← કદરૂપો પ્રેમ રસબિંદુ
મહાન લેખક
રમણલાલ દેસાઈ
૧૯૫૭
સંગીત સમાધિ →





મહાન લેખક


‘પ્રભુ ! મને મહાન બનાવ.’

એ પ્રાચીન કાળની જ માગણી નથી. આજ પણ માનવી એ જ માગે છે. કદાચ પ્રભુમાં શ્રદ્ધા ન હોય તો કુદરતને એ સ્થાને બેસાડી માનવી વર માગે છે :

‘હે કુદરત ! મને મહાન બનાવ.’

ઈશ્વરમાં સમજ ઓછી પડે એટલે માનવી કુદરતને ઓળખવા જાય છે. કુદરત ને ઓળખતાં એ પાછો ઈશ્વરને શોધવા મથે છે. ઈશ્વર અને કુદરત માનવીની ઈચ્છા પ્રમાણે કાયાપલટ કરે છે અને માનવી માગે છે એ આપે છે.

સનાતને વર માગ્યો :

‘હે પ્રભુ – કુદરત ! મને મહાન બનાવ.’

પ્રભુએ કે કુદરતે તેને પૂછ્યું :

‘કઈ બાબતમાં તને મહાન બનાવું ? મહત્તાનાં તો અનેક ખાનાં છે.'

‘તે હું નક્કી કરીશ. હમણાં તો મને વરદાન જોઈએ કે જેથી હું મહાન બનું.’ સનાતને કહ્યું.

પ્રભુએ કુદરતે એને વર આપ્યો : ‘તથાસ્તુ!’

સનાતનની ચારે બાજુએ મહત્તાનાં દ્વાર ખુલ્લાં થઈ ગયાં, અને મહત્તાનો વિસ્તાર અને વૈવિધ્ય જોઈ તેને ભારે મૂંઝવણ થઈ.

‘આવડો મોટો ભંડાર ! મારાથી કેમ લેવાશે ? કેટલું લેવાશે ?’

મહત્તાના એક ભવ્ય વિભાગ તરફ એણે નજર કરી. કીર્તિ સ્તંભોની ઊંચીનીચી હાર એટલી લંબાઈ હતી કે તેની દ્રષ્ટિ આખા વિભાગ સુધી પહોંચી પણ ન શકી. કેટલાક કીર્તિસ્તંભો ઉપર જીવંત મૂર્તિઓ દેખાતી હતી; કેટલીક ઉપર એ મૂર્તિઓ ઝાંખી પડી ગઈ હતી, અને અસંખ્ય કીર્તિસ્તંભો મૂર્તિ વગરના પણ હતા.

કેટલીક જીવંત મૂર્તિઓને તો એણે ઓળખી પણ ખરી.

પેલો તો કૈસર ! જર્મન જંગ મચાવનાર મહા પરાક્રમી પુરુષ ! આખું જગત એને યાદ કરતું હતું. કેવો ભવ્ય લાગે છે !

પણ પેલો નેપોલિયન બીજા સ્તંભ ઉપરથી કૈસરને કેમ હસી રહ્યો છે? કૈસર જાતે દેશનિકાલ થયો; નેપોલિયન કેદી બન્યો. બંને મહાન પુરુષો... પણ પરાજિત ! મહત્તામાં પરાજય પણ ખરો શું ?

ચંગીઝ અને તૈમૂર પરાજયની ના પાડે છે ! ખોપારીઓના કીર્તિસ્તંભ ઉપર એ બંને બેઠા છે ? એશિયા અને યુરોપને ધ્રુજાવનાર એ મહાન...પણ એમની મહત્તાનાં પ્રતીક રાજ્યો ક્યાં ગયાં ? કેટલાં વર્ષ એમણે મહત્તા ભોગવી ?

જૂલિયસ સીઝર તો પોતાના કીર્તિસ્તંભ ઉપર બેઠો બેઠો સહુને વિનવે છે કે :

‘જોજો, મને ભૂલી જતા.’

હૅકટર અને અકીલીઝ, રામ અને કૃષ્ણ, ભીમ અને અર્જુન... કીર્તિસ્તંભ ઉપરથી ઓળા તો બહુ મોટા પાડે છે. પરંતુ કેટલા ઝાંખા એ સહુ બની ગયાં છે ? તથા એ કીર્તિસ્તંભમાંથી કેટલાક તો પડતા જાય છે ! વિક્રમ ? શાલિવાહન ?... નામ જ ઊકલે છે; એ જાતે તો કીર્તિસ્તંભ જોડે પડતા દેખાય છે ! બન્ને કોઈ સંવતશકના દોરને વળગી રહ્યા છે અને તેમના સ્તંભ તો આ પડ્યા !

પાછળ નિસાસા નાખતાં, ગાળ દેતાં, રુદન કરતાં પ્રેતોનો સમૂહ કેમ ભેગો થાય છે?

એકએકથી મોટા કીર્તિસ્તંભો હજી ખાલી પડ્યા છે ! સનાતનને જાણે બોલાવતા ન હોય ?

સનાતને એકાએક ના પાડી. એના મુખ ઉપર જુગુપ્સાનો ભાવ પ્રગટ થયો.

‘ના, ના આ સંહાર ઉપર રચાયલી મહત્તા મારે ન જોઈએ.’

* **

એણે બીજી પાસ નજર નાખી. એ બાજુએ શાન્ત, ભૂરો પ્રકાશ છવાયો હતો. એમાં ભવ્ય મંદિર, દેવળો અને મસ્જિદો ડોકિયાં કરી રહ્યાં હતાં.

બોરોબુદૂરની દેવમાળાને કાંગરે કાંગરે ભગવાન બુદ્ધ પદ્માસનવાળી સ્મિતભરી મુખમુદ્રાથી માનવજાતને આશિષ આપતા દેખાતા હતા ! એક બુદ્ધમાંથી હજારો બુદ્ધની રચના થઈ અને ચીન, જાપાન, તાર્તરી, હિંદ, બ્રહ્મદેશ : એ સર્વ સ્થળે એની પૂજા થઈ.

પણ...પેલા બૌદ્ધધર્મી જાપાનીઓ અને ચીનાઓ એકબીજાને ફાડી ખાય છે !

હિંદમાંથી બુદ્ધને આપણે હાંકી કાઢ્યા !

અને સનાતન પાસે બુદ્ધ સરખું રાજ્ય ક્યાં હતું કે એ છોડી બુદ્ધને પગલે પગલાં માંડે?

બાલસંન્યાસી શંકરનું તેજ એમને અદ્વિતીય બનાવી રહ્યું હતું ! સંન્યસ્ત પાળવાની સનાતનની ઈચ્છા ન હતી. અને સંન્યસ્તથી મહત્તા આવતી હોય તો હિંદમાં સંન્યાસીઓની ખોટ નથી જ.

એ જ શંકરના અનુયાયીઓને મુસ્લિમોએ માર્યા, ખ્રિસ્તીઓએ માર્યા અને આજ હિંદુઓનો તેજોવધ થઈ રહ્યો છે...અરે તેઓ ગુલામોની ગણતરીમાં આવી ગયા છે.

મહમદની બાંગ જગતના મોટા ભાગને એક બનાવી રહી છે, નહિ ? નિમાઝ પઢતા એક મુસ્લિમને લાગે છે કે એની સાથે કોટી કોટી સહધર્મીઓ એક ખુદાનું ધ્યાન કરી રહ્યા છે.

શા માટે એ મહાપુરુષનું મુખ ઉદાસ દેખાય છે ? શું ઈસ્લામનો સ્થાપક એમ પૂછે છે કે ઈસ્લામ ક્યાં છે ?

ઈસ્લામ એટલે શાન્તિસ્થાપના. ઇસ્લામી જગતમાં શાન્તિ છે ખરી ? એની સ્થાપના સાઠ દિવસના ઉપવાસ અને ગુફાનું એકાન્ત ધ્યાન માગે છે ! તો ય આજનો ઇસ્લામ એટલે ? હિંદમાં પાકિસ્તાન ! અને પાકિસ્તાનના મૃત પડછાયા સરખા મોરોક્કો, મિસર, તુર્કસ્તાન, અરબસ્તાન, ઈરાન, અફઘાનિસ્તાનમાં ઈસ્લામ એટલે ગોરા ખ્રિસ્તીઓની શતરંજ કે ગંજીફાનો મહેલ !

ખ્રિસ્તી? હા, હા. ભગવાન ઈશુની યાદ આપતા ખ્રિસ્તી !

ઈશુની દયા, ભક્તિ, ઈશુનો પ્રેમ...અરે અરે ! પણ એના દેહમાં તો ખીલા ઠોકાયા છે ! અને હજી એના મુખ ઉપરનું કષ્ટ મટ્યું નથી. ઈશુનો વધ ચાલુ જ છે !

સનાતનને એ કષ્ટમય દૃશ્ય વધારે દુ:ખદ લાગ્યું. કોણ હજી એને શૂળીએ ચડાવી રહ્યું છે?

ખીલા ઠોકાવી સહુનાં પાપ પોતાને માથે ઉપાડી લેનાર એ પ્રભુપુત્રના ભક્તો જ? પ્રભુને અને ઈશુને નામે આખું જગત ગળવા તૈયાર થયેલા એ અજગરોની ભૂખ ભાંગતી જ નથી ! કાળી દુનિયાનું સોનું ખાધું, તેલ પીધું, અનાજ લૂંટ્યાં અને વરાળ, વીજળી તથા મરુતને વશ કરી પોણી પૃથ્વી ઉપર પરાધીનતા સર્જી; છતાં કોઈ વઢનાર ન રહ્યું એટલે અંદર અંદર યુદ્ધ જમાવ્યું !

ભગવાન ઈશુ તો કહે છે કે :

‘ખ્રિસ્તીઓ મારા અનુયાયી છે જ નહિ !’

સનાતન મૂંઝવણમાં પડ્યો. આ ધર્મસંસ્થાપકોની મહત્તા એમને પોતાને જ નથી ગમતી.

धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे ।

યુગે યુગે કરમાઈ જતા ધર્મને પ્રફુલ્લ રાખવા પ્રભુને અવતાર લેવાની તકલીફ લેવી પડે !

‘મારે એ ધર્મસંસ્થાપનાની મહત્તા ન જોઈએ.’ સનાતન બોલી ઊઠ્યો. રાજત્યાગ, સંન્યસ્ત, ઉપવાસ તથા શૂળી પણ ધર્મને વિશુદ્ધ રાખતાં ન હોય તો ધર્મમહત્તામાં મેળવવાનું શું ?

* **

પરંતુ મહત્તાના ઉપાસકોને મહત્તાની ખોટ લાગે એમ છે જ નહિ. પેલો ધનનો ઝબકતો વિભાગ ! વૈભવનો વિભાગ ! રોથ્સચાઈલ્ડ, રોકફેલર, કાર્નેગી, ફોર્ડ, નોબેલ, ક્રપ્સ.. અરે આપણા જ દેશના પ્રેમચંદ રાયચંદ, તાતા પિટિટ, બિરલા...વનના ડુંગરો ઉપસાવી એના ઉપર ઉભા રહી સહુનું ધ્યાન અને માન પામતા એ મહાન અર્થવીરો !

રોથ્સચાઈલ્ડે સહાય ન આપી એટલે નેપોલિયન હાર્યો... હિટલરને ક્રપ્સે ઘડ્યો.. રોકફેલર તથા કાર્નેગીએ વિદ્યા અને કળા વધાર્યાં...,પણ નાબેલના ડાઈનામાઈટે શું કર્યું ? એમણે સ્થાપેલાં વિદ્યાઆસનો -Chairsમાંથી સામ્રાજ્યવાદ, સરમુખત્યારવાદ, નાઝીવાદ જેવા માનવીની માનવતાને દાટી દેતા વિચારો અને આચારોનો જન્મ થયો, અને માનવજાતનો મોટા ભાગ – કાળો ભાગ ભૂખે મરતો બન્યો. એમના વિજ્ઞાનમાંથી વિનાશ પ્રગટ્યો – જે પૃથ્વી, પાણી અને આકાશમાંથી મોત – ભયંકર મોત ઉપજાવી રહ્યો છે !

અને ત્રણ પેઢીએ કુટુંબફેર થતી લક્ષ્મી ! લક્ષ્મીને પ્રસન્ન કરનાર પહેલી પેઢી તપસ્વીની કદાચ હોય – ધનતપસ્વીની; બીજી પેઢી ભોગોની હોય – લક્ષ્મીને દેહસુખનું સતત સાધન બનાવતી; ત્રીજી પેઢી નિર્માલ્ય કે રોગિષ્ટ દેહ તથા માનસ વિકસાવી લઇ, લક્ષ્મીનું વિસર્જન કરે છે !

‘ધનમહત્તા પણ મારે ન જોઈએ.’ સનાતને કહ્યું.

***

‘તો પછી કઈ મહત્તા તારે જોઈએ? મહતા એટલી મોટી છે કે એના પ્રકારો પસંદ કરવામાં જ તારી જિંદગી પૂરી થશે. સનાતનના હૃદયમાં વસેલા ડહાપણે કહ્યું. અને સનાતને ઝડપથી નજર ફેરવવા માંડી.

‘લોકોને મંત્રમુગ્ધ કરતો વકતા થાઉં ?’

ડિમોસ્થનીસ, સોસરો, પીટ, બર્ક, ગ્લૅડસ્ટન, બિસેન્ટ, સુરેન્દ્રનાથ ...એ મહત્તા માત્ર વ્યાખ્યાન પૂરતી જ ચાલે. આજે એ સર્વનામો ભુલાવા માંડ્યાં !

‘મુત્સદ્દી બની જગતને રમાડું ?’

મુનશીને મુંજાલ, ગોવર્ધનરામને બુદ્ધિધન...નહિ, નહિ; સાચા મુત્સદ્દીઓ ક્યાં નથી? ચર્ચિલ, ચેમ્બરલેન, બિસ્માર્ક, મેશિયાવેલી, ચાણક્ય...

પરંતુ આંટીઘૂંટી અને પેરવીઓની પરંપરા ! ઉસ્તાદીભરી ભુલભુલામણી રચવી અને તેમાં સહુની સાથે પોતે પણ ગોથાં મારવાં ! પરિણામ? પેલી કહેવતઃ ‘ભાંજઘડિયાનાં છોકરાં ભૂખે મરે !’

મુત્સદ્દીઓએ, ચાણક્યોએ જગતની સ્મૃતિમાં ભારે ઉચ્ચ સ્થાન મેળવ્યું લાગતું નથી ! એમની કીર્તિના સ્તંભ નીચામાં નીચા !

***

‘તો પછી રાજામહારાજા બનું તો ?’ સનાતને રાજમહત્તા તરફ જોયું. એમના કીર્તિસ્તંભે જીર્ણ બની ડગમગી કેમ ગયા હશે?

હવે પૃથ્વી ઉપર રાજાઓ કેટલા? બ્રિટનનો એક-જેને મારી માફક લગ્ન કરવાનો પણ અધિકાર નહિ.

ઈટલીનો બીજો ! મુસોલિની આગળ એનું નામ પણ યાદ આવતું નથી.

જાપાનનો – જવા દો એને. ગત પૂર્વજોની સાથે સંદેશા ચલાવતો ભૂવો !

પણ આપણું હિંદ? એ તો રાજાઓનો ભર્યો ભર્યો ભંડાર ! એક પાસ પૃથ્વીના રાજાઓ : ઊભા કરો; બીજી પાસ હિંદના | પૃથ્વીના પડ ઉપર વધારેમાં વધારે પંદર રાજાઓ; જ્યારે હિંદમાં પાંચસો ઉપરાંત રાજાઓની સંખ્યા !

પણ....પણ એ હિંદી રાજાઓ એટલે ? પોલિટિકલ ખાતાની પગચંપી કરતા પરાધીન પધડબંધો ! અને...

‘જવા દો ! મારે રાજા થવું જ નથી, હિંદના કે હિંદબહારના પૂતળાંના સંગ્રહસ્થાનમાં મારે ઉમેરો કરવો નથી.’ સનાતને કહ્યું.

* *"

‘તો પસંદગીમાં ઝડપ કર. વરદાન મળ્યું છે એટલે તારે મહત્તા તો સ્વીકારવી જ પડશે.’ આકાશવાણી થઈ. ‘લેખક બનું તો ?’ સનાતનના હૃદયમાં વિચાર આવ્યો. એણે મહત્તાના એક વિભાગ તરફ જોયું અને તેને લાગ્યું કે એમાં એની નજર ઠરતી હતી. વ્યાસ, વાલ્મીકિ, કાલિદાસ, હેમર, શેક્સપીયર, ગેટે, અરે...ગુજરાતના નરસિંહ, પ્રેમાનંદ, શામળ, અખો અને દયારામ પણ દેખાતા હતા, નહિ?

એમનામાં વીરોની હિંસા નહિ, ધનિકો જેવી લક્ષ્મીની નિરર્થકતા નહિ; ધર્મસંસ્થાપકોની વાડાબંધી નહિ; મુત્સદ્દીઓનું મૃત હૃદય નહિ. વગર યુદ્ધે વીર બનાય, ઓછી લક્ષ્મીમાં ધનવાનોના વૈભવ અનુભવાય, ધર્મોમાં રહેલી એકતા અનુભવાય, અને મુત્સદ્દીઓના મૃત હૃદય પાછળ રહેલું માનવ જીવન પણ ઓળખાય અને ઓળખાવાય. રાજાઓ કાં તો સત્તા રહિત કે કાં તો અતિ સત્તાધારી ! એ બંનેનાં દૂષણોથી રહિત બની એક લેખક વાચકોના હૃદય ઉપર સત્તા ભોગવે, અને તે જુલમ વગર. એમની અસર પણ ચિરકાલીન. રાજાઓ, મુત્સદ્દીઓ અને ધનિકો વિસારે પડે, પરંતુ મહાન લેખકો નહિ. ઇલિઝાબેથ રાણીનું નામ ન જાણનાર શેક્સપિયરનું નામ જાણે છે; પ્રેમાનંદના સમયમાં ગુજરાતનો સૂબો કોણ હતો તે આપણે યાદ કરતા નથી, માત્ર પ્રેમાનંદના નામને સંભારીએ છીએ. કંઈક ધનિકો એ એ સમયે વડોદરા, સુરત અને પૂનામાં હશે ! જનતાને પ્રેમાનંદનો ખપ છે, ધનિકોનો નહિ.

લેખકોના સ્મૃતિસ્તંભો કેટલા દીપ્તિમાન લાગે છે ! અને..

અને વર્તમાન પણ એની કદર કર્યા વગર રહેતો નથી ! એટલો ભૂતકાળ જ લેખકોનો પ્રશંસક નથી જ !

એટલે લેખક બનીને જીવતે જીવતે પણ મહત્તાનું ભાન તો થાય જ ! જેનું ભાન ન થતું હોય, જેનો અનુભવ ન થતો હોય, જેનો સ્વાદ લેવાતો ન હોય એવી માત્ર ભૂતકાલીન મહત્તા સનાતનને શાની ગમે ? કોઈને પણ ન ગમે. એટલે સનાતને પોતાને મળેલા વિશાળ વરદાનમાં નિર્લોભપણે મર્યાદા મૂકી નક્કી કર્યું કે–

‘હું મહાન લેખક થાઉં.’ વરદાન તો સનાતન મેળવી ચૂક્યો હતો.

જોતજોતામાં એ મહાન લેખક થયો.

* **

મહાન લેખક એટલે?

એણે વર્તમાનપત્રોમાં લખવા માંડ્યું, માસિકોમાં લખવા માંડ્યું, વાર્ષિકોમાં લખવા માંડ્યું. શરૂઆતના લેખ અસ્વીકારે તેને નિરાશ બનાવ્યો નહિ, કારણ સાથે સાથે લેખ સ્વીકારનારની સંતોષજનક બાજુ પણ તેણે અનુભવવા માંડી. પછી તો એને લેખો લખવાનાં આમંત્રણ મળવા લાગ્યાં !

એણે વાર્તાઓ લખવા માંડી, નવલિકાઓ લખવા માંડી અને નાટકો પણ લખવા માંડ્યાં. ક્વચિત નિબંધો પણ એણે સર્જવા માંડ્યા.

એક દિવસ એને આશ્ચર્યનો અનુભવ થયો.

રસ્તે જતાં લોકોએ એની સામે આંગળી ચીંધવા માંડી : ‘પેલો સનાતન ! લેખક છે…સરસ લેખક છે !’

એના ભણકાર એને કાને પડવા લાગ્યા. સનાતનને ખબર પણ ન પડે એમ એ મહાન થતો ચાલ્યો–કહો કે આમ થોડી થોડી ખબર એને પડવા પણ માંડી.

હવે એને વ્યાખ્યાનો આપવા માટે આમંત્રણો આવવાં શરૂ થયાં. લોકો એનાં વ્યાખ્યાનો સાંભળવા પણ લાગ્યાં.

પછી એની છબીઓ માટે માગણી થવા લાગી. એ ખર્ચાળ પણ મહત્તાના તત્વ સરખી પ્રવૃત્તિ એને શરૂ કરવી પડી. ઊભા રહીને, બેસીને, લખતાં લખતાં, હસતાં હસતાં, વ્યાખ્યાન આપતાં, હીંચકા ખાતાં, મિત્રો સાથે, એકલા, એમ જુદી જુદી છબીઓ વડે એ જાહેર વ્યક્તિ બની ગયો.

પ્રકાશકોએ એનાં પુસ્તકો પણ છપાવવા માંડ્યાં–માગીને.

વાચકોએ પ્રશંસાના પત્રો પણ સનાતનને પાઠવવા માંડ્યા.એમાં કેટલાક તો સંસ્કારી યુવતીઓના પણ હતા ! કોઈ ન દેખે એમ સનાતને આયનામાં નજર નાખી પોતાની મહત્તાને પિછાનવા માંડી !

એને શાંતિભરી નિદ્રા આવવા લાગી.

પરંતુ એક સારી નિદ્રાભરી રાતને અંતે પ્રભાતમાં આવેલી થોકડાબંધ ટપાલ ઉકેલતાં એક માસિકે સનાતનની મહત્તાને ઉતારી પાડવા પ્રયાસ કર્યો. એ માસિકે લખ્યું: ‘સનાતનની કવિતા જુનવાણી માનસ તરફ ઢળે છે !’

સનાતનની ભમર ઊંચકાઈ પ્રગતિને મોખરે રહેનાર સનાતનને જુનવાણી કહેનાર પણ કોઈ નીકળ્યો ખરો !

પંદર દિવસે બીજા માસિકે લખ્યું : ‘સનાતનના પત્રો નિર્માલ્ય સજજનતાના પ્રતીક છે. તાકાત હોય તો દુષ્ટતા આવે ને ?’

સનાતને જોરદાર અને અનીતિભર્યાં પત્રોની રચના કરી. એક અવલોકનકારે જાહેર વ્યાખ્યાનમાં કહ્યું: ‘આવાં નિર્લજજ પાત્રો અને નફ્ફટ વર્ણનો સનાતનની કલમે ચીતરવા માંડ્યાં છે એ નવાઈ જેવું છે. એમનું અંતઃકરણ તથા એમની કલમ ફિનાઈલમાં બોળાય તો ઠીક.’

સનાતનની નિદ્રા જરા અસ્વસ્થ બની. પ્રભુને–કુદરતને એણે કારણ પણ પૂછ્યું. એને જવાબ મળ્યો: ‘ટીકા થાય એ મહત્તાનું ચિહ્ન છે. તારે મહાન બનવું હોય તો વિરુદ્ધ વિવેચનો સાંભળવાં જ જોઈએ.’

મહાન બનવાની લાલસામાં–કે મહાનપણું ચાલુ રાખવાની આકાંક્ષામાં સનાતને ટીકાઓ પ્રત્યે ઉપેક્ષા સેવવા માંડી.

પરંતુ એ જેમ જેમ લખતો ગયો તેમ તેમ એના ઉપર વધારે ટીકા થવા માંડી. એના મુખ ઉપર એક કરચલી પડી. એ કાયમ થઈ ગઈ.

એક રાત્રે એણે મહત્તાનો ભંડાર પાછો ઊઘડેલો જોયો. કોણ કહેતું હતું કે એક કીર્તિસ્તંભ સનાતન માટે ઊભો થતો હતો ? અને એટલામાં ?...

દયારામ ડગમગતા દેખાયા ! પ્રેમાનંદ વ્યગ્ર કેમ હતા? પણે શેક્સપિયરના કીર્તિસ્તંભ પાસે શાની મારામારી થતી હતી ?

‘શેકસપિયર સરખા વહી ગયેલા નટને તે નાટક લખતાં આવડે? એ બેકને લખ્યાં છે.’

‘બેકન? પેલો લાંચિયો ઉમરાવ ? એના હૃદયમાં સામાન્ય માનવી શેક્સપિચર સરખી ઊર્મિ ઊછળે જ નહિ.’

‘શેક્સપિયર ઢોર ચારતો હતો એ જાણો છો ને?’

‘જો હવે બોલ્યા તો મુક્કાબાજી થશે...’

અને એ મારામારી પડતી મૂકી સનાતને બીજી બાજુએે દૃષ્ટિ કરી.

‘વૉલ્ટૅરના શબને તો ગટર મળી – શાનો અહીં બેસાડ્યો છે?' એક બૂમ સંભળાઈ.

સનાતને મુખ ફેરવ્યું.

‘હોમરનાં માબાપ કોણ તે તો કોઈ જાણતું જ નથી!’ એક અવાજ આવ્યો. ત્યાંથી પણ એણે મુખ ફેરવી લીધું.

સૌમ્ય હિંદમાં આવું ન હોય ! હિંદી લેખકો તરફ સનાતને નજર કરી.

‘પણ આ વ્યાસ કે કાલિદાસનાં માબાપ કોણ?’ એક પ્રશ્ન થયો.

‘મેઘદૂત રચનાર અને શાકુન્તલ રચનાર બંને એક ન હોય.’ બીજું વિધાન સંભળાયું;

‘અને પેલા પ્રેમાનંદે નાટકો લખ્યાં એવી ગપ લોકો મારે છે !’

‘ગાગરિયો ભટ !’

સનાતનને મન થયું કે એ પોતાને કાને હાથ દઈ દે. નવા સંસ્કાર આવી ગલીય મનોવૃત્તિ અને ભાષાને પોષે નહિ જ !

‘એમ ? જોવું છે ?’ સનાતનના વિચારને આહ્વાન અપાયું; અને કોણ જાણે કેમ પણ મુંબઈના રાજાબાઈ ટાવરમાં છ ટકોરા વાગ્યા ! સનાતન ત્યાં ક્યાં આવી પહોંચ્યો ? વર્તમાન સંસ્કારનું આહ્વાન એને સાંભળવાનું હતું ને ? જે સ્થળેથી અનેક ગુજરાતી વિદ્યાર્થીઓ સંસ્કારપદવી પામી રહ્યા હતા ત્યાંથી એક સુક્કો અવાજ સંભળાયો :

‘નર્મદ ! એ દારૂડિયા વ્યભિચારીને તમે વર્તમાન યુગની સાહિત્યમૂર્તિ કહો છો ?’

[] દારૂમાંથી દોલત ઉપજાવતા એક ગુજરાતી વર્ગના સાક્ષર પ્રતિનિધિની એ વાણી હતી ! સત્યકથનમાં નીડરતા દેખાડવાનો લોભ સરસ્વતીપૂજકોને પણ ગાળ દેતા ભ્રષ્ટમુખ કરી મૂકે છે. સત્યનું અભિમાન દારૂ જેટલો જ નશો ઉપજાવે છે શું ?

સનાતને ખરેખર કાન બંધ કર્યા, અને એણે ઉર્દૂ કવિ બિસ્મલને એના કીર્તિસ્તંભ ઉપર વિલંબિત ગઝલ બોલતો સાંભળ્યો :

હમારી ખાનાબરબાદી
જો પૂછે તો,અય બિસ્મિલ !
હથેલી પર જરાસી ખાક રખના
ઔર ઉડા દેના !

સનાતનનું સ્વપ્ન સમેટાયું અને એ જાગ્રત થતાં બરાબર એણે એક સત્ય દૃશ્ય જોયું. એક મિત્રોનું ટોળું તેના આવવાની રાહ જોઈ બેઠું હતું.

‘આજે આટલી વહેલી કૃપા ?’ સનાતને પૂછ્યું.

‘તમારો મહોત્સવ ઊજવવો છે.’ એક મિત્રે કહ્યું.

‘મારો ? હું જૈન ધર્મની દીક્ષા લેતો નથી. મેં ભાગવતનું પારાયણ કર્યું નથી, કે લગ્ન...’

‘શું તમે નમ્ર થાઓ છો ? તમારી સાહિત્યસેવાની કદર...’

‘અરે પણ કાંઈ પ્રસંગ વગર ?’

‘પ્રસંગ ? એ તો ગમે તે ઊભો થાય. તમારી જન્મતિથિ તમારા પહેલા પુસ્તકની પચીશી, તમારા લેખનકાર્યની ત્રીસી...’

‘પણ એમાંનું કશું જ ન હોય તો ?’

‘છેવટ કાંઈ નહિ તો તમને પચાસ વર્ષ તો થયાં ને? સુવર્ણ...?’

સનાતનની સામે જ આયનો પડ્યો હતો. સુવર્ણ મહોત્સવથી શરૂ થતા જીવનયુગમાં મસ્તક ઉપર ક્યારના શરૂ થઈ ગયેલા રૌપ્ય


  1. ૧. શ્રી સંજાણના યુનિવર્સિટી વ્યાખ્યાનોનાં સ્મરણ


. રંગને એણે નિહાળ્યો. મહત્તાની હાડમારીમાં પચાસ વર્ષ વીતી ગયાં ? બીજી બે કરચલી એના મુખ ઉપર રચાઈ હતી.

એણે મહત્તા માગી હતી. એ મહત્તા ખંડેર ન બને એવું ક્યાં માગ્યું હતું ? અને માગ્યું હોય તો તે સદા ય મળે પણ ક્યાંથી?

માનવી સ્વપ્રશંસાથી સદા ય વિરુદ્ધ જ હોય છે. પરંતુ સહુનો આગ્રહ અને પરાયા આગ્રહને વશ થવાની સરળતા, નમ્રતા અને વિવેક માનવીમાં ન હોત તો કેટકેટલા મહોત્સવો વગર જીવન ઝાંખું બની ગયું હોત ?

સનાતનનો વિરોધ શમી ગયો.અને ઉત્સવ ઊજવાયો. એના મહાન લેખકપણાને ચારે પાસથી અંજલિઓ અરપાઈ–ટીકાકારો તરફથી પણ.અને સનાતને બહુ જ નમ્રતાપૂર્વકની બિસ્મિલની ગઝલમાં જવાબ આપ્યો :–

‘હમારી ખાનાબરબાદી
જો પૂછે તો, અય બિસ્મિલ
હથેલી પર જરાસી ખાક રખના
ઔ૨ ઉડા દેના !’

સહુએ આ મહાન લેખકની મહાન નમ્રતા ઉપર તાળીઓ પાડી. ફૂલહાર લઈ ઘેર જતાં જતાં સનાતને ખરેખર ધૂળની ચપટી હથેલીમાં મૂકી એને ફૂંક મારી.

‘મારી મહત્તા આટલી જ ?’ સનાતને પોતાના મનમાં કહ્યું. અને નમ્રતાનો એક ઉગ્ર ભાવ અનુભવ્યો.

આખી સૃષ્ટિ ખડખડાટ હસી ઊઠી. સનાતન ચમક્યો. એને એ હાસ્ય પાછળ એક આકાશવાણી સંભળાઈ :

‘શો આ ઘમંડી માનવી ! ધૂળ સાથે પોતાને સરખાવી મહત્તા લે છે !’

અને સનાતનના હદયમાંથી એક પુકાર ઊઠ્યો :

‘પ્રભુ ! મને આપેલું વરદાન પાછું ખેંચી લે. મારે મહાન નથી બનવું.’

એની આંખ આગળ એક સત્ય ખડું થયું.

જે લેખનકાર્યે એને મહત્તા આપી હતી એ લેખન તો એણે આસપાસના નિત્ય જીવનમાંથી ખેંચ્યું હતું ! મહાન સનાતન ? કે સનાતનની આસપાસ રમતા અણુપરમાણુ ?

સનાતને ધૂળની બીજી ચપટી હથેલીમાં લીધી. એને ફૂંકથી ઉડાડવાને બદલે એણે પોતાને કપાળે લગાડી.