← અહિંસાનો એક પ્રયોગ રસબિંદુ
સફળ ધંધો
રમણલાલ દેસાઈ
૧૯૫૭
રૂપૈયાની આત્મકથા →




સફળ ધંધો


ધંધો કરવામાં નાનમ હોવી ન જોઈએ. જેટલા ધનિકોનાં નામ હું સાંભળું છું એટલા સર્વ મહેનતુ, દક્ષ, કુનેહબાજ અને ધીરજવાન હોય છે. ખભે કાપડના થેલા નાખી ફેરી કરતો એક સમયનો અભણ છોકરો આજ છસાત મિલનો માલિક બની અનેક ભણેલાઓ પાસે ચોપડા લખાવે છે, અને પોતાની ત્રીજી કે ચોથી વારની પત્નીને નૃત્યનું શિક્ષણ અપાવે છે. રસોઈ કરવા રહેલો ચબરાક બ્રાહ્મણ છોકરો માલિક મર્યા પછી એના છોકરાનો વાલી નિમાયલો મેં જોયો છે... અરે માલિકના જ પલંગમાં સૂતેલો મેં જોયો છે. એક ચોપદાર પંદરવીસ વર્ષે કારભારી બન્યો, અને દેશી રાજ્યોના દીવાનોની સભામાં ભાષણ કરતો મેં સાંભળ્ળ્યો. એક નટી સો રૂપિયામાં સ્ટેજ ઉપર તથા મેનેજર સામે પ્રેમના હાવભાવ કરતાં થાકી જતી હતી; આજે અનેક મૅનેજરો એને પંખા નાખે છે અને મોજડી પહેરાવે છે. જાદુના ખેલ કરતાં કરતાં જ્યોતિષી બનેલો એક સાહસિક સાધુ બન્યો, અને શિષ્યોએ એને સોને તોળ્યો. એટલે કે એના વજન જેટલું સોનું એને કરી આપ્યું. આજ એ કોઈને પુત્ર, કોઈને ધન અને મોટા ભાગને આશીર્વાદ આપતો પહેલા વર્ગની ગાડીમાં ફરી આધ્યાત્મિક માર્ગનું જગતને દર્શન કરાવે છે.

એટલે મારું કહેવું એમ છે કે ધીરજનાં ફળ મીઠાં હોય છે. પેલી અંગ્રેજી કહેવત ‘યુદ્ધમાં તેમ જ પ્રેમમાં જે કાંઈ સારું માઠું કરો એ ન્યાય જ છે.’ તેમાં એક સુધારો કરવાની જરૂર છે કે ‘યુદ્ધમાં, પ્રેમમાં અને ધંધામાં જે કાંઇ સારું માઠું કરો એ ન્યાય જ છે.’ એ સિદ્ધાંત જો ન સ્વીકારાય તો ધનાર્થીને ધન ન મળે, કીર્તિ વાંચ્છનારને કીર્તિ ન મળે, સતાશૉખીનને સત્તા ન મળે… અરે સામાન્ય માનવીને આછો રોટલો પણ ન મળે ! મને તો ખાતરી થઈ છે કે ઈશ્વરને મેળવવામાં સાધુઓ અને સત્પુરુષો પણ કંઈ કંઈ કુનેહભર્યા કિસ્સા કરતા હશે ! ખુદ નરસિંહ મહેતાને જ સંભારો ને ?

પરંતુ ઈશ્વરને આપણા નિત્યવ્યવહારમાં લાવવાની જરૂર જ નથી. ઈશ્વર કઈ ઢબે આપણા વ્યવહારમાં ઉપયોગી થઈ પડે છે એની સમજ પડતી નથી. એટલે હું અજ્ઞેયવાદી બની ગયો છું. ઈશ્વરથી ડરી ડરીને હું ચાલ્યો, પ્રામાણિક અભ્યાસ કર્યો ત્યારે હું ગ્રેજ્યુએટ તો થયો. પરંતુ મારો એક સાથીદાર પ્રત્યેક વર્ષે વગર વાંચ્યે ચોરી કરીને પરીક્ષા પસાર કરી ઊંચા વર્ગનો ગ્રેજ્યુએટ બન્યો ! મહા મહેનતે મને શિક્ષકની નોકરી મળી અને મારા એ મિત્રને જોતજોતામાં એક વીમા કંપનીના મૅનેજર તરીકે મોટરકારમાં ફરતો જોયો. એટલું જ નહિ, કલા પ્રદર્શનોનાં ઉદ્‌ઘાટન કરી કલાનિપુણ તરીકે એણે નામ પણ મેળવવા માંડ્યું હતું ! – જોકે લોકોના મોત ઉપર સટ્ટો રમતા વીમાને અને કલાને કેમ સંબંધ બંધાય તે હું સમજી શક્યો ન હતો. પરંતુ એ સરખામણીનો કશો અર્થ નથી. ઈશ્વરને માથે રાખી આપણે મહેનત કર્યે જવી એ ધૂનમાં મેં શિક્ષક તરીકે ઠીક સકળતા એટલે વિદ્યાર્થી પ્રિયતા મેળવી, અને મારા સંતોષ વચ્ચે મેં જોયું કે હું ત્રણ ટ્યૂશનો પણ મેળવી શક્યો છું.

‘ત્રણ ટ્યુશનો ? માસ્તર, એ નહિ બને.’ અમારા પ્રિન્સિપાલે મને એક દિવસ પોતાની ઓરડીમાં બોલાવી ધમકાવ્યો.

મને સમજ ન પડી. ત્રણ ટ્યુશનો શા માટે ન બને ? મારા જીવનમાં એ બનતું જ હતું ! પછી ?

‘સાહેબ ! મને સમજ ન પડી કે આપ શું કહેવા માગો છે.’ મેં જવાબ આપ્યો.

‘ત્રણ ટ્યુશનો આપી તમે નિશાળમાં શીખવવાના શું છો ?’ ‘મારા વર્ગનું પરિણામ તો સારું આવે છે.’

‘તે તમારા શીખવવાથી આવે છે, એમ ?’

‘વર્ગમાં જેને ન આવડે તે ભલે ટ્યૂશન માટે આવે. ત્રણને શીખવું છું તેમ હું ત્રીસને શીખવીશ.’

‘એક કરતાં વધારે ટ્યૂશન જેટલાં હોય એટલાં છોડી દો, માસ્તર !’ પ્રિન્સિપાલે કહ્યું.

હિદું મુસલમાનને એકપત્નીવ્રત પાળવાનો કઢંગો હુકમ થતો હોય એમ મને લાગ્યું.

‘સાહેબ ! કાલે ઊઠીને આપ કહેશો કે એકપત્ની... મારું કહેવાનું એમ કે... એક જ ટંક તમે જમજો ! એ કેમ બને ? એક એક ટ્યૂશને એક એક ટંકનું જમવાનું નીકળે છે, અને ત્રીજા ટ્યૂશનમાંથી બે વારની ચહા ઊભી કરું છું.…’

‘પગાર ક્યાં નાખો છે ?’

‘મારાં માબાપને મોકલું છું – પરગામમાં.’

‘તે તમારે માબાપ પણ છે ?’

‘હા જી; વૃદ્ધ બાપ છે અને અર્ધવૃદ્ધ સાવકી મા છે. બીજું કોણ કોણ છે તે ગણાવું ?’

‘તે તમે હિંદુઓ uneconomic – ન પોસાય એવા સંબંધો બાંધો એમાં અમે શું કરીએ ? અમારે તો અમારી શાળાનું ભવિષ્ય વિચારવાનું છે !’ પ્રિન્સિપાલ જાતે હિંદુ હતા. છતાં તેમણે મારા હિંદુત્વ ઉપર હુમલો કર્યો. મારાથી એ સહન ન થયું. મેં જવાબ આપ્યો :

‘ત્યારે એમ કરો ને, સાહેબ ? પગારના પ્રમાણમાં શાળાના કલાક દરેકને ઠરાવીને આપો. આપ પાંચસો લો છો તો અઠવાડિયે પચાસ કલાક તમે શીખવો...’

પ્રિન્સિપાલે મને બહાર નીકળવાની તીવ્ર વિનંતિ કરી, અને હું બહાર નીકળ્યો નહિ હોઉં એટલામાં તો મને નોકરીથી છૂટા કર્યાનો લેખી હુકમ મળ્યો. મને લાગ્યું કે હું તમ્મર ખાઈ પડીશ. નોકરી ખોવી એ ઘણી વાર જીવ ખોવા જેટલું જ દુઃખદ પ્રસંગ હોય છે.

મને થતું રૂંધામણ અટકાવવા હું શાળાના મકાનની બહાર નીકળ્યો, અને ખાવામાં હવે માત્ર હવા જ રહેલી હોવાથી મારા પગે યંત્રની માફક મને એક સાર્વજનિક બગીચામાં ખેંચ્યો. શૂન્ય મન સાથે હું એક બેઠક ઉપર કેટલી વાર બેઠો એની મને ખબર ન પડી. પરંતુ સંધ્યાકાળના દીવા દૂર દૂર પ્રગટ્યા તો ય મને ત્યાંથી ઊભા થવાનો ખ્યાલ આવ્યો નહિ. અંધારામાં ધીમે ધીમે મારા જાગ્રત થતા મને અનેક ધંધા રોજગાર બતાવ્યા, જેમાં ચોરી, ધાડ, લૂંટ, ખોટા લેખ, નામની કંપનીઓ, અને છેતરપિંડીના સઘળા જાણીતા પ્રકારો ઓછેવધતે અંશે આવી જતા હતા. બેકારી સઘળા ગુનાઓનું મૂળ હશે ? કે ધનિક થવાના બધા જ રસ્તા ફોજદારી કાયદાની કલમમાં થઈને જ લંબાતા હશે ?

બગીચો અવરજવર હીન બની ગયો હતો તેનું કશું ભાન મને રહ્યું ન હતું, છતાં એકાએક મને ખડખડાટ હસવું કેમ આવ્યું ?

મારી પાસે આવીને કોઈ માણસ બેસી ગયો હતો અને પાંચ દસ મિનિટથી ફૂલ સરખી સુંવાળી આંગળી વડે મારા ખિસ્સાંને તપાસતો હતો ! મને કશું જ ખોવાની ફિકર ન હતી એટલે મેં એને હાલ્યાચાલ્યા વગર એનો પ્રયોગ કરવા દીધો. પરંતુ મારાથી છેવટે રહેવાયું નહિ અને અંધારામાં મેં મુક્ત હાસ્યનો પ્રકાશ વેર્યો.

‘મહેરબાન ! તમે ખોટા માણસનું ખિસ્સું ફંફોસો છો.’ હસી રહીને મેં કહ્યું.

‘કેમ ?’ પાસે બેઠેલા માણસે સામો પ્રશ્ન કર્યો.

‘પગારદાર માણસોનાં ખિસ્સાં દસમી તારીખ સુધીમાં તો ખાલી થઈ જાય છે. કાતર કે ચપ્પુની ધાર એમનાં કપડાં કાપવામાં એ તારીખ પછી કદી બગાડશો નહિ.’

‘તે તમે પગારદાર માણસ છો ?’

‘આજ તો એ ઇલકાબ પણ મને લાગુ પડે એમ નથી. હું મટી ગયો છું.’

‘મને લાગ્યું ખરું. માટે જ મેં તમારું ખિસ્સું તપાસ્યું.’

‘એટલે ?’

‘અંધારામાં તમારું મુખ તો ન દેખાયું, પરંતુ તમે દુઃખમાં છો એ હું જોઈ શક્યો.’

‘એમ ? પણ મારા દુઃખના વિચારે તમારા હાથ મારા ખિસ્સા તરફ કેમ આકર્ષાયા ?’

‘પૈસા સર્વ દુઃખને ટાળે છે એ હું જાતઅનુભવથી જાણું છું.’

‘તમે પણ બેકાર છો, શું ?’

‘ના. હું બેકારોને સારી સહાય આપું છું.’

‘સાહેબ ! પારકા ખિસ્સામાં હાથ નાખ્યા વગર સહાય આપો તો ન ચાલે ?’

‘હું ખાતરી કર્યા વગર સહાય આપતો નથી. અને ખિસ્સાં, ખાનાં કે તિજોરી તપાસ્યા વગર મને ખાતરી શી રીતે થાય ?’

‘ત્યારે મને હવે આપની સહાય મળશે જ, નહિ ?’ આ ખિસ્સાકાતરુની હિંમત ઉપર આફરીન થઈ હસતાં હસતાં મેં કહ્યું.

‘મળશે એટલું જ નહિ, મળી જ ગઈ છે.’

‘શું કહો છો ? કેવી રીતે ?’ મને જરા આશ્ચર્ય થયું.

‘તમારા ખિસ્સામાં તમે જ હાથ નાખી જુઓ ને ? મેં સહાય કરી છે તેની તમને આપોઆપ ખબર પડશે.’

‘મેં તત્કાળ ખિસ્સામાં હાથ નાખ્યો. બરતરફીનો હુકમ તો મેં ફાડી નાખ્યો હતો. એમાં ક્યાંથી નવો કાગળ આવ્યો ? મેં કાગળ બહાર કાઢ્યો. સહજ ચીકણો, જલદી ફાટે નહિ એવો… શું એ ‘નોટ’ તો નહિ હોય ? મને અંધારામાં પણ થોડા આંકડા દેખાયા.

‘એ નોટ છે. દસ જ રૂપિયાની. મારી પાસે વધારે હોત તો હું વધારે મૂકત.’ એ વિચિત્ર ગૃહસ્થે કહ્યું.

ખરેખર, એ નોટ જ હતી !

‘હું જેને ખિસ્સાકાતરુ માની રહ્યો હતો એ તો કોઈ અજબ પરમાર્થી પુરુષ નીવડ્યો. મેં એનો અવિશ્વાસ કરવામાં કેટલી ભૂલ કરી ?

‘માફ કરજો, સાહેબ ! પણ આવી અણધારી ઢબે…’ મેં કહ્યું.

‘આ જ રીતે આપણે એકબીજાને સાચા ઉપયોગમાં આવી શકીએ. અરજીઓ મંગાવીને મદદ કરવામાં હું બહુ છેતરાયો છું.’ તેમણે મને બોલતો અટકાવી કહ્યું.

‘હું આપનો આભાર માનું છું. આજ સાંજે જ મારી નોકરી ગઈ. આપના દસ રૂપિયામાં પાંચેક દિવસ ગાળીશ. પણ છઠ્ઠે દિવસે...’ મેં મારા ભવિષ્યનો માર્ગ ખુલ્લો કરવાની આશાથી આ પરમાર્થી ગૃહસ્થને વાત કરી.

‘કોઈનું ગાડું અટકતું નથી. છ દિવસમાં. આપણું ભાગ્ય છ હજાર ગાઉની મુસાફરી કરી શકે.’ મને આશ્વાસન મળ્યું.

‘પણ સાહેબ ! એ તો રેલગાડીમાં સતત ફરીએ ત્યારે. અમને તો ગાડાં પણ ન મળે. પગે ચાલીને તો સાઠ ગાઉ પણ છ દહાડામાં ન પહોંચાય.’

‘આપણે કદી મળ્યા હોઈશું ?’

‘ના જી. આ પહેલી જ સહાય આપે આપી છે.’

‘ક્યાં નોકરી કરતા હતા ?’

‘કલા ક્રાન્તિ કંદરામાં !’

‘તમારું નામ રમેશ તો નથી ને ?’

આ વિચિત્ર પુરુષ મારું નામ પણ જાણી ગયો ? એને જરૂર મંત્રસાધના હોવી જોઈએ. વાત કર્યા વગર મારું મન સમજી લે અને મને બેકારીમાંથી બચાવે તે કેવું સારું ?

‘હા જી. પણ મને આપ શી રીતે ઓળખો ?’

‘શી રીતે ઓળખું ? ભલા માણસ ! તારો અવાજ ને તારી બોલ-લઢણ આજ નવાં ઓળખવામાં નથી ?’

‘આપ કોણ ?’

‘મને નથી ઓળખી શકતો ?’ ‘ના જી. આપના અવાજમાં વિજયની સ્થિરતા છે. મારા કોઈ મિત્રમાં એવી....’

‘સુરેશ યાદ આવે છે ?’

‘સુરેશ? અલ્યા ચોરી કરીને ગ્રેજયુએટ થયો હતો તે ?’

‘હા, અને તારાથી ઉપલો વર્ગ મેળવ્યો હતો તે !’

‘મને આમ રમાડવાનું કાંઈ કારણ?’

‘હજી વધારે રમાડીશ, પણ અત્યારે વખત નથી. અને તને પણ બહુ મોડો ઓળખ્યો.’

‘સુરેશ ! તારી વીમા કંપનીનું શું થયું ?’

‘લોકોનાં જીવનમરણ ઉપર તે નિર્ભર છે.’

‘અને તારો કલાશોખ...’

‘નફાકારક નીવડે છે. ચાલ, તારો પણ લાભ એમાં લઈએ.’

‘મારે અને કલાને કશો જ સંબંધ હોય એમ માનીશ નહિ.’

‘પણ તારા પ્રિન્સિપાલને અને કલાને તો સંબંધ છે ને ?’

‘હશે ખરો. કંઈ જૂની મૂર્તિઓ, જૂનાં ચિત્રો, જૂની વસ્તુ ઓનો એ શેખ ધરાવે છે. જીવતી દુનિયા એને ગમતી નથી એટલે એ સ્મશાનો શોધે છે.’

‘એક કામ ન કરે ?’

‘તેં દસ રૂપિયા મને આપ્યા, એટલે આજનો દિવસ તો તું મારી જિંદગી પણ માગી શકે.’

‘તેનો મારે બહુ ખપ નથી. તું એટલું કર; અત્યારે જ તારા પ્રિન્સિપાલની પાસે જા, અને તારા તરફથી એટલું કહે કે પેલી હીરા ઉપર કોતરેલી નાની મૂર્તિના હું બે હજાર વધારે આપીશ.’

‘તું જ કહી આવ ને?’

‘હું લડીને આવ્યો છું અને સંભવિત છે કે તને એ વાતચીતમાંથી તારી ગયેલી નોકરી પાછી મળે !’

મને ટ્યૂશનની પણ ના પાડનાર પ્રિન્સિપાલ જૂની વસ્તુઓ વેચવાનો પણ ધંધો કરતા હશે એની મને શી ખબર? અને મારા જૂના મિત્ર સુરેશને એક નવી રાજગાદી પામેલા યુવાન રાજા તરફથી વીમા ઉપરાંત એ મૂર્તિનો સોદો કરવાનું કાર્ય પણ દલાલી પેટે મળ્યું હશે એનો પણ મને શો ખ્યાલ ? પરંતુ દુનિયામાં અનેક પ્રકારના ચાલતા ધંધાઓમાં આ પ્રકારનો ધંધો પણ ચાલે છે! એમાં મારે આશ્ચર્ય સેવવું ન જોઈએ. દત્તક લેવાઈ ગાદી ઉપર બેસી રાજા બનેલા એક અર્ધ ભલા અને મોટાભાઈના ખ્યાલવાળા ભાયાતપુત્રની બાલ્યાવસ્થામાં અમારા પ્રિન્સિપાલ તેના શિક્ષક હતા, અને અડધા મહિનાનો રોકડ પગાર તથા દોઢ મહિનાના પગાર પેટે દાણા લઈ એ નોકરીથી કંટાળી ‘કલાક્રાન્તિકંદરા’ નામની સંસ્થા સ્થાપી શિક્ષણને બદલે નૃત્ય, ભાવ અને નાટકોમાં વિદ્યાર્થીઓને દોરી નામના મેળવી ચૂક્યા હતા. દત્તક લેવાયા પહેલાંના એ ભાયાતપુત્ર સુરેશની પણ મૈત્રી સાધી શક્યા હતા. અને રાજા બન્યા પછી સુરેશના કલા- શૉખ આધારે કલાસંગ્રહ રાખતા થયા હતા. જોકે સંગ્રહેલી વસ્તુઓ તેઓ ઝડપથી વિસારે પાડતા હતા અને સુરેશના સંગમાં નશાની આછી અસર નીચે ભેટ પણ આપી દેતા હતા. સુરેશનાં બંગલા, મોટરકાર તથા મુસાફરીઓમાં આ રાજમૈત્રીનો પણ કેટલોક ફાળો હોવો જોઈએ એમ મને લાગ્યું.

આવા અનેક ધંધા કરવાની સહુને છૂટ ! અને શિક્ષકોનાં ટ્યૂશન ઉપર કાપ ! શિક્ષકોએ માનવજાતનું શું બૂરું કર્યું છે?

સુરેશની કારમાં બેસી હું એની સાથે પ્રિન્સિપાલને ઘેર ગયો. કારમાં સુરેશ બેસી રહ્યો અને મેં સુરેશના કાર્ડ ઉપર મારું નામ લખી અંદર મોકલાવ્યું. અંદરથી હુકમ આવ્યો કે રાત્રે પ્રિન્સીપાલ કોઈને મળતા નથી.

‘રાતને એટલું બધું મહત્વ આપવાની જરૂર નથી. કહો કે હું એવા કામે આવ્યો છું કે મળ્યા વગર પાછા જઈશ નહિ.’ મેં નોકરને કહ્યું.

ગુસ્સે થયેલા પ્રિન્સિપાલ બહાર આવ્યા અને મને ધમકાવીને કહેવા લાગ્યા : ‘સુરેશની ચિઠ્ઠી લઈને આવો છો, પણ હું કોઈની ચિઠ્ઠી માનતો જ નથી. મારી સંસ્થામાં હવે તમને સ્થાન છે જ નહિ!’

‘આપની ભૂલ થાય છે, સાહેબ ! હું નોકરીમાં દાખલ થવા માટે આવ્યો જ નથી, હું સુરેશ તરફથી આપના લાભનો સંદેશો લઈ આવ્યો છું.’ મેં કહ્યું.

‘સંદેશો? શો છે ? આવો અંદર.’ કહીં કડવું મુખ રાખી તેઓ મને તેમના દીવાનખાનામાં લઈ ગયા. માનવીના મુખ ઉપરની કડવાશ ખરેખર જોઈ અનુભવી શકાય છે.

‘હીરાની મૂર્તિ સંબંધી વાત કરવા મને મોકલ્યો છે.’ બેસતાં બેસતાં મેં કહ્યું.

‘તમારે અને સુરેશને શો સંબંધ?’ તેમણે ઝીણી આંખો કરી પૂછ્યું.

‘અમે જૂના મિત્રો. મારા લખાણમાંથી ચોરી કરી એ ઘણું ખરું પાસ થતો.’

‘એણે શું કહેવરાવ્યું છે?’

‘મૂર્તિના બે હજાર વધારે આપશે.’

‘ચાલો, એમ તો એમ. મારી અને એમની વચ્ચે બહુ તફાવત ન રહ્યો. એમને કહેજો કે દસ હજાર સુધીનો સોદો આવતી કાલની રાત સુધી મંજૂર. પણ તે પછી એ રકમ વધે ખરી !’

‘એની સાથે સારાસારી રાખવામાં જ માલ છે. અમે ભણતા ત્યારે એની ચોરી પકડનાર શિક્ષકો અને પ્રોફેસરોને પણ એ ચોર ઠરાવતો.’

‘પ્રામાણિકતાનો કશો ભય જ નથી.... અને તમે શાળામાં આવજો ને કાલથી!’

‘પણ સાહેબ ! ટ્યૂશન વગર કેમ ચાલશે?’ મને નવાઈ લાગી. બરતરફીનો હુકમ કરનાર પ્રિન્સિપાલ આજ નાની વાતમાં એ ઠરાવ ફેરવી મને પાછા નોકરી આપતા હતા ! સુરેશના નામમાં કાંઈ જાદુ રહ્યો હોય એમ મને લાગ્યું. ‘એ તો જોયું જશે. તમારા પગારમાં જ વખત આવ્યે વધારો કરીશું. એટલે થોડા વખત પછી તમને ટયૂશનની કોઈ જરૂર જ નહિ રહે.’

‘હું આભાર માનું છું, અને રજા લઉં છું.’ મેં કહ્યું.

‘તમે એ મૂર્તિ જોઈ છે?’

‘ના જી.’

‘જુઓ તો ખરા. સાચા હીરા ઉપર વાંસળી વગાડતા કૃષ્ણની મૂર્તિ કોરી છે. હીરાના ભાવ ઘટ્યા, નહિ તો એની કિંમત બમણી આવત.’ કહી તેમણે અંદર જઈ એક મૂર્તિ લાવી મને બતાવી. મને ખરેખર એ કલા માટે માન ઉત્પન્ન થયું. મારી પાસે સાધન હોત તો હું દસના બાર હજાર આપી એ લઈ લેત. પણ એ કલાકૃતિ કરતાં વધારે જડ વસ્તુઓ માટે મારે પૈસાની જરૂર હતી.

‘જોયું હીરાનું પાણી ?’ પ્રિન્સિપાલે કહ્યું.

મેં હા પાડી – જોકે હીરામાં પાણી હોય છે કે નહિ તેની મને ખબર ન હતી.

‘કેમ, જશો ?’ તેમણે પૂછ્યું.

‘સુરેશની કાર બહાર ઊભી છે.’

‘સુરેશભાઈ અંદર છે શું ?’

‘હા.’મારાથી સાચું બેલાઈ ગયું

‘એમ? મને મળ્યા વગર તો હું ન જવા દઉં. એમને મારા ઉપર ખોટું લાગ્યું છે.’ કહી તેઓ મારી સાથે કાર પાસે આવ્યા.

‘કેમ રમેશ? પેલા મારવાડીએ શું કહ્યું?...ઓહો ! પ્રિન્સિપાલ સાહેબ, તમે છો કે ?’

‘હજાર બે હજાર માટે હું તમને નાખુશ કરું ખરો ? રમેશ- ભાઈએ કહ્યું અને દસ હજારમાં મેં હા પાડી દીધી. તમે નકામા હઠે ભરાઈ ચાલ્યા ગયા.’ પ્રિન્સિપાલે કહ્યું,

‘અને એ રકમ પણ આવતી રાત સુધીની જ છે, સુરેશ!’ મેં કહ્યું.

‘આપણે આવતી રાત પણ કરવી નથી ને ! અબઘડી પૈસા આપી દઉં.’ સુરેશે કહ્યું.

‘તો આવો ને ઘરમાં.’ પ્રિન્સિપાલે કહ્યું.

‘હવે ઘરમાં નથી આવવું. અહીં જે થાય તે ખરું. એક હાથમાં મૂર્તિ લઉં અને બીજે હાથે રૂપિયા આપું.’

‘મૂર્તિ તો ઘરમાં છે.’

‘રમેશ ! આટલું મારું કામ ન કરે ? મૂર્તિ લેતો આવ અને રૂપિયા આપતો આવ.’ સુરેશે કહ્યું.

મારા હાથમાં નોટાનો મોટો ચોડો સુરેશે મૂક્યો.′

‘તમે કહ્યા એનાથી સો રૂપિયા વધારે છે, હો !’ સુરેશે કહ્યું. અને હું તથા પ્રિન્સીપાલ ઘરમાં ગયા. તેમણે મૂર્તિ લાવી મારા હાથમાં મૂકી અને મેં નોટો ગણી પ્રિન્સિપાલના હાથમાં આપી. અનેક નોટો ગણનારની સફાઈથી ચૉડાની નોટોના માત્ર આંકડા ગણી તેમણે એ ચોડો ખિસ્સામાં મૂક્યો.

‘કાંઈ લેખ નથી કરવાનો ?’ મેં પૂછ્યું.

‘ક્યાં કોઈનો અવિશ્વાસ છે? કાલે કરી લઈશું. એમાં વળી, ઉતાવળ શી ?’

પ્રિન્સિપાલને મારી જોડે આવતા રોકવાનો વિવેક કરી હું કાર પાસે આવ્યો અને પેલી મૂર્તિ અત્યંત સંભાળપૂર્વક મેં સુરેશના હાથમાં મૂકી, અને અમારી કાર આગળ ચાલી. મારા મકાન પાસે મને ઉતારતાં સુરેશે ધીમે રહી મને કહ્યું :

‘જો, રમેશ ! આમ મળતો રહેજે. મારી સોબતમાં તને નોકરી પાછી મળી.’

‘તારો આભાર માનું છું. ઉપરાંત પેલી દસની નોટ...’

‘એ યાદ જ ન કરીશ.’ કહેતાં તો તેની કાર સડસડાટ ચાલી ગઈ.

‘મને બહુ સરસ નિદ્રા આવી. સ્વપ્નામાં એક હીરાનું મંદિર બંધાવી તસુએ તસુ જગામાં આખું ભાગવત કોરાવાનો મેં લહાવો લીધો.

બીજે દિવસે શાળાના કમ્પાઉન્ડમાં પેસતાં જ એક શિક્ષકે મને રોક્યો.

‘જશો નહિ. તમને પોલીસસ્વાધીન કરવાના છે.’

‘કારણ?’

‘ખબર નથી. પણ કાંઈ ઠગાઈ તમે કરી એવું સંભળાય છે.’

સુરેશે આપેલી દસ રૂપિયાની નોટના જોર ઉપર એક ટેક્સી કરી હું સુરેશ પાસે દોડ્યો. મને હાંફળાફાંફળો આવતો જોઈ સુરેશના મુખ ઉપર સ્મિત ફરી વળ્યું, અને તેણે કહ્યું :

‘કેમ, કેમ રમેશ ? આટલો ગભરાટ...’

‘અરે શું ગભરાટ ? ઝેર ખાવાનો વખત આવ્યો...’ મેં કહ્યું.

‘આપણે ત્યાં ઝેર મળે નહિ અને ઝેર ખાવાની કોઈને સલાહ આપીએ નહિ. જો, હું તારે માટે શરબત મંગાવું.’

‘મારે તો કાંઈ પીવું નથી. મને તો પોલીસમાં પહોંચાડે છે!’

‘કોણ?’

‘અમારો પ્રિન્સિપાલ!’

‘શા માટે?’

‘કાંઈ ઠગાઈ મારાથી...’

‘હજી સુધી તું આવો ને આવો જ ગભરાટિયો રહ્યો ! જા, નિરાંતે તારી શાળામાં, અને તને કોઈ ઠગાઈ કે પોલીસની વાત કરે તો એટલું જ કહેજે કે જે કારખાનામાં એ જૂનો હીરો બન્યો ત્યાં જ મારી નવી નોટ્સ બની છે.’

હું પ્રથમ ચમક્યો; પછી સમજ્યો અને શરબત પી પાછો ટેક્સી કરી શાળામાં આવ્યો. પ્રિન્સિપાલ મારી રાહ જોતા કંપાઉન્ડમાં જ ફરતા હતા.

‘તમારી પાછળ મેં માણસે મોકલ્યાં છે.’ તેમણે કહ્યું.

‘કારણ?’

‘તમને નાસી જતા અટકાવવા.’ ‘હું શા માટે નાસી જાઉં ?’

‘તમે અને સુરેશે બંનેએ મળી મને ઠગ્યો છે. દસ હજારની ખોટી નોટો મને આપી...’

‘અરે સાહેબ ! ઠગાઈ તો અમે કરી જ નથી. જે કારખાનામાંથી જૂની કારીગરીનો હીરો તમે બનાવ્યો ત્યાં જ સુરેશે નવી નોટ્સ બનાવી છે.’

‘મને ધમકી આપવા માગો છો?’

‘એ તો જે માનવું હેાય તે માનો. પણ હું તમને સહુને ખૂબ વફાદાર નીવડીશ – જો મને નોકરીમાં ચાલુ રાખશો તો !’

‘નોકરી ? હવે ?’ પ્રિન્સિપાલે ગુસ્સે થઈને કહ્યું.

‘હવે જ મારી ખરી જરૂર છે. પેલા રાજાને ઘેર તમારો હીરો ટકશે ત્યાં સુધી વખણાયા કરશે અને તમારી પાસે નવી માગણીઓ આવશે. સુરેશને દસ હજાર સાચા મળશે–રાજા તરફથી કદાચ ઈનામમાં થોડું વધારે પણ મળે. અને તમારી નોટ્સ હું વરસ દિવસમાં ખરી બનાવી દઉં.’

‘ખોટી નોટ્સ ખરી કેમ બને ?’

‘મને એ સોંપી દો.’

‘પણ તમે કરશો શું ?’

‘આપણી સંસ્થામાં મહિને હજારનો તો પગાર થાય; એમાં બસો સેરવી દઈશું. હજારની ફી આવે એમાં બસોની નોટ્સ ખોટી આવી એમ કરી વિદ્યાર્થીઓના વાલીઓને પધરાવી દેવાશે. આમ એક વર્ષમાં અડધી નોટ્સ કાઢી નાખશું. બીજે વર્ષે એનું એ.’

કલાના શોખીન પ્રિન્સિપાલની બાવરી બનેલી આંખ જરા સ્વસ્થ થઈ, અને મને શાળામાં ચાલુ રાખવાનો હુકમ પણ મળ્યો.

ત્યારથી હું એ સંસ્થામાં ચાલુ રહ્યો છું. એટલું જ નહિ, પણ વાઈસ પ્રિન્સિપાલનો હોદ્દો ભોગવી સુરેશની વીમા કંપનીનો એજન્ટ પણ બન્યો છું. એટલું જ નહિ, પેલા રસિયા રાજવીના સુપુત્રને મારે ઘેર જ રાખી ટ્યૂટર કે કંપેનિયનનું કામ કરી હું તેની કાર પણ વાપરું છું.

એટલે મારું કહેવાનું એમ કે ઈશ્વરમાં ન માનો તો જુદી વાત. બાકી માનતા હો તો ‘સાચાનો બેલી રામ’ એ કહેવત બદલી એમ કહેજો કે ‘સહુનો બેલી રામ.’