રસબિંદુ/એક જુલ્મકથા
← હવા ખાવાનું સ્થળ | રસબિંદુ એક જુલ્મકથા રમણલાલ દેસાઈ ૧૯૫૭ |
ગાંડી → |
એક જુલ્મકથા
જોરજુલ્મની વાત ? વાત નહિ, વાર્તા નહિ, કથા નહિ; હું બનતી બીના સંભળાવું. આજ પણ એ બને છે.
ગામને છેવાડે અમને રાખવામાં આવે. આખા ગામનો કચરો અમારા રહેઠાણની બાજુએ નાખવાનો. કામડાંમાંથી, માટીમાંથી કે વખતે કચરામાં ફેંકેલા ટીનના ડબ્બાઓના પતરાંમાંથી અમારાં મકાનો બને. ટાઢમાં અમે થરથરીએ, વરસાદમાં ભીંજાઈએ, તાપમાં સીઝી જઈએ. છતાં અમારાથી બીજે રહેવા જવાય જ નહિ. અમને સારા કહેવાતા લત્તામાં રહેવા કોઈ ઘર તો ન જ આપે, પરંતુ અમને કોઈ ઓટલે કે આંગણે પણ પડી રહેવા ન દે. અમારા નક્કી કરી મૂકેલા વાડામાંથી અમે બહાર જઈ શકીએ જ નહિ. આખા ગામનું પાણી ત્યાં વહી આવે અને ગંદકીભર્યું તલાવડું પણ ત્યાં ભરાય. એની આસપાસ અમારે રહેવાનું.
તમે કહેશો કે આ તો અનારોગ્યનું ધામ ! અમે વળી આરોગ્યને ક્યાં ઓળખીએ છીએ ? અસ્વચ્છ કાર્યો સાથે જ અમારે જીવનભરનો સંબંધ. અમારે જ ગામની ગંદકી સાફ કરવાની, મરેલાં ઢોર ખેંચવાનાં. ઢોરનાં ચામડાં પકવવાનાં અને ખાડા ખોદી શાળ ચલાવવાની. અમારા સિવાય બીજું કોઈ એ કામ કરે જ નહિ. લોકો જન્મસિધ્ધ હક્કની વાત કહે છે; હિંદુઓ સ્વરાજ્યને પોતાનો જન્મસિધ્ધ હક્ક કહે છે. અમારો જન્મસિદ્ધ હક્ક અસ્વચ્છ અને અનારોગ્ય ધંધાઓમાં જીવનભર રોકવાનો !
અમને ન નાવાનું પૂરું પાણી મળે, ન પીવાનું. ગામમાં તો ઘણા ય કૂવા હોય, પણ અમારાથી એ કૂવે પાણી ન ભરાય. અમે ઉકળાટનાં માર્યાં, તરસનાં માર્યાં તરફડતાં હોઈએ, તો ય ગામના કૂવાનાં મબલખ પાણીમાં અમે ઘડો કે ડોલ તો શું પણ આંગળી સુધ્ધાં બોળી શકીએ નહિ ! પાણી તો પ્રભુની આપેલી પ્રસાદી છે, ખરું ? પણ અમે એ પ્રસાદીની પાસે જઈએ તો અમને માર પડે.
તમે ચમકો છો ? હા હા. અમને માર પડે, સારી રીતે માર પડે ! અમને પાણી ભરવા ન દે એ તો ઠીક, પણ અમને કોઈ પાણી આપે પણ નહિ. અમને પૉશે પણ કોઈ પાણી પાય નહિ. એકાદ કાચો કૂવો અમારી મહેનતે ખોદેલો અમારા લત્તામાં હોય; પાણી ગળાય નહિ; કચરો પડે; પાણી ઊતળાં થઈ જાય; ખાડા ખોદીએ કે દૂર નાળામાં પાણી ભરવા જઈએ. અમને ગામના પાણીની બંધી.
અમને પાણી જ ન મળે તો બીજાં કયાં સાધનો મળે ? દવા મોંઘી પડે. વૈદો કે દાક્તરો અમને ઊભાં પણ ન રાખે. વૈદો અમને અડકે નહિ અને દાક્તરો તો એમના સ્પર્શને એટલો મોંઘો બનાવે છે કે એમનો વિચાર અમારાથી થઈ શકે જ નહિ. અમારી સારવાર કોઈ કરે જ નહિ. ભૂવા કે ડામ દેનાર ઊંટવૈદો સિવાય અમને કોઈ ઊભાં જ ન રાખે.
પુષ્ટિકારક ખોરાક અમારે ખાવો જોઈએ એમ તમે કહો છો ? અમને પૂરો ખોરાક ન જ મળતો હોય ત્યાં પુષ્ટિકારક ખોરાકની વાત કેવી ? અમે એવા દેશના સુપુત્રો છીએ કે જ્યાં અડધી વસતી એક ટંકનો ખોરાક પણ મુશ્કેલીએ મેળવી શકે છે, પા વસતી દોઢ ટંક અને બાકીનાને જ બે ટંક જમવાનું. એમાં અમારો પત્તો ક્યાં લાગે ?
ખોરાક મફત મળતો નથી; એને માટે પૈસા જોઈએ. પૈસા માટે મજૂરી કરી અને દેહ તોડીએ છીએ પણ એમાંથી મળતર કેટલું ? જમીએ છીએ એવો અનુભવ અમારી આખી જિંદગીમાં અમને થતો નથી.
અમે બરાબર મહેનત નહિ કરતા હોઈએ એમ તમે ધારો છો ? દેહ ઘસાઈ જતાં સુધી અમે મજૂરી કરીએ છીએ એની હું તમને સોગન ઉપર ખાતરી આપું છું. અમારું ઘણું આરોગ્ય અમારી મહેનતને જ લીધે સચવાય છે. પણ દેહ એ મહેનત ક્યાં સુધી વેઠે ? કુદરત ત્રીસ પાંત્રીસ વર્ષ સુધી યારી આપે; પછી તો શ્રમજીવન એકદમ અમને વૃદ્ધ બનાવી દે છે. અમારાં ચાળીસ વર્ષનાં માનવી સુખી વર્ગનાં સિત્તેર વર્ષનાં માનવી જેવાં લાગે છે – એથી યે ખરાબ.
અક્કલવાળી મહેનત અમારે કરવી એવી સહુની સલાહ મળે છે. પરંતુ એ અક્કલ અમારે લાવથી ક્યાંથી ? અમે અમારા જથામાં જ પુરાઈ રહીએ. બહાર નીકળીએ ત્યારે ગાળો ખાવા કે ગાળો ખાઈ ગાળો દેનારની મજૂરી કરવા. અક્કલવાળાં સ્ત્રીપુરુષો અમને જોઈ હસે, તિરસ્કાર કરે, અને પોતાની અનિષ્ટમાં અનિષ્ટ બાજુ જ અમને બતાવે. ભાવ ઊપજે એવું વર્તન અમે કોઈનું યે દેખીએ નહિ. ભાવ વગર અમને અક્કલ કોણ આપે ? અને આપે તો એ અક્કલ કેટલી પહોંચે ?
ભણીએ ગણીએ તો સારું ખરું. પણ અમને ભણાવે કોણ ? અમને કોઈ શાળામાં પ્રવેશ ન મળે. પ્રવેશ મહા દુઃખે પામીએ તો આખા ગામના નિશાળિયા પડતાલ ઉપર જાય અને શિક્ષકો શાળા બંધ કરીને બેસે. આગ્રહ કરીએ તો અમારા અધિકાર બહાર જઈએ છીએ એમ કહી આખું ગામ અમારા ઉપર તૂટી પડે, અમને માર મારે, દીવોદેવતા બંધ કરે – અમારો આખો વ્યવહાર બંધ કરે. ન છૂટકે અમને શાળામાં આવવા દે તો પણ અમારે બેસવાનું જુદું – બીજા કોઈને અડાય નહિ એવી ઢબનું - ધૂળમાં બેસવાનું, આ ડાઘ સાથે, આ સામેનાની ઉપરવટ થઈને અમારાથી શી રીતે ભણાય ? અને કદાચ ભણાયું તો અમારામાં સહુને માટે કેવું વેર જાગે તે જાણો છો ?
અમારાથી વાંચનાલય કે પુસ્તકાલયમાં પણ ન જવાય. અમને એ વિદ્યાસ્થાનોમાં કોઈ પેસવા જ ન દે. પ્રવેશ કરીએ તો ધક્કા અને માર ખાઈએ.
અક્કલ તે અમે ક્યાંથી લાવીએ ? ભણતરનો પ્રકાશ જ અમારે માટે બંધ !
કદાચ પરધર્મીઓ અમને ભણાવે ! રામને ભજનારા અમ હિંદુઓને ભણાવનાર મુસલમાન મળે, કે ખ્રિસ્તી ગોરાઓ ! પણ એમાં એ ગોરાઓનો સ્વાર્થ એ કે અમે અમારો ધર્મ છોડીએ.
ધર્મ ? ઘણી યે વાર અમને થાય છે કે અમારા ધર્મને લાત મારી ફગાવી દઈએ તો કેવું ? પરધર્મમાં ગયેલાં અમારાં અનેક ભાઈબહેનોને અમે સુખી સ્થિતિમાં જોઈએ છીએ. અમને પજવણી જ અમારા સ્વધર્મીઓની. અમારી ઉપર ક્રૂરતા પણ અમારા જ સ્વધર્મીઓની !
અમને નામ આપે તે પણ તિરસ્કારભર્યાં.
અમને બોલાવે જ તેઓ ગાળ દઈને ! એ ગાળમય ભાષા અમારા જીવનમાં એટલી જડાઈ ગઈ છે કે ઘણી વાર ગાળ વગરની સભ્ય ભાષા અમારાથી સમજાતી જ નથી.
અમને તેઓ રાખે પણ એવા વાસમાં કે જ્યાં ગંદકી અને અનારોગ્યનો નિરંતર વાસ હોય.
આમ મને પાણી પણ અમારા સ્વધર્મીઓ ન પાય. અમને ધંધા પણ અમુક જ કરવાની છૂટ. હાટ કરવું કે દુકાન માંડવી, વીશી ચલાવવી, વેપાર કરવો, શરાફીમાં પડવું: એ કશું ય અમારાથી ન બને.
એ બધું ચલાવી લઈએ છીએ. પરંતુ તમે જાણો છે કે ધર્મનાં સ્થાન પણ અમારે માટે બંધ હોય છે ? ધર્મ અને ધર્મસ્થાન, દેવ અને દેવસ્થાન, સહુને પવિત્ર બનાવે એમ બધાં ય વાત કરે છે. પરંતુ ભૂલેચૂકે અમે દેવસ્થાનમાં પગ મૂક્યો તો ? ધર્મ બોળાય, દેવસ્થાન અભડાઈ જાય. દેવ અપવિત્ર બને ! અને પૂજારીઓ તથા દર્શને આવનાર ભાવિકોના હૃદયમાં ધર્મે-ધર્મશાસ્ત્રે મના કરેલા બધા જ ક્રૂર ભાવો ફૂટી નીકળે, અને અમારાં લોહી ત્યાં રેડાય એટલી પાશવતા ત્યાં પ્રગટી ઊઠે ! ભલા, ઈશ્વરને પણ અમારાથી સંતાડી રાખવાનો ?
સાંભળો.
અમારાં જ ધર્મશાસ્ત્ર અમારાથી ભણાય નહિ.
અમારી જ ધર્મવાણી અમારાથી બોલાય નહિ - અરે, સંભળાય પણ નહિ.
અમારાં જ ધર્મસ્થાનોમાં અમારાથી પગ પણ મૂકાય નહિ.
અમારા જ દેવનાં અમારાથી દર્શન થાય નહિ.
દેવદર્શન કરવા હોય તો અમારે પણ અમારા અભડાયેલા દેવ અને અભડાયેલાં મંદિરો રચવાનાં ! એમાં અમારાં બીજા સ્વધર્મીઓ આવે પણ નહિ !
અમે ઈશ્વરનું નામ દઈએ, ભજનો ગાઈએ, પ્રાર્થના કરીએ તો ય અમે અપવિત્ર !
વધારેમાં વધારે દુ:ખ અમને આ વહેરાવંચાનું લાગે છે ! પ્રભુ પતિતપાવન કહેવાય છે. પ્રભુ કે પ્રભુનું ધામ અમને પાવન ન કરે ? પ્રભુનું બિરદ ખોટું પાડનાર એના ભક્તો અમને પતિત રાખી પ્રભુને પણ પતિત તો નહિ બનાવતા હોય ?
ભવસાગરમાં પાર ઉતારનાર નૌકા એ ધર્મ ! ધર્મ પાસે જતાં અમને એ ડૂબતી નૌકા લાગે છે !
ધર્મ અને ધર્મમંદિરોને તોડનારનો રાજઅમલ સ્વીકારાય, તેની નોકરી થાય, તેને સલામો ભરાય, તેના ચરણસ્પર્શ થાય; પણ અમને સ્વધર્મીઓને તો અડાય પણ નહિ !
હા, હા, અડાય પણ નહિ. પરંતુ એક જ ધર્મ પાળનાર અમે અસ્પૃશ્ય પ્રાણીઓથી પણ અમે માનવો-સમધર્મીઓ-નપાત્ર ! અમને કોઈ અડકે જ નહિ. અડકે તો અપવિત્ર બની જાય; ને સ્નાન કરે ત્યારે જ અમારા ધર્મબંધુઓ અમને અડી જવાના પાપમાંથી મુક્ત થાય ! . શું કારણ ?
અમે કાળા કદરૂપા હોઈશું. પરંતુ અમને ન અડકનારમાં પણ અમારી કાળાશ કે અમારું કદરૂપાપણું નથી એમ રખે માનતાં. અમારામાં રૂપ કે રંગનો છેક અભાવ છે એમ પણ ન માનશો. અમને ન અડનાર અમારા સ્વધર્મીઓ જેવો પોશાક અમને પહેરવા મળે તો અમે અસ્પૃશ્ય છીએ એવી કોઈને યે ખબર પડે નહિ. રૂપરંગના અભાવને લઈને અમને ન અડકાય એવું નથી. અસ્પૃશ્યતા એ અમારા જન્મથી જ અમારા ધર્મબંધુઓએ અમને દીધેલો ડામ છે !
શું કારણ ? ખબર નથી. શાસ્ત્ર તો કાંઈ કહેતું નથી. જીવ અને શિવની એકતા ઉપર ભાર મૂકનાર, वसुधैव कुटुम्बकम् સિદ્ધાંતનો આગ્રહ રાખનાર તથા शुनिचैव श्वपाके च पंडिता : समदर्शिन : એવો નિત્ય પાઠ આપનાર શાસ્ત્રમાં અમારી અસ્પૃશ્યતા માટે આધાર હોય ખરો ?
અમે અસ્વચ્છ ધંધા કરીએ છીએ માટે અમે અસ્પૃશ્ય ? માનવી જાતે વ્યક્તિગત રીતે કેટલો અસ્વચ્છ છે એનું કોઈ માપ કાઢશે ? સામુદાયિક અસ્વચ્છતા દૂર કરવાનું કાર્ય તો આરોગ્ય સ્થાપનાનું છે, સમાજસેવાનું છે, પુણ્યકાર્ય છે. અમે એ કાર્ય કરીને સમાજનું જીવન દીર્ધ અને સ્વસ્થ બનાવીએ છીએ. એના બદલામાં અમે જ અસ્પૃશ્ય ? ન કરે નારાયણ અને અમે એ ધંધા બંધ કર્યા તો ? અમારું કાર્ય તમે કરશો ? અને એ પછી... ત્રણ ચાર પેઢીએ પણ અમને અસ્પૃશ્યતામાંથી મુક્ત કરશો ખરા ? અને તમે એટલી પેઢીમાં અસ્પૃશ્ય બનવાની તૈયારી સેવશો ?
ના કહો છો ? ત્યારે અમારા ધંધાને બહાને એમને અસ્પૃશ્ય શા માટે રાખો છો ? તમારે માટે ઉપાડેલી જીવનભરની સેવાનો બદલો અમારી આસપાસ દીવાલ ઊભી કરી તેમાં અમને વંશપરંપરા પૂરી રાખીને આપશો, એમ ?
અમે વ્યસની છીએ, દુર્ગુણી છીએ, માટે અસ્પૃશ્ય ? દુર્ગુણનું માપ લેનારી પારાશીશી તમારી પાસે છે ? હોય તો બીજાઓને પણ મૂકી જુઓ ને ? અમારા દુર્ગુણ - અમારાં પાપ બહુ મોટા તો નહિ જ હોય.
અને વ્યસન ?
અમને અણમાનીતા ઠરાવ્યા. અમને કોઈ અડે નહિ. સમાજની સ્વચ્છ દેખાતી બાજુએથી અમને હાંકી કાઢવામાં આવે. સામાજિક રંજનમાં અમારો ભાગ નહિ, અમારું અપમાન, અમારું એકાન્ત, અમારા ઉપર ગુજુરાત ગજજુલ્મો, એ બધું ઢાંકવાકેભૂલવા કોડિયામાં લઈ દારૂ પી પડીએ એમાં ય તમે અમને અપરાધી ઠરાવશો ? અમે બીજું કરીએ પણ શું ?
ચા, શરબત કે દૂધની સગવડ અમારે માટે કોઈ કરે એમ છે ? એ થાય તે દિવસે કહેજો; અમે દારૂ છોડી દઈશું.
અને... જેમને એ બધી સગવડ મળે છે તેમને પણ દારૂનું વ્યસન ક્યાં નથી હોતું ? એમને અમારા ભેગા મોકલવાની હિંમત કેમ કોઈ કરતું નથી ?
અમારી સેવાને ભૂલી જાઓ. સમાજમાં અમે કાંઈ ઉપયોગી કાર્ય કરીએ છીએ એ વાત ભલે ન માનશો. પણ અમે માણસ છીએ એનો કાંઈ વિચાર કરશો ? અમારા પ્રત્યે માણસાઈભર્યું વર્તન પણ નહિ રહે ?
આવું અમાનુષી વર્તન થાય જ નહિ એમ તમે કહો છો ? સાંભળો, હું ફરી કહી જાઉં.
અમને સમાજ અડકતો નથી - દુષ્ટ, રોગિષ્ટ કે ગુનેગાર ન હોવા છતાં ! અમારો નિવાસ ઉજળી વસ્તીથી દૂર-સમાજને ઉજળો રાખવા અમે મથીએ છત્તાં !
અમને કોઈ પાણી ન પાય.
અમને કોઈ ખાવાનું ન આપે.
અમને કોઈ આંગણે પણ ઊભા ન રહેવા દે; ઘરમાં તો પેસવાની વાત જ શી ?
કોઈ શાળા કે પુસ્તકશાળામાં અમારાથી પગ પણ ન મુકાય. જેને તમે સાર્વજનિક સ્થળ કહો ત્યાં અમને કોઈ ઊભા પણ ન રાખે.
ધર્મસ્થાનમાં અમારો પ્રવેશ નહિ.
ઈશ્વરનાં દર્શનનો અમને અધિકાર નહિ.
આ જુલ્મ ખરો ? તમે હા પાડો છો, નહિ ? પણ તમને એમ લાગે છે કે એવો જુલ્મ તો જર્મનો જ કરી શકે. પરમ દેશદ્રોહીની છાપ પામેલા યહુદીઓ સામે જર્મન આર્યનો આવી ક્રૂરતા વાપરે અને તેનો બચાવ પણ કરે.
હું તો તમારી નજર તળે નિત્ય થતા જુલ્મની મારી કથની કહું છું. જુલ્મ તો સ્વધર્મીઓ ઉપર થાય છે. જુલ્મ સહન કરીને પણ જુલ્મગારોને ધર્મને અમે વળગી રહીએ છીએ, અને દેશની આબાદીમાં ફાળો – સક્રિય ફાળો આપીએ છીએ.
અમે જુલ્મના ભોગ ! અમે કોણ તે નથી ઓળખતા ?
અમે અંત્યજો, અસ્પૃશ્યો, પેરિયાઓ ! જાનવર કરતાં પણ ઊતરતા અમને ગણવામાં આવે છે. જો વિવેક વાપરી અમને હવે કોઈ ‘હરિજન’ કહેવા લાગ્યા છે – શરમના માર્યા. અમે હિંદુ ધર્મનું કલંક !
અમારો પડછાયો પણ એટલો પતિત કે સ્નાન વગર પડછાયાસ્પર્શની પણ વિશુદ્ધિ થાય નહિ !
છતાં અમે અમને હિંદુ તરીકે ઓળખાવીએ – હિંદુઓ અમારાથી અભડાઈ જાય તો ય !
અમે એમની સંખ્યા વધારી, જીવતી માનવપ્રજા તરીકે ઓળખાવવામાં મદદ કરીએ, છતાં અમે અછૂત !
હજાર વર્ષથી હિંદુ ધર્મ પાળનાર હિંદુસ્તાન પરાધીન છે ! પવિત્ર હોવાનો દાવો કરી અમને અલગ કરનાર એ પ્રજાને મુસ્લિમોએ આ પરધર્મીઓની સત્તાનો અનુભવ કરાવ્યો ! એમને કુરનિસ થાય, પરંતુ અમે તો હડધૂત જ થવાના !
ફિરંગીઓએ આવી એ જ હિંદુઓને બંધનમાં જકડ્યા. સાંભળીએ છીએ કે પરદેશમાં હિંદવાસીઓને કોઈ પેસવા દેતા નથી. ફિરંગીઓનાં બારણાં એમની સામે બંધ હોય છે.
ફિરંગીઓની વિશીઓમાં હિંદવાસીઓને કોઈ દાખલ કરતું નથી.
ફિરંગીઓની ગાડીમાં હિંદવાસીઓને બેસવા દેવામાં આવતાં નથી.
પરદેશમાં હિંદીઓને રહેવા દે તો તેમને ‘કાળા’ તરીકે ડામ દેવામાં આવે છે, અને એમને રહેવા માટે એક ઢેડવાડો મુકરર કરવામાં આવે છે.
પરદેશીઓ અને પરધર્મીઓ તો આમ કરે એ સમજાય એવું છે. પરંતુ અમારા ધર્મ પાળનાર અમારા ધર્મબંધુઓ આ જુલ્મ અમારા ઉપર કેમ કરતા હશે ? અમારો ધર્મ તો કહે છે—
‘દયા ધર્મ કો મૂલ હય, પાપ મૂલ અભિમાન.’
અમને પતિત ગણનાર પરદેશમાં તો પતિત મનાય, પણ આપણા દેશમાં ય તેમને પતિત ગણનાર ગોરાઓ વસે છે !
અમે શાપ તો દેતા નથી, પણ અમને એટલું તો લાગે છે કે હિંદીઓનું પતિતપણું અમારા પતિતોના નિઃશ્વાસમાંથી જ ઊપજ્યું હશે !
ખાડો ખોદે એ પડે !
અસ્પૃશ્યોનો ખાડો હિંદુઓએ ખોદ્યો. આખી હિંદુ પ્રજા એ ખાડામાં પડી છે !
આ જુલ્મની વાત નથી માનતા ? આવો, હું તમને પાસેના જ એક ગામડામાં લઈ જાઉં. તમારી આંખે જ તમે જુઓ કે જર્મનો, જપાનીઓ, અંગ્રેજો કે મુસ્લિમો ન કરે એટલો જુલ્મ અમારા જ સવર્ણ હિંદુ ભાઈઓ અમારા ઉપર કરે છે ! અમારા એક એક અત્યંજ હિંદુધર્મની એક એક કરુણ કથની છે – શરમકથની છે !
મેં કહી એના કરતાં પણ વધારે દુઃખમય વાતો તમે સાંભળશો.