મોત્સાર્ટ અને બીથોવન/મોત્સાર્ટ વિશે

← મોત્સાર્ટ મોત્સાર્ટ અને બીથોવન
મોત્સાર્ટ વિશે
અમિતાભ મડિયા
મૅરેજ ઑફ ફિગારો →





પ્રકરણ - ૨
મોત્સાર્ટ વિશે
જબરજસ્ત મૌલિકતાને કારણે નહિ, પણ શાશ્વત સિદ્ધાંતો નેવે મૂકવાને કારણે બીથોવન સમજવો અઘરો બન્યો છે. પણ મોત્સાર્ટે એ ભૂલ કદી કરી નથી. મોત્સાર્ટની સૂરાવલિઓની આંતરગૂંથણી એટલી તો સંપૂર્ણ છે કે તે સાચા કાઉન્ટરપૉઈન્ટમાં પરિણમે છે.
– ફ્રૅડેરિખ શોપાં

(યુજિન દેલાકવાના સામયિક ‘જર્નલ’માં, 1823-24)
 
વૈજ્ઞાનિક અભિગમથી જે સંગીત સદા મુક્ત છે તે જ સર્વાંગ સુંદર છે. વધુ પડતી સંકુલતા કલાનો ખાત્મો કરે છે. સર્વાંગ સુંદર કલા માત્ર બે જ માણસે આપી છે : લિયોનાર્દો અને મોત્સાર્ટ; બે મહાન કલાકાર.
– ક્લોદ દેબ્યુસી

(મોન્સિયે કોશે, 1921)
 
ભારેખમ આધુનિક સંગીતથી વિપરીત મોત્સાર્ટનું સંગીત સહેજેય કકળાટિયું નથી. મોત્સાર્ટ બાખનો સમોવડિયો છે, તથા બીથોવન કરતાં ઘણો ચડિયાતો છે.
– જ્યૉર્જ બર્નાર્ડ શૉ

( 'ધ વર્લ્ડ'માં ‘એ મોત્સાર્ટ કોન્ટ્રોવર્સી', જૂન 11, 1890)
 
સૌથી વધુ પ્રવાહી અને લચકીલું સંગીત મોત્સાર્ટે આપ્યું છે.
– ઍરિક બ્લૉમ

(‘રેલ્ફ હીલ’માં ‘ધ સિમ્ફની’, 1949)
 
યાતના, દર્દ અને ત્રાસની અભિવ્યક્તિમાં મોત્સાર્ટની ત્રણ કૃતિઓ સિમ્ફની નં. 40 (૯ માઈનોર), ‘ઑપેરા ડિન જિયોવાની’ અને ક્વીન્ટેટ (ઇન ૮ માઈનોર) k 516ને કોઈ પહોંચી વળી શકે નહિ.
– ચાર્લ્સ રોસેન

(‘ધ ક્લાસિકલ સ્ટાઈલ’)
 
“મોત્સાર્ટનું સંગીત વધુ પડતું મીઠું છે” એવી ફરિયાદ કરનારને હું પૂછું છું : બધાં જ બાળકો મોત્સાર્ટ વગાડવામાં શા માટે આનંદ અનુભવે છે ? વળી એમાં એ બધાં સફળ શા માટે થાય છે ? કારણ એ છે કે બાળકો અને મોત્સાર્ટમાં એક ગુણવત્તા સરખી છે. એ છે – શુદ્ધિ અને નિખાલસતા. બાળકો પૂર્વગ્રહથી મુક્ત છે, અને હજી બગડ્યાં નથી. મોટેરાં બાળકોને મોત્સાર્ટ વગાડવા કહે છે કારણ કે એ વગાડવો અઘરો નથી. પણ મોટેરાં પોતે મોત્સાર્ટને ટાળે છે કારણ કે એ ભાન ભૂલ્યાં છે.
– ઍર્ટર શ્નેબલ

(‘માઇ લાઇફ ઍન્ડ મ્યુઝિક’, 1961)
 

મોત્સાર્ટના મૃત્યુ પછી બસો વરસોમાં વાજિંત્રોમાં ઘણા ફેરફાર થઈ ગયા છે. આધુનિક વાજિંત્રોમાં અવાજનું કદ (volume) વધ્યું છે, સપ્તકોમાં વધારો થયો છે અને વાદકને માટે એ વગાડવાં સહેલાં પણ બન્યાં છે. છતાં, અવાજના કદમાં વધારો કરવાથી અવાજની ગુણવત્તા ઘટી છે. માનવકર્ણ બહુ મોટા કે ઘોંઘાટિયા નહિ તેવા તેજસ્વી અવાજોને બહુ સારી રીતે પારખી શકે છે. સ્ટીલના તારોના બનેલા વીસમી સદીના પિયાનો મંદ્ર સપ્તકોમાં ઘોઘરા અને ખોખરા અવાજો કાઢે છે તથા તાર સપ્તકોમાં તીણી ચિચિયારીઓ પાડે છે. પિત્તળના તારોમાંથી સ્ટીન અને વૉલ્તેરે બનાવેલા મોત્સાર્ટ અને બીથોવનના ફોર્તેપિયાનો મંદ્ર અને તાર સપ્તકોમાં પણ પારદર્શક રૂપેરી અવાજો કાઢતા. આજે નગરો રસ્તા પરના ટ્રાફિક, ટ્રેનો, વિમાનો, સાઈરનો અને ફેક્ટરીઓનાં કકળાટો, ચિચિયારીઓ તથા માથું ફાડી નાંખતી ગર્જનાઓમાં ગરકાવ થયાં છે. એ ઘોંઘાટથી આધુનિક જીવનમાં આપણે એટલા બધા ટેવાઈ ગયા છીએ કે આજના ઘોંઘાટિયા સંગીતમાં આપણને કશું અજુગતું કે ખોટું જણાતું નથી. તેથી જ, અઢારમી સદીનાં વાદ્યો પર આજે મોત્સાર્ટ વગાડવામાં આવતાં આપણને અવાજ ખૂબ પાતળો અને અસરહીન લાગે છે. પણ એ માટે તો આપણે ટેવાઈએ તો સાચું સૌંદર્ય માણી શકીએ.

– એવા અને પૉલ બેડુરા-સ્કોડા

(ઈન્ટર્પ્રિટિન્ગ મોત્સાર્ટ ઑન ધ કીબોર્ડ', 1962)