબિત કરવા માટેના લાગમાં જ રહેતા. પણ બીથોવનનો અહમ્ તો કોઈ પણ ભૌતિક કે દુન્યવી પરિબળોને આધીન થવા તૈયા૨ નહોતો. મહાન જર્મન ફિલસૂફ નિત્શે હજી જન્મ્યો પણ નહોતો; પણ નિત્શેએ ઘડેલા ‘ડ્રૉક્ટ્રાઇન ઑફ વિલ ટુ પાવર'ને ચરિતાર્થ કરનારી હૂબહૂ ઘટના બીથોવનના ચારિત્ર્યમાં આગોતરી જ જોવા મળે છે. ઝ્મેસ્કેલ નામના એક મિત્રને બીથોવને લખેલું :

નીતિમત્તાને લગતો તારો ઉપદેશ તું તારી પાસે જ રાખજે. બીજા પર રાજ કરવા સર્જાયેલા પુરુષો માટે તો એકમાત્ર નીતિ એ શક્તિ જ છે; મારે માટે પણ એમ જ છે. તું જા જહન્નમમાં.

“મોત્સાર્ટના ઑપેરા તમે સાંભળ્યા છે કે ?” એવો પ્રશ્ન એક મહિલાએ બીથોવનને પૂછેલો એના જવાબમાં બીથોવને આવા જ એક મૂડમાં પરખાવેલું : “મને ખબર નથી. બીજાનું સંગીત સાંભળવાની મને પડી પણ નથી. એ સાંભળીને મારે મારી મૌલિકતા ગુમાવવી નથી.” એક વાર બીથોવને કહેલું, “તમે શ્રીમંતો તમને વારસામાં મળેલા પૈસાથી તાગડધીન્ના કરો છો. એમાં તમે શું ધાડ મારી ? હું જે કાંઈ છું તે મારી મૌલિક પ્રતિભા થકી છું.”

આદર્શ પોર્ટ્રેઇચર્સ

બીથોવનના મૃત્યુ પછી ચિત્રકારો અને શિલ્પીઓ એના વધુ ને વધુ આદર્શીકૃત પોર્ટ્રેઇટ્સ બનાવવા માંડેલા. એ ખરેખર કેવો દેખાતો હતો એની ખેવના કર્યા વીના ‘થર્ડ’, ‘ફિફ્થ’ અને ‘નાઇન્થ’ સિમ્ફનીઓ, ‘માસ ઇન ડી’ તથા ‘એમ્પરર કન્ચર્ટો’નો પ્રખર ક્રોધી અને તુંડમિજાજી સર્જક કેવો હોઈ શકે તે વિશેની એમની અંગત કલ્પનાઓને એમણે મૂર્તિમંત કરી. હકીકતમાં બીથોવન દેખાવડો તો હતો જ નહિ. વધારામાં એનો ચહેરો શીતળાનાં ચાઠાંથી ભરેલો હતો. બાળપણમાં માવજત ને હૂંફ મળ્યા વિનાના બરછટ ઉછેરને કારણે પુખ્ત ઉંમરે પણ એના વ્યક્તિત્વમાં તોછડાઈ અને ઉદ્ધત વર્તન ઘૂસી ગયાં. વળી ત્વરિત સફળતા મળતાં એ વધારે ઉદ્ધત અને અક્કડ થઈ ગયો. વિયેના આવતાંવેંત જ એણે ફાંકડા અને વરણાગિયા બનવાનું પસંદ કરેલું. એણે ફૅશનેબલ કપડાં ખરીદી લીધાં અને પાર્ટીઓમાં મહાલવા માટે નૃત્યનાં ટ્યૂશન પણ લીધાં. પણ એ બધાંથી કોઈ ફેર પડ્યો નહિ. મૂળમાં જ જે રોંચો હતો તે રોંચો જરહ્યો ! પોતાના અંગેની આછીપાતળી ટીકા પણ એ સહન કરી શકતો નહિ. એટલું જ નહિ, એવી ટીકાનો સંભવ પણ એ સહન કરી શકતો નહિ તેથી ટીકા થાય એ પહેલાં જ એ ઊકળી પડતો. આટલું જાણે ઓછું હોય એમ ખુશામત એને ખૂબ પ્યારી હતી. આ બે દુર્ગુણોનો ગેરલાભ ઉઠાવી દુશ્મનો એને ધાર્યા મુજબ નચાવી શકવામાં અને એને હાંસીપાત્ર બનાવવામાં આસાનીથી સફળ થતા. એ તો એના સંગીતની મહાનતા સમજી શકેલા મિત્રો જ એના દુર્ગુણો નજરઅંદાજ કરતા.

હંમેશા પ્રેમમાં

આખી દુનિયામાં કામવાસના, રતિભાવ અને શૃંગારરસથી અલિપ્ત ‘સેક્સલેસ’ સંગીત જો હોય તો તે બીથોવનનું છે. પણ બીથોવન પોતે વિલાસી અને કામાંધ હતો. એના આજીવન દોસ્ત વેજિલરે કહેલું :

બીથોવનના જૂના સંગીત શિક્ષક ફર્ડિનાન્ડ રીઝ, બર્ન્હાર્ડ ફૉન બ્રૂનિન્ગ અને મને ધીમે ધીમે જાણ થઈ ગઈ કે એવો કોઈ સમય જ નહોતો કે જ્યારે બીથોવન પ્રેમમાં પડેલો હોય નહિ; અને વળી એ પ્રેમ એટલે સૌથી ઊંડો પ્રેમ. ભલભલા ફાંકડા રૂપાળા જુવાનો જ જેનાં દિલ જીતી શકે એવી સુંદરીઓનાં દિલ એ ચપટી વગાડતાં જીતી લેતો !

એક વાર વિયેના ઑપેરાની રૂપાળી ગાયિકા મૅગ્ડેલેના વિલિયમ્સના પ્રેમમાં બીથોવન પડેલો. બીથોવને એને લગ્નની દરખાસ્ત પણ કરેલી. 1860માં મૅગ્ડેલેનાના ભાઈ મેક્સની દીકરીને બીથોવનનો જીવનકથાકાર થેયર મળેલો. મૅગ્ડેલેનાની એ ભત્રીજીએ એને જણાવેલું કે પોતાના પિતા પાસેથી ફોઈના બીથોવન સાથેના પ્રેમપ્રકરણની વાતો વારંવાર કાને પડતી. થેયરે એને પૂછ્યું : “તો બીથોવનની લગ્નની દરખાસ્તને તારી ફોઈએ ઠુકરાવી શા માટે ?” ખડખડાટ હસી પડીને ભત્રીજીએ જવાબ આપ્યો : “કારણ કે એ તદન કદરૂપો અને અડધો ગાંડો હતો !”

આ વર્ષોમાં બીથોવન સર્વ પ્રકારના ઘાટઘૂટમાં મોટી માત્રામાં કૃતિઓ લખી રહ્યો હતો. એમાંથી ખાસ્સા પ્રમાણમાં કૃતિઓ છપાઈ રહી હતી. કૃતિની નીચે તારીખ નાંખવાની બીથોવનને ટેવ હતી જ નહિ. વધારામાં એને એવી ટેવ હતી કે કૃતિ શરૂ ભલે આજે કરી હોય, પણ એને પડતી મૂકીને છેક બેત્રણ કે ચારપાંચ વર્ષે ફરી હાથમાં લે, અને એ પૂરી કરતાં તો કદાચ એથી પણ વધુ લાંબો સમય લે. વળી, એ પૂરી થાય એટલે તરત જ છપાઈ જાય એ પણ જરૂરી નહિ હોવાને કારણે કૃતિના સર્જન અને પ્રકાશન વચ્ચે ઘણી વાર ખાસ્સો ગાળો રહેતો. પણ એટલા પુરાવા મળે છે કે 1798-99માં એણે ‘થ્રી ટ્રાયોઝ ફૉર સ્ટ્રિન્ગ્સ’ (ઓપસ 9), પાંચ પિયાનો સોનાટાઝ (ઓપસ 10 અને 14), ‘પિયાનો સોનાટા પૅથેટિક’ (ઓપસ 13), ત્રણ વાયોલિન સોનાટા (ઓપસ 12), પિયાનો કન્ચર્ટો નં. 1 અને નં. 2 તથા પહેલી સિમ્ફની લખ્યાં. પહેલી સિમ્ફનીનો પ્રીમિયર શો 1800ના જૂનની બીજીએ થયો.

‘મૂનલાઇટ સોનાટા’

1800માં એણે બૅલે ‘ધ મૅન ઑફ પ્રોમિથિયુસ’, છ ક્વાર્ટેટ્સ (ઓપલ 18), સેપ્ટેટ (ઓપસ 30), પિયાનો સોનાટા ઇન B ફ્લેટ (ઓપસ 22), પિયાનો કન્ચર્ટો નં. 3 ઇન C માઇનોર, અને ઑરેટોરિયો ‘ધ માઉન્ટ ઑફ ઓલિવ્ઝ’ લખ્યાં. 1801માં બે વાયોલિન સોનાટા (ઓપસ 23 અને 24), ચાર પિયાનો સોનાટા ઇન A ફ્‌લૅટ (ઓપસ 26), ઇન E ફ્‌લૅટ (ઓપસ 27), ઇન C શાર્પ માઇનોર (ઓપસ 28) અને ઇન D મેજર (ઓપસ 28), ક્વિન્ટેટ ઇન C મેજર (ઓપસ 29) ઉપરાંત બીજી પણ કૃતિઓ લખી. એમાંથી પિયાનો સોનાટા ઇન C શાર્પ માઇનોરને પછીથી ‘મૂનલાઇટ’ને નામે પ્રસિદ્ધિ મળી. એ નામ ખુદ બીથોવને તો નહોતું જ આપ્યું. પ્રાર્થનાવેદી પર ઘૂંટણીએ પડીને બીમાર પિતાની તબિયત માટે પ્રાર્થના કરતી છોકરીનું વર્ણન કરતી કવિ સૂમીની એક કવિતા ઉપરથી આ સોનાટા બીથોવનને સૂઝેલો. પછીથી એણે પોતાની શિષ્યા કાઉન્ટેસ ગિયુલિટા ગુઇકિયાર્ડીને એ અર્પણ કરી દીધો કારણ કે એ એના પ્રેમમાં પડી ગયેલો.

બહેરાશ

પણ એક વર્ચ્યુઓસો પિયાનિસ્ટ તરીકે બીથોવનની ઝળહળતી કારકિર્દી ઉપર હવે કાળાં વાદળ છવાઈ ગયાં. તાજેતરમાં આવેલી થોડી બહેરાશ વધવા માંડી અને એણે વધુ ને વધુ ગંભીર સ્વરૂપ લેવા માંડ્યું. પરિણામે પ્રવાસી વર્ચ્યુઓસો તરીકેની એની કારકિર્દીનો પૂરો ખાત્મો જ થઈ ગયો. કરવા માટે હવે એક જ પ્રવૃત્તિ બચી હતી, એ હતી અવનવી કૃતિઓ રચવાની – કંપોઝિશનની પ્રવૃત્તિ. આમ, નછૂટકે એણે અંતર્મુખ થવું પડ્યું. બહેરાશ કઈ તારીખે આવી એની ચોક્કસ તારીખ નોંધવામાં આવી નથી. આ અંગે બે વાયકાઓ વ્યાપક છે : એક વાયકા અનુસાર 1796ના ઉનાળામાં એક ગરમ દિવસે બહારથી તપી જઈને ઘરમાં અંદર આવીને ઠંડા પડવા માટે બીથોવન અંડરવેર સહિત બધાં જ કપડાં ઉતારીને સાવ નગ્ન થઈને એક ખુલ્લી બારી આગળ જઈને ઊભો રહ્યો અને એ જ ક્ષણે એ બહેરો થઈ ગયો ! બીજી વાયકા અનુસાર બ્રિટિશ પિયાનિસ્ટ ચાર્લ્સ નીટને બીથોવને 1815માં એમ કહેલું કે બીથોવનની એક કૃતિમાં ગાવા માટે એક ટેનરે એટલાં બધાં નખરાં કર્યાં કે એના નાજુક કંઠને અનુકૂળ થવા માટે બીથોવને એને માટે ત્રણ વાર સુધારા કરવા પડેલા. ‘હાશ છૂટ્યો’ એવો છુટકારાનો દમ બીથોવન હજી માંડ ભરી રહ્યો હતો ત્યાં જ પેલા ટેનરને પાછો પોતાની તરફ દોડતો આવતો જોઈને બીથોવન ભડક્યો. પણ એ એવો તો ભડક્યો કે કાળી ચીસ પાડીને ખુરશીમાંથી ઊભા થઈ જઈને એણે દાદરા પર પડતું નાંખ્યું. એનું એકે હાડકું તો ભાંગ્યું નહિ, પણ ઊભો થયો કે તરત તેને સંભળાવું બંધ થઈ ગયું ! આ કથા પિયાનિસ્ટ નીટને બીથોવને પોતે જ કહેલી એ વાતનો પુરાવો છે. પણ આવી મનઘડંત કલ્પના ઊપજાવી કાઢવા પાછળ મહાન સંગીતકારનો આશય શો હશે એ સમજાતું નથી !

હકીકતમાં 1799થી બહેરાશ ચાલુ થયેલી પણ આરંભમાં એની ૫૨ એણે કોઈ ધ્યાન આપ્યું હોય એવું જણાતું નથી. પણ માત્ર દોઢ જ વરસના ગાળામાં બહેરાશે એટલું બધું ગંભીર રૂપ ધારણ કર્યું કે પ્રવાસી વર્ચ્યુઓસો પિયાનિસ્ટ તરીકેની મહત્ત્વાકાંક્ષાભરી કારકિર્દી પડતી મૂકવી પડી. અગાઉથી નક્કી થયેલા પિયાનોવાદનના કાર્યક્રમો પણ રદ કરવા પડ્યા. છતાં, આ દુર્ઘટનાને એણે શક્ય તેટલો લાંબો સમય છુપાવી રાખવાની મથામણ કરેલી કારણ કે હરીફ સંગીતકારો અને દુશ્મનો એનો ગેરલાભ ઉઠાવે એવી એને દહેશત હતી. 1801ના જૂનની ઓગણત્રીસમીએ એણે મિત્ર વેજિલરને એક કાગળ લખી બહેરાશનો એકરાર કર્યો :

મને સારી આવક થઈ રહી છે. સરળતાથી સાંસારિક વ્યવહારો ચલાવી શકું છું. છસાત પ્રકાશકો મારી કૃતિઓ છાપે છે અને હું માંગું એ રકમ મને ચૂકવે છે. મારે ભાવતાલ નથી કરવા પડતા. હું ધારું તો વધુ પ્રકાશકો પણ મેળવી શકું એમ છું. પણ બહેરાશ મારો પીછો નથી છોડતી. મારાં સડેલાં આંતરડાં જ મારી બહેરાશ માટે જવાબદાર છે. તું જાણે છે કે ગમે ત્યારે પાતળા ઝાડા છૂટી જવાની બીમારી મને પહેલેથી જ છે. જુદા જુદા કંઈ કેટલાય ડૉક્ટરોને મેં બતાવી જોયું. મને એમાંથી કેટલાક થોડીઘણી અક્કલવાળા તો બીજા તો સાવ જ બૂડથલ જણાયા છે. છેલ્લે મળ્યો એ ડૉક્ટરે મારા ઝાડા તો બંધ કરી દીધા છે પણ રાતદિવસ સતત મને કાનમાં તમરાંનો ગણગણાટ અને સિસોટીઓ તો સંભળાયા જ કરે છે. સામાજિક મેળાવડાના બધા જ પ્રસંગોમાં જવાનું મેં બંધ કરી દીધું છે. કયા મોઢે લોકોને હું કહું કે હું બહેરો છું ? હું બીજો કોઈ ધંધો કરતો હોત તો ઠીક હતું કે એમાં બહેરાશ આડી આવત નહિ, પણ અવાજો ઉત્પન્ન કરવાના ધંધામાં એ કેવી રીતે ચાલે ? મારા દુશ્મનો તો મારો સફાયો કરી નાંખશે ! હું સડેલી જિંદગી જીવું છું. મારા અસ્તિત્વ પર હું ફિટકાર વરસાવું છું. હું મને ધિક્કારું છું. ઈશ્વરે સર્જેલ સૌથી વધુ દુ:ખી આત્મા હું છું. પણ વેજિલર ! આ રહસ્ય કોઈને પણ કહીશ નહિ, તારી પત્ની-(એલિનોર ફૉન બ્રૂનિન્ગ)ને પણ નહિ.

અદાકારો શું બોલે છે તે સાંભળવા માટે અને સંગીતકારો શું ગાય છે, વગાડે છે તે સાંભળવા માટે થિયેટરમાં પહેલી હરોળમાં એણે બેસવું પડતું. મિત્રોને એ કહેતો નહિ કે સંભળાતું નથી, તેથી મિત્રો આગળ સાંભળવાનો ઢોંગ કરીને એ માત્ર ડોકું જ હલાવતો ! પ્રત્યાઘાતો નહિ મળવાને કારણે મિત્રો હવે એવું માનવા લાગ્યા કે એને મિત્રોનો કંટાળો આવે છે અથવા એ શૂન્યમનસ્ક કે અન્યમનસ્ક થઈ ગયો છે અથવા તો જીવન પ્રત્યે અને નિર્વેદ જાગ્યો છે ! 1802માં બીથોવન એક શિષ્ય રીસ સાથે વિયેના નજીક આવેલા જંગલ ‘વિયેના વુડ્સ’માં લટાર મારી રહ્યો હતો. નજીકમાં એક ભરવાડ જાતે બનાવેલી વાંસળી વગાડી રહ્યો હતો. શિષ્ય રીસે એની ૫૨ બીથોવનનું ધ્યાન દોર્યું. પણ બીથોવનને કશું સંભળાયું જ નહિ ! એની તદ્દન રડમસ, નિરાશ અને હતાશ હાલત થઈ ગઈ.

ધ હિલીજેન્સ્ટાટ ટેસ્ટામેન્ટ

હતાશ બીથોવને એ ઉનાળો વિયેનાની પડખે આવેલા અને રળિયામણી વનરાજિથી ઘેરાયેલા ગામ હિલીજેન્સ્ટાટમાં વિતાવ્યો. અહીં રમ્ય પ્રકૃતિનું સાન્નિધ્ય હતું, તો સાથે સાથે વિયેના પણ સાવ ઢૂંકડું હતું. તેથી ડૉક્ટરને બતાવવા વિયેના આવવું પણ સહેલું હતું. આ ગામમાં બીથોવને જહેમતપૂર્વક એક દસ્તાવેજ તૈયાર કર્યો જે હિલીજેન્સ્ટાટ ટેસ્ટામેન્ટ નામે ઓળખાયો. એના બે ભાઈઓને સંબોધેલો આ દસ્તાવેજ એણે કદી એમને મોકલ્યો નહિ. એના અવસાન બાદ કોઈ કબાડી પાસેથી પ્રકાશક એટૉરિયાએ કાગળોની એક થપ્પી ખરીદેલી, તેમાંથી આ દસ્તાવેજ મળી આવેલો. એનું ધ્યાનાકર્ષક લક્ષણ એ છે કે ભાઈ જોહાનનો ઉલ્લેખ એણે નામથી નહિ પણ ખાલી જગ્યાથી કર્યો છે :

મારા ભાઈઓ કાર્લ અને ........ બીથોવન માટે.
હે ભાઈઓ ! તમે એવું સમજો છો અને કહો છો કે હું દ્વેષી, ઈર્ષ્યાળુ, ક્રૂર અને જિદ્દી છું. તમને ખબર નથી કે તમે કેટલા ખોટા છો ! બાળપણથી જ મારું હૃદય પ્રેમ અને ભાઈચારાની શુભ અને કોમળ લાગણીઓથી ભીંજવાયેલું પણ એ રહસ્ય તમે કદી જાણ્યું નહિ. મારે તો મહાન પરાક્રમો કરવાં હતાં પણ જવા દો એ બધી વાત. છેલ્લાં છ વરસથી હું સાવ બેકાર કેસ છું. અક્કલ વગરના ડૉક્ટરોએ સુધારાની ઠગારી આશાઓ આપીને, પણ હકીકતમાં મને છેતરીને, મારા રોગને વકરવા દીધો છે; જેને મારે હવે કાયમ માટે વેઠવાનો છે. ખરેખર તો મારા ધંધા માટે શ્રવણશક્તિ શ્રેષ્ઠ અને સૂક્ષ્મ હોવી અનિવાર્ય છે. પહેલાં તો હું આનંદી અને હસમુખો હતો. પણ હવે બહેરાશને કારણે સમાજમાં હળીભળીને દોસ્તીનો આનંદ લૂંટવો મારે માટે અશક્ય છે. ગૂંગળાવી નાખતી એકલતામાં જ મારે જીવવાનું છે. જો કોઈને મળું તો બહેરાશને કારણે ‘મોટેથી બોલો’ એવા ઘાંટા મારાથી પડાઈ જાય છે ! લોકોની સાથે ઊભો હોઉં તો બધા મારી હરકતોને એક તમાશો સમજી તાકી રહે છે એની મને શરમ આવે છે. એટલે જ હું હળતાંમળતાં હવે ગભરાઉં છું. વળી ગેરસમજ થવાની શક્યતાથી પણ હું ડરું છું. દુશ્મન આ હકીકતનો ફાયદો ઉઠાવી જાય તે તો વળી અલગ જ ! દેશનિકાલની હાલતમાં જીવવા સિવાય મારી પાસે કોઈ છૂટકો નથી. મારું અસ્તિત્વ આપત્તિરૂપ છે. મારી સ્થિતિ કંગાળ છે. મિત્રો અને સંગાથીઓને સદા ઝંખી રહેલા કોઈને પણ માટે આ સ્થિતિ ત્રાસરૂપ છે. હું દયાપાત્ર છું. ધીરજ ધરવા સિવાય મારી પાસે વિકલ્પ નથી. માત્ર મારું મક્કમ મનોબળ જ મને બચાવી શકે. એ મનોબળ મક્કમ જ રહે એવી આશા રાખું છું. મને સત્તાવીસ વરસ પૂરાં થયાં. આ ઉંમરે હું ફિલસૂફ બનીને

જ રહીશ.

પ્રિય ભાઈઓ કાર્લ અને .........., હું મરી જાઉં પછી જો ડૉ. શ્મીડ જીવતા હોય તો એમને મારી માંદગી વિશે પૂછી મારા રોગનું નામ જાણી લેજો, જેથી દુનિયાને એ જણાવી શકાય અને મારા અંગેની ગેરસમજ દૂર થાય. મારી પાસે જે કાંઈ છે એને જો સંપત્તિ કહી શકાય એમ હોય તો એ સંપત્તિના તમને બંનેને સરખા ભાગે વારસદાર જાહેર કરું છું. એને સરખે ભાગે વહેંચી લેજો અને એકબીજાને મદદ કરીને સંપથી રહેજો. તમે બંનેએ મને જે ત્રાસ પહોંચાડ્યો હતો એને તો હું ક્યારનો ભૂલી ગયો છું.
પ્રિય કાર્લ, છેલ્લા થોડા સમયથી તેં મારા પ્રત્યે જે પ્રેમ દર્શાવ્યો છે તે બદલ હું તારો ખાસ આભાર માનું છું. મારા કરતાં તમારા બંનેની જિંદગી પળોજણોથી મુક્ત અને વધુ સારી બને એમ ઇચ્છું છું. તમારાં બાળકોને સાચાં મૂલ્યો અને નીતિના પાઠ ભણાવો એવી ભલામણ હું કરું છું. પૈસા નહિ પણ મૂલ્યો જ સુખ આપી શકે છે, એમ હું મારા જાતઅનુભવ પરથી કહું છું. નીતિએ જ મને વ્યથામાંથી ઉગાર્યો. એ પછી મારી કલા મારે પડખે ઊભી રહી, એણે જ મને આપઘાત કરવામાંથી ઉગારી લીધો. તમને બંનેને હું અલવિદા કહું છું. મારા બધા જ મિત્રોનો હું આભાર માનું છું – ખાસ તો પ્રિન્સ લિખ્નોવ્સ્કીનો અને પ્રોફેસર શ્મીડનો. લિખ્નોવ્સ્કીએ મને ભેટ આપેલાં વાજિંત્રો તમારા બેમાંથી કોઈ એક જાળવી રાખે એવી મારી અભિલાષા છે. પણ જોજો, એના કારણે તમે બંને પાછા ઝઘડી પડશો નહિ, અને સારાં દામ મળતાં હોય તો એ વાજિંત્રો વેચી કાઢો. તમને બંનેને આ રીતે કબરમાં સૂતા સૂતા પણ મદદ કરવાનો મને

કેટલો બધો આનંદ આવશે !! જલદી જલદી મરી પરવારવાનો મને હર્ષ છે ! જોકે મારી કલાત્મક શક્તિઓનો પરચો બતાવવાનો મોકો તો મારે એમાં ગુમાવવો જ પડશે. પણ બીજું થાય પણ શું ? છતાં મને સંતોષ છે કે મારી અનંત યાતનાઓમાંથી તો હું ઊગરી જઈશ જ. તમે ઈચ્છશો ત્યારે મારું ભૂત તમને મળવા આવશે. મને સાવ જ ભૂલી જશો નહિ, કારણ કે જીવતે જીવ મેં તમારી સુખાકારી માટે બહુ ચિંતા કરી છે. સારું, અલવિદા !

–લુડવિગ ફાન બીથોવન
(સીલ)
 
હિલીજેન્સ્ટાટ,ઑક્ટોબર 6, 1802
 

મારા ભાઈઓ કાર્લ અને.......માટે મારા મૃત્યુ પછી વાંચવા અને અનસરવા માટે.

પણ નિરાશાની આ પળો ટૂંકજીવી બની રહી. પ્લુટાર્કના વાચનથી બીથોવનમાં ફરી એક વાર ઉત્સાહ આવ્યો અને આ દસ્તાવેજ ભાઈઓને મોકલાયા વિના પડી રહ્યો. એ જ વર્ષે એણે નવી કૃતિઓ લખી: ત્રણ વાયોલિન સોનાટા (ઓપસ 30), પિયાનો સોનાટા (ઓપસ 31), બીજી સિમ્ફની, ‘ધ બેગાટેલેસ’ (ઓપસ 33), આદિ. એમાંથી કેટલીક તરત જ છપાઈ.

‘ઇમ્મોર્ટલ બિલવિડ’

બીથોવન એનાં અંતિમ વર્ષોમાં બેંક શૅર્સ ધરાવતો. એના મૃત્યુ પછી એનાં શૅર સર્ટિફિકેટ્સની ખૂબ તપાસ ચાલી; પણ તરત મળ્યાં નહિ. આખરે એના મિત્ર હોલ્ઝે સંશોધકોને બીથોવનના ટેબલમાં એક ગુપ્ત ડ્રૉઅર બતાવ્યું. એમાંથી એ સર્ટિફિકેટ્સ ઉપરાંત ત્રણ પ્રેમપત્રો પણ મળી આવ્યા. લીડ પેન્સિલથી લખેલા એ પત્રો આ મુજબ છે :

મારી દેવી, મારું સર્વસ્વ, મારું પ્રતિબિંબ, પરસ્પર ત્યાગ વિના પણ આપણો પ્રેમ ટકી શકશે, પરસ્પરનું સર્વસ્વ માંગી લીધા વિના પણ આપણો પ્રેમ ટકી શકશે. તું પૂરેપૂરી મારી છે અને હું પૂરેપૂરો તારો છું એ haકીકતને શું તું બદલી શકશે ? પણ આપણે બંને જો પૂરેપૂરાં એક બની જઈશું તો તને પણ મારી જેમ પીડા થશે જ.
મારો પ્રવાસ ભયાનક હતો. ગઈ કાલે સવારે ચાર વાગ્યા પછી હું અહીં પહોંચ્યો. ઘોડાની અછતને લઈને ગાડીવાને જુદો રસ્તો પસંદ કર્યો પણ એ તો ત્રાસજનક નીવડ્યો ! અને છેક મધરાતે જંગલમાં પહોંચીને એણે કહ્યું કે આગળ વધી શકાય એમ નથી ! અને એ સડેલા રસ્તે ત્યાં જ મારી ગાડી તૂટી ગઈ અને હું કાદવકીચડથી ભરેલા તળિયા વિનાના રસ્તામાં ખૂંપી ગયો. ગાડીવાન અને એના સાગરીતોએ મને એમાંથી બચાવી લીધો ના હોત તો હું ત્યાં જ મરી પરવાર્યો હોત ! ચાર ઘોડા હોવા છતાં જે હાલત મારી ગાડીની થઈ એ જ હાલત થોડા દિવસ પહેલાં ઍસ્ટર્હેઝીની ગાડીની આઠ ઘોડા હોવા છતાં પણ થયેલી. પણ મુશ્કેલીમાંથી બચી જવાનો મને આનંદ છે. હવે થોડી અંગત વાત. થોડા જ વખતમાં આપણે બંને મળીએ છીએ. મારી પોતાની જિંદગીને લગતાં મેં જે થોડાં નિરીક્ષણો છેલ્લા થોડા દિવસોમાં કર્યાં છે તે હું તને નહિ જણાવી શકું ! આપણાં હૃદય જ હંમેશાં સાથે જ હોત તો તો એવાં નિરીક્ષણો મેં કર્યા જ હોત નહિ ! તને ઘણીબધી વાતો કહેવા માટે મારું હૃદય આતુર છે. ઓહ ! એવી ક્ષણો પણ આવે છે જ્યારે લાગે છે કે બોલવાનો કોઈ મતલબ નથી ! હું તારો જ છું. આપણને જે જોઈશે તે દેવો મોકલશે જ !
– તારો વિશ્વાસુ લુડવિગ
 
સાંજે, જુલાઈ 6, સોમવાર
તું રિબાય છે, પ્રિયે ! હવે મને અક્કલ આવી કે કાગળ લખીને તરત જ વહેલી સવારે રવાના કરી દેવો જોઈએ. અહીંથી ટપાલ લેવા માટે અઠવાડિયામાં માત્ર બે જ દિવસ પોસ્ટકોચ આવે છે – સોમવારે, ગુરુવારે. તું રિબાય છે. હું જ્યાં પણ હાઉં ત્યાં તું છે જ. મામલો થાળે પડે પછી હું તારી સાથે જ રહીશ. કેવી જિંદગી છે !! આવી !!! તારા વિના !
માણસનું માણસ દ્વારા થતું અપમાન જોઈને મને રિબામણી થાય છે. બ્રહ્માંડના સંદર્ભમાં જ્યારે હું મારો વિચાર કરું છું કે હું કોણ છું અને એ .............. સૌથી મહાન કોણ છે તો ડઘાઈ જાઉં છું. સાચી દિવ્યતા તો અહીં પાર્થિવ માણસમાં જ રહેલી છે ! તું મને ચાહે છે એનાથી પણ વધારે હું તને ચાહું છું ! પણ મારાથી તું તારા વિચારો છુપાવીશ નહિ. ગુડ નાઈટ ! અત્યારે નહાતાં નહાતાં હું તને આ કાગળ લખું છું. પછી હું પથારીમાં જઈને ઊંઘી જઈશ. હે ઈશ્વર ! આટલે નજીક છતાં આટલે બધે દૂર શાને ?'
ગુડ મૉર્નિંગ, જુલાઈ 7'
હજી તો હું પથારીમાં છું પણ મારું મન તારી પાછળ જ ભટકે છે, મારી અમર પ્રેયસી ! નિયતિને આપણો પ્રેમ મંજૂર હશે કે કેમ એ વિચારતાં મારું મન ઘડીમાં દુઃખી થઈ જાય છે અને ઘડીમાં આનંદમાં આવી જાય છે. તું જો મને નહિ મળે તો હું જીવી શકીશ નહિ. હું તારી બાહોંમાં ઝંપલાવીને કહું છું કે હું તારો જ છું. પણ એ પહેલાં મેં ભટકી લેવાનો નિર્ધાર કર્યો છે. મારી ચંચળતા તું જાણતી હોઈશ, તેથી ભલે દુઃખપૂર્વક છતાં આસાનીથી તું ફેંસલો કરી શકીશ. હવે કોઈ મારું હૃદય ચોરી શકશે જ નહિ, કોઈ પણ નહિ, કદાપિ નહિ ! હે ઈશ્વર, એવું શા માટે જરૂરી છે કે જેને પ્રેમ કરતા હોઈએ એનાથી જુદા પડવું પડે ? વિયેનામાં મારી જિંદ્દગી તદન કંગાળ છે. તારો પ્રેમ મને વિશ્વનો સૌથી વધુ સુખી અને સાથે સાથે વિશ્વનો સૌથી વધુ દુઃખી માનવી બનાવે છે. આ ઉંમરે મારે સ્થિર અને શાંત જીવન જોઈએ છે. આપણી સ્થિતિમાં એ શક્ય બનશે ?
મારી દેવી, મને હમણાં જ ખબર પડી કે અહીંથી પોસ્ટમૅન રોજ ટપાલ લઈ જાય છે. એટલે આ કાગળ લખવો બંધ કરી જલદી પોસ્ટ કરું છું જેથી તને એ આજે મળી જાય. શાંત થા, ઠંડા દિમાગે વિચાર કરીને જ આપણે બંને સાથે રહી શકીએ. શાંત થા ! મને પ્રેમ કર ! મને પ્રેમ કરતી રહેજે ! તારા હૃદયના શ્રેષ્ઠ ચાહક મારા વિશે ગેરસમજ કરીશ નહિ.
હંમેશાં તારો

હંમેશાં મારો

હંમેશાં આપણા બંન્નેનો

બીથોવન
 



આ ‘ઇમ્મોર્ટલ બિલવિડ’ કોણ હતી ? કાગળોમાં સંબોધન સ્પષ્ટ નથી. એ શોધવા માટે અસંખ્ય સંશોધકોએ અથાક પ્રયત્નો કર્યા છે. કેટલાક માને છે કે એ કાઉન્ટેસ ગિયુલિટા ગુઇકિયાર્ડી હતી. એ 1801માં બીથોવનની શિષ્યા હતી ત્યારે બીથોવન એના ઊંડા પ્રેમમાં પડેલો એ વાત તો નક્કી જ છે. એ વખતે 1801માં એ સત્તર વરસની હતી. અને એ જ વર્ષે બીથોવન એને પહેલી વાર મળેલો. બીથોવન ભલે તેના ઊંડા પ્રેમમાં તરત પડી ગયો પણ ગિયુલિટાને તો તેના પ્રત્યે માત્ર ગાઢ મિત્રતા અને અહોભાવ જ હતાં. ઉનાળાની એક રાતે ગિયુલિટા સમક્ષ બીથોવને જ્યારે મુનલાઇટ સોનાટા પિયાનો પર વગાડ્યો ત્યારે ગિયુલિટાએ બીથોવનને પોતાનો એક નિર્ણય જણાવ્યો : રૂપાળા અને દેખાડવા જુવાન કાઉન્ટ ગાલેન્બર્ગ સાથે તે ટૂંક સમયમાં જ લગ્ન કરવાની હતી. આ સાંભળી બીથોવન સળગી ઊઠ્યો, ક્રોધાવેશમાં એણે બરાડા પાડવા માંડ્યા અને રસ્તા પર એ દોડવા માંડ્યો. ગિયુલિટાની કઝીન થેરિસા ફૉન બ્રૂન્સ્વિકને મળીને બીથોવને આ વાત કરી. ગિયુલિટાના કાઉન્ટ ગાલેન્બર્ગ સાથેના લગ્નપ્રસંગે બીથોવન હાજર રહેલો, પણ તેણે ઑર્ગન પર શોકસંગીત વગાડી આનંદમંગલના પ્રસંગના રંગમાં ભંગ પાડેલો ! બિચારી ગિયુલિટાનું નસીબ ફૂટેલું નીકળ્યું ! લગ્ન પછી એનો વર જુગારી સાબિત થયો. હવે ગિયુલિટાને બીથોવન માટે સહાનુકંપા થઈ ખરી, પણ એ ઘણી મોડી પડી. તેણે બીથોવનને પત્ર લખીને પશ્ચાત્તાપનો એકરાર કર્યો અને એના અનુસંધાનમાં બીથોવને આ ત્રણ પત્રો લખ્યા, જે ‘ઇમ્મોર્ટલ બિલવિડ’ નામે નામના પામ્યા. દિલના ઊંડાણમાંથી બીથોવન ભલે હજી પણ ગિયુલિટાને ચાહતો હોવા છતાં તે હવે તેને પરણવા માંગતો નહોતો તે વાત તેના આ પત્રોમાંથી સ્પષ્ટ થાય છે. 1801ના નવેમ્બરમાં બીથોવને વેજિલરને છેલ્લા વરસથી બહેરાશને કારણે એકલવાયી અને દુઃખી બનેલી પોતાની જિંદગી વિશે લખેલું :

પણ હવે એક રૂપાળી અને આકર્ષક છોકરીને કારણે છેલ્લે છેલ્લે સ્થિતિ બદલાઈ છે. પહેલી વાર મને લાગ્યું કે લગ્ન મને સુખ આપી શકે. પણ અરેરે ! એ ખૂબ જ શ્રીમંત અને ઍરિસ્ટોક્રેટિક છે ! તેથી આ લગ્ન અશક્ય છે.

અહીં અધ્યાહાર ઉલ્લેખ પામેલી છોકરી ગિયુલિટા જ હતી. એના કુટુંબે મધ્યમ વર્ગના બીથોવન સાથે એને લગ્નની મંજૂરી આપી હોય એ સંભવ જ નથી. 1803માં એ કાઉન્ટ ગૅલન્બર્ગને પરણી ગઈ. વીસ વરસ પછી મિત્ર શીન્ડ્લર આગળ બીથોવને આ પ્રેમપ્રકરણ વિશે કહેલું : “એ મારા ઊંડા પ્રેમમાં હતી; એના પતિ સાથેના પ્રેમ કરતાં તો કાંઈ કેટલાય વધારે.”

થેરિસા ફૉન બ્રૂન્સ્વિક

પણ કેટલાક જીવનકથાકારો કહે છે કે આ ‘ઇમ્મોર્ટલ બિલવિડ’ પ્રેમપત્રો જેને સંબોધ્યા છે તે આ છોકરી નહિ, પણ બીજી ત્રણ છોકરીઓ હોઈ શકે : તેરચૌદ વરસની થેરેસા માલ્ફાતી, બીજી એમિલી સેબાલ્ડ અને ત્રીજી હંગેરિયન કાઉન્ટેસ થેરિસા ફૉન બ્રૂન્સ્વિક. આ છેલ્લી થેરિસા ફૉન બ્રૂન્સ્વિક ગિયુલિટાની જ કઝિન હતી. વળી કાગળોમાં માત્ર જુલાઈ છ અને જુલાઈ સાત એવી જ તારીખો છે, વરસનો કોઈ જ ઉલ્લેખ નથી. છઠ્ઠી જુલાઈએ સોમવાર હોય એવાં વર્ષો માત્ર આટલાં જ હતાં : 1795, 1801, 1807 અને 1812. છતાં બીથોવનનો જીવનકથાકાર થૅયર માને છે કે આ કાગળો 1806માં જ લખાયા હોવા જોઈએ; કારણ કે એ જ વર્ષે એ બ્રૂન્સ્વિકના પ્રેમમાં હતો. થૅયરના મત અનુસાર કાગળોમાં ખોટી તારીખો નાંખવાની બીર્થોવનને આદત હતી. થેરિસા ફૉન બ્રૂન્સ્વિક ખૂબ જ બુદ્ધિશાળી, ચતુર અને ભણવામાં અવ્વલ નંબર હતી. બીથોવન એના પ્રેમમાં પડ્યો ત્યારે થેરિસા ફૉન બ્રૂન્સ્વિક ચોવીસ વરસની હતી. એ પછી બીથોવન એની નાની બહેન જોસેફાઇનના પ્રેમમાં પડ્યો. બિચારી જોસેફાઇને પોતાની મરજી વિરુદ્ધ 1799ના જૂનમાં વૃદ્ધ કાઉન્ટ જોસેફ ડેઇમ સાથે પરણવું પડેલું ! લગ્નના ત્રણ જ મહિનાને અંતે એ વૃદ્ધ પતિ મરી પરવાર્યો ! બીથોવને ફરીથી જોસેફાઇન તરફ પ્રેમભરી નજર નાંખી. પણ સ્વર્ગસ્થ પતિથી સગર્ભા જોસેફાઇનના જીવનનું ધ્યેય હવે એક જ હતું : મૃત પતિના સંભારણા સમા બાળકનો ઉછેર, માવજત અને સારસંભાળ. બીથોવનને લાલબત્તી ધરતાં જોસેફાઇને લખ્યું :

હું હૃદયપૂર્વક તને ચાહું છું. મને હજી જાણ થાય તે પહેલાં જ તારા સંગીતે મને તારા તરફ ખેંચીને તારી બનાવી મૂકેલી. તારા ઉમદા વ્યક્તિત્વ અને મારા પ્રત્યેના તારા પ્રેમને કારણે મારો પ્રેમ વધુ ગાઢ બન્યો. આ પ્રેમ મારા જીવનનું એક અણમોલ રત્ન બની રહેશે; તારો પ્રેમ જો શારીરિક વાસનાથી અલિપ્ત હોય તો તો ખાસ. હું તને શારીરિક પ્રેમ હરગિજ આપી નહિ શકું. પવિત્ર બંધન ફગાવીને હું તારી પાસે આવી શકીશ નહિ. મારી ફરજોનું પાલન કરતી વેળા હું વધુ યાતના અનુભવું છું એટલું તને ભાન થાય તો સારું. હું જે પગલાં લઉં છું તેની પાછળ ઉમદા હેતુ રહેલા છે.

ભવ્ય કૃતિઓનો આરંભ

1803માં બીથોવને ભવ્ય કૃતિઓની રચનાનો આરંભ કર્યો. એમાં સૌથી મોખરે છે ત્રીજી સિમ્ફની : ‘ઇરોઇકા’. આદર્શ વીર નાયકના જીવનનું આલેખન કરતી એ સિમ્ફની ખરેખર મર્દાના છે. એની છેલ્લી ગતમાં ટ્રમ્પેટ્સનો ઝાકમઝોળ – ફૅન્ફેર છે. આ ત્રીજી સિમ્ફની ‘ઇરોઇકા’ મૂળમાં તો બીથોવને ફ્રેંચ ક્રાંતિના વીર નાયક નેપોલિયોંને અર્પણ કરેલી. પણ એ નેપોલિયોં આપખુદ બનીને ફ્રાંસ પર સમ્રાટ થઈને ચઢી બેઠો અને પછી તો સમગ્ર યુરોપ રગદોળવા માટે તત્પર થયો. આ સમાચાર સાંભળીને બીથોવન તાડૂકી ઊઠ્યો, “પોતાની સ્વાર્થી મહત્ત્વાકાંક્ષા સિદ્ધ કરવા હવે એ (નેપોલિયોં) બીજા માણસોના હક્કો પર તરાપ મારશે ? એમને ચગદી નાખશે ? એક સાધારણ આદમીથી વિશેષ એ શું છે ? જનતાના અધિકારો પગ તળે છૂંદીને પોતાની વાસનાઓ સંતોષશે ! માથે ચઢી બેસીને કાળો ત્રાસ વર્તાવશે.” ગુસ્સામાં અર્પણપત્રિકા ફાડી નાંખીને બીથોવને તે અર્પણ રદ કર્યું. સાથે સાથે તે સિમ્ફનીની મૅન્યુસ્ક્રિપ્ટનાં પહેલાં બે પાનાં પણ ફાટી ગયેલાં. એ બે પાનાં શિષ્ય રીઝે ફરી લખી આપ્યાં. એ પછી વાયોલિન સોનાટા ‘ક્રુત્ઝર’ અને ઑરેટોરિયો ‘ધ માઉન્ટ ઑફ ઑલિવ્ઝ’નો વારો આવ્યો. 1803ના એપ્રિલની પાંચમીએ આ ઑરેટોરિયોનો પ્રીમિયર શો થયો. એ જલસામાં એ ઉપરાંત એની પહેલી અને બીજી સિમ્ફનીઓનું પણ વાદન કરવામાં આવ્યું. એ જલસામાં ચાલુ ભાવ કરતાં આગલી હરોળની ટિકિટોનો ભાવ ત્રણગણો, વચ્ચેની હરોળની ટિકિટોનો ભાવ બમણો તથા બૉક્સિસની ટિકિટોનો ભાવ ચારગણો રાખેલો તે છતાં ટિકિટ વગર ટળવળતા લોકો કકળતા હતા ! આ જલસાથી બીથોવનને 1800 ફ્‌લોરિનનો ચોખ્ખો નફો થયો. સ્કૉટિશ લોકધૂનોના સંગ્રાહક જ્યૉર્જ થોમ્સન ઑફ એડિન્બર્ગે બીથોવન સાથે એક સોદો કર્યો : સ્કૉટિશ લોકધૂનો ઉપરથી બીથોવને છ સોનાટા લખી આપવાના હતા. થોડાં વર્ષો પછી બીથોવને એ મુજબના છ સોનાટા લખીને એ સોદો પૂરો કર્યો.

એ જ વર્ષે 1803માં બીથોવને પ્રિન્સ લિખ્નોવ્સ્કીનો મહેલ છોડી ભાઈ કાર્લ જોડે રહેવું શરૂ કર્યું. પ્રકાશકો અને જલસાના આયોજકો સાથે વાટાઘાટો કરવામાં કાર્લ બીથોવનનો સફળ સેક્રેટરી સાબિત થયો. પણ એના ધંધાદારી કાગળો વાંચતાં તો એ સાવ ફાંકેબાજ ગધેડો જ હોય એવું લાગે છે ! કદાચ એવું પણ હોય કે ફાંકેબાજ બીથોવને જ એને એવા કાગળો લખવાની સૂચના આપી હોય !

શિકેનેડરે પોતાના થિયેટર માટે બીથોવનને ઑપેરા લખવાનું કામ સોંપ્યું. પોતે જ લખેલા લિબ્રેતો ઉપર જ બીથોવને ઑપેરા લખવાનું વિચાર્યું; તેનું નામ પણ નક્કી કરી નાંખેલું : ‘વેસ્તાસ ફ્‌યુઅર’. પણ આ યોજના કદી ફળીભૂત થઈ નહિ. એ વખતના પૅરિસના એક શ્રેષ્ઠ વાયોલિનીસ્ટ રૂડોલ્ફ ક્રુઇત્ઝરને તેણે વાયોલિન અને પિયાનો માટેનો એક સોનાટા લખી અર્પણ કર્યો જે ‘ક્રુઇત્ઝર’ નામે ઓળખાયો. કેન્ટાટા ‘મીરેસ્ટીલે ઉન્ડ ગ્લુક્લીએ ફાર્ટ’ લખી તેણે ગથેને અર્પણ કર્યો. રૌદ્ર રસથી તરબતર પિયાનો કન્ચર્ટો નં. 5 લખ્યો. બીથોવનની પાંચમી સિમ્ફનીને હૉફમેને સૌથી વધુ સાદી સૂરાવલિઓ વડે બનતી બોલકી સિમ્ફની તરીકે ઓળખાવી છે. બીથોવનની છેલ્લી નવમી સિમ્ફનીમાં ફ્રેંચ નવલકથાકાર રોમાં રોલાંને સમગ્ર વિશ્વ પ્રત્યેની બીથોવનની અનુકંપા નજરે પડી છે. બીથોવને ભલે મોત્સાર્ટની જેમ ફ્રીમેસન સંપ્રદાય અંગીકાર કર્યો નહિ, પણ અહીં કવિ શીલરના કાવ્ય ‘ઓડ ટુ જૉય’ની બીથોવને કરેલી પસંદગીમાં વિશ્વબંધુત્વનો ભાવ મોત્સાર્ટ જેવો જ જણાય છે. જૉસેફ ક્રીપ્સના અભિપ્રાય મુજબ નવમી સિમ્ફની બીથોવનનું શ્રેષ્ઠ સર્જન છે. ફ્રેંચ સંગીતકાર હૅક્ટર બર્લિયોઝના માનવા મુજબ બીથોવનના સમગ્ર સંગીતમાં તેની નવમી સિમ્ફની વગાડવાની દૃષ્ટિએ સૌથી વધુ અઘરી છે. પોતાના છેલ્લા પિયાનો સોનાટાઓ, નવમી સિમ્ફની અને ‘મિસા સોલેમિસ’ રચી લીધા પછી 1825માં બીથોવન ફરી વાર સ્ટ્રીન્ગ ક્વાર્ટેટના રૂપ તરફ આકર્ષાયેલો. આ છેલ્લા તબક્કાના તેના પાંચ સ્ટ્રીન્ગ ક્વાર્ટેટ (નં. 12, 13, 14, 15 અને 16) તથા બીજી એક રચના ‘ગ્રોસ ફ્‌યુગ’ (ઓપસ 133) આજે બીથોવનના સર્જનનાં ઉત્તુંગ શૃંગો ગણાય છે. રોમાં રોલાંને તેમાં ટ્રેજેડીનાં ચરમબિંદુઓ દેખાયાં છે, ઉપરાંત કંટાળો, ઘરઝુરાપો, ક્રોધાવેશ અને કોરી ખાતી એકલતામાંથી છુટકારો પામવાની તેની મથામણો પણ નજરે પડી છે. પંદરમા સ્ટ્રીન્ગ ક્વાર્ટેટની ગત ‘સૉન્ગ ઑફ ગ્રેટીટ્યુડ ટુ ધ ડિવાઇન સ્પિરિટ ફ્રૉમ એ કોન્વાલેસેન્ટ ઇન ધ લિડિયન મોડ’માં સોળમી સદી જેવી પોલિફોની સંભળાય છે. શું બીથોવને હેતુપૂર્વક જ્વેસ્વાલ્દો કે આર્લોન્દો દ લાસોનું અનુકરણ કર્યું ? એમ કર્યું હોય એવું લાગતું તો નથી જ; કારણ કે બીથોવને પોતે જ કહેલું કે, “એ પૂર્વસૂરિ સંગીતકારોના મનોગતમાં ઊતર્યા વિના કરેલી નકલખોરી તદ્દન નિરર્થક છે.”

ફિડેલિયો

બીથોવનના એકમાત્ર ઑપેરા ‘ફિડેલિયો’નો પ્રીમિયર શો વિયેનામાં 1805ના નવેમ્બરની વીસમીએ થયો. કંગાળ રિહર્સલ્સની સીધી અસર એ પ્રીમિયર શો પર પડેલી. ગાયકોએ તદૃન વેઠ ઉતારેલી. ત્રણ રાત્રીના ત્રણ શો પછી એ ફ્લૉપ ગયો. એની આવી હાલત થવાને કારણે બીથોવને મનમાં મક્કમ ગાંઠ વાળી કે હવે પછી ઑપેરાનો સ્પર્શ પણ કરવો નહિ, એવી વાયકા પ્રચલિત છે. પણ આ વાયકા નિરાધાર છે. પછીનાં થોડાં વરસો સુધી બીથોવન સતત સારી ટેક્સ્ટ – લિબ્રેતો – ની શોધમાં હતો. થોડો વખત એણે ‘મૅકબેથ’ વિશે વિચાર્યા પછી એનું ધ્યાન ગથેના ‘ફૉસ્ટ’ ઉપર ઠર્યું. ‘ફૉસ્ટ’ ઉપરથી જો કોઈએ સારો લિબ્રેતો તૈયાર કરી આપ્યો હોત તો તેણે એના પર જરૂર ઑપેરા લખ્યો હોત. ‘ફિડેલિયો’ના પ્રીમિયર શો માટેના ઑવર્ચરથી અલગ જ એવા એ ઑપેરા માટેના ત્રણ નવા ઓવર્ચર્સ એણે પછીનાં વર્ષોમાં અલગ અલગ સમયે લખેલા.

1806ની પાનખરમાં વિયેનાના દરબારી થિયેટર સમક્ષ બીથોવને એક દરખાસ્ત મૂકી : વિયેના દરબાર અને બીથોવન એકબીજા સાથે એક કૉન્ટ્રેક્ટ કરે અને એ કૉન્ટ્રેક્ટ અનુસાર પ્રત્યેક વર્ષે બીથોવન એ થિયેટરને એક ઑપેરા અને એક ઑપેરેટા*[] લખી આપે. બદલામાં થિયેટર બીથોવનને વાર્ષિક 2,400 ફ્‌લોરિનની રકમ ચૂકવે. આ દરખાસ્ત તરત જ ફગાવી દેવામાં આવી. પણ એ જ દરબારના એક સભ્ય અને થિયેટરના ડાયરેક્ટર પ્રિન્સ ઍસ્ટર્હેઝીએ બીથોવન પાસે એક માસ માંગ્યો, અને એણે માસ લખી આપ્યો.

નવસર્જન

1806, 1807 અને 1808માં બીથોવને નવી કૃતિઓ લખી : ચોથી, પાંચમી અને છઠ્ઠી સિમ્ફનીઓ. રૌદ્ર રસ, વીરરસ અને ઉદ્વેગથી છલકાતી પાંચમી સિમ્ફની ‘ફેઇટ નૉકિન્ગ ઍટ ધ ડૉર’ના લાડકા નામે જાણીતી બની છે. માનવી સાથે સંતાકૂકડી રમતી નિયતિ આ સિમ્ફનીનો વિષય છે. છઠ્ઠી સિમ્ફની ‘પૅસ્ટોરેલ’ નામે જાણીતી બની છે. ગોપજીવનના અદ્‌ભુત રસને એમાં કેન્દ્રસ્થાને મૂક્યો છે. વિયેના ખાતેનો શ્રીમંત રશિયન ઍમ્બેસેડર કાઉન્ટ રેઝૂમોવ્સ્કી સૂઝ-સમજવાળો સંગીતનો મહારસિયો જ માત્ર નહોતો પણ એક ઉમદા વાદક પણ હતો. વિયેના ખાતેના પોતાના મહેલમાં એણે ચાર વાદકોના અંગત જૂથ ‘ક્વાર્ટેટ’ની રચના કરેલી. (એમાંથી એક વાદક તો એ પોતે જ હતો.) એણે બીથોવન પાસે ચાર વાદકો માટેની થોડી ‘ક્વાર્ટેટ’ રચનાઓ માગી. તેને માટે બીથોવને જે ક્વાર્ટેટ્સ લખ્યાં તે ‘રેઝૂમોવ્સ્કી ક્વાર્ટેટ્સ’ નામે જાણીતાં બન્યાં. એમાં બીથોવને કેટલીક રશિયન લોકધૂનોનો પણ ઉપયોગ કર્યો છે. એ કાઉન્ટ મહેલમાં, બસ, સંગીતના જલસા કરતો : શુપૅન્જિક પ્રથમ વાયોલિન વગાડતો, કાઉન્ટ પોતે બીજું વાયોલિન વગાડતો, વીસ વાયોલા વગાડતો અને લિન્કે ચૅલો વગાડતો. એ સમયે બીથોવને આ ઉપરાંત ‘કોરિયોલૅન’ ઑવર્ચર, પિયાનો કન્ચર્ટો નં. 4, એક ચૅલો સોનાટા (ઓપસ 69) તથા એક કોરલ ફૅન્ટાસિયા પણ લખ્યા.

વૉક આઉટ

1806ના ઑક્ટોબરમાં અંતરિયાળ વિસ્તારમાં લિખ્નોવ્સ્કીના કિલ્લા ‘ગ્રાટ્ઝ કેસલ’માં બીથોવન લિખ્નોવ્સ્કી સાથે રહેતો હતો. એક સાંજે લિખ્નોવ્સ્કીએ થોડા મહેમાનોને ડિનરપાર્ટી માટે આમંત્રેલા. લિખ્નોવ્સ્કીએ એ મહેમાનોને વચન આપેલું કે જમ્યા પછી મહાન સંગીતકારને પિયાનો વગાડતા સાંભળવા મળશે. બીથોવનને એ વખતે પિયાનો વગાડવાની જરાય રુચિ નહોતી. (એ મહેમાનોમાં કેટલાક નેપોલિયોંના લશ્કરના અફસરો હતા માટે ?) પણ પ્રિન્સ લિખ્નોવ્સ્કીએ બીથોવનને ભારપૂર્વક આગ્રહ કર્યો અને માની જઈને પિયાનો વગાડવા આજીજી કરી. બીથોવને એક રૂમમાં જઈને અંદરથી નકૂચો વાસી દીધો. લિખ્નોવ્સ્કીએ બારણું ખૂબ ઠોક્યું પણ બીથોવને ખોલ્યું જ નહિ. ક્રોધિત લિખ્નોવ્સ્કીએ બારણું તોડી નાંખ્યું. એથી પણ વધુ ગુસ્સે ભરાયેલા બીથોવને નજીક પડેલી એક ખુરશી ઊંચકીને લિખ્નોવ્સ્કી પર ઉગામી. લિખ્નોવ્સ્કી જાન બચાવવા ભાગ્યો. રાતોચોળ બીથોવન વરસતા ધોધમાર વરસાદમાં લિખ્નોવ્સ્કીનો કિલ્લો છોડી પગે ચાલી નીકળ્યો. નજીકના કોઈ ગામમાં તેણે તે રાત વિતાવી. બીજે દિવસે વિયેના પહોંચી બીથોવને લિખ્નોવ્સ્કીને કાગળ લખ્યો :

પ્રિન્સ,
તમે જે કાંઈ છો તે તમારા જન્મને પ્રતાપે છો. હું જે કાંઈ છું તે મારે પોતાને પ્રતાપે છું. હજારો પ્રિન્સ આ દુનિયામાં છે, અને હજી બીજા હજારો પ્રિન્સ આ દુનિયામાં આવશે; પણ બીથોવન બીજો નહિ જ મળે !

શું કલાની સાચી કદર કરનારા લિખ્નોવ્સ્કી જેવા રાજકુંવરો દુનિયામાં સદા સર્વત્ર જોવા મળે છે ખરા ? ખફા થયેલ લિખ્નોવ્સ્કીએ બીથોવનને પોતે આપી રહેલ 600 ફ્‌લોરિનનું વર્ષાસન કાયમ માટે બંધ કર્યું. બીથોવન સાથે સંબધોનો છેડો તેણે સદા માટે ફાડી નાંખ્યો !

બગડતો જતો સ્વભાવ

જેમ જેમ વર્ષો વીતતાં ગયાં એમ એમ દુનિયાથી પોતાની બહેરાશ છુપાવવી બીથોવન માટે અશક્ય બની. પણ કદાચ એના જ પ્રત્યાઘાત રૂપે બીથોવનનો તુંડમિજાજ, ક્રોધ અને અહંકાર વધતા જ ગયા. 1808માં એ પોતાના કેમિસ્ટ ઍન્ડ ડ્ર્ગિસ્ટ ભાઈ જોહાન સાથે ઝઘડી પડ્યો. એનું કારણ એ હતું કે વર્ષો અગાઉ જોહાને બીથોવનને ઉધાર આપેલા પૈસા જોહાને અત્યારે પાછા માંગેલા. લિન્ઝ નગરમાં જોહાન અત્યારે નવું ઘર અને નવી દુકાન ખરીદવા માંગતો હતો. આ માટે એને પૈસાની તાતી જરૂર હતી. પણ મૂરખ બીથોવને આ માંગણીને પોતાના ઘોર અપમાન તરીકે ખપાવી ! એણે શપથ લીધા કે એ ભવિષ્યમાં કદી જોહાન જોડે વાતચીત નહિ કરે અને સંબંધ પણ નહિ રાખે ! પણ એનાથી તો જોહાનના ધંધામાં ઊની આંચ પણ આવી નહિ. એને ફ્રેંચો પાસેથી મોટા ઑર્ડર મળવા શરૂ થયા.

બીથોવનના આધુનિક જીવનકથાકારોએ એક મહત્ત્વની જવાબદારી પાર પાડી છે. બીથોવને અન્ય ઉપર કરેલા આક્ષેપોમાંથી અને બદનક્ષીમાંથી તેમણે સત્યાસત્યતા શોધી કાઢી છે. મોટા ભાગના કિસ્સામાં તટસ્થ તપાસ પછી એવું ફલિત થયું છે કે બીથોવન જ ખોટો હતો. બીથોવને કરેલા એવા એક આક્ષેપનો બીથોવનના એક શિષ્ય ઝેર્નીએ પોતાની જિંદગીનાં છેલ્લાં વર્ષોમાં વિરોધ કરેલો. બીથોવનનો એ આક્ષેપ એવો હતો કે વિયેનાનગરીએ એની સદંતર ઉપેક્ષા કરેલી. ઝેર્ની એનું ખંડન કરતાં કહે છે :

સાચી વાત સાવ જુદી જ છે. પહેલેથી જ એક અજાણ્યા યુવાન સંગીતકાર તરીકે બીથોવન તરફ વિયેનાવાસીઓ અને એમાંના શ્રીમંતો તો ખાસ એને માન અને ધ્યાન આપતા આવેલા. એના મિજાજી સ્વભાવ અને તોછડા વર્તનના અનુભવો પછી પણ વિયેનાવાસીઓનાં તેના પ્રત્યેનાં પ્રેમ અને માન યથાવત્ રહેલાં. વિયેના સિવાય બીજી કોઈ જ નગરી એની આવી ઉદ્ધતાઈ અને બદમિજાજી સાંખી લેત નહિ. એક કલાકાર તરીકે એ હરીફો સાથે ઝઘડતો, પણ જનતા એમાં સંડોવાતી નહિ. જનતા નિર્દોષ હતી. એને બિનશરતી પ્રેમ અને માન આપવામાં વિયેનાવાસીઓ કદી પાછા પડેલા નહિ.

વ્યક્તિગત ધો૨ણે એની સાથે મેળ પાડવો મહામુશ્કેલ હતો. એનાં બે લક્ષણો – બહેરાશ અને બેધ્યાનપણું – ને કારણે રોજિંદી વ્યવહારુ વિધિઓ અને ખાસ તો ઑર્કેસ્ટ્રા કે કોય૨ના કન્ડક્ટિન્ગમાં એને પારાવાર તકલીફ પડતી. પાંચમી સિમ્ફનીના રિહર્સલ્સ દરમિયાન 1808માં તો એણે ઑર્કેસ્ટ્રાને એટલી હદે ઉશ્કેરી મૂક્યો કે વાદકોએ શરત મૂકી કે રિહર્સલ્સ દરમિયાન બીથોવન ગેરહાજર રહે તો જ એની કૃતિઓ વગાડવામાં આવશે. ઊંચા સ્વરો તો કદી એને સંભળાતા જ નહોતા અને બીજું કે ચાલુ કન્ડક્ટિન્ગે એ વિચારોમાં ખોવાઈ જતો તેથી સમયની ગણતરીમાં ભૂલ કરીને ઑર્કેસ્ટ્રાને ખોટી સૂચનાઓ આપતો રહેતો. એના કોરલ ફેન્ટાસિયાના રિહર્સલ્સ દરમિયાન એક વા૨ એણે અધવચ્ચે ઑર્કેસ્ટ્રાને અટકાવીને નવેસ૨થી એકડેએકથી આરંભ કરવાની ફરજ પાડી. સ્વાભાવિક રીતે જ એનું આ વર્તન વાદકોને ઘો૨ અપમાન સમું લાગ્યું, એટલે એમણે એનો ઇનકાર કર્યો. પણ થોડી વાર રહીને પોતાની અક્કલ ઠેકાણે આવતાં એણે પોતાની અન્યમનસ્ક પરિસ્થિતિનો એકરાર કરી લઈ વાદકોની નમ્રતાપૂર્વક માફી માંગી લઈને આ મામલો થાળે પાડ્યો. સ્વભાવમાં આવી મૂળભૂત ખામીઓ હોવા છતાં એનામાં એવું કાંઈક હતું ખરું જ, કે એ મિત્રોને એના તરફ ચુંબકની માફક ખેંચી લાવતું. એની સાથે થોડી પણ આત્મીયતા થયા પછી માણસ એના તરફ આકર્ષાયા વિના રહી શકતો નહોતો. એના જૂના સંગીતશિક્ષક રીઝે એને માટે કહ્યું છે :

બીથોવન પૂર્ણતયા સારો અને દયાળુ માણસ હતો. એ પોતાના તરંગતુક્કા અને આવેશનો જ ભોગ બનતો. એનો ગુસ્સો તરત જ ગાયબ થઈ જતો ક્ષણભંગુર જ હતો. એ હળવા મિજાજમાં તો ટુચકા પણ કરતો રહેતો. યુદ્ધ દરમિયાન એણે જર્મન લશ્કરને દાન આપતા રહીને દેશને મદદ પણ કરેલી.

પ્રેમ અને પૈસો

1800થી 1810ના દાયકામાં બીથોવને વિપુલ માત્રામાં – પ્રોલિફિક – સર્જન કર્યું. પણ એ ફળદ્રુપ અને બહુપ્રસૂન દાયકાથી વિપરીત 1811થી 1820ના દાયકામાં એણે ખૂબ ઓછી કૃતિઓ સર્જી. આ બીજા દાયકા દરમિયાન એ પોતાની છપાતી જતી કૃતિઓનાં પ્રૂફરીડિન્ગ તથા પ્રકાશકો સાથેના પત્રવ્યવહારમાં ગળાડૂબ હતો તેથી નવી કૃતિઓનું સર્જન ઓછું થઈ ગયું એવાં બહાનાં જે જીવનકથાકારો આગળ ધરે છે તે તદ્દન પાયા વિનાનાં અને જુઠ્ઠાં છે. ઊલટાનું ગયા દાયકાની મહેનતથી લાગેલો માનસિક થાક આ સર્જનમાંદ્ય માટે જવાબદાર હોઈ શકે. બીજું, 1811થી 1820 દરમિયાન એનું ધ્યાન સંગીત પરથી હટીને બીજી બે વાતોમાં પરોવાયેલું. એ બે વાતો હતી : પ્રેમ અને પૈસો. 1810થી બીથોવન ફરી એક વાર પાછો છેલછબીલો વરણાગિયો બની ગયેલો; મોંઘાંદાટ ફૅશનેબલ વસ્ત્રો અને ટાપટીપની પળોજણોમાં ગળાડૂબ થઈ ગયેલો. એ જ વર્ષે થેરેસા માલ્ફાતીને એણે લગ્નની દરખાસ્ત કરેલી, પણ સત્તર વરસની માલ્ફાતીએ ચોખ્ખી ના જ સંભળાવેલી. એ પછી બીથોવને મૅરી બિગોટ અને ઍમિલી ફૉન સેબાલ્ડ સાથે પોતાના નસીબનો મેળ બેસાડવા દાણા ચાંપી જોયા. પણ એ બે છોકરીઓએ પણ એને ઠુકરાવ્યો.

બૅટિના ફૉન ઍર્નિમ

એ ત્રણ છોકરીઓ પછી વારો આવ્યો બૅટિના ફૉન ઍર્નિમનો. 1810માં જ એ બંને મળેલાં. એ પણ દેખાવડી હતી. બીથોવનના જીવનકથાકારોએ બધી જ છોકરીઓ ઉપર કરેલું ગહન સંશોધન આ બૅટિના ઉપર પણ કર્યું છે. બૅટિના સારી લેખિકા હતી. ગથેની સાથે એ પત્રવ્યવહાર કરતી. ગથે પણ એની તરફ આકર્ષાયેલો. પણ બીથોવન જોડે બૅટિનાનો સંબંધ ખૂબ જ ટૂંકા ગાળામાં આત્મીય થઈ ગયેલો, એમ બૅટિનાના ગથે પરના પત્રોથી જાણવા મળે છે. જોકે, એમાં પોતાની ભાષા પરની પકડ દ્વારા મૂળ વાતને જરા બહેકાવીને લખ્યું હોય એવું કેટલાકનું માનવું છે. પત્રો બીથોવનના મૃત્યુ પછી બાર વરસે 1839માં એક જર્મન સામયિકમાં છપાયેલા. એમાંના એક પર બીથોવને પણ સહી કરી છે. બૅટિના ફૉન ઍર્નિમ તો એ છોકરીના લગ્ન પછીનાં નામ-અટક છે. એનું પિયરનું નામ હતું – એલિઝાબેથ બ્રેન્ટાનો. એ બીથોવનના મિત્ર ક્લેમેન્સ બ્રેન્ટાનોની બહેન હતી.

બીથોવન અને ગથે

બીથોવન અને ગથે ઘણાં લાંબા સમયથી એકબીજાને મળવાની તમન્ના સેવી રહેલા. ટૅપ્લીટ્ઝ ખાતે બીથોવન અને ગથે 1812માં પહેલી વાર મળ્યા. મુલાકાત પછી ગથેએ પત્નીને લખ્યું :

એના કરતાં વધુ શક્તિશાળી, તરવરિયો અને વફાદાર કલાકાર હજી સુધી મેં જોયો નથી. દુનિયા જોવાની એની એકાંગી દૃષ્ટિ હું સમજી શકું છું.

પણ મિત્ર ઝેલ્ટરને એ જ ગથેએ લખ્યું :

એની શક્તિઓથી હું પ્રભાવિત અને આશ્ચર્યચકિત થયો. પણ દુર્ભાગ્યે એનું વ્યક્તિત્વ તદ્દન અણઘડ અને જંગલી છે. દુનિયા નઠારી છે એવી એની વાત સાચી છે. પણ બીજાઓ પ્રત્યે પોતાના વર્તનથી જીવનને થોડું પણ વધારે જીવવા લાયક બનાવવાનો એ પ્રયત્ન કરતો નથી.

ટૅપ્લીટ્ઝમાં પ્રદર્શન

ટૅપ્લીટ્ઝમાં બીથોવને એક અનોખો નામચીન તમાશો કર્યો. એ સિઝનમાં ટૅપ્લીટ્ઝ સેલિબ્રિટીઝથી ભરપૂર હતું. ત્યાં એક દિવસ દરબારમાં ઑસ્ટ્રિયાની સામ્રાજ્ઞી અને બીજા રાજાઓ સાથેના મેળાવડામાં બીથોવને ગથેને કહ્યું, “હું તો ભલભલા રાજાને મારા પગની જૂતી જ ગણું છું. મારો હાથ પકડીને મારી સાથે જ ચાલ. આપણે એમને માટે રસ્તો કરવાનો હોય નહિ, એમણે ખસી જઈને આપણને રસ્તો આપવાનો હોય.” પણ ગથેએ એને સાથ આપવાની ના પાડી અને સામ્રાજ્ઞી પસાર થઈ ગઈ ત્યાં સુધી માથેથી હૅટ ઉતારીને બાજુમાં થોડું ઝૂકી જઈને ઊભો રહી ગયો. પણ બીથોવન તો અદબ વાળીને, માથું અક્કડ રાખીને સહેજ પણ ઝૂક્યા વિના સામ્રાજ્ઞી સાથે ઘસાઈને ક્રૉસ થયો. હાજર રહેલા બધા જ રાજા અને રાજકુંવરોએ બીથોવનની આ ગુસ્તાખીની સસ્મિત નોંધ લીધી.

અહીં બીથોવનની ક્રાંતિકારી સમાજવાદી જેહાદ જોઈ શકાય ખરી ? એના આવા તોછડા અને ઉદ્ધત વર્તનથી તો એ સ્પષ્ટ થાય છે કે એને મન સામાજિક, આર્થિક અને રાજકીય મોભાનું કેટલું બધું મહત્ત્વ હતું ! એ વિયેના રહેવા આવ્યો એવામાં જ એક વાર મેજબાનોના જમવાના ટેબલની બાજુના ટેબલ ૫૨ એને ભોજન માટે બેસાડવામાં આવતાં એનો મિજાજ છટકેલો. પછી એને મેજબાનોએ પોતાના ટેબલ પર સામેલ કરી લેતાં એનો મિજાજ ઠેકાણે આવી ગયેલો. આર્ચડ્યૂક રુડૉલ્ફ એનો શિષ્ય બનેલો. પણ એ રાજાને પણ એ સતત અપમાનિત કરતો રહેલો અને પેલો ચૂપચાપ સહન કરતો રહેલો. એ મોભાદાર માણસોનું નમ્ર વર્તન જોઈને પણ બીથોવનની સાન ઠેકાણે આવી નહિ.

વિયેનામાં સ્થિર થયો

1808ના અંતમાં નેપોલિયોંના નાનાભાઈ અને વૅસ્ટફેલિયાના રાજા જેરોમે બીથોવન સમક્ષ દરખાસ્ત મૂકી : સોનાના 600 દુકાતના વાર્ષિક પગાર સાથે એણે કાસલ ખાતેના કપેલમઇસ્ટર(ઑર્કેસ્ટ્રા અને કોરસ કન્ડક્ટર)ની જવાબદારી લેવાની હતી. આ દરખાસ્તને બીથોવન ઝડપી લેવાની અણી પર જ હતો ત્યાં વિયેના સ્થિત એના ત્રણ મુખ્ય આશ્રયદાતાઓને જણાયું કે ભલે ને કારણ ગમે તે હોય, પણ વિયેનાનગરીને આ સંગીતકાર ગુમાવવો પાલવે નહિ. તેથી એ ત્રણે – પ્રિન્સ લોબ્કોવીટ્ઝ, પ્રિન્સ ફર્ડિનાન્ડ કિન્સ્કી અને આર્ચડ્યૂક ડૉલ્ફે ભેગા મળીને વાર્ષિક 4,000 ફ્લોરિન્સનું વર્ષાસન બીથોવનને બાંધી આપ્યું. શરત એટલી જ હતી કે બીથોવને વિયેનાનગરીમાં કાયમી ધોરણે વસવાટ કરવો. પ્રસંગોપાત્ત જલસા માટે કે ફરવા માટે તે બીજે જઈ શકવા માટે તેમ જ ફ્રી લાન્સ ધોરણે એસાઇન્મેન્ટ્સ સ્વીકારી નવું સંગીત સર્જીને બીજી કમાણી ઊભી કરવા માટે પણ એને છૂટ હતી ! એ નવું સંગીત લખે કે ન લખે, પણ આ વર્ષાસન એના અવસાન સુધી ચાલુ રહેશે. ઓછામાં ઓછી આટલી જ રકમની નવી દરખાસ્ત મળે તો જ બીથોવન આ કૉન્ટ્રેક્ટમાંથી મુક્ત થઈ શકે. 4,000 ફ્લોરિન્સના વર્ષાસનમાં લોબ્કોવીટ્ઝનો ફાળો 700 ફ્‌લોરિન્સ, રુડૉલ્ફનો ફાળો 1,500 ફ્‌લોરિન્સ અને કિન્સ્કીનો ફાળો 1,800 ફ્‌લોરિન્સ હતો. 1809ના ફેબ્રુઆરીની છવ્વીસમીએ બંને પાર્ટીઓએ આ દરખાસ્ત પર મંજૂરીની મહોર મારી. પણ એની વાટાઘાટો દરમિયાન બીથોવને રાજા જેરોમની દરખાસ્ત સ્વીકારી લેવા માટે ખૂબ જ આતુરતા બતાવેલી. છેલ્લી ઘડીએ કૉન્ટ્રેક્ટમાં એવી કલમ ઉમેરવામાં આવી કે ત્રાહિત પાર્ટી તરફથી મળેલી કોઈ પણ લાંબા ગાળાની દરખાસ્ત જો બીથોવન સ્વીકારશે તો આ કૉન્ટ્રેક્ટનો આપોઆપ અંત આવશે.

બીથોવનનો તુંડમિજાજ અને બહેરાશને ધ્યાનમાં લેતાં એવું લાગે છે કે ઑપેરાના ઑર્કેસ્ટ્રા અને કોયરને કન્ડક્ટ કરવાની જવાબદારી બીથોવન ઉઠાવી શકે એમ હતો જ નહિ. બીથોવનની નિમણૂક કરીને રાજા જેરોમ સૌથી મહાન વિદ્યમાન સંગીતકારની હાજરી વડે પોતાના દરબારની શોભાની અભિવૃદ્ધિ કરવા માંગતો હતો. બીથોવને ત્યાં ક્વચિત્ પિયાનોવાદન કરવા સિવાય કોઈ જવાબદારી નિભાવવાની હતી નહિ.

આખરે બીથોવનના એક શિષ્યને રાજા જેરોમે એ જ દરખાસ્ત થોડા ઓછા પગારે આપી. દરખાસ્ત સ્વીકારતાં પહેલાં એ બિચારો શિષ્ય તો ગુરુ પાસે પૂછીને ખાતરી કરવા આવ્યો કે એ દરખાસ્તને ગુરુએ ખરેખર ઠુકરાવી છે કે નહિ. સાથે સાથે એણે ગુરુની સલાહ પણ માંગી. ક્યાંય સુધી ચુપકીદી સેવ્યા પછી ઉપેક્ષાવૃત્તિ અને અહંકારભર્યા સ્વરમાં બીથોવન તાડૂક્યો : “ઓહ ! શું તને એમ લાગે છે કે મને મળવાપાત્ર પદ પર તું બિરાજવા માટે કાબેલ છે?” પોતાના પ્રશ્નનો જવાબ નહિ મળતાં શિષ્યે આખી પરિસ્થિતિ સમજાવી ત્યારે બીથોવન બોલ્યો, “મને તો એમ કે તું મારી પૂંઠ પાછળ આ પદ હાંસલ કરવા માંગે છે !” શિષ્ય જવાબ આપ્યો, “તમારી સંમતિ વગર હું આ પદ ગ્રહણ કરી શકું નહિ.” આખરે શિષ્યને આ પદ મળે તે માટે બીથોવને તજવીજ કરવા માંડી. પણ ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઈ ચૂકેલું; કારણ કે એ પદ તો બીજા કોઈને મળી ચૂકેલું.

મુશ્કેલીઓ

1809ના મેમાં ફ્રેંચ લશ્કર વિયેના તરફ આગળ ધપી રહ્યું હતું; અને બારમીએ તો એણે શહેરને ઘેરી લીધું. બીથોવનનો શિષ્ય, આશ્રયદાતા અને વિયેનાનો રાજા આર્ચડ્યૂક રુડૉલ્ફ એની માતા વિયેનાની સામ્રાજ્ઞીને લઈને વિયેના છોડી ભાગી ગયો. વિખૂટા પડવાની વિરહવેદના બીથોવને સોનાટા ‘લ એદીયુ લાબ્સાંસ એ લા રિતૂ'(Les Adieux L’Absence ef le Rettour)માં વ્યક્ત કરી. આ સોનાટા ‘ફૅરવેલ’ નામે પ્રસિદ્ધ થયો. 1810ના જાન્યુઆરીની ત્રીસમીએ એ રાજા વિયેના પાછો આવ્યો. ફ્રાંસ જોડે ઘર્ષણ થવાને કારણે એને પૈસાની તંગી ઊભી થયેલી, એની સીધી અસર બીથોવન પર પડી. એનું વર્ષાસન 4,000 ફ્‌લોરિન્સથી ઘટીને 1,691 ફ્‌લોરિન્સ થઈ ગયું ! અને પછી તો એ એથી પણ ઘટી ગયું ! કિન્સ્કીએ પોતાનો ફાળો આપવો સદંતર બંધ કરેલો અને પછી એ ઘોડા પરથી ફેંકાઈ જતાં મરણ પામ્યો. પોતાની બાકી નીકળતી રકમ માટે બીથોવને એના એસ્ટેટ પર દાવો માંડ્યો. 1812થી 1815 સુધી કિન્સ્કી પાસેથી મળવાપાત્ર રકમ બીથોવનને મળી નહોતી. પણ કિન્સ્કીની એસ્ટેટ કોર્ટે લિક્વિડેશન માટે હાથ પર લીધેલી એટલે કોર્ટના ફેંસલા પછી જ બીથોવનને મળવાપાત્ર કોઈ રકમ મળી શકે. બીજો આશ્રયદાતા લોબ્કોવીટ્ઝ પણ નાદાર થઈ જતાં એની પાસેથી પણ 1811થી 1815 સુધી બીથોવનને એક કાણી કોડી મળેલી નહિ. પોતાની ટેવ મુજબ બીથોવને બહાવરા બનીને બડબડાટ શરૂ કરી દીધો અને લોબ્કોવીટ્ઝને ‘રાસ્કલ’ ગાળ વડે નવાજ્યો.

દોઢડહાપણ

બીથોવનની એક નબળાઈ પોતાના ભાઈઓના અંગત જીવનમાં દોઢડહાપણ કરવાની હતી. 1812ની પાનખરમાં એણે ભરેલા એક પગલાની દૂરગામી અસર એની પર પડી. એ વર્ષે એના પાંત્રીસ વરસની ઉંમરના કેમિસ્ટ ઍન્ડ ડ્રગિસ્ટ ભાઈ જોહાને લિન્ઝ નગરમાં પોતાની માલિકીના વિશાળ મકાનમાંથી થોડા ઓરડા વિયેનાના એક ડૉક્ટરને ભાડે આપેલા. ત્યાં એ ડૉક્ટર એની સાળી થેરિસા ઓબર્મેયર સાથે રહેતો હતો. આ છોકરી અત્યંત આકર્ષક હતી. એણે જોહાનના ઘરની દેખરેખ રાખવાનું હાઉસકીપિન્ગનું કામ શરૂ કર્યું. જોહાને એના પ્રત્યે જબરજસ્ત ખેંચાણ અનુભવ્યું અને પછી તો એ બંને લગ્ન વગર જ સાથે રહેવા લાગ્યાં. આ સમાચાર મળતાં જ બીથોવને તરત જ લિન્ઝ આવી જઈને આ સંબંધનો તત્કાળ અંત લાવવા હુકમ કર્યો. સ્વાભાવિક જ, મહાન સંગીતકારનો હુકમ જોહાનને પસંદ પડ્યો નહિ. પણ જોહાનના વિરોધથી વીફરેલા બીથોવને લિન્ઝના બિશપ, મ્યુનિસિપાલિટીના વડા તેમ જ પોલીસ અધિકારી સમક્ષ જઈ ફરિયાદ કરી એટલું જ નહિ, એ તો પોલીસ પાસેથી એવો હુકમ કઢાવીને જ જંપ્યો કે એ છોકરી જો અમુક સમયમાં લિન્ઝ નગરનો ત્યાગ કરે નહિ તો પોલીસ એને તગેડી મૂકે ! બંને ભાઈઓ બાખડી પડ્યા. પોતાની મનગમતી આ છોકરી જોડે જોહાન એ વર્ષે નવેમ્બરની આઠમીએ પરણી ગયો. હાર સ્વીકારીને નીચી મૂંડીએ બીથોવન વિયેના પાછો ફર્યો. પણ દુર્ભાગ્યે આ લગ્ન સુખી નીવડ્યું નહિ ! એ માટે એ બીથોવન પર દોષનો ટોપલો ઢોળતો રહ્યો કે એણે જ પોતાને એ છોકરી જોડે પરણી જવા માટે મજબૂર કર્યો !

બ્રિટન

1813માં બીથોવને બ્રિટન જઈ સ્થિર થવા વિચારેલું એની પાછળ બે કારણો હતાં. જર્મની અને વિયેના યુદ્ધમાં ફસાયેલાં હોવાથી એનું વર્ષાસન સાવ જ ઘટી ગયું હતું અને બીજું કે બ્રિટનમાં એની પ્રતિષ્ઠા મોટી હોવાને કારણે ત્યાં સારી કમાણીની આશા હતી.

એ દિવસોમાં સંગીત માટે સમયમાપક યંત્ર મેટ્રોનોમેનો શોધક માઇલ્ઝેલ જાણીતો થયેલો. એ યંત્રવિદ્યામાં નિપુણ હતો. તાજેતરમાં એણે ‘પેનહાર્મોનિયમ' શોધેલું. એ યંત્રમાં ચક્કર ચક્કર ફરતા ચામડામાંથી બનેલા નળાકાર ઢોલ ઉપર યાંત્રિક રીતે ફટકારતી લાકડીઓથી સંગીત નીપજતું. સંગીતની વિશેષ સૂઝ નહિ ધરાવતી સીધીસાદી જનતાને આ વાજિંત્ર ખૂબ પસંદ પડેલું ! એની ઉપર ઘણીબધી લોકપ્રિય કૃતિઓ વગાડવામાં આવતી. માઇલ્ઝેલને વિચાર આવ્યો કે જમાનાનો સૌથી મહાન સંગીતકાર શા માટે આ યંત્ર માટે કોઈ કૃતિ રચી આપે નહિ ? એણે બીથોવનને વિનંતી કરી અને બીથોવને એવી કૃતિ લખી પણ આપી.

1813માં એવામાં જ બ્રિટનનો વેલિન્ગ્ટન વિત્તોરિયાનું યુદ્ધ જીતેલો એટલે બ્રિટનમાં પનાહ મેળવવા માટે આતુર બીથોવને લખેલી કૃતિનું નામ રાખ્યું : ‘વેલિન્ગ્ટન્સ વિક્ટરી’, જે પછીથી ‘ધ બૅટલ ઑફ વિત્તોરિયા’ નામથી જાણીતી બની. બ્રિટિશ નાગરિકોને ખુશ કરવા માટે બીથોવને એમાં બ્રિટિશ રાષ્ટ્રગીતો ‘ગૉડ સેવ ધ કિંગ’ તથા ‘રૂલ બ્રિટાનિયા’ને સમાવી લીધાં ! માઇલ્ઝેલને પણ આ કૃતિ ગમી ગઈ કારણ કે એમાંથી બ્રિટનમાં ધંધાદારી સફળતા મળી ! વિયેનામાં પણ આ કૃતિ લોકપ્રિય બની. પણ પછીના મહિનાઓમાં બીથોવન અને માઇલ્ઝેલ બાખડી પડ્યા. એનું કારણ તો જાણવા મળતું નથી પણ માઇલ્ઝેલ પર બીથોવને કોર્ટમાં છેતરપિંડીનો કેસ ઠોકી દીધો. થોડાં વરસો પછી બંને ઠંડા પડ્યા અને કેસ દાખલ કરવાને લીધે બીથોવનને જે કાંઈ ખર્ચો થયેલો એનો અડધો ભાગ માઇલ્ઝલે એને ચૂકવી આપ્યો; અને એ મામલા ઉપર કાયમ માટે પૂર્ણવિરામ મૂકી દીધું. માઇલ્ઝેલ સાથે લંડન જવાનો બીથોવન માટે હવે પ્રશ્ન જ રહેલો નહિ.

આળસ કે લુચ્ચાઈ ?

1815ના ફેબ્રુઆરીમાં સર જ્યૉર્જ સ્માર્ટે લંડનમાં ઑર્કેસ્ટ્રા માટેની બીથોવનની કૃતિઓ ‘ધ માઉન્ટ ઑફ ઑલિવ્ઝ' અને ‘ધ બૅટલ ઑફ વિત્તોરિયા’ને કન્ડક્ટ કરી. એ બંને કૃતિઓ બ્રિટિશ શ્રોતાઓમાં પ્રિય થઈ પડી અને સ્માર્ટને એમાંથી 1,000 પાઉન્ડનો ચોખ્ખો નફો થયો. લંડન ફિલ્હાર્મોનિક ઑર્કેસ્ટ્રા માટે ત્રણ નવા કૉન્સર્ટ ઑવર્ચર્સ લખી આપવા માટે એણે બીથોવનને કાગળ લખીને જણાવ્યું. આ માટે બીથોવનને કુલ 75 ગીની ચૂકવાશે એ પણ જણાવ્યું. પણ ત્રણ નવા ઑવર્ચર્સ લખી મોકલવાને બદલે બીથોવને પોતાની કારકિર્દીના પ્રારંભમાં લખેલા ત્રણ જૂનાં ઑવર્ચર્સ (‘કિંગ સ્ટેફાન’, ‘ધ રુઈન્સ ઑફ ઍથેન્સ’ અને ‘નેમેસ્ફિયર’) મોકલી આપ્યાં ! પોતાની ત્રીજી, પાંચમી અને છઠ્ઠી સિમ્ફનીઓ જેવી પ્રગલ્ભ, પ્રબુદ્ધ અને પક્વ કૃતિઓથી બ્રિટનમાં ખ્યાતનામ બનેલા બીથોવન માટે આ પગલું આત્મઘાતક અને નાલેશીભર્યું હતું ! આરંભકાલીન એ કૃતિઓમાં બીથોવનના સંગીતની વિશિષ્ટ છાપ સદંતર ગેરહાજર હતી. હવે જે ઊંચાઈએ એ પહોંચેલો એ જોતાં આ કૃતિઓ સાવ ઊતરતી કક્ષાની ‘'શિખાઉ’ હતી. સર જ્યૉર્જ સ્માર્ટ અને લંડન ફિલ્હાર્મોનિક સોસાયટીના સભ્યો ક્રોધે ભરાયા; અને એમણે પેલી જૂની કૃતિઓ વગાડવામાં કોઈ દિલચસ્પી લીધી નહિ.

વધુ અરુચિકર પ્રસંગો

બ્રિટિશ નાગરિકો સાથે ધંધો કરવાથી એને ભલે નાણાકીય દૃષ્ટિએ ખરેખર ફાયદો થયો, પણ એથી બ્રિટિશ નાગરિકોને તેને માટે કોઈ માનની લાગણી થઈ નહિ, 1816માં બ્રિટિશ પ્રકાશક બિર્ચેલે તેના ‘સોનાટા ઇન G માઇનોર ફૉર વાયોલિન’, સાતમી સિમ્ફની અને ‘ધ બૅટલ ઑફ વિત્તોરિયા’ના પિયાનો માટેના અનુવાદના બ્રિટન પૂરતા પ્રકાશનના હક્ક તેની પાસેથી 65 પાઉન્ડમાં ખરીદી લેવાનું નક્કી કર્યું. પણ આ ઍગ્રીમેન્ટ ઉપર સહી કરવાને બદલે બીથોવને સાત પાઉન્ડ વધુ માંગ્યા. બિર્ચેલે પાંચ પાઉન્ડ ઉમેરીને સિત્તેર પાઉન્ડ બીથોવનને મોકલી આપ્યા. પણ આ પ્રસંગથી બ્રિટિશ નાગરિકોમાં બીથોવનની શાખ ઘટી ગઈ. બીથોવનના ભક્ત બ્રિટિશ પિયાનિસ્ટ નીટે બીથોવનની કૃતિઓના પ્રકાશન માટે બ્રિટિશ પ્રકાશકોનો સંપર્ક કર્યો ત્યારે તેને રોકડું પરખાવી દેવામાં આવ્યું, “આપ મહેરબાની કરીને બીથોવનની કોઈ પણ કૃતિ અમારી સામે ધરશો જ નહિ !”

1817ના ગ્રીષ્મમાં લંડન ફિલ્હાર્મોનિક સોસાયટીએ બીથોવનના લંડન સ્થિત શિષ્ય રીસ મારફતે એનો ફરી સંપર્ક કરી બે નવી સિમ્ફનીઓ માંગી. એણે આવતા શિયાળા સુધીમાં એ બંને લખી આપવાની હતી. બે સિમ્ફનીસર્જન માટે કુલ 200 ગીની અને લંડન આવવા-જવાના પ્રવાસભથ્થા માટે આ ઉપરાંત બીજી 100 ગીની એમ કુલ 300 ગીની ચૂકવવાની સોસાયટીએ દરખાસ્ત કરી. પણ આ કુલ 300 ગીની ઉપરાંત બીથોવને બીજી 100 ગીની માંગી. અને એ 400 ગીનીમાંથી 150 ગીની ઍડ્વાન્સ માંગી. પણ બીથોવનની આ માંગણી ઠુકરાવીને સોસાયટીએ તો જૂની દરખાસ્તને જ દોહરાવી. અને બીથોવને એ સ્વીકારી લેવી પડી. પણ બે નવી સિમ્ફનીઓ નવમી અને દસમી લખી આપવાને બદલે એણે પિયાનો સોનાટા ઇન B ફ્‌લૅટ (ઓપસ 106) લખી મોકલ્યો.

ગરીબીનાં ગાણાં

એ હંમેશાં પોતાની ગરીબીનાં ગાણાં ઢોલનગારાં પીટીને ગાતો. એને એમાં આનંદ આવતો. પણ સાચી પરિસ્થિતિ કંઈક જુદી જ હતી. એ ગરીબ નહોતો જ. કિન્સ્કીના અવસાન પછી એની જાગીરના લિક્વિડેટર્સે 1815માં બીથોવનને 2,479 લોરિન્સની બાકી રહેલી રકમ ચૂકવી દીધેલી અને ઉપરાંત એને 1,200 ફ્‌લોરિન્સનું વર્ષાસન બાંધી આપ્યું જે એના મૃત્યુ સુધી ચાલુ રહ્યું. એ જ રીતે વિયેનાના રાજા રુડૉલ્ફ તરફથી એને વર્ષે 1,500 ફ્‌લોરિન્સનું વર્ષાસન મળવું શરૂ થયેલું અને લોબ્કોવીટ્ઝની જાગીરમાંથી 700 ફ્‌લોરિન્સનું વર્ષાસન મળવું શરૂ થયેલું. 1816માં લોબ્કોવીટ્ઝના બેતાળીસ વરસે થયેલા મૃત્યુ પછી પણ એનું વર્ષાસન મળવું ચાલુ રહેલું ! પણ 1814માં લોબ્કોવીટ્ઝે રુડૉલ્ફને લખેલું : “બીથોવનની મારા તરફની વર્તણૂકથી મને લેશમાત્ર સંતોષ નથી. છતાં આનંદ મને એ વાતનો છે કે એની મહાન કલાકૃતિઓની કદર થવી શરૂ થઈ ગઈ છે.”

ભત્રીજાનું પ્રકરણ

આ દરમિયાન બીથોવનનો ભાઈ કાર્લ દારૂ ઢીંચી ઢીંચીને 1815ના ડિસેમ્બરની સોળમીએ અવસાન પામ્યો. શંકાશીલ સ્વભાવને કારણે બીથોવને કાર્લની પત્ની પર ઝેર પાઈને પતિનું ખૂન ક૨વાનો આક્ષેપ મૂક્યો ! એણે પોસ્ટમૉર્ટમની માંગણી ચાલુ જ રાખી. મૃત્યુના બે જ દિવસ પહેલાં ભાઈ કાર્લે વિલ બનાવીને બીથોવનને પુત્ર કાર્લનો ગાર્ડિયન બનાવેલો, પણ એ એકમાત્ર ગાર્ડિયન નહિ, પત્નીને પણ એણે સહગાર્ડિયન બનાવેલી. બીથોવન પોતાના પુત્રનો સુવાંગ પૂરો કબજો લઈ લે એવું ભાઈ કાર્લ સહેજેય ઇચ્છતો નહોતો. વિલમાં છેલ્લે એણે ઈશ્વરને પ્રાર્થેલું : “મારા પુત્રના ભલા ખાતર મારા ભાઈ અને મારી પત્ની વચ્ચે સુમેળ સ્થપાય તો સારું !”

સુનીતિનો ઉપદેશ

બીજાઓને નીતિવિષયક ઉચ્ચ ઉપદેશ આપતા રહેવાનો બીથોવનને ખૂબ જ શોખ હતો. એના મંતવ્ય અનુસાર આખી દુનિયામાં સત્ય અને નીતિના માર્ગે ચાલનાર એકમાત્ર માણસ પોતે જ હતો અને દુનિયાના બાકી તમામ લોકો જુઠ્ઠા અને ઠગ હતા. પોતાની ભાભી સંપૂર્ણ પતિવ્રતા સ્ત્રી નહોતી એટલી હકીકત બીથોવન માટે પૂરતી થઈ પડી અને એણે ભાભીને પુત્ર કાર્લના મૃત પતિની ઇચ્છાનુસા૨ના અર્ધવાલીપણાના અધિકારમાંથી તગેડી મૂકવાની તજવીજ શરૂ કરી. ભાભીએ 1818માં એક લફરું કરેલું ખરું. એ બદચલન વર્તનને આગળ ધરીને એણે કોર્ટમાં જઈને ભત્રીજાના પૂરેપૂરા – એકમાત્ર – વાલી તરીકે પોતાને નિયુક્ત કરતો ઑર્ડર મેળવી લીધો ! ભત્રીજો તો બિચારો એ વખતે માત્ર નવ જ વરસનો હતો. એ માતાને મળી શકે જ નહિ તે માટે શક્ય હતાં તે બધાં જ વિઘ્નો બીથોવને ઊભાં કર્યાં ! એણે ભત્રીજાને પહેલાં તો વિયેનાની એક રેસિડેન્શિયલ સ્કૂલ ‘જિયાનેટાસિયો દેલ રિયો’માં દાખલ કર્યો પણ પછી એમાંથી ઉઠાવી લઈને એક કૉન્વેન્ટ સ્કૂલમાં મોકલી આપ્યો અને પછી તો એને એમાંથી પણ ઉઠાવી લઈ ઘરમાં પોતાની સાથે રાખ્યો. ઉપરાંત એ બાળકના મનમાં એની મા વિશે ગંદું ઝેર રેડ્યું ! મા વિશે ગંદાં વિધાનો બોલવા માટે એને પ્રોત્સાહન આપ્યું. ભત્રીજાના આવા વિચિત્ર વર્તનથી તો પેલી કૉન્વેન્ટના શિક્ષકો અને પ્રિન્સિપાલ પણ ત્રાસી ચૂકેલા કારણ કે એ બાળક તો પોતાના સહપાઠીઓ ઉપર પોતાની કડવી વાણી વડે ખરાબ અસર ફેલાવી રહેલો. ભાભીએ કોર્ટમાં પોતાના પુત્રના પૂરેપૂરા અને એકમાત્ર વાલીપણાના અધિકાર અને ઉછેરની જવાબદારી માટે અરજી કરી. બે મહિના સુધી કોર્ટમાં સુનાવણી થયા બાદ કાજીએ એ બિચારી માતાની અરજી ફગાવી દીધી. પણ એ પછી બીજા બે મહિનાના અંતે બાળક કાર્લ મહાન સંગીતકાર કાકાથી ત્રાસી જઈને અને ભાગી જઈને પોતાની મા પાસે જઈ પહોંચ્યો, અને આખો મામલો ફરી એક વાર કોર્ટ સમક્ષ આવ્યો.

ભત્રીજાના મનમાં મા વિશે ઝેર રેડવાની વૃત્તિ તેમ જ પોતાની એકલવાયી પ્રકૃતિને કારણે તેમ જ કુંવારા હોવાને કારણે એકલહાથે જ બાળકનો ઉછેર કરવા માટે બીથોવન અસમર્થ હતો. એ પોતાના ઘરગથ્થુ વ્યવહારોને જ મહાપરાણે સંભાળી શકતો. નોકરોને તોછડાઈથી ગાળો ભાંડવા માટે અને બધા જોડે ઝઘડી પડવાની આતુરતા ધરાવવા માટે એ નામચીન હતો જ. ભત્રીજા જોડે ક્યારેક અત્યંત ઋજુ તો ઘણી વાર સાવ જ જડ બનીને રાક્ષસી વર્તન કરતો. આટલું ઓછું હોય એમ એ પાછો બહેરો હતો. તેથી એની જોડે શીઘ્ર સ્ફુરિત ઊર્મિઓ અને વિચારોની આપલે કરવી બાળભત્રીજા માટે સાવ અશક્ય નહિ તોપણ મહામુશ્કેલ બનતી જ. એક બાળકને ઉછેરવા માટે એ તદ્દન નાલાયક હતો.

બાળકની આપવીતી

કોર્ટમાં કાજીએ એ બાળકને પૂછ્યું, “તું કાકા સાથે રહેવું પસંદ કરીશ કે માતા સાથે ?” બાળકે જવાબ આપ્યો, “કાકા સાથે, પણ શરતે કે એમની સાથે સાથીદાર હોય; કારણ કે કાકાને સંભળાતું નથી તેથી એમની સાથે વાતો કરવી અશક્ય છે.” પછી કાજીએ આગળ પૂછ્યું કે, “તારા કાકાને ત્યાં તું એકલો પડી જતો ખરો કે ?” બાળકે જવાબ આપ્યો :

હા, કાકા ઘેર હોય નહિ ત્યારે હું સાવ જ એકલો પડી જતો. મારા કાકા મારી સાથે સારું, માયાળુ વર્તન કરે છે અને હું બદમાશી કરું ત્યારે જ મને દબડાવે છે. પણ જ્યારથી હું ભાગીને મારી મંમી પાસે જતો રહ્યો છું ત્યારથી કાકાનું વર્તન સારું નથી, એ મને ગળચી દબાવીને બોલતી બંધ કરી દેવાની ધમકી આપે છે. મારા કાકાને ખુશ રાખવા માટે મારે કાકા આગળ વારે ઘડીએ મારી મમ્મી વિશે હલકટ વાતો કરવી પડે છે !

બીથોવન વિશે આવું ઘૃણાસ્પદ બયાન સાંભળીને કાજીએ બીથોવનની અટકમાં રહેલ શબ્દ ‘ફાન’ વિશે પુરાવા માંગ્યા. ‘ફૉન’ શબ્દ ઉચ્ચ જર્મન કુળની અને ‘ફાન’ શબ્દ ઉચ્ચ ડચ કુળની ખાનદાની પરંપરાનો સૂચક હોવાથી કાજીને વહેમ પડ્યો કે બીથોવને પોતાના નામમાં ‘ફાન' શબ્દ જાતે જ ઘુસાડી દીધેલો હશે ! પોતાની ખાનદાનીની સાબિતી આપતાં બીથોવન પહેલી આંગળી ખોપરી પર અને બીજા હાથનો પંજો છાતીમાં ડાબી બાજુએ ધરીને તોરમાં બોલ્યો : “મારી ખાનદાની તો અહીં છે !” કોર્ટનું અપમાન કરવા બદલ કાજીએ એને સખત ઠપકો આપીને દંડ કર્યો. પછી કાજીએ બીથોવનના વર્તનની તપાસ કરી. વિયેનાની જિયાનેટાસિયો દેલ રિયો રેસિડેન્શિયલ સ્કૂલમાં તેમ જ કૉન્વેન્ટ સ્કૂલમાં વાલી તરીકેની બીથોવનની વર્તણૂકના રિપોર્ટ માંગ્યા; જે તદ્દન ખરાબ નીકળ્યા ! ફલિત એ થયું કે પેલો નિર્દોષ ભત્રીજો સંગીતકાર કાકાની તુક્કાબાજીનો ભોગ બનેલો. કોઈ કારણ વગર જ કાકાએ એને બંને સ્કૂલમાંથી ઉઠાડી મૂકેલો ! કાજીને બીથોવનનાં અપલક્ષણોની ખાતરી થઈ ગઈ, તેથી એણે ચુકાદો આપ્યો કે, “માત્ર માતા જ એ બાળકની પૂરેપૂરી અને એકમાત્ર વાલી બને છે. પિતાએ પણ વિલમાં માતાને વાલીપણાના અધિકાર અને જવાબદારી આપેલાં છે જ અને વાલી તરીકે બીથોવન તદ્દન નાલાયક ઠર્યો છે.” વળી પાછો બીથોવન કોર્ટમાં જ ભાભી પર બદચલન અંગે આક્ષેપો કરવા માંડ્યો તેથી કાજીએ તેને ધમકાવીને ચૂપ કરવો પડ્યો. એ જો વધુ બોલત તો કાજી એને જેલના સળિયા પાછળ ધકેલી દેત !

‘ફ્રેન્ડ ઑફ બીથોવન’

1815માં બીથોવનના મિત્ર શુપાન્ઝિર પાસે અઢાર વરસનો એક છોકરો શીન્ડ્લર વાયોલિન શીખી રહેલો. શુપાન્ઝિરને ત્યાં બીથોવન એને મળ્યો અને જોતજોતામાં એ બંને ગાઢ દોસ્ત બની ચૂક્યા. વર્ષો વીતતાં દોસ્તી વધુ ગાઢ બની; અને બીથોવન શીન્ડ્લરની વધુ ને વધુ નજીક આવતો ગયો. છેલ્લે તો ‘પ્રાઇવેટ સેક્રેટરી’ કે ‘આસિસ્ટન્ટ'ના હોદ્દા વગર જ શીન્ડ્લર બીથોવનનું નાનુંમોટું બધું કામ કરી આપવા માંડેલો. શીન્ડ્લર બહુ સ્માર્ટ નહોતો પણ બીથોવનનો ખરો શુભચિંતક હતો અને એનો સ્વભાવ નરમ હતો. પણ બીથોવનના મૃત્યુ પછી પોતાના વિઝિટિન્ગ કાર્ડ પર ‘ફ્રૅન્ડ ઑફ બીથોવન' છપાવીને એ મૂરખો હાસ્યાસ્પદ ઠર્યો ! આરાધ્ય બીથોવનની એણે જીવનકથા લખીને છપાવી. પણ એમાં કપોળકલ્પિત ઉડ્ડયનો અને મનઘડંત કથાઓ એટલા મોટા પ્રમાણમાં ભરી દીધી છે કે બિચારા બીજા જીવનકથાકારોનાં પચાસથી પણ વધુ વરસો સત્યની શોધમાં પસાર થયાં ! શીન્ડ્લરે ઊપજાવી કાઢેલાં કેટલાંક હડહડતાં જુઠ્ઠાણાં હજી આજે પણ બીથોવનની ચાલુ જીવનકથાઓમાં સામેલ હોય છે.

ઓસરતી જતી સર્જક્તા

1814ના મે મહિનામાં એનો ઑપેરા ‘ફિડેલિયો' ફરી વાર ભજવાયો પણ એમાં જૂના ઑવર્ચરને દૂર કરી નવું લખેલું ઑવર્ચર ઇન E મેજર વગાડવામાં આવ્યું. 1814થી 1819 સુધીની બીથોવનની કૃતિઓ છે : ‘પિયાનો સોનાટા ઇન E માઇનોર (ઓપસ 90), કૅન્ટાટા ‘ધ ગ્લોરિયસ મોમેન્ટ’, ઑવર્ચર ઇન C (ઓપસ 115), ચલો સોનાટાઝ ઇન C મેજ૨ ઍન્ડ D મેજર (ઓપસ 102), કોરસ અને ઑર્કેસ્ટ્રા માટે ‘કામ સી ઍન્ડ પ્રૉસ્પરસ વૉયેજ’, પિયાનો સોનાટા ઇન A મેજર (ઓપસ 101), ગીતમાળા ‘ટુ ધ ડિસ્ટન્ટ બિલવિડ’, પિયાનો સોનાટા ઇન B ફ્લૅટ (ઓપસ 106), માસ ઇન D તથા નવમી સિમ્ફની. દેખીતું જ છે કે એની સર્જકતા અને ફળદ્રુપતા છેલ્લાં વર્ષોમાં ખાસ્સી ઓસરી ગઈ. ભત્રીજા માટેનો વિવાદ અને આંખોનું દરદ એ માટે જવાબદાર ગણાય છે. પણ શું એવું નહિ હોય કે નવી કલ્પનાઓને કાગળ પર ઉતારવા માટે હવે એણે વધુ મનોમંથનોમાંથી પસાર થવું પડતું હતું ?

‘ધ ગ્રેટ માસ’ના વાયદા

પોતાનો પટ્ટ શિષ્ય, પોતાનો આશ્રયદાતા અને વિયેનાનો રાજા રુડૉલ્ફ ઑલ્મૂટ્ઝનો સમ્રાટ ઘોષિત થયો. 1820ના માર્ચની વીસમી એના રાજ્યાભિષેક માટે નક્કી થઈ. બીથોવને સામે ચાલીને એ વિધિ માટે ગાવાવગાડવાનો એક ભવ્ય માસ લખી આપવાનું વચન આપ્યું. પણ એ લખી આપવામાં એણે એટલી બધી વાર લગાડી કે રાજ્યાભિષેકનો વિધિ એ માસ વગર જ પાર પડ્યો. છેક 1824માં વિયેનાના એક જલસામાં એ ‘ધ ગ્રેટ માસ’ના કેટલાક ટુકડાનું પ્રથમ વાર ગાયનવાદન કરવામાં આવ્યું. ‘ધ ગ્રેટ માસ’ને છપાવવા માટે પ્રકાશકો સાથે બીથોવને કરેલી વાટાઘાટોનું પ્રકરણ પણ એના જીવનના કલંકોમાંનું એક મુખ્ય છે. બીથોવનના ચાહકો માટે એ એટલું દુઃખદ છે કે એ આજે પણ છોભીલા પડી જાય છે. અગાઉ ટાંકેલા કેટલાક કિસ્સાની જેમ અહીં પણ એનું વર્તન એટલું તો બેહૂદું હતું કે તરત જ એક પ્રશ્ન ઉદ્ભવે : શું એને ખબર જ નહોતી કે ધંધાદારી સોદામાં પણ નીતિમત્તાનું સ્થાન પહેલું છે ? દુનિયા આખીને સતત નીતિમત્તાના ઉપદેશો આપતા રહેલા બીથોવને ‘ધ ગ્રેટ માસ’ છાપવા આપવા માટે એકસાથે ચાર પ્રકાશકો સાથે વાયદા કર્યા. એમાંથી કેટલાક પાસેથી તો રૉયલ્ટીની રકમ એણે આગોતરી જ લઈ લીધેલી ! આ ચારે પ્રકાશકો સાથેના કાગળોમાં એણે હડહડતાં જુઠ્ઠાણાં ચીતર્યાં છે. એક જર્મન જીવનકથાકારે લખ્યું છે :

બીથોવનનું આ વર્તન એક સજ્જનને શોભે તેવું હરગિજ નથી. એમાં ક્યાંય ન્યાયપ્રિયતા કે સત્યપ્રિયતા નથી. એક નીતિવાન જીવનકથાકાર બીથોવનની આ લુચ્ચાઈ કે ખંધાઈને કેવી રીતે અવગણ્યા વિના રહી શકે ? આ વર્તન માટે થઈને એને કડક ટીકા વડે ઉતારી પાડ્યા અને વખોડી કાઢઢ્યા વિના કેવી રીતે રહી શકે ? બીથોવન મહાન સંગીતકાર છે એ કારણે આપણે એના માટે અનન્ય પ્રેમાદર ધરાવીએ છીએ. પણ તેથી આ ગુનો મટી જતો નથી.

લુડવિગ ફાન બીથોવન, બ્રેઇન પ્રોપ્રાઇટર

ગરીબ દેખાવાનો ઢોંગ કરતા રહેલા બીથોવનના સાત બૅંકલૉકર્સમાં શૅરસ્ટૉક સલામત હતા. પણ છેલ્લાં થોડાંક વર્ષોથી તેની આવક ધીમે ધીમે ઘટતી જતી હતી. અતિમહત્ત્વાકાંક્ષી કૃતિઓની રચનામાં એ વ્યસ્ત હતો અને વળી એની સર્જનગતિ ધીમી પડી ગયેલી તેથી એને પૂરી કરતાં વરસો વીતતાં હતાં. નાનકડી કૃતિઓ પણ પહેલાંના જેવી ત્વરા અને શીઘ્ર સ્ફુરણાથી એ લખી શકતો નહોતો.

એનો સ્વભાવ વધુ ને વધુ તોરીલો બનતો જતો હતો. 1820માં એને એક ભાગેડુ કે રખડેલ લફંગો સમજીને પોલીસે એની ધરપકડ કરીને એને જેલના સળિયા પાછળ ધકેલી દીધો. એ બિચારો ઘણું કરગર્યો પણ પોલીસ ઑફિસરે એના ગંધ મારતા અને ચીંથરેહાલ જિસ્મને બીથોવન માનવાનો નન્નો જ સંભળાવ્યો. છૂટ્યા પછી ર્‌હ્યુમેટિઝમમાં અને કમળામાં એ પટકાયો. લીવર બગડતું ગયું અને છ વરસ પછી હાલત બદતર થઈ ગઈ. પણ પોતે તો સગાંઓના જીવનને સાચા રસ્તે વાળવા માટે પૃથ્વી પર આવેલો ભેખધારી દૈવી પુરુષ હતો તેવી બીથોવનને પાકે પાયે ખાતરી હતી ! હવે એણે ભાઈ જોહાનના અંગત જીવનમાં ડખલ કરવી શરૂ કરી કારણ કે એની પત્ની પણ ભાઈ કાર્લની પત્ની જેટલી જ બદચલન નીકળી !

જોહાન એટલો બધો ધનવાન થઈ ગયેલો કે એણે વૈભવી શૈલીએ ઉનાળુ વૅકેશનો પસાર કરવા માટે નીક્ઝેન્ડૉર્ફમાં મોટી જાગીર ખરીદી. પોતાની પ્રૉપર્ટીના ઝાંપે તેમ જ પોતાના વિઝિટિન્ગ કાર્ડ ઉપર પોતાના નામ નીચે એ જાહેરાત કરતો : ‘જોહાન ફાન બીથોવન, લૅન્ડ પ્રોપ્રાઇટર’. એને ચાળે ચઢીને બીથોવને પોતાના વિયેનાના ઘરની બહાર તકતી મુકાવી : ‘લુડવિક ફાન બીથોવન, બ્રેઇન પ્રોપ્રાઇટર’ ! 1822માં બીથોવને પોતાના આ શ્રીમંત ભાઈ જોહાન સાથે સુલેહ કરવા પ્રયત્ન કર્યો કારણ કે એથી પોતાના સંગીતના ધંધામાં પોતાને ફાયદો થાય એવી એની ગણતરી હતી. પણ એના સતત શંકાશીલ સ્વભાવને કારણે જોહાન સાથે એનો મેળ જામ્યો જ નહિ, અને ઝઘડા ચાલુ રહ્યા. ખરેખર પોતાને પ્રતાપે જ એ સડેલી જિંદગી જીવી રહ્યો હતો. સ્વરચિત ધ્વનિના કિલ્લાઓમાં એને સાથ આપવા કોઈ જ સાથીદાર નહોતો. પોતાના મકાનમાલિક અને નોકરો સાથે એ હરહંમેશ ઝઘડતો રહેલો. એમને એ ગાળો ભાંડતો : “જુઠ્ઠા, ચોર, બદમાશ, લબાડ, ધુતારા !” પ્રકાશકો સાથે અનંત પત્રવ્યવહારમાં એ એવો પડ્યો કે સંગીતસર્જન બાજુ પર રહી ગયું !

રોસિની સાથે મુલાકાત

યુરોપિયન સંગીતનો નવો ચમકતો સિતારો રોસિની 1822માં વિયેના આવેલો. એને મળવાની બીથોવને પહેલાં તો ના કહી દીધી, પણ પછી બંને મળ્યા. પણ મુલાકાત દરમિયાન સાચું જોતાં કોઈ જ વાત થઈ નહિ. એનાં કારણોમાં પહેલું તો બીથોવનની બહેરાશ, બીજું બીથોવનનું ઇટાલિયન ભાષાનું અજ્ઞાન, ત્રીજું રોસિનીનું જર્મન ભાષાનું અજ્ઞાન અને ચોથું દુભાષિયાનો અભાવ સમાવેશ પામે છે. એવામાં જ સંગીતની દુનિયાના અદ્ભુત આશ્ચર્ય સમો માત્ર અગિયાર વરસનો પિયાનો પ્રોડિજી ફૅરેન્ક લિઝ પણ વિયેના આવેલો. વાયકા એવી છે કે લિઝના જલસામાં બીથોવન હાજર રહેલો અને જલસાના સમાપન પછી એણે એ બાળપ્રતિભાને માથે ચુંબન કરેલું.

‘ધ ગ્રેટ માસ’તી પૂર્ણાહુતિ

1822માં બીથોવને ‘ધ ગ્રેટ માસ’ પૂરો કર્યો. પણ જેમની સાથે સોદો કરેલો એ ચાર પ્રકાશકોને છાપવા આપવાને બદલે એણે યુરોપના જુદા જુદા રાજદરબારોમાં એની મૅન્યુસ્ક્રિપ્ટ્સ મોકલી આપવા માટે પુછાવ્યું ! એમાંથી દસ રાજદરબારોએ એની મૅન્યુસ્ક્રિપ્ટ્સ માંગી. એ દસમાં રશિયાનો ઝાર, પ્રુશિયાનો રાજા, ડેન્માર્કનો રાજા, સેક્સનીનો રાજા અને ફ્રાંસનો રાજા લૂઈ અઢારમો અને સેંટ પીટર્સબર્ગનો યુવાન પ્રિન્સ ગૅલિટ્ઝીન સામેલ હતા. ગૅલિટ્ઝીન તો બીથોવન પાછળ પાગલ થઈ ગયો. એણે 1822માં બીથોવન પાસે ત્રણ નવા સ્ટ્રિન્ગ ક્વાર્ટેટ્સ માંગ્યા, અને બદલામાં મોં માંગ્યા દામ માંગી લેવાની વિનંતી કરી. એક ક્વાર્ટેટના પચાસ દુકાત લેખે બીથોવને એ ત્રણે ક્વાર્ટેટ લખી આપ્યા. 1824માં એણે પેલા ચારે પ્રકાશકોને ‘ધ ગ્રેટ માસ’ની મૅન્યુસ્ક્રિપ્ટ મોકલી આપી. આખરે મેઇન્ઝ નગરના પ્રકાશક શૉટે એને છાપ્યો, બીજા ત્રણ નારાજ થયા. ફ્રાંસના રાજા લૂઈ અઢારમાએ બીથોવનને સોનાનો ચંદ્રક મોકલી આપ્યો.

1822ના અંતમાં એનો ઑપેરા ‘ફિડેલિયો’ ફરી એક વાર વિયેનામાં ભજવાયો. આ વખતે એ એટલો બધો હિટ ગયો કે થિયેટરે એની પાસે નવા ઑપેરાની માંગણી કરી. પણ અગાઉ જોયું તે મુજબ બીથોવને આકાશપાતાળ ખૂંદી વળવાની મથામણો કરી છતાં યોગ્ય લિબ્રેતો નહિ મળ્યો તેથી નવો ઑપેરા ના સર્જાયો તે ના જ સર્જાયો. એ જ વર્ષે નવેમ્બરમાં લંડન ફિલ્હાર્મોનિક સોસાયટીએ 50 પાઉન્ડની કિંમતે એની પાસે નવી સિમ્ફની માંગી. બીજા દેશોમાંથી તો વધુ કિંમત મળી શકે એવી દલીલો બીથોવને પહેલાં કરી જોઈ પણ એથી ઝાઝું વળી નહિ શકે તેવું જણાતાં ડાહ્યા બનીને એણે મૂળ દરખાસ્ત સ્વીકારી લીધી. એવામાં જ વિયેનાના ઇમ્પીરિયલ ચૅમ્બર કંપોઝર એન્ટોન ટેઈબરનું અવસાન થતાં જ એ પદ પર પોતાની નિમણૂક કરવા માટે બીથોવને અરજી કરી, પણ એ અરજી તરત જ ફગાવી દેવામાં આવી કારણ કે એ પદ જ બરખાસ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેવું વિયેનાના રાજાએ જણાવ્યું.

નવી કૃતિઓ

એની સર્જનગતિ તો હવે મંદ જ હતી. 1823માં ‘બૅગેટેલેસ’ (ઓપસ 126) લખ્યું. પ્રિન્સ ગૅલિટ્ઝીને માંગેલા ત્રણ સ્ટ્રિન્ગ ક્વાર્ટેટ્સ (ઓપસ 127, 130 અને 132) 1824-25માં લખાયેલા. 1824ના ફેબ્રુઆરીમાં એણે નવમી સિમ્ફની પૂરી કરી. એના પત્રો અને સ્કેચબુક્સ ૫૨થી એ સ્પષ્ટ થાય છે કે દસમી સિમ્ફનીના સ્કેચિઝ એણે કરેલા ખરા પણ એ સિમ્ફની કદી પૂરી થઈ નહિ ! પછી બીજા બે સ્ટ્રિન્ગ ક્વાર્ટેટ્સ (ઓપસ 131 અને 135) તથા ‘ધ ગ્રાન્ડ ફ્યુગ’ લખ્યા.

ચોમેર વાત ચાલી રહી હતી કે એની નવમી સિમ્ફનીનો પ્રીમિયર શો બર્લિનમાં થવાનો છે. તેથી એના જબરા ચાહકો એવા ત્રીસ વગદાર વિયેનાવાસીઓએ છાપામાં જાહેરાત છપાવીને એને અરજી કરી કે આ સન્માન વિયેનાનગરીને મળવું જોઈએ. વાંચીનેં ક્ષણાર્ધ (પૂરતો) ક્રોધ કરીને એ સિમ્ફનીનો પ્રીમિયર શો વિયેનામાં કરવા માટે બીથોવન તરત તૈયાર થઈ ગયો. 1824ના મેની સાતમીએ વિયેનામાં એનો પ્રીમિયર શો થયો પણ કોયરે અને ઑર્કેસ્ટ્રાએ એના ગાયનવાદનમાં વેઠ ઉતારી. છતાં શ્રોતાઓએ તો એને પાંચ વાર તાળીઓના લાંબા ગડગડાટથી વધાવી લીધી. વિયેનાના રાજા અને એના પરિવારના સભ્યોએ પણ બીથોવનને સ્ટૅન્ડિન્ગ ઓવેશનથી નવાજ્યો. પણ આ જલસાથી બીથોવનને ચોખ્ખો નફો માત્ર 420 ફ્લોરિન્સનો જ થયો. થોડા જ દિવસ પછી આ સિમ્ફનીનો યોજાયેલો બીજો જલસો તો ખોટમાં પરિણમ્યો. ગિન્નાયેલા બીથોવને મિત્ર શીન્ડ્લર પર છેતરપિંડીનો આક્ષેપ મૂક્યો ! પછી આ સિમ્ફનીની મૅન્યુસ્ક્રિપ્ટ લંડન ફિલ્હાર્મોનિક સોસાયટીને મોકલી આપી, કારણ કે થોડા વખત અગાઉ એ સોસાયટીએ નવી સિમ્ફની એની પાસે માંગેલી. લંડનમાં એ જ વર્ષે (1824) માર્ચની ઓગણત્રીસમીએ આ સિમ્ફનીનો પ્રીમિયર શો થયો. પ્રુશિયાના રાજા પ્રત્યે પોતાને ભારોભાર તિરસ્કાર હોવાનું બીથોવને જાહેર કરેલું તે છતાં એણે એ જ રાજાને આ સિમ્ફની અર્પણ કરી. બદલામાં એ રાજાએ બીથોવનને કોઈ મોભાદાર ખિતાબથી તો નવાજ્યો નહિ, પણ માણેક જડેલી એક અંગૂઠીની ભેટ આપી. બીથોવને એને ‘લાલ રંગના પથ્થરની અંગૂઠી’ કહી ઉતારી પાડી.

ભત્રીજાનો આપઘાત

1823થી 1825 સુધી વિયેના યુનિવર્સિટીમાં ભણતા ભત્રીજા કાર્લની મહત્ત્વાકાંક્ષા હતી કે કાં તો લશ્કરમાં જોડાવું અથવા ધંધો કરવો. પણ બીથોવને એને ભાષાઓના શિક્ષક બનવાની ફરજ પાડી. તરત જ એ બંનેને પરસ્પર ભયંકર નફરત જાગેલી. બંનેના વિચારો જુદા જ હતા. 1825માં ગ્રૅજ્યુએટ થયા પછી કાર્લ વધુ અભ્યાસ માટે પોલિટેક્‌નિક ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થી તરીકે જોડાયો. શ્લેમર નામના એક સરકારી અફસરને ઘરે એ જમતો. ઊગતી યુવાનીમાં પગ મૂકતો એ ભત્રીજો સ્વતંત્રતાનો સ્વાદ ચાખી રહેલો. નાચવાનો અને બિલિયર્ડ રમવાનો એને બહુ આનંદ આવતો. ખોટા ધંધા કરવાનો આક્ષેપ મૂકીને બીથોવને ભત્રીજાની ખિસ્સાખર્ચી બંધ કરી, માત્ર ટોકન મની આપવાનું ચાલુ રાખ્યું. ત્રાસી ગયેલા બિચારા કાર્લે 1826ના જુલાઈની ત્રીસમીએ બે હાથમાં બે પિસ્તોલ પકડી ખોપરી પર મૂકીને ફોડી. પણ બદનસીબે એ ફૂટી છતાં ખોપરીમાં નાના ઘા થવાથી આગળ વાત વધી નહિ. એ બચી ગયો ! બીથોવન ભાંગી જ પડ્યો ! એને કાર્લ વહાલો તો હતો જ, પણ વહાલ કરવાની એની રીત કંઈક જુદી જ હતી. બીથોવનના મિત્રોએ બીથોવનને સમજાવવા પ્રયત્ન કર્યો કે એક વાલી તરીકે તે તદ્દન નાલાયક જ હતો. આ આખું પ્રકરણ એ મિત્રોએ દાબી દીધું જેથી મહાન સંગીતકારના ફજેતીના ફાળકા થાય નહિ. કાર્લ જેવો ઠીક થઈ ગયો કે તરત જ એને લઈને બીથોવન ભાઈ જોહાનની નિક્ઝેન્ડોર્ફ ખાતેની જાગીર પર રહેવા ચાલ્યો ગયો. એ પણ કેટલું વિચિત્ર કે જે સ્ત્રીના ચારિત્ર્ય વિશે પોતે સાવ હલકો અભિપ્રાય ધરાવતો હતો એની સાથે એક ઘરમાં રહેવા બીથોવન તૈયાર થઈ ગયો. પણ જોહાનની ઉદાર પત્નીએ તો એની સરભરા કરી. પણ ભાઈભાભીને ત્યાં બીથોવને એક નવું ડહાપણ ડહોળ્યું. એણે ભાઈ જોહાનને સઘળી પ્રૉપર્ટી અને પૈસાનો વારસો ભત્રીજા કાર્લને આપવા અને ભાભીને કશું પણ નહિ પરખાવવા ચઢવણી કરી !

અંતિમ યાત્રા

બીથોવનની અંતિમ યાત્રા વિશે ઘણી ખોટી વાતો લખાયેલી છે. એને માટે મિત્ર શીન્ડ્‌લર જવાબદાર છે. બીથોવનના મૃત્યુ પછી એ મહાન સંગીતકારના જીવનમાં પોતાની મહત્તા વધારવા માટે ચિંતાતુર થઈને એણે કેટલાક પરિચિતો પર ખોટ્ટા જુઠ્ઠા આક્ષેપો મૂકીને સત્ય સાથે ચેડાં કર્યાં છે. ભત્રીજા કાર્લ સાથે બીથોવન જોહાનને ત્યાં રહેવા ગયો ત્યારે શીન્ડ્લરે એવો આક્ષેપ કર્યો છે કે કડકડતી ઠંડીમાં ફાયરવુડ નહિ આપીને જોહાને બીથોવનને થિજાવી દીધો અને પાછા ફરતાં ખાસ ખુલ્લી ઘોડાગાડીની સગવડ કરીને બીથોવનને ઠંડીથી એટલો બધો ઠીંગરાવી દીધો કે એ આખરે મરી ગયો.

ભત્રીજા કાર્લના આપઘાતના પ્રયત્ન પછી કોર્ટે એના વાલી બીથોવનની સાથે એક બ્રૂનિન્ગ નામના માણસને નીમેલો. કાર્લ સાથે બીથોવન જ્યારે જોહાનને ત્યાં હતો ત્યારે જ બ્રૂનિન્ગે વિયેનાથી અચાનક કાગળ લખીને જણાવ્યું કે, “કાર્લ માટે ધંધો શરૂ કરવાની તજવીજમાં હું પડ્યો હોવાથી તમે બંને જલદી વિયેના આવી જાઓ.” જોહાને કેવું વિલ બનાવવું એનું ડહાપણ બીથોવન હજી પણ છોડતો નહોતો તેથી બંને ભાઈઓ બાખડી પડ્યા. જોહાનની ઢાંકેલી-બંધ ઘોડાગાડી લઈને એની પત્ની તો આગોતરી જ વિયેના ચાલી ગયેલી તેથી બીજો વિકલ્પ નહિ હોવાને કારણે જોહાને બીથોવન અને કાર્લને ખુલ્લી ઘોડાગાડીમાં મોકલી આપ્યા. પણ ઠંડી, હિમવર્ષા અને પવન ખૂબ હતાં. વળી રસ્તામાં એક રાતે જે વીશીમાં રાતવાસો કર્યો ત્યાં અગ્નિની સુવિધા આપવામાં આવી નહિ. એ રાતે જ બીથોવનને તાવ આવ્યો. વિયેના આવીને તો એ પથારીવશ જ થઈ ગયો છતાં ત્રણ દિવસ સુધી તો એણે પોતાની કોઈ દરકાર કરી નહિ. છેક એ પછી એણે ડૉક્ટરને તેડાવ્યો.

શીન્ડ્લર વળી એવું કહે છે કે ડૉક્ટરને બોલાવી લાવવા માટે બીથોવને કાર્લને કહેલું પણ કાર્લ છેક ત્રણ દિવસ પછી ફિઝિશિયન વૅવ્રુચને બોલાવી લાવ્યો. એમણે પહેલું નિદાન ન્યુમોનિયાનું કર્યું પણ તરત જ ઝાડા છૂટી જવાની જૂની બીમારીએ પણ ઊથલો માર્યો. પછી તો કમળો અને ડ્રૉપ્સી પણ થયા. બે જ મહિના પછી જોહાને આવીને બીથોવન સાથે રહેવું શરૂ કર્યું. બીથોવનની દેખરેખમાં મિત્રો હોલ્ઝ અને શીન્ડ્લર તો પહેલેથી હતા જ.

એવામાં બ્રિટનમાં રહેતા સ્ટૂમ્ફ નામના એક જર્મન માણસે એવું સાંભળ્યું કે બીથોવનનો સૌથી વધુ પ્રિય કંપોઝર હૅન્ડલ છે. તાજેતરમાં જ હૅન્ડલના સમગ્ર સંગીતનું પ્રકાશન થયેલું. ડૉ. ઍર્નોલ્ડે સંપાદિત કરેલા એ સમગ્ર સંગીતને સમાવતા ચાળીસ ગ્રંથો એણે બીથોવનને ભેટ મોકલી આપ્યા. બીથોવન ખુશ થયો, એણે સ્ટૂમ્ફને આભારપત્ર પણ લખ્યો, એમાં વળી લખ્યું કે, “લંડન ફિલ્હાર્મોનિક સોસાયટી થોડાં વરસો અગાઉ મારા લાભાર્થે જલસો યોજવા માંગતી હતી. એ જલસો યોજાય તો મને આનંદ થશે.” સોસાયટીએ જવાબ આપ્યો કે, “જલસો યોજીને 100 પાઉન્ડ બીથોવનને ચૂકવાશે, પણ માંદગીની સારવાર માટે જરૂર હોય તો વધુ નાણાં પણ ચૂકવવામાં આવશે.” પોતાની સાચી નાણાકીય પરિસ્થિતિ બીથોવને છેલ્લા શ્વાસ સુધી છુપાવી રાખેલી. પોતાના શૅરસ્ટૉકનો અખંડ વારસો ભત્રીજાને આપવાની એની તમન્ના હતી. કોઈ પણ ભાગે એને એ વેચી દેવાની તૈયારીમાં નહોતો. નવી સિમ્ફની લખી આપવાનો વાયદો કરતાં એણે સોસાયટીને લખ્યું : “મારા ડેસ્કમાં નવી સિમ્ફનીના સ્કેચિઝ પડેલા જ છે.” આ સમયે એણે શુબર્ટનાં ગીતો વાંચ્યાં. એ નવોદિત સંગીતપ્રતિભાને એ તરત જ પિછાણી ગયો. શુબર્ટ એક વાર આવીને એને મળી પણ ગયો.

અંતિમ દિવસો

આખરે લશ્કરમાં જોડાવા દેવાની સંમતિ બીથોવને ભત્રીજાને આપી દીધી. એને હતું કે આ રીતે જ ભત્રીજો શિસ્ત શીખી શકશે. એ ‘ઇગ્લુ’ રેજિમેન્ટમાં દાખલ થઈ ગયો એ પહેલાં બીથોવને એને છેલ્લી વાર મળી લીધું. એના ગયા પછી બીથોવને વિલ બનાવ્યું અને એમાં ભત્રીજા કાર્લને પોતાની સઘળી પ્રૉપર્ટીનો એકમાત્ર વારસ બનાવ્યો. પણ વિલ પર સહી એણે છેક અવસાનના બે જ દિવસ પહેલાં કરી. 1827ના માર્ચની ચોવીસમીએ એ કોમામાં સરી ગયો અને છવ્વીસમીએ બપોરે પાંચ વાગ્યે અવસાન પામ્યો. મૃત્યુની ક્ષણે એની પથારીની બાજુમાં બે જણા જ હતા : એન્સ્લેમ હુટન્બ્રેનર અને ભાઈ જોહાનની પત્ની.

મૃત્યુ પછી

એની કુલ સંપત્તિની આંકણી 3,000 પાઉન્ડ થઈ. તેમાં એના શૅરસ્ટૉકનો પણ સમાવેશ થઈ જાય છે. એ શૅરસ્ટૉકની શોધખોળ કરતાં જ એના ડેસ્કના ડ્રૉઅરમાંથી ‘ઇમ્મોર્ટલ બિલવિડ’ને સંબોધેલા પ્રેમપત્રો પણ મળી આવેલા.

માર્ચની ઓગણત્રીસમીએ એનો દફનવિધિ યોજાયો. એ દિવસે વિયેનાની સ્કૂલો બંધ રહી. એના ઘર આગળ 30,000 લોકો ભેગા થયા. એના કૉફિનને ઊંચકનારામાં એક શુબર્ટ પણ હતો. વિયેના નજીકના ગામ વાહ્‌રિન્ગના કબ્રસ્તાનમાં એને દફનાવાયો. કબર ઉપર નાની પિરામિડ ચણી એના પર નામ કોતરવામાં આવ્યું: BEETHOVEN. થોડાં જ વર્ષોમાં એની કબર એટલી બધી ઉપેક્ષિત થઈ કે 1888માં ‘વિયેના સોસાયટી ઑફ ફ્રેન્ડ્સ ઑફ મ્યૂઝિક'એ એનું કૉફિન ખોદી કાઢી વિયેના લઈ જઈ સેન્ટ્રલ સેમેટરીમાં શુબર્ટની કબરની બાજુમાં દફનાવ્યું.

ભત્રીજા કાર્લને કાકા બીથોવનની સંપત્તિ તો મળી જ, પણ વધારામાં કાકા જોહાનની 42,000 ફ્‌લોરિન્સની સંપત્તિ પણ 1848માં એના મૃત્યુ પછી મળી. જોહાનની પત્ની તો 1828માં મૃત્યુ પામેલી. 1858માં કાર્લ મૃત્યુ પામ્યો ત્યારે કાર્લની પત્ની અને બાળકો હયાત હતાં પણ પછી એ બધા વારસદારો વધુ ને વધુ ઘસાતા ગયા અને એ રીતે ગરીબ બનતા ગયા. કાર્લનો એક પૌત્ર (અને બીથોવન અટક ધરાવતી છેલ્લી વ્યક્તિ) પહેલા વિશ્વયુદ્ધમાં પોતાના દેશબંધુઓની સેવામાં સમાચારની આપલે કરનારા ખેપિયા અને કૅમ્પના રસોઇયા તરીકે લશ્કરમાં જોડાયેલો. પૅરૅલિસિસના ઍટૅકથી વિયેનાની એક હૉસ્પિટલમાં 1918માં મૃત્યુ પામ્યો.

બીથોવનની રોજિંદી આદતો

એના ઝીંથરા જેવા વાળ એ કદી ઓળતો નહિ, એ ક્યારે કપાવતો હશે એ પણ એ જ જાણે ! એને વારંવાર અને ઘણી વાર તો કલાકો સુધી નહાતા રહેવાની ટેવ હતી. એમાં એને મજા પડતી; એમાં જ એને નવા સંગીતની સ્ફુરણા થતી. ચાલતી વેળા હાથના પહોંચા અને આંગળી વડે ચેનચાળા કરવાની તથા સ્વગત બડબડાટ કરવાની અને ગણગણાટ ક૨વાની એને આદત હતી. ગમે તે ઋતુ હોય એ મળસકે જ ઊઠી જતો અને જાતે પર્કોલેટ કરીને કૉફી પી લેતો. ચોક્કસ ગણતરી કરીને એ અચૂક સાઠ બુંદદાણા લઈને જ એ કૉફી તૈયાર કરતો. પાર્મેસન ચીઝ સાથેની મૅક્રોની અને બધા જ પ્રકારની માછલીઓ એના ભાવતાં ભોજન હતાં. ડાન્યુબમાંથી પકડવામાં આવેલી ‘શીલ’ માછલી એને અતિ પ્યારી હતી; વિયેનામાં હોય ત્યારે એ દર શુક્રવારે પોતાને ઘરે એ માછલીને બટાકા સાથે તૈયાર કરાવી મહેમાનોને નોતરતો. બર્પોરે જમવામાં એ માત્ર સૂપ લેતો. એનું પ્રિય પીણું ડાન્યુબનું પાણી હતું. વાઇનમાં એને હંગેરિયન વાઇન્સ પસંદ હતાં. ડૉક્ટરોની સતત ચેતવણીને ઉવેખીને એ હલકી મિલાવટ કરેલાં વાઇન પણ લેતો અને પરિણામે એનાં આંતરડાંની હાલત વધુ કથળી ગઈ. સાંજ પડ્યે એને બિઅરનો એક ગ્લાસ પીવો ગમતો. જીવનનાં અંતિમ વર્ષોમાં એ ઘરની નજીક આવેલા કોઈ પણ કૉફીહાઉસમાં કૉફી પીવા જતો પણ ત્યાં એક અંધારિયા ખૂણામાં બેસી રહેતો અને કોઈની પણ સાથે કશી પણ વાતચીત કરતો નહિ. ત્યાં એ પોતાનું પ્રિય જર્મન છાપું ‘એલ્જિમીન ઝિથુન્ગ’ વાંચતો. રાતે મોડામાં મોડા દસ વાગ્યે એ ઊંઘી જતો.


  1. *નાનો, એકાંકી ઑપેરા.