રસબિંદુ/કદરૂપો પ્રેમ
← રસબિંદુ/ગાંડી | રસબિંદુ કદરૂપો પ્રેમ રમણલાલ દેસાઈ ૧૯૫૭ |
સ્વર્ગદ્વાર → |
વીરાજીના મુખ ઉપર ક્રોધ છવાયો. ચંચળ ખડખડ હસી પડી. અને બોલી : ‘હસે છે ત્યારે નર્યો વનચર લાગે છે. પણ ગુસ્સે થાય છે ત્યારે કંઈક માણસ લાગે છે, ખરો ! અલ્યા, કોનું મોં વારસામાં ઊતર્યું: માનું કે બાપનું ?’
‘ચંચળ ! વધારે ઓછું ન બોલીશ, હો ! એ વાતમાં સાર નથી.’ વીરાજીએ મશ્કરીમાં ઊતરી પડેલી ચંચળને કહ્યું,
‘તારાથી થાય તે કરી નાખજે… પીટ્યો ક્યાંથી કોણ જાણે ભેગો થઈ ગયો છે ! ભૂતનો ભાઈ !’ કહી ચંચળ બાજુએ ફરી ભેગા કરેલા પૈસા ગણવા લાગી.
વીરાજી હારમોનિયમ વગાડતો અને ગાતો. ચંચળ પણ ગાતી અને વધારે પૈસા મળે તો નૃત્ય પણ કરતી. બંનેમાંથી કોઈને પોતાની નાતજાતની કે ગામની પૂરી ખબર ન હતી. ધર્મ, ન્યાત તથા જાતથી પર બનેલી રખડતી કોમનાં એ બંને જણ પોતાને વાઘરી તરીકે ઓળખાવતાં ; વધારે માણસો મળે તો તેમના સાથમાં, નહિ તો માત્ર એ બે એકલાં સાથે સાથે ગામેગામ ફરતાં; ગીત ગાઈ કે નૃત્ય કરી રસ્તામાં તથા શેરીઓમાં જતાઆવતા લોકોનું ધ્યાન ખેંચી દાણાં, કપડાં કે પૈસા જે મળે તે ઉઘરાવતાં; કોઈ ઉજ્જડ ઝૂંપડી, હવડ ધર્મશાળા કે અપૂજ દેવના દહેરામાં રાતવાસો કરતાં, અને તેની સગવડ ન મળે તો ઝાડ નીચે કે પછી ખુલ્લા આકાશ નીચે પડી રહી રાત ગાળી પ્રભાતથી પાછો પોતાનો કાર્યક્રમ શરૂ કરતાં.
કેટલાં ય વર્ષથી તેઓ આમ સાથે ફરતાં હતાં. ચંચળ છ સાત વર્ષની થઈ ત્યારથી એક કડક સ્ત્રીપુરુષ યુગલની સોબત, ગીત અને ઘુઘરિયાળા નૃત્યની અર્ધગામઠી તાલીમ, મારઝૂડ અને કદરૂપા વિરાજીનો નિત્યસાથ એના સ્મરણમાં આવ્યા કરતાં હતાં. વીરાજી લગભગ એના જેવડો જ હતો અને એ પણ ચંચળ સાથે ગીતવાદ્ય શીખતો હતો. એક દિવસ બંને જણ એકલાં પડ્યાં; એટલે હારમોનિયમ તથા ઘૂઘર લઈ નાસી બીજે ગામ ચાલ્યાં ગયાં; એમનાં પાલકોએ એમની તપાસ કરી નહિ એટલે ધીમે ધીમે સંતાઈ રહેવાને બદલે ખુલ્લામાં આવી તેમણે ગીતનૃત્ય રસ્તામાં શરૂ કર્યાં.
ચાની હોટલ, પાનની દુકાન, માળીનાં હાટ અને શાકબજાર પાસે કે શેરીઓમાં ફરતાં ફરતાં અગર બેસીને એ બંને જણ ગીત ગાઈ, નૃત્યચાળા કરી લોકોની કુતૂહલવૃત્તિને ઉશ્કેરી પોતાનું ગુજરાન ચલાવતાં. કુદરતે બંનેને સરસ કંઠ આપ્યા હતા. એટલે નાટક સિનેમાનાં ગાયનો તથા જાણતી ગઝલ કવાલીઓ ગાઈ ગામની સામાન્ય જનતાને તેઓ રીઝવી શકતાં હતાં – જોકે લાંબા સમય સુધી એક જ ગામમાં બંને ટંકનો ખોરાક દરરોજ તેમને મળે એમ ભાગ્યે જ બનતું.
પ્રસંગે લાગ મળતાં વસ્તુ ઉપાડી લેવાનું પણ તેઓ ચૂકતાં નહિ. ઓટલે પડેલ લોટો, મંદિર બહાર પડેલા જોડા, દેવળમાં નાખેલા પૈસા કે દુકાનદારની નજર બહાર રહી ગયેલી મીઠાઈ એમની ઝપટમાં વખત બેવખત આવી જતાં. પરંતુ મોટી ચોરીની તેમને જરૂર પડતી નહિ.
ચંચળનું ગાયન કે નૃત્ય થતાં પૈસા ફેંકનાર રસિકો હસતા, આંખ મિચકારતા અને વીરાજીથી ન સમજાય એવી કશી મશ્કરી પણ કરતા. વીરાજીને કોણ જાણે કેમ એ ચાળા ગમતા નહિ; પરંતુ ચંચળ સામું હસતી, આડી આંખે જોતી અને મશ્કરી કરનારાઓને જવાબ આપી આખા ટોળાંને હસાવતી. ચંચળને ઓળખનારા ઘણાં માણસો મળતાં અને વીરાજીને એકલો જોનાર ચંચળની જ ખબર પૂછતા. એ પણ વીરાજીને ગમતું નહિ. વીરાજી ઘણી વાર કારણ વગર મારામારી કરી બેસતો અને કૅડમાં એક ચોરેલો છરો ભેરવી રાખતો.
એક વાર સારા શેઠ જેવા દેખાતા એક માણસે ચંચળને બોલાવી પોતાની સાથે ગાડીમાં બેસવા આમંત્રણ આપ્યું.
‘વીરાજી આવે તો હું આવું.’ ચંચળે કહ્યું.
‘એ ભૂતને પણ લઈ લે; એને પણ પગાર આપીશું.’ શેઠ કહ્યું.
***
વીરાજી બહુ રાજી થયો અને બંને જણ શેઠની સાથે ગયાં. શેઠની એક નાટકકંપની હતી. થિયેટરની પાસેની એક જાણીતી ધર્મશાળામાં ચંચળ અને વીરાજી બીજાઓ ભેગાં એક ખૂણામાં રહ્યાં. ચંચળને સવારબપોર નાચગાયન શીખવાનું હતું. એમાં એને બહુ મજા પડી. એક રાતે એને શણગારીને ખેલમાં ઉતારી ત્યારથી વીરાજીને ચંચળ પ્રયે કોઈ એવી ભાવ ઊર્મિ ઊપજી કે ચંચળ સામેથી તે આંખ જ ખસેડી શકતો નહિ. ખેલ જોવા આવેલાં સ્ત્રીપુરુષોએ પણ ચંચળને તાળીઓથી વધાવી લીધી.
બીજે દિવસે ચંચળે વીરાજીને કહ્યું : ‘વીરાજી ! તારું મોં જરા પણ રૂપાળું હોત તો કેવું સારું થાત ?’
‘એટલે ?’ જરા આંખો ખેંચી વીરાજીએ પૂછ્યું.
‘એટલે એમ કે તું એક રાજાનો કુંવર બનત અને હું તારા દુશ્મન રાજાની કુંવરી બની નાટકમાં તારી જોડે લગન કરત.’
‘તે કહે ને પેલા શેઠને ! હું કુંવર બનવા તૈયાર છું. મને ગાતાં પણ...’
‘આ મોંએ કુંવર બનવું છે ? તારો રંગ જો, તારા હોઠ જો, તારી આંખો...’
વીરાજી ચંચળને મૂકી ધર્મશાળાની બહાર ચાલ્યો ગયો. પરંતુ કલાકમાં તો એ પાછો આવી ગયો. ચંચળનું મુખ પ્રત્યક્ષ જોવા તે અધીરો બની ગયો. વીરાજીને લાગ્યું કે ચંચળ વગર તેનાથી રહેવાશે નહિં.
વીરાજીનું વર્તન એકાએક સંકોચભર્યું બની ગયું. ચંચળ સામે તે તાકીતાકીને પણ છૂપી રીતે જોવા લાગ્યો. એક વખત ચંચળને ઘૂઘરા આપતાં બંનેના હાથ અડક્યા. રોજના આવા સ્પર્શ સ્વાભાવિક બની ગયા હતા, પણ હવે વીરાજીએ સ્પર્શથી રોમાંચ અનુભવ્યો. જડ સ્પર્શમાં જીવ આવ્યો. કંપનીના કેટલા ય નટ ચંચળની પાસે આવતા, તેની સાથે વાતો કરતા અને એકાંત મેળવવા મથતા હતા. ચંચળ બધાંયની સાથે હસતી, બોલતી, જરા લટકો પણ કરતી અને એકાંત હોય તો કોઈને તાળી પણ આપતી. એ વીરાજીને બિલકુલ ગમતું નહિ. વીરાજીએ ધીમે ધીમે ચંચળની ચૉકી કરવા માંડી.
એક રાતે ખેલ પુરો થતાં પહેલાં એક નટ પડદાના અંધારાનો લાભ લઈ ચંચળને ખભે હાથ મૂક્યો. ચંચળ એ બદલ વિરોધ જાહેર કરે તે પહેલાં તો નટના વાંસ ઉપર જબરદસ્ત મુક્કો પડ્યો, અને એ મુક્કો મારનાર વીરાજી વધારે ધાંધલ કરી ચાલતા નાટકને હરકત ન કરે તે માટે ચંચળે તેને ધમકાવ્યો, નટ તો મુક્કો ખાઈ તખ્તા ઉપર આવી ‘સતીત્વ’ ઉપર બેત બોલતો હતો.
‘કેમ આમ ધાંધલ કરે છે ? ઘેલો તો નથી બની ગયો ?’ ચંચળ કહ્યું.
‘તારે ખભે હાથ મૂકનાર એક કોણ ?’ વીરાજીએ કહ્યું.
‘શું થઈ ગયું એમાં ?’ ચંચળે જીવન અને નાટક બંનેમાં પ્રસરેલી વ્યાપક વિકારવૃત્તિને અનુમોદન આપતાં કહ્યું.
ચંચળને પણ અનિયમિત રમત ગમતી હતી શું ? એવી રમતને તે ઉત્તેજન આપતી હતી શું ?
‘હું તને છેલ્લી વાત કહું. મારા દેખતાં તારી સાથે જે કોઈ ચેડાં કાઢશે તેની હું બરાબર ખબર લઈશ.’ વીરાજીએ કહ્યું.
‘મારો માલિકબાલિક તું છે શું ?’ ચંચળે પૂછ્યું – જરા ક્રોધમાં.
‘નહિ હોઉં તો થઈશ.’
‘આ મોં લઈને ? જરા આયનામાં તો નજર નાખ ?’ કહી ચંચળ આગળના ઉઘડેલા પડદા નજીક છમકારા સાથે જઈ નૃત્ય કરવા લાગી.
લોકોની તાળીઓ પડતી હતી; અંદરના સઘળા નટ ચંચળનું નૃત્ય કે નૃત્યમાં સ્ફુટ થતું સ્વરૂપ જોઈ રહ્યા હતા. આયના આગળ એકાંત હતું; અને વીરાજીએ આયનામાં મુખ જોયું.
વીરાજી પોતાનું જ મુખપ્રતિબિંબ જોઈ ચમક્યો. એને આજ સુધી ખબર ન હતી કે પોતે આવો ભયંકર કદરૂપો હતો ! પ્રથમ તો આયનાએ એનો રંગ જ રજૂ કર્યો. ધીમે ધીમે કાળું ધાબું દેખાયું. અને એ ધાબામાંથી હાસ્યપાત્ર નાક, આશ્ચર્ય ઉપજાવતા હોઠ તથા ભયાનક આંખ ઊપસવા લાગ્યાં; અને આખું પ્રતિબિંબ સ્થિર થયું ત્યારે તો વીરાજીએ પાસે પડેલી એક લાકડી લઈ આયના સાથે પછાડી આયનાને ફોડી નાખ્યો.
ફૂટેલા આયનાએ અનેક સ્વરૂપમાં વીરાજીના કદરૂપા દેહને વ્યક્ત કર્યો. સૂત્રધારે આવી તેના કાન ઝાલી ધક્કો મારી તેને ત્યાંથી બહાર કાઢ્યો અને એની પાછળ ગાળોને વરસાદ વરસાવ્યો.
પરંતુ એથી એને એટલી મુંઝવણ ન થઈ જેટલી એના દર્પણપ્રતિબિંબે ઉપજાવી હતી. ધર્મશાળામાં જઈ એ પોતાને સ્થાને સૂઈ ગયો. નાટક હજી પૂરું થયું ન હતું એટલે ચંચળને આવવાની વાર હતી. સૂતાં સૂતાં એને ભૂત, રાક્ષસ અને પિશાચનાં દૃશ્ય દેખાવા લાગ્યાં.
ચંચળ આટલી બધી ખૂબસૂરત કેમ ? અને વીરાજી આટલો કદરૂપો કેમ ? બંને રખડતાં – વંશ કે વાલી વગરનાં ! ચંચળનું રૂપ ક્યાંથી આવ્યું ? વીરાજીના રૂપ રહિત મુખનું કારણ ક્યાં ? બંને વાઘરી જાતનાં તો હતાં જ. પછી આ ભારે ફેરફાર કેમ ?
નૃવંશવિદ્યાના કૂટ પ્રશ્નોનો નિકાલ કરવાની વીરાજીમાં શક્તિ ન હતી. ગમે તે પેઢીના ગમે તે પૂર્વજનાં રૂપ, રંગ, ગુણ ગમે તે વારસામાં ફૂટી નીકળે છે ! અનિશ્ચિત રખડેલ જીવન ગાળતી કોમમાં એક બાજુએ રૂપરૂપનો ભંડાર ઊપજે; બીજી બાજુએ વરવાશના જ ગુણાકારો થતા ચાલે !
અને રખડેલ કોમ માટે જ આ સાચું ? કે બધાંયને માટે ?
વીરાજીની નિદ્રા અસ્થિર બની ગઈ. આંખ મીંચતાં બરોબર એને એનું પોતાનું જ મુખ નજરે પડતું. સ્વમુખની સ્મૃતિ માટે ભાગે અલભ્ય હોય છે. આજ વીરાજીની સ્મૃતિ એના મુખ સિવાય બીજું કશું સંઘરતી જ ન હતી. પાસાં બદલ્યા કરતા વીરાજીને કોઈ ઢંઢોળતું હોય એમ એકાએક લાગ્યું. એ સ્પર્શ નાજુક હતો. રોમાંચ ઉપજાવતા એ પરિચય સ્પર્શને એણે ઓળખ્યો. ચંચળ તેને જગાડીને કહેતી હતી : ‘વીરાજી ! વીરિયા ! જાગ.’
‘શું છે ? ઘડી સૂઈ રહેવા પણ દેતી નથી ?’ વીરાજીએ કહ્યું.
‘ચાલ ચાલ, ભાગી જઇએ ! અહીં તો બધા ય એવા છે.’
‘કોણ બધા ?’
‘શેઠથી માંડીને પડદા ઊંચકનાર સુધી બધા ય.’
‘શું થયું ?’
‘જે થયું તે. ચાલને તું ? મારે અહીં રહેવું નથી.’
‘તે જા તારે જવું હોય તો ! મારે શું એમાં ?’
‘એમ કે ? સારું. હું જઈશ – એકલી.’
કહી ચંચળે પોટકું ઉઠાવી માથે લીધું અને સહુને સૂતાં મૂકી તે કોઈને ખબર ન પડે એમ બહાર નીકળી.
જરા આગળ જતાં જ તેને લાગ્યું કે તેની પાછળ કોઈ આવી રહ્યું છે. પઠાણ રખવાળ તો પાછળ નહિ પડ્યો હોય ? અને તો સમજાવી લેવાય એમ હતું… ત્યારે વીરાજી પાછળ આવતો હતો ?
ખરેખર, જૂનું હારમોનિયમ લઈ વીરાજી ચંચળ પાછળ આવતો હતો !
‘ના કહેતો હતો અને કેમ આવ્યો ?’ ચંચળે પૂછ્યું.
‘મને લાગ્યું કે તને એકલાં નહિ ફાવે.’
‘મને તો એકલાં જ ફાવે છે. જો ને, એકલી ચાલી આવી ને ?’
‘ત્યારે મને તારા વગર નહિ ફાવે એમ લાગ્યું ! એટલે હું તારી પાછળ ચાલ્યો આવ્યો.’
‘આપણે જેમ રહેતાં હતાં એમ રહીશું અને માગી ખાઈશું.’ કહી થોડા દિવસ માંટે ચંચળ અને વીરાજી બીજે ગામ જતાં રહ્યાં. ચંચળ સાચાં ઘરેણાં લઈ નાસી ગઈ હતી એવા આરોપો મૂકી કંપનીના માલિકે તેમની તપાસ કરાવી, પરંતુ પોલીસમાં ફરિયાદ નોંધાવતે વખતે ફોજદારે માલિકને પૂછેલા કેટલાક પ્રશ્નો મૂંઝવણભર્યાં લાગવાથી પોલીસખાતું લાંચિયું છે અને એકાદ ફારસ ગોઠવી ફોજદાર સામે વેર લઈશ એને મનમાં કહી મન વાળી નાટક કંપનીના માલિકે ચંચળનો પીછો ન લીધો.
થોડાં સાચાં ઘરેણાં ચંચળને મળ્યાં હતાં એ વાત એણે વીરાજીને પણ કહી. પરંતુ મૂર્ખાઓની મશ્કરી આર્થિક સહાયમાં ઉપયોગી થઈ પડતી હોય તો તે અજમાવવામાં ચંચળને પાપ લાગ્યું દેખાયું નહિ; અને એ જ મંદ હાસ્ય, સ્મિત, ચપળતાભરી વાત અને બીભત્સ રસની કદી કદી સીમાએ પહોંચતાં સૂચનો વડે એણે કૈંક સહેલાણીઓને બેવકૂફ બનાવ્યે રાખ્યા.
‘દુનિયામાં બેવકૂફોનો પાર નથી.’ એક વખત ચંચળે વીરાજીને કહ્યું.
‘બેવકૂફો સાથે રમતાં તું બેવકૂફ ન બની જાય એ જોજે.’ વીરાજી સદા ય ચંચળની મસ્તીને ડારતો.
‘તારે તો એની એ જ શિખામણની વાત. જોજે તો ખરો; હું પાંચેક વરસમાં લાખ રૂપિયા ભેગા કરી બેસી જઈશ.’ ચંચળ કહેતી.
વીરાજીને લાખ રૂપિયા ભેગા કરવાની યોજનાઓ જડવા માંઠી. વાઘરીના રુધિરમાં ચોરી હતી જ, અને ચંચળને માટે એ ભાવના રાજમહેલોમાંની ચોરીની ઉચ્ચ કક્ષાએ પહોંચી; એક કે બે રાજમહેલો ફાડી શકાય તો ચંચળની ધારણા પ્રમાણે રૂપિયા એકદમ ભેગા થાય ? અલબત્ત, વીરાજીની યોજના હજી માનસ સૃષ્ટિમાંથી બહાર આવી ન હતી.
વીરાજી સાથે ભારે મૈત્રી અને સહેવાસ હોવા છતાં ચંચળ વીરાજીના હૃદયની ઉષ્માને ઉત્તેજી શકી નહિ. નીતિના સિદ્ધાંતોની એ બંને રખડેલ માનવીઓને ઝાઝી ભીતિ ન હતી, એટલે વીરાજીની ઘેલછાને જોઈ તે હસતી. પરંતુ વીરાજીના ભાવને એણે કદી ઉત્તેજન આપ્યું નહિ.
ખુલ્લા મેદાનમાં કે દેવાલયને ઓટલે બંને રાતે સૂતા પહેલાં પૈસા ગણી લે એટલે વીરાજી કોઈ વાર કહે : ‘ચંચળ ! એક વાત કહું ?’
‘હું જાણું છું તારે શી વાત કહેવાની છે તે. મૂઆ, મોંમાં તો ઢંગ નથી અને મને વાત કહેવા નીકળ્યો છે !’
‘હું તને મૂકીને ચાલ્યો જઈશ, હો ?’
‘તે તને કોણે ના પાડી ? જા ને, આ રસ્તો રહ્યો !’
વીરાજી કદી કદી જતો પણ ખરો, પરંતુ થોડા કલાકમાં પાછો આવી જતો.
‘કેમ, જખ મારવા પાછો આવ્યો ?’
‘તને એકલી મૂકતાં જીવ ન ચાલ્યો.’
‘જો મારી જોડે રહેવું હોય તો એક વાત સમજી લે.’
‘સમજી ગયો.’
‘શી ?’
‘લાખ રૂપિયા વગર મારી જોડે....’
‘લાખ તો શું પણ દસ લાખ હોય તો ય તારે મારી આશા રાખવી નહિ !’
આમ કહ્યાં છતાં રિસાઈને બંને પાછાં ભેગાં થતાં. ધીમે ધીમે વીરાજીના હૃદયમાં રૂધિરના અક્ષરે લખાયું કે ચંચળ કદી એનું મન મનાવે એમ નથી જ. તો ય કદી કદી રમત થઈ જતી, વીરાજીથી ચંચળને અડકાઈ જવાતું અને બદલામાં ચંચળની તમાચ પણ વીરાજીને સહન કરવી પડતી. ચંચળ કોઈથી ડરતી નહિ; વીરાજીથી પણ નહિ; જોકે બેત્રણ વાર ચંચળને ડરાવવાનો વીરાજીએ પ્રયત્ન પણ કરી જોયો.
અંતે વીરાજીએ કાંઈ પણ વાત ન કરતાં ચંચળની સામે તાકી તાકીને નિહાળવામાં જ સંતોષ સેવવા માંડ્યો. ચંચળે એનો પણ વિરોધ કર્યો એટલે રાત્રે ચંચળને મૂકી વીરાજીએ પાસેના બીજા દેવળમાં જઈ સૂવા માંડ્યું.
ચંચળ પણ જરા વિચારમાં પડી. એ કદરૂપો પુરુષ એને અંશત: ગમતો અને અંશત: એ તિરસ્કારપાત્ર લાગતો. એની મૈત્રી, સેવા અને વફાદારીનો વિચાર આવતાં ચંચળ રાજી થતી; પરંતુ એનું મુખ નિહાળતાં એનો એક પણ ગુણ આકર્ષક લાગતો નહિ. વીરાજીની ગેરહાજરી એને ગોઠતી નહિ; પરંતુ હાજરી યે એકાંતમાં અણગમતી બની જતી. વીરાજીએ રાત્રે રાત્રે અદૃશ્ય થવા માંડ્યું એટલે સાહસિક ચંચળે કુતૂહલપૂર્વક તેનો પીછો પકડ્યો. પાસેના દેવાલયમાં આવેલા ત્રણચાર ખાખી સાધુઓની ધૂણી ધિકાવવા, તેમની ચલમો ભરી આપવા અને તેમની અર્ધ જ્ઞાનમય અને અર્ધ ક્રોધમય વાણી ભાવપૂર્વક સાંભળવામાં વીરાજી પોતાની રાત્રી વિતાવતો હતો એની ખાતરી ચંચળે કરી એક નિઃશ્વાસ નાખ્યો. સાથે સાથે સન્માર્ગે વળતા સાથીને નિહાળી તેને સંતોષ પણ થયો.
‘ચાલો ! ના કહેવાથી એ મરવા નહિ જ પડે.’
પરંતુ સાધુની સોબતે વીરાજીની આંખમાં રહેલી લોલુપતા દૂર ન કરી એ તો ચંચળ સમજી ગઈ. અને તેમાં રસ્તે ગીત ગાતી વખતે થતાં ચંચળનાં નયનનૃત્યને વીરાજી એકાગ્રતાપૂર્વક જોઈ રહેતો ત્યારે ચંચળને કદી કદી ભય લાગતો. ચંચળ બળવાન હતી, વીરાજી સામે થઈ જતી હતી; છતાં વીરાજી શારીરિક બળમાં ચડિયાતો હતો એ વાત ચંચળ સમજતી હતી. અને હજી વીરાજીએ ચંચળને ફરિયાદનું કારણ આપ્યું ન હતું તો ય વીરાજીનો વિશ્વાસ પૂરો પડતો નહિં. આ બધી ગૂંચવણનું એક જ કારણ–વીરાજીનું મુખ ચંચળને જરા ય ગમે એવું ન હતું. જરા પણ મુખ ગમે એવું હોત તો ? બીજા બધાને રીઝવવાનું છોડી ચંચળ વીરાજીને રીઝવત.
એક વાર પાંચ દિવસ સુધી વીરાજી અદૃશ્ય રહ્યો. ચંચળ ખાખીઓને પૂછવા ગઈ. ખાખીઓનો મુકામ ત્યાંથી ઉપડી ગયો હતો. ચંચળને હૃદય ધબકાર ઊપજ્યો : ‘વીરાજી બાવો તો નહિ બની ગયો હોય?’
બે ત્રણ દિવસ ચંચળ વ્યગ્ર રહી. એને વીરાજી વારંવાર યાદ આવવા લાગ્યો. વીરાજીનું સ્મરણ વીરાજીના દ્રશ્ય જેટલું કદરૂપું કેમ ન લાગ્યું ?
વીરાજીની ગેરહાજરીનું એક બીજું પણ પરિણામ આવ્યું. ચંચળની સાથે રહેવા, ફરવા, ગાવા તથા દિવસરાત ગુજારવા અનેક રખડતા યુવાનો તત્પર હતા; અને રખડતા ન હોય એવા યુવાનો – અયુવાનો પણ આતુર હતા એની પણ ચંચળને ખાતરી થઈ. વીરાજીની હાજરી ઘણા ઘણા રસિકોને મુંઝવણભરી થઈ પડતી હતી. અને ચંચળને વહેમ પણ આવ્યો કે વીરાજી પોતાના શારીરિક બળનો ઉપયોગ કરીને પણ ઘણા સમભાવી પુરુષોને દૂર રાખતો હોવો જોઈએ. વીરાજી ઘણી વાર માથું ફોડાવીને શા માટે આવતો તેની ચંચળને સમજણ પડી ગઈ.
ત્રણ દિવસ સુધી વિચિત્ર એકાંત અનુભવતી ચંચળે ચોથે દિવસે ક્રોધ અનુભવ્યો.
‘કોઈ વખત નહિ અને આ વખત આમ મને એકલી મૂકી ભાગ્યો? સારું થયું; પીડા પતી; એનું મોં જોવું મટ્યું !’
અને પાછળ ભમનારા મજૂરો, ગાડીવાન, પાનવાળા અને ગુંડાઓની પોતાની આસપાસ તેણે પાંચમે દિવસે ભરતી કરી, અને ગાયનનો જલસો પોતાના રહેઠાણની ખુલ્લી જગામાં રાખ્યો.અપૂજ શિવાલયમાં તેમનો નિવાસ હતો.
પરંતુ ચંચળ સાથે હાર્મોનિયમ વગાડનાર કોઈ જોઈએ જ. વીરાજી તો હતો નહિ; એક પાનબીડી વેચનારે હાર્મોનિયમ વગાડવાનું બીડું ઝડપ્યું; અને જોકે ચંચળને એ ફાવ્યો નહિ છતાં વીરાજીને સંભારી એના ઉપર ક્રોધ કરી એના વગર ચાલી શકે છે એમ બતાવવા ચંચળે જલસો ફળીભૂત બનાવ્યો–પોતાના ગીતનૃત્ય વડે !
પાછલી રાતે જલસો પૂરો થતાં કેટલાક લોકોએ ત્યાં જ સૂવાની તૈયારી બતાવી. પરંતુ કોણ જાણે ક્યાંથી પડછાયા સરખો વીરાજી ત્યાં સૂતેલો દેખાયો. એને જોઈ સહુએ ચાલ્યા જવાનું પસંદ કર્યું.
ચંચળના મુખ ઉપર સહજ વિજયસ્મિત ફરક્યું. પરંતુ એણે વીરાજીને બોલાવ્યો નહિ. સવાર પડતાં જ જાણે એ વીરાજીને ઓળખતી ન હોય એમ પોતાને કામે લાગી. ગેરહાજર વીરાજી કરતાં હાજર રહેલો વીરાજી વધારે ખરાબ લાગ્યો. ચંચળને અણગમો શરૂ થયો.
વીરાજીએ પણ જાણે કશું બન્યું ન હોય એમ ચંચળ સામે જોવા માંડ્યું. ચંચળે વીરાજીને ગણકાર્યો નહિ એટલે એણે પાસે પડેલું હાર્મોનિયમ લઈ આંગળીઓ ફેરવવા માંડી.
ચંચળ ઈંટના ચૂલા ઉપરની કલેડીમાં રોટલો શેકતી હતી અને છૂપી રીતે વીરાજી તરફ જોઈ લેતી હતી. હાર્મોનિયમ વગાડતા વીરાજીની નજર હાર્મોનિયમ તરફ હતી જ નહિ. એની આંખો ચંચળના પ્રત્યેક હલનચલનને પીતાં ધરાતી ન હોય એમ ચંચળ ઉપરથી ખસતી જ ન હતી. બોલ્યા વગર લાંબો વખત રહેલી ચંચળથી છેવટે કહેવાઈ ગયું: ‘આંખો સખની રાખ, નહિ તો ધોલ ખાઈશ !’
‘તે હું શું કરું? ના કહું છું તો ય આંખો તારા ભણી દોડે છે.’ વીરાજીએ જવાબ આપ્યો.
‘આંખો માનતી ન હોય તો ફોડી નાખ.’ ચંચળે ઈલાજ બતાવ્યો. જવાબમાં વીરાજીએ હાર્મોનિયમ ઉપર વગાડી ગાયું :
‘યે દો નયનાં મત ખાઈઓ, પિયામિલનકી આસ.'
એ આશાનું પરિણામ ધોલમાં આવ્યું. વીરાજીએ ચંચળની ધોલ ઘણી વખત ખાધી હતી; વર્ષોથી ખાધી હતી. પરંતુ આજ તેનું અભિમાન ઘવાયું. તેના મુખ ઉપર ક્રોધ છવાઈ રહ્યો. ચંચળનું ગળું પકડી દબાવી દેવાની વૃત્તિ વીરાજીએ રોકી. પરંતુ ચંચળને એનો હિસાબ ન હતો. એ ખડખડ હસી અને વીરાજીના કદરૂપા દેખાવને એના પૂર્વજો સાથે જોડવાનું સાહસ કરવા લાગી. પ્રેમી વીરાજીને ચીડવવામાં અપ્રેમી ચંચળને બહુ મજા પડતી હતી. વીરાજીની વફાદારી ચંચળને ગમતી હતી, પરંતુ એનો પ્રેમ ગમતો ન હતો; કારણ એનું મુખ ગમે એવું ન હતું. અને જગતના પ્રેમીઓએ એક વસ્તુ યાદ રાખવાની જરૂર તો છે જ કે ન ગમતું મુખ પ્રેમપ્રેરક તો નથી જ.
વીરાજીને થયેલા ઘામાં આમ ચંચળે લૂણ ભર્યું. અલબત્ત,ચંચળ પણ કળવિશુદ્ધિનું અભિમાન રાખી શકે એમ હતું નહિ. ચંચળના રૂપાળા મુખ પાછળ કંઈક ઊંચી કોમો, કંઈક સત્તાધીશો અને કંઈક વિશુદ્ધ મનાતા પુરુષોની પરંપરા ઊઘડી આવતી હતી. શિકારે આવેલો સાહેબ, મહેસૂલ ઉઘરાવતો મામલતદાર, પીઠાવાળો પારસી, જ્ઞાન ફેલાવતો બ્રાહ્મણ, આશીર્વાદ આપતો તપસ્વી અને નીતિ વહેંચતો શહેરી સુધારક : એ સહુનાં નામ ચંચળના રૂપને અંગે વીરાજી ઉચ્ચારી શકે એમ હતું. અને... અને...વાસનાવશ માનવી વનચર કરતાં કેવી રીતે ચડિયાતો ગણાય ? પછી એ માનવી મહેલમાં રહેતો હોય કે મંદિરમાં !
વીરાજીના મુખ ઉપર ક્રૂર દૃઢતાની રેખા ઊઘડી આવી. પૈસા ગણવાનું બહાનું જ હતું. ચંચળને તો વીરાજી સાથે વાતો કરવી હતી; અને વાતમાંથી એને ચીડવી વધારે પાસે લાવવો હતો – જોકે એના મુખની નિકટતા ચંચળને નહોતી ગમતી. ચંચળે જોયું કે વીરાજી ઊભો થયો છે, અને તેની પાસે આવી રહ્યો છે. વીરાજીની એને બીક તો ન હતી. છતાં કોઈ કોઈ વાર આ સામર્થ્યશાળી યુવકનું બળ તેને વ્યાકુળ બનાવતું ખરું. સહુની સાથે મારામારી કરવા તૈયાર રહેતો વાઘરી ચંચળ પ્રત્યે હિંસક આક્રમણ કરે પણ ખરો!
‘કેમ ઊભો થયો? મારામારી કરવી છે?’ ચંચળે પૂછ્યું.
‘એમાં હું તને નહિ પહોંચું. પેલો રોટલો બળી જાય છે એ ઠીક કરવા હું ઊભો થયો છું.’ વીરાજીએ ક્રોધ સમાવી કહ્યું.
‘બેસ હવે, કર્યું તે ઠીક.’ કહી ચંચળે રોટલો ફેરવ્યો.
વીરાજી બેઠો – પરંતુ ચંચળની બહુ જ નજીક આવીને બેઠો.એના અણગમતા મુખ ઉપર કાંઈક એવી સખ્તી હતી કે ચંચળનું ધ્યાન એ તરફ દોરાયા વગર રહ્યું નહિ.
‘આજે હું પાંચ દિવસે પાછો આવ્યો છું.’ વીરાજીએ કહ્યું.
‘તે શું કરવાને આવ્યો? કોણે કહ્યું હતું? ધમકાવવા આવ્યો છે, નહિ ?’ ચંચળે વીરાજીને સામે ધમકાવ્યો.
‘ના; એક વાત નક્કી કરવા આવ્યો છું.’
‘હું તારું ઘર માંડું અને તારો સંસાર ચલાવું,એમ? એ કદી બનવાનું નથી.’ વીરાજી શું માગશે એ સમજીને જ ચંચળે નિકાલ કર્યો.
‘કારણ? મેં તારી પાછળ જીવ આપવો બાકી રાખ્યો છે. તને ખબર નહિ હોય કે મેં તારી સાથે રહેવા માટે શું શું જતું કર્યું છે.’ વીરાજીએ ધીમે ધીમે પણ લોખંડના રણકારા સરખા અવાજે કહ્યું.
‘ભોગ તારા ! એમાં હું શું કરું?’
‘એટલે એમ કે હવે તને મારો ખપ નથી; ખરું ને? ગઈ રાતનો જલસો મારા વગર થઈ શક્યો.’
‘તેં જોયો તો ખરો !’
‘અને હું જઈશ પછી....’
‘મને મન ફાવશે તેની જોડે રહીશ. છે કાંઈ કહેવું ?’
‘કાંઈ કહેવું નથી; હું અત્યારે જ ચાલી નીકળું છું.’
‘જમીને પછી જજે.’
‘હવે જમવાનું ભાવતું નથી.’
‘ઓ મૂરખ ! તને ખબર છે કે તારા માટે મેં શું શું જતું કર્યું છે તે?’
‘હશે. પણ છેવટે તો મીંડું જ ને?’
‘જરા સારું મોં લઈને ન અવતર્યો?’ કહી ચંચળ હસી અને એકાએક લૂગડાનો છેડો આંખે દાબી રોવા લાગી.
વીરાજીએ લાકડાં સંકોર્યા અને પાસે પડેલાં તણખલાં ચૂલામાં નાખવા માંડ્યાં. ભડકો થવાને બદલે વધારે ધૂણી થઈ અને ચંચળે આંખ લૂછી ચૂલામાં લગભગ મોં ઘાલી ફૂંક મારવા માંડી.
વીરાજી ત્યાંથી ઊઠી ઊભો થયો અને સહજ દૂર ગયો. એકાએક ચંચળે બૂમ મારી : ‘વીરાજી, વીરાજી ! જો ને, મારી આંખમાં કેમ બળતરા બળે છે ?’
‘મારું અણગમતું મોં તારી સામે છે એથી.’ વીરાજીના મુખ ઉપર ક્રૂરતા હતી.
‘મશ્કરી નથી. આ તો મરચાં આંજ્યાં જેવું બળે છે.’ ચંચળે આંખો ચોળતાં કહ્યું.
‘તારી આંખ એને જ લાયક છે.’ વીરાજીએ કહ્યું.
‘મૂઆ ! કાંઈ કર્યું કે શું ?’
‘વીરાજીનું મોં તને કદી ન દેખાય એવું કર્યું છે.’
‘મારાથી ખરેખર કશું દેખાતું નથી. વીરાજી !’ કહી ચંચળ ઊભી થઈ બાથોડિયાં ભરવા લાગી. બાવરી બનેલી ચંચળને લાગ્યું કે તેની દૃષ્ટિ અલોપ થતી જાય છે.
‘તે તું જાણે. જે દેખાય તેને શોધી કાઢજે અને તેની જોડે રહેજે. હું તો આ ચાલ્યો.’ વીરાજીએ કહ્યું, અને ખડખડ હસવા માંડ્યું.
‘વીરાજી ! ના જઈશ. મારી આંખો ફોડીને તું ક્યાં ચાલ્યો ?’ ચંચળે ક્રોધ અને લાચારીભર્યા રુદન વચ્ચે કહ્યું.
‘ખાખીઓ ભેગો.’
‘જરા ઊભો રહે...’
‘મારું અને તારું એમ બંનેનાં કામ પૂરાં થયાં. હવે હું ઊભો રહું ?’ કહી વીરાજી ભાગ્યો. ચંચળે બૂમો પાડી, ચીસો પાડી, રુદન કર્યું, માથાં કૂટ્યાં. બીજે દિવસે કોઈ સહાનુભૂતિવાળો સંગીત મિત્ર એને દવાખાને લઈ ગયો. દવાખાને જાહેર થયું કે ચંચળની આંખો કાયમની ગઈ છે, અને કોઈ અજાણ્યા ઝેરની ધૂણીએ એની દૃષ્ટિ હરી લીધી છે. એનો ઇલાજ જ નથી.
સહાનુભૂતિવાળા સંગીતમિત્રોને અંધ સ્ત્રીનું ભારણ જોઈતું ન હતું. માનવી દયાળ છે; પરંતુ એ દયા દૂર રહ્યે રહ્યે કરવામાં જ માનવીને ફાવટ આવે છે. ચંચળને ઝડપથી એના રહેઠાણમાં મૂકી દયાળુ મિત્રે ફરજ બજાવી; પરંતુ એથી આગળ વધી આંખ ખોઈ બેઠેલી ચંચળે શું કરવું તેનો માર્ગ કોઈએ બતાવ્યો નહિ. લોકો જોઈ ગયા, એની ખબર પૂછી ગયા, એની આંખ ફોડનાર દુષ્ટ ઉપર ગાળોનો વરસાદ વરસાવી ગયા. પરંતુ કોઈએ એને ન પૂછ્યું કે એનું ભાવિ એ કેમ ઘડવાની છે ! બેચાર શોખીનો સંગીતની માગણી કરી ગયા પણ ચંચળે તેમને ગાળો દઈ રવાના કર્યા વગર જવાબદારીએ ચંચળ પ્રત્યે પ્રેમચેષ્ટા કરવાની હિંમત કરનાર એના જૂના વખાણનારાઓને એણે ધોલઝાપટથી દૂર કર્યા અને અપંગ બનેલી ચંચળ આમ તદ્દન એકલી બની ગઈ.
આઠ દિવસે કોઈએ એને ખાવાનું પૂછ્યું. ક્રોધ, દુઃખ અને નિરાધાર પણાની લાગણીનો આવેગ જરા હલકો પડતાં એને સમજાયું કે એનો દેહ પોષણ માગી રહ્યો છે. એણે ખાવાની હા પાડી.
પછી તો રોજ કોઈ ને કોઈ માણસ એને બે વાર જમાડવા આવતો. કેટલેક દિવસે એણે એ માણસને પૂછ્યું : ‘તમે કોણ છો ?’
‘તારે શું કામ છે ?’
‘વીરાજી તો નહિ ને ?’
‘વીરાજી ? ના રે ના ! હું તો નગરશેઠનો નોકર છું. ગામમાં કોઈ ભૂખ્યું ન રહે એ જોવું છું.’
ગામની ભૂખતરસ ભાંગતા નગરશેઠો આજ તો અદૃશ્ય થઈ ગયા છે. છતાં ચંચળે એ કથન માન્ય કર્યું.
‘ચાલ, હું તને કૂવે લઈ જાઉં અને નવરાવું.’ કોઈ માણસે આવી ચંચળને કહ્યું. ચંચળ એનો હાથ ઝાલી કૂવે નાવા ગઈ. એ માણસે ચંચળને બદલવા માટે ચોખ્ખો ધાયેલો સાલ્લો આપ્યો.
‘તમે વીરાજી તો નથી ?’
‘વીરાજી ? મને ખબર નથી. હું તો અપૂજ દેવોની પૂજા કરું છું. તને જોઈ એટલે એમ થયું કે નવરાવું. દેવાલયમાં વગર નાયે રહેવાય ?’ ચંચળે દોરી જનાર માણસના હાથ ઉપર હાથ ફેરવી જોયો.
પેલા માણસે જરા સખ્તીથી કહ્યું :‘જો બાઈ ! બીજું ત્રીજું તોફાન આપણી પાસે નહિ ચાલે.’
‘હું તોફાન નથી કરતી. હું તો જોઉં છું કે તમે વીરાજી તો નહિ હો !’
‘વીરાજી કોણ મૂઓ છે, વળી ?’ પેલો પવિત્ર માણસ બબડ્યો.
થોડે દિવસે એક માણસે આવી પૂછ્યું : ‘ચંચળ ! આજે ગાવા આવીશ ?’
‘મારે આંખ તો છે નહિ; હું શી રીતે આવું ?’ ચંચળે કહ્યું.
‘કોઈ તને દોરી લાવશે.’
‘એમાં શું રસ પડશે ?’
‘બહુ દિવસથી તને સાંભળી નથી. તું જરૂર આવજે. હું માણસ મોકલીશ.’ સંધ્યાકાળે એક માણસે આવી ચંચળને જલસામાં લઈ જવા દોરવા માંડી. ચંચળના હાથમાં લાકડી આપી આગળનો છેડો ઝાલી પેલો માણસ ચંચળને દોરી જતો હતો. રસ્તામાં ચંચળે પૂછ્યું : ‘વગાડનાર કોઈ છે ?’
‘જોઈએ એટલા–સરસ.’ પેલા માણસે જવાબ આપ્યો.
‘એકાદ બેનાં નામ ?’
‘હુસેન, મહાડકર, અવિનાશ...’
‘વીરાજી કરીને કોઈ છે ત્યાં ?’
‘વીરાજી ? જાણ્યામાં નથી.’
ચંચળ નિ:શ્વાસ નાખ્યો. જલસો પતી ગયો. ચંચળનાં વખાણ થયાં. પાંચેક રૂપિયા પણ તેના હાથમાં પડ્યા. પરંતુ એને લાગ્યું કે વીરાજીના હાર્મોનિયમ વગર એનો કંઠ બરાબર ખીલી નીકળ્યો નહિ. ચંચળને દોરી એક માણસ પાછો એને શિવાલયમાં લઈ ગયો.
એક રાત્રે ચંચળને લાગ્યું કે એની નજીક માનવપગનો સંચાર સમજાય છે.
‘કોણ હશે ?’ ચંચળે પૂછ્યું. એને સોબત તો જોઈતી હતી. અપંગ આંખવાળી સ્ત્રીને કોઈ અડપલું તો ન જ કરે એની એને ખાતરી હતી. જો કે એને નવાઈ લાગ્યા કરતી હતી કે એને સંભાળનાર, એને પૂછનાર, હજી કેટલાંક માણસો હતાં ખરાં.
કોઈએ પ્રશ્નનો જવાબ ન આપ્યો. ચંચળે ધાર્યું કે શિવાલયમાં ભૂત પણ કદાચ ફરતાં હોય ! અહીંના ભૂત પણ સારાં હતાં. અને એની આંખ ગયેલી હતી એટલે ભૂત હોય તો પણ એને દેખાય એમ હતું નહિ.
થોડી વારે માનવધસારો વધારે સ્પષ્ટ થયો અને એની આસપાસ લાકડીના ફટકા પડતા એણે સાંભળ્યા.
‘શું છે ? કોણ છે ?’ ચંચળે પૂછ્યું.
‘કાંઈ નહિ. એ તો તારી બાજુએ થઈને સાપ ગયો એને પૂરો કર્યો.’
‘ભલા ભગવાન ! એને માર્યો શા માટે ?’
‘નહિ તો તને કરડી જાત.’
‘સારું થાત ! હશે, જે થયું તે થયું. તમે કોણ છો ?’
‘હું વટેમાર્ગુ છું. સવારે ગામમાં ચાલ્યો જઈશ.’
‘તમે વીરાજી તો નહિ ને ?’
‘વીરાજી ? ના ભાઈ. કોણ છે એ વીરાજી ?’
‘છે એક જણ મારા મનમાં કે એ અહીં સૂતો હશે.’
‘મારા સિવાય અહીં બીજું કોઈ છે જ નહિ. ગભરાતી તો નથી ને ?’
‘ના રે ના. અમારે આંખ વગરનાને ગભરાટ શો ? જે દેખતાં હોય એ બધાંય આંખ તે અમારી આંખ !’
‘તે તારે આંખ નથી ?’
‘ના ?’
‘જનમથી જ નથી ?’
‘હમણાં જ ગઈ.’
‘બળિયા નીકળ્યા હતા કે કાંઈ વાગ્યું હતું ?’ ‘તમારે આટલી બધી પૂછપરછનું કોઈ કારણ ?’
‘કારણ તો કશું ય નહિ. આસપાસના લોકો વાતો કરે છે કે બાઈની આંખ એના જ સાથીદારે ફોડી નાખી. મારા મનમાં કે તું જ એ હોઈશ.’
‘ના, એ હું નહિ.’
‘સાચી વાત કહીશ તો સુખી થઈશ. અને તેં જે વીરાજીનું નામ લીધું ને, એ જ નામ એ ગુનેગારનું આવે છે.’
‘મારે સુખી યે થવું નથી. અને… તમે તે સાપ માર્યો, કે નાગ બની તમે મને ડસવા આવ્યા છો ?’
‘હું તો પોલીસનો માણસનો છું. વીરાજીએ તારી આંખો ફોડી નાખી એવી ચકચાર ચાલી અને તપાસમાં બધું જ ખરું નીકળ્યું. તું હવે જો ખરી વાત કહે તો બસ થઈ જાય, અને વીરાજીને ભારે સજા થાય.’
‘ક્યાં છે વીરાજી?’
‘કેદમાં સ્તો. હજી સજા થઈ નથી. પણ....’
‘એને છોડી દો. મારી આંખો એણે ફોડી જ નથી.’
‘એણે નહિ તો કોણે ફોડી ?’
‘જાય છે કે નહિ અહીંથી, રોયા ? મને ફોસલાવવા આવ્યો છે, ખરું ને ?’ કહી ચંચળે પાસે પડેલો એક પિત્તળનો પ્યાલો છૂટો ફેંક્યો, અને આખી રાત એ એકલી જ જાગતી રહી. સવારમ કોઈએ આવીને પૂછ્યું :
‘ચંચળ ! તારે આ વાજું વેચવું છે ?’
‘ના; એ મારું ન હોય. વીરાજીનું છે.’
‘વીરાજી તો ગયો. કાઢી નાખ ને હવે ?’
‘સારા પૈસા આપીશ.’
‘મારે પૈસા ન જોઈએ.’
‘ત્યારે ?’ ‘વીરાજી આવીને લઈ જાય તો આપું.’
‘મને જોવા તો દે ?’
‘તમને વગાડતાં આવડે છે ?’
‘હા.’
‘જોઉં, વગાડી જુઓ... પણ પાછું મૂકતા જજો.’
‘એમ ? વિશ્વાસ નથી આવતો ? લાવ.’ કહી ચંચળના હાથમાંથી વાજું ખસેડી એણે વગાડવા માંડ્યું.
ચંચળે ધ્યાનથી સાંભળ્યું અને ડોકું ધુણાવ્યું.
‘કેમ ? ના ગમ્યું ?’ પેલા વેચાતું લેવા આવનાર માણસે પૂછ્યું.
‘ગમ્યું. પણ... પણ એ હાથ ન હોય.’
‘એ હાથ એટલે ?’
‘કાલે ફરીથી આવજો. હું વાજું વેચું પણ ખરી.’
‘પણ પાછી ફરી જઈશ ત્યારે ?’
‘નક્કી ન કહેવાય. હું વિચાર કરી જોઈશ. એટલામાં વીરાજી આવી ચડે તો...’
‘હવે એ ન આવે.’
‘કાલે આ વખતે આવજો ને !’ કહી ચંચળે વાત પતાવી દીધી અને હાર્મોનિયમ પોતાની પાસે ખેંચી લીધું.
હાર્મોનિયમને વખોડી કાઢવા છતાં તેને સતત વાપરનાર ઘમંડી, સંગીતકારો અને એનો બહિષ્કાર કરવાની વાનરચેષ્ટા કરતા રેડિયોના દોઢડાહ્યા કલાકારોનો શાસ્ત્રીય દંભ ચંચળમાં ન હતો. એને હાર્મોનિયમ ગમતું હતું. એમાંથી શ્રુતિ સાફ નીકળે છે કે નહિ એના વાદવિવાદમાં એ કદી પડી ન હતી. એના કંઠની સઘળી કુમાશ વીરાજીની આંગળીઓ આ વાજામાંથી ઉપજાવતી હતી એટલી એને ખબર હતી. એણે હાર્મોનિયમ ઉપર વહાલથી હાથ ફેરવ્યો.
આખો દિવસ અને રાત એને ગાવાની પ્રબળ વૃત્તિ થઈ આવી. એણે આછું આછું ગાયા જ કર્યું.
પ્રભાતમાં જ તેણે ભૈરવી શરૂ કરી – ભૈરવી સાંભળવા એક વખત અનેક શોખીનો શહેરમાં ભેગાં થતાં હતાં.
અખિયાં હરિદરશનકી પ્યાસી.
નેહ લગાય ત્યાગ ગયે તનકો,
ડાર ગયે ગલે ફાંસી–
અખિયાં હરિદરશનકી પ્યાસી.
પ્રભાતની શાન્તિ અને મેદાનના વિસ્તારમાં ચંચળના અશિક્ષિત છતાં મધુર સૂર ફેલાઈ રહ્યા.
જરા વારમાં એને લાગ્યું કે પાસે કોઈ બેઠું છે એનું ગીત સાંભળે છે. એણે ગીત બંધ રાખ્યું.
‘પછી શો વિચાર કર્યો, ચંચળ ?’ પ્રશ્ન થયો.
‘કોણ છો, ભાઈ તમે ?’
‘એ તો હું; હાર્મોનિયમ લેવા આવ્યો હતો ને, તે.’
‘આટલા વહેલા ?’
‘સોદામાં વાર શી ?’
‘પણ તમને આ વાજું ફાવશે નહિ. એ પણ માનવીને કળી જાય છે.’
‘એ તો હું વાજાને મનાવી લઈશ.’
‘તમને ગાતાં આવડે ખરું કે ?’
‘સાધારણ, વાજું લીધા પછી વધારે શીખીશ.’
‘તમે ગાઓ તો ખરા ?’
‘તારી ભૈરવી પહેલી પૂરી કર; પછી હું વિચાર કરીશ.’
‘સાથ આપશો ને જરા ?’
‘જોઉં.’
કહી નવા આવનાર માણસે હાર્મોનિયમ લીધું અને ચંચળે ભૈરવી પૂરી કરી :
સૂર શામ પ્રભુ તિહારે મિલનકો
લઈઓ કરબત કાસી –
અખિયાં હરિદરશનકી પ્યાસી.
ગીત અને હાર્મોનિયમની મિલાવટ શૉખીનોની ભાષામાં બહુ ‘અચ્છી’ થઈ. ગીતના વાતાવરણને લંબાવવા બેમાંથી કોઈ થોડી વાર સુધી બોલ્યું જ નહિ.
‘તું કહે તો હું તારો સાથ કરું. આપણે… જો મને હાર્મોનિયમ આપે તો પહેલાં તું ફરતી એમ હું તને ફેરવું.’
ચંચળના મુખ ઉપર સ્મિત ફેલાયું.
‘હાર્મોનિયમ તારું જ માનજે.’ ચંચળે કહ્યું.
‘કેમ ? વગર પૈસે ?’
ચંચળની દૃષ્ટિ – બાહ્ય દૃષ્ટિ બંધ હતી છતાં અવાજ ઉપરથી હાથ લંબાવી ચંચળે પેલા પુરુષનો હાથ પકડી લીધો અને કહ્યું : ‘તારું હાર્મોનિયમ, અને તારે પૈસા આપવાના ?’
‘મને ઓળખ્યા વગર શાની હાથ પકડે છે ? હું કોણ છું ?’
‘તું ?’
‘તું વીરાજી છે. લુચ્ચા ! મને મૂકીને આમ નાસી જવાય ?’
‘અરે... પણ... તું તો દેખતી નથી ને ?’
‘ખરેખર ? ઓ ભગવાન ! મને તો લાગ્યું કે તારી આંખો બિલકુલ ગઈ.’
‘એમ જ છે. આંખે દેખતી નથી, પણ હું તને ઓળખું છું. તારા વગર મને રોટલો કોણ ખવરાવે, કોણ નવરાવે, કોણ ફેરવે અને કોણ ગવરાવે ? હવે જતો ન રહીશ. હું ક્યારની તને ઓળખી ગઈ છું.’
વીરાજી પકડાઈ ગયો, પરંતુ એના હૃદયમાં બીજો ઘા પડ્યો. ખાખીઓની સોબતમાં એણે થોડા વિષપ્રયોગો શીખી લીધા હતા, અને ધતૂરાના ઉપયોગમાં એણે સ્વમાન શોધ્યું. ગુરુએ બતાવેલું. ધતૂરાનું પ્રમાણ વીરાજીને હાથે વિષમ બની ગયું અને દેવતામાં નાખેલું ઝેર આંખને ક્ષણિક – આઠક દિવસની અસર કરવાને બદલે કાયમની અસર કરી ગયું. સતત ચોકી રાખતા વીરાજીએ જોયું કે તેની વિરૂપતાનું વેર જીવનપર્યંત પહોંચે એવું ઘેરું બની ગયું છે. ચંચળને આખો જન્મારો અંધ રાખવાની વીરાજીની ઇચ્છા હતી જ નહિ. અને છતાં પોતાનું મહત્ત્વ દર્શાવવા જતાં ચંચળની આંખો એ પ્રેમીને જ હાથે ફૂટી !
‘એમાં તું રડે છે શાનો ? સારું થયું મારી આંખ ગઈ તે !’ ક્લેશમાં ગરકાવ થયેલા વીરાજીને એક દિવસ ચંચળે કહ્યું.
‘શું સારું થયું ?’
‘તારે માટે નહિ, મારે માટે સારું થયું.’
વીરાજીએ ડૂસકું ખાધું. ચંચળે વીરાજીનો કાળો હાથ સ્નેહથી પોતાની આંગળીઓમાં સમાવ્યો અને જવાબ ન આપતા વીરાજીને ચંચળે પોતાના હૃદયની વાત કહી.
‘તારે માથે તો હું ભારણરૂપ બની છું, પણ મને આંખો જતાં વીરાજી ગમતો થઈ ગયો. તારી અને મારી વચ્ચે એ આંખો જ આવતી હતી, નહિ ?’ ચંચળે કહ્યું.
વીરાજીએ તો ય કશો જવાબ ન આપ્યો.
પરંતુ વર્ષો થયાં અંધ ચંચળના દેહને અને જીવનને વીરાજી જરા ય કંટાળ્યા વગર દોર્યે જાય છે. પૈસા ખૂટે છે એટલે હાર્મોનિયમને ઊંચકી ચંચળને અતિશય નાજુકીથી દોરી કદરૂપો વીરાજી શેરીઓમાં ફરે છે. ચંચળને રસોઈ કરી જમાડવી, પાણી ભરવું, ઘર સાફ રાખવું એ બધું ય વીરાજી કરે છે અને ચંચળ એમાં જોર કરીને ભાગ પડાવવા જાય ત્યારે પ્રેમથી એને ઊંચકી દૂર બેસાડી એ ગાય છે :
‘યે દો નયના મત ખાઈઓ, પિયામિલનકી આસ.’
એ બન્ને પરણ્યાં કે નહિ તેની કોઈને ખબર નથી. બન્ને ભેગાં જ રહે છે અને ચંચળના સ્મિતથી અપૂજ દેવની ઓસરી ઉજ્જ્વળ રહે છે. સહુ કોઈ માને છે કે એ બન્ને પતિ પત્ની છે. જીવનમાં વધારે વિધિની જરૂર છે ખરી ? અલબત્ત, વીરાજીનું નામ ચંચળ બહુ વખત ઉચ્ચારતી નથી. એના રૂપાળા મુખ ઉપર હજી પણ એ નામ ઉચ્ચારતાં લાલાશ આવી જાય છે.
જીવનમાં ઘણી યે વાર રૂપ અને પ્રેમ વચ્ચે પસંદગી કરવાની જરૂર પડે છે – રૂપાળાં મોહક યુગલોને પણ.
અને રૂપ એટલે ? દેહ કે દિલ ?