રસબિંદુ/ગાંડી
← એક જુલ્મકથા | રસબિંદુ ગાંડી રમણલાલ દેસાઈ ૧૯૫૭ |
કદરૂપો પ્રેમ → |
ગાંડી
તમાશાને તેડું ન હોય.
પણ હિંદમાં તો સદા તમાશા ચાલ્યા જ કરે છે. ટોળાં જામતાં વાર લાગતી નથી. ટોળાં ઉપયોગમાં ન આવે, મદદરૂપ ન થાય, ઊલટાં હરકતકારક નીવડે, છતાં ટોળાં તો જામવાનાં જ.
આખલા લડતા હોય, દારૂડિયો લથડિયાં ખાતો ગાળો દેતો હોય, લહેણદાર અને દેણકાર વચ્ચે બોલાચાલી થતી હોય, ભાઈઓ મારામારી કરતા હોય, આગ લાગી હોય કે ગાડી નીચે કુરકુરિયું આવી ગયું હોય, તો ચારે બાજુએથી માણસોની ભરતી થવાની જ. એ માણસો લડતને અટકાવે નહિ, આગ ઓલવે નહિ, ગુનેગારને પકડે નહિ કે ઘવાયેલાંની સારવાર કરે નહિ; પણ એ ભેગાં તો થવાનાં જ.
આવું જ એક ટોળું શહેરના એક સાર્વજનિક દવાખાનોને દરવાજે ભેગું થયું હતું. પોલીસનો સિપાઈ બેદરકારીથી લોકોને વિખરાઈ જવા બોધ કરતો હતો. પરંતુ બોધ ઠર્યે ગાનવીનું મન ફરતું હોય એમ લાગતું નથી. મેં પણ એ ટોળાંમાં મારી જાતને ઝુકાવી. પરંતુ ટોળાના મધ્ય ભાગમાં શું બનતું હતું તેની ખબર ટોળાને છેડે ઊભેલા મારા સરખાને ઝડપથી મળે એમ ન હતું.
‘શું થયું ?’ મેં પૂછ્યું.
એના વિધવિધ ઉત્તરો મળતા ચાલ્યા :
‘ખબર પડતી નથી.’
‘કોઈને વાગ્યું લાગે છે.’
‘ના રે; ચોર પકડાયો છે.’
‘શી વાત કરો છો જાણ્યા વગર ? એ તો એક બૈરી નાચતી હતી.’
‘ધણીનાં ઘરેણાં ઊંચકી જતી હશે !’
‘અં હં, એને વાગ્યું લાગે છે.’
‘જુઓ ને, ભોંય ઉપર પડી તે !’
આમ જુદા જુદા ઉકેલ પામતો હું ટોળામાં ઘૂસી ગયો અને જોયું તો એક સ્ત્રી ખરેખર જમીન ઉપર પડી હતી. તેના માથામાંથી સહજ લોહી પણ ટપકતું હતું. તેની આંખો મીંચેલી હતી, અને તેને આવડા મોટાં ટોળાંનું ભાન હોય એમ લાગતું ન હતું.
દવાખાનું પાસે જ હતું. સતત રૂપાળી દેખાવા મથતી નર્સો, અને ખિસ્સાનું વારંવાર વજન તપાસતા કે કંટાળો આવતાં હસમુખી સ્ત્રીદર્દીઓ કે ચબરાક નર્સોનો વિચાર કરતા ડૉક્ટરોની સારી સંખ્યા પાસેના જ મકાનમાં હાજર હતી. પરંતુ દરવાજા બહાર પડેલી એક બેભાન સ્ત્રીની સારવાર માટે કોઈને પણ ફુરસદ મળે એમ ન હતું. વધારાનું મહેનતાણું મળ્યા વગર આજના શરમાળ ડૉક્ટરોથી સારવારના હુમલા થઈ શકે નહિ; જૂનાં હિંદુ બૈરાની, વગર બોલાવ્યે ખબર પૂછવા જઈ સારવાર કરવાની એવી જૂની ઢબ નવા ડૉક્ટરોને ન જ ફાવે.
ટોળાંને પણ તમાશા સિવાય કશો જ રસ આ સ્ત્રી પ્રત્યે ન હતો. એને પાણી છાંટવાની, એને ઉપાડી દવાખાને લઈ જવાની, એની પ્રાથમિક સારવાર કરવાની, અરે જરા એની આસપાસની ગિરદી ઓછી કરી એને હવા મળે એમ વ્યવસ્થા કરવાની પણ કોઈને જરૂર લાગતી ન હતી. ટોળામાં વિદ્યાર્થીઓ હતા, ગુંડાઓ હતા, ગૃહસ્થો હતા, કશામાં ય ગણતરી ન થાય એવા સામાન્યતાની છાપવાળા પુરુષો પણ હતા. પરંતુ ગુજરાતની હવામાં અજાણી બેભાન સ્ત્રીને દવાખાને લઈ જવાની જવાબદારી ભાગ્યે કોઈ લે.
સિદ્ધાંતની દૃષ્ટિએ નિબંધ લખવામાં કે વ્યાખ્યાન આપતી વખતે આવા પ્રસંગે શું કરવું જોઈએ એનું હું સચોટ વિવેચન કરી શકું પરંતુ મારો સેવાભાવ જરા શરમાળ છે, એટલે મેં દૃષ્ટાંતરૂપ બનવાનો મોહ જતો કર્યો અને થોડી વધારે સ્પષ્ટતા સાંભળી હું ટોળાની બહાર નીકળ્યો. બહાર નીકળી મેં બીડી પીતાં સિપાઈને પૂછ્યું : ‘આ કોણ બાઈ છે ?’
‘તમારે શી પંચાત ? તમારી સગી હોય તો લઈ જાઓ, નહિ તો ભીડ ઓછી કરો.’ તોછડાઈના નમૂનારૂપ સિપાઈએ મને જવાબ આપ્યો. હું ગુસ્સે થાઉં તે પહેલાં સિપાઈની પાસેની દીવાસળીની પેટી પાછી લેનાર એક સાદા મનુષ્યે મને કહ્યું : ‘એ તો ગાંડી છે, ગાંડી. થોડા દિવસથી આમ જ કરે છે.’
‘આમ જ કરે છે એટલે ?’ મેં પૂછ્યું.
‘લોકો ચીડવે એટલે એ પથરા મારે; અને એ પથરા મારે એટલે છોકરાં એને સામા પથરા મારે.’
‘કોઈ રોકતું નથી ?’
‘ગાંડાને કોણ રોકે ?’
૨
‘એ સ્ત્રી ગાંડી કે એને ચીડવનાર લોકો ગાંડા ?’ મને વિચાર આવ્યો. પરંતુ આવાં નિત્ય થતાં કુતૂહલ ઝડપથી શમી જાય છે. હું બીજા વ્યવસાયમાં પડ્યો; બીજાં ટોળાં જોયાં; અને આ વાત ભૂલી ગયો. બનેલું બધું જ યાદ કરવા જઈએ તો આપણે પણ પથરા ખાવાની સ્થિતિમાં ઝડપથી મુકાઈ જઈએ !
પરંતુ એ જ રસ્તે મારે વારંવાર જવું પડતું હતું. ત્યાં આછાંપાતળાં ટોળાં તો સતત વળેલાં જ રહેતાં. એ ટોળાંનું કેન્દ્ર બનેલી પેલી ઘેલી સ્ત્રી ચીથરાં પહેરી હાથમાં એકાદ નાનું વાસણ લઈ ત્યાં બેઠી હોય, ઊભી હોય કે સૂતી હોય જ ! એકબે વખત મને લાગ્યું કે એ સ્ત્રીનું મુખ કોઈ સમયે જોવું ગમે એવું હોવું જોઈએ ! આજ તો તેની બાવરી આંખ તેના મુખને પણ કદરૂપું બનાવી રહી હતી.
એક દિવસ એ સ્ત્રીની આસપાસ થોડાં છોકરાં જ ટોળે વળ્યાં દેખાયાં અને મારું કુતૂહલ મને ત્યાં દોરી ગયું, એકબીજાના ઉત્તેજન વડે એ બાળકો બને એટલી રીતે એ બાઈને પજવી રહ્યાં હતાં. પૈસો આપવાનું કહી એક કિશોરે તેના હાથમાં કાંકરો મૂક્યો; બીજા કિશોરે તેને ધીમે રહીને કાંકરો માર્યો; ત્રીજાએ થોડી ધૂળ ઉડાડી; ચોથાએ તેનું ચીથર્ર્રું ખેંચ્યું: પાંચમાએ તેને ‘એ ગાંડી !’ કહી સંબોધન કર્યું – જે તાળીઓના નાદ વડે સહુએ વધાવી સંબોધનને અનેકગણું વધારી દીધું. પેલી સ્ત્રે કશાને ન ગણકારતી કાંઈ કાંઈ બબડી રહી હતી. એકાએક કોઈ ક્રૂર કિશોરે એક મોટી ઈંટ એ બાઈ તરફ ફેંકી અને બાઈના માથામાંથી રુધિર ટપકી રહ્યું.
આખું દૃશ્ય અસહ્ય હતું. આ અનાથ બાઈને ખીજવી–પજવી તેની ઘેલછાને વધારનાર બાળકોને ઉપજાવતા સમાજના હૃદયમાં કેટકેટલી ક્રૂરતા ભરી રાખી હશે ? ક્રૂરતામાં મોજ માનનાર બાળકોનાં કુટુંબોમાં – વડીલોમાં કેટકેટલું વિષ વહેતું જોઈએ ? નવું જગત આવાં બાળકો ઉપર રચાય ખરું ?
પરંતુ એ વિષાદભર્યા વિચાર બાઈને ઈંટ વાગતાં અટકી ગયા, અને કોણ જાણે કેમ, મારા મન ઉપરનો અંકુશ ખોઈ નાખી મેં ઈંટ મારનાર કિશોરને એવા જોરથી તમાચો માર્યો કે એ બે અરબડિયાં ખાઈ નીચે પડ્યો.
ટાળે વળેલાં બાળકો પ્રથમ તો સ્તબ્ધ બન્યાં, થોડી ક્ષણોમાં દૂર ખસી ગયાં, તથા કેટલાંક નાસવા લાગ્યાં. ઘેલા માનવીને ખીજવવાની – પજવવાની આનંદપ્રદ રમતમાંથી હજી સુધી કોઈએ તેમને રોક્યાં ન હતાં. ઊલટું સહુ કોઈ બાળકોથી પ્રારંભાયલી ગમ્મતને ઉત્તેજન આપી જોતજોતામાં એ ગમ્મતના સહભાગીદાર બનતા હતા. એમાં મારા જેવાનું ઉગ્ર રોકાણ બાળકોને ભય અને આશ્ચર્ય ઉપજાવે એમાં નવાઈ નહિ.
બાળકો દૂર ગયાં એટલે મેં મારો હાથરૂમાલ કાઢી પેલી બાઈને આપ્યો અને કહ્યું : ‘લે, જરા માથા ઉપર દબાવી રાખ; હમણાં લોહી બંધ થઈ જશે.’
અને પેલી બાઈની આંખમાંથી બોરબોર જેવડાં આંસુ સરી પડ્યાં. મારું હૃદય પણ ભરાઈ આવ્યું.
માનવક્રૂરતાને આંકો નથી. બાળકોનું હાસ્ય મેં સાંભળ્યું અને થોડા કાંકરા પણ મારા તરફ ફેંકાતા મેં જોયા. બે યુવકો હસતાં હસતાં બાળકોને ઉશ્કેરી રહ્યા હતા અને મારો તેમને લાગેલો ભય નિર્મૂળ કરતા હતા.
મારા ગુસ્સાનો પાર રહ્યો નહિ. એ બંને યુવકોને તથા ભેગાં થયેલાં બાળકોને પકડી પીંખી નાખવાનું મને મન થયું. મેં કડક આંખ કરી સહુની સામે જોયું અને ધસવાનો નિશ્ચય કર્યો. એના જવાબમાં આખું ટોળું ખડખડ હસી રહ્યું. મેં નીચે પડેલો એક પથ્થર ઉપાડ્યો, અને એની અસરમાં બાળકો તો ભાગ્યાં, પણ મને ય ભય લાગ્યો કે રખે ને હું પણ જોતજોતામાં કાંકરા અને પથરા ફેંકતો કોઈ ગાંડો માનવી બની જાઉં ! સામાજિક–સામુદાયિક ક્રૂરતા માનવીને જોતજોતામાં ઘેલો બનાવી શકે એમ છે. મને લાગ્યું કે આ જ ઢબે સમાજના બિનજવાબદાર ટોળાંએ પેલી બાઈનું માનસ અસ્થિર બનાવી દીધું હશે.
મારી માનની સમતુલા ખોવાય નહિ એ માટે મેં તરત જ પથરો નીચે નાખી દીધો, અને પેલી બાઈ પ્રત્યેની સહાનુભૂતિમાંથી ઊપજતી ફજેતીથી બચવા મેં ત્યાંથી ચાલવા માંડ્યું.
પેલા બે યુવકોમાંથી એકે મને પૂછ્યું : ‘તમે બાઈને ઓળખો છો ?’
‘ના.’ મેં ઘુરકીને કહ્યું.
‘તમે વચ્ચે પડ્યા એટલે એમને એવું લાગ્યું.’
‘તમને શરમ નથી આવતી કે આવી નિરાધાર બાઈને તમે ભેગાં મળી હેરાન કરો છો ?’ મેં કહ્યું.
‘પણ એ તો ગાંડી છે !’ ‘તમે તો ગાંડા નથી ને ?’
‘ગમે તેમ બોલે, ગમે તેમ ફરે, અને છોકરાં હસે; એને અમે શું કરીએ !’
‘છોકરાંને વારી રાખો. વધારે થશે તો હું પોલીસમાં તમને બધાંયને પકડાવી દઈશ.’
‘પેલો પોલીસનો સિપાઈ ફરે !’ એક યુવકે કહ્યું.
‘જરા ખાતરી કરવી હોય તો બેસો મારી દુકાને ? બાઈ શું કરે છે એ તમને બતાવું. પછી તમારે કહેવું હોય તે કહેજો.’ બીજા યુવકે કહ્યું.
એની પાનની દુકાન પાસે જ હતી. મને પણ ઈચ્છા થઈ કે એ બાઈની ચર્ચા વધારે સમજાય તો સારું. મેં તેનું આમંત્રણ સંતોષપૂર્વક સ્વીકાર્યું. બે પૈસાનું એક સરસ પાન બનાવરાવ્યું અને પાન બનાવનારની પાસે જ હું બેસી ગયો.
૨
મારી દૃષ્ટિ પેલી બાઈ તરફ જ હતી. માથે હાથરૂમાલ દબાવી તે થોડી વાર બેસી રહી. આંખમાં અશ્રુ એણે લૂછ્યાં અને રૂમાલના કટકા કરી એણે પોતાના લૂગડા સાથે બાંધ્યા. એનો ચીંથરિયો વેશ વધારે વિચિત્ર બન્યો.
થોડી વાર સુધી એણે કાંઈ બોલ્યા કર્યું. પછી ધીમે ધીમે એણે હાથના ચાળા કરવા માંડ્યા અને દવાખાના તરફ તાકીને હાથવડે કાંઈ ધમકી આપતી હોય એવો દેખાવ કર્યો. એ બાઈનું મન ચોક્કસ ન હતું એની મને ખાતરી થઈ.
આ અસ્થિર મગજવાળી દયાપાત્ર સ્ત્રીમાં કોઈ ભયંકર આવેશ રહેલો હશે એની મને અત્યાર સુધી કલ્પના પણ ન હતી. પરંતુ એણે જ્યારે બેચાર મોટા પથરા વીણી પોતાની પાસે છુપાવી રાખ્યા ત્યારે મને લાગ્યું કે સ્વરક્ષણ ઉપરાંત એનો આવેશ કદાચ વિસ્તાર પામતો પણ હોય ! રસ્તે જનાર નિર્દોષ માનવીઓને એ પથરા મારવા માંડે તો એને રોકનાર માનસિક માનસિક સ્થિરતા એનામાં તો નહિ જ હોય.
આવા માનસનો – આવી વ્યક્તિનો ઇલાજ શો હોઈ શકે ? માનસ અથિરતાની સારવાર કરતાં દવાખાનામાં એને…
એક મોટરકાર ઝડપથી પસાર થઈ અને પેલી બાઈએ એકાએક જુસ્સાથી એક પથ્થર કાર તરફ ફેંક્યો.
કારને એ પથ્થર વાગ્યો નહીં. પરંતુ પાન બનાવતા દુકાનદારે મને કહ્યું : ‘જોયું ?’
‘પણ આમ પથરો ફેંકવાનું કોઈ કારણ ?’ મેં પૂછ્યું.
‘ખસેલા મગજને કારણ શું ?’
હું પણ વિચારમાં પડ્યો. છોકરાઓ આ ઘેલી બાઈને ચીડવે એનો બચાવ તો થઈ શકે જ નહિ, છતાં માનસિક તુલા ગુમાવી બેઠેલી આ બાઈનો અકારણ ઉપદ્રવ પણ બચાવવાને પાત્ર કેમ ગણાય ?
એક બીજી મોટરકાર ત્યાંથી પસાર થઈ અને પેલી બાઈએ પાછો પથરો ફેંક્યો. જરામાં એ પથરો કારને વાગતો રહી ગયો !
પરંતુ હવે એ બાઈ જાણે તાકીને બેઠી હોય એમ લાગ્યું. ગરીબ ગણાતા હિંદનાં શહેરોમાં કાર વાપરી શકતા સુખવાસી માનવોની સંખ્યા તો વધતી જ જાય છે. એટલે ત્રીજી કાર આવતાં બહુ વાર ન લાગી, અને એ ત્યાંથી પસાર થાય એટલામાં તે એક કડાકો થયો, કાચ તૂટતો રહી ગયો અને કાર ઊભી રહી.
કારને ચલાવનાર તથા પાછલી બેઠકમાં આરામથી બેઠેલાં સ્ત્રી-પુરુષે બારી બહાર નજર નાખી અને તુચ્છ, પગે ચાલતી દુનિયાની પામરતાએ કશો ભારે અપરાધ કર્યો હોય એ ભાવથી ગુનેગારને શોધવા માંડ્યો. બપોરના સમયે આસપાસ માણસો થોડાં હતાં એટલે ગુનેગાર જડી આવે એમ હતું. ઓછી ગિરદીનો લાભ લઈ જરા આરામ લેતો પોલીસનો સિપાઈ કંટાળીને આસપાસ જોવા લાગ્યો. એવામાં કાર ઉપર બીજો પથ્થર પડ્યો અને તે પેલી ઘેલી બાઈએ નાખ્યો એમ કારમાં બેસનારને દેખાયું પણ ખરું. ‘જો ને, કાસમ ! પેલી બાઈ પથરા ફેંકે છે. બે ધોલ લગાવ !’ કારમાં બેઠેલા ગૃહસ્થે શૉફરને આજ્ઞા કરી. ધોલ મારવા માટે પણ ધનવાનો માણસોને ભાડે રાખે છે ! એમનાથી ધોલ મારવા જેટલો પણ હાથ ઊંચકાતો નથી !
શૉફરે ગાડી બાઈ પાસે વાળી – જોકે ત્રીજો પથરો એટલામાં ફેંકાઈ ચૂક્યો હતો – અને પાસે આવતાં બરાબર શૉફર નીચે ઉતર્યો.
લોકો ભેગા થઈ ગયાં, અને પેલી બાઈએ હાથમાં પથરા રાખી ગાળોનો વરસાદ વરસાવવા માંડ્યો. શૉફર જરા ખમચાયો; લોકોમાંથી વિનંતીઓ ફેંકાવા લાગી : ‘જવા દો, સાહેબ ! એ તો ઘેલી છે. એને ભાને ય નથી.’
‘ધાંધલ કે ફજેતી સિવાય જેટલો રૉફ મારી શકાય એટલો જ રૉફ મારે એવું સૂત્ર સ્વીકારનાર કારના માલિકે વધારે ટોળું ભેગુ થાય તે પહેલાં કારને ચલાવી અદૃશ્ય કરી. પેલી બાઈ હજી ગાળો દેતી બંધ પડી ન હતી. લોકો તેને સમજાવતા હતા, છોકરાં તેને ચીડવતાં હતાં, અમે ધીમે ધીમે ધૂળ તથા કાંકરા ફેંકી પેલી બાઈને વધારે ઉગ્ર બનાવતાં હતાં.
સિપાઈએ ટોળાંને વિખેરતાં પેલી સ્ત્રીને ધમકાવવા માંડી : ‘કેમ પથરા ફેંકે છે ? મરવાની થઈ છે, ખરું ?’
‘મરને તું ! હું તો પથરા ફેંકવાની ને એ બધાંયને મારવાની !’
‘કોણ જાણે ક્યાંથી આ ગાંડી આવીને લોહી પીએ છે !’ એ સ્ત્રીને માર મારવા ઉપાડેલો હાથ કોણ જાણે કેમ પાછો ખેંચી લઈ સિપાઈ બોલી ઊઠ્યો.
‘હું લોહી પીઉં છું ? મારા છોકરાને કચરી લોહીલુહાણ કરી નાખ્યો એનું શું ?’ બાઈએ જવાબ આપ્યો.
અને મને તત્કાળ સમજાયું કે સાચી અગર ખોટી, આવી જ કોઈ ભ્રમણામાં આ બાઈ આમ ગાડીઓ તરફ પથરા ફેંકવાની ઘેલછા કાઢે છે.
એનો પુત્ર સાચેસાચ કોઈ કાર નીચે કચરાઈ ગયો હોય તો ? આખા જગતની કાર સામે જેહાદ ઉઠાવવાનો એ બાઈને અધિકાર ખરો કે નહિ ? એક કાર તૂટે તો બીજી આવે. પરંતુ આ બાઈનો મૃત પુત્ર પાછો આવે ખરો ?
કારની અને માનવીની કિંમત વચ્ચે સરખામણી થાય ખરી ? એ ઘેલી બની ગયેલી માતાના જીવનનું આખું ચક્ર ફેરવી નાખી કાર ઉપર એ માતા કાળચક્ર બની રહે એમાં એનો દોષ કેટલો ?
ટોળામાંથી બહુ થોડાં માણસોને ખબર હતી કે આ ગરીબ બાઈ પોતાના એક પુત્ર સાથે શહેરમાં પગે ચાલતી થોડા દિવસ ઉપર આવી હતી, અને જીવનમાં ઝડપનું – સમયનું કાંઈ પણ મહત્ત્વ હિંદવાસીને ન હોવા છતાં ઝડપને ચાળે ચડેલી એક કાર નીચે એનો પુત્ર આવી ગયો હતો.
લોહીભરેલા પુત્રને જોતાં જ એ માતાનું મન ફટકી ગયું, અને તે પ્રસંગ પછી તે આખી ‘કાર’ સૃષ્ટિની – કારમાં બેસનાર માનવતાની દુશ્મન બની ગઈ.
૪
એનું મગજ ફટકી ગયું ન હોત તો ? માત્ર ગમે તે કારને તમે તેમ પથરા મારી વેરભાવે સંતોષવાને બદલે એણે આખા જગતમાંથી ‘કાર’ કે યંત્રનું નિકંદન કાઢવાનું કોઈ ગુપ્ત, વ્યાપક અને વધારે અસરકારક ષડ્યંત્ર રચ્યું ન હોત ?
ધીમે ધીમે આટલી વાત તો મેં જાણી. પરંતુ એ બાઈ આ સ્થળેથી ખસતી કેમ ન હતી ? લોકો, પોલીસનાં માણસો અને ઉપદ્રવી બાળકો પણ એને દવાખાનાને દરવાજેથી દૂર કરી શકતા ન હતા !
‘એ તો અહીંથી જતી જ નથી. ઘસડીને લઈ ગયા, પણ પાછી આવીને અહીં જ બેઠી.’ એક જાણકારે કહ્યું,
સંધ્યાકાળે મેં એને બજારમાંથી લઈ કાંઈ ચવાણું આપ્યું. એને ભૂખ તો લાગી હતી એટલે એણે મોંમાં ચવાણું નાખ્યું; પણ એકાએક અટકી જઈ તેણે મને પૂછ્યું : ‘મારા દીકરાને ખાવાનું તો આપતા હશે ને ?’
મારું હૃદય જરા હલી ઊઠ્યું. મોટરકાર નીચે કચરાઈ ગયેલા પુત્રનું સ્મરણ માતાના હૃદયમાં કેટકેટલાં સ્વપ્ન ઉપજાવતું હશે ?
‘કેમ બોલતા નથી ?’ એણે એની ઘેલી આંખ મારી સામે સ્થિર કરી પૂછ્યું.
‘મને ખબર નથી. તારો છોકરો તો...’
‘આ દવાખાનામાં એને લઈ ગયા છે. પીટ્યાઓ મને પાછો આપતા નથી અને કહે છે કે એ મરી ગયો. એ મરી નથી ગયો હો ! એને સંતાડી રાખ્યો છે...’ કહી એ ઘેલી માતાએ ખાવાનું વેરી નાખી અઢળક આંસુ સાર્યાં.
‘હું તપાસ કરી લાવું.’ મેં એના મનના સાંત્વન અર્થે કહ્યું.
‘બરાબર તપાસ કરશો કે પછી બધાં કરે છે તેમ ? એ મરી ગયો એમ કહી જો મને ચીડવી છે, તો…’ એની આંસુભરી આંખ ફરી ગઈ અને એણે એક પથ્થર હાથમાં લીધો.
હું દવાખાનામાં ગયો. ત્યાંના ડૉક્ટરને પૂછતાં તેમણે કહ્યું : ‘તમે કેટલા માણસો પૂછવા આવશો ? હું કેટલી વખત બધાંને જાહેર કરું કે એ ગાંડી બાઈનો દીકરો તો હોસ્પિટલમાં લાવતાં બરોબર મરી ગયો છે ?’ ડૉક્ટરો હવે એકલા હાથથી જ વાઢકાપ કરતા નથી; સોબતની અસરથી એમની જીભ પણ શસ્ત્ર બનતી જાય છે.
મને એ બાઈની લેલછા સમજાઈ. એને હજી ખાતરી હતી કે એનો દીકરો દવાખાને જ છે, માટે એ આ સ્થળેથી ખસતી ન હતી. ક્રૂર સત્ય એ માતા સાંભળી શકતી ન હતી.
હજી એ ત્યાંની ત્યાં જ ફરે છે. એનાં ચીંથરાં વધતાં જાય છે; એની આસપાસ ટોળાં મોટાં થતાં જાય છે.
એના નામની કોઈને ખબર નથી; એના ગામની પણ કોઈને ખબર નથી. ખબર હોવા છતાં કોણ આગળ આવે ! એની ઘેલછાએ એનું સગપણ મિટાવી દીધું છે. માત્ર પુત્રની ઝંખના સિવાય એની આખી સૃષ્ટિ અવળી બની ગઈ છે.
એની ઘેલછા માનવીની ગમ્મત થઈ પડી છે !
પરંતુ એ ઘેલી, ભૂખી, તરસી, ક્રુદ્ધ માતાની ઘેલછાનું એક મોજું આખા સમાજ ઉપર શું ફરી વળતું નથી ?
એના જ શાપમાંથી જગતની ડાહી માતાઓને રડાવતાં યુદ્ધો ફાટી નીકળતાં હોય તો ?
અને એને ચીડવી રહેલો સમાજ એ ઘેલી બાઈ કરતાં વધારે ડાહ્યો હશે ખરો ?