રસબિંદુ/અહિંસાનો એક પ્રયોગ

← અવનવું ઘર રસબિંદુ
અહિંસાનો એક પ્રયોગઅવનવું ઘર
રમણલાલ દેસાઈ
૧૯૫૭
સફળ ધંધો →




અહિંસાનો એક પ્રયોગ


હું અહિંસામાં માનું છું. હિંદુસ્તાનનો ઉદ્ધાર અહિંસાથી જ થવાનો છે. એમાં મને જરા ય શંકા નથી. એટલું જ નહિ, સમગ્ર માનવજાતની ઉન્નતિ અને પ્રગતિ અહિંસા ઉપર જ રચી શકાય એવી મારી ખાતરી થઈ ગઈ છે. અહિંસાનો સિદ્ધાંત વર્તમાન યુગમાં મેં જ શોધી કાઢ્યો એમ કહેવામાં મારી શરમાળ વૃત્તિ જ મને રોકે છે. બાકી સત્ય તો એ જ છે. મને ગાંધીજીનો ટેકો મળવાથી અહિંસા વિષે સ્પષ્ટ ઉચ્ચાર કરી અહિંસાનો જેમ બને તેમ વધારે પ્રચાર કરવામાં હું રાતદિવસ રોકાયલો રહું છું. અહિંસાની અદ્‌ભુત અસરમાં લોકોને કેમ શ્રદ્ધા નથી ઊપજતી એનો જ્યારે હું વિચાર કરું છું ત્યારે માનવસમાજની ક્ષુદ્રતા મારા હૃદયને ચીરી નાખતી હું જોઉં છું.

જર્મન-બ્રિટન યુદ્ધની બેવકૂફી વિષે ગાંધીજીનો લખેલો એક લેખ વાંચી અત્યંત રાજી થઈ મેં એ અહિંસાના સિદ્ધાંતનું નવું રાષ્ટ્રીય સ્વરૂપ મારા કુટુંબીજનોને સમજાવવા યત્ન કર્યો. મારી પુત્રી ઇન્ટરમાં અભ્યાસ કરતી હતી. ચહા પીતાં પીતાં મારી પુત્રી યશદા-યશોદા નામ જરા જૂનું લાગવાથી અમે સહુએ તેનું નામ યશદા રાખ્યું હતું તે – પૉફેસરોની નકલ કાઢતી હતી. અમુક પૉફેસર ક્લાસમાં શીખવતી વખતે મેજ ઉપર પેટ કેમ ઘસડે છે, બીજા પૉફેસર સી.આઈ.ડી.ની અદાથી શીખવતાં શીખવતાં વાતો કોણ કરે છે તેની માહિતી બાડી આંખે જોઈને કેમ મેળવી લે છે, ત્રીજા પૉફેસર ચિચિયારી પાડીને અને ચોથા પૉફેસર જાણે મોં ભરેલું હોય એ ઢબે કેમ બોલે છે તેનો આબેહૂબ ખ્યાલ આપવાનો પ્રયત્ન યશદા કરતી હતી.

‘આનું જ નામ હિંસા.’ મેં ચારે પાસ હસતાં છોકરાંને કહ્યું.

‘એમાં ક્યાં કોઈ પ્રોફેસરને અમે મારીએ છીએ ?’ યશદાએ કહ્યું.

‘હવે વિદ્યાર્થીઓએ એટલું જ બાકી રાખ્યું છે.’ મેં કહ્યું.

‘બાકી નથી રાખ્યું. એરોપ્લેન તો તેમના ઉપર ફેંકવા માંડ્યાં છે.’ મારા એક પુત્રે કહ્યું. એ બી.એ. ક્લાસમાં ભણતો હતો.

‘એટલે જ તમે ભણવામાંથી હજી ઊંચા આવતાં નથી.’ સાધારણ કારકીર્દિવાળા પુત્રના અભ્યાસનો નિર્દેશ કરી મેં કહ્યું.

‘પ્રોફેસરો ભણાવે જ નહિ પછી અમે શું કરીએ ?’ પુત્રે કહ્યું.

‘શા માટે તમને નથી ભણાવતા એનો તમે વિચાર કર્યો ?’ મેં પૂછ્યું.

‘મફતનો પગાર ખાવો છે માટે.’ પુત્રીએ કહ્યું.

‘જરા વધારે ઊંડા ઊતરો ! તમારી હિંસકવૃત્તિ જ તેમને સારું શીખવતા દેતી નથી. તેમને પ્રેમથી જીતો. પછી જુઓ...’ મેં કહ્યું.

‘અરે પણ મેજ ઉપર પેટ ઘસડે એના ઉપર કોણ પ્રેમ કરે ?’ પુત્રીએ પ્રેમની મીમાંસા માંડી !

‘એના પ્રત્યે પણ આપણે સદ્‌ભાવ રાખીએ...’

‘જેટલી વાર એ પેટ ઘસડે એટલી વાર એકેએક આંગળી કાપી કાની તેના ઉપર લોહી છાંટવું ! એમ ?’ મારી પુત્રીએ અહિંસાનું મને ચીડવતું દૃષ્ટાંત આપ્યું.

‘તમે અહિંસાનું હાર્દ સમજો...’ મેં કહ્યું.

‘અહિંસાથી કાંઈ વળે એમ નથી.’ મારા પુત્રે કહ્યું.

‘વાદવિવાદ બંધ કરશો ?’ મેં આવેશને અટકાવી નમ્રતાથી બાળકોને કહ્યું અને તેની તુર્ત અસર થઈ. કોઈએ તે દિવસે અહિંસાની મશ્કરી ન કરી. અમારી વાતચીત પૂરી થઈ. ચહાના પ્યાલા નોકરે ઉઠાવ્યા, પણ એક રકાબી પથ્થર ઉપર પડી અને ફૂટી ગઈ. અહિંસાનો જો મેં આગ્રહ ન રાખ્યો હોત આજે તો નોકરને એક ધોલ હું વગાવી દેત, પરંતુ મેં કશી જ બૂમ ન પાડી. માત્ર નોકરના પગારમાંથી એક રકાબીની રકમ ભરપાઈ કરી લેવાનો વિચાર પ્રદર્શિત કરી હું મારી અહિંસાને વળગી રહ્યો.

હું વકીલ છું, અહિંસક વકીલ છું. કચેરીમાં નવા આવેલા ન્યાયાધીશ બરાબર સાડાઅગિયાર વાગે કામ શરૂ કરતા હતા. ન્યાયાધીશો ન્યાય તોળે એ વાત ખરી, પરંતુ તે તુલામાં તેમની વ્યક્તિગત વિચિત્રતાઓ પણ એક અગર બીજા પલ્લામાં તેઓ મૂકી શકે છે એમ કહું તો તેઓ અહિંસાને ખાતર મને માફ કરશે. નવા આવેલા ન્યાયાધીશ ભારે હિંસાવૃત્તિ ધરાવતા હતા એવો મને ભાસ થયો હતો. સહેજ મોડું થાય એટલે કામ કાઢી નાખવાની આપણને એવી ધમકી આપે, જાણે આપણે ફાંસીએ ચડવાપાત્ર ગુનો કર્યો હોય ! વખતસર જવાથી તેમની હિંસકવૃત્તિ જરા મિજાજમાં રહેતી. એટલે હું વખતસર કૉર્ટમાં જવા માટે ઘેરથી નીકળ્યો. હિંસાનો ઇલાજ અહિંસા. વાઘ અને વરુ અહિંસાને વશ થાય તો ન્યાયાધીશો કેમ વશ ન થાય ?

શૉફરની બેદરકારીથી રસ્તે બેઠેલા એક કૂતરાની પૂંછડી ચગદાતાં મેં ગઈ કાલે જરા ભારપૂર્વક તેને અહિંસક બનવા કહ્યું એટલે તે આજે આવ્યો ન હતો. અહિંસાના પ્રચારમાં આવાં આવાં તો અનેક દુઃખ આવે. મેં ભાડાની ગાડી મંગાવી તેમાં બેસવા માંડ્યું, અને એક ભિખારીએ મારી પાસે ભીખ માગી. હિંદ સરખા ગરીબ દેશમાં વધારે પડતી રકમ કોની પાસે હોય છે ? મોટરકારવાળા વકીલો પાસે પણ નહિ ! મેં તેને કાંતવાની સલાહ આપી એટલે ભિખારીએ મારી અખિલાઈ ઉપર ‘તુલસી હાય ગરીબ...’ જેવા તુલસીદાસના દુહાઓ ઉદારતાથી ફેંક્યા. એ ભિખારી જો ભણેલો હોય તો તેને પ્રૌઢશિક્ષણપ્રવૃત્તિમાં કામ કરવા માટે સમજાવી હું આગળ નીકળ્યો. મહેનત કર્યા વગર પૈસો પામનાર જેમ પાપી થાય છે તેમ પૈસો આપનાર પણ પાપી થાય છે, એ અહિંસામાંથી ઉદ્‌ભવતા સિદ્ધાંત અનુસાર મેં ભિખારીને કાંઈ આપ્યું નહિ; એટલે આખી શેરીને ભેગી કરતી બૂમો પાડી ભિખારીએ દુનિયામાં કળજુગ ઊતર્યો હોવાની જાહેરાત આપી અને એ કળજુગ હું જ હોઉં એવું દૃશ્ય ખડું કર્યું.

આમ કચેરીમાં જતાં પાંચેક મિનિટ વાર લાગી.

‘શિકારની શોધમાં રહેતા હિંસક પ્રાણી જેવી મુખાકૃતિવાળા ન્યાયાધીશે તેમના ખંડમાં મારો પ્રવેશ થતાં બરોબર તેમની યાળ હલાવી ઘર્ઘર નાદ કર્યો, મને લાગ્યું કે આ ન્યાયાધીશના નખ લાંબા થાય તો જરૂર તેઓ અસીલ અને વકીલોને ફાડી ખાધા વગર રહે નહિ.

‘હું દિલગીર છું, સાહેબ !’ મેં કહ્યું,

‘તમે તો દિલગીર થયા. પણ મારી પાંચ મિનિટ બગડી તેનું શું ?’ શબ્દમાં દર્શાવી શકાય એના કરતાં એમના મુખ ઉપર વધારે ક્રોધ ભરેલો હતો.

‘પાંચ મિનિટ પૂરતો આપનો પગાર મારી પાસેથી આપ વસૂલ કરી શકો છો.’ મેં બહુ જ પ્રામાણિકપણે મારો વાંક સ્વીકારી એ વાંકનો બદલો ભરી આપવાની સાચી અને શાન્ત સૂચના કરી, છતાં કોણ જાણે કેમ, ન્યાયાધીશ સાહેબ ન્યાયાસન ઉપરથી ઊછળી બોલ્યા :

‘કૉર્ટનું અપમાન હું કદી સાંખી લઈશ નહિ. કૉર્ટનું અપમાન કરવા બદલ તમારા ઉપર તહોમત મૂકી હું અબઘડી કામ ચલાવું છું તેની તમે નોંધ લો.’

બધા વકીલબંધુઓ હાલી ઊઠ્યા.

‘નામદાર ! હું કોર્ટનું કદી અપમાન કરું જ નહિ. મારી આબરૂ કરતાં મને કૉર્ટની આબરૂ વધારે વહાલી છે.’ મેં કહ્યું. ‘પ્રથમ તો તમે મોડા આવ્યા. એ પહેલું અપમાન...’

‘નામદાર સાહેબ ! મારી ઘડિયાળ જરા મોડી હશે…’

‘અને મારો પાંચ મિનિટનો પગાર આપવાનું કહી તમે કૉર્ટનો તિરસ્કાર કર્યો એ બીજું અપ…’

‘સાહે…’

‘બોલશો નહિ; મને સાંભળી લો. અને ઘડિયાળ મોડી હોવાની જૂઠી વાત કહી તમે કૉર્ટનું ત્રીજી વાર અપમાન કરો છો. એટલું જ નહિ પણ મને બોલતો અટકાવી વચમાં બોલી કૉર્ટનો ચોથો તિરસ્કાર તમે કર્યો એ તો તદ્દન ભૂલી જાઓ છે !’

મોટર ખરીદી શકું એવી સ્થિતિમાં આવેલો હું સીનિયર વકીલ ! જોતજોતામાં મેં કૉર્ટનું ચાર વાર અપમાન કર્યું એમ નામદાર કોર્ટે માની લીધું ! ચારે પાસ ધાંધલ મચી ગયું. મારા વકીલમિત્રો ધીમેથી કહેવા લાગ્યા :

‘માફી માગી લો, એટલે પત્યું.’

‘મેં દિલગીરી તો દર્શાવી; પછી શું ?’ મેં કહ્યું.

‘અરે કહી દો ને મારા સાહેબ, કે નામદાર કોર્ટ ઉદારતા દર્શાવે ?’

ઉદારતાનો પ્રશ્ન આવતાં મને ઉદારતાના પાયમાં રહેલી અહિંસા યાદ આવી. મારી અહિંસાથી આ ફાડી ખાનાર જાનવર જેવા બની ગયેલા ન્યાયમૂર્તિમાં અહિંસાનો અલ્પ સંચાર પણ થાય તો તે જગતને માટે, કૉર્ટને માટે, વકીલ માટે, અસીલ માટે, અરે ! ન્યાય માટે પણ ઈચ્છવાયોગ્ય હોવાથી મેં મારા આત્મમાન અને આત્મભાનનો પણ ભોગ આપી અત્યંત શાન્તિથી બન્ને હાથ જોડી કહ્યું :

‘કોર્ટનું અપમાન કરવાની ભૂત, ભવિષ્ય કે વર્તમાનમાં પણ ઇચ્છા ન રાખતા મારા સરખા પામર માનવીથી નામદાર કોર્ટનું અપમાન કર્યાનો ભાસ પણ નામદાર ન્યાયમૂર્તિને થયો હોય તો તે માટે અત્યંત દિલગીરી દર્શાવી હું નામદાર કોર્ટની માફી ચાહી મને પોતાને નામદાર કૉર્ટની દયા ઉપર છોડું છું !’

‘આ માફીમાગણી હું રેકર્ડ ઉપર રાખું છું.’ વિજયી યોદ્ધાનું સ્મરણ આપતાં ન્યાયમૂર્તિએ કહ્યું.

‘રેકર્ડ ઉપર જ નહિ, પણ હૃદય ઉપર રાખશો એની હું નમ્ર માંગણી કરું છું.’ મેં વધારે અસર ઉપજાવી. પરંતુ સ્મિતને ચીલે ચડેલું ન્યાયમૂર્તિનું મુખારવિંદ પાછું ચીલા બહાર જતું દેખાયું.

‘ન્યાયને હૃદય હોતું નથી એ તમે જાણો છો ને ?’ ન્યાયમૂર્તિએ કહ્યું.

હૃદય વગર અહિંસા હોઈ શકે ? હું ન્યાયમૂર્તિને ધીમે ધીમે અહિંસામાં ઉતારતો હોવાથી અહિંસાથી ચલિત બનતા તેમને અટકાવવા હું ઊભો થઈ કાંઈ કહેવા જતો હતો; એટલામાં મારો કોટ ખેંચી મારા મિત્રે મને બેસાડી દીધો... અને એ જ દિવસે આખું કામ ચાલ્યું અને નિર્ણય પણ મારા લાભમાં આવી ગયો.

‘મિજબાની આપો, સાહેબ !’ મારા એક જુનિયરે બીજે દિવસે ચાહ પીતાં પીતાં કહ્યું.

‘મિજબાની ? શા માટે ?’ મને નવાઈ લાગી. સીનિયર વકીલોએ જુનિયર વકીલોને મિજબાની આપવાની પ્રથા કદી પણ પાડી છે ? વળી જૂનિયરોએ સીનિયર વકીલની સાથે આવી ઢબે વાતચીત કરવી એમાં મને અવિવેક અને તેમાંથી ઉદ્‌ભવતો અહિંસાનો ભંગ દેખાયાં.

‘આપ કેસ જીત્યા ને ?’

‘હું ભાગ્યે જ હારું છું.’ મેં કહ્યું.

‘પણ કાલ તો ન્યાયમૂર્તિએ ખરો ન્યાય કર્યો – ધાર્યું ન હતું તોપણ આપની માફી—’

‘મારી અહિંસા.’

‘અહિંસા ? એને અને ન્યાયને શો સંબંધ ?’

‘એ સંબંધ સમજશો ત્યારે આ ન્યાયમંદિરો બંધ થઈ જશે.’

‘બંધ થશે તો તમારી આવક જશે. અમારે જૂનિયરોને તો આમે બંધ જ છે ને !’

‘તે તમે એકલા કમાણીના ઉદ્દેશથી જ અહીં આવો છો શું ?’

‘બીજા કયો ઉદ્દેશ હોઈ શકે ?’

‘ન્યાય આપવા-અપાવવાનો.’ મારા એક સીનિયર મિત્રે મિજબાની માગતા ધૃષ્ટ જૂનિયરને કહ્યું.

‘વાત છોડો ને, સાહેબ ! વગર ફીએ લડતા હો તો ન્યાયબ્યાય સમજીએ...’ બીજા સીનિયરની પાયરીમાં ઝડપથી પ્રવેશતા વકીલમિત્રે કહ્યું.

‘પૈસા એ અકસ્માત છે. ઉદ્દેશ તો અહિંસાનો છે.’ મેં કહ્યું. આજે મને બધાં તત્ત્વો અહિંસાનું સૂચન કરતાં હતાં.

‘અહિંસા તમે રાખો. અકસ્માત અમને થવા દો.’ એક જૂનિયરે કહ્યું.

‘ગાંધીએ વળી ક્યાં આ અહિંસાનું તૂત ઊભું કર્યું ! છેવટે વાણિયા જ ને !’ એક ક્ષત્રિય ગુજરાતીએ કહ્યું.

‘તેમાં યે ગુજરાતી !’ શિવાજી અને બાજીરાવના આત્માને જીવંત રાખતા એક દક્ષિણી વકીલે કહ્યું.

‘અહિંસાબહિંસા છોડો, વાનિયાઓ ! અંગ્રેજી વગર તમારા બાપનું પન ચાલવાનું નથી.’ એક ગંભીર પારસી સીનિયરે કહ્યું.

‘સોરાબજી ! બાપની વાત જવા દો.’ એક વકીલે ગંભીરતાથી કહ્યું.

‘બાપની વાત જવા દો. આપને તારી વાત કરીએ, દીકરા !’ આંખમાં મશ્કરી ચમકાવી સોરાબજીએ કહ્યું.

‘આપણે સિદ્ધાંતનો સવાલ છે. અહિંસા અને વકીલો વચ્ચે કેટલો સંબંધ હોઈ શકે એ જ આજે પ્રશ્ન છે. એમાં નથી મારો સવાલ કે નથી તમારો – નથી હિંદુનો કે નથી મુસલમાનોનો…’ મેં અહિંસા ધરમૂળથી સમજાવવા વચ્ચે પડી કહ્યું. પરંતુ મને બોલતો અટકાવી મારા જોડીદાર શમસુદ્દીન વકીલ બોલ્યા :

‘બધી વાત કરજો, પણ અમારું નામ નહિ લેશો.’ ‘અરે, મુસ્લિમ ધર્મમાં પણ અહિંસા છે.’ એક વકીલે કહ્યું.

‘તમને એક વખત કહ્યું કે અમારું નામ ન લેશો...’ શમસુદ્દીન ગુસ્સે થઈ બોલી ઊઠ્યા.

‘નામ ન લેશો એટલે તમે શું કહેવા માગો છો ?’ આર્યસમાજની ઓસરતી અસરવાળા એક હિંદુત્વ અભિમાની વકીલે પૂછ્યું.

‘અરે યાર, જવા દો ઝઘડો. મુસ્લિમોને ન ફાવતું હોય તો આપને એમનો મ પન ન બોલવો.’ સોરાબજી બોલ્યા.

‘અને બોલીએ તો ?’ આર્ય વકીલે કહ્યું.

‘બોલી જુઓ જોઈએ ? તમને ખબર પડશે !’ શમસુદ્દીને કહ્યું.

‘જુઓ, સાંભળો બધા. મુસ્લિમોનો મ.’ હિંદુત્વ ઉદ્ધારક આર્ય વકીલે હિંમત કરી.

અને મને લાગ્યું કે ચારે પાસથી ખુરશીઓ ઊંચકાઈ અને ફેંકાવાની પણ શરૂઆત થઈ ચૂકી. હિંસાને નજરે પણ ન જોવાનો નિશ્ચય કરી ચૂકેલો હું બહાર નીકળી આવ્યો અને હિંસાને ફેલાતી અટકાવવા પાસે જ ઊભા રહેલા એક બે પોલીસ સિપાઈઓને મેં કહ્યું :

‘અરે, જલદી કરો, જલદી કરો. વકીલોમાં મારામારી થાય છે;’

‘વકીલોમાં ?’ સિપાઈએ ખરું ન માની પૂછ્યું.

‘હા હા; હિંસા અને અહિંસાનો ઝઘડો જામ્યો છે.’

ઘેર આવતાં બરોબર મેં જોયું કે મારો પાંચેક વર્ષનો પુત્ર એક ખૂણામાં બેઠો બેઠો કાગળો ફાડી રહ્યો હતો. અમે અહિંસકો સંતતિનિયમનના કૃત્રિમ ઇલાજોમાં માનતા નથી. એટલે મારી સંતતિ સારી સંખ્યામાં અને વિસ્તૃત વયમર્યાદામાં રહેલી છે. કૉલેજના શિક્ષણથી માંડીને મોન્ટેસરી પદ્ધતિના બાલશિક્ષણ સુધી એકસામટો વિચાર કરવાની અમને સગવડ રહેલી હોય છે.

બાળકપુત્ર કાગળો ફાડવાનું કાર્ય કરતો હતો એ બરાબર ના હતું પરંતુ એ કાર્ય ખોટું છે એમ એ પોતે જ સમજે તો વધારે સારું એમ વિચારી મેં હસતાં હસતાં તેને પૂછ્યું :

‘શું ફાડે છે ?’

પ્રામાણિકપણે બાળકે ફાટેલો કાગળ બતાવ્યો અને મારા હૃદયમાં અગ્નિ પ્રજ્વળ્યો હોય એમ લાગ્યું. અહિંસાના પયગમ્બર સરખા ગાંધીજીની છબી એક કેલેન્ડર ઉપર આવી હતી. એ કેલેન્ડરને તોડીફોની ગાંધીજીની છબી વિકૃત કરતા મારા પુત્રને જોઈ બીજું શું થાય ?

‘તું શું કરે છે તેનું તને ભાન છે ?’ મેં પૂછ્યું.

‘ના, ભાઈ !’ બાળકે જવાબ આપ્યો.

‘આ ગાંધીજીની છબી છે તે તું જાણે છે ને ?’ ગાંધીજીની છબીને આજ કોણ નથી ઓળખતું ? છતાં બાળકને અન્યાય ન થાય એ માટે મેં ખાતરી કરવા તેની જુબાની લીધી,

‘હા.’

‘એ ફાડી ન શકાય તે તું જાણે છે ને ?’

‘ના.’

‘તારા કરતાં ગાંધીજી મને વધારે વહાલા છે એ તું સમજી લે.’

મને લાગ્યું કે બાળકે આ સ્થળે હિંસક અજ્ઞાન બતાવી જાણે તે કશું યે સમજ્યો ન હોય એવું મુખ બતાવ્યું. એટલે ઊગતા જ અનર્થનું મૂળ ટાળવા મેં તેને ભલામણ કરી :

‘અને એ વાત તું જીવનભર યાદ કરે એ માટે… તથા તેં ગાંધીજીની છબી ફાડવાનું પાપ કર્યું છે તેના પ્રાયશ્ચિત્ત તરીકે તારે ચોવીસ કલાકનો ઉપવાસ કરવો.’

બાળકને આનંદ કેમ થયો તે હું પ્રથમ સમજી શક્યો નહિં. તેણે બહુ જ આતુરતાથી મને પૂછ્યું :

‘ભાઈ ! તમે પણ ઉપવાસ કરશો ને ?’

‘ના, પાપ તારું છે, મારું નહિ. પ્રાયશ્ચિત્ત તારે કરવાનું છે, મારે નહિ.’

‘જન્માષ્ટમી જેવો ઉપવાસ ? કે બહેન ગૌરીવ્રતમાં કરતી હતી એવો ?’ બાળકે પૂછ્યું અને મારી પત્નીએ આવી કહ્યું :

‘શી એની સાથે લમણાઝીક કરો છો ?’

‘લમણાઝીક? તમને બાળકો કેમ ઉછેરવાં તેનું ભાન પણ નથી. આ જો, એણે શું કર્યું છે તે !’

‘પણ એ તો તમે જ કેલેન્ડર ફેંકી દેવા સૂચના કરી હતી ! ગાંધીજીની સાથે જ પછી સુભદ્રા નટીની છબી છે એ તમને ગમતું ન હતું !’ મારી પત્નીએ કહ્યું. પરંતુ મેં મારી વકીલાત છેક અફળ નહોતી બનાવી. બાળકનો ગુનો ઢાંકવા મથતી માતાને એની ભૂલ ન સમજાય તો એનું પાપ મને લાગે ! મેં સત્ય હકીકત સમજાવી.

‘કેલેન્ડર ફેંકવાનું કહ્યું હતું, ફાડવાનું નહિ.’

‘બાળકને કાંઈ સમજ પડે ? અમે ફેંક્યું અને એણે ફાડ્યું.’

‘તો એ બેકાળજીથી ફેંકનાર અને અજ્ઞાનથી ફાડનાર બંનેએ ઉપવાસ કરવા.’ એમ કહી મેં મારા કપડાં બદલ્યાં. બંને માદીકરાએ ઉપવાસ કર્યો કે નહિ તેની તપાસ કરવા જેવી હલકટ વૃત્તિ મારે દર્શાવવાની હોય જ નહિ. માનવ સ્વભાવ ઉપર મને એટલો તો વિશ્વાસ છે જ. મારા પુણ્યપ્રકોપે ઘરના આખા વાતાવરણને શાંત બનાવી દીધું.

અર્થ વગરના હાસ્ય, અગંભીર વાતો, નોકરોની ચાડીચુગલી અને સગાંવહાલાંની નિંદા તે રાત્રે બંધ થઈ ગયાં.

સવારે ઊઠતાં બરોબર વર્તમાનપત્રો વાંચ્યા સિવાય કોઈ પણ સમજદાર માણસને આજ ચાલે એમ નથી. મેં પત્ર ઉઘાડ્યું અને પ્રથમ પાને યુદ્ધના સમાચાર વાંચવા લાગ્યો. ‘પશ્ચિમનું ભયંકર યુદ્ધ પૂર્વમાં આવ્યું !’ એ મથાળું વાંચી હું જરા ચમક્યો. હિટલરની ઘેલછા અને અંગ્રેજોની કૃપણતા બંનેને દૃષ્ટિમાં રાખી મેં એ લેખ વાંચવો શરૂ કર્યો અને મારા ઉપર જ બૉમ્બ પડ્યો હોય એમ સને લાગ્યું. ગઈ કાલે વકીલોના ખંડમાં થયેલી વાતચીત અને ઉગ્રતાને વધારે પડતું સ્વરૂપ આપી વર્તમાનપત્રીના ખબરપત્રીએ મને અંદર સંડોવ્યો હતો ! અહિંસાની વાત કરી હિંસાનો જ્વાળામુખી પ્રગટાવનાર અપરાધી હું હતો એ આરોપ વાંચી ગઈ રાતે પ્રગટવો શરૂ થયેલો મારો પુણ્યપ્રકોપ ભભૂકી ઊઠ્યો.

અમે અહિંસકો ક્રોધ કરતા નથી, પુણ્યપ્રકોપ કરીએ છીએ. નિંદાભર્યા પત્રને બાજુએ ફેંકી મેં બીજું પત્ર હાથમાં લીધું. એ પત્રની ટીકાઓ બહુ જ ન્યાયભરી હતી. એવો મને ખ્યાલ હતો. પરંતુ એમાં પણ જ્યારે વાંચ્યું કે :

“હિંસા-અહિંસા વચ્ચે યુદ્ધ.”

એક જાણીતા વકીલે તેમાં ભજવેલો ભાગ !

“ગાળો ખાઈ ભયના માર્યા ભાગી છૂટેલા ગુજરાતી વીર વકીલની અહિંસક બહાદુરી.”

એ પત્રને પણ મેં ફેંકી દીધું. અહિંસાની સાચી સેવા કરતાં, અનેક જોખમો વેઠતાં એક સાધકના કાર્યમાં વીરત્વહીનતા વાંચતાં, ઝેરી વર્તમાન પત્રો પ્રજાની કેવી ભારે કુસેવા કરી રહ્યાં છે તેનું દૃષ્ટાંત મને આજે મળી ગયું.

ખબરપત્રીને ચોવીસ કલાક દોડતા રાખી એક અંધારી કોટડીમાં ભરાઈ બેસી અહિંસકોની મશ્કરી કરતા સલામત તંત્રી કરતાં છડેચોક અહિંસાનો બોધ કરનાર મારા જેવામાં વધારે બહાદુરી છે એની મને તો ખાતરી થયેલી જ હતી. તંત્રીઓ વાંચીને ઊભા ઊભા સળગી જાય એવી ભાષામાં એક જવાબ આપવાની હવે મારે માથે ફરજ ઊભી થઈ. સિદ્ધાંતને ખાતર હું ગમે તેનો ગમે તેવો ભોગ આપવા માટે તૈયાર હતો. મેં તેવો જવાબ ઘડવા માંડ્યો :

‘તમે તે પત્રના તંત્રીઓ ? કે ચારે પાસ નાગની ફણાઓ જગાડતી તંતુનીઓ !’ આમ મેં શરૂઆત કરી. એમાં મને જરા ઓછું ગૌરવ લાગ્યું. લખવું તો એવી રીતે કે મને કોઈ અંગત લાગણી થઈ નથી એમ દેખાવું જોઈએ – જે ખરી વાત હતી. મેં ફરી શરૂ કર્યું : ‘પ્રજાના જીવનમાં ઝેર રેડતા...’

મને લાગ્યું કે ઝેર શબ્દ મારી કલમ ઉપર સામું ઝેર રેડશે, એટલે એ પણ ફેરવી મેં બીજા કાગળમાં લખ્યું :

‘પ્રજાના જીવનમાં અમૃત રેડવા માટે પત્રકારોની તૈયારી હોય તો તેમણે અહિંસાની સાચી પિછાન…’

જવાબમાં જોર ન દેખાયું. બપોર કોર્ટમાં જવાનું માંડી વાળ્યું, કેસની મુદતો પડાવવા ન્યાયમૂર્તિઓને વિનંતી લખી મોકલી અને શું લખવું એના વિચારમાં હું ખાટલા ઉપર આડો પડ્યો…

અને મને લાગ્યું કે હું એક મહાસભામાં વ્યાખ્યાન આપું છું !

એ મહાસભા તે હિંદની ધારાસભા હતી. એ ધારાસભાને અંકુશમાં રાખતા અધ્યક્ષ – સ્પીકર – ને સંબોધી હું ‘અહિંસાધારો સભા સમક્ષ રજૂ કરતો હતો. મુખ્ય પ્રધાનનો બોજો મારે માથે પડ્યો હોય એમ મને લાગતું હતું, અને વચમાં વચમાં મને પુછાતા પ્રશ્નો ઉપરથી મારી ખાતરી થઈ કે હું હિંદનો વડો પ્રધાન હતો. હું સમજાવતો હતો એક કલમ :

‘અહિંસા જોખમાય, અહિંસા તિરસ્કૃત બને, અહિંસાનો ફેલાવો અટકે, અહિંસાનો થયેલ ફેલાવો સંકેચાય એવા શબ્દથી, ચેનચાળાથી, વાતથી, વ્યાખ્યાનથી, કાર્યથી, કાર્યના દેખાવથી તન, મન કે ધન દ્વારા કોઈ પણ ઇસમ પ્રવૃત્તિ કરે, પ્રવૃત્તિ કરાવે, તો તેનો ગુનો ફાંસીને પાત્ર ગણાશે…’

તાળીઓના ગડગડાટ વચ્ચે મારો અવાજ સંભળાતો બંધ થયો. મને લાગ્યું કે અહિંસાનો વિજય થાય છે. સામો પક્ષ શાન્ત બેઠો હતો. તેમના ભણી વિજયભરી દૃષ્ટિ હું કરી રહ્યો. તેઓ તાળીઓ પાડતા ન હતા. મત લેવાતાં હાથ ઊંચા કરવામાં આવ્યા. વિરુદ્ધ પક્ષના કેટલા ય સભ્યોએ હાથ ઊંચા કર્યા : અને ભારે બહુમતી સાથે એ કલમ પસાર થઈ.

‘સામે બેઠેલા મારા મિત્રે હવે વિચાર કરવાનો છે કે તેમને અહિંસા વિરુદ્ધ હજી આગ્રહ રાખવો છે કે નહિ.’ મેં વિજયથી ઉન્મત્ત ન બનતાં સલુકાઈથી કહ્યું.

‘કાયદામાં દાખલ થઈ ચૂકેલો સુધારો મારા ઉપર હુમલો કરે તે પહેલાં આ ધારામંદિરમાં આશ્રય લઈ મારા મિત્ર મુખ્ય પ્રધાનને એક જ સૂચના કરવાની છે. અહિંસાની સ્થાપના માટે તમે કહેવાતા અહિંસકો હિંસાની જ પુનઃપ્રતિષ્ઠા કરો છો !’

‘નામદાર અધ્યક્ષ ! એ દલીલ મેં ઘણી યે વાર સાંભળી છે. હિંસા એના છેલ્લા પગ ઉપર ઊભી છે. એને પૂરી ઉથલાવી પાડવા ધક્કો મારવાની જરૂર હોય તો તેથી અમારી અહિંસા ડરશે નહિ. અહિંસાની સ્થાપના હિંસાની હિંસાથી જ થઈ શકે.’ મેં મુખ્ય પ્રધાન તરીકે કહ્યું.

‘પણ તે આવી બળજબરીથી ?...’

અને મારી આખી સભા ઊડી ગઈ. મારી પુત્રીનો કંઠ મેં સાંભળ્યો. એ કાંઈ અહિંસાની વાત કરતી હતી.

‘શા માટે નહિ ? અમે સામ્યવાદીઓ બળજરીથી પણ લોકનું ભલું કરવાના જ.’ મારા પુત્રનો કંઠ સંભળાયો.

અને મારી ખાતરી થઈ કે અહિંસાને માટે મેં રજૂ કરેલી કલમ જ્યાં સુધી ફૉજદારી કાયદામાં દાખલ નહિ થાય ત્યાં સુધી અહિંસાની સ્થાપના અશક્ય છે !