રસબિંદુ/સ્વર્ગદ્વાર
← રસબિંદુ/કદરૂપો પ્રેમ | રસબિંદુ સ્વર્ગદ્વાર રમણલાલ દેસાઈ ૧૯૫૭ |
મહાન લેખક → |
સ્વર્ગદ્વાર
મારી આંખ ઊઘડી ત્યારે હું સ્વર્ગના દરવાજા આગળ ઊભો હતો.
પરંતુ દરવાજા બંધ હતા !
સ્વર્ગની આસપાસ અવનવી કિલ્લેબંદી હતી – જાણે મધ્યયુગનો કોઈ રજવાડી ગઢ ! પરંતુ પૃથ્વી પરના ગઢ કરતાં એ ઘણો મોટો, અતિ વિસ્તૃત, નજર પણ ન પહોંચે એવો વિશાળ !
કિલ્લાની પાછળ અનુપમ પ્રકાશ ઝબકી રહ્યો હોય એવો ભાસ થતો હતો. સુંદર ગાનન ભણકારા પણ વાગ્યા કરતા હતા. સ્વર્ગ એટલે પરમ સુખનું સાતત્ય ! દરવાજો ઊઘડે અને હું અંદર જાઉં એટલી જ વાર ! પછી સંગીત, નૃત્ય, અમૃત, સૌન્દર્ય, ઇન્દ્રધનુષ્યનાં વિમાન, ચંદ્રતેજના ફુવારા…
પણ હજી કેમ કોઈ દરવાજા ઉઘાડતું ન હતું ? હું તો ક્યારનો અહીં ખોટી થાઉં છું.
બૂમ પાડું ?
‘ખોલો, ખોલો, અય સ્વર્ગના દરવાનો ! દરવાજા ખોલો.’
મેં બૂમ મારી. જવાબ મળ્યો ? ના, ના. એ તો પડઘા પડે છે મારી જ બૂમના !
‘ક્યાંથી ? હું ક્યાં છું ? ક્યાં ઊભો છું ? એ તો ચોક્કસ જ છે કે મારી સામે સ્વર્ગનો જ દરવાજો ખડો છે ! તેજભર્યા અક્ષરે અહીં લખ્યું છે ને ?—
‘સ્વર્ગ.’
ધનિકો અને શૉખીનો પોતાના બંગલા, બાગ અને બગીચાને નામ આપે છે અને સુશોભિત પાટિયાં ચોડી એ નામને જગજાહેર કરે છે. મારા બંગલાનું મેં શું નામ આપ્યું હતું ?
...કુટિર... કેવી કુટિર ? હાં હાં; યાદ આવ્યું. એનું નામ તો ‘માયામઢુલી !’
સ્વર્ગનું અનુકરણ પૃથ્વી કરે છે કે પૃથ્વીનું અનુકરણ સ્વર્ગ ? સ્વર્ગ પણ સુધરેલું તો હોવું જ જોઈએ. આ અક્ષરો વગર ખબર શી પડે કે સ્વર્ગ આ જ છે ?
કેટલો વિચાર કરીને મેં એ નામ આપ્યું હતું ? દયાદેવળ, મહેમાનમંદિર, ધર્મધામ ને કરુણાકુંજ જેવાં પાટિયાં પણ ચિતરાવ્યાં હતાં. એ બધું કાઢી નાખી અંતે મેં મારા નિવાસનું નામ ‘માયામઢુલી’ રાખ્યું ! કેવું સાદુ, અભિમાન રહિત નામ ? મારી સાદાઈ. મારું નિરભિમાન, મારી દયા, મારી મહેમાનગીરી, મારાં ધર્મકાર્યો, અને અને... મારી કરુણા... મને અહીં સ્વર્ગના દ્વારે પહોંચાડે છે, નહિ ?
પણ આ દરવાજા કેમ હજી ખૂલતા નથી ? મેં કેટલી વાર બૂમ પાડી હશે ? અમુક સમયે જ દરવાજા ખૂલતા હશે ? કશું નિયમિતપણું તો હોવું જ જોઈએ. પરંતુ માનવીનાં મૃત્યુ ઓછાં નિયમિત હોય છે ? સ્વર્ગને પાત્ર માનવીઓ માટે તો દરવાજા ખુલ્લા જ રાખવા જોઈએ. આમ આવનાર મહેમાનોને બહાર બેસાડી મૂકવાનો રિવાજ પૃથ્વી ઉપર તો ઉપયોગનો છે; એથી કામની ભારે સરળતા થાય છે. પણ સ્વર્ગમાં યે આવો પાર્થિવ વ્યવહાર ? અંદર ગયા પછી એ સંબંધમાં મારે ચળવળ ચલાવવી પડશે.
વખતે દરવાનો સૂતા હોય ! અમૃત પીવાનો તેમનો સમય થયો હોય ! અમૃતની પણ જુદી જુદી વાનીઓ બનતી હશે, નહિ ? કે પછી શરબતની માફક એ પ્રવાહી અમૃત જ પીધા કરવાનું ? એનો કેવો સ્વાદ હશે ? મધને મળતો ? લીંબુની સહજ ખટાશ એમાં ખરી કે નહિ ? અગર શેમ્પેનનો સ્વાદ – ભણકાર તો એમાં નહિ હોય ? એકલી મીઠાશ જ એમાં ભરી હોય તો પેલી કહેવત ખોટી નહિ પડે ? અમૃત પીતાં હું તો ધરાઈ જાઉં – જો એ માત્ર મીઠાસને જ અર્ક હોય તો ?
મને જરા દરવાજો ઠોકવા દો. ત્યાર વગર એમને ખબર નહિ પડે કે સ્વર્ગનો એક અધિકારી દરવાજા બહાર વગર કારણે સમય વિતાવતો રોકાઈ રહ્યો છે ! પૃથ્વીના સરખો અહીં ‘કૉલ બૅલ’ કેમ નહિ રાખ્યો હોય ?
આ શું ?
દરવાજા રૂના બન્યા છે શું ? હું હાથ પછાડું છું છતાં જાણે હાથે કશું અડકતું જ ન હોય એમ કેમ લાગે છે; આ ભવ્ય કલામય દરવાજાને હું મારી આંખથી તો જોઈ શકું છું ? મારી ત્વચાનો સ્પર્શ એને કેમ થતો નથી ?
મારાથી પહોંચાયું ત્યાં લગીના ભાગને હું ઠોકી ચૂક્યો ! અવાજ તલપૂર પણ થતો નથી !
છતાં સ્વર્ગનૃત્યોની ઘૂઘરીઓનો છમછમાટ હું સાંભળું છું ! દિવ્ય વાદ્યોનાં ગુંજન મને કંપાવે છે ! શા માટે આ દ્વાર ખૂલતાં નથી ?
‘દ્વારપાળ ! દ્વારપાળ !’
મારી જ બૂમ મને પાછી મળે છે ! એક જ બાજુએથી નહિ, ચારે બાજુએથી ! માત્ર સ્વર્ગમાંથી કોઈ મને જવાબ આપતું નથી. ક્યાં સુધી મારે ખોટી થવું ? ભલભલા સાહેબો પણ મને આમ બેસાડી મૂકવાની હિંમત કરતા નહિ ! મને ખરેખર હવે ખોટું લાગશે. દરવાજા બહાર બેસવાની સગવડ કરવાનું પણ કોઈને સૂઝતું નથી. સ્વર્ગને બારણે આવું જંગલીપણું ચાલતું હશે શું ?
ના, ના. દરવાજો ઊઘડતો લાગે છે ! કશું કારણ હશે જ કે જેથી દરવાજો ઊઘડતાં આટલી વાર થઈ હશે ! ઓહોહો ! કેટલો દૃષ્ટિપ્રિય ચમકાર ! અને કેવી અદ્ભુત સુવાસ ! રાતની રાણી, પારિજાત, જૂઈ, ચમેલી... એ બધી ફૂલરાણીઓ જાણે એક બની ગઈ ! બારણાં કોણ ઉઘાડે છે ? આપોઆપ ઊઘડ્યાં શું ? બાવરો બની ઊભો કેમ રહ્યો ? ભર ડગલું આગળ !
‘કોણ છે આ ? મારે માટે ઊઘડેલા દરવાજામાં બીજું કોણ પેસી જવા મથે છે ?’ મને જાણે જોતો જ ન હોય તેમ મારી બાજુએથી અંદર પ્રવેશતા એક પુરુષનો ખભો પકડી તેને રોકી મેં તેને આહ્વાન આપ્યું. મને એની ખબર ન પડી ? એ ક્યારનો લાગ જોઈ મારી જોડે ઊભો હશે.
‘મારા પગ મને લઈ જાય છે ત્યાં હું જાઉં છું. મને ખબર નથી કે આ દરવાજા આપને માટે ઊઘડ્યા હશે. તેમ હોય તો આપ ભલે જાઓ. હું પાછો જાઉં છું.’ મને મૂકી આગળ વધી દરવાજામાં પ્રવેશ કરતા એક અશિષ્ટ, ગરીબ અને સભ્ય સમાજમાં સ્વીકાર ન પામે એવા પુરુષે મને જવાબ આપ્યો. સમાજમાં જેને સ્થાન ન મળે તેને સ્વર્ગમાં તે સ્થાન હોય ? મેં એને ખસેડી ઊઘડેલા દરવાજાની અંદર પગ મૂક્યો.
અને આંખ મીંચી ઉઘાડતામાં મારો પગ પાછો ધકેલાયો. કોઈએ ધક્કો માર્યો શું ? બધું જ સહન કરું, પરંતુ અપમાન તો કદી જ નહિ ! ગુસ્સે થઈ હું ગાળ દેવા જતો હતો એટલામાં મેં શ્વેતવસ્ત્રધારી સૌન્દર્યસંપન્ન એક યુવકને નિહાળ્યો. બુદ્ધ સરખું તેનું મુખ મને વાગ્યું. મારા મેજ ઉપર બુદ્ધની મૂર્તિ હું સતત મૂકી રાખું છું — એક સારું મુખ નજરે પડે અને એની નીચે ઉપયોગી કાગળો પણ દબાય—
‘આપ કોણ છો ? આપનાથી અંદર નહિ અવાય.’ એ તેજસ્વી પુરુષે મને કહ્યું.
હું ગમે તેવા તેજસ્વી પુરૂષથી પણ અંજાઉં એમ નથી. મેં મારો આછો ક્રોધ પ્રગટ રાખી કહ્યું : ‘તમે કેવા માણસ છો ? સભ્યતા…’
‘હું માણસ નથી. માણસાઈનાં મંથનમાંથી ઊપજેલો હું ફિરસ્તો છું, અને આ દરવાજાની ભાળસંભાળ રાખું છું.’
‘તમે ગમે તે હો તેની મને પરવા નથી. પરંતુ તમારે સભ્ય થતાં શીખવું જોઈએ.’ મેં જવાબ આપ્યો.
ફિરસ્તો ખડખડ હસવા લાગ્યો. એનું હાસ્ય મધુર હતું, નહિ ? પરંતુ મને તો એમાં અપમાન જ લાગ્યું. મેં એના હાસ્યનો જવાબ આપ્યો : ‘હું તમારું અપમાન સહેવા આવ્યો નથી.’
‘ખરું જોતાં આપે અહીં આવવું જોઈતું જ ન હતું.’
‘કારણ ?’
‘જેનાથી ન અવાય તેની સામે આ દરવાજા બંધ રહે છે.’ ફિરસ્તાએ કહ્યું.
‘આ માણસાની સામે એ બંધ રહ્યા છે, મારી સામે નહિ.’
‘એ આપની માન્યતા ભૂલભરેલી છે.’
‘શા ઉપરથી ?’
‘જોયું નહિ કે એમના આવતાં બરોબર દરવાજા ખૂલી ગયા અને તમે અંદર પગ મૂકવા ગયા પણ પગ તો ઊપડ્યા જ નહિ ?’
‘તમે મને અટકાવ્યો લાગે છે. આ તે સ્વર્ગ કે જાદુઈ મકાન ?’
‘હું દૂર ઊભો રહું છું. હવે તમે જાઓ જોઈએ !’ ફિરસ્તાએ કહ્યું.
ફિરસ્તો સહજ દૂર ઊભો અને ઉમંગથી મેં પગ આગળ મૂક્યો.
પગ આગળ મૂક્યો કે પાછળ ? એ શું થયું ? આગળ વધવાને બદલે હું બે ડગલાં કેમ પાછો હઠી ગયો ?
‘જોયું ? હવે આ ભાઈ અંદર આવે છે એ જુઓ.’ ફિરસ્તાએ ઈશારા કરી મારી બાજુએ ઊભેલા માણસને આગળ વધવા જણાવ્યું.
‘હું મારી હાજરીમાં મારા સિવાય બીજા કોઈને સ્વર્ગમાં પેસવા દઈશ નહિ !’ આવેશમાં આવી હું પુકારી ઊઠ્યો.
‘એવી શિરજોરી કરવાનું કોઈ કારણ ?’ ફિરસ્તાએ પૂછ્યું.
‘કારણ એટલું જ કે હું મને પોતાને સ્વર્ગનો અધિકારી માનું છું.’
‘અધિકાર તો સમજાઈ ગયો. પરંતુ આપ કોણ છો ? આપ ક્યાં રહો છો ? આપે એવું શું કર્યું કે જેથી આપ પોતાને સ્વર્ગના અધિકારી માનો છો ?'
‘મારું નામ ન જાણે એવા સ્વર્ગમાં કોઈ સ્થળે અવ્યવસ્થા કે પક્ષપાત હોવાં જોઈએ.’ મેં તીખાશથી કહ્યું.
‘સ્વર્ગની પાત્રતાવાળા સહુની નોંધ અમારે ત્યાં રહે છે...’
‘પૃથ્વી ઉપરનાં વગદાર પત્રો સહજ વાંચતા રહો તો ખબર પડશે કે હું કોણ છું. મારા મૃત્યુ ઉપર મોટા મોટા અગ્રલેખ લખાયા છે, મારી છબીઓ હજી આવ્યા જ કરે છે, અનેક કવિતાઓ હજી લખાયે જાય છે, અનેક આશ્રિતો આંસુથી મારી સ્મૃતિને ભીંજવે છે...’
‘ઓહ ! પણ હજી અહીં કશી ખબર આવી નથી....’
‘સભાઓ ભરાઈ ઠરાવો થયે જાય છે અને ‘માયામઢૂલી’ને સરનામે...’
‘માયામઢૂલી ? એ કઈ જગા છે ?’
‘મારું પૃથ્વી ઉપરનું રહેઠાણ !’
‘કોઈ જંગલમાં છે? કે નદીકિનારે ?’
‘શહેરના સારામાં સારા ભાગમાં.’
‘સાધુ છો ? દેખાવ ઉપરથી લાગતું નથી.’
‘ના જી. હું દેખાવમાં માનતો નથી. સત્કાર્યમાં માનું છું.’
‘મઢૂલીમાં એકલા જ રહો છો કે બીજા કોઈને રાખો છો ?’
‘મઢૂલી ? એ તો ભવ્ય બંગલો છે!’ મેં જરા ચિડાઈને કહ્યું.
ફિરસ્તાની આંખમાં ચમકારો મને દેખાયો. સત્ય કહેવામાં મેં શી ભૂલ કરી હતી ? ફિરસ્તાના મુખ ઉપર સ્મિત કેમ રમવા લાગ્યું? અને એ સ્મિત મને ગમે એવું પણ ન હતું !
‘આપનું અપમાન ન થાય તો હું એક સાચી વાત આપને સમજાવું.’ ફિરસ્તાએ કહ્યું.
‘હું સર્વદા સત્યનો જ આગ્રહી છું. કહો….’
‘રહો છો મહેલમાં અને એને નામ મઢૂલી આપો છો ! એથી કોને છેતરવા માગો છો ?’
મને આ કથનથી જરા ખોટું લાગ્યું. હું મારા મકાનને સાદું નમ્રતાભર્યું નામ આપું તેમાં આ ફિરસ્તાને છેતરામણી શા માટે લાગવી જોઈએ?
‘પ્રશ્ન ન ગમ્યો ખરું’ ફિરસ્તાએ પૂછ્યું.
‘ના જી. હું કદી કોઈને છેતરતો જ નથી.’
‘પોતાની જાતને છેતરવાની એક ભયંકર ટેવ માનવજાતે પાડી છે. પણ જવા દો. આપને માટે પત્રોમાં અગ્રલેખ શા માટે લખાયા?’
‘હું મૃત્યુ પામ્યો માટે.’
‘આ સ્વર્ગમાં પ્રવેશ કરતા પુરુષ માટે તો કાંઈ ઉલ્લેખ આવ્યા જાણ્યા નથી. આપના મૃત્યુમાં એવું શું હતું કે જેથી આપનો ઉલ્લેખ કરવો પડ્યો ?’
ખરેખર, મને આ વાદવિવાદમાં ઊતરવું ગમ્યું નહિ. છતાં હવે સ્વર્ગને દ્વારપાળથી સાચી વાત છુપાવવામાં અર્થ ન હતો. અણગમતાં મારે પ્રશંસા કરવી જ પડી. હું શું કરું ? આ કથા કહેવા માંડી ત્યારે મને પોતાને જ આશ્ચર્ય થયું હું કેટલો બધા સારો માણસ છું!
‘મેં લાખોનાં દાન આપ્યાં છે!’
‘કેટલી કમાણીમાંથી?’
‘તમે ફિરસ્તાઓને વ્યવહારનું ભાન હોય એમ લાગતું નથી. સારી કમાણી હોય તો જ દાન થઈ શકે ને ?’
‘કહો, તમારી કમાણી કેટલી?’
‘તમે તો ફિરસ્તા છો કે આયપતવેરાના આંકણીદાર ?’
‘આનું દાન નોંધાયું છે, તમારું નહિ. કાંઈ ભૂલ થતી હોય તો સુધારી લઈએ.’
‘કમાણી તો નહિ કહું, પણ મારાં દાન સાંભળો. મહાબળેશ્વર, મસૂરી, ઉટાકામંડ અને શ્રીનગરમાં મેં આરામગૃહો બાંધ્યાં છે, જેમાં મારી સહી લઈ ઘણા ગુજરાતી દર્દીઓ મફત રહી શકે છે.’
‘ગુજરાતી દર્દીઓ ?...હાં, હાં, સમજ્યો. અને તે પણ તમારી સહી લઈને !'
‘પચાસ શાળાઓ મારે ખર્ચે ચલાવું છું.’
‘જેમાં ઘણાંખરાં તમારા સગાનાં છોકરાં માસ્તરગીરી કરે છે તે, ખરું ને ?’
‘ખોટી વાત. બહુ જ નજીવી સંખ્યા મારાં સગાંની છે ! ગાંધી- જયંતી વખતે વર્ષોવર્ષ હું પંદર હજાર રૂપિયાની થેલી ભેટ કરું છું.’
‘પરંતુ કહે છે ને કે તમારી મિલોમાં તો તમે ઇજિપ્ત અમેરિકાનું રૂ વાપરો છો ?’
‘તે હશે. પરંતુ મારી મિલના કાપડને સ્વદેશી તરીકે મેં સ્વીકારાવી લીધું છે, અને એના નફામાંથી હરિજનો માટે હું કૂવાઓ અને મંદિરો પણ બંધાવું છું.’
‘સારી વાત છે. પરંતુ અમારે ત્યાં નોંધાય એવું કશું હજી દેખાતું નથી. એક બાબત નોંધાવા આવતી હતી પણ તે પ્રભુએ નોંધાવા ન દીધી.’
‘એમ? એવી કઈ બાબત છે?’
‘હિંદી સૈનિકો માટે તમે કાંઈ તંબૂઓ બનાવી આપ્યા. પહેલાં તમે મફત કરી આપવાના હતા; પછી તમે તમારા દીકરાને નામે કંપની કાઢી એમાં કમિશન લીધું એટલે તમારું અહીંનું દાનખાતું ઊઘડતાં પહેલાં બંધ થઈ ગયું.’
હું ધારતો હતો એટલો બધો અજાણ્યો હું સ્વર્ગમાં નથી જ એટલું તો આ ફિરસ્તાના કહેવા ઉપરથી લાગ્યું. મારી મહત્તાનો વિસ્તાર આટલેથી અટકતો ન હતો. ફિરસ્તાઓને પણ આશ્ચર્યમાં નાખે એવાં કામકાજ મેં અનેક કર્યા છે. મેં અનેક દેવ-દેવસ્થાનોમાં મોકલાવેલી ભેટ કદાચ જુનવાણી ગણાય –જો કે એ રકમ પણ નાનીસૂની નથી. જોષી, શાસ્ત્રી, પુરાણી અને ચમત્કારી બાવાઓને પણ મેં આપેલી ભેટ નજીવી તો ન જ કહેવાય. પરંતુ આજનો યુગ માને એવું પણ મેં ઘણું ઘણું કર્યું છે અને તેને લીધે મારાં તૈલચિત્રો પણ કેટકેટલી સંસ્થાઓમાં મુકાયાં છે. એમાંથી કાંઈક કહી આ ફિરસ્તાને બોલતો બંધ કરું.
‘મેં સ્વાતંત્ર્યની લડતમાં પણ સક્રિય ફાળો આપ્યો છે.’ મેં કહ્યું.
‘એમ? ચોપડે ચડ્યો લાગતો નથી.’
‘તમારી ભૂલ થતી હશે.’
‘આપે શું શું કર્યું? સ્વાતંત્ર્યની લડત એટલે આજે ચર્ચિલ, એમરી અને ક્રીપ્સ જેવા વાણીશૂરા શાહીવાદીઓને પ્રસન્ન...’
‘નહિ, નહિં. હું હિંદસ્વાતંત્ર્યની લડત કહું છું.’
‘પાકિસ્તાની છો ?’
‘ના જી.’
‘હિંદના વિસ્તારેલા મંત્રીમંડળમાં છો?’
‘ના જી. એવા મંત્રીઓને તો જિંદગીભર ભાડે રાખું એટલો ઈશ્વરકૃપાએ હું સુખી છું.’
‘ઈશ્વરકૃપાએ ?...ઠીક, ઠીક. તો પછી આપે કર્યું છે શું ?’
‘મેં શું નથી કર્યું? ઘણા દેશભક્તોને મેં મારે ઘેર ઉતાર્યા છે. કંઈકને મેં દિવસોના દિવસો સુધી મારી મોટરકાર વાપરવા આપી છે. એક મહાસભાની બેઠક વખતે આખા રસોડાનો ખર્ચ મેં ઉપાડી લીધો હતો.નોકરી છોડી આવેલા એક સરકારી નોકરને મેં મારું જીવનચરિત્ર લખવાના કામે રોક્યો હતો –જોકે એને એ કામ આવડ્યું નહિ. કંઈકના મેં દંડ આપ્યા છે, કંઈકની મેં ટિકિટ કઢાવી આપી છે, કંઈક બહેનો માટે મેં કેદખાને કાંસકીસાબુ મોકલ્યાં છે...’
‘કેમ બોલ્યા નહિ?’ મને વિચારમાં પડી અટકી જતો નિહાળી ફિરસ્તાએ પૂછ્યું.
‘શું શું ગણાવું એની મને સમજણ પડતી નથી.’
‘એટલી મોટી યાદી છે ?’
‘હા જી.’
‘એકાદ વિગત તો કહો ?’ ‘જુઓ, મારી ત્રણે દીકરીઓ અને ત્રણ દીકરા પ્રભાતફેરીમાં ફરે છે અને એમાંથી એક દીકરો અને એક દીકરી તો કેદમાં પણ જઈ આવ્યાં છે.’
ફિરસ્તાના મુખ ઉપર અપમાનભર્યું હાસ્ય પથરાઈ રહ્યું. એણે કહ્યું:
‘પણ એમાં તમારે શું ? એ પુણ્ય તમારા દીકરાદીકરીને ફાળે જાય.’
‘તમારું સ્વર્ગ પક્ષપાતી છે. મારી મરજી અને પરવાનગી વગર એમનાથી ઘર બહાર પગ પણ મૂકી શકાત કે ?...’
‘બાળકો ઉપર આટલી બધી સખ્તી રાખો છો ? એ તો પાપ ખાતે જશે. તમારે સ્વર્ગ સિવાયના એક સ્થળે એનો જવાબ આપવો પડશે.’
આવા કચકચિયા સ્વર્ગમાં મારાથી કેમ કરીને રહેવાશે? મારી એકે ય વાતનો, મારા એકે ય કાર્યનો,મારા એકેય દાનનો આ ફિરસ્તાને જાણે હિસાબ ન હોય એમ લાગે છે ! આવા જિદ્દી વર્ગમાં રહેવાને બદલે હું પાછો જ ચાલ્યો જાઉં તો શું ખોટું ?
પરંતુ પેલો મોહક પ્રકાશ, પેલું મુગ્ધ બનાવતું સંગીત અને આ અવનવી સૌરભ મને સ્વર્ગ પ્રત્યે હજી આકર્ષી રહ્યાં હતાં. આ ફિરસ્તાને બદલે બીજો કોઈ ફિરસ્તો આવ્યો હોત તો ? આવી ઝીણવટભરી દોષદષ્ટિ એનામાં ન હોત !
આ તો કેટલું અપમાન ? કેટલો અન્યાય ? મને પગ મૂકવાની પણ મનાઈ ! ગવર્નરોએ પણ મને મળવામાં આટલી વાર કરી નથી. દેશનેતાઓ તો મને દરવાજે લેવા આવતા-જોકે ઘણાખરા દેશ- નેતાઓની ઝૂંપડીને તો બારણાં પણ હોતાં નથી, જે કોઈ વાર હું કરાવી આપું છું...અને, અને... આ ભિખારી જેવા દેખાતા માનવીનો હાથ ઝાલવા ફિરસ્તો જાય છે ? જેને અડકી સાબુએ હાથ ધોવા પડે એ માણસને આ ફિરસ્તો આટલું માન આપે છે?
‘ફિરસ્તાજી ! આપે મારું અપમાન કરવામાં કશું જ બાકી રાખ્યું નથી. કોઈ દિવસ ફંડફાળા ઉઘરાવવા પૃથ્વી ઉપર આવશો ત્યારે મારી જરૂર પહેલી પડવાની છે એ યાદ રાખજો. પરંતુ આ સ્પર્શને પણ અપાત્ર એવા માનવીનો હાથ ઝાલી આપ અંદર લઈ જવા મથો છો તો એણે મારા પ્રમાણમાં શું સત્કાર્ય કર્યું છે?’
‘સ્પર્શને અપાત્ર ? જરા એની સામે જુઓ તો ખરા કે એ કોણ છે?’ ફિરસ્તાએ કહ્યું.
મેં તેની સામે જોયું. મને ક્યારનું લાગ્યા કરતું હતું કે આ માનવીને મેં ક્યાંઈ જોયો છે ખરો; પરંતુ હજી ગડ બેઠી ન હતી.
‘એ કોણ હશે ? એને ક્યાં જોયો હશે? અરે, આમ યાદ આવે છે ને પાછો ભુલાય જાય છે !’
‘એને ન ઓળખ્યો ?’ ફિરસ્તાએ પૂછ્યું.
‘હજી કાંઈ ધ્યાનમાં બેસતું નથી...અરે, હા. મારો નોકર તો નહિ ? જીવાજી ?’ મને અત્યંત આશ્ચર્ય ઊપજ્યું. મારો નોકર સ્વર્ગમાં પેસતી વખતે મારી સાથે ઉમેદવાર?...અરે, મને પ્રવેશ મળ્યો નહિ અને એને લેવા સ્વર્ગદ્વાર આપોઆ૫ ખૂલે છે તથા ફિરસ્તો એને લેવા આવે છે ?
‘આજે ગંગા ઊલટી કેમ વહે છે? એણે કયું સત્કાર્ય કર્યું હશે ? એ તો તદ્દન અનિયમિત, રેઢિયાળ અને ચોરીનો શક જાય એવો માણસ છે ! એને તો હું આજ કાઢી મૂકવાનો હતો ! અને એટલામાં હું અહી આવી ચડ્યો ! એ પણ સાથે જ ક્યાંથી થયો?’
‘એનો અધિકાર છે માટે સ્વર્ગદ્વાર એની આગળ ખુલ્લાં થઈ જાય છે.’ફિરસ્તાએ કહ્યું.
‘પણ આ તો અક્કલ બહારની વસ્તુ લાગે છે. હું લાખોનું દાન કરનાર; એને સ્વર્ગ નહિ ! અને જેની પાસે દાન માટે એક પાઈ પણ નથી, તેને સ્વર્ગમાં સ્થાન !’
‘તમે લાખનું દાન કરોડમાંથી કરો છો. માનવ જાત કદાચ એથી ચકિત થાય; પરંતુ આ માનવીએ તો પોતાનો કોળિયો જતો કરી બીજાને જિવાડ્યો છે...’
‘એટલે?’
‘તમારે ત્યાંથી મજુરી કરી થાકીને એ પોતાની ઝૂંપડીમાં ભર બપોરે આવી જમવા બેઠો. જમવાનું તો શું હોય? જુવારનો રોટલો અને મીઠું...’
‘ગરીબ માણસ બીજું ખાય પણ શું ?’ મેં જરા દમામથી કહ્યું.
‘એણે તો તે પણ ન ખાધું. ભૂખે તરફડી ગયેલી એક ભિખારણ એની ઝૂંપડી પાસે આવી મૂર્છા ખાઈ પડી. આ જીવાજીએ ભૂખ વેઠી લીધી અને પોતાનું અન્ન તેને આપ્યું. તમે એકાદ દિવસ એમ કરી જુઓ, પછી, સ્વર્ગની ઉમેદવારી નોંધાવો.’ફિરસ્તો બોલ્યો.
‘પણ વગર જરૂરે હું ભૂખે મરું?’
‘હજી તમે અહીં આવી શકો એમ નથી જ; પાછા જાઓ. તમને સ્વર્ગના માર્ગની માહિતી જ નથી !’
‘એ માહિતી ક્યારે થશે?’ મેં પૂછ્યું.
‘આ જીવાજીને પગલે ચાલો ત્યારે.’
‘જીવાજીને પગલે? એ તો ચોર પણ છે. હમણાંની મારા ઘરમાં પરચૂરણ ચીજોની ચોરી થાય છે, તેમાં એનો હાથ હોય એમ હું માનું છું. એવા ચોરને તમે સ્વર્ગમાં રાખો છો?’
‘આપની ચોરીઓ ગણાવું?’ ફિરસ્તાએ સહજ આંખ કપરી કરી કહ્યું.
‘મેં કદી ચોરી કરી નથી. પરંતુ કોણ જાણે સ્વર્ગમાં ચોરીની શી યે વ્યાખ્યા થતી હોય ! ઊંડા પાણીમાં ઊતરતાં મારે વ્યવહાર- દૃષ્ટિએ ડરવું જોઈએ.
‘આવો. જીવાજી ! પધારો આ સ્વર્ગમાં. તમારા શેઠને પૃથ્વી ઉપર પાછા હડસેલી મૂકીએ, સ્વર્ગમાં આવતાં પહેલાં હજી ઘણું ભ્રમણ એમણે કરવું પડશે.’ ફિરસ્તાએ કહ્યું.
‘પણ હું આટલે આવ્યો, સ્વર્ગનો પ્રકાશ જોયો, સંગીત સાંભળ્યું...’ હું મારો હક્ક સ્થાપન કરવા બીજા જ મુદ્દા ઉપર ઊતરી પડ્યો.
‘એમાં તમારે આ જીવાજીનો આભાર માનવાનો છે. એવા દૈવી પુરુષનું વેરભાવે પણ તમે ચિંતન કર્યું તેથી આટલે સુધી પણ આવી શક્યા. હવે જાઓ પાછા. જીવાજી ! ચાલો મારી સાથે.’ ફિરસ્તાએ કહ્યું.
‘બાપજી ! થોડું દેવું બાકી છે, અને પેલી બાઈને હજી મરતાં વાર લાગે એમ છે. એટલું કરી લઉં, પછી આપ કહેશો ત્યાં આવીશ.’ જીવાજી બોલ્યો.
ખરેખર, જીવાજીને મેં પગાર ઉપરાંત પણ થોડા પૈસા આપ્યા હતા – ગરીબની ભીડ ભાંગવા. શા માટે મારે મારા પૈસા જતા કરવા ?
‘મારું દેવું પતે નહિ ત્યાં સુધી હું જીવાજીને છોડવા માગતો નથી.’ મેં લેણદાર બની કહ્યું.
‘અર્થના ગુલામ ! જા, પાછો જા ! અહીં ઊભા રહેવાની પણ તારી લાયકાત નથી. સ્વર્ગનો ઝાંખો પ્રકાશ પણ તને ત્યારે જ નજરે પડશે કે જ્યારે તું જીવાજીને પગલે ચાલીશ.’
ફિરસ્તો ઊડી ગયો ! પ્રકાશ સમેટાઈ ગયો ! કે સૂર્યનું કિરણ મારી આંખ ઉપર પડ્યું ? સંગીત મને બદલાયું લાગ્યું મારા બગીચાના એક વૃક્ષ ઉપર કૉકિલા ગાતી હતી ! અને છતાં આ સૌરભ !...
મેં આંખો ચોળી. હું મારી ‘માયામઢૂલી’ના પલંગ ઉપર બારી પાસે હજી સૂતો જ હતો
જીવાજીને ફૂલદાનીમાં કૂલ ગોઠવતો મેં જોયો – બહુ જ ધીમાશથી.
પલંગમાં બેસી મચ્છરદાની ખસેડી હું બહાર નીકળ્યો. જીવાજીએ વિચિત્ર ગામડિયા ઢબે સલામ ભરી.
શું પેલું સ્વપ્ન હતું ? હું સાચેસાચ સ્વર્ગ પાસે નહોતો ગયો ?
‘બાપજી ! થોડુંક દેવું બાકી રહેશે; પાંચમાંથી ત્રણ રૂપિયા લાવ્યો છું.’ જીવાજીએ રૂપિયા મને આપવા માંડ્યા.
‘શાના રૂપિયા લાવ્યો છે?’ મેં પૂછ્યું.
‘આપના દેવા પેટે. આપે કહ્યું હતું ને કે જો હું આજ સવારે રૂપિયા નહિ ભરું તો નોકરી ઉપરથી દૂર થઈશ.’ ‘ઠીક; મૂક મેજ ઉપર.’
‘બાકીના ૫છી આપીશ,આવતે મહિને.’
‘વારુ.’ મેં કહ્યું.
‘આજ ઊઠતાં મોડું થઈ ગયું હતું. એટલે ચાલવાને બદલે મેં ‘કાર’ માં ફરવા જવાનું નક્કી કર્યું. અડધે રસ્તે જઈ મેં શાોફરને પૂછ્યું:
‘જીવાજી ક્યાં રહે છે ?’
‘પાછળ રહ્યું એ તો. બંગલા પાસે જ એની ઝૂંપડી છે.’ શૉફરે કહ્યું.
‘મને ત્યાં લઈ જા.’ આજ્ઞા આપી.
શૉફરને જરા નવાઈ લાગી. પરંતુ એ આજ્ઞા પાળવા ટેવાયેલો હતો. જોતજોતામાં હું જીવાજીની ઝૂંપડીએ પહોંચ્યો. શૉફર પણ ગાડીમાંથી નીચે ઊતર્યો. ઝૂંપડીની ઓસરીમાં એક ફૂટ્યાતૂટ્યા ખાટલા ઉપર એક માંદી ગામડિયણ સૂઈ રહી હતી.
‘જીવાજી છે?’ મેં પૂછ્યું.
‘ના રે! એ તો એના શેઠને ઘેર મજૂરીએ ગયો છે.’ પેલી બાઈએ સૂતાં સૂતાં જવાબ આપ્યો.
‘એનો શેઠ કેવો માણસ છે? એના ઉપર જુલમ કરે છે. મારે એની નોકરી છોડાવી મારી પાસે રાખવો છે.’
‘બધા ય શેઠ એવા ! અને સારા માણસ ઉપર કોણ જુલમ નથી કરતું ? હું યે મરવા પડી ત્યારે જીવાજી યાદ આવ્યો !’ પેલી બાઈએ કહ્યું.
‘તું એની કાંઈ સગી થાય છે ?’ મેં પૂછ્યું.
‘એની બહેન થાઉં ! ગામબહેન !’ બાઈએ જવાબ આપ્યો.
‘ગામબહેન ?’
‘સાહેબ ! સગી બહેન નહિ; પણ એક જ ગામની દીકરી – એટલે ગામબહેન કહેવાય.’ મારા શૉફરે મને આ અવનવા સગપણની માહિતી આપી. મારા જ ગામની કોઈ દીકરીને મેં આ પ્રમાણે રાખી હોત ખરી ?
‘તે એની સારવાર જીવાજી કરે છે ?’ મેં પૂછ્યું.
‘ભલો માણસ-ચક્રમ જેવો છે એટલે આવી કંઈક પીડા પોતાને માથે ઊભી કરે છે !’ શૉફરે કહ્યું.
પેલી સ્ત્રીની આંખમાં તેજ આવ્યું. એની નજર તીરછી થઈ. વગર બોલ્યે એણે શૉફરને જાણે ઠપકો આપ્યો હોય એમ મુખ કરી પાસું બદલી નાખ્યું.
જીવાજી એના કામમાં કદી કદી કેમ અનિયમિત થતો હતો તેનું કારણ મને સમજાયું.
‘પણ એની સારવારનો ખર્ચ ક્યાંથી લાવે છે?’ મેં પૂછ્યું.
‘એ એમ જ. વધારાની મજૂરી કરે, અમારા જેવા પાસેથી ઉછીના પૈસા લે, અને મહામુસીબતે પાછા આપે. આજે જ એણે પાંચ રૂપિયા મારી પાસેથી લીધા.’ શૉફરે કહ્યું.
‘પાંચ ? શા માટે?’
‘આપને પાછા આપવાના હતા ને ! આપે સખ્તી ન કરી હોત તો એમ ને એમ લંબાયા કરતા.’
પણ મને તો જીવાજીને ત્રણ જ રૂપિયા આપ્યા હતા!
હું ઘેર પાછો આવ્યો આજ મને ચેન પડતું ન હતું. આજ બધું જ કામ મેં બાજુએ મૂકી દીધું અને આશ્રમ ભજનાવલિનાં ગીતો વાંચતો હું બેઠો. જમવામાં પણ મારું ચિત્ત હતું નહિ; કાગળો લખવામાં પણ મારું ધ્યાન ગયું નહિ; સલાહ પૂછવા આવનારાઓને મેં મુદ્દત આપી.
ત્રીજે પહોરે હું ફરી પગે ચાલતો ચાલતો જીવાજીથી ઝૂંપડી તરફ આવ્યો. જીવાજી કશું છોલી રહ્યો હતો. એણે મારા ભણી જોયું ન હતું, એટલે ધીમે પગલે હું જઈ તેની પાછળ ઊભો. જીવાજીની પાસે એક નાની સાદડી ઉપર ફળનો ઢગલો પડ્યો હતો અને પાસે કાચનો એક પ્યાલો તથા રસ કાઢવાનું યંત્ર પડ્યાં હતાં !
આ ઘેલો માણસ શું કરતો હતો ?
માંદી બાઈએ મારા તરફ જોઈ જીવાજીને ધીમેથી કહ્યું :
‘ભાઈ! જો ને, કોઈ આવ્યું છે.’
જીવાજીએ પાછળ જોયું અને ચમકીને તે ઊભો થઈ ગયો.
‘બાપજી, તમે?’ જીવાજીથી બોલાઈ ગયું. મારા જેવો વિશ્વવિખ્યાત ધનાઢય અને નેતા એના સરખા નોકરની ઝૂંપડીએ આવે ત્યારે આશ્ચર્ય અને ભય સિવાય બીજી કઈ લાગણી ઊપજે?
‘શું કરે છે, જીવાજી?’
કાંઈ નહિ, સાહેબ ! આ જરા ફળનો રસ કાઢી મારી બહેનને આપતો હતો.
‘એ તારી બહેન છે?’
‘હા જી. સગી તો નહિ... પણ એથી યે વધારે અમે નાનપણમાં ભેગાં રમેલાં.’
‘પણ આ ફળનું ભૂત તને કોણે બઝાડ્યું ?’
‘શું કરું, બાપજી ! ડાક્ટર વૈદ્ય કહે એ કરવાનું. નહિ તો મારી બહેન નહિ.’
‘તે પૈસા ક્યાંથી લાવે છે?’
‘ભગવાન આપી રહે છે. બહેનને સાજી કરવી હશે તો ગમે ત્યાંથી એ પૈસા મોકલાવશે.’
‘પણ જો, જીવાજી ! આજે તારે મને પાંચ રૂપિયા પાછા આપવાના હતા તેને બદલે ત્રણે કેમ આપ્યા ?’
‘સાહેબ ! ખરું કહું? લાવ્યા’તો તો પાંચ. પણ આપે ત્રણ લીધા એટલે બે બચેલા રૂપિયામાંથી આ મોસંબી લઈ આવ્યો છું બહેન માટે. ચાલે એમ ન હોય તો હું ફાંફાં મારી જોઉં અને કાલ સવારે બાકીના બે રૂપિયા ભરી દઉં.’
‘અને આ પ્યાલો અને કાચનું કચરિયું-એ બધું ઠીક તેં ભેગું કર્યું છે!’ મેં ટીકા કરી.
‘સાહેબ ! સાચું કહું તો એ ચોરીનો માલ છે, આપને ત્યાંથી લાવ્યો. પાછો મૂકી દેવાનો ખરો; પણ પૂછવા રહું તો કોણ મને આપે ? ડૉકટરે કહ્યું કે ચોખ્ખા પ્યાલા વાપરજે...સાહેબ ! ચોરી તો ખરીસ્તો. પણ મારી બહેન સાજી થઈ જવા આવી છે એ બધા આપના જ પ્રતાપ...એનો અને મારો આશીર્વાદ આપને અઢળક...’
હું જીવાજી સામે જોઈ રહ્યો. એ મારો મેલાોઘેલો નોકર હતો કે સ્વર્ગના તેજથી અંકિત ફિરસ્તો હતો?
‘સાહેબ! મારા ભાઈને કાઢી ન મૂકશો. મને તો એણે જિવાડી, પણ હજી મારાથી એને માટે મજૂરી થાય એમ નથી. થોડા દહાડા એને નભાવી લેજો. તમે તો મોટા માણસ...’ પેલી સ્ત્રીએ આજીજી- પૂર્વક સૂતાં સૂતાં મને બે હાથ જોડી વિનંતી કરી.
હું મોટો માણસ, નહિ? હું નમસ્કારને પાત્ર, ખરું?
મને લાગ્યું કે જીવાજી મારા કરતાં મોટો માણસ છે. એ મારા પણ નમસ્કારને પાત્ર છે.
‘જીવાજી ! બહેનને દવા અને રસ પાઈ મારી સાથે ચાલ.’ મારી આંખમાં આવી ગયેલાં અશ્રુબિંદુને રોકી મેં કહ્યું.
ઘેર જતાં જતાં દરવાજા ઉપર ટાંગેલું ‘માયામઢૂલી’નું પાટિયું મેં કાઢી ફેંકી દીધું.
ટોપલો ભરીને ફળ મેં જીવાજીને આપ્યાં, અને એની બહેન માટે એક સારો ખાટલો,ગોદડાં અને મચ્છરદાની મોકલવા મેં આજ્ઞા કરી.
એથી શું ? ક્યાં જીવાજી, અને ક્યાં હું ? એના અને મારા હૃદયની કક્ષા વચ્ચે આકાશપાતાળ જેટલું અંતર !
એક કલાકાર મારું તૈલચિત્ર તૈયાર કરી મારી પસંદગી માટે સાંજે લઈ આવ્યા. ત્રીસ જગાએ મુકાયેલાં મારા તૈલચિત્રોમાં આ એકત્રીસમું વધવાનું હતું.
મેં ચિત્રકારના જ દેખતાં મારા એ કહેવાતા સુંદર ચિત્રને લાત મારી ફાડી ફેંકી દીધું ! જીવાજીને મારી પાસે બોલાવ્યો અને એની તરફ આંગળી ચીંધીને મેં ચિત્રકારને વિનંતી કરી :
‘આ મારા ગુરુનું તૈલચિત્ર મને કાઢી આપો; રાત્રે સૂતી વખતે અને સવારે ઊઠતી વખતે એની સામે જોઉં એમ એ ગોઠવવું છે!’
ચિત્રકારે મને પાગલ માન્યો હશે. જીવાજીને પણ કોણ જાણે શું લાગ્યું હશે !
પલંગ છોડી જમીન ઉપર એ રાત્રે મેં પથારી કરાવી – હાથે કરી લીધી – ત્યારે મારી પત્નીને પણ નવાઈ લાગી !
મારી સામે બિડાયેલાં સ્વર્ગનાં દ્વાર ઉઘાડવા મારે શું શું જતું નહિ કરવું પડે ?
જાતને પહેલી અળગી કરવાની, નહિ ?