મોત્સાર્ટ અને બીથોવન/મૅરેજ ઑફ ફિગારો
← મોત્સાર્ટ વિશે | મોત્સાર્ટ અને બીથોવન મૅરેજ ઑફ ફિગારો અમિતાભ મડિયા |
ડૉન જિયોવાની → |
પાત્રો:
કાઉન્ટ અલ્માવીવા | બેરિટોન |
કાઉન્ટેસ (એની પત્ની) | સોપ્રાનો |
સુસાના (એની નોકરાણી) | સોપ્રાનો |
ફિગારો (કાઉન્ટનો યુવાન નોકર) | બાસ |
ચેરુબિનો (કાઉન્ટનો તેર વરસનો નોકર) | સોપ્રાનો |
માર્સેલિના (કાઉન્ટેસની ઘરડી આયા) | મેત્ઝો સોપ્રાનો |
ડૉન બાર્તાલો (સેવિલે નગરનો ડોક્ટર) | બાસ |
ડૉન બેઝિલિયો (સંગીત શિક્ષક) | ટેનર |
ડૉન કુર્ઝિયો (વકીલ) | ટેનર |
એન્તોનિયો (કાઉન્ટનો માળી) | બાસ |
બાર્બેરિના (માળીની બાર વરસની પુત્રી) | સોપ્રાનો |
સ્થળ :
સ્પેનના સેવિલે નગરથી થોડેક જ દૂર કાઉન્ટનો એગુસ-ફેકાસ કિલ્લો.
અંક - 1
કાઉન્ટના કિલ્લામાં ફિગારોનાં સુસાના સાથે લગ્ન લેવાવાનાં છે. પડદો ઊપડે છે ત્યારે લગ્ન પછી આ યુગલને જે ઓરડો મળવાનો છે તેને ફિગારો માપી રહ્યો છે અને સુસાના નવી હેટ પહેરીને અરીસામાં જોઈને મલકાય છે. પણ પોતાને ફાળવેલો ઓરડો કાઉન્ટના ઍપાર્ટમેન્ટની બાજુમાં જ, લગોલગ છે એનું ભાન થતાં સુસાના વ્યથિત થઈ જાય છે, કારણ કે કાઉન્ટનો વાસનાભર્યો ડોળો પોતાની ઉપર છે એની તેને ખબર છે. એ વખતના રિવાજ મુજબ માલિકનોકરની પત્નીને એક વાર ભોગવી લે એ વાતનો ડર તેને સતાવે છે. પણ ફિગારો વચન આપીને તેને ધરપત આપે છે કે પોતે કાઉન્ટને કોઈ પણ ભોગે અટકાવશે.
લુચ્ચી માર્સેલિના કાવતરું કરે છે. અગાઉ એણે ફિગારોને ઉછીના પૈસા આપેલા. દેવું સમયસર ચૂકવવામાં નિષ્ફળ જતાં ફિગારોએ માર્સેલિના સાથે લગ્ન કરવાં પડશે એવા કરાર પર એણે ફિગારોની સહી લઈ લીધી. ચેરુબિનો બાર્ગેરિના સાથે લફરું કરે છે પણ પછી ગભરાય છે કે જો કાઉન્ટેસને એની જાણ થશે તો એ પોતાને કિલ્લામાંથી બહાર તગેડી મૂકશે. ડરનો માર્યો ચેરુબિનો સુસાના આગળ પોતાની વ્યથા રજૂ કરે છે. ત્યાં જ અચાનક કાઉન્ટ ધસી આવતાં એક મોટી આરામ ખુરશી પાછળ ચેરુબિનો સંતાઈ જાય છે. પણ ત્યાં જ અચાનક સંગીતશિક્ષક બેઝિલિયો આવી જતાં હવસ સંતોષવા આવેલા કાઉન્ટે પણ આરામખુરશી પાછળ સંતાવું પડે છે, પણ એની તરત પહેલાની ક્ષણે કાઉન્ટની નજર ચૂકવીને અચાનક આરામખુરશીમાં કૂદી પડેલા ચેરુબિનોને સુસાના કાઉન્ટેસના ડ્રેસથી ઢાંકી દે છે. પણ કાઉન્ટ ઊભો થઈને ચેરુબિનોને પકડી પાડે છે. એ જ વખતે બેઝિલિયો ચાડી ખાય છે કે ચેરુબિનો કાઉન્ટેસ પાછળ પાગલ છે. એટલે ક્રોધિત કાઉન્ટ એનો નિકાલ કરવાનો તરત ફેંસલો કરીને એને લશ્કરી અફસરનો હોદ્દો આપીને તત્કાળ રણમોરચે જવાનો હુકમ કરે છે. ત્યાં જ ફિગારો આવીને ચેરુબિનોને ચીડવે છે.
અંક – 2
કાઉન્ટેસ એના રૂમમાં એકલી છે અને કાઉન્ટ હવે પોતાને પ્રેમ કરતો નથી એવું દર્દનાક ગીત ગાઈને વાતાવરણને દુઃખી કરી મૂકે છે. ફિગારો પ્રવેશીને કાઉન્ટને ઈર્ષ્યા થાય એ માટેની એક યોજના કાઉન્ટેસ સમક્ષ રજૂ કરે છે : કાઉન્ટેસને પૂછ્યા વગર જ એણે કાઉન્ટને એક ચિઠ્ઠી આપી હતી; કાઉન્ટેસ કોઈ પુરુષ સાથે ગુપ્ત મિલન કરવા ચાહે છે એવા અછડતા ઉલ્લેખવાળી એ ચિઠ્ઠી સહી વગરની હતી. બીજી બાજુ સુસાના કાઉન્ટ સાથે ગુપ્ત મિલન કરવા માટેની દરખાસ્ત સ્વીકાર કરવાનો ઢોંગ કરે છે; પણ પોતાને સ્થાને પોતાનાં કપડાંમાં ત્યાં ચેરુબિનોને ગોઠવવાનું નક્કી કરે છે. ચેરુબિનોને કેવી રીતે શણગારવો તેની ગડમથલમાં સુસાના અને કાઉન્ટેસ પડ્યાં હોય છે. એ માટે એક સારો ડ્રેસ લઈ આવવા સુસાના સ્ટેજ બહાર જાય છે ત્યાં જ બારણે ટકોરા પડે છે તેથી કાઉન્ટેસ ચેરુબિનોને તરત બાજુના રૂમમાં ધકેલી દઈને એને બારણે તાળું મારી દે છે, પછી પોતાના રૂમનો આગળો ખોલે છે તો કાઉન્ટ પ્રવેશે છે. અનામી પત્રથી ધૂંધવાયેલા કાઉન્ટનો શક અત્યારે બારણું ખોલવામાં કાઉન્ટેસે કરેલી વારને કારણે મજબૂત બને છે. એ પૂછે છે કે તાળું મારેલા બાજુના ઓરડામાં કોણ છે ? કાઉન્ટેસ કહે છે કે સુસાના છે પણ કાઉન્ટ માનવા તૈયાર નથી. ત્યાં જ એ બાજુના ઓરડામાંથી ખુરશી ગબડી પડવાનો અવાજ આવતાં એનો શક ઓર મજબૂત બને છે. કાઉન્ટેસ ફરી કહે છે કે અંદર સુસાના છે પણ એ માનવા તૈયાર નથી. બારણું ખોલવું ના પડે એ માટે કાઉન્ટેસ બહાનું કાઢે છે કે ચાવી અબી હાલ ખોવાઈ ગઈ. કિલ્લા આખાના નોકરો સમક્ષ તમાશો નહિ કરવા ઇચ્છતો કાઉન્ટ તાળું તોડવાની હથોડી જાતે જ શોધવા બહાર જાય છે અને હથોડી લઈ આવીને તાળું તોડે છે તો અંદરથી સાચે જ સુસાનાને નીકળતી જોઈને આશ્ચર્યથી ડઘાઈ જાય છે. બંધ ઓરડાની બારીમાંથી ચેરુબિનો ભાગેલો અને એમાંથી આવીને સુસાના ત્યાં ગોઠવાઈ ગયેલી. ત્યાં જ હાથમાં ફૂલોના છોડનું તૂટેલું કૂંડું પકડીને માળી એન્તોનિયો પ્રવેશે છે અને કાઉન્ટને ફરિયાદ કરે છે કે, “હવે તો હદ થાય છે. અત્યાર સુધી લોકો બારીઓમાંથી કચરો અને બીજી વસ્તુઓ ફેંકીને બગીચાને નુકસાન કરતા હતા પણ આજે તો એમણે એક આખો માણસ જ બારીમાંથી ફેંકી દીધો અને કૂંડું તોડી નાંખ્યું.” તરત જ કાઉન્ટના મનમાં વહેમનો કીડો ફરી સળવળવા માંડે છે. દરમિયાન કાઉન્ટેસ અને સુસાના ફિગારોને સમજાવે છે એટલે ફિગારો કાઉન્ટને કહે છે કે એણે પોતે જ બારીમાંથી ભૂસકો મારેલો. માળી તરત પૂછે છે કે ભૂસકો માર્યા પછી આટલો ઊંચો પહોળો કેવી રીતે થઈ ગયો ? કાઉન્ટ તરત જ દર્દનાક ચીસ પાડે છે : ‘ઓહ ચેરુબિનો !’ ફિગારો કહે છે કે ચેરુબિનો તો યુદ્ધમાં લડવા માટે હમણાં જ ઘોડા પર બેસીને ચાલ્યો ગયો. માળી કહે છે કે, ‘મેં તો ઝાંપા બહાર જતો કોઈ ઘોડેસવાર જોયો નહિ !’ ફિગારો કહે છે કે સુસાનાને મળવા અચાનક કાઉન્ટને પ્રવેશતો જોઈ એણે ગભરાટનો માર્યો બારી બહાર ભૂસકો મારેલો ! કાગળનો એક ડૂચો પોતાના ખિસ્સામાંથી કાઢીને માળી ફિગારો સામે ધરે છે અને કહે છે કે ભૂસકો મારેલો ત્યાં આ ડૂચો પડેલો. ફિગારો એ ડૂચો પકડે એ પહેલા જ કાઉન્ટ એ ઝડપી લઈને ખોલીને વાંચે છે તો એ ચેરુબિનોએ લખેલો કાગળ નીકળે છે અને ફિગારોનું જૂઠાણું પકડાઈ જાય છે. ભોંઠો પડેલો ફિગારો પોતાનો ખોવાયેલો કાગળ શોધવા પોતાના ખિસ્સાં ફંફોસવાનો ડોળ કરે છે અને થોથવાતી જીભે કહે છે કે ચેરુબિનોએ લખેલો કાગળ જ પોતાની પાસે હતો, જે ભૂસકો મારતાં પડી ગયો હોવો જોઈએ. ગુસ્સામાં રાતોચોળ કાઉન્ટ એ ડૂચાના લીરેલીરા કરી નાખે છે. ત્યાં જ માર્સેલિના આવીને ફિગારો પાસે લેણાની રકમ માંગે છે. ફિગારો એ અત્યારે આપવાની લાચારી બતાવે છે એટલે માર્સેલિના કાઉન્ટ સમક્ષ પેલો કરાર ધરીને પોતાના લગ્ન ફિગારો સાથે કરાવી આપવાનું વચન માંગે છે. ખિન્ન થયેલો કાઉન્ટ દાઝ વાળવા આ વચન આપે છે.
અંક – 3
કાઉન્ટ ફિગારોનાં લગ્ન માર્સેલિના સાથે ગોઠવવાની તજવીજમાં પડે છે. એ ફિગારોને પૂછે છે, “તારાં માબાપ કોણ છે ? ક્યાં છે ? તારા લગ્નમાં એમની હાજરી જોઈશે. જા, બોલાવી લાવ એમને.” ફિગારો કહે છે કે એ પોતે જ પોતાનાં માબાપને દસ વરસથી શોધી રહ્યો છે. પોતે બાળક હતો ત્યારે કોઈ પોતાને ઉઠાવી ગયેલું. બાંય ઊંચી કરીને જમણા બાવડા પર ત્રોફાયેલું છૂંદણું બતાવીને કહે છે કે મારાં માબાપ આ જોશે તો તરત મને ઓળખશે. તરત જ માર્સેલિનાના કાન સરવા થાય છે અને દોડતી આવીને પૂછે છે કે લંગર તો નથી ત્રોફાવેલું ને ? અને જુએ છે તો લંગર જ દેખાતાં ફિગારોને વળગી પડીને બચીઓનો વરસાદ વરસાવે છે, અને કહે છે કે આ જ એનો અને બાર્તોલોનો નાનપણમાં ખોવાયેલો દીકરો રફાયેલો છે. લૂંટારૂઓ એને ઉઠાવી ગયેલા. ત્યાં જ સુસાના પર્સ ઝુલાવતી આનંદથી પ્રવેશે છે. ફિગારોને મુક્ત કરવા માટે એ બિચારી ગમે ત્યાંથી પૈસા ભેગા કરી લાવી છે. એને આ મામલો સમજાતાં થોડી વાર લાગે છે.
આ બાજુ માળી એન્તોનિયોની ઝૂંપડીમાં બાર્બેરિના ચેરુબિનોને છોકરીનાં કપડાં પહેરાવે છે. કાઉન્ટેસ સુસાનાના કાઉન્ટ સાથેના ગુપ્ત મિલન માટે સુસાના પાસે કાગળ લખાવે છે અને એનું કવર એક પિનથી બંધ કરે છે તથા ઉપર લખાવે છે : ‘સીલ પાછું મોકલ.’ કાઉન્ટ અને કાઉન્ટેસ સમક્ષ બાર્બેરિના ખેડૂત કન્યાઓ સાથે નૃત્ય પેશ કરે છે. પણ કન્યાઓમાંથી ચેરુબિનોને કાઉન્ટ ઓળખી કાઢે છે, એની લાંબા વાળની વીગ ખેંચી કાઢીને એને ઉઘાડો પાડે છે. આ કાવતરાથી રોષે ભરાયેલા કાઉન્ટનો કાઉન્ટેસ પરનો શક મજબૂત બને છે. ત્યાં જ બાર્બેરિના મોટેથી કાઉન્ટને ઉદ્દેશીને બોલે છે, “તમે મને વારંવાર આશ્લેષમાં લઈને ચુંબનોથી નવડાવીને કહેતા હતા ને કે હે બાર્બેરિના, જો તું મને પ્રેમ કરશે તો તું કાંઈ પણ માંગીશ તે હું તને આપીશ. તો હવે હું માંગું છું કે તમે મારાં લગ્ન ચેરુબિનો સાથે કરાવી આપો.” પોતાનું નખ્ખોદ જવા બેઠું છે એમ બબડીને કાઉન્ટ બાર્બેરિનાનાં ચેરુબિનો સાથે લગ્ન કરાવી આપે છે, અને એ દરમિયાન સુસાના પિનવાળો પત્ર કાઉન્ટને આપે છે.
અંક – 4
બગીચામાં રાતે અંધારામાં ફાનસ લઈને બાર્બેરિના પ્રવેશે છે. કાઉન્ટે સુસાનાને પાછી મોકલેલી પિન પોતે ખોઈ નાંખી છે અને એ શોધવા એ હાંફળીફાંફળી ડાફોળિયાં મારે છે. ત્યારે જ માર્સેલિના સાથે ફિગારો પ્રવેશે છે અને એ બે જણ આગળ બાર્બેરિના બાફી મારે છે. એટલે ફિગારોને સુસાનાના ચારિત્ર્ય ઉપર શંકા જાગે છે, કે એ પોતાને છેતરી તો નથી રહી ને ? ફિગારો એક ઝાડના થડ પાછળ સંતાઈને તાલ જુએ છે. અરસપરસ કપડાં બદલીને એકબીજાના વેશમાં સુસાના અને કાઉન્ટેસ પ્રવેશે છે. સુસાના ફિગારોને અનુલક્ષીને પ્રેમયાચનાનું ગીત ગાય છે પણ સ્વાભાવિક જ ફિગારો એને કાઉન્ટને અનુલક્ષીને ગાયેલું માને છે. તે જ વખતે બાર્બેરિનાને શોધતો ચેરુબિનો પ્રવેશે છે. સુસાનાનાં કપડાંમાં કાઉન્ટેસને સુસાના માની તેની સાથે અડપલાં કરવાની લાલચ એને થાય છે. એ સુસાનાને ચુંબન કરવા પોતાનું મોં નજીક લઈ જાય છે ત્યાં જ ગુસ્સાથી સુસાના ભડકે છે અને એ જ ક્ષણે બગીચામાં પ્રવેશેલો કાઉન્ટ આ દૃશ્ય જોઈ ક્રોધાવેશમાં આવીને ચેરુબિનો પર હાથમાં રહેલું ખોખું ફેંકે છે જે નિશાનચૂકના પરિણામે પાછળ ઝાડ ઓથે સંતાયેલા ફિગારોના હાથમાં પડે છે. સુસાના ભાગીને બગીચા બહાર જતી રહે છે. સુસાનાના વેશમાં એકલી પડેલી કાઉન્ટેસ સાથે કાઉન્ટ અડપલાં કરવા આગળ વધે છે, અને કરે છે. એટલામાં કાઉન્ટેસના વેશમાં સુસાના ફરી પ્રવેશે છે. એટલે ફિગારો થડ પાછળથી નીકળીને પ્રકાશિત થઈને સુસાનાને કહે છે, “કાઉન્ટેસ ચાલો આપણે કાઉન્ટ અને સુસાનાને ઉઘાડાં પાડીએ !” પછી સુસાના અને કાઉન્ટેસ “કોને ઉઘાડા પાડીશ ?” એમ મોટો અવાજ કાઢે છે એટલે એ બંનેની મૂળ સાચી ઓળખ છતી થાય છે અને કાઉન્ટ તથા ફિગારો ભોંઠા પડી શરમાય છે. ફિગારોનાં લગ્ન કાઉન્ટ સુસાના સાથે કરાવે છે.
– અંત –
પ્રીમિયર શો
બર્ગ થિયેટર, વિયેના, 1 મે 1786
સુસાના | – | નૅન્સી સ્ટોરેસ |
ફિગારો | – | ફ્રાન્ચેસ્કો બેનુચી |
કાઉન્ટેસ | – | લુઈસા લાસી મોમ્બેલિના |
કાઉન્ટ | – | સ્ટેફાનો માન્દિની |
ડૉન બૅઝિલિયો | – | મિકાયેલ કૅલી |
ડૉન કુર્ઝિયો | – | મિકાયેલ કૅલી |
માર્સેલિના | – | મારિયા માન્દિની |
ચેરુબિનો | – | ડોરોટી સાર્દી બુસાની |
- પ્રીમિયર શો કંપોઝર મોત્સાર્ટ દ્વારા જ કન્ડક્ટ થયેલો.
✤