← પરાધીન પુરુષ રસબિંદુ
અવનવું ઘર
રમણલાલ દેસાઈ
૧૯૫૭
અહિંસાનો એક પ્રયોગ →




અવનવું ઘર


મારે એક ઘર ભાડે રાખવું હતું. લોકોની ગિરદી મને ગમતી નહિ. મકાનો પણ ગીચ હોય એ મને પસંદ ન હતું. આપણાં ઘરમાં આપણે નિરાંતે બેઠાં હોઈએ અને પાડોશીની આંખો ન જોયાનો દેખાવ કરીને આપણને જોયા કરતી હોય એ અગવડભરી પરિસ્થિતિ મને ખૂંચતી હતી. હિંદ જેવા દેશમાં હવાની જરૂર છે. ઠંડા વિલાયતના અનુકરણમાં બારીએ બારીએ, જાળીએ જાળીએ, ખંડે ખડે અને ખંડની વચમાં પડદા નાખી માણસની સાથે જડ ઓરડાઓને પણ બુરખાધારી બનાવી દેવાની નવીનતા પ્રત્યે મને હજી સદ્‌ભાવ ઉત્પન્ન થયો ન હતો. અને ગીચ વસ્તીમાં આમ પડ ન રાખીએ તો પાડોશી, પાડોશીનાં બાળકો, તેમના નોકરો અને આખું જગત જાણે આપણા તરફ ત્રાટક કરી રહ્યું હોય એમ લાગ્યા કરે છે.

એટલે હું સારા, મનપસંદ ઘરની શોધમાં જ હતો, અને મને એક મકાન મનગમતું દેખાયું. એક શેરીને છેટે કમ્પાઉન્ડવાળું, સુશોભિત, માળ વગરનું એકલ ઘર મારી નજરે પડ્યું. મેં શેરીમાં કોઈને પૂછ્યું :

‘પેલું ઘર ભાડે આપવાનું છે ?’

‘ખાલી તો છે... પણ... પૂછો ને આગળ !’

મેં આગળ પૂછ્યું :

‘પેલું ઘર ખાલી છે; નહિ ?’

‘ખાલી ન હોય તો બીજું શું થાય?’

‘એમ કેમ ? કોઈ ભાડે નથી રાખતું ?’

‘કોના ભોગ લાગ્યા હોય કે...પણ જુઓ ને ભાઈ, તમને ગમતું હોય તો અમારે શું?’

‘એ કોણ બતાવશે?’

‘જોઈ લો.એને તાળું કદી લાગતું જ નથી.’

મને લાગ્યું કે ઘરના માલિક અને મને માહિતી આપનારની વચ્ચે કોઈ અણબનાવ હોવો જોઈએ. મને થયું કે હું જાતે જ કમ્પાઉન્ડમાં જઈ ઘરમાલિકને મળી કોઈને પૂછ્યાગાછ્યા વગર જ વ્યવસ્થા કરી લઉં. ઘરનો એકાદ ભાગ મળે તોપણ તાત્કાલિક મારે માટે બસ હતું.

કમ્પાઉન્ડનો ઝાંપો ખોલી હું ઘરને ઓટલે ઊભો રહ્યો. આવડા મોટા અને સારા ઘરમાં આટલી બધી શાન્તિ કેમ હતી તેની મને સમજ પડી નહિ. નવી ઢબની ઘંટડી વગાડતાં બરોબર બારણું આપોઆપ ખૂલી ગયું. મેં અંદર પ્રવેશ કર્યો. ઘર સારું, સફાઈ- ભર્યું, થોડા થોડા ફર્નિચરવાળું હતું. એ જોઈ મને આનંદ થયો. મને એમાં ખૂબ અનુકૂળતા દેખાઈ. પ્રથમ ઓરડામાંથી હું બીજા ઓરડામાં ગયો, અને બીજામાંથી ધીમે રહી હું ત્રીજા ઓરડામાં ગયો: બધે જ મને ગમતી સ્વચ્છતા, મોકળાશ અને ગૂંચવણ વગરની ગોઠવણી નજરે પડ્યાં. પણ એકાએક મને થયું કે બારણું ઉઘાડનાર કોઈ કેમ દેખાયું નહિ?

અને આવી સ્વચ્છ ગોઠવણીવાળું ધર આટલું બધું શાંત અને એકાન્તભર્યું કેમ ? હું શું કોઈ તિલસ્માતી ઘરમાં આવ્યો હતો ? શું કોઈ જાદુઈ મકાન મને આકર્ષતું હતું ?

જરા સરખા એકાન્તથી આમ ડરી જવું એમાં મને શરમ ઉપજી. દુનિયાનો ભાર ઊંચકવા તત્પર બનેલા યુવકે ઘરની શાંતિથી ગભરાવું એ તેને જરા ય શોભાસ્પદ કહેવાય નહિ. ઘર મોટું હતું, ખુલ્લું હતું.ગોઠવણીવાળું હતું. નોકર અંદરના ભાગમાં રોક્યા હોય એ સંભવ હતું; માલિક કામકાજ માં પરોવાયેલા હોય એ પણ શક્ય હતું. હું આગળ વધ્યો–જો કે ઘરના વાતાવરણમાં મને ન સમજાય એવી અશાન્તિ પહેલી વાર લાગી

છતાં અંદરના ચૉક સુધી હું પહોંચ્યો. ખાલીખમ લાગતા ચોકનું અજવાળું પણ મને ઈંદ્રજાળ સરખું લાગ્યું. એકાન્ત માણસને કેમ ઘેલો બનાવી દે તેનો મને સહેજ ખ્યાલ આવ્યો. મેં ઉતાવળે મુખ ફેરવ્યું અને પાછાં પગલાં માંડ્યાં.

‘આવો ભાઈ, કોનું કામ છે?’ પાછા ફરતાં બરોબર એક સ્ત્રીનો મીઠો, આવકારભર્યો અવાજ મેં સાંભળ્યો, અને હું ચૉક તરફ વળ્યો. ચોકની બાજુએ આવેલા રસોડામાંથી એક સ્ત્રી મને બોલાવી રહી હોય એવો ભાસ થયો.

આ ઘરમાં શું એ બાઈ એકલી રહેતી હશે? એવી રીતે એકલી રહેતી સ્ત્રીના રસોડા સુધી પેસી જવામાં મેં ભૂલ કરી હોય તો? હું શૉખીન માણસ છું, પરંતુ સારો માણસ છું. સારા માણસ તરીકે ગૂંચવણભરી પરિસ્થિતિમાં પકડાઈ જવાની મારી ઇચ્છા ન જ હોય, છતાં આમ સદ્દભાવભર્યું આમંત્રણ મળ્યું એને નકારવા જેવી કઠોરતા મારામાં ન હતી.

‘આપ કોણ છો? કોને જોવા આવ્યા છે ?’ સ્ત્રીએ ફરીથી પ્રશ્ન કર્યો. સ્ત્રીનો દેખાવ સુંદર હતો, અને જોકે તે બહુ નાની ન કહેવાય છતાં તેના મધ્ય વયમાં પણ તેનું યૌવન ખૂબ સચવાઈ રહેલું મને લાગ્યું. સુંદર સ્ત્રીઓનાં દૃશ્ય મને ગમતાં હોવા છતાં તેમની સાથેના એકાન્ત મને ભયભર્યો જ લાગે છે. હું જરા આગળ વધ્યો અને બોલ્યો :

‘હું ઘર જોવા આવ્યો છું.’

‘આપે ઘર જોયું ! હું એને ઠીક રાખી રહી છું, નહિ ?’

હું રસોડા પાસે પહોંચી ગયે, અને મેં જવાબ આપ્યો : ‘ખરેખર, ઘર તો ગમે એવું છે.’

બાઈ રસોઈ બનાવતી હતી. તેણે મને ઈશારતથી સહજ દૂર પડેલો પાટલો બતાવ્યો અને તે ઉપર બેસવા સૂચન કર્યું.

‘આપને કેમ ઘર જોવું પડ્યું ?’ સ્ત્રીએ મારી સામે જોયા વગર પૂછ્યું, તે રોટલીઓ વણ્યે જ જતી હતી.

‘મારે ઘર ભાડે રાખવું છે.’ મેં કહ્યું.

‘એમ ?’

‘હા જી. હું રહું છું તે ઘર મને કબૂતરખાના જેવું લાગે છે.’

‘મનગમતું ઘર બંધાવતા કેમ નથી ?’

‘હજી એટલો પૈસો સાચવ્યો નથી, એટલે ભાડાનાં ઘર શોધવા રહ્યાં.’

‘કોઈ સારું મકાન મળ્યું ?’

‘ના જી, મને તો આ ઘર સારું લાગે છે.’

સ્ત્રીએ મારી સામે જોયું. તેની આંખ મીંચાતી ન હતી એવો મને ભ્રમ શા માટે થયો હશે ?

‘તમને કોઈએ આ ઘરમાં આવવાની ના ન પાડી ?’

‘ના તો ન પાડી, પણ એકબે જણને પૂછ્યું ત્યારે મને ન સમજાય એવો અણગમો એમણે દેખાડ્યો ખરો.’

‘હં. છતાં તમને આ ઘર ગમ્યું ?’

‘લોકો ગમે તે કારણે અણગમો બતાવે. મને તો ઘરની ચોખ્ખાઈ, વિશાળતા, આંગણું, એ બધું જ ગમ્યું. મને ગમે એટલે બસ. હું ઘણી બાબતોમાં લોકોની શિખામણ બાજુએ મૂકું છું.’

‘પણ લોકો શા કારણે અણગમો બતાવે છે એ તમે જાણો છો ?’

‘ના જી.’

‘તો ઘર ભાડે રાખો તે પહેલાં તમે એટલું જાણી લો કે આ ઘરને માટે બધાંને વહેમ છે.’

‘એટલે’

‘એટલે એમ કે અહીં ભૂત વસે છે.’

હું હસ્યો. ઘરની માલિક લાગતી બાઈ પોતાની મેળે જ પોતાના ઘર વિષે વહેમની માન્યતા દર્શાવે એ મને જરા નવાઈભર્યું લાગ્યું. બાઈની પ્રામાણિકતા અદ્‌ભુત કહેવાય, અને... કદાચ મારા બીકણપણાની કસોટી એ કરતી હોય તો ? હસીને મેં મારા બીકણપણાને દેખાતું બંધ કર્યું અને તેને જવાબ આપ્યો :

‘મને ભૂતનો ભય લાગતો નથી.’

‘એ જુદી વાત છે. પણ તમે ઘર ભાડે રાખો અને પછી ભૂત દેખી ભડકો એના કરતાં પહેલેથી જ તમને એ વાત કહેવી ઠીક લાગે છે.’

‘મને તો ઘર ગમ્યું છે, અને આજનાં માણસ કરતાં મને ભૂતનો સાથ વધારે સારો લાગે છે.’ હસીને મેં કહ્યું.

પરંતુ મારા હાસ્યને તે સ્ત્રીએ સાથ ન આપ્યો. નીચું જોઈ તેણે રોટલીઓ વણવાનું ચાલુ રાખ્યું. જરા રહી તેણે કહ્યું :

‘એ તો જેવો અનુભવ.’

‘તમે અહીં રહો છો તે તમને શું લાગે છે ? તમને ભૂત હરકત કરે છે ?’

અકથ્ય દુઃખનો ભાવ વ્યક્ત કરી તેણે મારી સામે જોયું, અને નજર બાજુએ કરી જવાબ આપ્યો :

‘મને જ લોકો ભૂત કહેતા હોય તો ?’

‘શી ઘેલી વાત કરો છો ? ભૂત તમારા જેવું રૂપાળું હોય ખરું ? અને રૂપાળું હોય તોપણ આવું માયાળુ હોય ખરું ?’

તે સ્ત્રીએ ભારે નિસાસો નાખ્યો. તેની આંખમાંથી આંસુની સેર ઊતરી રહી. મને તેના પ્રત્યે ખૂબ અનુકંપા ઊપજી. નિરાધાર એકલવાઈ બાઈને આ પ્રમાણે પજવી રહેલાં પડોશી માટે મને ખૂબ તિરસ્કાર આવ્યો. ઘર ભાડે આપવામાં પણ ભૂતનો વહેમ ફેલાવી અસહાય સ્ત્રીને હરકત કરી રહેલા પડોશીઓના મત વિરુદ્ધ મારે અહીં આવી, આ ઘર ભાડે લઈ તેમાં રહેવું એવો મેં નિશ્ચય કર્યો.

રહી રહીને પાછી એ સ્ત્રીએ રોટલી વણવા માંડી. બીજી રસોઈ બાજુ ઉપર હતી. અને રોટલીના થોક કર્યે જતી સ્ત્રી હજી અટકતી કેમ નથી તેનો મને સહેજ વિચાર આવ્યો.

‘તે તમે આ ઘરમાં એકલાં જ છો ?’ મેં પૂછ્યું.

‘હા.’

‘તો આટલી બધી રસોઈ કોના માટે કરો છો ?’

‘ભૂતને ભાન શું ?’ હસીને પેલી બાઈએ મને જવાબ આપ્યો.

‘નહિ, નહિ. મને માફ કરો. આપને આટલી રસોઈ કરવા માટે અનેક કારણો હશે. એ અંગત વાતમાં હું નહિ ઊતરું. પરંતુ આ ભૂતની શી વાત છે ? હરકત ન હોય તો આપ કહેશો ?’

તેની વાતનો નીચે પ્રમાણે સાર સમજાયો.

આ ઘરમાં જ એક યુવક રહેતો હતો. એ અને એની પત્ની સુખમાં દિવસ ગાળતાં. વર્ષો–કહો કે આઠ દસ વર્ષ વીત્યાં અને યુવકે હિંદની મુસાફરીમાં એકલાં મહિનો વિતાવ્યો. સુખ ભોગવી રહેલા યુવકમાં સેવાવૃત્તિ જાગી એટલે પ્રાંત પ્રાંતની સેવાસંસ્થાઓ જોવાનો તેણે કાર્યક્રમ ગોઠવ્યો હતો. એક મુસાફરીનો અનુભવ થયા પછી બીજી મુસાફરી પતિપત્નીએ સાથે જ કરવાની હતી. પત્નીએ ઘેર રહી હાથે કામ કરી લેવાની તાલીમ લેવા માંડી હતી, કારણ સેવાકાર્ય અને નોકરો બહુ જ અસંગત લાગે છે. પત્ની અને પતિ વચ્ચે અનહદ પ્રેમ હતો, એકબીજાંથી છૂટાં પડવાનો ખ્યાલ પણ અણકલ્પ્યું કષ્ટ આપતો હતો. છતાં સેવાકાર્યમાં અંગત સુખદુ:ખ વચ્ચેની સમાનતા પણ કેળવવાની જરૂર હતી. એથી પણ બંનેએ એક માસ છુટ્ટાં રહેવાનો નિશ્ચય કર્યો હતો.

મુસાફરીને છેલ્લો દિવસ હતો. મહિનો વીત્યો અને પત્ની પોતાને જ હાથે ઘરનું સઘળું કામકાજ કરી રસોઈ કરતી બેઠી. આજ પતિ આવશે જ એવો પત્ર પણ હતો. પ્રત્યેક પળ લાંબી થયે જતી હતી. નોકર વગર પણ ઘર કેવું રહી શકે છે તેનું દૃશ્ય સેવાભાવી પતિને દર્શાવવા અને ખાસ તો મહિનાથી દૂર વસેલા પતિની ઝાંખી કરવા આતુર બનેલી પત્ની કેટલી યે વાર બારણાં પાસે જઈ આવી.

અને બારણે ખરેખર કોઈ આવ્યું ! દોડીને બારણાં પાસે ગયેલી પત્નીને તારવાળો મળ્યો ! મહા ચિંતાથી પત્નીએ તાર વાંચ્યો, અને વાંચતાં બરોબર તેનો આત્મા દેહમાંથી ઊડી ગયો – જો આત્મા દેહમાં રહેતો હોય તો. રેલ્વે અકસ્માતમાં પતિ મૃત્યુ પામ્યાના સમાચાર એ તારમાં હતા !

‘પછી શું થયું ?’ મેં પૂછ્યું.

‘પછી તો શું થાય ? પત્ની ભૂત થઈ એમ લોકો કહે છે !’

‘ભૂત થઈને કરે છે શું ?’

‘રસોઈ કર્યા જ કરે છે.’

‘ક્યાં સુધી રસોઈ કરશે ?’

‘એનો પતિ આવી જમશે નહિ ત્યાં સુધી.’

સ્થિરતાથી સ્ત્રીએ મારી સામે જોયું, અને મારા હૃદયમાં થરકાટ થયો. હું ભૂત સાથે જ વાત કરી રહ્યો છું શું ?

એકાએક હું ઊભો થયો અને બહાર દોડ્યો. અપાર્થિવ વાતાવરણ મારી આસપાસ જામી ગયું હોય એમ મને લાગ્યું. હું બહાર નીકળ્યો અને મારી પાછળ બારણાં બંધ થયાં. જરા જડ જગત જોયા પછી મને શાન્તિ વળી. મેં બારણું પાછું ઠોક્યું, પણ તે ખરેખર બંધ હતું.

આવા કુલીન પ્રેમી આત્માના પ્રેતથી બીને ભાગી જવા માટે હું શરમાયો. પરંતુ ત્યાં પાછા જવાની હિંમત કેમે કરીને આવી નહિ. એ સ્ત્રી પ્રેત હોય તો ય તેણે મારું કશું નુકસાન કર્યું ન હતું; મને કશો ભય ઉપજાવ્યો ન હતો. માત્ર અન્ય સૃષ્ટિનો પડછાયો તે લાવી રહી હતી. એ સૃષ્ટિ પણ શા માટે ન જોવી ? માનવી અજાણ્યા પ્રદેશોથી ડરશે તો તે શોધખોળ કેમ કરશે ? અને આ તો એક પ્રેમાત્માનો-પુણ્યાત્માનો અવશેષ હતો. ભયનું કારણ એમાં હોય જ નહિ. હિંમત લાવતાં દિવસ વીતી ગયો, અને રાત્રે મનને દૃઢ કરી હું એ જ ઘર પાસે આવ્યો. બારણાં બંધ હતાં; મેં તે ખૂબ હચમાવ્યાં, પણ કોઈએ બારણું ઉઘાડ્યું જ નહિ. માત્ર અંદરથી કોઈ સ્ત્રીના ગીતસુર સંભળાયા :

‘રંગભીના હવે આવજો, મારી સૂની માઝમ રાત,’

હું પ્રત્યક્ષ પ્રમાણમાં માનનારો વૈજ્ઞાનિક દૃષ્ટિવાળો સુધારક છું. છતાં આ વાત જ્યારે જ્યારે કોઈને કહું છું ત્યારે ત્યારે સાંભળનાર મને વહેમી કહે છે. એમ પણ હોય. છતાં હજી જ્યારે જ્યારે સંધ્યાકાળે હું એ બાજુએ જાઉં છું ત્યારે કોઈ સુંદર સ્ત્રીનો પડછાયો મને દેખાય છે, અને ગીત તો અચૂક સંભળાય છે.